મોહનથાળનો ડબ્બો (MohanThal No Dabbo)

# મોહનથાળનો ડબ્બો."
હંમેશા મુજબ સાંજે 6:00 વાગ્યે ...ઓફીસથી નીકળી ઘરે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો.

રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો.

AVAKARNEWS
મોહનથાળનો ડબ્બો

એક 55-60 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?

" તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું..!

અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો".

હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા.

મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?"

તેમણે જવાબ આપ્યો: "હું પુના પાસેના એક ગામ થી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપનીમાં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુંબઈમાં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્નીને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસથી અલગથી રહે છે. 

પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકા જાય છે.

મુંબઈથી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા",,, કહ્યું

તો કહે," જલ્દી જાવું છે એટલે સમય નથી." મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર? એટલે હું જ મળી આવું.

પાડોશી પાસે ઉછીના પૈસા લઈને ટિકિટની વ્યવસ્થા કરી. હવે મારી પાસે પૈસા નથી.

બે દિવસથી મુંબઈમાં ફરુ છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટન માં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. ...પરંતુ મારા પુત્રએ તો મને આજ સરનામું લખાવ્યું હતું "... કહી ને તેણે ખીસ્સા માંથી એક ચબરખી કાઢી બોલ્યા," આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. બે દિવસથી મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો."

મેં પૂછ્યું:"તમે કેમ ફોન કરીને પૂછી નથી લેતાં?" તો કહે," મને ફોન કરતા નથી આવડતું.

મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બે દિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો.

મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તે જ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું — "આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુંબઈ."

મને સમજાઇ ગયું કે માં-બાપ ને ટાળવા માટે જ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો.

મને સમજાઇ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. અથવા તો એનો પુત્ર અહીં મુંબઈ માં જ રહે છે પણ પિતાને મળવા, સાચવવા નથી માંગતો.

મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર તરફથી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું.

મેં કહ્યું, "કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા ગામડે તમારા ઘરે જાવ...કાકી તમારી રાહ જોતાં હશે."

તેમના હાથમાં રહેલી જુની થેલી પર તેણે હાથ ફેરવ્યો મેં જોયું, ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, "કાકા આમાં શું છે?"

તેઓ બોલ્યા આતો મારા દિકરાને મોહનથાળ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યો હતો."..!!

મારા દિલ માં એકદમ ધ્રાસકો પડ્યો.!! મને પારાવાર વેદના થઈ. મને થયું કે તેમના નાલાયક દિકરાની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. — મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા . હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો....!

મેં કહ્યું: "કાકા હવે પુના જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું." રડતી આંખે તેઓ ત્યાંથી વિદાય થયાં.

ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો. થોડે આગળ ગયા પછી મને સમજાયું કે તેઓની પાસે તો પુના બસ કે ટ્રેન માં જવા માટે પણ પૈસા નથી.

હું ઝડપથી પાછો ગયો અને મનાવીને મારા ઘરે લઈ આવ્યો કહ્યું કે એક દિવસ રોકાઇને આવતી કાલે તમે પુના જજો. ટિકિટ ની વ્યવસ્થા હું કરી આપીશ.

તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી. બાજુના રૂમમાં કાકાની પણ આ જ હાલત હતી...@આવકાર™

રહી રહી ને મને એક જ વિચાર આવતો હતો કે ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વૃધ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બામાંથી એક મોહનથાળ નુ બટકું નોતા ખાઈ શકતા !!? પણ એ મોહનથાળ તો માતા એ એના દિકરા માટે બનાવ્યો હતો ને......બાપ તે થોડો ખાઈ શકે ? "આટલો બધો પુત્ર પ્રેમ.... !!!

બીજા દિવસે હું તેને પુનાની ટ્રેનમાં મુકી આવ્યો....ઘરે આવ્યો તો પત્ની એ કહ્યું કે કાકા "મોહનથાળ નો ડબ્બો" ભુલી ગયા છે.... !!

મેં કહ્યું એ ભુલી નથી ગયા પણ આપણા બન્ને માટે ઈરાદાપૂર્વક રાખીને ગયા છે..💓– અજ્ઞાત" (આ વાર્તાના લેખકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

1 Comments

Thank you so much for your feedback 😊

  1. *મોહનથાળ નો ડબ્બો*
    લઘુકથા *મોહનથાળ નો ડબ્બો* વાંચી
    દિલમાં એક ગમગીની વ્યાપી ગઇ. કેટલી હદે નિષ્ઠુર થઇ શકે છે આજની પેઢીના સંતાનો... સગા બાપને અંધારામાં રાખી ને તેની લાગણી સાથે કેવી રમત રમી રહ્યા છે તે આ લઘુકથા ના માધ્યમથી લેખકે સચોટ નિરુપણ કર્યું છે. પુત્રના કારનામા થી અજાણ વૃદ્ધ બાપ કેવી આશા સાથે પુત્ર ને સામેથી મળવા માટે આવે છે. તેના મનોભાવ ની કલ્પના કરતાં મનમાં કરૂણામયી ધ્રુજારી ઉત્પન્ન થાય છે...
    સંવેદના થી ભરપૂર લઘુકથા માં, પિતા પુત્ર ના વાત્સલ્ય ભર્યા સંબંધોને લાગણી વિહીન પુત્ર કેવી રીતે કચડી નાખે છે તેનું અલગ અંદાજ માં નિરૂપણ મહેસૂસ કર્યું...
    લેખક ને ખુબ ખુબ ધન્યવાદ...
    👍🌹👌

    ReplyDelete
Previous Post Next Post