પ્રાયશ્ચિત (Prayaschit-29)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ - 29

આજે રવિવાર હતો. આશિષ અંકલે કહ્યું હતું કે દક્ષામાસીને મારે એકવાર એમના ઘરે લઈ જવાના છે. પરંતુ એ કામ રહી ગયું હતું. આજે રસોઈ થઈ જાય પછી દક્ષામાસીને આશિષ અંકલ ના ઘરે લઈ જાઉં. - કેતને વિચાર્યું.

#આવકાર
પ્રાયશ્રિત

" અંકલ કેતન બોલું. જો તમે ઘરે હો તો દક્ષામાસીને લઈને હું ૧૧ વાગ્યાની આસપાસ આવી જાઉં. " કેતને સવારે ૯ વાગે આશિષ અંકલને ફોન કર્યો.

" અરે એમાં પૂછવાનું થોડું હોય ! આજે જમવાનું પણ અહીં જ રાખજે."

" ના અંકલ.. આજે તો દક્ષામાસીએ રસોઈ શરૂ કરી દીધી છે. તમારું આમંત્રણ પેન્ડિંગ ! આજે માત્ર આન્ટી સાથે દક્ષામાસીને વાતચીત કરાવવા આવું છું. " કેતને કહ્યું.

"ઠીક છે ભાઈ... આવી જા. " અંકલ બોલ્યા અને કેતને ફોન કટ કર્યો.

" માસી તમારી રસોઈ પતી જાય પછી અગિયાર વાગ્યે તે દિવસે મારા ઘરે આવ્યા હતા એ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલના ઘરે આપણે જવાનું છે. આન્ટીને એક બે આઈટમ જે શીખવાની ઈચ્છા હોય એ તમે બતાવી દેજો."

" ભલે સાહેબ" દક્ષાબેને જવાબ આપ્યો.

" મનસુખભાઈ તમે ૧૧ વાગ્યા સુધીમાં આવી જજો. આપણે આજે દક્ષામાસી ને લઈને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલ ના ઘરે જવાનું છે." કેતને પોતાના ડ્રાઇવર મનસુખ માલવિયાને ફોન કર્યો.

લગભગ સવા અગિયાર વાગે કેતન દક્ષાબેનને લઈને આશિષ અંકલના ઘરે પહોંચી ગયો.

" આવો આવો... અરે જયશ્રી...આ રસોઈવાળાં બેન આવ્યાં છે. તારે જે પણ એમને પૂછવું હોય એ બધું પૂછી લે. બહુ જ સારી રસોઈ બનાવે છે. એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. તું એમને રસોડામાં લઈ જા. " આશિષ અંકલે એમના વાઈફને સુચના આપી અને અમે લોકો ડ્રોઈંગ રૂમમાં બેઠા.

" અંકલ એક વાત કરવાની હતી. બહુ વિચાર કર્યા પછી મેં મારો ૩૦૦ બેડનો હોસ્પિટલનો પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. મેં પપ્પા સાથે પણ આ બાબતમાં વાત કરી લીધી છે. આટલી મોટી હોસ્પિટલ ઉભી કરવી અને ચલાવવી મારા એકલા નું કામ નથી. અને મારા જેવા સીધા માણસને આ કામ ફાવે એવું પણ નથી. " કેતન બોલ્યો.

" સાવ સાચું કહું ? તેં જ્યારે મને આવડા મોટા પ્રોજેક્ટની વાત કરી ત્યારે જ મને થયેલું કે તારું આ સાહસ તારા ગજા બહારનું છે. હોસ્પિટલો ચલાવવી એ ભારાડી અને રીઢા માણસોનું કામ છે. સારા ડોક્ટરો ના મળે અને કેસો બગડી જાય તો નામ ખરાબ થાય. પેશન્ટને કંઈ થઈ જાય તો લોકોનાં ટોળેટોળાં હોસ્પિટલ ઉપર ઉભરાઈ જાય. અમારે વચ્ચે આવવું પડે. અને એમાં એટલી બધી પરમિશનો લેવી પડે કે માણસ થાકી જાય. " આશિષ અંકલ બોલ્યા.

" પણ તો અંકલ તમારે મને પહેલાંથી સાવધાન ના કરાય ? તમે તો મારા અંગત છો. " કેતને કહ્યું.

" જો ભાઈ મારો એક નિયમ છે. જે સલાહ માગે એને સાચી સલાહ આપવી. પણ જે વ્યક્તિ નિર્ણય લઈ ચુકી હોય એને કદી નિરાશ ન કરવો. " અંકલ બોલ્યા.

" અંકલ બીજી પણ એક વાત છે. અહીંના કલેકટર સાતાસાહેબને મેં લાલપુર રોડ ઉપરની જમીન હોસ્પિટલને ફાળવવાનું કહી દીધું છે. હવે હું ના પાડું તો ખરાબ નહીં લાગે ? "

" એ ચિંતા તું કર મા. હું સાતાસાહેબને કહી દઈશ. સરકારી દફતરોમાં તો આવું બધું ચાલ્યા જ કરતું હોય છે. " અંકલ બોલ્યા.

" બસ મને આ જ ટેન્શન હતું. " કેતને કહ્યું.

" હવે નાના નાના પ્રોજેક્ટો હાથ ઉપર લઇ રહ્યો છું. સેવા તો કરવી જ છે પણ હું જે સંભાળી શકું એવું જ કામ કરવું છે અંકલ " કેતન બોલ્યો.

" તારો એ વિચાર એકદમ બરાબર છે. તું હવે કાયમ માટે અહીંયા જ રહેવા માગે છે તો ઘણું બધું કરી શકીશ. વિદ્વાન વક્તાઓને બોલાવી ભાગવત કથાઓનું આયોજન કરી શકાય. શિયાળામાં મજૂરો અને ગરીબોને ધાબળાઓનું વિતરણ પણ કરી શકાય. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની વ્યવસ્થા પણ કરી શકાય. ટ્રસ્ટ તરફથી આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય છે. " આશિષ અંકલ બોલ્યા.

" આ બધું તો મેં વિચાર્યું જ નહોતું અંકલ. તમારા સુઝાવ ઉપર પણ હું વિચાર કરીશ. મને લાગે છે કે હવે હું એક સાચી દિશામાં આગળ વધી રહ્યો છું. " કેતને કહ્યું.

" અને અંકલ... બીજી પણ એક વાત કરવાની હતી. વેદિકા સાથે મેં મિટિંગ કરી લીધી. તમારી વાત સાચી છે. એ કોઈ જયદેવ સોલંકીના પ્રેમમાં હતી. આજે પણ એ એને ચાહે છે પણ પ્રતાપ અંકલના કારણે એને સંબંધ તોડી દેવો પડ્યો હતો. મેં એ બંને જણાની ફરી મુલાકાત કરાવી. પ્રતાપ અંકલને હું સમજાવીશ અને એ બંનેના લગ્ન પણ કરાવીશ. પ્રતાપ અંકલને ઇલેક્શનમાં મારા પપ્પાએ લાખો રૂપિયા આપેલા છે. એ મને ના નહીં પાડી શકે. " કેતન બોલ્યો.

" ચાલો આ કામ તેં બહુ જ સરસ કર્યું કેતન. "

" હા અંકલ અને હવે જાનકી સાથે જ લગ્ન કરવાનું મેં નક્કી કરી લીધું છે. મને એમ ચોક્કસ લાગે છે જાનકીથી વધુ સારું પાત્ર બીજું કદાચ કોઈ નહીં મળે."

" ચાલો અભિનંદન... તારે હવે લગ્ન કરી લેવાની જરૂર છે. કારણ કે આમ કુંવારા રહીને એકલા એકલા જિંદગી ના જીવાય. સુખ-દુઃખમાં સાથીદાર તો જોઈએ જ " અંકલે ખુશી વ્યક્ત કરી.

" અરે જયશ્રી કેતન માટે કંઈ ચા નાસ્તો લાવે છે કે નહીં ? " આશિષ અંકલે મોટેથી રસોડા તરફ બૂમ પાડી.

" બસ પાંચ મિનિટ !!" રસોડામાંથી અવાજ આવ્યો.

અને થોડીવારમાં જયશ્રીબેન ચાના ૨ કપ અને સાથે ગરમ ગરમ બટાટાપૌંઆ ની ૨ પ્લેટ પણ લેતાં આવ્યાં.

" દક્ષાબેન પાસેથી મારે જે જાણવું હતું તે જાણી લીધું છે. કુકિંગ બહુ સારું જાણે છે. ભરેલાં શાક બનાવવા માટે તો એમણે બહુ સરસ સમજાવ્યું. ગોટા બનાવવાની એમની રીત તો કમાલની છે. પહેલી વાર મેં આવી રેસીપી સાંભળી " જયશ્રીબેને કહ્યું.

ચા-નાસ્તો પતાવીને કેતને આશિષ અંકલની રજા લીધી અને દક્ષામાસી સાથે બહાર આવ્યો.

" મનસુખભાઈ હવે ઘરે લઈ લો. અમને ઉતારીને તમે નીકળી જજો. કોઈ પ્રોગ્રામ બનાવીશ તો તમને ફોન કરી દઈશ. " કેતન બોલ્યો

" ભલે શેઠ " અને મનસુખે ગાડી સ્ટાર્ટ કરી.

ઘરે જઈને દક્ષાબેને કેતનને જમવાનું પીરસ્યું. જમી લીધું ત્યાં સુધીમાં ફરી પાછા ચંપાબેન પણ વાસણ માંજવા આવી ગયાં.

ચંપાબેન કેતનના ઘરે ત્રણ વાર આવતાં. સવારે ૮ વાગે કચરા પોતું અને કપડાં ધોવા. એ પછી બપોરે ૧૨.૩૦ વાગે અને રાત્રે ૮ વાગે વાસણ માંજવા.

લગભગ ચારેક વાગ્યે કેતને પ્રતાપ અંકલને ફોન કર્યો.

" અંકલ તમે ઘરે છો ? હું લગભગ પાંચ વાગ્યા આસપાસ તમારા ઘરે આવીશ. થોડુંક બીજું કામ હતું. " કેતને કહ્યું.

" હા હા આવો ને ! એમાં પૂછવાનું થોડું હોય ? " પ્રતાપ અંકલ બોલ્યા.

અને કેતન મનસુખને બોલાવીને સાંજે પાંચ અને દસ મિનિટે પ્રતાપ અંકલના ઘરે પહોંચી ગયો.

થોડી આડીઅવળી વાતો કરીને કેતન મૂળ વાત ઉપર આવી ગયો. કોઈ કારણસર વેદિકા ત્યારે બહાર હતી.

" અંકલ ખોટું ના લગાડશો. નાના મોંઢે મોટી વાત કરું છું. પણ હું જે કહેવા માગું છું એ ધ્યાનથી સાંભળો. વેદિકા કોઈ જયદેવ સોલંકીના પ્રેમમાં છે. જયદેવ રાજપૂતનો દિકરો છે એટલે આ સંબંધ ઇન્ટરકાસ્ટ છે એ પણ હું જાણું છું. "

" અંકલ જમાનો ઘણો જ આગળ વધી ગયો છે અને તમારા જેવા આટલા આગળ પડતા સામાજિક વ્યક્તિ જો આ લગ્ન કરાવે તો સમાજમાં એક દાખલો બેસશે. વેદિકાનો બે વર્ષનો સંબંધ છે અને આખું જામનગર એ જાણે છે." કેતન બોલ્યો.

" તમે વેદિકાનાં ગમે ત્યાં લગ્ન કરશો તો સામેવાળાને એના ૨ વર્ષના પ્રેમ પ્રકરણ ની ખબર નહીં પડે એમ તમે માનો છો ? દુનિયામાં આપણા જેમ મિત્રો હોય એમ દુશ્મનો પણ હોય છે અંકલ. એટલે હવે મારી સલાહ એક જ છે કે તમે જયદેવ ને સ્વીકારી લો અને તમારા પોતાના હાથે જ દીકરીનું કન્યાદાન આપો. વેદિકા તમારી એકની એક લાડકી દીકરી છે અને એને જો ખરેખર તમારે સુખી જોવી હોય તો તમે આ સંબંધને મંજૂર કરો અંકલ. દુનિયાની બહુ પરવા ના કરો. જયદીપ પણ ભવિષ્યનો આયુર્વેદ ડોક્ટર જ છે. "

પ્રતાપભાઈ કેતનની વાત ટાળી શકે તેમ ન હતા. બે વખત ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે મિત્રતાના હિસાબે જગદીશભાઈએ ટોટલ ૧૦ લાખ જેવી રકમ પ્રતાપભાઈને ધીરી હતી. એ આજ સુધી પ્રતાપભાઈ એ પાછી વાળી નહોતી. કેતનને જમાઈ બનાવવા પાછળ પણ એમની આ જ ગણતરી હતી કે પૈસા પાછા આપવા ના પડે અને કરોડોપતિ જમાઈ મળે.

કેતન જો સુરતમાં જ રહેતો હોત તો જામનગરના પ્રેમ પ્રકરણની એને કોઈ ગંધ ના આવે પરંતુ હવે કેતન તો કાયમ માટે જામનગરમાં જ રહેવાનો હતો !!

પરંતુ એમની ગણતરી ઊંધી પડી હતી. એમને જે ડર હતો એ સાચો પડ્યો. હવે મને કમને પણ જયદેવ સાથે સમાધાન કરવું જ પડશે એમ એમને લાગ્યું.

" અને બીજી એક વાત અંકલ. વેદિકાનાં ધામધૂમથી લગ્ન થવાં જોઈએ. અમારા જે ૧૦ લાખ લેણાં છે એની હવે તમે ચિંતા કરશો નહીં. " કેતન બોલ્યો.

" કેતન હવે મારે કંઈ બોલવા જેવું રહેતું જ નથી. તું આટલું બધું કહે છે અને તારું માન હું ન રાખું તો આપણા સંબંધો નો અર્થ શું ? ઠીક છે... વેદિકાનાં લગ્ન હું જયદેવ સાથે જ કરાવીશ. " પ્રતાપભાઈ બોલ્યા. કેતને દસ લાખ રૂપિયા જેવી મોટી રકમ જતી કરવાની વાત કરી એટલે પ્રતાપભાઈ એકદમ તૈયાર થઈ ગયા.

" બસ અંકલ હવે તમે વેદિકાને કહી દો કે એ જયદેવને ઘરે બોલાવે. ભૂતકાળમાં જે પણ તમે કહ્યું હોય એના માટે એની માફી માંગી લો. ગમે તેમ તોયે એ ભાવિ જમાઈ છે. વેવાઈને પણ આમંત્રણ આપો અને એની પરીક્ષા પતી જાય એ પછી એના લગ્નનું મુહર્ત પણ જોવડાવી દો. " કેતન બોલ્યો.

" ઠીક છે કેતન. હું વેદિકાને વાત કરું છું."

" ચાલો અંકલ હું રજા લઉં. મારે બીજી પણ એક જગાએ જવું છે. " કહીને કેતન ઉભો થઇ ગયો.

બહાર નીકળીને એણે ગાડી ઘર તરફ જ લેવરાવી. એને બીજું કોઈ જ કામ ન હતું પરંતુ હવે પ્રતાપ અંકલ સાથે વધારે વાર બેસવાની ઈચ્છા ન હતી. વેદિકા માટે એ પ્રતાપ અંકલને સમજાવી શક્યો એનો જ એને આનંદ હતો !

કેતન ઘરે પહોંચ્યો ત્યારે સાંજના લગભગ સાડા છ થયા હતા. દક્ષામાસી રસોઈ માટે હજુ પાંચ મિનિટ પહેલાં જ આવ્યાં હતાં.

" માસી એક કામ કરો. આજે તમે આરામ કરો. આજે બહાર જમવા જવાનો મૂડ છે. " કેતને રસોડામાં જઈને કહ્યું.

" ભલે સાહેબ " દક્ષાબેન બોલ્યાં. દક્ષાબેનને લાંબી વાત કરવાની ટેવ જ ન હતી. એ કામ પૂરતું જ બોલતાં. કેતને એમને મકાનની એક્સ્ટ્રા ચાવી આપી રાખી હતી એટલે કેતન ના હોય તોપણ તે ઘર ખોલી ને પોતાનું કામ પતાવી દેતાં. મનસુખે કેતનનો પરિચય બહુ મોટા માણસ તરીકે કરાવેલો એટલે એ બહુ જ આમન્યા રાખતાં.

" મનસુખભાઈ આજે પંજાબી ડીશ ખાવાનું મન છે તો અહીંની કોઈ સારી રેસ્ટોરન્ટ હોય ત્યાં આપણે આઠ વાગ્યે પહોંચી જઈએ. "

" આમ તો અહીંયા બે-ત્રણ રેસ્ટોરન્ટ પંજાબી ફૂડ માટે જાણીતી છે પરંતુ આજે આપણે આતિથ્ય માં જઈએ. બહુ દૂર નથી. " મનસુખ બોલ્યો.

" અને જુઓ કોઈની પણ ઓળખાણ કાઢવાની નથી. પ્રેમથી પૈસા ચૂકવી દેવાના. તે દિવસે આશિષ અંકલે ખાસ ભલામણ કરેલી એટલે એ વાત જુદી હતી પણ હવે નહીં. " કેતને આદેશ આપ્યો.

અને રાત્રે લગભગ ૮ વાગે કેતન આતિથ્ય રેસ્ટોરન્ટમાં પંજાબી ફૂડ ખાવા માટે નીકળી ગયો. જાનકીને પંજાબી ફૂડ બહુ જ ભાવતું હતું અને એ લોકો જ્યારે કોલેજમાં હતાં ત્યારે બંને જણાં સુરતમાં ઘણીવાર પંજાબી રેસ્ટોરન્ટમાં જતા.

" પંજાબી ફૂડ ખાવા માટે જઈ રહ્યો છું. જમવાની ઈચ્છા હોય તો ફ્લાઈટમાં બેસી જા " કેતને જાનકીને ફોન કર્યો.

" વાહ...!! પ્લેન મેં મારા ઘર પાસે પાર્ક નથી કર્યું કે આપનો હુકમ થાય અને હું ઉડાડીને ત્યાં આવી જાઉં !! કેમ આજે અચાનક પંજાબી ફૂડ નો ચસકો લાગ્યો સાહેબને ? " જાનકી હસીને બોલી.

" તારી હારે હવે લગન થવાનાં છે તો પ્રેક્ટિસ તો કરવી પડશે ને ? " કેતને હસીને કહ્યું.

જાનકીને કેતનનો જવાબ બહુ જ મીઠો લાગ્યો. એ કંઈ બોલી નહીં.

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post