પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ 38
બીજા દિવસે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. અઠવાડિયા પહેલાથી જ શતચંડી યજ્ઞની જાહેરાત કરી હતી. ખરો મહાયજ્ઞ તો આજે જ હતો. આજે પણ સવારે ૯ વાગ્યાથી કેતનનો પરિવાર હોલ ઉપર હાજર થઈ ગયો હતો.આચાર્ય કપિલભાઈ શાસ્ત્રી અને ૧૦ બાકીના પંડિતો પણ આવી ગયા હતા. આજે ૪૯ પાઠ થવાના હતા અને તે પછી ૧૦ હોમાત્મક ચંડીપાઠ થવાના હતા.
શાસ્ત્રીજીએ તમામ યજમાનોને તિલક કરીને આજે ફરીથી વેદોક્ત મંત્રોથી સંકલ્પ કરાવ્યો. સિદ્ધાર્થ અને રેવતીનાં લગ્નને ત્રણ વર્ષ થયાં છતાં સંતાન ન હતું એટલે સંતાનબાધા દૂર થાય એ માટે ભવિષ્યમાં નવચંડી યજ્ઞ કરાવવાનો સ્પેશિયલ સંકલ્પ કરાવવાનું શાસ્ત્રીજીને કહ્યું એટલે એમણે એ સંકલ્પ પણ સિદ્ધાર્થ પાસે કરાવ્યો.
એ પછી આજે ફરીથી ગણેશજીનું પૂજન, કુળદેવીનું પૂજન, ૬૪ યોગીનીઓનું પૂજન, શક્તિપીઠનું પૂજન, યંત્ર પૂજન, ભય નિવારણ માટે ભૈરવજીનું પૂજન અને શિવજીનું પૂજન શાસ્ત્રીજીએ કરાવ્યું.
પાંચ થી દસ વર્ષ વચ્ચેની કુલ ૨૭ કન્યાઓ તૈયાર કરીને બોલાવવામાં આવી હતી. તમામ સાત યજમાનોએ કન્યાઓનું સ્વાગત કરી ૨૭ બાલિકાઓના પગ ધોયા અને કંકુ ચોખાથી તેમની જગદંબા તરીકે પૂજા શરૂ કરી.
શાસ્ત્રીજીએ માઈકમાં મંત્રોચ્ચાર ચાલુ કર્યા....
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति स्वरूपिणी पूजां गृहाण कौमारी जगन्माता नमोस्तुते
અદભૂત વાતાવરણ પેદા થયું હતું. દરેક કુમારિકાઓને ૧૦૦૧ આપીને એમનાં માતા-પિતાને સોંપી દીધી.
એ પછી તમામ ૧૦ પંડિતોએ ચંડીપાઠનું વાંચન મોટે મોટેથી ચાલુ કર્યું. ૧:૩૦ વાગ્યા સુધીમાં ૪૯ પાઠ પૂરા થઈ ગયા એટલે કે કુલ ૧૦૦ પાઠનું વાંચન પુરું થયું. એ પછી ગઇકાલની જેમ આજે પણ બધાએ ફળાહાર કર્યો.
આજે સવારથી જ પ્રતાપભાઈ નો આખો પરિવાર અને એમના ભાવિ જમાઈ જયદેવ સોલંકી પણ યજ્ઞમાં હાજર રહ્યા હતા. યજ્ઞ ત્રણ વાગે ચાલુ થવાનો હતો એટલે જમ્યા પછી બંને પરિવારો વચ્ચે વાતચીત ચાલુ રહી. જયેશભાઈ અને મનસુખ માલવિયાનો પરિવાર પણ હાજર હતો !!
" અંકલ તમે જે મિસ્ત્રીની વાત કરતા હતા એમની મીટીંગ કાલે આ જયેશભાઈ સાથે કરાવી દેજો ને ? એટલે સૌથી પહેલાં ઓફીસ નું ફર્નિચર ચાલુ કરાવી દઈએ. એ પતી જાય પછી બંગલાનું કામ હાથમાં લઇએ." કહીને કેતને પ્રતાપ અંકલ સાથે જયેશની ઓળખાણ કરાવી.
" તમને મેં ક્યાંક જોયેલા છે જયેશભાઈ " પ્રતાપ અંકલ બોલ્યા.
" વડીલ જામનગર બહુ નાનું શહેર છે. અને તમે કોર્પોરેટર હતા એટલે મારા એક કામ માટે તમને એક વાર મળવાનું થયેલું. " જયેશ બોલ્યો.
" હા એ વાત પણ સાચી છે. તમે પેલા આશાપુરા ફર્નિચરવાળા માવજીભાઈ મિસ્ત્રી ને ઓળખો ? " પ્રતાપભાઈ એ પૂછ્યું.
" બહુ સારી રીતે ઓળખું. " જયેશ બોલ્યો.
" બસ તો તમે એમને મળી લો અને કેતનની ઓફિસ બતાવી દો અને કામ પણ ચાલુ કરાવી દો. પૈસાની બધી વાતચીત હું કરી લઈશ. એમને કહી દેજો કે પ્રતાપભાઈ વાઘાણીએ આ કામ સોંપેલું છે. " પ્રતાપભાઈ બોલ્યા.
" ઠીક છે કાલથી જ આ કામે પણ લાગી જાઉ છું. " જયેશે કેતનને કહ્યું.
" પ્રતાપ અંકલ આ જયેશભાઈ હવે મારા મેનેજર છે. ખૂબ જ હોશિયાર છે અને કામના માણસ છે. " કેતને પ્રતાપ અંકલને જયેશનો પરિચય આપ્યો.
૩ વાગ્યા એટલે બધા પંડિતો પોતાના આસન ઉપર ગોઠવાઈ ગયા. સૌપ્રથમ આચાર્ય કપિલભાઈએ હવન કુંડમાં ગાયના છાણા નું સ્થાપન કરી અગ્નિ પ્રગટાવ્યો અને યજ્ઞ નારાયણનું પૂજન કર્યું.
હવન પ્રગટ્યા પછી તમામ પંડિતોએ કેટલાક વેદોક્ત મંત્રોની પ્રથમ આહુતિઓ આપ્યા પછી એક સાથે ઉચ્ચ સ્વરે ચંડીપાઠનું વાંચન ચાલુ કર્યું. એક શ્લોક આચાર્ય કપિલ ભાઈ બોલતા હતા તો બીજો શ્લોક ૧૦ પંડિતો બોલતા હતા અને દરેક શ્લોકની સાથે સ્વાહાની આહુતી યજ્ઞમાં આપતા હતા.
ચંડીપાઠની તમામ ૭૦૦ આહુતી અપાઈ ગયા પછી કોળાનો બલી વિધિ થયો. એ પછી તમામ પંડિતો અને યજમાનોએ ઊભા થઇને શક્રાદય સ્તુતિ બોલીને શ્રીફળથી પુર્ણાહુતી કરી. પુર્ણાહુતી કરીને થોડોક વિશ્રામ કર્યો. આરતી અને થાળ હજુ બાકી હતાં એટલે એની તૈયારી શરૂ કરી.
આ બધી વિધિમાં સાંજના સાડા પાંચ વાગી ગયા હતા. સૌથી પહેલાં પ્રતાપ ભાઈએ ચા-પાણીની વ્યવસ્થા કરી. અને તૈયાર થયેલી રસોઈ હોલ માં લઈને આવવા કોઈને ફોન કર્યો.
સાંજના ૬ વાગે રસોઈ આવી ગઈ એટલે માતાજીને થાળ ધરાવ્યો અને આરતી કરીને પૂર્ણાહુતિ કરી. યજ્ઞ કાર્ય સંપન્ન થઈ ગયું એટલે તમામ યજમાનોને બેસાડીને વેદોક્ત મંત્રોથી શાસ્ત્રીજીએ આશીર્વાદ આપ્યા.
એ પછી જમણવાર શરૂ થયો. યજમાનો તેમજ તમામ પંડિતોની સાથે પ્રતાપભાઈ નો પરિવાર, જયેશનો પરિવાર, મનસુખનો પરિવાર તથા તમામ ૨૭ બાલિકાઓ અને એમનાં માતાપિતા પણ ભોજનમાં જોડાઈ ગયાં.
કેતને પોતાના હાથે જ બેંકમાંથી ઉપાડેલા પૈસામાંથી દરેક પંડિતને ૧૦૦૦૦ તેમજ કપીલભાઈ શાસ્ત્રીને ૨૫૦૦૦ દક્ષિણા અર્પણ કરી. કેતનનું દિલ જોઈને તમામ પંડિતો ખુશ થઈ ગયા.
યજ્ઞના આયોજનમાં હોલનું બે દિવસનું ભાડું, પૂજા નો તમામ સામાન અને રસોઈનો જે પણ ખર્ચો થયો એ તમામ ખર્ચ પ્રતાપભાઈ વાઘાણીએ કરેલો. એટલે કેતને એમને પૂછ્યું.
" વડીલ હવે તમારો વારો. મારે તમને ટોટલ કેટલા રૂપિયા આપવાના છે ? તમે ના હોત તો આ અજાણ્યા શહેરમાં આટલો મોટો હવન કરવો મારા માટે શક્ય જ ન હતું. " કેતન બોલ્યો.
" પપ્પા તમારે એક પણ રૂપિયો એમની પાસેથી લેવાનો નથી. આપણે એટલું તો કરી શકીએ ને ?" અચાનક વેદિકા બોલી ઉઠી.
" અરે બેટા પણ મેં ક્યાં કોઈ હિસાબ આપ્યો છે એમને ? જગદીશભાઈનો પરિવાર મારો જ પરિવાર છે. પૈસા લેવાની વાત જ નથી આવતી. " પ્રતાપભાઈ બોલ્યા.
" અરે એવું ના હોય પ્રતાપભાઈ. હિસાબ કોડીનો બક્ષિસ લાખની ! હવનનો ખર્ચો તમારા માથે અમે ના નાખી શકીએ. અને આ આખો શતચંડી યજ્ઞ એ અમારા કેતનનો સંકલ્પ છે એટલે તમામ ખર્ચ એણે જ કરવો પડે. " જગદીશભાઈ બોલ્યા.
" હા અંકલ બીજા બધા પ્રસંગોમાં ચાલે પરંતુ આટલાં મોટા હવનનું પુણ્ય તો મને એકલાને જ મળવું જોઈએ. " હસતાં હસતાં કેતન બોલ્યો.
" હું તારી કોઈ વાત માનવાનો નથી કેતન. આપણા બન્નેના પરિવાર વચ્ચે ક્યાં જુદાગરો છે ? " પ્રતાપભાઈ પોતાની જિદને વળગી રહ્યા.
" એ નહિ માને કેતન. હું એમને વર્ષોથી ઓળખું છું. તું એક કામ કર. ૫૧૦૦૦ નું એક કવર વેદિકાને આપી દે. એ પણ આપણી દીકરી જ છે ને !" જગદીશભાઈ બોલ્યા.
વેદિકા ના ના કરતી રહી પરંતુ કેતને એક કવરમાં ૫૧,૦૦૦ મૂકીને એ કવર વેદિકાના હાથમાં આપી દીધું.
" હવે આવતીકાલે તમારે બધાંએ મારા ઘરે જમવા આવવાનું છે. કોઈ બહાનું નહીં ચાલે. " પ્રતાપભાઈએ જગદીશ ભાઈને કહ્યું.
" ઠીક છે કાલે સવારે તમારે ત્યાં ધામા ! " જગદીશભાઈ બોલ્યા.
" અરે કેતન તારા ઘરે રસોઈ કરે છે એ બહેનને જ કહી દે ને ? કાલે સવારે પ્રતાપભાઈના ઘરે રસોઇ કરવા પહોંચી જાય !! દસ-બાર માણસની રસોઈ કરવાની થશે તો આ લોકોને પણ મદદ રહેશે. " જગદીશભાઈએ કેતનને કહ્યું.
" હા પપ્પા. સવારે મનસુખભાઈ દક્ષા માસીને અંકલના ઘરે મૂકી આવશે કારણ કે એમણે ઘર જોયું નથી. " કેતન બોલ્યો અને મનસુખભાઈને પણ સૂચના આપી.
એ પછી બધાંએ વિદાય લીધી. બંને ગાડીઓમાં કેતનનું ફેમિલી ઘરે આવી ગયું.
ઘરે આવતાં આવતાં રાત્રિના આઠ વાગી ગયા. હવે આજે તો બીજું કંઈ કામ ન હતું. કેતને મનસુખ માલવિયાને રજા આપી અને સવારે આઠ વાગે દક્ષાબેનને પ્રતાપભાઈ ના ઘરે મૂકી આવવાનું યાદ કરાવ્યું.
સ્વામીજીએ ધ્યાનમાં પોતાને શતચંડી યજ્ઞ કરાવવાનો આદેશ આપ્યો હતો એ કાર્ય આજે પૂર્ણ થયું એનો કેતનને આનંદ હતો. એ બહાને પોતાના પરિવારને પણ જામનગર આવવાનો અને પોતાનો નવો બંગલો જોવાનો અવસર મળ્યો હતો.
" હવે આપણે સુરત જઈને મુંબઈ વેવાઈ સાથે વાત કરીને ડિસેમ્બરમાં લગ્નનું સારું મુહૂર્ત જોવડાવી લઈએ." જયાબેન બોલ્યાં.
" હા મમ્મી સૌથી પહેલું કામ એ જ કરો " શિવાની તરત જ બોલી.
" તારે બહુ ઉતાવળ આવી છે ભાઈને પરણાવવાની ?" જયાબેને હસીને કહ્યું.
" કેતનભાઈને પરણાવવા કરતાં બેનને જામનગર રહેવા આવવાની વધારે તાલાવેલી લાગે છે. " રેવતી બોલી.
" ના હોં ભાભી.. મારે જાનકીભાભી ને જલ્દી ઘરે લાવવાં છે. " શિવાની બોલી અને બધાં હસી પડ્યાં.
એ પછી બધાંએ ગઈકાલે ફ્રીઝમાં મૂકેલો બાકીનો આઇસ્ક્રીમ ખાધો.
આજે બેસી બેસીને બધાં થાકી ગયાં હતાં અને લાડુનું ભારે જમણ લીધું હતું એટલે ૧૦ વાગ્યા પછી બધાંએ સૂવાનું પસંદ કર્યું.
સવારે ૭:૩૦ વાગે જ મનસુખ માલવિયા આવી ગયો હતો. આઠ વાગે દક્ષાબેન આવ્યાં કે તરત જ મનસુખ માલવિયાએ એમને પ્રતાપભાઈ વાઘાણીના ત્યાં રસોઇ કરવા જવાની વાત કરી.
" દક્ષાબેન આજે તમારે મારી સાથે ગાડીમાં આવવાનું છે અને પ્રતાપભાઈના ઘરે રસોઈ કરવા જવાનું છે. કેતન શેઠનું આખું ફેમિલી ત્યાં જમવાનું છે આજે. "
" હા માસી અમે બધાં આજે ત્યાં જમવાનાં છીએ એટલે તમે ત્યાં મદદમાં આવો તો સારું." કેતન બોલ્યો.
" ભલે શેઠ. હું તો તૈયાર જ છું " દક્ષાબેન વધારે પડતું બોલતાં નહોતાં.
" તમને બાઈક ઉપર ફાવશે દક્ષાબેન ?" મનસુખે પૂછ્યું.
" કદી બેઠી નથી ભાઈ." દક્ષાબેન બોલ્યાં.
"અરે પણ બાઈક ઉપર શું કામ મનસુખભાઈ ? ગાડી અત્યારે પડી જ રહી છે ને ? તમે એમને ઉતારીને ગાડી અહીં મૂકી જાઓ અને પછી તમે વાન લઈને ૧૧ વાગ્યા આસપાસ આવી જાઓ " કેતને કહ્યું.
" જી શેઠ. એમ જ કરું છું."
દક્ષાબેન ગાડીમાં બેઠાં એટલે મનસુખે ગાડી સ્ટાર્ટ કરી અને પ્રતાપભાઈના ઘર તરફ લીધી.
અડધા કલાકમાં મનસુખ માલવિયા દક્ષાબેનને ઉતારીને પાછો આવી ગયો અને બાઈક લઈને નીકળી ગયો. ફરી એ ૧૧ વાગ્યે વાન સાથે હાજર થઈ ગયો. પોતાના કામમાં મનસુખ માલવિયા ખૂબ જ ચોક્કસ હતો અને એટલા માટે જ એ પરિવારની વ્યક્તિ જેવો બની ગયો હતો.
૧૧ વાગ્યા સુધીમાં તો ઘરના તમામ સભ્યો એકદમ તૈયાર થઈ ગયા હતા. જાનકીએ આજે સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. ડાર્ક બ્લુ કલરની વર્ક કરેલી સાડી એના ગોરા શરીરને ખૂબ જ શોભતી હતી !!
ગઈકાલની જેમ જ બધાં ગાડી અને વનમાં ગોઠવાઈ ગયાં. ૧૫ ૨૦ મિનિટમાં તો બંને ગાડીઓ વ્રજભૂમિ પહોંચી ગઈ.
પ્રતાપભાઈએ બહાર આવીને બધાનું સ્વાગત કર્યું. જગદીશભાઈ અને કેતનને ખુશ રાખવાનો એક પણ મોકો પ્રતાપભાઈ છોડતા ન હતા.
દક્ષાબેનની રસોઈની સુગંધ બહાર સુધી આવતી હતી. સહુએ ઘરમાં પ્રવેશ કર્યો. જગદીશભાઈ, જયાબેન, સિદ્ધાર્થ અને કેતને ડ્રોઈંગરૂમમાં સોફા ઉપર બેઠક લીધી. જાનકી શિવાની અને રેવતી વેદિકા સાથે એના ડ્રોઇંગરૂમમાં ગયાં.
વેદિકાએ ફરીથી કેતનની ખુબ જ પ્રશંસા કરી. -- " કેતને ખબર નહીં પપ્પા સાથે શું વાત કરી કે પપ્પાએ સામે ચાલીને જયદેવને ફોન કર્યો અને ગઈ ગુજરી ભૂલી જવાનું કહ્યું. પોતાના વર્તન બદલ માફી પણ માગી અને જયદેવના આખા કુટુંબને જમવાનું આમંત્રણ પણ આપ્યું. "
" હું તો હજુ પણ માની શકતી નથી કે આવું કઈ રીતે શક્ય બને ? કેતને એવો તે કયો જાદુ કર્યો પપ્પા ઉપર ? કેટલા બધા આત્મવિશ્વાસથી મને કહીને ગયા હતા કે તારું કન્યાદાન તારા પપ્પા જ કરશે !! અને હવે ખરેખર એમ જ થશે." વેદિકા ખરેખર કેતનથી અભિભૂત થઈ ગઈ હતી !!!
" ભાઈનો સ્વભાવ જ એવો છે વેદિકા બેન. ક્યારેય કોઈને તકલીફ માં જોઈ શકતા નથી. હું તો નાનપણથી એમને ઓળખું છું. હંમેશાં સત્યની પડખે ઊભા રહે. કોઈનાથી ડરે નહીં. " શિવાનીએ કેતનનો પરિચય આપ્યો.
આ બાજુ ડ્રોઇંગરૂમમાં કેતને પ્રતાપ અંકલને પોતે સાડા નવ કરોડમાં એક હોસ્પિટલ ખરીદી લીધી અને અત્યારે રિનોવેશનનું કામકાજ ચાલે છે એની વાત કરી. સાથે સાથે બે સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા બહારગામના દર્દીઓના સગાં વહાલાં માટે મફત ટિફિન સેવા ચાલુ કરી એની પણ વિગતવાર વાત કરી.
" આ.લે...લે. આ બધી વાતની તો મને કાંઈ ખબર જ નથી. આટલા ટૂંકા ગાળામાં આટલું બધું કામ શરૂ કર્યું ? કઈ હોસ્પિટલ ખરીદી ? " પ્રતાપભાઈ આશ્ચર્યથી બોલ્યા. આટલી ઝડપી પ્રગતિ એમની કલ્પના બહારની વાત હતી.
" વિકાસ ગૃહ રોડ ઉપર તુલસીદાસ ટ્રસ્ટની ત્રણ માળની જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી એ મારા ટ્રસ્ટના નામે ખરીદી લીધી."
" અરે એ તો ખૂબ જાણીતી અને ખૂબ મોટી હોસ્પિટલ છે. ડોક્ટરો પણ બધા ત્યાં સારા છે. તુલસીદાસને પણ હું ઓળખું. એરીયા પણ ઘણો સારો છે." પ્રતાપભાઈ બોલ્યા.
" હા અંકલ હવે એ હોસ્પિટલ એકદમ લેટેસ્ટ બની જશે. તમામ નવાં સાધનો પણ મંગાવ્યાં છે . અંદરની ડિઝાઇન પણ આર્કિટેક્ટ દ્વારા નવી થઈ જશે. માર્બલ અને ગ્રેનાઈટનો મોટો ઓર્ડર પણ આપી દીધો છે. ત્રણ મહિના માટે હોસ્પિટલ બંધ રાખી છે. " કેતને કહ્યું.
" વાહ ભાઈ વાહ કમાલ છે. આવી લેટેસ્ટ હોસ્પિટલ બની ગયા પછી તારું નામ આખા ય જામનગરમાં જાણીતું થઈ જશે. મારે લાયક કોઈપણ સેવા હોય તો કહેજે. " પ્રતાપભાઈ ખરેખર પ્રભાવિત થઈ ગયા હતા.
" તમારું કામ પડવાનું જ છે. ઓફિસનું ફર્નિચર પતી જાય પછી બંગલાના ફર્નિચરની સાથે સાથે હોસ્પિટલમાં પણ ત્રણે માળે લેટેસ્ટ ચેમ્બરો પાર્ટીશન અને ફર્નિચર તો બનાવવું જ પડશે !! " કેતન બોલ્યો.
ઓફિસનું ફર્નિચર, બંગલાનું ફર્નિચર, અને આવડી મોટી હોસ્પિટલનું ફર્નિચર. લાખોનું ફર્નિચર બનવાનું હતું. લાખોનું નહીં કદાચ આંકડો કરોડ સુધી પણ પહોંચે ! મારે માવજીભાઈ મિસ્ત્રીને તાત્કાલિક મળીને મારું પણ થોડું-ઘણું કમિશન ગોઠવવું જ પડશે. આગળ દિકરીનાં લગન આવે છે. --પ્રતાપભાઈ મનોમન ગણત્રી કરવા લાગ્યા.
લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

