પ્રાયશ્ચિત (Prayaschit-26)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ - 26

કેતનની વાત સાંભળીને વેદિકા તો આભી બનીને  કેતનની સામે જોઈ જ રહી.  આટલી બધી મહાનતા છે આ વ્યક્તિમાં !!!

હજુ પણ વેદિકાના માન્યામાં આવતું ન હતું. પોતાનાં લગ્નની વાત બાજુમાં મૂકીને કેતને મારા દિલ નો વિચાર કર્યો.  મારા પ્રેમનો ,  મારી લાગણીઓનો વિચાર કર્યો  ! 

#આવકાર
પ્રાયશ્રિત

" વેદિકા...  આજે ને આજે જ  જવાબ આપવાની કોઈ ઉતાવળ નથી. બે વર્ષના તમારા ગાઢ સંબંધો છે. જયદેવે સંબંધ તારા પપ્પાની ધમકીના કારણે તોડ્યો છે. બની શકે કે એ આજે પણ એ તને ચાહતો હોય. બે દિવસ સુધી શાંતિથી વિચારી લે. જરૂર લાગે તો એને મળી પણ લે.  પછી તારી ખરેખર શું ઈચ્છા છે એ તું મને વોટ્સએપ મેસેજ કરી દેજે. " કેતન બોલ્યો. 

" અને જતાં જતાં ફરીથી કહું છું કે હું ખરેખર તારાં લગ્ન કરાવી શકું એમ છું અને કન્યાદાન પ્રતાપ અંકલ પાસે જ અપાવીશ એની ગેરંટી. એટલે તું પપ્પાનું ટેન્શન ના કરીશ. તારા દિલમાં હજુ પણ એના માટે સાચો પ્રેમ હોય અને જયદેવ પણ ખરેખર તને ચાહતો હોય તો તું એ દિશામાં વિચારી શકે છે ! એનો મતલબ એવો બિલકુલ ના વિચારતી કે હું તને પસંદ નથી કરતો.  દિલ થી વિચારજે.. દિમાગથી  નહીં. ચાલ રજા લઉં. બે-ત્રણ દિવસમાં જે હોય તે મને જવાબ આપજે. " કહીને કેતન ઉભો થઈને સડસડાટ બહાર નીકળી ગયો. 

" બસ હવે ગાડી ઘરે લઈ લો. " ગાડીમાં બેસતાં કેતને મનસુખને કહ્યું. 

કેતનના ગયા પછી વેદિકા ક્યાંય સુધી સુનમુન બેસી રહી.  એને સમજાતું ન હતું કે એણે શું કરવું જોઈએ ? પપ્પાની નજર કેતનના કરોડો રૂપિયા ઉપર છે. દિલ અને દિમાગ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એક તરફ કેતન તરફથી જીવનના તમામ વૈભવો એને મળે એમ હતા.  તો બીજી તરફ એનો ખોવાયેલો પ્રેમ પાછો મળતો હતો !! કોઈપણ નિર્ણય લેતાં પહેલાં મારે એક વાર જયદેવને મળવું જ જોઈએ. 

જયદેવે તો એનો નંબર બ્લોક કરી દીધો હતો એટલે ફોન ઉપર તો વાત થઇ શકે તેમ ન હતી. મારે પ્રિયાને જ વાત કરવી પડશે. પ્રિયા પણ એ બંનેની સાથે જ ભણતી હતી અને બંનેની કોમન ફ્રેન્ડ પણ હતી. 

"હાય પ્રિયા.. હું વેદિકા " વેદિકાએ પ્રિયા ને ફોન જોડ્યો. 

" શું વાત છે વેદી !!  ઘણા સમયે મારી યાદ આવી ? " પ્રિયા બોલી. 

" હા પ્રિયા.. તારું ખાસ કામ પડ્યું છે. અને આ કામ માત્ર તું જ કરી શકે તેમ છે. " વેદિકા બોલી. 

" ઓ..હો !!  એવું તે વળી કયું કામ છે કે જે માત્ર હું જ કરી શકું ! " પ્રિયા હસીને બોલી. 

" તું  મારી જયદેવ સાથેની રિલેશનશિપ ને તો જાણે જ છે. મારા પપ્પાએ એને ધમકી આપી એટલે અમારી વચ્ચે બે વર્ષ પહેલાં બ્રેકઅપ થઈ ગયો છે એ પણ તને ખબર છે. જયદેવે મારો નંબર પણ એના મોબાઈલમાં બ્લોક કરી દીધો છે." વેદિકા બોલી.   

" હવે સંજોગો એવા ઊભા થયા છે કે પપ્પા પણ કદાચ આ લગ્ન માટે હા પાડે. પણ મારે જયદેવનો સંપર્ક કઈ રીતે કરવો ?  મારે એને એક વાર મળવું છે. ગમે તેમ કરીને એને મારી સાથે વાત કરાવ. અથવા મારો નંબર અનબ્લોક કરવાનું કહે. અને જો તું જ વચ્ચે રહીને અમારી મિટિંગ ગોઠવી આપતી હોય તો એનાથી ઉત્તમ એક પણ નહીં. " વેદિકાએ વિગતવાર વાત કરી.  

" હમ્... તારા માટે હું કોશિશ ચોક્કસ કરું છું. એ માનશે કે નહીં એ મને ખબર નથી. " પ્રિયા બોલી

" તારે ગમે તેમ કરીને એકવાર મારી સાથે તત્કાલ એની મીટીંગ ગોઠવવી જ પડશે પ્રિયા. મારી પાસે માત્ર બે જ દિવસનો સમય છે. આ તક પછી મને બીજી વાર નહીં મળે. જયદેવને કહેજે કે જો તેં  સાચો પ્રેમ વેદિકાને કર્યો હોય તો કાલે  એને માત્ર એકવાર મળી લે. " વેદિકા બોલી. 

બીજા દિવસે બપોરે એક વાગે પ્રિયા નો ફોન આવી ગયો. માત્ર એક વાર મળવા માટે જયદેવ તૈયાર થયો હતો. કેટલા વાગે ક્યાં મળવાનું છે એ પણ પ્રિયાએ કહી દીધું. 

અને સાંજે ચાર વાગે એરપોર્ટ રોડ ઉપર મેહુલ સીનેમેક્સમાં આવેલી કૉફી કાફે ડે માં  બંને ભેગાં થયાં. આ જગ્યા એમની પ્રિય જગ્યા હતી અને પહેલાં ઘણીવાર આ સીસીડી માં એ લોકો મળતાં.   

મીટીંગમાં આવતાં પહેલાં વેદિકાએ જયદેવ સાથે  શું વાત કરવી અને કેવી રીતે કરવી એના વિશે બહુ માનસિક તૈયારી કરી લીધી હતી.  એને ખબર જ હતી કે જયદેવ ખૂબ જ નારાજ હશે !! 

" કેમ છે તું ? તેં તો મારો નંબર જ બ્લોક કરી દીધો જય.  લગ્ન માટે પપ્પાએ તને ના પાડી હશે. પરંતુ આપણે મિત્રો તો હતા જ ને !! " વેદિકાએ શરૂઆત કરી.  

" એ વાત જવા દઈએ વેદી. એ કડવાશને મારે ફરી યાદ નથી કરવી. બોલ કેમ મળવું હતું ? " 

હજુ પણ જયદેવ વેદિકા સાથે વાત કરવાના મૂડમાં ન હતો એવું વેદિકાને લાગ્યું.

" બહુ ગુસ્સો છે મારા ઉપર ? મારા પપ્પાએ તને જે પણ કહ્યું એમાં મારો કોઈ વાંક ખરો જય ? અને એક ને એક દિવસ તો આ નોબત આવવાની જ હતી. તું તો મારા પપ્પાને જાણે જ છે. પછી મારા ઉપર આટલા નારાજ થવાની જરૂર શું ?" વેદિકા બોલી. 

" તારા પપ્પાએ મને શું ધમકી આપી હતી એ તારે સાંભળવું છે ? હું  પણ એક રાજપૂતનો દિકરો છું. મારે પણ મારું સ્વમાન હોય !! " જયદેવ બોલ્યો. 

" એ બધી વાત ભૂલી જા જય ! આપણે આજે બે વર્ષ પછી ઝઘડવા માટે ભેગાં થયાં નથી. મારા માટે એક માગું આવ્યું છે. પરંતુ હું તને દિલથી પ્રેમ કરું છું એ તું જાણે છે. જે વ્યક્તિનું માગું આવ્યું છે એ વ્યક્તિ એટલી બધી મોટી છે કે એ કહે તો મારા પપ્પા તારી માફી માગીને જાતે જ કન્યાદાન આપે. " વેદિકાએ થોડા ઉત્સાહથી કહ્યું. 

" બોલ.. હવે તારે શું કહેવું છે ?  તું મને આજે પણ એટલો જ પ્રેમ કરે છે ?  મારી સાથે તારી લગ્ન કરવાની આજે પણ  ઈચ્છા છે ? કે પછી મને ભૂલી ગયો છે ?" વેદિકાએ જયદેવના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું. 

" પહેલી વાત તો એ કે મને તારી વાત માન્યામાં જ નથી આવતી. તારા પપ્પા મારી માફી માગે અને તારા લગ્ન મારી સાથે કરાવે એ આ જન્મમાં તો શક્ય જ નથી !! એટલે મારા ચાહવા ના ચાહવાથી કોઈ જ ફરક પડવાનો નથી." જયદેવ થોડી નિરાશાથી બોલ્યો. 

" તારા સમ જય !! આટલા સમય પછી હું તને સામેથી મળવા આવી છું એ તો તું વિચાર કર ! હું એકદમ સાચું કહી રહી છું. મારા પપ્પા પોતે જ લગ્ન કરાવે તો તું લગ્ન માટે તૈયાર થઇશ ? " 

" એવું તે વળી કોણ છે કે  જે મારી સાથે તારાં લગ્ન કરાવવા તારા પપ્પાને મજબૂર કરી શકે ?" જયદેવને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો.  

" ઈશ્વરે મોકલેલા કોઈ ફરિશ્તા જ સમજો ને !! મને જોવા માટે આવ્યા હતા. મેં પહેલી જ મિટિંગમાં એમને  કહ્યું કે હું તો કોઈની સાથે રિલેશનશિપમાં છું.  પરંતુ મારા પપ્પાના કારણે એની સાથે લગ્ન કરી શકતી નથી. " વેદિકાએ  થોડું ચલાવ્યું. 

" તેં ખરેખર એને એવું કહ્યું ? " જયદેવના માન્યામાં જ નહોતું આવતું. 

" જય હું મજાક નથી કરી રહી. એ માણસની આગળ મારા પપ્પા તો કંઈ જ નથી. એ એટલા દિલદાર નીકળ્યા કે મારી વાત સાંભળીને એમણે એ જ વખતે કહ્યું કે તારે કાલે ને કાલે તારા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા છે ? હું અત્યારે જ તારા પપ્પા પાસે તારી નજર સામે હા પડાવી દઉં. જેને પ્રેમ કર્યો હોય એની સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો !! " વેદિકા બોલી. 

"એમણે તો એમ પણ કહ્યું કે  તારો બોયફ્રેન્ડ જો તારી સાથે લગ્ન કરવા ન જ માગતો હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. પણ સૌથી પહેલો ચાન્સ તારા બોયફ્રેન્ડને આપ અને તું એક વાર એને મળી લે. " વેદિકાએ જયદેવને કનવિન્સ કરવા વાતમાં થોડું મીઠું મરચું ભભરાવ્યું.  

" જો વેદી તું તો જાણે જ છે કે આપણે બંને એકબીજાનાં બની ગયાં હતાં.  આપણે તો લગ્ન કરવા સુધીની તૈયારીમાં હતાં.  મારા પ્રેમમાં કોઈ ખોટ નથી.  પરંતુ તારા પપ્પાએ એવો ઘા કર્યો કે આપણા પ્રેમના બે ટુકડા થઈ ગયા !!  મારે તારો નંબર જ બ્લોક કરી દેવો પડ્યો." જયદેવ બોલ્યો. 

" પણ આ વ્યક્તિ છે કોણ ? તારા પપ્પા એની વાત શા માટે માને ? અને એ જામનગરનો તો નહીં જ હોય !! " જયદેવે પૂછ્યું.  

" ના સુરતની પાર્ટી છે.  ડાયમંડનો કરોડોનો બિઝનેસ છે.  બહુ પહોચેલી વ્યક્તિ છે. પપ્પાને હંમેશા એમની ગરજ પડતી હોય છે. ઇલેકશન લડવા માટે પણ પપ્પાએ લાખો રૂપિયા એમની પાસેથી જ લીધેલા જે હજુ પપ્પાએ પાછા આપ્યા નથી." વેદિકાએ કહ્યું.  

" એ હવે જામનગરમાં કાયમ માટે  રહેવા આવ્યા છે અને અહીંના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ એમના ઘરે જમવા માટે ગયા હતા.  હવે તો વિચાર કર કે એ કેટલી મોટી હસ્તી છે ? છતાં લગ્ન માટે મેં તારા ઉપર પસંદગી ઉતારી !! આપણાં લગ્ન માટે  એ બે મિનિટમાં પપ્પાને મનાવી શકે એમ છે. " વેદિકાએ ઉત્સાહથી કહ્યું. 

હવે જયદેવને વેદિકાની વાત પર પુરેપુરો વિશ્વાસ આવી ગયો. પ્રતાપ અંકલે ચૂંટણી માટે લાખોનું ફંડ લીધેલું હોય અને એ પૈસા પાછા ના આપ્યા હોય તો એ વ્યક્તિને એ નારાજ ના કરી શકે !! 

" તું આટલું બધું કહે છે તો તારી વાત માની લઉં છું. હું તો તૈયાર જ છું.  હું તને ક્યારે પણ ભુલ્યો નથી વેદી. પરંતુ મારી એક શરત છે. તારા પપ્પા મને મળવા આવે અથવા મને સામેથી ફોન કરે તો જ હું લગ્ન માટે તૈયાર છું. તારા પપ્પાથી છાનામાના હરગીઝ નહિ. તારા પપ્પાનો મને બિલકુલ ભરોસો નથી."  જયદેવ હજુ પણ કોઈ રિસ્ક લેવા માગતો ન હતો. 

" હા..હા.. એમ જ થશે. પરંતુ સૌથી પહેલાં તું મારો નંબર અનબ્લોક કરી દે તો આગળનો પ્રોગ્રેસ તને જણાવતી રહું. " વેદિકા બોલી. 

આટલી વાત થયા પછી એ બંનેએ પોતાને પ્રિય કોલ્ડ કોફી મંગાવી. બે વર્ષ પછી મળી રહ્યાં હતાં એટલે ઘણી બધી વાતો કરી અને છૂટાં પડ્યાં. 

વેદિકા આજે ખૂબ જ ખુશ હતી. એને કેતનનું આકર્ષણ ચોક્કસ થયેલું અને પપ્પાનું પણ એના ઉપર દબાણ હતું કે ગમે તેમ કરીને કેતનને પોતાની તરફ ખેંચવો જેથી એ લગ્ન માટે હા પાડે !! પરંતુ જયદેવ સોલંકી સાથે એની બે વર્ષની ગાઢ રિલેશનશિપ  હતી અને બંને જણાં એક સમયે એકબીજા માટે પાગલ હતાં.  પોતાનો ખોવાયેલો પ્રેમ જ જો એને પાછો મળતો હોય તો  એ જ પસંદગી શ્રેષ્ઠ હતી !!    

અને  કેતનને પોતાની તરફ ખેંચવા એ ગમે એટલી કોશિશ કરે છતાં એ કરોડોપતિ બાપનો દીકરો હતો એટલે કેતન ભલે પોતાને ના કહે પરંતુ બીજી કન્યાઓનાં માગાં પણ એના માટે આવતાં  જ હશે !!  એટલે પોતાનાં લગ્ન કેતનની સાથે જ થશે એની કોઈ ગેરંટી પણ ન હતી !!  

વેદિકાને એ ખ્યાલ તો આવી જ ગયો હતો કે  ગમે તે રીતે પોતાના પ્રેમ સંબંધની વાત કેતનના કાન સુધી પહોંચી ગઈ છે. નહીં તો અચાનક ગઈકાલે કેતન મારા પાસ્ટ વિશે ના પૂછે !! 

કેતન બ્રોડ માઈન્ડેડ છે એટલે મારા ભૂતકાળને જાણ્યા પછી એ મને અપનાવી તો લે જ. પરંતુ એના દિલમાં ઊંડે ઊંડે એક ખટકો તો ચોક્કસ રહી જાય કે પોતાની પત્ની બે વર્ષ સુધી કોઈના પ્રેમમાં હતી !! અને હવે જ્યારે કેતને જ કહ્યું છે  કે પપ્પા પાસે જ એ કન્યાદાન કરાવશે તો મારે હવે કોઇ ચિંતા કરવાની જરૂર જ નથી.

વેદિકાએ ઘરે આવીને પોતાના બેડરૂમમાં જઈને  કેતનને ફોન લગાવ્યો.

" થેન્ક્યુ સાહેબ.. દિલથી આભાર માનું છું. જયદેવ સાથે આજે મીટીંગ થઇ ગઈ અને એ લગ્ન માટે એકદમ તૈયાર છે. હું ખૂબ જ ખુશ છું આજે. "  વેદિકા બોલી અને એના અવાજમાં પણ ખુશી છલકાતી હતી.  

પરંતુ સામે વેદિકાની ખુશી સાંભળીને  કેતન થોડો ગમગીન થઈ ગયો. બે મનગમતાં પાત્રોમાંથી એક પાત્ર છીનવાઈ ગયું !! 
                                            
લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post