વારસદાર (Varasdar 41)

Related

વારસદાર પ્રકરણ 41

શીતલ અને કેતા મંથનની સાથે એની મર્સિડીઝમાં બેસીને રાજસ્થાન ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચી ગઈ.

" તમે ખરેખર જાદુગર છો મંથન. તમે શીતલને પણ પટાવી લીધી. બાકી એ તો તમારી ઉપર એટલી બધી ગુસ્સે હતી કે તમને મળવા પણ નહોતી માગતી. પરાણે સમજાવીને મેં તમારી પાસે હોટલ મોકલી હતી. " રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા પછી કેતા બોલી.

#આવકાર
વારસદાર

" જાદુગર તો નથી પરંતુ પ્રમાણિક જરૂર છું. મારા મનમાં કોઈ કપટ નથી હોતું. કોઈની પણ લાગણી હું દુભાવી શકતો નથી. સંજોગો ક્યારેક માણસને મજબૂર કરતા હોય છે. તમારા લોકો તરફ જો લાગણી ન હોત તો હું સ્પેશિયલ નડિયાદ આવ્યો જ ના હોત. " મંથન બોલ્યો.

" તમારી આ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ મને આકર્ષે છે. આપણા હિન્દુ સમાજમાં બે પત્નીઓ કરવાની છૂટ નથી નહીં તો જબરદસ્તી તમારી સાથે લગન કરી લઉં. અત્યારે કાયદા વધુ કડક બન્યા છે બાકી આઝાદી પહેલાંના જમાનામાં ઘણા લોકો બે પત્નીઓ કરતા. અને રાજા રજવાડામાં તો અનેક પત્નીઓનો રિવાજ હતો. " શીતલ બોલી.

" તું ચૂપ કર શીતલ. શું ગમે તેમ બોલ બોલ કરે છે ? " કેતા બોલી.

" બોલવા દે ને ? એ એના વિચારો રજુ કરે છે. અને વાણી સ્વાતંત્ર્યનો હક તો બધાને છે જ. આપણે સાંભળી લેવાનું. " મંથન બોલ્યો.

" મંથન હું તમને છોડવા નથી માગતી. પ્લીઝ કંઈક રસ્તો કાઢો ને ? " શીતલ બોલી.

એટલામાં વેઈટર આવ્યો એટલે મંથને બંનેને પૂછીને ઓર્ડર લખાવી દીધો.

" મને છોડવાની વાત જ ક્યાં આવે છે ? એટલે તો તમને લોકોને મારી સાથે મુંબઈ લઈ જઉં છું. બાકી જ્યાં સુધી બીજા લગ્નની વાત છે ત્યાં સુધી હું રામને મારા આદર્શ માનું છું. મારી પત્ની જે પણ હોય હું એને વફાદાર છું. બે ઘડી મજાક મસ્તીની વાતો કરી લઈએ એ અલગ વસ્તુ છે." મંથન બોલ્યો.

શીતલ કંઈક બોલવા જતી હતી પરંતુ બાજુમાં બેઠેલી કેતાએ એના સાથળ ઉપર હાથ દબાવી ચૂપ રહેવા ઈશારો કર્યો.

વેઇટર આવીને બધી ડીશ મૂકી ગયો અને પછી વાનગીઓ પણ પીરસાતી ગઈ. બધાંએ જમવાનું ચાલુ કરી દીધું.

" તમે કયા એરિયામાં અમારા માટે ફ્લેટ લેવાના છો ? " કેતા બોલી.

" તેં સારો સવાલ પૂછ્યો. હું તમને લોકોને પૂછવાનો જ હતો. બોરીવલી વેસ્ટમાં પણ મારી સ્કીમ ચાલે છે અને અંધેરી ઇસ્ટમાં પણ મારી સ્કીમ ચાલે છે. પરંતુ તમે મુંબઈથી પરિચિત હોય તો જ નિર્ણય લઈ શકો કે કયો એરિયા તમને ગમશે !! " મંથન બોલ્યો.

" જ્યાં ગુજરાતી લોકો વધારે હોય ત્યાં તમે ફ્લેટ આપજો. મુંબઈના એરિયાની તો અમને ઝાઝી ગતાગમ નથી." શીતલ બોલી.

" તો પછી તમને બોરીવલી વધારે ફાવશે. અને બોરીવલીની અદિતિ ટાવર્સની સ્કીમમાં જૈન ગુજરાતી લોકો ઘણા છે. આ પ્રજા નિરુપદ્રવી છે. અંધેરી ઈસ્ટ એરિયા પણ સારો છે પણ એ થોડો કોસ્મોપોલિટન છે. પચરંગી વસ્તી છે" મંથન બોલ્યો.

" બસ તો પછી સારું લોકેશન હોય એવો ફ્લેટ તમે પસંદ કરજો. અમને આવતાં બે ત્રણ મહિના તો થશે જ. " કેતા બોલી.

" આમ પણ ફર્નિચર તૈયાર થતાં ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના તો થશે જ કારણ કે થ્રી બેડરૂમ કિચનનો વિશાળ ફ્લેટ છે. તારા ફ્લેટનું ઇન્ટિરિયર તારે જાતે કરવું હોય તો તું પંદરેક દિવસ પછી મુંબઈ આંટો મારી જા શીતલ. તું ડિઝાઇન આપી દે એ પ્રમાણે ફર્નિચર બનાવીએ." મંથન બોલ્યો.

" હા એ બરાબર રહેશે. મારા ફ્લેટમાં મને મારી રીતે ડિઝાઇન કરવા દો. હું આવી જઈશ. " શીતલ બોલી.

" તું પણ જોડે આવજે ને કેતા ? હું અદિતિ સાથે તમારા લોકોનો પરિચય કરાવીશ અને જમવાનું મારા ઘરે જ રાખજો. બોરીવલી પહોંચીને મને ફોન કરી દેજો." મંથન બોલ્યો.

જમ્યા પછી મંથને ગાડી હોટલ ઉપર લેવડાવી કારણ કે ચેક આઉટ કરવાનું બાકી હતું. એ લોકોને ગાડીમાં જ બેસાડી મંથન રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો અને હિસાબ ચૂકતે કર્યો. સાથે કોઈ સામાન લાવ્યો જ ન હતો એટલે ઉપર રૂમ પર જવાનું કોઈ કારણ ન હતું.

બહાર આવીને એ ગાડીમાં બેઠો અને બંને બહેનોને સંતરામ મહારાજ સર્કલ ઉપર ટાવર પાસે ઉતારી દીધી. એ પછી સ્ટેશન થઈને ગાડી સીધી અમદાવાદના રોડ ઉપર લઈ લીધી.

નવરંગપુરા હોટલે પહોંચ્યો ત્યારે બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. એસી ચાલુ કરીને મંથન બે કલાક આરામ કરવા માટે સૂઈ ગયો.

અમદાવાદનાં તમામ કામ પતી ગયાં હતાં એટલે સવારે જ મુંબઈ જવા નીકળી જવાનો મંથને નિર્ણય કર્યો.

સાંજે છ વાગે ગાડી જયેશની હોટલે લઈ લીધી. ગાડીમાંથી ઉતરીને એ ચાલતો જ વીણામાસીના ઘરે પહોંચી ગયો.

" માસી કાલે વહેલી સવારે તમે તૈયાર રહેજો. સાતના ટકોરે તમે જયેશની હોટલ પાસે પહોંચી જજો. ગાડી ત્યાં ઉભી હશે. તમારી પાસે કંઈ વજન હોય તો ડ્રાઇવરને સવારે ઘરે મોકલી આપીશ." મંથન બોલ્યો.

" બીજો તો કોઈ સામાન નથી ભાઈ. બસ કપડાંની આ એક સૂટકેસ છે. " માસી બોલ્યાં.

" હા તો સદાશિવને હું સાત વાગે તમારા ઘરે મોકલી આપીશ. એણે ઘર જોયેલું છે. તમારે બેગ ઉપાડવાની કોઈ જરૂર નથી. " મંથન બોલ્યો.

ત્યાંથી એ સીધો શિલ્પાના ઘરે ગયો.

" ભાભી અમે લોકો સવારે સાત વાગ્યે નીકળી જઈશું. વીણામાસી પણ સાથે આવે જ છે. જતાં પહેલાં બસ તમને અત્યારે મળવા જ આવ્યો છું." મંથન બોલ્યો.

" તમે અત્યારે જમવાનું શું કર્યું ? આવ્યા જ છો તો અહીં જ જમી લો ને ? કલાકમાં રસોઈ થઈ જશે. " શિલ્પા બોલી.

" ના ભાભી. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે ચોક્કસ જમીશું. અને તમે લોકો પણ મુંબઈ ગમે ત્યારે આવી શકો છો તમારું જ ઘર છે. " મંથન બોલ્યો.

ત્યાંથી મંથન સીધો તોરલના ઘરે ગયો.

તોરલ પણ ઘરે જ હતી અને કાંતિલાલ પણ બેઠા હતા.

" અંકલ બાકીના ૩૫ લાખનો હિસાબ પણ ચૂકતે કરી દીધો છે. હવે હું સવારે મુંબઈ જવા માટે નીકળી જાઉં છું. પોળમાં આવ્યો હતો એટલે થયું કે તમને મળતો જાઉં. " મંથન દરવાજામાં ઉભો રહીને જ બોલ્યો.

" હા મંથન. હિતેશકુમારનો ફોન ગઈ કાલે જ આવી ગયો હતો. એ ખૂબ જ ખુશ હતા. તોરલ માટે તેં ઘણું કર્યું ભાઈ. એની જિંદગી બચાવી લીધી. તારા અને એના પરભવના કોઈ સંબંધ હશે. તને હું ઓળખી ના શક્યો મને માફ કરજે. " કાંતિલાલ દિલથી બોલ્યા.

"અરે પણ મંથનભાઈ અંદર તો આવો ! આવ્યા જ છો તો ચા પીતા જાઓ. " રંજનબેન બોલ્યાં.

" ના માસી બસ આટલું કહેવા માટે જ આવ્યો હતો. અને તોરલ તારે કોઈ પણ મદદની જરૂર હોય તો મને અડધી રાત્રે ફોન કરજે. આ મારું કાર્ડ છે. " કહીને મંથને પોતાનું વીઝીટીંગ કાર્ડ તોરલના હાથમાં આપ્યું અને એ બહાર નીકળી ગયો.

મંથન હોટલ ઉપર પહોંચ્યો ત્યારે સાંજના સાડા સાત વાગી ગયા હતા. એણે રૂમ ઉપર જઈને અદિતિ ને ફોન કર્યો.

" સવારે ૭ વાગે નીકળી જાઉં છું. મારું બધું કામ અહીં પૂરું થઈ ગયું છે. તું સુંદરનગર પહોંચી જજે. માસીને લઈને હું પાંચ છ વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. " મંથન બોલ્યો.

" સારું. તમે આવી જાઓ પછી જ હું રસોઈ બનાવીશ. " અદિતિ બોલી.

" કાલની રસોઈની અત્યારથી ચિંતા કરીશ નહીં. એ તો પછી જોઈ લઈશું. તને કહેવા માટે જ ફોન કર્યો હતો." કહીને મંથને ફોન કટ કર્યો.

આઠ વાગે મંથન જમવા માટે નજીક આવેલી હોટલ મિર્ચ મસાલામાં ગયો. સદાશિવે જમવા માટે નજીકમાં એક જગ્યા શોધી કાઢી હતી અને મોટાભાગે એ ત્યાં જ જમતો.

સવારે ૭ વાગે મંથન વાડીગામ પહોંચી ગયો. સદાશિવને એણે માસીના ઘરે બેગ લેવા માટે મોકલ્યો. થોડીવારમાં જ સદાશિવની સાથે વીણામાસી પણ આવી ગયાં. મંથન ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠો અને માસી પાછળની સીટ ઉપર બેઠાં.

જયેશ હોટલ ઉપર જ હતો. એ તરત જ ઉભો થઈને મંથન પાસે આવ્યો.

" બસ જવું છે ? શિલ્પાએ મને રાત્રે સમાચાર આપ્યા કે તું સવારે જઈ રહ્યો છે. " જયેશ બોલ્યો.

" હા જયેશ. અહીંનું મારું બધું કામ પતી ગયું છે અને વધારે રોકાઈ શકાય એમ નથી. કારણકે મારી બધી સ્કીમો ચાલુ છે એટલે ઓફિસમાં મારી હાજરી જરૂરી છે. " મંથન બોલ્યો. તોરલને એણે જે મદદ કરી એની કોઈ ચર્ચા એ કરવા માગતો ન હતો.

સદાશિવે ગાડી સ્ટાર્ટ કરી. યુ ટર્ન લઈ દરિયાપુર દરવાજાથી કાલુપુર સ્ટેશન થઈને વાયા ગીતામંદિર નારોલ તરફ વાળી અને ત્યાંથી એક્સપ્રેસ હાઇવે થઈને મુંબઈનો રૂટ પકડી લીધો.

સાંજે પાંચ વાગે મંથનની ગાડી મુંબઈને ટચ થઈ ગઈ અને છ વાગે તો મલાડ સુંદરનગર પણ પહોંચી ગયા.

મંથન ઘરે પહોંચ્યો ત્યારે અદિતિ બોરીવલીથી આવી ગઈ હતી અને રસોઈની તૈયારી કરી રહી હતી.

" કેવી રહી તમારી અમદાવાદની ટ્રીપ ?" અદિતિએ મંથનને પાણીનો ગ્લાસ આપતાં પૂછ્યું.

" અમદાવાદનો પ્રવાસ બહુ જ સરસ રહ્યો. એક વર્ષમાં અમદાવાદ પણ ઘણું બદલાઈ ગયેલું લાગ્યું. જો કે પોળ વિસ્તારોમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો. આ વખતે તો નવરંગપુરાની ક્લાસીક ગોલ્ડ હોટલમાં ઉતર્યો હતો. દર વખતે જયેશના ઘરે ઉતરવું યોગ્ય નથી. " મંથન બોલ્યો.

" હા એ વાત તમારી સાચી છે. તમારે પણ અમુક ડિસ્ટન્સ હવે જાળવવું પડે. " અદિતિ બોલી.

" જયેશે બે વાર જમવાનું કહ્યું હતું અને એકવાર તોરલના ઘરે જમ્યો. એ લોકોનો એટલો બધો આગ્રહ હતો કે હું ના ન પાડી શક્યો. તેં આપેલો ડ્રેસ શિલ્પાને બહુ જ ગમ્યો. " મંથને કહ્યું.

" ચાલો સારી વાત છે. અમારી રસોઈ પણ લગભગ તૈયાર થઈ જવા આવી છે. બસ ભાખરી બનાવવાની બાકી છે." અદિતિ બોલી.

" ભાખરી હું બનાવી દઉં છું અદિતિ. તું હવે આરામ કર." વીણા માસી બોલ્યાં.

" આજે રહેવા દો માસી. મુસાફરીનો થાક તમને લાગ્યો હશે. તમે આરામ કરો. " અદિતિ બોલી અને રસોડામાં ગઈ.

રસોઈ કરતાં કરતાં એનું મનોમંથન ચાલુ જ હતું. મંથન તો ઘરે આવી ગયા છે. મેં પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એ વાત એમને કરવી કે નહીં ? મને ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે એ વાત જાણીને એમને દુઃખ થશે. અને હું જો ના કહું અને પાછળથી ખબર પડે તો પણ એમને દુઃખ થશે. હું એમની પત્ની છું. મારે એમનાથી કોઈપણ વાત છુપી રાખવી જોઈએ નહીં. આજે રાત્રે જ હું જણાવી દઉં.

અને એ રાત્રે જ અદિતિએ વાતની શરૂઆત કરી.

" મંથન એક વાત કહું ? " અદિતિ મંથનની નજીક બેસીને બોલી. મંથન ત્યારે બેડ ઉપર બેસીને લેપટોપ ઉપર કંઈક કામ કરી રહ્યો હતો.

" અરે ડાર્લિંગ... વાત કરવામાં પૂછવાનું થોડું હોય ! " મંથન બોલ્યો.

" ના પણ આ વાત જ એવી છે. તમે નારાજ ના થાઓ તો જ કહું. પહેલાં મને પ્રોમિસ આપો. " અદિતિ બોલી.

" હા બાબા નારાજ નહીં થાઉં. તારા ઉપર આજ સુધી ક્યારે પણ નારાજ થયો છું ? આઈ પ્રોમિસ !! " મંથને કહ્યું.

" આપણા લગ્નને એક વર્ષ થઈ ગયું. આપણે કોઈપણ પ્રકારનું ફેમિલી પ્લાનિંગ કરતા નથી છતાં પ્રેગ્નન્સી આવતી નથી. આ વખતે મને મમ્મી પૂછતી હતી. એને બહુ જ ચિંતા છે. એણે ગાયનેક ડોક્ટરને બતાવવાનો ખૂબ જ આગ્રહ કર્યો એટલે હું અને મમ્મી ચંદાવરકર લેન ઉપર ડોક્ટર ચિતલેને મળી આવ્યાં. " અદિતિ બોલી.

હવે મંથને લેપટોપ બાજુમાં મૂક્યું અને અદિતિની સામે જોયું. " પછી ? "

"ડોક્ટરે સોનોગ્રાફી કરી અને બ્લડ ટેસ્ટ કરાવ્યા. એમણે કહ્યું કે ગર્ભાશયમાં ફોલિકલ્સ બરાબર ડેવલપ થતા નથી એટલે એગ્સ નો થોડો પ્રોબ્લેમ છે અને ગર્ભાશય પણ પ્રમાણમાં થોડું નાનું છે. એમણે હોર્મોન્સના ઇન્જેક્શન ચાલુ કર્યા છે. મારે દર અઠવાડિયે એક ઇન્જેક્શન લેવાનું છે. " અદિતિ ગંભીર થઈને બોલી.

" તો એમાં ચિંતા શું કરવાની ? દવા ચાલુ કરી જ દીધી છે ને ! આપણને બાળકની ક્યાં ઉતાવળ છે ? " મંથન હસીને બોલ્યો.

" ચિંતા તો થાય જ ને મંથન ! એકવાર માતૃત્વની પ્રાપ્તિ દરેક સ્ત્રી માટે જરૂરી હોય છે. કમ સે કમ એક સંતાન તો હોવું જ જોઈએ. " અદિતિ બોલી.

" અરે ગાંડી .. આપણાં લગ્નને હજુ એક જ વર્ષ થયું છે. ઘણા લોકોને ચાર કે પાંચ વર્ષે સંતાન થતાં હોય છે અને મારે કોઈ ઉતાવળ નથી. તારે સંતાન બાબતમાં કોઈ ટેન્શન કરવાની જરૂર જ નથી. ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે આવશે. ટ્રીટમેન્ટ ચાલુ રાખજે. " મંથન બોલ્યો અને એણે ફરી પાછું લેપટોપ હાથમાં લીધું.

" તમે કેટલા બધા સમાજદાર છો મંથન !! હું તો એટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી કે ના પૂછો વાત. તમને વાત કરવી કે ના કરવી એનું પણ મને ટેન્શન હતું. " અદિતિ બોલી. મંથન સાથે વાત કર્યા પછી એણે હળવાશ અનુભવી.

" તું પણ પાગલ છે. એક જ વર્ષમાં સંતાનને લઈને આટલી બધી ચિંતા કરાય ? તેં બતાવી દીધું તો સારું કર્યું. આપણે હજુ બીજાં બે વર્ષ સુધી રાહ જોવા તૈયાર છીએ. " મંથન બોલ્યો.

" ચિંતા તો થાય જ ને ? ડોક્ટર કહે છે ગર્ભાશય પણ થોડું નાનું છે. " અદિતિ બોલી.

" અત્યારે ટેકનોલોજી ઘણી બધી આગળ વધી છે. દરેકના રસ્તા હોય છે. સંતાન પુરાણ બંધ કરીને તું હવે શાંતિથી સૂઈ જા. " મંથન બોલ્યો અને એણે અદિતિના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. અદિતિએ આંખો બંધ કરી દીધી.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post