પ્રાયશ્ચિત (Prayaschit-86)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ- 86

માતા વૈષ્ણો દેવી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો. મથુરા સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને કેતને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પુરો આનંદ માણી શકાય. આ ટ્રેનમાં વડોદરા સુધી તો મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.

#આવકાર
પ્રાયશ્રિત

રાજકોટ સુધી તો કેતનના કમ્પાર્ટમેન્ટમાં માત્ર બે પેસેન્જર એની સામેની બર્થ ઉપર હતાં પરંતુ રાજકોટથી એની સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું. એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે ૬ બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઇ ગયું. ૫૫ વર્ષના એક વડીલ, એમનાં પત્ની, ૨૨ ૨૩ વર્ષની લાગતી એમની એક દીકરી, એક નાનો દીકરો અને આઠ દસ વર્ષની એક બીજી નાની દીકરી.

" તમારે ભાઈ વૈષ્ણોદેવી જવાનું ?" પેલા બહેને ટ્રેન ઉપડી કે તરત જ કેતનને સવાલ કર્યો.

" ના માસી ટિકિટ તો મથુરાની લીધી છે." કેતને હસીને કહ્યું.

" તો તમે પણ મથુરા વૃંદાવનની જાત્રાએ જતા હશો કાં ? " બહેને ફરી પાછું કાઠીયાવાડી લહેકા માં પૂછ્યું.

" મમ્મી તારે આ બધી શું પંચાત છે ?" મમ્મીની બાજુમાં બેઠેલી યુવતીએ સહેજ છણકાથી મમ્મી ને ચૂપ કરી.

" અરે બેટા અજાણ્યા મલકમાં જતા હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી. ગુજરાતી માણસ આપણુ પોતાનુ ગણાય." માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી.

" તે ભાઈ મથુરા વૃંદાવનમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને ? " માસી એ ફરી પાછી વાત ચાલુ કરી.

" હા માસી પટેલ ગુજરાતી સમાજ મથુરામાં છે અને બીજો ગુજરાતી સમાજ ગોકુળમાં પણ છે." કેતન બોલ્યો પરંતુ પૈસા વગર એ ત્યાં જઈ શકે એમ નહોતો.

" જો હું કહેતી'તી ને ? ઓળખાણ થી ઘણો ફરક પડે. આ ભાઈને બધી ખબર છે" માસીએ એમની દીકરીને કહ્યું.

કેતનને મનમાં હસવું આવ્યું કારણ કે આ બધી તપાસ એણે ગઈકાલે રાત્રે જ ગુગલ માં કરેલી.

કેતનની સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્યમનસ્ક હતી. નીરસતા અને ઉદાસીનતા એના ચહેરા ઉપર સ્પષ્ટ વંચાતી હતી . માસી બોલકાં હતાં. માસી ની બાજુમાં છેલ્લે નાની બેબી બેઠેલી હતી. કેતનની બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું.

એ પછી થોડો સમય શાંતિ રહી. નાના બે ભાઈ બેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ નાસ્તો પણ કરતા રહ્યા.

૧૧:૩૦ વાગે સુરેન્દ્રનગર આવ્યું. ટ્રેનમાં પેન્ટ્રીકાર હતી એટલે વેઈટર બધાંને જમવાનું પૂછી ગયો. ભૂખ તો લાગી હતી પરંતુ એક પણ રૂપિયો ખર્ચવાની મનાઈ હતી.

સુરેન્દ્રનગરથી ટ્રેઈન ઊપડયા પછી માસીએ જમવાની તૈયારીઓ કરવા માંડી. બપોરના પોણા બાર વાગી ગયા હતા. માસીએ છ સાત ડીશો કાઢી અને નાસ્તાના બે ત્રણ ડબા પણ બહાર કાઢ્યા. થેપલા, છૂંદો, ગાંઠીયા, બટેટાની સુકીભાજી અને દહીં ! દરેક ડિશમાં આ બધું ગોઠવતાં ગયાં.

" આપણા લોકોને ફાફડા-ગાંઠિયા વગર ના ચાલે કેમ માસી ? " કેતને હસીને પૂછ્યું.

" હા ભાઈ ઈ વાત હાવ હાચી કહી. બારે ય મહિના અમારે ગાંઠિયા જોઈએ. અમારા ભાવનગરના ગાંઠીયા પ્રખ્યાત પણ બહુ હોં ! " માસી બોલ્યાં.

" તમે ભાવનગર રહો છો ? " કેતને પૂછ્યું.

" ના. અમારું વતન તો ભાવનગર પણ અમે રહીએ છીએ રાજકોટ ગોપાલનગર માં. ભક્તિનગર થી જરાક આગળ. "

" ઓકે ઓકે. " કેતન બોલ્યો.

" અરે પણ તમારું જમવાનું શું ભાઈ ? તમે પણ અમારી ભેગા બેહી જાવ. " માસીએ કેતનને કહ્યું.

" ના ના માસી તમે લોકો જમો. ટ્રેનમાં જમવાનું મળે જ છે ને ? "

" અરે ભલા માણસ શરમાવાની કોઈ જરૂર નથી. ઘરનું એ ઘરનું " આ વખતે વડીલ પહેલીવાર કેતનની સાથે બોલ્યા.

" એમને પણ એક ડીશ આપી જ દેજો. " વડીલે માસીને કહ્યું અને કેતને સ્વામીજીને યાદ કર્યા. સ્વામીજી ધ્યાન તો રાખે જ છે.

આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી સતત બારીની બહાર જોઈ રહી હતી. એને જાણે આ બધી બાબતોમાં કોઈ રસ જ નહોતો. જમતી વખતે પણ તે ચૂપ જ હતી.

કેતને દક્ષામાસી જેવાં સરસ થેપલાં અને સૂકી ભાજીનો આસ્વાદ માણ્યો.

" માસી તમારાં થેપલાં ખૂબ સરસ છે. " કેતને જમતાં જમતાં કહ્યું.

અને ત્યારે પહેલીવાર એ યુવતીએ કેતન ની સામે જોયું અને પોતાની ડીશમાંથી એક થેપલું પોતાની ડીશમાંથી લઈને કેતનની ડીશમાં મૂકી દીધું.

" તું તારે ખા ને બેટા ! છે બીજાં થેપલાં આપણી પાસે. આખો ડબ્બો ભરીને લાવી છું. " માસી બોલ્યાં.

" ના મમ્મી, આમ પણ મને ભૂખ ઓછી છે." કેતન ને પહેલીવાર અહેસાસ થયો કે એ છોકરી બોલે પણ છે.

" થેન્ક યુ... તમારું નામ જાણી શકું ? " કેતને આભાર માનતાં પૂછ્યું.

" કેતકી નામ છે એનું. " કેતકી જવાબ આપે એ પહેલા માસી જ બોલી ઊઠયાં.

બપોરનું ભોજન તો કેતને ભરપેટ જમી લીધું. હવે સાંજની વાત સાંજે.

હજુ બીજા ૧૫ કલાક ટ્રેનમાં પસાર કરવાના હતા. મથુરા વહેલી સવારે સવા ત્રણ વાગે આવતું હતું. પહેલીવાર મથુરા જઈ રહ્યો હતો. એક પણ રૂપિયો વાપરવાનો ન હતો એટલે ક્યાં ઉતરવું એ પણ એક મૂંઝવણ હતી.

સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું. કેતને વિવેક પૂર્વક જમવાની ના પાડી તો પણ માસીએ જબરદસ્તી ચાર થેપલાં દહીં અને છુંદો આપી જ દીધાં. થોડા ગાંઠીયા પણ આપ્યા.

" માસી તમારું નામ તો મેં હજુ સુધી પૂછ્યું જ નથી " કેતન બોલ્યો.

" મારું નામ ભાવના."

" અને મારું નામ શશીકાંત મહેતા. અમે કપોળ વાણિયા છીએ. " બાજુવાળા વડીલે પણ પરિચય આપ્યો.

" એક વાત પૂછું વડીલ ? " કેતન બોલ્યો.

" પુછો ને ભાઈ. મનમાં કંઈ રાખવાનું જ નહીં. " ભાવનાબેન બોલી ઉઠ્યાં.

" આ કેતકી કેમ આટલી બધી ટેન્શનમાં દેખાય છે ? રાજકોટથી હું જોઈ રહ્યો છું કે કે એ કોઇ મોટી ચિંતામાં છે." કેતન બોલ્યો.

" માઈન્ડ યોર ઓન બિઝનેસ મિસ્ટર. ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ વિથ મી." કેતકી કેતન ઉપર ગુસ્સે થઈ ગઈ.

" અરે બેટા તું શું કામ આટલી બધી ગુસ્સે થાય છે ? બચાડા હમદર્દીથી પૂછે છે. તું માણસને તો ઓળખ." ભાવનાબેન દીકરી ઉપર નારાજ થઈને બોલ્યાં.

" હું બધાને ઓળખું છું મમ્મી. રૂપાળી છોકરીઓ તરફ બધાને સહાનુભૂતિ હોય છે !! " કહીને ફરીથી કેતકીએ કેતન સામે ગુસ્સાથી જોયું.

" તમે ખોટું ના લગાડતા ભાઈ. એનો સ્વભાવ હમણાં હમણાંથી બહુ જ ચીડિયો થઇ ગયો છે. બહુ જ ખરાબ સમયમાંથી અમે લોકો પસાર થઇ રહ્યાં છીએ. એટલે તો થોડા દિવસ બહાર ફરવા જઈ રહ્યાં છીએ. " ભાવનાબેન બોલ્યાં.

" તમને જો વાંધો ન હોય તો જરા વિગતવાર વાત કરી શકો માસી ? કદાચ હું તમને મદદરૂપ બનું." કેતન બોલ્યો.

" હું જ તમને કહું છું." મહેતા અંકલ બોલ્યા. " ભાઈ ૪ વર્ષ પહેલાં મેં અમારા વિસ્તારના એક માથાભારે માણસ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજવા લીધેલા. મવડી પ્લોટમાં મારી નાનકડી ફેક્ટરી છે. ધંધો બરાબર ચાલતો નથી. ફેક્ટરી વેચવા કાઢી છે પણ વેચાતી નથી. "

" ચાર વર્ષમાં અમારી હાલત બહુ જ બગડી ગઈ છે અને અમે વ્યાજ પણ ભરી શકતા નથી. ઊંચા વ્યાજે રકમ લીધેલી એટલે વ્યાજ સાથે અત્યારે ૧૦ લાખ થઈ ગયા છે. વારંવાર ઘરે આવીને એના માણસો ધમકી આપી જાય છે. આજે પણ એનો ફોન મારા ઉપર હતો પણ મેં ઉપાડ્યો નહી. " શશીકાંતભાઈ બોલ્યા.

" એની નજર હવે મારી દીકરી ઉપર બગડી છે. ૧૦ લાખ ના આપવા હોય તો એ મારી દીકરીના હાથની માગણી કરે છે. લગન કરવા માંગે છે ભાઈ. અમે કોઈને કંઈ કહી શકતા નથી. અમે સીધા માણસો છીએ. અમારા આખા ય એરિયામાં એની ધાક છે. દારૂનો ધંધો છે. પોલીસ પણ એના હપ્તા ખાય છે એટલે અમે પોલીસમાં પણ જઇ શકતા નથી. ફેક્ટરી ઉપર લોન લીધેલી અને એમાં પણ બેંકના હપ્તા ચડી ગયા છે એટલે નવી લોન પણ મળે એમ નથી. " અંકલે પોતાની વેદના ઠાલવી.

" શું નામ છે એનું ? " કેતને પૂછ્યું.

" વખતસિંહ ઝાલા. અમારા ગોપાલનગર એરિયામાં જ રહે છે." મહેતા અંકલ બોલ્યા.

" મને એનો મોબાઈલ નંબર આપો. "

" ભાઈ... એ બહુ માથાભારે માણસ છે. તમે વચ્ચે ના પડશો. " શશીકાંતભાઈ બોલ્યા.

" નંબર આપી દો ને પપ્પા. બધી શેખી હમણાં નીકળી જશે. " કેતકી મોં મચકોડીને બોલી.

શશીકાંતભાઈ નંબર બોલી ગયા એ કેતને યાદ રાખી દીધો અને બીજી જ મિનિટે એણે આશિષ અંકલને ફોન લગાવ્યો.

" કેમ છો અંકલ ? કેતન બોલું. "

" બોલ કેતન. બહુ દિવસ પછી યાદ કર્યો !! ઘરે બધા મજામાં ?" અંકલે પૂછ્યું.

" હા અંકલ હવે તો આખું ફેમિલી જામનગર શિફ્ટ થઈ ગયું છે. હોસ્પિટલ સિદ્ધાર્થભાઈ સંભાળે છે. આપણે તો હવે ફરતા રામ. " કેતન બોલ્યો.

" બહુ સારા સમાચાર આપ્યા તેં. જામનગર આવીને જગદીશને મળી જઈશ એક દિવસ. હવે બોલ શું કામ હતું ? " આશિષ અંકલે પૂછ્યું.

કેતને આશિષ અંકલને ફોન ઉપર બધી વિગતવાર વાત કરી અને એ માથાભારે માણસનો નંબર પણ લખાવી દીધો. પોતે ટ્રેનમાં છે એ જણાવ્યું પણ ક્યાં જઈ રહ્યો છે એ છૂપાવ્યું.

" અંકલ એને કહી દો કે તારા પાંચ લાખ મળી જશે. વ્યાજ છોડી દે. અને કોઈની બેન દીકરી ઉપર નજર બગાડવાનું બંધ કરે." કેતને કહ્યું.

" કામ થઈ જશે ચિંતા ના કર. તું ટ્રેનમાં પણ શાંતિથી બેસતો નથી. " અંકલે હસીને કહ્યું.

" મારો સ્વભાવ હું કેવી રીતે બદલી શકું અંકલ ? મૂડીનો પાંચ લાખનો ચેક હું અંકલને અત્યારે જ આપી દઉં છું. " કહીને કેતને ફોન કટ કર્યો અને બેગમાંથી ચેકબુક કાઢી પાંચ લાખનો નામ વગરનો ચેક લખ્યો.

" લો વડીલ. આ પાંચ લાખ રૂપિયા છે. એનું નામ લખીને એની મૂડી આપી દેજો. એ તમારી પાસે હવે વ્યાજ નહીં માગે. તમારા ઘર સામે નજર પણ નહીં કરે. " કહીને કેતને મહેતા અંકલને ચેક આપ્યો.

" અરે ભાઈ હું તમને ઓળખતો પણ નથી. અને તમે મને આટલી મોટી રકમ આપો છો ? તમે છો કોણ ?" શશીકાંત મહેતા કેતનની સામે જોઈ રહ્યા. એ તો માની શકતા જ ન હતા કે આ સ્વપ્ન છે કે સત્ય !!

" બસ એમ જ સમજો ને કે ઈશ્વરે જ તમને મદદ કરી છે. હું તો નિમિત્ત બન્યો છું અંકલ. " કેતને હસીને કહ્યું.

ભાવનાબેન અને કેતકી પણ આ યુવાન સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં. કંઇક કલ્પના બહારનું બની રહ્યું હતું. જેના ઉપર પોતે ગુસ્સે થઈને અપમાન કરી નાખ્યું એ માણસ અત્યારે પાંચ લાખ રૂપિયાનો ચેક આપીને બેઠો હતો અને કોઈની બેન દીકરીઓ ઉપર નજર ના બગાડે એવી સલાહ પેલાને પહોંચાડી રહ્યો હતો.

બધાના આશ્ચર્ય વચ્ચે વીસેક મિનિટ પછી શશીકાંત મહેતા ઉપર એ માથાભારે માણસનો સામેથી ફોન આવ્યો .

" વખતસિંહનો ફોન હોય તો ઉપાડજો અંકલ. " કેતને કહ્યું.

" એનો જ છે " કહીને અંકલે ફોન ઉપાડ્યો.

" મહેતા સાહેબ તમારી આટલી મોટી ઓળખાણ છે અને તમે મને કહેતા પણ નથી ? મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. પાંચ લાખ જ્યારે પણ તમારી પાસે આવે ત્યારે આપજો. મારે વ્યાજનો એક પણ રૂપિયો હવે જોઈતો નથી. મને માફ કરી દેજો સાહેબ." કહીને એણે ફોન મૂકી દીધો.

શશીકાંત મહેતા તો આશ્ચર્યથી કેતન સામે જોઇ જ રહ્યા. એમને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે !!

" અરે ભાઈ તમે કોને વાત કરી છે કે પેલા વખતસિંહે બધું જ વ્યાજ માફ કરી દીધું. મૂડી પણ જ્યારે આપવી હોય ત્યારે આપજો એમ કહે છે !! " મહેતા અંકલ બોલ્યા.

" અંકલ રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર સાથે મેં વાત કરી. હવે એ વખતસિંહની ખેર નથી. " કેતન બોલ્યો.

" એટલે જ પેલો મને બે હાથ જોડીને આટલું બધું કરગરતો હતો. વારંવાર માફી માગતો હતો. તમારા ઘર સામે હવે ક્યારેય પણ નહીં જોઉં એમ પણ કહેતો હતો. " મહેતા અંકલ બોલ્યા.

"વ્હોટ !!! એ હરામી તમને કરગરે છે ? વ્યાજ પણ માફ કરી દીધું ? આઈ કાન્ટ બિલિવ ઘીસ. " કેતકી એના પપ્પાને પૂછી રહી હતી.

"હા બેટા. હું સાચું કહું છું. એ ફોન ઉપર ગભરાયેલો હતો. " શશીકાંતભાઈ બોલ્યા.

" તમારું નામ કેતનભાઇને ? તમે તો દેવદૂત બનીને અમારા જીવનમાં આઇવ્યા. ટ્રેનમાં તમે આમ અચાનક મળી ગયા. તમે સામેથી અમારી તકલીફ પૂછી. પાંચ લાખ જેવી માતબર રકમનો ચેક આપી દીધો. કંઈ સમજાતું નથી. " ભાવનાબેનની આંખમાં પાણી આવી ગયાં.

" તમે મને બે ટાઈમ જમાડ્યો એનું આ પૂણ્ય છે માસી ! " કેતને હસીને જવાબ આપ્યો. એણે કેતકીની સામે પણ જોયું નહીં.

કેતકી હજુ પણ આશ્ચર્ય માંથી બહાર આવી ન હતી. કેટલું ખરાબ રીતે એણે આ યુવાનનું ઈન્સલ્ટ કર્યું હતું. શેખી નીકળી જવાની વાત કરી હતી. આ તો વખતસિંહની શેખી જ એણે કાઢી નાખી. ઉપરથી પપ્પાને પાંચ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપી.

કોણ છે આ યુવાન !! નામ તો એનું કેતન છે. મારે એની માફી માગવી જ જોઈએ. પણ એ તો હવે મારી સામે પણ જોતો નથી.

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post