શ્રાદ્ધનો ઇતિહાસ અને મહત્વ | History and importance of Shraddha

શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ | History and importance of Shraddha ― તે પૃથ્વી પર તેમના પુનર્જન્મ અને પુનઃપ્રાપ્તિ પહેલા, નીચલાથી ઉચ્ચ ક્ષેત્રોમાં તેમના તીર્થયાત્રામાં મૃતકોની આત્માઓને પોષણ આપવા, રક્ષણ આપવા અને સમર્થન આપવાનો હેતુ છે.  આ સંસ્કાર મૃત્યુ પછીના ભાદરવા માસમાં, જ્ઞાતિ પરંપરાઓ પર આધાર રાખીને  નિયમિત અંતરાલે કરવામાં આવે છે.

શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ

શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ: આ પણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ શ્રૂષ્ટિના આરંભમાં 'બ્રહ્માજી'એ શરૂ કરી હતી. .

મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન પૂછયો કે, "હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે એનો જવાબ આપતાં ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે, પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી.

શ્રાદ્ધ વિધિ ક્યારે કરવી શુકલપક્ષ માં કે કૃષ્ણપક્ષ માં?

શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે, "પિતૃઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે." એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ 'નિમિ રાજા' એ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુ લોકમાં પણ થાય છે.

વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમકે ભાદરવા માસ - આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

શ્રાદ્ધમાં કાગડીને જ અન્ન કેમ આપવામાં આવે છે?

અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં "કાગવાસ" નાંખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસ્સો વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયાં છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાંખવાનો મહિમા છે, અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે.

કાગડીને પુરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે - માન્યતા છે કે, કાગડાના ચરકમાંથી 'વટ વૃક્ષ' અને 'પીપળા'ના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય.

શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર જ કેમ બનવવામાં આવે છે:

શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે.

શ્રાદ્ધમાં ક્યા કયા કર્મો કરવા ?

પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં ક્યા કયા કર્મો કરવા ? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ-કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધા યુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશિર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ. "ધર્મ સિંધુ"માં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદ્ગગતિ પ્રાપ્ત થાય છે.

શ્રાદ્ધ વિશે વિશેષ: 

મૃત્યુ પછી આપણા શાસ્ત્રોમાં ઉપરના સાત લોકની ચર્ચા કરવામાં આવી છે. જેમાં પૃથ્વીથી શરૂ થતા પ્રથમ ચાર લોક ઉપર ચંદ્ર નો અમલ છે જ્યારે પાંચથી સાત લોક સૂર્યના અમલમાં છે.

જ્યાં સુધી વિચારો છે, જ્યાં સુધી ઈચ્છાઓ છે, જ્યાં સુધી વાસનાઓ છે ત્યાં સુધી ફરી જન્મ લેવો જ પડે છે. અને એટલે એવા આત્માની ગતિ ચોથા લોકથી ઉપર થઈ શકતી નથી.

એક થી ચાર લોક સોળ ભાગમાં વહેંચાયેલા છે. આ દરેક ભાગને કલા કહેવામાં આવે છે. કલા એટલે વિભાગ અથવા ઝોન ! આ સોળ કળા આપણી સોળ તિથિઓ સાથે જોડાયેલી છે. એટલે જ ચંદ્રની સોળ કળાઓ કહેવાય છે.

એક થી ચાર લોકમાં કર્મ પ્રમાણે ગમે તે લોકમાં ગતિ થાય પણ એ ગતિ મૃત્યુની તિથિ મુજબ થતી હોય છે. માનો કે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની સાતમના દિવસે મૃત્યુ થાય તો બીજો જનમ ના થાય ત્યાં સુધી જીવને સાતમી કલામાં રહેવાનું થાય છે.

આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃલોક માટે એટલે કે ચંદ્રલોક માટે એક વેકેશન જેવો સમય છે. તમામ આત્માઓને આ સોળ દિવસ દરમિયાન મૃત્યુ ની તિથિ પ્રમાણે પૃથ્વી ઉપર જઈને પોતાના સ્વજનોને જોવાની સ્વતંત્રતા મળે છે. કોઈપણ જાતના ભોગ તે આ સમયમાં આરોગી શકે છે.

જે તિથિમાં મૃત્યુ થયું હોય એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં જ્યારે પણ આવે ત્યારે જે તે કલાના દરવાજા ખુલે છે અને જે તે જીવને શ્રધ્ધા નામના માર્ગે પૃથ્વી ઉપર જવા માટે રજા આપવામાં આવે છે.

મૃત્યુ પામેલા દરેક જીવને જે તિથિ માં મૃત્યુ થાય તે જ તિથિની કલામા મોકલવામાં આવે છે પરંતુ જે લોકોનું ગોળીબાર જેવા શસ્ત્રોથી મૃત્યુ થાય કે અગ્નિમાં સળગી જવાથી, પાણીમાં ડૂબી જવાથી કે અકસ્માત થી અચાનક મૃત્યુ થાય એ તમામ જીવોને ભલે ગમે તે તિથિમાં મૃત્યુ પામ્યા હોય તોપણ તેમને ચૌદમી કલામાં જ મોકલવામાં આવે છે. આત્મહત્યા કરી લેનારા પણ ચૌદમી કલામાં જ જાય છે.

એટલે આ રીતે જેમનું પણ કુદરતી મૃત્યુ ના થયું હોય એ તમામ જીવાત્માઓને ચૌદમી કલામાં મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ ચૌદશના દિવસે થયું હોય તો એને ચૌદમી કલાના બદલે અમાવસ્યાની સોળમી કલામાં મોકલવામાં આવે છે. કારણ કે પંદરમી કલા પૂનમના દિવસે જે લોકોનું મૃત્યુ થયું હોય એમના માટે છે. ચૌદમી કલા માત્ર અને માત્ર અપમૃત્યુ થનારા પીડિત આત્માઓ માટે રિઝર્વ છે એમ સમજવું. જે લોકોએ સંસાર છોડી સંન્યાસ લીધો હોય એમને બારમી કલામાં મોકલવામાં આવે છે.

શ્રાદ્ધ નો છેલ્લો અમાવસ્યાનો દિવસ તમામ આત્માઓ માટે મુક્તિનો દિવસ ગણાય છે. એમને પૃથ્વી ઉપર ગમે ત્યાં ફરવાની અને સ્વજનોને મળવાની આઝાદી આપવામાં આવે છે. એટલે જ એને સર્વપિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે.

સનાતન હિંદુ ધર્મને માનનારાઓ એ તમામ સોળ શ્રાદ્ધ કરવાં જોઈએ. બ્રાહ્મણને જમાડવો જોઈએ અથવા ગાય કુતરાનો ભાગ કાઢવો જોઈએ. કારણ કે આપણે જાણતા નથી કે આપણી પેઢીના તમામ સ્વજનો કઈ તિથિએ મૃત્યુ પામ્યા !! પરંતુ એમને તો એમના કુટુંબ તરફથી હંમેશા અપેક્ષા હોય જ છે કે મારો પૌત્ર કે પ્રપૌત્ર મને યાદ કરી ભોજન આપે !!

આપણને એ પણ ખબર નથી હોતી કે ક્યારેક સૂક્ષ્મ રીતે આપણાં એ મૃત સ્વજનો આપણને ક્યારેક મદદ પણ કરતાં હોય છે. અકસ્માતમાં બચાવતાં પણ હોય છે. બસ આપણે એમને જોઈ શકતા નથી.

મૃત સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને જો આવડે તો વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને પિતૃઓને અર્પણ કરવો જોઈએ.

બ્રાહ્મણને જમાડતી વખતે અથવા ગાય કુતરાનો ભાગ કાઢતી વખતે મનોમન પ્રાર્થના પણ કરવી જોઈએ કે --

"હે પિતૃઓ, હે સ્વજનો..તમે આજે અમારા ઘરે પધાર્યા છો. પરંતુ અમે તમને જોઈ શકતા નથી. અમે જે આ બ્રાહ્મણને જમાડીએ છીએ અથવા તો ગાય કુતરા માટે જે આ ભાગ કાઢ્યો છે એનાથી તમે તૃપ્ત થાવ અને અમને બધાંને આશીર્વાદ આપો. "

આવી પ્રાર્થનામાં ઘણી તાકાત છે. શબ્દ એ બ્રહ્મ છે. સાચા હૃદય પૂર્વક ખૂબ જ ભાવથી જો તમે આ રીતે જમાડશો તો પિતૃઓ સુધી પહોંચશે જ !!

જો તમને આવડે તો પિતૃઓનું તર્પણ પણ કરવું જોઈએ. તર્પણ ના આવડે તો છેવટે પીપળે પાણી ચઢાવવું.

તમે આ રીતે ભાવથી જો સોળ શ્રાદ્ધ કરશો તો તમને એક જ વર્ષમાં એનો પ્રભાવ દેખાશે. તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરમાં પણ શાંતિ તમે અનુભવી શકશો. મૃત વડીલોના આશીર્વાદમાં બહુ જ તાકાત છે.

એક વાત હંમેશા યાદ રાખવી કે એ જરૂરી નથી કે તમારા તમામ પિતૃઓ અત્યારે સૂક્ષ્મ જગતમાં રહેતા હોય. ઘણા આત્માઓ જન્મ લઈ ચૂક્યા પણ હોય. એવા સમયે તમે જે ભોજન કોઈ પિતૃને અર્પણ કરો છો એ તે જ દિવસે પૃથ્વી ઉપર એને નવા જન્મમાં જમવા મળે છે.

શ્રાદ્ધમાં તમને કોઈક દિવસે સારું સારું જમવાનું મળે તો એનો મતલબ એ જ થયો કે તમારા પૂર્વ જન્મનું શ્રાદ્ધ કોઈએ કર્યું છે અને તેનો રસાસ્વાદ તમે આજે માણી રહ્યા છો !!...આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધા યુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના... અસ્તુ... 🌷🌷

Conclusion:
તમામ નવીનતમ સમાચારો માટે અમારું homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, આગામી તાજેતરની નોકરીઓ, સરકારી યોજના, ટેક્નોલોજી ટીપ્સ, આરોગ્ય ટિપ્સ, જનરલ માહિતી અપડેટ્સ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post