વલ્લકી નવલકથા (Vallaki Novel Part-12)

Related

વલ્લકી પ્રકરણ 12

અભિમન્યુની ઓફિસેથી નીકળીને વલ્લકી સીધી પ્રતાપ કાનાણીની ઓફિસમાં ગઈ.

કાનાણી શેઠ કોઈની સાથે મિટિંગમાં હતા એટલે એણે લગભગ પંદર મિનિટ રાહ જોવી પડી. વલ્લકી આમ તો આ ઓફિસમાં જોબ કરી ચૂકી હતી એટલે આખો સ્ટાફ એને ઓળખતો હતો. છતાં અચાનક વલ્લકી મેડમે કેમ જોબ છોડી દીધી એ કોઈને ખ્યાલ ન હતો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

મીટીંગ પૂરી થઈ એટલે ઓફિસ પ્યુન એને બોલાવવા આવ્યો. વલ્લકી અંદર જઈને કાનાણીની સામે બેઠી.

" જો વલ્લકી જે પણ થયું એ તું પણ ભૂલી જા અને હું પણ ભૂલી જાઉં છું. તારા બધા જ ફોટા અને વિડિયો ક્લિપ મારા મોબાઈલમાંથી મેં તારી હાજરીમાં જ ડીલીટ કરી દીધા છે અને ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મારા બંને મોબાઇલ ચેક કર્યા છે. એટલે એ ડર રાખવાની જરૂર નથી." કાનાણી શેઠ વલ્લકીની આંખોમાં આંખો પરોવીને વાત કરી રહ્યા હતા.

" મારે તારી સાથે બે ત્રણ વાત કરવી છે. તને જો ખબર હોય તો મને પ્લીઝ જણાવ કે પોલીસ સ્ટેશને મારી ફરિયાદ કોણે કરી ? તારું નામ હું નહીં આપું. તું નહીં જણાવે તો પણ એ નામ ક્યારેક તો મારી પાસે આવી જ જશે છતાં તું જણાવે તો મને આનંદ થશે. " કાનાણી બોલ્યા.

" અંકલ ખરેખર મને કંઈ જ ખબર નથી. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન મારી ઉપર આવ્યો ત્યારે હું પોતે પણ થોડી ગભરાઈ ગઈ હતી અને આશ્ચર્ય પામી હતી. મારો ફોન નંબર પોલીસ પાસે કેવી રીતે આવ્યો એ પણ મારા માટે એક સવાલ હતો. એમણે મને હોટલનું નામ આપ્યું અને કહ્યું કે કાલે વહેલી સવારે તારે સાડા પાંચ વાગ્યે એ હોટલ ઉપર આવી જવાનું છે. હોટલ આવી ત્યાં સુધી મને કોઈ જ ખબર ન હતી કે મને શા માટે બોલાવી છે. " વલ્લકી બોલી.

" તારી ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરનો હોટલ ઉપર આવવાનો ફોન આવ્યો તો એ જ વખતે તેં મને કેમ જાણ ના કરી ? " કાનાણી બોલ્યા.

" તમે એ હોટલમાં સંધ્યાને લઈને જતા હતા એની જાણ મને ક્યાં હતી ? મને તો એ સવારે તમને જોયા ત્યારે જ ખબર પડી. ઇન્સ્પેક્ટરે મને બીજી કોઈ જ માહિતી આપી ન હતી." વલ્લકી ઠાવકાઇથી બોલી.

" હમ્ ... તને કોના ઉપર શક જાય છે ? તને હોટલે બોલાવી મતલબ કે ફરિયાદ કરનાર વ્યક્તિ એ જાણતો જ હોય કે મારી પાસે તારી પણ વિડિયો ક્લિપ છે. એ કોણ હોઈ શકે ? અભિમન્યુને તેં તારી વીડિયો ક્લીપની વાત કરેલી છે ? " કાનાણી બોલ્યા.

"અભિમન્યુને હું લગ્ન માટે મનાવવા ગઈ હતી. તો એમની સામે મારી જાતને ઉઘાડી કેવી રીતે પાડી શકું ? વિડિયો ક્લીપની વાત કરું તો એ મારી સાથે લગ્ન કરે ખરા ? અને તે દિવસે તો હું એમની માફી માગવા માટે જ ગઈ હતી. " વલ્લકી બોલી.

" એ વાત પણ સાચી છે. અભિમન્યુ પોતે પણ મારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ ક્યારેય પણ ના કરે. અને એને તો મારી અંગત વાતોની કોઈ ખબર જ નથી. તું અભિમન્યુ સાથે તારા લગ્નની કોશિશ ચાલુ રાખ. જો તારાં એની સાથે લગ્ન થશે અને તું મને હીરા લાવી આપીશ તો બીજા પચાસ લાખ રૂપિયા હું તને ગિફ્ટ આપીશ. આ મારું તને વચન છે. " કાનાણી બોલ્યા.

" મારી કોશિશ ચાલુ જ છે અંકલ. તે દિવસે ખબર નહીં મારાથી એટલો બધો ગુસ્સો થઈ ગયો અને એટલા જોરથી એમને તમાચો માર્યો અને ઉપરથી રાસ્કલ અને લફંગા જેવા શબ્દો વાપર્યા એટલે એ મને ખૂબ જ ઘમંડી અને ગુસ્સાવાળી જ સમજી બેઠા છે. " વલ્લકી બોલી.

" તારી કોશિશ ચાલુ રાખ અને તારી બધી જ આવડત કામે લગાડી દે. તું આટલી સુંદર છે તો ગમે તેમ કરીને તારી જાળમાં એને ફસાવી દે. એક દિવસ એ લગ્ન કરવા માટે તૈયાર થઈ જ જશે. અને મારી બીજી વાત સાંભળ." કહીને કાનાણી શેઠ પોતાના ચહેરાને થોડા નજીક લાવ્યા.

" આપણી વચ્ચે એકવાર તો સંબંધ થયેલો જ છે. હું તને ભૂલી શકતો નથી. તું મને બહુ જ ગમે છે. તારી બધી કોશિશ કર્યા પછી પણ અભિમન્યુ જો ના માને તો તું મારી સાથે સંબંધ ચાલુ કરી દે. તું પણ યુવાન છે. તારે જોઈએ એટલા પૈસા હું તને આપતો રહીશ. કોઈને કંઈ પણ ખબર નહીં પડે. " કાનાણીએ વલ્લકીને પ્રેમથી ફરી જાળમાં લેવાની કોશિશ કરી.

" સોરી અંકલ. બહુ થયું. હવે નહીં. તમને આવું કહેતાં શરમ આવવી જોઈએ. મારું કામ પતી ગયું હોય તો હું નીકળું ? " વલ્લકી થોડા ગુસ્સાથી બોલી.

" ઠીક છે જેવી તારી ઈચ્છા. પેલા પચાસ લાખનું તું શું કરવાની છે ? તારા ઘરે તો એ પૈસા લઈ જવાશે નહીં. ઘરે કોઈ પૂછે તો જવાબ શું આપીશ ? એના કરતાં મને આપીશ તો હું એને પ્રોપર્ટીમાં રોકીને તારા માટે કાયમી આવક ઊભી કરી આપીશ. " કાનાણી બોલ્યા.

" એ પૈસા તો આજે જ મારી એક ફ્રેન્ડના ઘરે આપી આવી. અત્યારે ત્યાંથી જ આવું છું. એના પપ્પા દલાલ સ્ટ્રીટમાં મોટા સ્ટૉક બ્રોકર છે. એકદમ વિશ્વાસુ પણ છે. મારી કાયમી આવક ઊભી કરી આપશે." વલ્લકી બોલી અને તરત બહાર નીકળી ગઈ.

વલ્લકી હવે હાથમાંથી નીકળી ગઈ એવું એમણે સ્વીકારી લીધું. એ પછી બીજા દિવસે એમણે અભિમન્યુને ફોન કર્યો.

" અરે બેટા આજે તને સમય હોય તો જરા મારી ઓફિસે આવી જજે ને ! " કાનાણી બોલ્યા.

"સમયનો સવાલ જ નથી અંકલ. તમે બોલાવો અને હું ના આવું એવું બને ? તમારે તો આદેશ જ આપવાનો હોય. તમને કયા સમયે ફાવશે એ કહો તો એ પ્રમાણે હું તમારી ઓફિસે આવી જાઉં. " અભિમન્યુ બોલ્યો.

" તો પછી ઘરેથી નીકળીને અત્યારે સાડા અગિયાર વાગે જ મારી ઓફિસે આવી જા. હું રાહ જોઇશ." કાનાણી બોલ્યા.

અભિમન્યુ સમયસર કાંદીવલીની એમની ઓમ પ્લાઝા ઓફિસે પહોંચી ગયો.

" બોલો અંકલ.... શું સેવા હતી ?" અભિમન્યુ કાનાણીની ચેમ્બરમાં એમની સામે બેસીને બોલ્યો.

" સેવા તો શું હોય બેટા ! ધરમશી અંકલ બિચારા વલ્લકીના લગ્નના ટેન્શનમાં છે. ગઈકાલે જ એમનો ફોન હતો. તેં ના પાડી એ પછી બિચારા બહુ જ અપસેટ થઈ ગયા છે. ગુસ્સો થૂંકી નાખ. વલ્લકી બહુ ડાહી દીકરી છે. તમારા બંનેની જોડી શોભે એવી છે. એના તારી સાથેના વર્તન બદલ મેં પણ એને બહુ ઠપકો આપ્યો છે. મારી સામે બિચારી રડી પડી હતી." અંકલ બોલ્યા.

" તમારી વાત સાચી છે અંકલ. એણે મને તમાચો તો માર્યો પણ સાથે સાથે જાહેરમાં મને રાસ્કલ અને લફંગો પણ કહ્યો. મારો કોઈ વાંક જ ન હતો. આટલું બધું મારું ઇન્સલ્ટ થયા પછી એની સાથે લગ્ન કેવી રીતે કરી શકું ! મારું પણ સ્વમાન હોય કે નહીં ! મને એના ઉપર પ્રેમ આવી જ કેવી રીતે શકે ? અત્યારે પણ સારી સારી કન્યાઓનાં માગાં આવે છે. મારે એની સાથે શા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે ? " અભિમન્યુ બોલ્યો.

" ઠીક છે ભાઈ જેવી તારી મરજી. આ તો મારી ભત્રીજી થાય એટલે આટલું દબાણ કરતો હતો. તું પણ જાણીતો છે એ પણ જાણીતી છે એટલે હું વચ્ચે પડ્યો છું. વલ્લકીને ના પાડવા માટે બીજું તો કોઈ કારણ નથી ને ? આઈ મીન એના વિશે કોઈએ તને કોઈ ખોટી માહિતી આપી હોય ! " કાનાણી ધીરે રહીને મૂળ મુદ્દા ઉપર આવ્યા.

" ના ના અંકલ. એવું કંઈ જ નથી. આવી ગુસ્સાવાળી છોકરીના ચારિત્ર્ય વિશે બીજું કંઈ હું વિચારી પણ ના શકું. એના તે દિવસના વર્તનના કારણે જ મારું મન માનતું નથી. બાકી ના પાડવા માટે બીજું કોઈ જ કારણ નથી." અભિમન્યુ બોલ્યો.

" તો ઠીક. બાકી જમાનો ખરાબ છે. કોઈનું સારા ઠેકાણે ગોઠવાતું હોય તો વચ્ચે રોડાં નાખનારા ઘણા હોય છે. છોકરી વિશે ખોટે ખોટી વાતો ચલાવે અને સંબંધ તોડાવે એવું પણ બનતું હોય છે. બાકી છોકરી સો ટચનું સોનુ છે. " કાનાણી બોલ્યા.

" હા અંકલ. વલ્લકી માટે એવી કોઈ જ શંકા મને નથી. મેં કહ્યું એ જ એક માત્ર કારણ છે. " અભિમન્યુ બોલ્યો એટલે કાનાણી શેઠને નિરાંત થઈ.

" છતાં હજુ કહું છું કે નિર્ણય લેવાની ઉતાવળ ના કર. ઠંડા કલેજે વિચાર. જોઈએ તો વલ્લકી સાથે બે ચાર મીટીંગો કરી લે." કાનાણી બોલ્યા અને એ પછી આડી અવળી વાતો કરીને અભિમન્યુ ત્યાંથી નીકળી ગયો અને ઓફિસે ગયો.

આવતીકાલે શિવરાત્રી હતી એટલે દાદાજીએ કહ્યા પ્રમાણે રુદ્રાક્ષ ઉપર અભિષેક કરવાનો હતો. અભિમન્યુના પૂજાના કબાટમાં નાનું શિવલિંગ પણ હતું પરંતુ એણે આજ સુધી ક્યારેય પણ એ શિવલિંગ ઉપર અભિષેક કર્યો ન હતો.

દાદાજીએ એમના જીવનમાં આટલા બધા રુદ્રાભિષેક કર્યા હોય તો મારે શિવરાત્રીના દિવસે તો શિવ પૂજન કરવું જ જોઈએ. એણે સાંજે ઘરે જતી વખતે બોરીવલી સ્ટેશન સામેથી સાંજે થોડાં બીલીપત્ર ખરીદ્યાં.

અભિમન્યુ શિવરાત્રીની વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી ગયો. નાહી ધોઈને શિવપૂજન માટે બેસી ગયો. દીવા અગરબત્તી કરીને પૂજાના કબાટમાંથી શિવલિંગ હાથમાં લીધું અને પાત્રમાં મૂકીને એણે ૐ નમઃ શિવાય મંત્ર બોલીને થોડું જળ ચડાવ્યું. એ પછી શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવી શિવલિંગને ફરી કબાટમાં એના સ્થાને ગોઠવી દીધું.

એ પછી રુદ્રાક્ષને હાથમાં લીધો. એને પણ પાત્રમાં મૂકીને એના ઉપર ૐ નમઃ શિવાય ના પંચાક્ષરી મંત્રથી જળ ચઢાવ્યું. એ પછી રુદ્રાક્ષને જમણા હાથમાં રાખીને ફરી ૐ નમઃ શિવાય મંત્રના જાપ ચાલુ કર્યા. એના આશ્ચર્ય વચ્ચે મંત્રની સાથે રુદ્રાક્ષ ગરમ થવા લાગ્યો. ૧૦૮ મંત્રો થયા ત્યાં સુધીમાં તો રુદ્રાક્ષ એટલો ગરમ થયો કે અભિમન્યુની હથેળી દાઝવા લાગી.

એક માળા પૂરી કરીને એણે મંત્રો બોલવાના બંધ કર્યા અને રુદ્રાક્ષને પ્રણામ કરીને ફરી પાછો ડ્રોવરમાં મૂકી દીધો. મંત્રમાં આટલી બધી તાકાત હશે એ તો એને આજે જ ખબર પડી.

અભિમન્યુ પૂજા કરીને ઊભો થયો ત્યારે વહેલી સવારના સવા પાંચ વાગી ગયા હતા.

" આજે તો બહુ વહેલો ઉઠી ગયો ભાઈ ? " કુસુમબેન બોલ્યાં.

કુસુમબેન સવારે પાંચ વાગ્યે જ ઊભાં થઈ જતાં હતાં. એ આજે જાગ્યાં ત્યારે એમણે અભિમન્યુને પૂજા કરતો જોયો હતો પરંતુ એમણે એને ડિસ્ટર્બ ના કર્યો.

" હા મમ્મી આજે શિવરાત્રી છે એટલે પૂજા કરી. મને દાદાજીએ ખાસ કહ્યું હતું. અને આજે મારે ઉપવાસ છે એટલે મારા માટે આજે કંઈ પણ ના બનાવતી." અભિમન્યુ બોલ્યો.

" તો પછી તારા માટે ફરાળ બનાવી દઉં ? " મમ્મી બોલી.

" ના આમ તો નકોરડો કરવાની ઈચ્છા છે. છતાં નહીં રહેવાય તો માત્ર ફ્રૂટ ખાઈ લઈશ. " અભિમન્યુ બોલ્યો.

એ પછી અભિમન્યુ બોરીવલી નેશનલ પાર્ક સામે આવેલા ઓમકારેશ્વર મહાદેવના દર્શને ગયો અને ત્યાં પણ જળ ચડાવી બીલીપત્ર અર્પણ કર્યાં.

આજે શિવરાત્રી હતી એટલે એની ઈચ્છા એક વાર વલ્લકીને મળવાની હતી. દાદાજીએ પણ એને કહ્યું હતું કે શિવરાત્રીના દિવસે શિવ અને શક્તિનું મિલન જરૂરી હતું.

વલ્લકી હર્ષદ ઘેલાણીની જ દીકરી છે અને આ હર્ષદ ઘેલાણીએ જ પપ્પાને હીરા સાચવવા આપ્યા હતા એટલે અભિમન્યુ પાસે દાદાજીના આપેલા જે કરોડોના હીરા છે એની અસલી માલિક તો વલ્લકી જ છે એ જાણ્યા પછી અભિમન્યુના વિચારો વલ્લકી માટે ઘણા પોઝિટિવ થઈ ગયા હતા. દાદાજીએ પણ એની સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી.

અભિમન્યુએ શિવ મંદિરેથી રીક્ષા કરી લીધી અને કાંદીવલી એકતા ટેરેસ મહાવીરનગર લઈ લેવાની સૂચના આપી. ત્યાં પહોંચીને સિક્યુરિટીના રજીસ્ટરમાં પોતાનું નામ લખી પંદરમા માળે પહોંચી ગયો.

વલ્લકીના ફ્લેટના દરવાજે પહોંચી એણે ડોર બેલ વગાડ્યો. વલ્લકીના નાના ભાઈ માલવે દરવાજો ખોલ્યો અને દરવાજામાં અભિમન્યુને જોઈને એણે સહેજ મોટેથી બૂમ પાડી.

" વલ્લી દીદી... જીજુ આવ્યા."

" હા... પણ દરવાજો તો ખોલ." શાલિની બોલી અને દરવાજા પાસે આવી તો સામે અભિમન્યુને જોયો. એ તો આશ્ચર્ય જ પામી ગઈ.

જાણે ભાવિ જમાઈ આવ્યા હોય એમ શાલિની હાંફળી ફાંફળી થઈ ગઈ.

"અરે પપ્પા અભિમન્યુકુમાર આવ્યા છે." શાલિની એના સસરા ધરમશીભાઈના બેડરૂમ પાસે જઈને મોટેથી બોલી.

" અભિમન્યુ આવ્યા છે ? " ધરમશી આશ્ચર્યથી બોલ્યા અને ધીમેથી ઉભા થઈ બહાર આવ્યા. અભિમન્યુએ નીચા નમીને એમના ચરણસ્પર્શ કર્યા અને સોફામાં જઈને બેઠો.

સવારે દસ વાગ્યા હતા એટલે વલ્લકી હજુ બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. નહાવામાં એનો નંબર સહુથી છેલ્લે હવે લાગ્યો હતો. રાજેશ શિવ મંદિરે જળ ચડાવવા અને દર્શન કરવા ગયો હતો.

શાલિની બાથરૂમ પાસે ગઈ અને દરવાજો નોક કરીને એણે વલ્લકીને જાણ કરી કે અભિમન્યુ આવ્યા છે. અચાનક આ રીતે અભિમન્યુના આગમનથી વલ્લકી ખૂબ જ આશ્ચર્ય પામી. અભિમન્યુ એના ઘરે આવ્યા એટલે એના દિલમાં આશાનું કિરણ પ્રગટ્યું. હૈયું આનંદથી છલકાઈ ગયું. એણે ઝડપથી નહાવાનું શરૂ કર્યું.

" તમે આજે અમારા ઘરે પધાર્યા મને બહુ જ ખુશી થઈ કુમાર. " ધરમશી બોલ્યા.

" તમને શું ફાવશે ? ગરમાગરમ કંઈ બનાવી દઉં ? " શાલિની બોલી.

" ના માસી આજે તો શિવરાત્રીનો મારે નકોરડો ઉપવાસ છે. હું માત્ર ચા જ પીશ. " અભિમન્યુ બોલ્યો.

" ચા તો બનાવું જ છું પણ સાથે થોડાં ફ્રૂટ પણ સમારી દઉં. આ ઉંમરે આમ સાવ નકોરડા ઉપવાસ ના કરાય. " શાલિની હસીને બોલી.

" તે દિવસે ગુસ્સામાં મારાથી થોડો અવિવેક થઈ ગયો એ બદલ તમારા બધાની માફી માગું છું. " અભિમન્યુ બંનેની સામે જોઈને બોલ્યો.

" અરે ના ના. તમારે માફી માગવાની ના હોય. વલ્લકીએ તમારી સાથે જે વર્તન કર્યું એ બદલ તમને ગુસ્સો આવે જ. પણ હવે એ બધું ભૂલી જાઓ. મારી દીકરી બહુ ડાહી છે. " શાલિની બોલી.

અભિમન્યુ સામે ચાલીને આજે મળવા આવ્યો એટલે શાલિની બહુ જ ખુશ હતી. એને એક આશા બંધાઈ હતી.

" શાલુ... રાજેશને ફોન તો કર કે કુમાર આવ્યા છે. " ધરમશી બોલ્યા.

એટલામાં વલ્લકી પણ નાહીને બહાર આવી અને ઝડપથી પોતાના બેડરૂમમાં દોડી ગઈ.

અભિષેકે ચા પીધી અને શાલિની ફ્રૂટ સમારી રહી હતી ત્યાં સુધીમાં તો વલ્લકી પણ તૈયાર થઈને બહાર આવી ગઈ.

" શું વાત છે આજે તો તમે અમને સરપ્રાઈઝ આપી દીધું. " વલ્લકી આવીને હસીને બોલી.

" બસ આજે કાંદીવલીથી પસાર થઈ રહ્યો હતો તો એમ થયું કે જરા તને પણ મળતો જાઉં. આમ પણ આજે ઉપવાસ છે એટલે ઓફિસમાં રજા રાખી છે." અભિમન્યુ બોલ્યો.

" તો તો આજે અમારાં નસીબ ખુલી ગયાં. ચાલો ને આપણે અંદર જ બેસીએ." વલ્લકી બોલી અને ઊભી થઈ. એને ખબર હતી કે જાહેરમાં અભિમન્યુ સરખી વાત નહીં કરી શકે.

" વલ્લી આ ફ્રુટની ડીશ તૈયાર થઈ ગઈ છે એ તું લેતી જા. એમણે આજે ઉપવાસ કર્યો છે અને ફરાળ પણ લેવાના નથી. " શાલિની બોલી.

વલ્લકીએ ફ્રૂટની ડીશ હાથમાં લીધી અને બેડરૂમમાં ગઈ. સાથે અભિમન્યુ પણ ગયો. વલ્લકી બેડ ઉપર બેઠી અને અભિમન્યુ સામે સોફામાં બેઠો.

"હવે બોલો સાહેબ આજે કેમ અમારા ઘરે પગલાં કર્યાં ? " અભિમન્યુના હાથમાં ડીશ આપીને વલ્લકી લાડથી બોલી.

" બસ આજે શિવરાત્રી છે તો શિવની સાથે સાથે તારાં દર્શન કરવાની ઈચ્છા પણ થઈ. શિવ મંદિરે અભિષેક કરીને સીધો અહીં આવું છું. " અભિમન્યુ હસીને બોલ્યો.

" હું તમને ઓળખી ગઈ છું હવે. તમે એમ ખાલી ખાલી આવો જ નહીં. " વલ્લકી બોલી.

"ખાલી છું માટે જ તારી પાસે માગવા આવ્યો છું વલ્લકી. જીવનભર મને તારો સાથ જોઈએ છે. તારો ભરપૂર પ્રેમ જોઈએ છે. તારો હાથ માગવા આવ્યો છું. તારી સાથે લગ્ન કરવા હું તૈયાર છું. " અભિમન્યુ ઉભો થઈને બેડ ઉપર બેઠેલી વલ્લકી સામે જઈને ઉભો રહ્યો.

અભિમન્યુની આ લાગણીસભર માગણી સાંભળીને વલ્લકી અવાક થઈ ગઈ. શું બોલવું એ જ એને સમજાતું ન હતું. જે બની રહ્યું હતું એ એની કલ્પના બહાર બની રહ્યું હતું. અભિમન્યુ સામેથી પોતાનો હાથ માગી રહ્યો હતો અને એ પણ પોતાના વિશે આટલું બધું જાણ્યા પછી !! આ તો માણસ છે કે કોઈ દેવપુરુષ !!

વલ્લકી બેડ ઉપરથી ઉતરી ગઈ અને એની સામે જ ઉભેલા અભિમન્યુને વેલની જેમ વીંટળાઈ ગઈ. એની બંને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■