અંગત ડાયરી (Personal diary)

# અંગત ડાયરી .."
******************* પાર્થિવ નાણાવટી
દિવસે દિવસે ડિમ્પલના સ્વભાવમાં અકલ્પનિય પરિવર્તન આવવા લાગ્યું હતું. જે નાની નાની વાતમાં આનંદ લેતી હતી એજ નાની નાની વાતે જીભાજોડી કરવા લાગી હતી, જીવનમાં જ્યારે દેખાદેખી, અસંતોષનો પ્રવેશ દાંપત્યજીવનમાં થાય એ દિવસથી દામ્પત્ય જીવન બોજ રૂપ લાગવા લાગે છે.

AVAKARNEWS
અંગત ડાયરી

આમ તો ડિમ્પલ મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેને પ્રેમ કરું છું. છતાં પણ ખોટી અપેક્ષાઓના વંટોળે અમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું.

હું મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે ફરજ ભજવી રહ્યો છું. કંપનીએ મને પેકેજ પણ સંતોષકારક આપ્યું હોવા છતાં પણ અસંતોષ અને અશાંતિનું બીજ રોપણ અમારા દામ્પત્ય જીવનમાં થઈ ચૂક્યું હતું. હું તેનું કારણ સમજતો હતો. સારા વિસ્તારમાં અમારો તમામ સુવિધાઓ સાથેનો લકઝુરિયસ ફ્લેટ, કાર, આનંદ અને સ્વમાનથી જીવાય તેવું બેંક બેલેન્સ અને લગ્ન પછી એક પુત્રનો જન્મ મતલબ ઈશ્વરે ખુશી મારા ઘરની અંદર ખુલ્લા હાથે વેરી હતી. અને મારા મમ્મી પપ્પાના પણ ચાર હાથ મારી ઉપર કૃપા વર્ષાવી રહ્યા હતા.

ઈશ્વરે મારા જીવનનો એક એક ખૂણો આનંદથી ભરી દીધો હતો. મને મારા જીવન તરફ અસંતોષ જરા પણ ન હતો. પણ મારી નાની સાળીના લગ્ન જ્યારે એક ફેકટરી ઓનરના પુત્ર સાથે થયા પછી ઘરમાં તેની સાથે સરખામણીનો દોર ધીરે ધીરે ચાલુ થયો.

કહેવાય છે ને વ્યક્તિ જ્યારે વાસ્તવિક્તાનો ઉંબરો ઓળંગે ત્યારે પ્રથમ તેની અપેક્ષાઓ વધવા લાગે છે .તે સામેની વ્યક્તિ કોણ છે, તેની અને પોતાની મર્યાદા શુ છે તેનું ભાન પણ તે ભૂલતી જાય છે. અને તેની સીધી અસર તેના વાણી વર્તન અને વ્યવહાર ઉપર પડે છે.

અમારા ઘરમાં અશાંતિ અને અસંતોષના બીજ ધીરે ધીરે રોપાઈ ગયા હતા. આ બીજને રોજ થોડું થોડું પાણી પીવરાવવાનું કામ મારી નાની સાળી કરી રહી હતી.

અમુક વ્યક્તિને ન મળવાનું મળી જાય ત્યારે તે પચાવી શકતા નથી. પોતાના ઘરની નાની નાની વાતો ડિમ્પલને મોબાઈલ ઉપર કરી પોતાની બડાશ રૂપી ઉલટી કરી ડિમ્પલનું મગજ પ્રદુષિત કરતી હતી.

હવે ડિમ્પલને કોઈ વસ્તુ ગિફ્ટમાં હું આપું ત્યારે તેના ચહેરા ઉપર પહેલા જેવો આનંદ દેખાતો નહિ. તે વાતે વાતે તેની નાની બહેન બનેવી સાથે અમારા જીવનની સરખામણી કરવા લાગી હતી .

મેં તેને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, ડિમ્પલ તારી નાની બહેનનો પતિ ફેકટરીના ઓનરનો દીકરો છે અને હું એક પગારદાર એમ્પ્લોઇ છું. મોટા લોકોના મોટા શોખ હોય તેને સમજવા અઘરા હોય છે. તું એ લોકોની સરખામણી વારંવાર કરી તારો અને મારો વર્તમાન ન બગાડીશ. એક મારા શબ્દ તું યાદ રાખજે. સમય જ તને બતાવશે જે તારી પાસે અમૂલ્ય અને કિંમતી ચીજ છે એ તારી બહેન પાસે નથી.

પણ વ્યક્તિ જ્યારે સમજવાની સમજશક્તિ જ ગુમાવી દે ત્યારે તમારી પાસે એક વિકલ્પ જ હોય છે, મૌન બની આવી વ્યક્તિને સમયને હવાલે કરી દેવો.

મેં મૌન ધારણ કરી લીધું

કારણ વગરની વાતો કે ચર્ચા કરવાનું છોડી વધારે સમય ઓફીસમાં આપવા લાગ્યો. મારા માં આવેલ બદલાવ તેને ખૂંચતો હતો. તે મને ઉશ્કેરવાના પ્રયત્ન કરતી પરંતુ તેમાં તે નિષ્ફળ જવા લાગી. સવારે જમવાનું ટિફિન લઈ શાંતિથી ઘરેથી નીકળી જતો અને રાત્રે ટેબલ ઉપર ડિનર લઈ થોડો સમય મારા પુત્ર સ્વીટૂને રમાડી હું બેડરૂમની અંદર જતો રહેતો. થોડો સમય જુના ગીતો સાંભળી આનંદ લેતો. અને પછી ઊંઘ ન આવે ત્યાં સુધી મહાદેવજીની માળા લેતો.

ધીરે ધીરે ઘરમાં મસ્તી તોફાનને બદલે મૌનનું વાતવરણ બની જતા ડિમ્પલ અંદરથી બેચેન રહેવા લાગી.

અચાનક ડિમ્પલે રાત્રે મને કહ્યું, સમીર તમારી ડાયરી આપોને.

મેં કહ્યું, તારે શુ કામ છે?

કામ છે, આપોને please.

ઘણા વર્ષે please શબ્દ મેં ડિમ્પલ પાસેથી સાંભળ્યો આટલી શાંતિથી વાત કરતી જોઈને મને આનંદ થયો. મેં ઓફીસ બેગ ખોલી મારી ડાયરી તેના હાથમાં મૂકી.

ડિમ્પલે ડાયરી ખોલી બોલી

આ તમે ઉપર 2024 લખી

આ 3650 લખ્યા પછી 3649,3647,3646 એમ ઉતરતા ક્રમમાં શુ લખો છો ?

મતલબ હું બે દિવસ પહેલા ડાયરી ઘરે ભૂલી ગયો હતો ત્યારે તેં મારી ડાયરી જોઇ હતી એમ જ ને ?

હા.. પણ મારા સોગંદ ખાઈ કહો આ રહસ્ય શુ છે ?

ડિમ્પલ ખોટા સોગંદ તો મેં તારા હજુ સુધી ખાધા નથી, હું તને આજે પણ પ્રેમ કરું છું અને જીવતો છું ત્યાં સુધી કરતો રહીશ.

મજાકમાં મેં કીધું ડિમ્પલ તું જાગતી અવસ્થામાં હોય છે ત્યારે તારી સામે જોવાની મારી હિંમત હોતી નથી એટલે તું જ્યારે ઉંઘતી હોય ત્યારે હું શાંતિથી તારા શાંત ચહેરાને જોઈ હરખાતો હોઉં છું..ઘણી વખત તારા માથે તું જાગી ન જા એ રીતે હાથ પણ ફેરવું છું. અને ઈશ્વરને કહું છું. આ મારી ડિમ્પલને થઈ શુ ગયું છે ?

ડિમ્પલની આંખ હવે ભીની થઇ, એ બોલી, મને ખબર છે રાત્રે તમે મારા માથે હાથ ફેરવતા હોવ છો.

ડિમ્પલ, ઈચ્છાઓનો અંત નથી ઈચ્છાઓનો સીધો સંબધ આપણા શ્વાસ સાથે છે શ્વાસ બંધ એટલે ઈચ્છાઓનો અંત...

વ્યક્તિની જયારે જરૂરત બદલાઈ જાય છે..ત્યારે સૌથી પહેલા તેની વાત કરવાની રીત બદલાઈ જાય છે. ...સમસ્યા ત્યાં જ ઉદભવે છે, જ્યાં વાસ્તવિકતા ઉપર અપેક્ષાઓનું પ્રભુત્વ વધવા લાગે છે.

પાછા ફરવાનો માર્ગ દરેક વ્યક્તિને યાદ હોવો જોઈએ ડિમ્પલ ..એટલા આગળ પણ ન નીકળી જવું કે પાછા ફરવાનો રસ્તો જ આપણે ભૂલી જઈએ.

દામ્પત્યજીવન શુ છે ?

એક કલરવ કરતી રોજ સવાર હોય અને સાંજ પડે ત્યારે એક સાદ હોય જેમ કે..ઓફિસેથી ક્યારે આવો છો ? હું તૈયાર બેઠી છું બહાર જવા માટે, સાંજે જમવામાં શુ બનાવવું ? આ જ તો આનંદ છે જીવનનો.

નકામા ખર્ચા જીવનની વ્યવસ્થાને અને નકામી ચર્ચા મનની અવસ્થાને ખરાબ કરી દે છે. જે તમને વર્તમાનમાં જીવવા દેતો નથી, અને તમારા ભવિષ્યને ધીરે ધીરે અંધકાર અને નિરાશા તરફ લઈ જાય છે. આજે ડિમ્પલ મને શાંતિ થી સાંભળી રહી હતી. તેની ભીની આંખો આજે મને ઘણું કહેવા માંગતી હતી.

એ બોલી તમે ડાયરીમાં માં 2024 લખી

આ 3650 લખ્યા પછી 3649,3647,3646...એમ ઉતરતા ક્રમ માં શુ લખો છો ? એ સ્પષ્ટતા તો કરો.

જો ડિમ્પલ હું બે વર્ષ પહેલાં ગિરનાર શિવરાત્રી મેળામાં ગયો હતો. ત્યારે એક અઘોરી બાવાજી મને મળ્યા હતા તેઓએ મને કહ્યું હતું, બેટા તારું આયુષ્ય....કહી અટકી ગયા

મેં કહ્યું, બોલો બાપજી..જે હોય તે કહો. એ બોલ્યા બેટા આનંદ મસ્તીથી જીવી લે 10 વર્ષ તારી પાસે છે.

મૃત્યુંજયના જાપ કરતો રહેજે.. કદાચ ભોળાની કૃપા થઈ જાય.

બસ ડિમ્પલ 365 દિવસ x 10 વર્ષ મતલબ 3650 દિવસ હવે મારી પાસે જીવવા માટે બાકી. તેમાંથી દરરોજ એક એક દિવસ જીવનમાંથી ઓછો થતો જાય છે. બસ આજ મારી ડાયરીનું રહસ્ય છે.

હવે ડિમ્પલ મને ભેટી પડી અને બોલી તમને કંઈ નહિ થાય. હું વડસાવિત્રી પૂનમ કરું છું અને તમારી સાથે હું પણ મૃત્યુંજયના જાપ પણ કરીશ તમે 100 વર્ષના થવા ના છો. તમે જ્યાં જશો ત્યાં હું પાછળ પાછળ આવીશ..

હું હસી પડ્યો...

ડિમ્પલ બોલી સમીર તમે મને એક દિવસ કીધું હતું. સમય તને બતાવશે તારી પાસે અમૂલ્ય અને કિંમતી ચીજ છે જે તારી નાની બહેન પાસે નથી..એ વાત હવે સાબિત થઈ છે.. મારી નાની બેન છુટાછેડા લઈ રહી છે ?

શુ થયું, મેં કહ્યું ?

તેનો વર ભાવિક, કંપની સેક્રેટરીના પ્રેમ છે, અને તેઓ લગ્ન કરવા માંગે છે. અત્યારે તે પિયર પાછી આવી ગઈ છે..

જીવનમાં માત્ર રૂપિયા જ બધુ નથી, એ મને સમજાયું .

દામ્પત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ, અને સંતોષ પ્રથમ સ્થાન ધરાવે છે. મારી પાસે જે અમૂલ્ય વ્યક્તિ છે એ તમે છો. મને માફ કરો સમીર, હું દામ્પત્ય જીવનનો સાચો રસ્તો ભટકી ગઈ હતી.

હે સમીર...તમને કદી એવું થતું ન થયું કે ડિમ્પલ જીતી ગઈ અને હું તેની સામે હારી ગયો..

ડિમ્પલ, એક તો હું આપણા બાળક સ્વીટુના ભવિષ્ય તરફ હું જોતો હતો. આપણી અશાંતિ અને બોલાચાલીની સીધી અસર તેના કુમળા મગજ ઉપર ન પડે તેનું ધ્યાન રાખતો હતો. હું તને પ્રેમ કરું છું અને પ્રેમમાં હાર જીત હોતી નથી. માત્ર ખોટા સમયે બે ડગલાં પાછા ખસી જવામાં મજા છે એ હું જાણતો હતો. શા માટે લડતા લડતા બાકી બચેલ જીવન પસાર કરવું ? એક દિવસ મારી ડિમ્પલમાં પરિવર્તન આવશે, બસ એજ આશા સાથે હું જીવન પસાર કરતો હતો...

ડિમ્પલ મારા ખભે માથું મૂકી રડી પડી. બોલી તમે જીતી ગયા.

ડિમ્પલ બોલી હેં સમીર તમને ક્યારેય એવી લાગણી ન થઈ કે હું ડિમ્પલ સામે હારી ગયો.

મેં ડિમ્પલને માથે હાથ ફેરવી કહ્યું, અરે ગાંડી 

કિશોરકુમારનું ગીત યાદ કર..

ये ना सोचो इसमें अपनी हार है कि जीत है, उसे अपना लो जो भी जीवन की रीत है, ये ज़िद छोड़ो, यूँ ना तोड़ो हर पल एक दर्पण है, .. ये जीवन है ...

ये जीवन है इस जीवन का यही है, यही है, यही है रंग रूप थोड़े ग़म हैं, थोड़ी खुशियाँ यही है, यही है, यही है छाँव धूप..ये जीवन है ...

મિત્રો
આપણે પ્રસન્ન નથી રહી શકતા એનું કારણ, આપણે શ્રધ્ધામાં નહિ સ્પર્ધામાં જીવીએ છીએ. સર્વોત્તમ શોધવામાં..ઘણીવાર ઉત્તમ વ્યક્તિ ખોવાઇ જાય છે.આપણી ઈજ્જત અને આત્મસન્માનથી વધારે કોઈ પણ સંપત્તિ વધું મુલ્યવાન નથી

जिंदगियां" दो होती हैं .. एक जो हम हर दिन जीते हैं दूसरी जो हम हर दिन जीना चाहते हैं।

इन्हीं दोनों के बीच में तालमेल बैठाना ही, सही "जीवन" है

©પાર્થિવ
(ઈમેઈલ: parthivnanavati081266@gmail.com)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Previous Post Next Post