પ્રાયશ્ચિત (Prayaschit-60)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ 60

સવારે આઠ વાગ્યા સુધી કેતન અને જાનકીને કોઈએ પણ ડિસ્ટર્બ કર્યાં નહીં. એમની મેળે જાગશે એટલે નીચે આવી જશે એમ જ સૌએ સ્વીકારી લીધું.

સૌથી પહેલાં જાનકીની આંખ ખૂલી ગઈ. પુરુષ કરતાં સ્ત્રી જ વહેલી જાગી જતી હોય છે ! મોબાઈલમાં જોયું તો સવારના આઠ અને વીસ મિનિટ થઈ હતી. જાનકી સફાળી બેઠી થઈ ગઈ અને સીધી વૉશરૂમમાં ભાગી. કેતનના આ બંગલાનો વૉશરૂમ પણ ઘણો વિશાળ હતો !

#આવકાર
પ્રાયશ્રિત

વૉશરૂમમાં જેમ નાઇટી ગોઠવેલી હતી એ જ રીતે સવારે પહેરવાનો એક ફોર્મલ ડ્રેસ પણ મુકેલો જ હતો. આ કામ પેલી ઈવેન્ટ મેનેજમેન્ટવાળી બે છોકરીઓનું હતું કે પછી ઘરના જ કોઈએ આટલી બધી કાળજી રાખી હતી એ જાનકીને સમજાતું ન હતું.

કેતન હજુ સુતો હતો એટલે એણે ફટાફટ બ્રશ કરી લીધું અને નાહીધોઈને તૈયાર થઈ ગઈ. ડાર્ક બ્લૂ રંગના ભરતકામવાળો ઓરેન્જ કલરનો ડ્રેસ એણે પહેરી લીધો. લેટેસ્ટ પરફ્યુમ પણ વૉશરૂમમાં ગોઠવેલાં હતાં. એણે એના મનગમતા પરફ્યુમનો હળવો સ્પ્રે કર્યો.

બહાર આવીને એણે કેતનના કાનમાં માથાના ભીના વાળથી ગલીપચી ચાલુ કરી. કેતન સળવળ્યો એટલે ધીમેથી એણે એના કાનમાં " ગુડ મોર્નિંગ વરરાજા " કહ્યું.

કેતનની આંખો ખૂલી ગઈ. એ બેઠો થઈ ગયો. જાનકીને એણે તૈયાર થયેલી જોઈ અને મોબાઇલમાં ટાઈમ જોયો. અરે બાપ રે સવા નવ વાગી ગયા !!

" અરે... તું તૈયાર પણ થઈ ગઈ અને મને જગાડ્યો પણ નહીં ? " કેતન બોલ્યો.

" હા તો અત્યારે હું જ જગાડું છું ને !! " જાનકી લાડથી બોલી.

" હવે જગાડે છે ને ? તું જ્યારે જાગી ત્યારે ના જગાડાય ? " કેતને મીઠો ઠપકો આપ્યો.

" વૉશરૂમ એક જ છે ને સાહેબ !! જાગીને કોઈ ફાયદો ખરો ? મેં મારું કામ પતાવી દીધું. હવે તમારો વારો. " જાનકી રમતિયાળ મૂડમાં હતી.

" તો એમાં શું થઈ ગયું ? આજકાલના મોડર્ન યુગમાં તો નવાં નવાં પરણેલાં યુગલો સાથે બાથ લેતાં હોય છે !! " કેતન થોડા રોમેન્ટિક મૂડમાં બોલ્યો.

" વાહ.. તો હવે તમને સાથે બાથ લેવાના અભરખા જાગ્યા છે એમ ને ? તમે વળી ક્યારના મોડર્ન બની ગયા સાહેબ ? અને આ અમેરિકા નથી. કતારગામ માં પાછા આવી જાઓ. હું હવે નીચે જાઉં છું. " જાનકી બોલી અને દરવાજો ખોલીને દોડતી નીચે ભાગી.

કેતન થોડી વાર બેસી રહ્યો. જિંદગીમાં પહેલી વાર એણે આવો રોમેન્ટિક અનુભવ કર્યો હતો !! કાલની રાત ખરેખર કામણગારી રાત હતી.

એ ઉભો થયો. વૉશરૂમમાં નાહી ધોઈને કલાક પછી બહાર આવ્યો. ડાર્ક બ્લુ કલરનું ચેક્સવાળું શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરી લીધું. પર્ફ્યુમનો એને ખાસ શોખ ન હતો તો પણ પર્ફ્યુમનો થોડો છંટકાવ કર્યો. ગમે તેમ તોય હજુ વરરાજા હતો !!

દસ વાગી ગયા હતા એટલે એ સીધો રસોડામાં ચા નાસ્તો કરવા ગયો.

" જિંદગીમાં પહેલીવાર ભાઈ આજે દસ વાગે ઉઠ્યા છે. " શિવાની બોલી.

" અરે...ના રે ના. નવ વાગે તો ઉભો થઇ ગયો હતો. " કેતન બોલ્યો અને જાનકી ની સાથે શિવાની અને રેવતી ભાભી પણ હસી પડ્યાં.

" ચાલો હવે મજાક છોડો. જાનકી પણ ક્યારની કેતનની રાહ જોતી બેસી રહી છે. એમને નાસ્તો કરવા દો. તમે લોકો બહાર આવી જાવ. " જયાબેન બોલ્યાં.

" પણ મમ્મી હું ભાઈ ભાભી ની સાથે બેસી રહું તો શું વાંધો છે ? " શિવાની બોલી.

" હે ભગવાન... ૨૧ વરસની થઈ તોયે એનામાં અક્કલ આવતી નથી !! મારે એને કઈ રીતે સમજાવવી ? તું બહાર આવતી રહે ને ભૈશાબ !! " જયાબેને ઘાંટો પાડ્યો.

જયાબેન સારી રીતે સમજતાં હતાં કે નવા નવા પરણેલા યુગલને થોડું એકાંત આપવું જરૂરી છે. એકબીજા તરફ વહાલના દરિયા ઉભરાતા હોય છે. એકબીજાને અડપલાં કરવાનું મન થતું હોય છે. મનના આવેગો બેકાબુ બની જતા હોય છે. બીજાની હાજરી એમને ખટકતી હોય છે.

અને વાત પણ સાચી હતી. ચા પીતાં પીતાં પણ કેતન જાનકીને તાકી જ રહ્યો હતો. એને આજે જાનકી જુદી જ લાગતી હતી. જો કે બંને સંસ્કારી પરિવાર તરફથી હતાં એટલે રસોડામાં કેતન અને જાનકી મર્યાદામાં જ રહ્યાં.

બે દિવસનો થાક હતો અને ગઈકાલ રાતનો ઉજાગરો હતો એટલે જમ્યા પછી કેતન અને જાનકી પાંચ વાગ્યા સુધી ઘસઘસાટ ઉંઘી ગયાં.

કેતને શિકાગોથી રમણભાઈ પટેલને પોતાના લગ્નમાં મુંબઈ આવવાનું ખાસ આમંત્રણ આપ્યું હતું અને લગ્ન પતી ગયા પછી એમને સુરતમાં હોટેલ યુવરાજમાં ઉતારો આપ્યો હતો. સાંજે કેતનની ઈચ્છા રમણભાઈને મળવાની હતી. કારણ કે રમણભાઈ પટેલ દ્વારા જ સ્વામી ચેતનાનંદ નો પરિચય કેતનને થયો હતો.

કેતનની ઈચ્છા જાનકીને પણ સાથે લઈ જવાની હતી પરંતુ સ્વામીજીએ પૂર્વ જન્મની કરેલી વાતો અંગત રાખવાનું સૂચન કેતનને કરેલું એટલે કેતને એકલા જ જવાનું પસંદ કર્યું.

સાંજે લગભગ છ વાગે રમણભાઈને ફોન કરીને કેતન ઘરેથી નીકળી ગયો અને ૬:૩૦ આસપાસ યુવરાજ હોટલ પહોંચી ગયો.

રૂમ નંબર ૩૦૨ પાસે પહોંચીને કેતને દરવાજે ટકોરા માર્યા. રમણભાઈએ તરત જ દરવાજો ખોલી દીધો. રમણભાઈની ઉંમર લગભગ ૬૦ આસપાસ હતી. વ્યક્તિત્વ સંપૂર્ણ આધ્યાત્મિક હતું.

રૂમમાં સામે જ ટેબલ ઉપર નાનકડી ફ્રેમમાં સ્વામી ચેતનાનંદનો હસતા ચહેરા વાળો સુંદર ફોટો ગોઠવેલો હતો. બાજુમાં ગુલાબનાં બે ફુલ અને એક અગરબત્તીની રાખ ફેલાયેલી હતી જેની સુવાસ હજુ પણ રૂમમાં ફેલાયેલી હતી.

" અભિનંદન કેતન. લગ્નમાં શુભેચ્છાઓ તો આપેલી જ છે પણ અંગત રીતે કહું તો પ્રસંગનું આયોજન ખૂબ જ સુંદર હતું અને તારી પસંદગી પણ મને ગમી. તેં જે પાત્ર પસંદ કર્યું છે એ ખૂબ જ સાત્ત્વિક છે અને એની ઓરા પણ ખૂબ જ પાવરફુલ છે." રમણભાઈ બોલ્યા.

" જી વડીલ થેન્ક્સ... તમારા શબ્દોનું મારા માટે બહુ જ મહત્વ છે. સ્વામીજી જો આટલા બધા પાવરફૂલ હોય તો એમના આ પ્રિય શિષ્ય પણ કંઇ કમ ન હોય ! " કેતન બોલ્યો.

" ના.. ના.. ભાઇ એવું કંઈ જ નથી. આ બધી મારા ગુરુજીની જ કૃપા છે. અને એક સાચી વાત કહું ? તારા બોલાવવાથી આ લગ્નમાં હું આવ્યો છું એવું ના સમજતો. તેં ભલે આવવા-જવાની ટિકીટ મોકલી પરંતુ એની પાછળ પણ સ્વામીજીની ઈચ્છા જ કામ કરી ગઈ છે. મને લગ્નમાં બોલાવવાની પ્રેરણા પણ તને સ્વામીજીએ જ આપી છે. "

કેતન આશ્ચર્ય પામીને રમણભાઈની વાત સાંભળી રહ્યો.

" મને એમણે ધ્યાનમાં જ કહેલું કે કેતન સાવલિયાનાં એક સુશીલ કન્યા સાથે લગ્ન થઈ રહ્યાં છે અને મારા વતી તારે લગ્નમાં હાજરી આપવાની છે. તારી આવવા જવાની ટિકીટની વ્યવસ્થા થઈ જશે. સ્વામીજીનો આદેશ હોય એટલે મારે કોઈ દલીલ કરવાની ના હોય. બે દિવસ પછી તારો ફોન પણ આવી ગયો અને ઓનલાઇન ટિકિટ પણ તેં કરાવી દીધી. " રમણભાઈ બોલ્યા.

" જાનકી એ સીતાજીનું જ બીજું નામ છે એ યાદ રાખજે. તારી સાચી જીવન સંગીની બનીને એ રહેશે. હસ્ત મેળાપ પછી તમારા બંનેના માથા ઉપર હાથ મૂકીને બે મિનીટ હું ઉભો રહ્યો હતો. એ સમયે ખરેખર તો એ સ્વામીજીના જ આશીર્વાદનું હું માધ્યમ બનેલો હતો. " રમણભાઈ બોલ્યા.

" જાનકીનો અને તારો પાછલા ત્રણ જન્મથી ગાઢ સંબંધ છે એવું મને સ્વામીજીએ કહ્યું. તારા પાછલા જન્મમાં તારી એટલે કે જમનાદાસની સાથે લગ્ન કરવા માટે એણે ઘણી પ્રતિક્ષા કરી પણ લગ્ન ના થઈ શક્યાં. એ તારા માટે આજીવન કુંવારી રહી એવો સંકેત મને સ્વામીજીએ આપેલો. " રમણભાઈ બોલ્યા.

" તમને બંનેને આશીર્વાદ આપવા સ્વામીજીએ મને છેક અમેરિકાથી અહીં મોકલ્યો એની પાછળ પણ કંઈક રહસ્ય છે એમ મને લાગે છે. જો કે મને સ્વામીજીએ તારા પૂર્વજન્મ વિશે કોઈ જ માહિતી આપી નથી એટલે વધારે હું કંઈ જાણતો નથી." રમણભાઈ આટલું બોલીને અટકી ગયા.

" મારે સ્વામીજીને મળવું હોય અને અમારે બંનેને એમના રૂબરૂ આશીર્વાદ લેવા હોય તો ક્યાં મળી શકે ? " કેતન રમણભાઈની વાતો સાંભળીને સ્વામીજી ને મળવા માટે ખૂબ જ અધીરો થઇ ગયો.

" ગુરુજી પોતાનું ભ્રમણ હંમેશા ગુપ્ત રાખે છે. એકદમ મનમોજી સ્વભાવના છે. અંદરથી એમને જે પ્રેરણા મળે એ પ્રમાણે એ વિહાર કરતા હોય છે અને સ્થાન બદલતા હોય છે. સંકલ્પ માત્રથી એમની વ્યવસ્થા એ કરી લે છે. " રમણભાઈએ કહ્યું.

" આઠ નવ મહિના પહેલાં એ અમેરિકા આવેલા ત્યારે કેલિફોર્નિયામાં રહેતા એમના એક ભક્તને એમણે પ્રેરણા આપેલી અને એણે ટિકિટની વ્યવસ્થા કરી આપેલી. હરિદ્વારના એક કાયમી સરનામે સ્પોન્સર લેટર પણ એ ભક્તે મોકલ્યો હતો." રમણભાઈ બોલતા ગયા.

" સ્વામીજી પોતે વેલ એજ્યુકેટેડ છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની છે પરંતુ ઘણી બધી ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. બીજી એક નવાઈની વાત જાણવા જેવી છે. સ્વામીજી કોઈનો પણ પાઈ પૈસો લેતા નથી. કોઈ ભક્ત એમના માટે કદાચ કોઈ ખર્ચ કરે તોપણ એ ભક્તને એ રકમ ગમે તે માર્ગે ૨૪ કલાકમાં પાછી મળી જાય છે. " રમણભાઈએ સ્વામીજીનો વિગતવાર પરિચય આપ્યો.

" તારે સ્વામીજીને મળવું હોય તો તું ધ્યાનમાં વારંવાર એમને મળવાની પ્રાર્થના કર, જિદ કર. તને ગમે ત્યાં અચાનક એ મળી જશે. એ ઘણી બધી સિદ્ધિઓ ધરાવે છે. મારા ગુરુજીનું તો હું જેટલું વર્ણન કરું એટલું ઓછું છે." રમણભાઈ બોલ્યા.

" તમારી જેમ મારે એમને ગુરુ કરવા હોય તો શું કરવું ? " કેતને છેલ્લો સવાલ પૂછ્યો.

" એ તારા ગુરુ નથી. મારે આ બાબતમાં એમની સાથે વાત થઈ ગઈ છે. દરેકનો સમય પાકે એટલે આપોઆપ સદગુરુની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ સ્વામીજીને તારા ઉપર ખૂબ જ પ્રેમ છે. " રમણભાઈ બોલ્યા.

" જી એ તો હું સમજી શકું છું. તમે મારું માન રાખીને લગ્નમાં હાજરી આપી એ બદલ દિલથી આભાર માનું છું વડીલ. હવે રાત્રે બાર વાગ્યાના સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ જવાનું તમારુ રિઝર્વેશન કરેલું છે. ટિકિટ તમારા મોબાઇલમાં ફોરવર્ડ કરી છે. " કેતન બોલ્યો.

" હા... ટીકીટ તો મારા મોબાઈલમાં આવી ગઈ છે. " રમણભાઈ બોલ્યા.

" બીજું કંઈ કામકાજ હોય તો બોલો. સુરતની ઘારી લઈ જવાની ઇચ્છા હોય તો મોકલાવું. " કેતને વિવેક કર્યો.

" ના... ના... બે કિલો ઘારી સાંજે જ પેક કરાવી દીધી. " રમણભાઈએ કહ્યું.

" ભલે તો હું રજા લઉ. " કહીને કેતન બહાર નીકળી ગયો.

કેતન ઘરે પહોંચીને સીધો ઉપર પોતાના બેડરૂમમાં ગયો. જાનકી એની રાહ જ જોતી હતી.

" ક્યાં ગયા હતા બે કલાકથી ? ઘરમાં પણ કોઈને કંઈ ખબર નથી. જમવા માટે મમ્મી પણ એક વાર પૂછી ગયાં. " જાનકી બોલી.

" બસ તારા માટે સ્વામીજીના આશીર્વાદ લેવા ગયો હતો. " કેતન બોલ્યો.

" જાઓ હવે...મારા માટે આશીર્વાદ લેવા અને એ પણ મને ઘરે મૂકી ને !! " જાનકી મીઠો છણકો કરીને બોલી.

" આ આશીર્વાદ સૂક્ષ્મ હોય ને એમાં સ્થૂળ હાજરીની જરૂર ના હોય. આપણે કોઈને - ગોડ બ્લેસ યુ - ના આશીર્વાદ મેસેજ કરીએ તો એને મળી જાય છે કે નહીં ? " કેતન ઠાવકાઈ થી એવા જવાબ આપતો હતો કે જાનકી ગુંચવાઈ ગઈ.

" તમને બોલવામાં નહી પહોંચાય. સાચું કહો ને ક્યાં ગયા હતા ? " જાનકી બોલી.

" અમેરિકાથી આપણા લગ્નમાં મારા મિત્ર આવ્યા હતા. એ આજે રાત્રે જઈ રહ્યા છે એટલે એમને હોટલમાં મળવા ગયેલો. " કેતને કહ્યું. સ્વામીજી અંગેની કોઇ ચર્ચા કેતને અત્યારે કરી નહીં.

જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કેતન અને જાનકી તરત નીચે ઉતર્યાં અને ડાઇનિંગ ટેબલ ઉપર બેઠાં. મમ્મી પપ્પાએ જમી લીધું હતું. સિદ્ધાર્થ લોકો કેતનની જ રાહ જોતા હતા.

" ક્યાંય બહાર ગયો હતો ? " સિદ્ધાર્થે પૂછ્યું.

" હા ભાઈ શિકાગોથી રમણભાઈ પટેલ આવેલા એ આજે રાત્રે નીકળી જવાના છે એટલે વિવેક ખાતર ખાસ મળવા ગયેલો. શિકાગોમાં મારે એમની સાથે અંગત સંબંધો હતા. " કેતને ખુલાસો કર્યો.

" ઓકે ઓકે... હવે તમે લોકોએ હનીમૂન માટે કોઈ પ્રોગ્રામ બનાવ્યો ? "

" મને તો એવો વિદેશમાં ફરવાનો કોઈ ખાસ શોખ નથી પરંતુ જાનકીએ દુબઈ જોયું નથી એટલે વિચારું છું કે ત્રણેક દિવસ પછી દુબઈ જઈએ. " કેતન બોલ્યો.

" ગ્રેટ !! પણ તો પછી તારે એના માટે ત્યાંની કોઈ સારી હોટલનો સ્પોન્સર લેટર જોઈશે. એક કામ કર. તું ગ્રાન્ડ હયાત હોટલમાં જ રોકાજે. હું બે વાર જઈ આવ્યો છું. બેસ્ટ હોટલ છે. ત્યાં મેનેજર શેટ્ટી મને સારી રીતે ઓળખે છે. હું આજે વાત કરી લઉં. તારા તમામ ડોક્યુમેન્ટ તું હોટલમાં ઇમેલ કરી દે. બીજા જ દિવસે સ્પોન્સર લેટર આવી જશે. બે-ચાર દિવસ ત્યાં ફરી આવો. " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ ડોક્યુમેન્ટ આજે જ મોકલી દઉં છું. " કહીને કેતને જમવામાં ધ્યાન પરોવ્યું.

જો કે જમતી વખતે પણ એનું ધ્યાન તો જાનકીમાં જ હતું. કંચન તો એને વારસામાં મળ્યું હતું. કામિની હવે પહેલીવાર મળી હતી. અનંગ નો રંગ એને લાગી ગયો હતો !!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
નીચે અપાયેલા પ્રકરણ નંબર પર ક્લિક કરવાથી જે તે વાંચેલ પ્રકરણની નજીક ઝડપથી પહોંચી શકાશે., એના પછી NEXT બટ્ટનથી આગળના પ્રકરણ સુધી પહોંચી શકાય છે. —  પ્રાયશ્ચિત પ્રકરણ – 151015202530
354045505560657075808590
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post