ઘૂઘવતો દરિયો - વાર્તા

Related

ઘૂઘવતો દરિયો

મેરી આંખો મે યે જો પાણી હૈ, તેરી આંખો કી હી મહેરબાની હૈ
સબ સે મુશ્કીલ તો વહ કહાની હૈ, જો કિસી કો નહી સુનાની હૈ

રોજ સાંજે અનુપ દરિયા કિનારે આવતો. એણે નિશ્ચિત કરેલા કિનારાના એક ખડક પર એ બેસી જતો. પછી તેની ડાબી ને જમણી બાજુએ વિસ્તારતા કિનારાને તાકી રહેતો.

ઘૂઘવતો દરિયો - વાર્તા
ઘૂઘવતો દરિયો

એ જે ખડક પર બેઠો હતો એ ખડક જાણે દરિયાની સપાટી પર લટકી રહ્યો હોય તેમ લાગતું હતું. એ ખડકની નીચે જ દરિયાના મોજાની થપાટો લાગીને ઊંડી ગુફા કોતરાઈ ગઈ હતી. ડાબી તરફ થોડે દૂરથી ખડકો અને રેતાળ કિનારો હતો. અને જમણી તરફ ખડકાળ કિનારો હતો. રેતાળ કિનારા કરતા ખડકાળ કિનારો વધારે આકર્ષક દેખાતો હતો.

દરિયાના મોજાઓ ખડકો સાથે અથડાઈને ઉછળતા ને પાણીની શીકરો ઉંચે ઉછળતી. પાણીની સેરો ઝણઝણ થઈને આજુબાજુ વરસી પડતી.

દરિયાના ઘૂઘવાટમાં ખડક સાથે મોજાના અથડાવાનો ' ધડામ ' અવાજ જુદો તરી આવતો. ફીણફીણ થઈને મોજુ દરિયામાં નાસી જતું. ને ફરી પાછો એ જ ક્રમ ચાલુ થતો હતો.

રસિક માણસ કુદરતની આ કરામતને જોઈ જ રાખે. ખડકમાંથી સૌંદર્ય શોધવી કાઢવાનો દ્રષ્ટિ વાળા માણસને આ સંગીતમય સૌંદર્ય જકડી ન રાખે તો જ નવાઈ!!?

અનુપ સૌંદર્યની દ્રષ્ટિ વાળો હતો. રસિક પણ હતો. ને એટલે જ તેનો નિયમિત દરિયે આવવાનો ક્રમ થઈ ગયો હશે. પણ ના, એ નિયમિત આવીને આ ખડક પર બેસે છે તે સાચું. ને પેલા પણ બેસતો તે પણ સાચું. પણ હવે તેની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. દરિયા વિશે.

ઘૂઘવતો દરિયો તેને સંભળાતો. પણ એ ઘૂઘવાટમાં તેને દરિયાનો ઘૂરકાટ લાગવા માંડ્યો હતો. ફીણફીણ થતા મોજા તેની સામે દાંતીયા કરતા હોય તેમ લાગતું. દરિયા પરથી વાતા ઠંડા પવનો તેના મોંમાંથી આનંદની 'આહ 'ને બદલે એના બદનને ' દાહ ' લગાડતા. એ મો ભીડીને દરિયાને તાકી રહેતો. તુચ્છકારની નજરે એ દરિયાને જોયા કરતો. ધીમે ધીમે તેની નજરમાં વિશાદ ઘૂંટાવા લાગતો. ક્યાંય સુધી એકધારું દરિયા સામે જોઈ રહેતો. વિષાદનું વાદળું તેની આંખમાંથી ઓગળતું ને ઉના ઉના આંસુ તેને આંખમાંથી દડવા લાગતા.

રોજ આવીને અહીં ખડક પર બેસવું, દરિયા પરથી આવતી ઠંડી લહેરોમાં ઉના ઉના આંસુ સારીને નિસાસા નાખવા. આ એની રોજીંદી ક્રિયા બની ગઈ હતી.

ઘણીવાર એણે પોતાના મનને ટપાર્યું હતું. આજે તો નથી જવું દરિયે. છતાં કોઈ અજ્ઞાત બળ તેને એ તરફ ઘસડીને લઈ જતું. એ ઢસડાઈ જતો.

રેતાળ કિનારા પર કિલ્લોલ કરતા બીજા સહેલાણીઓ જેવો એ આનંદ મેળવી શકતો નહીં. ક્યારેક તો એ વિચારના ઊંડા દરિયામાં જ ડૂબી જતો. જ્યારે એ ઝબકીને જાગતો ત્યારે દરિયાનું રૂપ બદલાઈ ગયું હોય. રાત્રિનો અંધકાર દરિયાની સપાટી પર છવાઈ ગયો હોય. દૂર દૂરથી દેખાતી કોઇક હોડી, વહાણ કે સ્ટીમરની લાઇટો ઝબુક ઝબુક થતી તેની નજરે પડતી. હતાશ થઈને ઉઠતો. ધીમે ધીમે ખડકાળ કિનારો વટાવીને દરિયાના રેતાળ કિનારે ચાલ્યા કરતો.

ભીની રેતીમાં પડતા પગલાની છાપને પાછળ ફરીને જોઈ રહેતો.

કોઈક વેળાએ ભીની રેતી પર મોડી સાંજે એક સાથે ચાર ચાર પગલાં પડતા સપાટ થયેલી ભીની રેતી પર નાજુક આંગળીઓથી ક્યારેક એકાદ નામ કોતરાયું હતું. અનુપની આંગળીઓ અનાયાસ જ તેની બાજુમાં જ કોતરી નાખતો - વિશાખા.

ને પછી અચાનક એક વિરાટ મોજું આવી ચડ્યું. બંને કોતરેલા નામ પર ફરી વળ્યુ. અનુપ ચિડાતો," જોયું વિશુ, આ ઈર્ષાળુ દરિયો? તેને આપણો પ્રેમ ખૂંચે છે. આપણા નામને પણ મિટાવી દેવા માંગે છે."

" ના તારી ભૂલ થાય છે." વિશાખા અનુપનો હાથ પકડીને કહેતી, "આપણને ઊંડા પ્રેમના સાગરમાં લઈ જવાનો સંકેત કરે છે. એમાં ઓગળી જવાનો. એકબીજાનો અસ્તિત્વ મિટાવીને એક થઈ જવાનો."

અનુપ વિશાખાના આ નવા અર્થઘટન પર વારી જ હતો. તરત જ તેની કમરમાં હાથ નાખીને તેને પાસે ખેંચતો.," એમ ત્યારે..!' કહીને વિશાખાને ભીંસી દેતો."તો પછી રાહ કોને જોવાની ?"

" હમમ....ઉં ..!"વિશાખા બનાવતી રોષ ઠાલવતાં થોડી દૂર ચાલતીને આઘી ખસીને બોલતી," ભાઈ સાહેબને કંઈક કહેવું જોઈએ..! આ જ રાહ જોઈ રહ્યા છો ને! મેં તો દિલના દરિયામાં ડૂબવાની વાત કરી છે. દેહના નહીં."

પલભર અનુપ વિશાખાને તાકી રેતો. પછી હસી પડતો," સારું.. સારું..! હવે તું મને દિલનો દરિયો દેખાડ.બંદા કૂદી પડવા તૈયાર છે."

છાતી પર હાથ મૂકીને વિશાખા બોલતી," એ અહીં છે. તને તેનો ધબકાર સંભળાય છે?"

"ક્યાં જોઉં ?"કહીને અનુપ વિશાખાની છાતી પર કાન માંડવાની તૈયારી કરતો. પણ ત્યાં વિશાખા ફરી છેડાય પડતી, "તને તો બસ આવી જ મજાક સુજે છે.!"

"મેડમ મે મજાક ક્યાં કરી? મજાની વાત કરી છે."
"જા હવે જા. તારી સાથે હવે દરિયે કદી પણ નહીં આવું."

"અરે.. બાબા, હું હવે કશી જ હરકત નહીં કરું બસ?" અનુપ લમણે હાથ દઈને દરિયાને તાકી રહેતો.

વિશાખા મંદમંદ હાસ્યની છોળો ઉડાડતી, અનુપને તાકી રહેતી.

એ પછી ધીમે પગલે ઊભી થઈને અનુપની પડખે જ ગોઠવાઈ જતી. બંને ઘૂઘવતા દરિયાનો રવ સાંભળી રહેતા. ધીમે ધીમે વિશાખા વધુને વધુ અનુપની નજીક સરકવા લાગતી. અનુપનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળતી.

હળવે રહીને તેણે અનુપના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું. આંખોથી અનુપના સ્પર્શના આનંદની અનુભૂતિ કરવા લાગી.

અનુપ તેના ગાલ પર ઉડતી વાળને લટને તાકી રહેતો. વાળની લટ ઉડી ઉડીને વિશાખાના ચહેરાને ઢાંકી દેતી. અનુપ વાળની લટને વારેવારે હટાવતો.

" શું કરે છે ?"

"કંઈ નહીં. ચંદ્ર આગળથી આ વાળની વાદળીને હટાવું છું."

ઘડીભર બંને ચૂપ થયી જતા.

"અનુપ" વિશાખાએ આંખો ખોલી," તું મને કેટલી ચાહે છે?"

" આ દરિયા જેટલી."
" દરિયા તો ડુબાડી દે."
" તું પણ પ્રેમમાં ડુબાડી દે છે."
" ને દરિયો ડુબાડીને મારી નાખે."
" તું પ્રેમમાં ડુબાડીને ફના કરી નાખે છે." હસતા હસતા અનુપે પોતાનું મોં વિશાખાના હોઠે લગાડી દીધું .

"અનૂપ....." એવો અવાજ સાંભળતા જ અનુપ ભડકી ગયો. તેના વિચારોની તંદ્રા તૂટી ગઈ. સ્વપ્નની માળા વિખરાઈ ગઈ.

" ઓહ ..!" કરીને એ જાગ્યો. ત્યારે દરિયાના પાણી ઉછળતા તેની નજરમાં આવ્યા. અને પાછળ જોયું તો સ્વાતિ કંઈક દ્વિધામાં ઉભી હતી. એ ઊભો થઈ ગયો.

"સ્વાતિ તું ?"
" ક્યાં ખોવાઈ ગયો હતો? "
"મારા ભૂતકાળના સ્વપ્નમાં હું ભૂલો પડી ગયો હતો."
સ્વાતિ બોલી, "ક્યાં સુધી બેસી રહીશ?" સ્વાતિ નજીક આવી.

" બેસ." કહીને અનુપે નિસાસો નાખ્યો.
" આજે તો મેં તારો પીછો કર્યો છે. રોજ આ સમય તું છટકી જાય છે." લાડથી સ્વાતિ બોલી.

" કેમ તને કોઈ શંકા ગઈ કે હું ...."
"હા મને એવું જ લાગ્યું. તું તારી કોઈ બીજી પ્રિયતમાને મળવા ચાલ્યો આવે છે એવું.."

અનુપે તેનો ઉત્તર ન આપ્યો. તેનું અંતર ખળભળી ગયું. એ દરિયાના મધ્યભાગે તાકી રહ્યો.

સ્વાતિએ નજીક જઈને અનુપનો હાથ હાથમાં લીધો. અનુપે સ્વાતિ સામે જોયું.

" દરિયાકાંઠે માણસ દિલ બદલાવવા આવે છે, ને તું વિશાદમાં કે વીંટળાઈ ગયો લાગે છે!"

" સ્વાતિ તારી વાત સાચી છે. મને દરિયો સુખ આપી શકતો નથી."

સ્વાતિ હસીને બોલી," દરિયો સુખ ન આપી શકે? અરે માણસ તેને જોઈને જ હળવો થઈ જાય."

" હશે, પણ મારા માટે એવું નથી."
" કેમ એમ બોલે છે તું?"
" એ તું નથી જાણતી. મેં તને જણાવ્યું જ ક્યાં છે હજી ? આપણો પરિચય તાજો છે....!" અનુપ વાક્ય ગળી ગયો.

" જો મેં તને પહેલી નજરે જોયો ત્યારથી જ મેં તને દિલથી સ્વીકાર્યો છે. તું મારી આંખોમાં જો અનુપ, મારા હૃદયને પૂછ. તને હજી મારા વિશે શંકા છે? તું મારાથી દૂર દૂર હોય એવું મને શા માટે લાગ્યા કરે છે,?" સ્વાતિના અવાજમાં ઉત્તેજના અને દુઃખ બંને હતા.

" નહીં નહીં સ્વાતિ નહીં..! તું કંઈ ગેરસમજ નહીં કરતી. તારા માટે મારા હૃદયમાં સ્થાન છે. સાચું સ્થાન. છતાં એ જ જુનું સ્થાન હજી ખાલી થઈ શક્યું નથી. થઈ શકે એમ નથી. ને એટલે જ કદાચ હું અહીં દરિયે આવી ચડું છું."

અનુપના મોં પર વેદના લીપાયેલા વાદળને સ્વાતિ તાકી રહી. એ જાણતી હતી કે અનુપ કોની સાથે વાત કરે છે. એને થયું, ગમે તે હોય પણ અત્યારે અનુપને કંઈ જ પૂછવું નથી. તેથી તેણે વાતનો વિષય બદલતા કહ્યું," જો અનુપ આ દરિયાના મોજાઓ ખડક સાથે અથડાઈને કેવો ધ્વનિ ઉત્પન્ન કરે છે નહીં !?"

પણ સ્વાતિ ક્યાં જાણતી હતી કે જે વાતથી તે અનુપને દૂર રાખવા માગતી હતી, તે જ વાતમાં તેને ધકેલી રહી હતી.

"નહીં સ્વાતિ નહીં. એ દરિયાનું મોજુ નથી. એ મોતનો કોળિયો છે." અનુપ ઉશ્કેરાઈ ગયો. સ્વાતિ તેનાં રૂપ જોઇને ડઘાઈ ગઈ.

" તું ..તું..! આ દરિયાને નથી ઓળખતી સ્વાતિ, નથી ઓળખતી..! આ તેનો ઘૂઘવાટ નથી. એ રાક્ષસી અટ્ટહાસ્ય છે. એને બીજાને તડપતા જોવાની મજા આવે છે. એ મારી ક્રુર મશ્કરી કરે છે."અનુપ આવેશમાં આવીને ધ્રુજવા લાગ્યો.

" અનુપ "સ્વાતિએ તેને બંને હાથે પકડી લીધો.
" હા સ્વાતિ હું સાચું કહું છું. મારું ચાલે તો આ દરિયાને ઉલેચી નાખું. એને સદાયને માટે મૂંગો કરી દઉં. પણ... પણ.." અનુપ રડવા લાગ્યો.

સ્વાતિ અનુપનું આ રૂપ જોઈને શું કરવું તેની દ્વિધામાં પડી ગઈ. તેણે અનુપને પોતાની પાસે ખેંચ્યો. તેના મસ્તકે હાથ ફેરવવા લાગી. અનુપને આથી કંઈક સુખ મળતું હોય તેમ તેનો આવેશ શમવા લાગ્યો. થોડીવાર શાંતિ પથરાઈ ગઈ. દરિયાના ઘૂઘવાટ સિવાય કોઈ જ અવાજ આવતો ન હતો.

સ્વાતિ અનુપના વિચારે ચડી ગઈ. એને ક્યારેય અનુપનું આવું રૂપ કે આવું વર્તન જોયું ન હતું.

પણ અનુપ સાથે એ દરિયે ક્યાં આવી હતી.! ઓફિસ ટાઇમ પૂરો થતાં જ અનુપ સડસડાટ નીકળી જતો.

પોતે ઘણી વખત અનુપની સાથે જવા જીદ કરેલી. પણ તેને ક્યારેય સાથે લીધી ન હતી. આજે સ્વાતિ અનુપનો પીછો કરતી તેની પાછળ આવી ચડી હતી. દૂર રહીને જ તે અનુપને નિહાળતી હતી.

અનુપ એ જ ખડક પર બેસી ગયો. ત્યારે સ્વાતિને લાગેલું કે અનુપ કોઈની વાટ જોતો હશે. પણ સાંજ ઢળવા આવી આછો અંધકાર પથરાવા લાગ્યો. અન્ય સહેલાણીઓ પાછા ફરવા લાગ્યા. છતાં અનુપ ઉભો થયો ન હતો. ત્યારે સ્વાતિ ધીમે ધીમે અનુપની પાસે આવી હતી.

હર હંમેશ ખુશ રહેતો અનુપનો તંગ મિજાજ જોઈને સ્વાતિ અચંબામાં પડી ગઈ. ત્યારે તેને પ્રશ્ન થયો. માણસ આનંદની પળો વિતાવવાને બદલે અહીં આવીને અપસેટ કેમ થઈ ગયો?

"અનુપ મને સમજાતું નથી કે તું દરિયા આવીને દુઃખી કેમ થઈ ગયો?" અનુપને શાંત થતો જોઈને સ્વાતિએ એના વાળમાં હાથ ફેરવતા બોલી.

" સ્વાતિ, હું દુઃખી થવા દરિયે આવું છું. અને કંઈક શોધવા. મારી ભૂતકાળની સ્મૃતિઓને એકઠી કરવા. પણ આ બેરહમ દરિયો મારા દિલમાં દાહ જગાડે છે, સ્વાતિ દાહ.." અનુપનો ચહેરો ફરી દુખથી ઘેરાવા લાગ્યો.

" અનુપ, તારું આ કારણ મને નહીં જણાવીશ?" હેત ભરી નજર સ્વાતિએ અનુપ તરફ નાખી.

"જરૂર, ક્યાંક તો મારે ઉભરો ઠાલવવો જ છે. કોઈના ખોળામાં માથું નાખીને મુક્ત મને રડવું છે આજ સુધી તારાથી ગુપ્ત રાખેલ વાતનો પડદો ઉપાડીશ જરૂર...!"

અનુપ પેલા ખડક પર બેઠો. અનુપની સામે સ્વાતિ બેઠી. દરિયાની સપાટી પરથી ઉડતા તરંગો જોવા લાગી.

" સ્વાતિ..!" અનૂપે કહ્યું.
સ્વાતિની નજર અનુપ સામે મંડાઇ. તેના મુખ પર વેદના લિપાયેલી હતી.

"મારા દિલમાં હજીયે એ ઘટનાના ભયાનક પડદા પડી રહ્યા છે.. સ્વાતિ! આવી જ એ સાંજ હતી. હું ને વિશાખા....! અનુપ અટક્યો. અને સ્વાતિ ચમકી.

"હા સ્વાતિ તું મારા જીવનમાં આવી એ પહેલા વિશાખા આવેલી. અહીં જ આ ખડક પર અમે રોજ બેસતા કંઈ કેટલીએ વાતો કરતા આ દરિયાનો ઘૂઘવાટ અમારા બંનેના જીવનમાં વણાઈ ગયો હતો. એ ઘૂઘવાટમાં અમને સંગીતના સૂર સંભળાતા. દરિયાના ઉછળતા મોજા મારા ને વિશુના જીવનમાં સુખની છોળો ઉડાવતા. દરિયો મને ખૂબ ગમતો ખૂબ..! વિશાખાને પણ ગમતો. પણ..! એક સાંજે વિશાખા અહીં બેઠેલી. હું તું બેઠી છે તેટલો દુર બેઠો હતો. એ બોલેલી. "અનુપ તું મને કેટલો પ્રેમ કરે છે?"

" સાંભળવું છે કે અનુભવ છે?" મેં કહ્યું.
" બંને.." વિશાખા આંખો નચાવતી બોલી.
 
હું તેની પાસે જવા ઉભો થયી. ડગલું ઉપાડ્યું. પણ વિશાખા ઊભી થઈ. મારી શરારતી આંખોને એ ઓળખી ગઈ. એ ના.. ના.. અનુપ, એવા શબ્દો બોલીને પાછળ હટી. પણ ત્યાં તો તેનો પગ ખડક પરથી લપસ્યો.ને...!!ને... એ ....! દરિયાનું ભયંકર મોજું એ ખડક સાથે અથડાયું." અનૂપ સ્તબ્ધ થઈને સ્વાતિ સામે જોઈ રહ્યું. આંખોમાંથી ધાર છૂટી.

સ્વાતિ તેની નજીક ગયી. વ્હાલથી તેનું મો પોતાની છાતીએ રાખ્યું,"બસ.. અનુપ.. બસ રડ નહિ.."

અનૂપ બોલ્યો,"વિશાખા એ ભયંકર મોજામાં જ ગુમ થઈ ગઈ. સદાને માટે. મારો અવાજ બેસી ગયો ત્યાં સુધી હું વિશુ..વિશુની બૂમો પાડતો રહ્યો..પણ વ્યર્થ. આ ગોઝારા દરિયાઈએ મને મારી વિશુનું શબ પણ પાછું ના આપ્યું.."અનુપ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

" સ્વાતિ...સ્વાતિ.. મને એનું શબ પણ ન મળ્યું."

સ્વાતિ અનુપની વાત સાંભળીને દ્રવી ઉઠી. ઘણીવાર સુધી બંને વચ્ચે ખામોશી તોળાતી રહી.

થોડી ક્ષણો પછી અનુપ થોડો સ્વસ્થ થયો, મારું જીવન શુષ્ક રણ જેવું બની ગયું છે. સાવ સુકુ ભઠ્ઠ." અનુપના શબ્દો ડુમાઈ ગયા.

સ્વાતિ હળવેકથી અનુપ પાસે આવી. અનુપનું મો ઊંચું કરીને તેની આંખોમાં આંખ પરોવીને બોલી," અનુપ મારી સામે જો. હું તારી વિશાખા તો નહીં બની શકું પણ તું મને એનું સ્થાન આપીશ? તારા રણમાં હું વિરડી બનવાની કોશિશ કરીશ. તારા ઉજ્જડ બાગની કૂંપળો બનીને હું ફૂટી નીકળીશ. મને.. મને...તારા..દિલમાં સ્થાન આપીશ..? ને હું તારા જીવનમાં ફરી દરિયાને ઘુઘવતો કરીશ."

અનૂપ ક્યાંય સુધી સ્વાતિના ચહેરાને તાકી રહ્યો. સ્વાતિની સચ્ચાઈ તેણે અનુભવી. ત્યાં કોઈ શબ્દની જરૂર ન હતી.

સ્વાતિના ચહેરામાં ધીમે ધીમે તેને વિશાખાનો ચહેરો ઉપસતો લાગ્યો. અને અનુપે પોતાના બંને બાહોમાં સ્વાતિને જકડી લીધી. સ્વાતિએ આંખો બંધ કરી. ને અનુપના હૃદયમાં એને ઘૂઘવતા દરિયાનો રવ સંભળાવવા લાગ્યો..


■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"