“બાયોડેટા”
બોરીવલીના એ બે રૂમ-રસોડાના નાના ફ્લેટમાં આથમતી સંધ્યાનો સમય પણ રોજ કોઈ અલગ પ્રકારનો સન્નાટો લઈને આવતો. ઘરના નાના મંદિરમાં સુધાબેન દીવાબત્તી કરીને હાથ જોડીને બેઠા હતા.
બાયોડેટા - નવલિકા
સોફા પર બેઠેલા નવીનચંદ્ર હાથમાં છાપું પકડીને બેઠા હતા, પણ એમનું ધ્યાન અક્ષરો પર બિલકુલ નહોતું. કાલબાદેવીની કાપડની દુકાને આખો દિવસ કમરતોડ નોકરી કર્યા પછી, ઘરે આવીને શાંતિથી બેસવાનો સમય થાય ત્યારે દીકરાના ભવિષ્યની ચિંતા એમને અંદરથી કોરી ખાતી. દીકરો અનિકેત ભણવામાં હોશિયાર હતો, પણ સી.એ. ની આખરી પરીક્ષામાં એક-બે માર્ક્સ માટે અટકી જતો. સાથોસાથ કોઈ કાયમી નોકરી નહોતી મળતી.
એક બાજુ કરિયર અટકેલું હતું અને બીજી બાજુ ઉંમર વધતી જતી હતી. આ બેય વાતોની વચ્ચે અનિકેતનું વેવિશાળ થવું મુશ્કેલ બની ગયું હતું. જે કોઈ સગા-સંબંધી આવે, એ પહેલાં અનિકેતની કમાણી પૂછતા અને પછી વાત આગળ વધાર્યા વગર સરકી જતા.
અનિકેત પોતાના નાનકડા રૂમમાં ટેબલ-લેમ્પના અજવાળે ચોપડામાં મોઢું નાખીને બેઠો હતો. બહાર ચાલતી માતા-પિતાની ઘૂંટાતી ચિંતા એનાથી અજાણી નહોતી. સોસાયટીના લોકો કે સંબંધીઓ જ્યારે દયાભાવથી એની સામે જોતા, ત્યારે એનું સ્વાભિમાન ઘવાતું. રાત્રે મોડે સુધી જાગતી વખતે એને થતું કે 'હું ક્યાં ઓછો પડું છું?' પણ મુંબઈની આ દોડધામમાં પરિણામ વગર મહેનતની કોઈ કિંમત નહોતી.
એક દિવસ કાલબાદેવીમાં નવીનચંદ્રની સાથે કામ કરતા એક જૂના દલાલે વિરારથી એક કાગળ આપ્યો. એ નિયતિ દેસાઈનો બાયોડેટા હતો.
છોકરી બી.કોમ. થયેલી હતી અને વિરારમાં એક નાની ખાનગી પેઢીમાં પંદર હજારની એકાઉન્ટન્ટની જોબ કરતી હતી. ઘરની સ્થિતિ એકદમ સાધારણ હતી.
બીજા જ અઠવાડિયે નવીનચંદ્ર અને સુધાબેન વિરાર જઈને નિયતિને જોઈ આવ્યા. સાદા પ્રિન્ટેડ ડ્રેસમાં સજ્જ નિયતિ ખાસ કંઈ રૂપાળી નહોતી, સહેજ ભીનેવાન હતી. પણ એના ચહેરા પર એક અજબની આત્મનિષ્ઠા અને સાદગી હતી. એનું વર્તન વિવેકી અને હસમુખું હતું.
નવીનચંદ્રને છોકરીની સાદગી જોતા ગમી ગઈ! નિયતિના પિતા નિવૃત્ત હતા અને ઘરમાં આર્થિક ખેંચતાણ સ્પષ્ટ દેખાતી હતી. નવીનચંદ્ર ત્યાં જ વાત પાકી કરી દેવાના મૂડમાં હતા. પણ સુધાબેને ખૂણામાં લઈ જઈને નવીનચંદ્રને સાનમાં સમજાવી દીધા.
ઘરે પાછા ફરતી વખતે લોકલ ટ્રેનના ધક્કા વચ્ચે નવીનચંદ્ર સુધાબેન પર ખીજાયા, "અત્યાર સુધી કોઈ છોકરી મળતી નહોતી ત્યારે તું રાત-દિવસ રડતી હતી! હવે સામેથી સંસ્કારી છોકરી મળી છે, તો તું નાકનું ટીચકું ચડાવે છે? તારા મનમાં ગણતરી શું છે?"
"તમે ઉતાવળા ન થાઓ, નવીન!" સુધાબેને ધીમેથી કહ્યું, "છોકરી સારી છે પણ દેખાવે સાધારણ છે, અને સાવ વિરાર રહે છે! અનિકેતની સી.એ.ની એક્ઝામનું રિઝલ્ટ આવી જવા દો. જો એ પાસ થઈ જશે અને સારા પેકેજની નોકરી મળશે, તો આપણને બોરીવલી કે અંધેરી બાજુની કોઈ સારા ઘરની છોકરી મળી જશે. આ નિયતિનો ઓપ્શન તો ખુલ્લો જ છે ને! ખમ્યા ભેગું થોડું વધુ ખમી જાઓ!"
નવીનચંદ્ર નિરાશ થઈને બારી બહાર જોઈ રહ્યા. એમની ઈચ્છા છોકરી ફાઈનલ કરવાની હતી, પણ પત્નીની ગણતરી સામે એ ચૂપ થઈ ગયા.
પણ નિયતિ અને અનિકેત વચ્ચે દલાલ મારફતે ફોન નંબરની આપ-લે થઈ ચૂકી હતી.
અનિકેત રોજ આખો દિવસ દાદરની લાઈબ્રેરીમાં ૧૨-૧૨ કલાક ભણતો. રાત્રે દસ વાગ્યે લોકલ ટ્રેનમાં બોરીવલી પાછા ફરતી વખતે એ નિયતિને ફોન કરતો.
શરૂઆતમાં બંને વચ્ચે સંકોચ હતો, પણ ધીમે ધીમે વાતોનો દોર શરૂ થયો. અનિકેત જ્યારે પોતાની નિષ્ફળતા, ભવિષ્યનો ડર અને ઘરમાં માતા-પિતાની ચિંતા વિશે વાત કરતો, ત્યારે નિયતિનો શાંત અને ધીરો અવાજ એને એક અદ્ભુત હૂંફ આપતો.
"અનિકેત, તમે બિલકુલ હિંમત ના હારો," નિયતિ કાયમ કહેતી, "તમારી મહેનતમાં કોઈ ખામી નથી. અત્યાર સુધી તમે એકલા જ તમારી ચિંતા કરતા હતા, હવે હું પણ ભગવાન પાસે તમારા માટે પ્રાર્થના કરું છું. મને ખાતરી છે કે મારી પ્રાર્થના મા અંબા જરૂર સાંભળશે."
અનિકેતે એક વાર હસીને કહ્યું હતું, "તું મને આ 'તમે' કહીને બોલાવે છે એ મને થોડું વિચિત્ર લાગે છે! આજકાલ તો બધા એકબીજાને નામથી જ બોલાવે છે. તું કહીને બોલાવીશ તો પણ મને કોઈ વાંધો નથી! તું મને તુંકારો કરી શકે છે."
"એ બધી મોડર્ન રીતો ભલે રહી... મને તો એવું ન ફાવે," નિયતિએ મક્કમતાથી પણ મધુર અવાજે કહ્યું હતું. "હું તો જિંદગીભર તમને આ રીતે જ માનથી બોલાવીશ. તુંકારામાં જ પ્રેમ વધુ હોય એ માન્યતા ખોટી છે. મારી દ્રષ્ટિએ, એકબીજાને આપવામાં આવતા આદરમાં જ સંબંધનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે. ચાલો હવે, તમે ફોન મૂકો અને સવારે જલ્દી વાંચવા બેસી જજો. તમારો ખ્યાલ રાખજો."
અનિકેતે નિયતિને ક્યારેય રૂબરૂ જોઈ નહોતી, પણ એના શબ્દોની સાહજિકતા અને આત્મીયતાથી અનિકેતના મનમાં એનું સ્થાન બહુ ઊંચું થઈ ગયું હતું. બંને વચ્ચે અંતરનો એક પવિત્ર સંબંધ બંધાઈ ચૂક્યો હતો.
વીસ દિવસ પછી સી.એ. ફાઈનલનું પરિણામ આવ્યું.
અનિકેત બંને ગ્રુપ ક્લિયર કરી ગયો! સાથોસાથ કેમ્પસ પ્લેસમેન્ટમાં જ તેને મલાડની એક નામાંકિત એમ.એન.સી. કંપનીમાં બાર લાખના વાર્ષિક પેકેજ સાથે સીનિયર ફાઇનાન્સ એનાલિસ્ટની જોબ મળી ગઈ.
અનિકેતે ઘરે આવીને પિતાના ચરણ સ્પર્શ કર્યા. નવીનચંદ્રની આંખોમાંથી આનંદના આસું વહી નીકળ્યા. સુધાબેન દોડીને મંદિરે ગયા અને અંબામા સામે દીવો પ્રગટાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વર્ષોની ગરીબી, આર્થિક મથામણ અને સમાજના મેણાંનો એક ઝાટકે અંત આવી ગયો હતો.
અને આ સાથે જ, સમાજમાં અનિકેતની 'માર્કેટ વેલ્યુ' રાતોરાત બદલાઈ ગઈ!
જે સગા-સંબંધીઓ અને પાડોશીઓ અગાઉ મોઢું ફેરવી લેતા હતા, એ જ લોકો હવે બાયોડેટાની ફાઈલો લઈને બોરીવલી અનિકેતના ઘરે આવવા લાગ્યા!!
પાડોશી મનસુખભાઈ અને મોટા બનેવી સમીર ટેબલ પર બાયોડેટા ગોઠવતા બોલ્યા, "સુધાભાભી! આ જુઓ, અંધેરીની પાર્ટી છે. છોકરી એમ.બી.એ. છે. અને લક્ષ્મી તો એમના ઘરે તોરણની જેમ ઝૂલે છે! અનિકેતના સી.એ. બનતા જ એમના ફેમિલી તરફથી સામેથી પ્રપોઝલ આવ્યું છે. એ લોકો અંધેરીમાં જ થ્રીBHK ફ્લેટ આપવા તૈયાર છે!"
સમીરે પણ બીજો પોર્ટફોલિયો બતાવ્યો, "મમ્મી, આ સાઉથ બોમ્બેના મોટા ટેક્સટાઇલ બિઝનેસમેનની દીકરી છે. અનિકેતને પોતાની કંપનીમાં જ ડાયરેક્ટર બનાવી દેશે!"
સુધાબેનની આંખો આ બધું જોઈને ચમકી રહી હતી. એમનો ઊંચા ઘરમાં વેવિશાળ થઈ જાય તો સમાજમાં મોટું નામ થઈ જાય આવો અહંકાર જાગી રહ્યો હતો. એમણે જુહુ અને અંધેરીના બે હાઈ-પ્રોફાઈલ બાયોડેટા અલગ તારવીને ટેબલ પર મૂકી દીધા!
સાતમ-આઠમની રજાઓ આવી ત્યારે અનિકેતે કહ્યું, "મમ્મી, હું ઓફિસના મિત્રો સાથે ત્રણ-ચાર દિવસ બહાર ફરવા જાઉં છું. લગભગ પાંચેક દિવસમાં પાછો આવી જઈશ."
સુધાબેને ખુશીથી કહ્યું, "હા બેટા! હવે તો ભગવાને આપણી સામું જોયું છે. તું તારે શાંતિથી ફરી આવ. તું આવે એટલે આપણે આ અંધેરી અને જુહુવાળા બાયોડેટામાંથી એક જગ્યાએ પેડા વહેંચી જ દેવા છે!"
જન્માષ્ટમીથી બરાબર પાંચમા દિવસે અનિકેત ઘરે પાછો આવ્યો.
એ રાત્રે હોલમાં નવીનચંદ્ર અને સુધાબેન બેઠા હતા. સુધાબેને પેલા બંને મોટા ઘરના બાયોડેટા અનિકેતના હાથમાં મૂક્યા. અનિકેતે એ કાગળો પર માત્ર એક નજર નાખી, એને ટેબલે બાજુ પર મૂક્યા અને એકદમ ફિક્કું હસ્યો.
"મમ્મી, હું ક્યાંય ફરવા નહોતો ગયો," અનિકેતનો અવાજ શાંત પણ એકદમ ગંભીર હતો. "હું વિરાર ગયો હતો, નિયતિના ઘરે. અને હું એના પરિવાર સાથે આપણો સંબંધ ફાઈનલ કરીને આવ્યો છું."
સુધાબેન અને નવીનચંદ્ર સ્તબ્ધ થઈ ગયા!
"પણ બેટા... તારે અમને પૂછવું તો જોઈતું હતું!" સુધાબેનનો અવાજ આઘાતથી ધ્રૂજી રહ્યો હતો. "આપણે હજુ ક્યાં કંઈ નક્કી કર્યું હતું? તારે તો ખાલી જોવા જવાનું હતું, અને તું તો સીધું નક્કી જ કરીને આવી ગયો? હવે તું બાર લાખ કમાય છે! આટલા મોટા ઘરના સગપણ છોડીને તું એ વિરારની સાધારણ છોકરીને ઘરમાં લાવશે?"
"મમ્મી, અમુક વાતો સમજવાની ન હોય, અનુભવવાની હોય છે," અનિકેતે માતા-પિતા પાસે બેસતા કહ્યું. "હું નિયતિને ક્યારેય મળ્યો નહોતો, પણ રોજ રાત્રે એની વાતોથી મેં એને અનુભવી હતી. મને ખબર પણ નહોતી મમ્મી, પણ હું પાસ થાઉં અને મને નોકરી મળે એ માટે એ મહિનાઓ સુધી એકટાણા કરતી રહી! નિસ્વાર્થ ભાવે...
અને એ જાણ્યા વગર કે આપણો સંબંધ થશે કે નહીં! જ્યારે મેં એને મારા રિઝલ્ટના સમાચાર આપ્યા, ત્યારે એ ફોન પર ખુશીથી રડી પડી હતી. કોઈ બીજાની શુભભાવના તમારા માટે આટલી હદે ખુશીનું કારણ બને, ત્યારે જ સમજાઈ જાય કે આ જ મારી સાચી જીવનસંગિની બની શકે."
અનિકેતે ટેબલ પર પડેલા પેલા મોટા ઘરના બાયોડેટા તરફ ઈશારો કરતા આગળ કહ્યું:
"મારા સી.એ. બનતા જ આ ઘરમાં બાયોડેટાનો ઢગલો થઈ ગયો. આ બધા લોકો મારા કારણે નહીં, પણ મારા 'પેકેજ' અને મારી 'જોબ' ને કારણે આપણી સાથે સંબંધ બાંધવા રાજી થયા છે. કાલે જો મારું પેકેજ જતું રહે, તો આમાંથી એક પણ કાગળીયો આપણી પડખે નહીં ઊભો રહે! મને ડર હતો કે આ મુંબઈના દેખાદેખી વાળા માહોલમાં તમારું મન ક્યાંક ડગી ન જાય, એટલે મેં જઈને નિયતિના પરિવારને મારું વચન આપી દીધું."
અનિકેતે ખિસ્સામાંથી એક નાનું પેકેટ કાઢીને સુધાબેનના હાથમાં મૂક્યું. "મેં મારી પહેલી કમાણીમાંથી નિયતિ માટે એક નાની ભેટ અને તમારા માટે આ સાડી લીધી છે. નિયતિના પપ્પા કહેતા હતા કે વેવાઈને ઘરે બોલાવીને મોં મીઠું કરાવીએ, પણ મેં જ ના પાડી કે હવે તમે શાંતિથી મુહૂર્ત જોઈને મારા ઘરે આવજો. બોલો મમ્મી, મેં આમાં શું ખોટું કર્યું?"
ઘરમાં એકદમ મૌન છવાઈ ગયું.
નવીનચંદ્રની આંખોમાં દીકરાની પરિપક્વતા જોઈને ગર્વના આસું આવી ગયા. સુધાબેને હાથમાં રહેલી સાડી જોઈ, પછી ટેબલ પર પડેલા દેખાદેખી વાળા બાયોડેટાને એકીટચે તાકી રહ્યા! એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને પોતાના પુત્ર પર ગર્વ થઈ રહ્યો હતો.
સુધાબેને અનિકેતના માથે હાથ મૂક્યો. એમનો અવાજ ભરાઈ આવ્યો, "તેં કંઈ ખોટું નથી કર્યું દીકરા... આ તો મારી આંખો પર પૈસા અને મોટા ઘરનો મોહ આવી ગયો હતો. પણ હું ઈશ્વરનો આભાર માનું છું કે મા-બાપ લાલચમાં કોઈ ખોટું પગલું ભરે એ પહેલાં મારા દીકરાએ સાચો નિર્ણય લઈ લીધો!"
કહીને સુધાબેને પેલા અંધેરી અને જુહુવાળા બાયોડેટા ઉપાડ્યા અને કચરાપેટીમાં નાખી દીધા. એમણે તરત જ અનિકેતના ફોનમાંથી નિયતિનો નંબર લગાવીને એને ફોન કર્યો.
એ રાત્રે, બોરીવલીના એ નાના ફ્લેટમાં એક સાસુ અને વહુ વચ્ચેની આત્મીય વાતોનો મીઠો કલરવ ગુંજી રહ્યો હતો!
અનિકેતે ટેબલ પર પડેલા પેલા મોટા ઘરના બાયોડેટા તરફ ઈશારો કરતા આગળ કહ્યું:
"મારા સી.એ. બનતા જ આ ઘરમાં બાયોડેટાનો ઢગલો થઈ ગયો. આ બધા લોકો મારા કારણે નહીં, પણ મારા 'પેકેજ' અને મારી 'જોબ' ને કારણે આપણી સાથે સંબંધ બાંધવા રાજી થયા છે. કાલે જો મારું પેકેજ જતું રહે, તો આમાંથી એક પણ કાગળીયો આપણી પડખે નહીં ઊભો રહે! મને ડર હતો કે આ મુંબઈના દેખાદેખી વાળા માહોલમાં તમારું મન ક્યાંક ડગી ન જાય, એટલે મેં જઈને નિયતિના પરિવારને મારું વચન આપી દીધું."
અનિકેતે ખિસ્સામાંથી એક નાનું પેકેટ કાઢીને સુધાબેનના હાથમાં મૂક્યું. "મેં મારી પહેલી કમાણીમાંથી નિયતિ માટે એક નાની ભેટ અને તમારા માટે આ સાડી લીધી છે. નિયતિના પપ્પા કહેતા હતા કે વેવાઈને ઘરે બોલાવીને મોં મીઠું કરાવીએ, પણ મેં જ ના પાડી કે હવે તમે શાંતિથી મુહૂર્ત જોઈને મારા ઘરે આવજો. બોલો મમ્મી, મેં આમાં શું ખોટું કર્યું?"
ઘરમાં એકદમ મૌન છવાઈ ગયું.
નવીનચંદ્રની આંખોમાં દીકરાની પરિપક્વતા જોઈને ગર્વના આસું આવી ગયા. સુધાબેને હાથમાં રહેલી સાડી જોઈ, પછી ટેબલ પર પડેલા દેખાદેખી વાળા બાયોડેટાને એકીટચે તાકી રહ્યા! એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને પોતાના પુત્ર પર ગર્વ થઈ રહ્યો હતો.
સુધાબેને અનિકેતના માથે હાથ મૂક્યો. એમનો અવાજ ભરાઈ આવ્યો, "તેં કંઈ ખોટું નથી કર્યું દીકરા... આ તો મારી આંખો પર પૈસા અને મોટા ઘરનો મોહ આવી ગયો હતો. પણ હું ઈશ્વરનો આભાર માનું છું કે મા-બાપ લાલચમાં કોઈ ખોટું પગલું ભરે એ પહેલાં મારા દીકરાએ સાચો નિર્ણય લઈ લીધો!"
કહીને સુધાબેને પેલા અંધેરી અને જુહુવાળા બાયોડેટા ઉપાડ્યા અને કચરાપેટીમાં નાખી દીધા. એમણે તરત જ અનિકેતના ફોનમાંથી નિયતિનો નંબર લગાવીને એને ફોન કર્યો.
એ રાત્રે, બોરીવલીના એ નાના ફ્લેટમાં એક સાસુ અને વહુ વચ્ચેની આત્મીય વાતોનો મીઠો કલરવ ગુંજી રહ્યો હતો!
■ હરેકૃષ્ણ જાની©
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Very nice and beautiful stories. Thank you for such a wonderful Post.🙏
ReplyDelete