લક્ષ્મી (Laxmi)

લક્ષ્મી .."
++++++++++++ દીપિકા ચાવડા 'તાપસી'
જોરાવરને પોતાના બાપુજી સાથે લગ્ન કરવા બાબતે ઝગડો થયો અને પોતે ઘર છોડીને નીકળી ગયો હતો. ચાલતો ચાલતો રેલવે સ્ટેશન તરફ જતો હતો એવું વિચારીને કે આ ગામ છોડીને બીજે જતો રહું.

આવકાર
લક્ષ્મી - Laxmi 

એવામાં એને કોઈ નાના બાળકનાં રડવાનો અવાજ સંભળાયો ને એ અવાજ તરફ પાછો વળીને જુએ છે તો ત્યાં એક ટોપલામાં એક ફાટેલાં ગાભામાં વીંટાળેલી એક બાળકી રડતી હતી. 

ઘડીભરતો એ વિચારતો રહ્યો એટલામાં જ ત્યાં બીજા માણસો પણ એકઠાં થઈ ગયા હતા. ને જોરાવરે પળનોય વિલંબ કર્યા વગર એ બાળકીને ઊંચકીને ગળે વળગાડી દીધી. ને બોલી ઉઠ્યો, “આજથી આ દીકરી મારી છે એને હું પાળી પોષીને મોટી કરીશ.”

“બીજાનાં પાપને શા માટે પોતાના ગળે બાંધે છે ?” સ્ટેશન માસ્ટર બોલ્યા.

“ અરે, બાળક તો ભગવાનનો જ અવતાર કહેવાય ને. એને તો પ્રેમથી આવકારવું જોઈએ, એને તરછોડાય નહીં. ને આતો વળી લક્ષ્મીનો અવતાર છે. આવેલી લક્ષ્મીને કેમ તરછોડાય?" એમ બોલતાં જ જોરાવરે મક્કમ નિર્ધાર કરીને કહી દીધું કે, “ આજથી આ મારી ‘લક્ષ્મી' છે ને હું એનો બાપ.” એને લઈને જોરાવર બીજે ગામ જતો રહ્યો. સમયની સાથે લક્ષ્મી પણ મોટી થતી ગઈ હતી. જોરાવરે બહુ જ લાડકોડથી એને ઉછેરી હતી. પોતે ખેતરમાં કામ કરીને લક્ષ્મીને ભણવા માટે મૂકી હતી. નિશાળ રોડની પેલી બાજુ હતી એટલે જોરાવર રોજ એને મૂકવા અને લેવા પણ જતો હતો. આજે એને ખેતરમાં પાણી પાવાનું હતું એટલે એ વહેલો નીકળી ગયો. લક્ષ્મી ને કીધું કે હું આવીને તને મૂકી જઈશ.

જોરાવર ખેતરે પહોંચ્યો જ હતો ને થોડીવારમાં જ કાનજી કંડકટર દોડતાં જ ખેતરે આવી પહોંચ્યા ને હાંફતા હાંફતા બોલ્યા કે જોરાવર કાકા , “ લક્ષ્મી નિશાળે જવા રોડ વટતી હતી ને ત્યાં જ એક સાઈકલવાળાએ એને ટક્કર મારી ને પછાડી છે. આટલું સાંભળતાં જ જોરાવરે તો દોટ જ મૂકી જાણે એનો શ્વાસ જ અટકી ગયો ના હોય ? પણ સામેથી હસતી રમતી આવતી લક્ષ્મીને જોઈને ઘડીભર માટે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયેલા જોરાવરને કાળજે હાશકારો થયો. એક અજાણી સ્ત્રીનો હાથ પકડીને લક્ષ્મી આવતી હતી.

જોરાવર પેલી સ્ત્રી ને જોઈ જ રહ્યો પણ કશું બોલી ના શક્યો. એને એ સ્ત્રીનો ચહેરો જાણીતો લાગ્યો પણ એ આ ગામની તો નહોતી જ, ને એ વિચારવા લાગ્યો પણ કશું યાદ નો'તું આવતું. ત્યાં જ લક્ષ્મી બોલી, “ બાપા આ કંકુમાએ જ મને પડતાં બચાવી છે, હું પડું એ પહેલાં જ એમણે મારું બાવડું પકડીને મને ખેંચી લીધી ને હું પડતાં પડતાં બચી ગઈ. “

‘કંકુ‘ નામ સાંભળતા જ જોરાવર ભૂતકાળમાં સરી ગયો. રખેને આ મારી કંકુ તો નથી ને ? પણ પૂછવાની હિંમત ના થઈ. એક અજાણી સ્ત્રી ને એમ કેમ પૂછાય ? કંકુ પણ રહેવાનો આશરો શોધતી હતી ને લક્ષ્મી એ જિદ કરીને કંકુમા ને પોતાના જ ખોરડે એક ઓરડામાં રહેવા દેવા માટે બાપા ને મનાવી લીધા. જોરાવરે એક ઓરડો કંકુ ને ખોલી આપ્યો રહેવા માટે.

આજે તો વહેલી પરોઢે જોરાવર ખેતરે જવા નીકળતો હતો ને. જેવો ડેલીએ પહોંચે છે ત્યાં જ કંકુ ને આંગણું વાળતાં જોઈને એના પગ થંભી ગયા. ઘડીભરતો એ જોઈ રહ્યો એને, પછી એનાથી ના રહેવાયું ને એણે ચારેતરફ જોયું કે કોઈ જોતું તો નથીને ! ખાતરી કર્યા પછી કંકુ પાસે જઈને પૂછી જ લીધું કે તમે એકલા કેમ છો ? તમારા ઘરવાળા ક્યાં છે ? ને તરતજ કંકુ બોલી,“ આજ સુધી એને જ ગોતતી હતી ક્યાંય નો'તો મળતો, પણ આજે મળી ગયો છે.”

“ ક્યાં છે ? કોણ છે ?” જોરાવરે પૂછ્યું.

ત્રાંસી નજરે જોરાવર સામે જોતાં જ કંકુ બોલી, “ એ મને નો'તો લઈ ગયો ને એટલે આજે આટલા વર્ષે હું જ સામેથી એના ઘરે આવી છું .“ ને જોરાવરની સામે જોતાં મંદમંદ મુસકાતી ઊભી રહી.

જોરાવરનાં પગ જાણે ધરતી પર થંભી ગયા ને ‘ ઓહહહહ ‘ કહેતો જ કંકુનો હાથ પકડીને, “મારી કંકુ આટલા વર્ષો પછી પણ મારા જીવનમાં કંકુ પગલાં પાડવા આવી ગઈ !”

બોલતો જ એને લઈને ઓરડામાં ગયો. બેઉ ખાટલે બેઠાં, આજે આટલી ઉંમરે પણ બેઉનાં હૈયા એજ ઉલ્લાસ, ઉત્સાહ અને જોમ ભર્યા જાણે ઉછળતાં હતાં. હા આ એજ કંકુ હતી જેની સાથે જોરાવરને લગ્ન કરવા હતાં, પણ એના બાપુએ ધરાર ના પાડી ને જોરાવર તે દિવસે વહેલી પરોઢે ઘરેથી નીકળી ગયો હતો. ને સાચેજ લક્ષ્મી તે દિવસે એના જીવનમાં વહેલી પરોઢે જ આવી હતી. ને આજે પણ એજ લક્ષ્મી એની જ કંકુને કુમકુમ પગલાં પાડવા એના ઘરે લઈને આવી હતી.

“ આજનો સૂરજ મુજ આંગણમાં, કંકુવરણાં સોનેરી પગલાં પાડતો, લક્ષ્મી સરીખી દીકરીનાં ઓવારણાં લેતો, મુજ જીવનની સંધ્યાને સોનેરી કરવા જ જાણે ઊગ્યો છે.”

*******************
"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post