માનવતાની દિવાલ (Manavta Ni Dival)

Related

# માનવતાની દિવાલ ..."
સુરતથી લાવેલ નવા-જુના આશરે ત્રીસેક નંગ કપડા અને બુટ વિગેરે વસ્તુઓ દરીદ્રનારાયણ માટે, હુને મારા ધર્મપત્ની ગોકુલ ગાર્ડન પાસે અજયભાઈએ બનાવેલ કરુણાવંત સ્ટોરમાં મુકવા ગયેલા.. ત્યાં અનેક લોકો મૂકી જાય અને જરૂરિયાતમંદ ગરીબો લઇ જાય તેવી અનોખી વ્યવસ્થા... અમે અવાર નવાર આ યજ્ઞમાં આહુતિ આપીએ...પણ આજની વાત અલગ હતી..."


#આવકાર
માનવતાની દિવાલ

અમે પહોંચ્યા ત્યારે એક નવેક વર્ષનો બાળક ત્યાં જુના કપડાં ફંમફોળી રહ્યો હતો..તેના ફાટેલા કપડા, મૅલો દેહ, દુર્બળકાયા અને અસ્ત-વ્યત વાળ જોઈ સમજાઈ ગયું કે ખૂબ ગરીબ છોકરો હશે.. હોન્ડાની ઘોડી ચડાવી મેં કહ્યું, " બેટા, શુ શોધે છે ?"

મિઠેરો જવાબ મળ્યો.."લૂગડાં (કપડા)"

મેં કહ્યું, "બેટા તારા માપના તો આ ટીંગાય જ છે, લઇ લે.."

છોકરો કરુણ અને પૂજ્ય ભાવથી બોલ્યો,"મારે તો આ પેર્યા ઇ લૂગડાં હાલે ઇમ છે.. હું તો મારા બાપા હારું ગોતું છું.."

જવાબ સાંભળી અમે દંપતી ખૂબ ખુશ થયા..ફાધર્ષ ડે ના દિવસે જ આવો જવાબ સાંભળી આનંદ સાથે મેં મારા થેલા માંથી કપડા ઠાલવતા કહ્યું.." બેટા, લે આ ડ્રેશ તારી બેન માટે લઇ જા."

" ના... મારે બેન નથી...મા પણ મરી ગયા છે, એક બાપા જ છે,એમના માટે હોય તો આપો." એની આંખોમાં બાપ પ્રત્યેનો પ્રેમ નીતરતો હતો...ધીરે ધીરે એના શબ્દો મારા હૃદયને વલોવતા હતા..મેં ત્રણ ચાર જોડી નવા કપડાં તેની સામે રાખી કહ્યું,"લે બેટા.. આ તારા પિતા માટે લઈ જા" કપડાં જોઈ છોકરો રીતસર ઠેકવા લાગ્યો..જાણે લાખ રૂપિયા આપ્યા હોય એટલો આનંદ...પણ કપડાં લેવાને બદલે કહે ઉભા .."રો' સાબ, હું મારા બાપાને બોલાવી લાવું" એમ કહી એ દોડયો....બે જ મિનિટમાં રસ્તાની બાજુમાં સુતેલા પચાસેક વર્ષના ગરીબ પિતાનો હાથ પકડી છોકરો હાજર થયો.. કપડાં જોઈ તેના પિતા પણ રાજી રાજી થઈ ગયા..મારી હાજરીમાં તેમણે ફાટેલો શર્ટ ઉતારી નવો શર્ટ પહેર્યો.. અને બોલ્યા.."સાબ, બપોરનો રાહ જોવું છું..કે મારા માપના લૂગડાં આવે તો પેરૂં, આ સાવ ફાટી ગ્યાતા."

વાતચિત કરતા માલુમ પડ્યું કે વર્ષોથી મજૂરી અર્થે તે રાજસ્થાનથી આવેલા..પત્ની બીમારીમાં મૃત્યુ પામી...સંતાનમાં નવેક વર્ષનો આ એક છોકરો હતો..હાલ પોતે બિમાર હોવાથી કામ મળતું નથી..માટે ફૂટપાથ ઉપર આવી ગયા છે...

મારા પત્નીએ તેમના હાથમાં વધારાના બે જોડી કપડાં આપ્યા તો લીધા નહીં... કહે "ના બોન...જરૂર એક જોડની જ હતી.. વધારાનું લઇ શુ કરું ?" મેં નાસ્તા માટે પૈસા આપ્યા તો પણ મનાઈ કરી...પરાણે આપ્યા તો કહે.."સાબ, મજૂરી બંધ છે એટલે લઈ લવું છું...નકેર મફતનું નો લેવાય હો..." બુટ આપ્યા તો હાથ જોડી કહે "સાબ,આ પગ છોલાઈ ગ્યા છે,હું પેરી નો હેકુને નકામા પડયા રે ...ઇના કરતા આયા જ રાખો બીજાને કામ આવશે"

છોકરા માથે હાથ ફેરવી મેં કહ્યું, "બેટા અહીં જ થોડીવાર ઉભો રહે..હું તારા માટે બે જોડી કપડાં લેતો આવું છું." એ બોલ્યો, "ના સાબ, મારા બાપાને આઇપા એટલે રાજી..મારે તો આ ફાટેલા પેર્યા ઇ હાલે ઇમ છે." એનો પિતાપ્રેમ જોઈ અમારી આંખો ભીંજાઈ ગઈ !!

છતાં, તેને ત્યાંજ ઉભો રાખી અમે બંને આ છોકરા માટે બે ત્રણ જોડી કપડાં લેવા ઘેર આવ્યા...ઘેરથી કપડાં લઇ પાછા ત્યાં પહોંચ્યા તો બાપ દીકરો ગાયબ હતા..!

ગરીબીમાં પણ કેવી ખુમારી !!

જરૂરતથી વધુ લેવાય નહીં... પોતે જરૂરિયાત વાળા છે , છતાં બીજાનો વિચાર કરે છે, નાનકડો દીકરો બીમાર બાપની કેટલી ચિંતા કરે છે..! વગેરે વિચારોથી હૃદય રડી પડ્યું...ઘણી શોધ કરી પણ શ્રાવણ ફરી નાજ દેખાયો..! મનમાં થયું 'ફાધર્ષ ડે'ની કોમેન્ટો લખનારા પણ ઘણા યુવાનો કદાચ પિતાની આટલી ચિંતા નહીં કરતા હોય...!!

હવે ફરી મળેતો હું એના ભણવાની બધી વ્યવસ્થા કરી દઉં... એવા ઘણા બધા વિચારોથી ઘેરાયેલ હું ઘેર તો આવ્યો...પણ હજુય સતત એની છબી આંખોમાં અને વાતો હૃદયમાં રમ્યા જ કરે છે...

હજુય ઘરમાં શબ્દો ઘુમરાય છે, ''સાબ, મારા બાપાને આઇપા એટલે રાજી.'' (સત્ય ઘટના-) – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. નીતિ સાફ હોય અને પુરુષાર્થ કરવાની ભાવના હોય એવા લોકો ઝાઝા દિવસ ગરીબ રહેતા નથી. આ દીકરો પણ નામ કાઢશે!

    ReplyDelete
Previous Post Next Post