પ્રાયશ્ચિત (Prayaschit-53)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ 53

ગુજરાતનાં બીજાં બધાં શહેરો કરતાં સુરતની દિવાળીની રોનક કંઈક અલગ જ હોય છે. સુરત લક્ષ્મીની ભૂમિ છે. વિલાસની ભૂમિ છે. સુરતની ધરતીમાં વિલાસિતા છે. એવું કહેવાય છે કે વાત્સ્યાયન મુનિએ કામસૂત્રની રચના સુરતની ભૂમિ ઉપર કરી હતી.

#આવકાર
પ્રાયશ્રિત

અહીં પૈસાની રેલમછેલ છે. અહીંના માણસો લહેરી લાલા છે અને પૈસો ખર્ચવામાં માને છે. શુક્રનો વૈભવ સુરતના રોમ રોમમાં વ્યાપેલો છે. અહીંયાં અબજોપતિઓ પણ વસે છે. તાપી નદીના પાણીની કમાલ જ કંઈક ઓર છે. ડાયમંડની સાથે સાથે ભારતનો મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ અને જરીઉદ્યોગ પણ સુરતમાં જ છે.

સિદ્ધાર્થે સ્ટેશનથી કારને કતારગામ તરફ લીધી. આજે દિવાળી છે એવો અહેસાસ કેતનને રસ્તામાં જ થઈ ગયો. રોશનીથી ઝગમગતું શહેર આજે આખી રાત ધબકવાનું હતું. કાન ફાડી નાખે એવા મિર્ચી બોંબ અને ફટાકડા રસ્તામાં ફૂટતા હતા. ગાડી પણ સાચવી સાચવીને ચલાવવી પડતી હતી.

કેતન લોકો ઘરે પહોંચી ગયા. કેતનનું ઉષ્માભર્યું સ્વાગત થયું. રાતના દસ વાગી ગયા હતા. જમવાનું તૈયાર હતું અને કેતનની જ રાહ જોવાતી હતી. મમ્મી પપ્પાએ જમી લીધું હતું. બાકીના સૌ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.

દિવાળીના દિવસે ઘઉંની સેવ ઓસાવવાનો એમના ઘરમાં રિવાજ હતો. બધાની થાળીમાં ગરમાગરમ સેવમાં ઘી અને ખાંડ પીરસવામાં આવી. સાથે ગવાર બટાકાનું લસણિયું શાક અને દાળ-ભાત હતા.

ઘરમાં અત્યારે કોઈ નાનું બાળક ન હતું એટલે ઘરના સૌ એ સાથે મળીને રાત્રે ૧૨ વાગ્યા સુધી કોઠી, રોકેટ અને બોમ્બ જેવા મોટા ફટાકડા ફોડ્યા.

બીજા દિવસે નવું વર્ષ શરૂ થતું હોવાથી બધા વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. સિદ્ધાર્થ રેવતી કેતન અને શિવાની માતાપિતાને પગે લાગ્યાં અને આશીર્વાદ લીધા. સવારથી જ લોકોના 'નૂતન વર્ષાભિનંદન' અને 'સાલ મુબારક' ના ફોન ચાલુ થઇ ગયા હતા. જાનકીનો ફોન પણ સવારે સાત વાગ્યે જ આવી ગયો.

આજનો આખો દિવસ એમનાં સગાં વ્હાલાં અને મિત્રોની આવન-જાવન ચાલુ રહી. સવારે મહારાજે જમવામાં ઘારીની સાથે બે-ત્રણ ફરસાણ પણ બનાવ્યાં હતાં. સાંજે જમવાનું ડિનર હોટલમાં જ નક્કી કર્યું હતું. સવારથી જ ટેબલ બુક કરાવી દીધું હતું.

ભાઈબીજનો દિવસ શિવાની માટે ખુબજ ખુશીનો રહ્યો. બંને ભાઈઓએ શિવાનીને મોલમાં લઈ જઈને મોંઘા મોંઘા ડ્રેસ અપાવ્યા.

બીજા દિવસે ૬ તારીખે જામનગર જવા માટેની ફ્લાઈટ મુંબઈથી સવારે ૧૧ વાગે ઉપડતી હતી એટલે મોડામાં મોડા સવારે ૧૦ વાગ્યે તો એરપોર્ટ ઉપર પહોંચી જવાનું હતું. એટલે ભાઈબીજના દિવસે રાત્રે જ મુંબઈ પહોંચી જવાનું નક્કી કર્યું.

સૌથી સારી ટ્રેઈન શતાબ્દિ એક્સપ્રેસ હતી એટલે સિદ્ધાર્થે સુરતથી સાંજે છ વાગે ઉપડતી શતાબ્દિમાં છ ટિકિટ તત્કાલ ક્વોટામાં લઈ લીધી હતી.

કેતને મુંબઈના એરપોર્ટ ઉપર આવેલી હોટલ હિલ્ટનમાં બે રૂમ બુક કરાવી દીધા. બોરીવલી સ્ટેશને ઉતરીને એ લોકોએ બે ટૅક્સી કરી લીધી અને રાત્રે પોણા દસ વાગે હોટેલ પહોંચી ગયા.

કેતન ઘણીવાર આ હોટલમાં ઉતરતો એટલે હોટલ પરિચિત હતી અને સ્ટાફ પણ !!

સૌથી પહેલાં એ લોકોએ નીચે કાફેટેરિયામાં જઈને જેને જે ભાવતું હતું તે જમવા માટે મંગાવી લીધું. સુતાં સુતાં સાડા અગિયાર વાગી ગયા. સવારે છ વાગે એલાર્મ મુકીને બધાં ઉઠી ગયાં. નાહી ધોઈને ફ્રેશ થઈને રૂમમાં જ ચા મંગાવી લીધી.

સાડા આઠ વાગે ફરી નીચે કાફેટેરિયામાં ગયાં. જગદીશભાઈ અને જયાબેને માત્ર જ્યુસ અને ફ્રુટ ડીશ લેવાનું પસંદ કર્યું. કેતનને ઢોસા વધારે પ્રિય હતા એટલે સાઉથ ઇન્ડિયન કાઉન્ટર ઉપર ઓર્ડર આપ્યો. સિદ્ધાર્થ રેવતીએ બે સેન્ડવીચનો જ્યારે શિવાનીએ વડાપાઉંનો ઓર્ડર આપ્યો.

૧૦ વાગે એ લોકો એરપોર્ટ પહોંચ્યા ત્યારે જાનકી આવી ગઈ હતી. એણે નમીને મમ્મી-પપ્પાને પ્રણામ કર્યા. દિવાળી પછી પહેલીવાર મળતી હતી. બોર્ડિંગ પાસ લઈને એ લોકો સિક્યોરિટી તરફ આગળ વધ્યા.

જામનગર પહોંચ્યા ત્યારે સવા બાર વાગ્યા હતા. એરપોર્ટની બહાર મનસુખ માલવિયા અને જયેશ ઝવેરી ગાડીઓ લઈને હાજર હતા. જયેશ વાન લઈને આવ્યો હતો. જ્યારે માલવિયા કેતનની સિયાઝ લઈને આવ્યો હતો.

" અરે તમે જાતે વાન લઈને આવ્યા છો જયેશભાઈ ? " કેતન બોલ્યો

" એમાં શું થઈ ગયું શેઠ !! તમે મને ફેમીલી મેમ્બર જેવો જ માન્યો છે ને ? " જયેશે જવાબ આપ્યો.

દર વખતની જેમ પરિવાર બે ભાગમાં વહેંચાઇ ગયો. કેતન જાનકી અને શિવાની સિયાઝ માં બેઠા. બાકીના સભ્યો વાનમાં ગોઠવાઈ ગયા.

" જાનકી બંગલો રસ્તામાં જ આવે છે. જોવાની ઈચ્છા છે ? " કેતન બોલ્યો.

" ના કેતન પછી આવીશું. આપણે ઉતરી જઈશું તો મમ્મી પપ્પાને સારું નહીં લાગે. ઘરે બધા સાથે જઈએ એ જ સારું રહેશે. " જાનકી બોલી.

" હા ભાઈ જાનકી ભાભીની વાત સાચી છે. " શિવાનીએ પણ ટાપશી પુરાવી.

" ચાલો એમ રાખીએ." કેતને કહ્યું અને વીસેક મિનિટમાં જ ગાડીએ પટેલ કોલોની માં પ્રવેશ કર્યો. પાછળ ને પાછળ વાન પણ આવી ગઈ.

" ચાલો શેઠ અમે રજા લઈએ. ઘણું કામ બાકી છે. હોસ્પિટલ પણ સજાવવાની છે. લાઇટિંગ વાળો પણ હમણાં આવી જશે. અમે અહીંથી સીધા હોસ્પિટલ ઉપર જ જઈએ છીએ. " જયેશ બોલ્યો.

" ઠીક છે જયેશભાઈ. ચાલો થેંક યુ વેરી મચ. " કેતન બોલ્યો.

" માય પ્લેઝર " કહીને જયેશ વાનમાં બેઠો અને મનસુખે ડ્રાઇવિંગ સીટ સંભાળી.

રસોઈ તૈયાર જ હતી. પોણા વાગે બધા ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. દક્ષામાસી એ આજે કંસાર બનાવ્યો હતો. સાથે પૂરી દાળ ભાત અને ટીંડોળા બટાકાનું શાક હતું. જમવાની ખરેખર મજા આવી. જમીને બે કલાક બધાએ આરામ કર્યો.

સાંજે ચાર વાગે જયેશનો ફોન કેતન ઉપર આવ્યો. " શેઠ આવતીકાલે ૭ તારીખે સવારે ૯:૪૫ વાગ્યાનું સારું મુહૂર્ત શાસ્ત્રીજીએ કાઢી આપ્યું છે. અને એ પ્રમાણે તમામ ડોક્ટરો અને હોસ્પિટલમાં નવા ભરતી કરેલા તમામ સ્ટાફને પણ આમંત્રણ આપી દીધું છે. "

" આવતી કાલના ન્યૂઝપેપરમાં પણ છેલ્લા પાને આપણી હોસ્પિટલના ઉદ્ઘાટનની જાહેરાત આવી જશે. જાહેરાતમાં એ પણ સૂચના આપી છે કે આ નવી હોસ્પિટલમાં ઓપીડી ૧૩ નવેમ્બરે એકાદશીના દિવસે ચાલુ થઈ જશે. બીજી એક જાહેરાત ૧૩ તારીખે ફરી આવશે જેમાં હોસ્પિટલની સેવાઓ ની તમામ માહિતી હશે." જયેશ બોલ્યો.

" સરસ કામ થઈ ગયું. તમારા કામમાં કંઈ કહેવું જ ન પડે. સવારે ૯ વાગે ફેમિલી સાથે હું હોસ્પિટલમાં આવી જઈશ. " કેતન બોલ્યો.

" જી...શેઠ અને આપણી ઓફીસ પણ એકદમ તૈયાર કરી દીધી છે. કાલે હોસ્પિટલથી સીધા આપણે નવી ઓફીસમાં જ જઈશું. જાનકી મેડમને પણ તમે ત્યાં લેતા આવજો. જૂની ઓફિસની તમામ ફાઈલો પણ ત્યાં ટ્રાન્સફર કરી દીધી છે. " જયેશે કહ્યું.

"હોસ્પિટલમાં તમામ લાઇટ ડેકોરેશન થઈ ગયું છે. આજે સાંજે સાત વાગ્યા પછી હોસ્પિટલ ઝગમગતી હશે. કાલે સવારે ઉદ્ઘાટન વખતે પણ ચાલુ રાખીશું. વહેલી સવારે તાજા હાર અને ફૂલ પણ આવી જશે. સવારે સાત વાગ્યાથી જ આપણો સ્ટાફ હોસ્પિટલને સજાવશે અને તોરણો લટકાવશે. ઓપીડી હોલમાં જ ઉદ્ઘાટન સમારંભ રાખ્યો છે. અને તમામ ખુરશીઓની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. " જયેશે સંપૂર્ણ રિપોર્ટ આપી દીધો.

લાભપાંચમની સવાર કેતન અને તેના પરિવાર માટે શુકનવંતી હતી. એ દિવસે વિધાતા કેતનનો સૂર્યોદય કરી રહી હતી. એક નવી જ દુનિયામાં એનો પ્રવેશ થવાનો હતો. જામનગરમાં હવે એની ઓળખ ઊભી થવાની હતી. પાછલા જન્મના પાપ કર્મનો ક્ષય કરવાની યાત્રા શરૂ થવાની હતી. !! તમામ વર્તમાનપત્રો માં છેલ્લા પાને " કે જમનાદાસ હોસ્પિટલ"ના ઉદ્ઘાટનની મોટી જાહેરાત છપાઇ હતી.

હોસ્પિટલમાં સવારથી જ શરણાઈના મીઠા સૂર રેલાતા હતા અને મનને પ્રસન્ન કરતા હતા. રાજકોટથી ખાસ બે શરણાઈ વાદકો અને તબલાવાળાને જયેશે બોલાવ્યા હતા. સવારે સાત વાગ્યાથી જ મંગલ શરણાઈ વાદન ચાલુ થઈ ગયું હતું.

પસંદ કરેલા સિક્યુરીટી સ્ટાફની ડ્યુટી આજથી જ ચાલુ કરાવી દીધી હતી. જે ટ્રાફિકને પણ સંભાળવાના હતા અને મહેમાનો માટે પણ માર્ગદર્શન આપવાના હતા. આશિષ અંકલની સૂચનાથી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પણ આઠ વાગે હાજર થઈ ગયા હતા.

ગોળનો આખો રવો તોડાવીને તૈયાર રાખ્યો હતો અને સાથે ધાણા પણ તૈયાર હતા. તમામ મહેમાનો માટે હેવમોરમાં આઇસક્રીમનો ઓર્ડર પણ અપાઈ ગયો હતો. ઓપીડી વાળા મોટા હોલમાં બે મોટી જાજમ પાથરી દીધી હતી અને વ્યવસ્થિત રીતે ખુરશીઓ પણ ગોઠવી દીધી હતી.

" કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ" નું મોટું નિયોન સાઈન બોર્ડ લાગી ગયું હતું. બહારથી હોસ્પિટલ એટલી બધી સરસ દેખાતી હતી કે જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય !! લાલ ગ્રેનાઇટ અને માર્બલનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. સાગના તમામ વુડન ફર્નિચર ઉપર સેફરોન કલરનું સનમાઈકા લગાવેલું હતું. રિસેપ્શન કાઉન્ટરની પાછળ રિસેપ્શનિસ્ટ માટે પણ રીવોલ્વીંગ ચેર ગોઠવી હતી.

ઓર્થોપેડિક સર્જન ડોક્ટર શાહની પેનલે શ્રેષ્ઠ ડોક્ટરો અને શ્રેષ્ઠ સ્ટાફની પસંદગી કરી હતી. અનુભવી નર્સોને પ્રથમ પસંદગી આપી હતી. ડોક્ટર સિવાયના તમામ નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય, હેલ્પર, સ્વીપર વગેરે માટે પણ સેફરોન કલરનો યુનિફોર્મ બધાના માપ પ્રમાણે સીવવાનો ઓર્ડર આપી દીધો હતો.

સેવાને વરેલી આ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ભગવા કલરને મળતો સેફરોન યુનિફોર્મ પહેરે તેવી કેતનની ઈચ્છા હતી. સેફરોન કલર સૂર્યનો છે. એટલા માટે તો તમામ સંતો મહાત્માઓ સૂર્યનો ભગવો રંગ ધારણ કરે છે. જુદી જુદી સાઇઝના ૫૦ સફેદ કલરના એપ્રોન કેતને સુરતથી ઓર્ડર કર્યા હતા.

ઓપીડી હોલમાં જ એક વિશાળ બોર્ડ ફીટ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા અક્ષરોમાં એમ્બૉસ કરેલા હોસ્પિટલના નામની નીચે તમામ ડોક્ટરોનાં નામ એમની ડીગ્રી અને તેઓ કઈ સેવાઓ સંભાળશે જેવી માહિતી પણ એમ્બૉસ કરેલા અક્ષરોમાં જ દર્શાવી હતી. એ જ પ્રમાણે જે તે ડોક્ટરની ચેમ્બરની બહાર એમનાં નામ પણ ડીગ્રી સાથે લખાઈ ગયાં હતાં.

૧ ડૉ. મહેન્દ્ર શાહ ઓર્થોપેડિક સર્જન

૨ ડૉ. તુષાર રાવલ જનરલ સર્જન

૩ ડૉ. મિતેષ વૈષ્ણવ કાર્ડિયોલોજિસ્ટ

૪ ડૉ. શૈલી વોરા ગાયનેકોલોજિસ્ટ

૫ ડૉ. સુધીર મુનશી ન્યુરો ફિઝિશિયન

૬ ડૉ. મિહિર કોટેચા એમ.ડી. મેડિસિન્સ

૭ ડૉ. દિગંત વસાવડા ઈએનટી સર્જન

૮ ડૉ. અલ્તાફ શેખ યુરોલોજિસ્ટ

૯ ડૉ. સુધીર જોશી ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ

૧૦ ડૉ. અંજલી શાહ પીડીયાટ્રીશ્યન

૧૧ ડૉ. ભાર્ગવ મહેતા રેડીયોલોજીસ્ટ

જ્યારે પ્લાસ્ટિક સર્જન ડૉ. ધ્રુવ અને ન્યુરોસર્જન ડૉ. કોટક વીઝીટીંગ ડોક્ટર તરીકે સેવાઓ આપવાના હતા. તે જ પ્રમાણે એક ડાયટિશિયન મિતાલી જોબનપુત્રા અને એક ફિઝિયોથેરપિસ્ટ નેહા કક્કડ પણ ઓન કોલ વિઝીટ હેલ્થ પ્રોફેશનલ સિલેક્ટ કરેલા હતા.

ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તરીકે ડૉ. પારુલ નાણાવટી, ડૉ. ધવલ કાપડિયા અને ડૉ. જૈમિન મિસ્ત્રીને નીમણૂક આપી હતી.

હાલ પૂરતો એક એમ્બ્યુલન્સનો ઓર્ડર આપી દીધો હતો. જેની ડિલિવરી ૧૧ તારીખે થવાની હતી.

બરાબર આઠ અને પંચાવન મિનિટે કેતન અને તેના પરિવારની બે ગાડીઓ આવીને હોસ્પિટલના ગેટ પાસે ઉભી રહી. કેતન સિદ્ધાર્થ અને પપ્પા જગદીશભાઈ આજે ગ્રે કલરનો સ્યુટ પહેરીને આવ્યા હતા. તો જયાબેનની સાથે સાથે રેવતી જાનકી અને શિવાનીએ મોંઘી સાડીઓ પહેરી હતી.

હોસ્પિટલની સજાવટ રોશની અને શરણાઈના સુર સાંભળીને કેતન અને તેનો આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. લગ્નપ્રસંગમાં પણ જેવી જમાવટ ના હોય તેવી જમાવટ તેના સ્ટાફે આજે કરી હતી. કેતનની કલ્પના બહારનું દ્રશ્ય હતું. આખું દૈવી વાતાવરણ ઊભું થયું હતું અને એક દિવ્ય આનંદની અનુભૂતિ કેતન કરી રહ્યો હતો.

કેતનના આખા પરિવારનું કેતનના સ્ટાફે ગુલાબના ફુલોની પાંખડીઓથી સ્વાગત કર્યું. ગુલાબી સાડી પહેરેલી કાજલે તમામ સભ્યોને ચાંદલા કર્યા અને અંદર પ્રવેશ કરવાની વિનંતી કરી. ગેટ ઉપર પણ નીચે ગુલાબની પાંખડીઓ પાથરી હતી.

અંદરનું દ્રશ્ય પણ અફલાતૂન હતું. પપ્પા જગદીશભાઈથી બોલી જવાયું. " કેતન કયા શબ્દોમાં તારા આ સાહસનું હું અભિવાદન કરું ? તેં તો એકલા હાથે અહીંયા એક સ્વર્ગ જ ખડું કરી દીધું છે. આવા અદભુત વાતાવરણનો મારી જિંદગીમાં મેં ક્યારેય પણ અનુભવ નથી કર્યો. તારા ઉપર ખરેખર દૈવી કૃપા છે અને ભગવાન સ્વામિનારાયણના ચારે હાથ છે. "

" પપ્પા... આ બધું કરવાની મારી કોઈ હેસિયત નથી. બસ એક શુભ સંકલ્પ કર્યો અને ઈશ્વરે જ આ સામ્રાજ્ય ઉભું કરી દીધું. મારા આ સ્ટાફ મેમ્બર્સનો એમાં સૌથી મોટો ફાળો છે. " કેતન બોલ્યો.

એ પછી માતા-પિતાને નીચે નમીને કેતન પગે લાગ્યો અને ચરણ સ્પર્શ કર્યા. જયાબેને દિલથી આશીર્વાદ આપ્યા

" મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે બેટા. તારા પપ્પાએ પોતાની મહેનત અને બુદ્ધિ બળથી કરોડો રૂપિયા પોતાના પરિવાર માટે બનાવ્યા અને આજે તું એ પૈસાનો લોકોના કલ્યાણ માટે સદુપયોગ કરી રહ્યો છે. તારા ઉપર અમને ગર્વ છે." જયાબેન બોલ્યાં.

" હા કેતન મને કલ્પના પણ નહોતી કે જામનગર આવીને તું આટલી બધી પ્રગતિ કરીશ અને આખા જામનગરમાં નામ રોશન કરી દઈશ. મારા અને રેવતી તરફથી કોન્ગ્રેચ્યુલેશન કેતન. " સિદ્ધાર્થ કેતનની જમણા હાથની હથેળી હાથમાં લઈને બોલ્યો.

" ભાઈ વડીલોના આશીર્વાદ અને તમારા બધાની શુભેચ્છાઓ કામ કરી ગઈ છે. " કેતન બોલ્યો.

જાનકી રેવતી અને શિવાની પણ કેતનના આ સાહસ માટે ગર્વ અનુભવી રહ્યાં હતાં.

કેતન અને તેના પરિવાર માટે એક તરફ ખાસ વિશેષ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયેશે એમને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું કહ્યું.

તમામ સિક્યુરિટી આજે ખડે પગે હતી. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ ૯:૩૦ વાગે આવવાના હતા એટલે પોલીસનો કાફલો પણ બહાર સક્રિય હતો. તમામ નર્સિંગ સ્ટાફ, વોર્ડબોયઝ, હેલ્પરો વગેરે એક પછી એક આવવાના શરૂ થઈ ગયા હતા. આઇસ્ક્રીમવાળો પણ આવી ગયો હતો.

તમામ ડોક્ટરોની અને આમંત્રિત મહેમાનોની રાહ જોવાતી હતી. આમંત્રિતોમાં આશિષ અંકલ અને જયશ્રી આન્ટી, પ્રતાપભાઈનું આખું ફેમિલી, જયદેવ સોલંકી, જયેશ અને મનસુખનો પરિવાર, કલેકટર સાતાસાહેબ, રાજકોટથી અસલમ શેખ તેમજ ઉદઘાટન વખતે વૈદિક મંત્રોચ્ચાર માટે કપિલભાઈ શાસ્ત્રી મુખ્ય મહેમાનો હતા.

દીપ પ્રાગટ્ય કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું. માઈકની વ્યવસ્થા કરી હતી અને ઉદ્ઘાટન પછી કેતન પ્રાસંગિક પ્રવચન પણ કરવાનો હતો.

હજુ ૨૫ મિનિટની વાર હતી. બહાર તમામ ડોક્ટરોની ગાડીઓ આવવાની ચાલુ થઈ ગઈ હતી અને પોલીસની સાયરન સાથે આશિષ અંકલ પણ સમયસર આવી ગયા હતા.

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post