એક પંક્તિ વાંચી... આત્મહત્યા કરતા અટકી ગયો! એક હૃદયસ્પર્શી વાત

એક પંક્તિ વાંચી... આત્મહત્યા કરતા અટકી ગયો!

અમદાવાદમાં ગાંધીગ્રામ નામનું રેલવેસ્ટેશન છે. ત્યાંના ગોટા વખણાય. એક દિવસ કવિ રાજેશ વ્યાસ મિસ્કીન ત્યાં ગોટા ખાવા જઈ ચડ્યા. ગોટાની લારીએ પહોંચીને ઓર્ડર આપ્યો.

AVAKARNEWS
એક પંક્તિ વાંચી... આત્મહત્યા કરતા અટકી ગયો!

તેમણે જોયું કે નજીકમાં જ એક માણસ હાંફળો-ફાંફળો થઈને આમથી તેમ આંટા મારતો હતો, ચહેરો જોઈને જ લાગતું હતું કે ભયંકર ચિંતામાં છે. એ વારંવાર ટ્રેનના પાટાને જોયા કરતો. એને જોઈને મિસ્કીનસાહેબ ચિંતામાં પડી ગયા. શું થયું હશે?

કોકને બહુ ચિંતામાં જોઈએ તો આપણેય ચિંતામાં પડી જતા હોઈએ છીએ. આ માનવ સ્વભાવ છે.

ગામડામાં દીકરી વિદાયનો પ્રસંગ લઈ લોને. ઘણી વાર તો વિદાયપ્રસંગનું વાતાવરણ એટલું બધું કરૂણ હોય કે પરણવા આવેલા વરરાજાની આંખો પણ ભીની થઈ જાય. આપણને એ ઘટના સાથે કંઈ જ લેવાદેવા ન હોય છતાં આપણે દુઃખી થઈ જઈએ. આ તો કવિ, એમનું હૃદય ના વલોવાય તો જ નવાઈ. એમને ઇચ્છાય થઈ કે લાવ પૂછી જોઉં, કંઈ તકલીફ છે? પણ પૂછવું કઈ રીતે? વધારે વિચારે એ પહેલાં પેલો માણસ બાજુમાં આવીને બેઉ હાથ લમણે મૂકીને બેસી ગયો.

મધુસૂદન પટેલે લખ્યું છેઃ
બંદૂકના નાળચાથી વધુ જોખમી છે એ ખુદનો છતાંય હાથ જે લમણે મુકાય છે! 😔😔

લમણે મુકાયેલો હાથ મિસ્કીન સાહેબને પણ જાણે બંદુક જેવો લાગ્યો. ત્યાં જ છાપાના કાગળમાં વીંટાઈને એક ડિસમાં ગોટા આવી પહોંચ્યા. કવિનો જીવ વ્યથાના તાપણે શેકાતો હોય ત્યાં ગરમ ગોટામાં શેનું મન લાગે?

મિસ્કીન સાહેબને કંઈ ન સૂજ્યું તો ગોટાનું પડીકું પેલા માણસ સામે ધરીને કીધું, “લો ભાઈ ચાખો, અહીંના ગોટા વખણાય છે.” પેલો ભાઈ જોઈ રહ્યો ડિસ સામે. થોડી સેકન્ડમાં તો તેની બેઉ આંખો જાણે ગંગા-જમના બની. મિસ્કીનસાહેબે તેના ખભે હાથ મૂકીને પૂછ્યું, “ભાઈ, બધું બરોબર તો છેને?”

“હા, હવે બરોબર છે.” પેલા ભાઈએ રડતા રડતા જ કહ્યું. “સાહેબ, મારે ધંધામાં બહુ મોટી ખોટ ગઈ. મિત્રો દુશ્મનો બની ગયા. સ્વજનો તો ઠીક ઘરનાય ટોણા મારવા માંડ્યા કે આની કરતા ક્યાંક ગાડીએ જઈને કપાઈ જાવ તો લપ મટે. મારું પોતાનું કહેવાય એવું એક પણ જણ નથી દેખાતું આ દુનિયામાં, જીવું તો કોની માટે? કંટાળીને ગાડીએ પડતું મૂકવા આવ્યો’તો. પણ તમે જે કાગળમાં ગોટા ધર્યા એમાં લખેલી એક પંક્તિ વાંચીને મેં મરવાનું માંડી વાળ્યું, પણ મારાથી રડવું નથી રોકાતું.”

મિસ્કીનસાહેબે તરત ડિસમાં પથરાયેલા કાગળ સામે ધ્યાનથી જોયું, એમાં એક પંક્તિ સ્પષ્ટ વંચાતી હતી, “કોઈ તારું ન થાય તો તું તારો થા.” આ એક પંક્તિ વાંચીને જીવવાનો માર્ગ મળી ગયો. જગત મારું નથી, પણ હું તો મારો થઈ શકું ને? ટાગોરે પણ લખ્યું છે, કોઈ તારી હાક સુણીને ના આવે તો તું એકલો જાને રે... 

પંક્તિ વાંચ્યા પછી મિસ્કીનસાહેબની આંખો પણ ભીની થઈ. પેલા માણસે કહ્યું, “મારી વાત સાંભળીને તમે દુખી થયા એ માટે માફ કરજો સાહેબ.”

મિસ્કીન કહે, “ના ભાઈ, તમે જે લેખમાં કવિતાની પંક્તિ વાંચી, એ લેખ મેં જ ઘણા દિવસો પહેલા લખેલો છે!” પોતાના લેખની એક પંક્તિ કોઈનો જીવ બચાવી લે એ કેટલી મોટી ઉપલબ્ધિ! આ ઉપલબ્ધિ કોઈ સદનસીબને જ સાંપડે, પોતે આ કાર્યમાં નિમિત્ત બન્યા એ વિચારીને કવિની આંખ ભીની થઈ ગઈ.

પેલો માણસ કહે, “સાહેબ, ભગવાને જ મારી માટે તમને મોકલ્યા છે, મને બચાવવાની તૈયારી એણે કેટલા દાડા પહેલા કરી હશે!”

ત્યાં ગાડી આવી. પેલાએ આગળ કહ્યું, “સાહેબ, જો આ પંક્તિ ના વાંચી હોત અને આ એક પળ ચૂકી ગયો હોત તો અત્યારે મારા ટુકડા ત્યાં પાટા ઉપર પડ્યા હોત. મારા લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હોત.

આત્મહત્યાના વિચારની પળે બસ એક પળ જાળવી લેવાની હોય છે. નિરાશાની ગાંડીતૂર નદીમાં તણાવા લાગીએ, ડૂબકાં ખાવા લાગીએ ત્યારે આવી કોઈ પંક્તિઓનાં પાટિયાં મળી જાય તો તરી જવાય. માટે સારું સાહિત્ય વાંચતા રહેવું. ન જાણે ક્યારે કઈ પંક્તિ બેડો પાર કરી દે – કઈ પંક્તિ જિંદગીને પાટે ચડાવી દે કહેવાય નહીં.

મુકેશ જોશીનું પેલું મુક્તક છેને-
હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી.. એટલામાં કોક બોલ્યું જો સડી ગઈ જિંદગી, એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું, .... એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી.
                            - મુકેશ જોશી 🍂🍂🍃🍃🍃

....✍🏻 તું એકલો નહિ એકડો છે ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે..!! ....તારું મૂલ્ય સમજ, ઝૂમતા નહિ આવડે તો ચાલશે પણ ઝઝૂમ્યા વગર તો છૂટકો જ નથી..!!🍃💞

વાંચ્યા પછી... શેર કરવા જેવુ લાગે તો નીચે આપેલ શેર બટન થી શેર જરૂર કરો.!!🌺🌹 🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ની મુલાકાત કરો, આ એક પંક્તિ વાંચી... આત્મહત્યા કરતા અટકી ગયો! પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, આરોગ્ય ટિપ્સ, સરકારી યોજના, જનરલ અપડેટ્સ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post