પ્રીતમની યાદ માં!! (Pritam Ni Yaad ma)

પ્રીતમની યાદ માં!!
*********************ફાલ્ગુની વસાવડા
માધવીબેન અને મૌલિકભાઈનાં ઘરે આજે ઉમંગનો પાર ન્હોતો, અને એક અનોખા લગ્નનો અવસર તેમના આંગણાના માંડવે આજે આવ્યો હતો. પતિ-પત્ની બંને ખુબ જ ખુશ હતા અને ઈશ્વરે તેમને આવું કાર્ય કરવાનો સારો મોકો આપ્યો એ બદલ ઈશ્વરનો પણ આભાર માનતા હતાં, નથી સમજાતું ને!! 

AVAKARNEWS
પ્રીતમની યાદ માં!!

ચાલો તો સમજાવું આજે તેમને આંગણે પુત્રવધૂ ના લગ્ન..અરે આમતો પુત્રવધૂ પણ કેમ કહેવી છતાં એ સંબંધ ગણીએ તો પુત્રવધૂ મેઘાના લગ્ન નો અવસર આવ્યો હતો અને સાજન માજન લગ્ન ને મ્હાલી રહ્યા હતાં. સૌકોઈ ના મોઢે એ જ વાત હતી કે કહેવું પડે આ લોકોની ઉદારતા, અને મેઘાનો સાચો પ્રેમ પણ કાબિલે દાદ છે.વીસ વર્ષની આયુમાં એણે લીધેલો નિર્ણય પણ ખૂબ હતો, ગોળગોળ નથી કહેવું આજે તમને માંડીને વાત કરું ...આ વાત આજથી પાંચ વર્ષ પહેલાંની છે જયારે મેઘા અને તેનાં મમ્મી બંને નાનીને ઘેર એક મહિનો રોકાવા આવ્યા હતા ત્યારે...

મેઘા અને મલ્હાર એક વરસાદી સાંજે એક તોફાનમાં ફસાઈ ને ભેગા થયા હતાં, મેઘાની ગાડી હાઇવે પર પંચર થઈ ગઈ હતી, અને મિકેનિક ત્યાં મળે તેમ નહતો, ને એમાં ઉપરથી વરસાદનું તોફાન, એમાં મેઘા ફસાઈ જાય છે. થોડીવારમાં ત્યાંથી એક બાઈક સવાર નીકળે છે, અને મેઘાને એકલી જોઈ બાઇક ઉભું રાખે છે, પહેલા તો મેઘાને એમ કે કોઈ લાભ લેવા વાળું છે, એટલે મદદની ના પાડી, પછી તેને થયું કે સાંજ ઢળી રહી છે, અને અંધારું પણ આ તોફાન ને કારણે વધતું જ જાય છે, અને ઉપરથી વરસાદ પણ રોકાવાનું નામ નથી લેતો. 

એટલે આ બાઇક સવારની હેલ્પ લેવામાં જ સમજદારી છે, અને ગાડી શરું કરવાની ઘણી કોશિશ કરવા છતાં ગાડી રીપેર થાય એમ નથી, એવું લાગતાં ગાડી ત્યાં જ એકબાજુ રાખી, બાઇક પર ચાલ્યા જવું એવું નક્કી કર્યું, અને એ યુવક સાથે નીકળી પડી. મલ્હાર એ કોઈ રમત રમ્યા વગર મેઘાને ઘરે મૂકી ગયો, આ ઉપરાંત બીજે દિવસે મીકેનિક ને લઈ જઈને ગાડી ઠીક કરાવી,અને ગાડી પણ ઘર સુધી લાવી આપી, મેઘાના પપ્પા એક મહિના માટે વિદેશ ગયા હતા, અને મમ્મી સાથે નાનીને ઘરે તે આ શહેરમાં થોડા દિવસ રહેવા આવી હતી, એટલે રસ્તા પણ જાણીતા નહોતાં.મમ્મી તથા નાની પણ મલ્હારનો ખુબ ખુબ આભાર માને છે અને જમવાનો આગ્રહ કરે છે, મલ્હાર જમવા સુધી રોકાઈ જાય છે. બંને વચ્ચે એકબીજાના શોખ વિશેની વાતચીત થાય છે, અને મિત્રતા વધે છે, બીજે દિવસે મલ્હાર મેઘાને શહેર દેખાડવાનો પ્રસ્તાવ મૂકે છે, અને મેઘા તરત જ હા પાડી દે છે કારણકે મેઘા નેચર લવર હોવાથી તેને આસપાસની ટેકરીઓ અને ખુલ્લા મેદાનમાં જવાનો બહુ શોખ થાય છે.

મલ્હાર નિર્ધારિત સમયે પોતાની બાઇક લઇને આવી ગયો, અને તેણે આગ્રહ કર્યો કે દરેક જગ્યાએ ગાડી નહી જાય, માટે આપણે બાઈક પર જઈએ, મેઘા એ થોડા સંકોચ સાથે હા પાડી. લગભગ સાડા દસ આસપાસ બંને નીકળી ગયાં. બપોરનું લંચ બહાર લેશું એવું કહીને જ નીકળી હોવાથી ઘરનાને પણ ચિંતા ન્હોતી,અને મલ્હાર એ તેને જોવા જેવી એક એક જગ્યાએ ફેરવી અને ખૂબ મજા કરાવી. બપોરે એક સુંદર રેસ્ટોરન્ટમાં બંને જમ્યાં, વળી પાછાં નદીનો ડેમ વિસ્તાર જોવા આવ્યા. શહેરથી લગભગ ૧૦ કિલોમીટરના અંતરે હોવાથી અહીં અવરજવર ઘણી જ ઓછી હતી. બંને જણા થોડીવાર બેઠાં ઘુઘવતા પાણીના પ્રવાહને જોઈને મેઘાને બહુ મજા આવી, અને મલ્હાર તેને આટલી આનંદિત થયેલી જોઈ આનંદિત થઈ રહ્યો હતો. 

બોમ્બેમાં તો દૂર દૂર સુધી આવા દ્રશ્યો બહું જોવા મળે નહીં. ચોપાટી એ પણ ખૂબ જ ભીડ હોય, અને એ પણ ત્યાંનાં ટ્રાફિક મુજબ કેટલી બધી વારે પહોંચાય! એટલે મોટે ભાગે જવાનું જ માંડી વાળવું પડે. બહુ બધાએ ભેગા થઈને જવાનું નક્કી કર્યું હોય તો વળી જાય, એકના અંતરમાં જુવાનીનું જોશ ઊછળતું હતું, અને મલ્હારના અંતરમાં મેઘા ને જોઇ ત્યારથી પ્રેમ ઉછળતો હતો. તેના સંસ્કારની મર્યાદા તેને રોકી હતી. 

પરંતુ તેણે નક્કી કર્યું હતું કે પોતાના દિલની વાત તો તે આજે કહીને જ રહેશે. થોડીવાર પછી બંને જણા ત્યાંથી નીકળ્યાં,બાઈક તરફ પાછા આવતા હતા ત્યાં એક ફુગ્ગા વાળી પોતાના નાના બાળકને તેડીને જઈ રહી હતી, અને આજે એટલું વેચાણ નહીં થયું હોવાથી બાળક ભૂખને કારણે રડતું હતું. તેને મનમાં એમ હતું કે કોઈ ખરીદી કરે તો એને રૂપિયા મળે અને તેણે આ લોકોને જોયાં એટલે બહુ સ્વાભાવિક રીતે જ ફુગ્ગા ખરીદવાનો આગ્રહ કર્યો. 

મલ્હારને તે બાળકની સ્થિતિ જોઈ અને સહાનુભૂતિ થઈ તેણે પોતાના માંથી 100 ની નોટ કાઢી અને ફુગ્ગો ખરીદી લીધો, પેલી સ્ત્રીએ કહ્યું સાહેબ એક ફુગ્ગો ખરીદવાથી તો પંદર રૂપિયા જ મને મળશે, અને આજે વહેંચાણ થયું નથી એટલે છુટ્ટા નથી, મલ્હાર એ કહ્યું કંઈ નહીં બાકીના તું રાખીલે, હવે મેઘાને પણ તે સ્ત્રીની કરુણા પર અનુકંપા જાગી, અને તેણે પોતાના પર્સમાંથી બીજી 100ની નોટ આપતા કહ્યું, બાકીના હું રાખી લઉં. આમ કહી તેઓ બંને આગળ ચાલ્યાં, પેલી સ્ત્રી બંનેને અમી ભરી નજરે જોતી રહી. 

મેઘા ફુગાનાં ગુચ્છો જોઈ સાવ નાની બાળકી બની ગઈ, અને તે તેનાથી રમતી રમતી ચાલતી હતી, અંતે બંને બાઇક પાસે આવ્યાં. મલ્હાર એ હિંમત ભેગી કરી અને પોતે ખરીદેલો લાલ કલરનો ફુગ્ગો મેઘાને આપતા કહ્યું, લે આ પણ તું જ રાખી લે, અને સાથોસાથ આ ફુગ્ગા જેવા અરમાનોથી ભરેલું મારુ આ નાજુક દિલ પણ, મેઘાને થયું મલ્હાર મજાક કરે છે, પણ તેણે કહ્યું કે ના હું ખરેખર તને પસંદ કરું છું, અને પ્રેમ પણ કરું છું, મેં મારા દિલની વાત તને સ્પષ્ટપણે કહી દીધી છે. પરંતુ એનો મતલબ એ નથી કે, તું પણ હા પાડી દે, તું તારી રીતે તારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. મેઘા કંઈ જ બોલી નહીં બિલકુલ મૌન રહી, અને પછી એ દિવસ પૂરો થવા આવ્યો હોવાથી તેણે મલ્હારને ઘરે લઈ જવા કહ્યું. 

મલહાર તેને ઉતારીને બારોબાર જ નીકળી ગયો, તે મેઘાને વધુ શરમિંદગી આપવા માગતો ન હતો, બસ એ દિવસ પછી તેણે મેઘાને મળવાની એક પણ કોશિશ કરી નહીં, અને મેઘાના મનના ભાવ પણ ધીરે ધીરે એ તરફ ઢળવા લાગ્યાં. મલ્હારની ગેરહાજરી તેને રોજ ખૂંચતી, અને જીવનમાં કંઈક અભાવ હોય તેવું લાગતું હતું. આખરે તેણે પણ પોતાના દિલની વાત માનવી પડી, અને તેણે મલ્હારને ફોન કર્યો કે,એ તેને મળવા માંગે છે. બીજે દિવસે બંને શહેરની મધ્યમાં આવેલા કોફી શોપ પર ભેગા થાય છે, અને એકમેકના પ્રેમના પ્રસ્તાવને સ્વીકારીને, આગળનું જીવન સાથે જીવવાના વચનથી બંધાય છે. પછી તો રોજ રોજ કોફી શોપ, રેસ્ટોરાં, સિનેમાહોલ, શોપીંગ મોલ, અને નદી, ડેમ, ટેકરી વગેરે જગ્યાએ બંને હાથમાં હાથ નાખી ફરતા રહ્યા. હવે મેઘાને અહીંથી જવાનો સમય નજીક આવ્યો, બપોરે બંન્ને એક ટેકરી આગળના ઝાડ પાસે બેઠા હતાં, અને મેઘાએ કહ્યું પપ્પા શુક્રવારે આવી જાય છે, માટે અમારે અહીંથી બે દિવસ પહેલા નીકળી જવાનું છે. કોણ જાણે આ દૂરી હવે ક્યારે પૂરી થશે.

પરંતુ અત્યારથી એમ મમ્મીને વાત પણ કઈ રીતે કરવી, એકવાર તારી સર્વિસ જોઈન્ટ થઇ જાય પછી કંઈક કહેવાય, અને પછી લગ્ન પણ કરાય, મલ્હાર એ કહ્યું તું ચિંતા ના કર, આ વર્ષે હું mca final ની એકઝામ આપું, પછી મને જોબ મળે, એટલે તરત જ આપણે લગ્ન કરી લેશું. બે-ત્રણ દિવસ પછી પ્રેમીપંખીડાઓ છૂટા પડે છે, અને એક સાથે લાંબી સફર કાપવાનાં વચન સાથે વિદાય લે છે.

મેઘા પાછી મુંબઈ આવે છે, પોતાના ભણવામાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ તેના દિલમાં મલ્હાર નામની ઝંખના સતત સળવળતી રહે છે. આ બાજુ મલ્હાર પણ પોતાના ભણવામાં વ્યસ્ત થાય છે, અને ખાસ કરીને ખુબ સારા ટકાએ પાસ થવા માટે. mca ફાઇનલનું રિઝલ્ટ પણ આવી ગયું, અને મલ્હારને કોલેજ કેમ્પસમાંથી જ જોબ માટે ઓફર પણ આવી, અને તે પણ મુંબઈમાં. તેણે મેઘાને આ સમાચાર દેવા કોલ કર્યો, અને મેઘા તો હેલીની માફક આનંદથી વરસી પડી. 

આવતે મહિને જ સર્વિસ જોઈન્ટ કરવાની હોવાથી પંદરેક દિવસ પહેલા ત્યાં આવી પીજી વગેરેની ગોઠવણી કરવા તે મુંબઈ પહોંચે છે, બંને મળે છે, અને ચોપાટી પર ફરતા ફરતા નવ જીવનનાં સ્વપ્ન સેવે છે, હવે તો માત્ર ચાર પાંચ મહિના જ જુદા રહેવાનું છે,એ વિચારે તેઓ રોમાંચીત થઇ જાય છે. મલ્હાર મમ્મીથી તો પરિચિત હોવાથી તે એને અહીં સર્વિસ થયાની વાત કરે છે, અને એક દિવસ જમવાનું આમંત્રણ પણ મમ્મી તરફથી આપે છે. મેઘા મનોમન વિચારે છે કે એકવાર પપ્પાની પસંદગીની મહોર લાગી જાય, એટલે કે તેને મલ્હાર થોડો ઘણો પસંદ આવે તો, પછી આગળ વાત કરાય. શનિવારને દિવસે મલ્હાર રાત્રે ડિનર પર મેઘાના ઘરે આવે છે. 

બધા જ ખૂબ જ આનંદથી ડીનર લે છે, અને મેઘાનાં પપ્પા પણ તેના આનંદી સ્વભાવથી ખૂબ પ્રસન્ન થાય છે, અને મેઘાને હાશકારો અનુભવે છે. કુદરતી તેમની જોડી પહેલેથી જ મળેલી લાગે છે, માટે જ પરિચય થયો એવું વિચારતી વિચારતી મેઘા દસેક દિવસ પછી મલ્હારની વાત નીકળતાં, પપ્પા મમ્મીને પોતાના દિલની વાત કહે છે. બંને જણા હસી પડે છે, અને કહે છે, અમે પણ એ જ વિચારતા હતાં. આટલું સુંદર તો કોઈને સ્વપ્ન પણ ન આવે, એ રીતે બધું જ આસાનીથી ગોઠવાતું જતું હતું. મલ્હાર એ પણ પોતાના ઘરે મેઘાનો ફોટો બતાવી અને વાત કરી તેઓ પણ રાજીખુશી માની ગયા અને મલ્હાર ને એકલા ઝાઝું રહેવું ન પડે માટે ચટ મંગની પટ બ્યાહનો નિર્ણય પણ લેવાયો.

લગ્ન પહેલા બંને ફરી પાછા ચોપાટી પર ફરવા આવે છે, અને હાથમાં હાથ નાખી ફરતા હોય છે, ત્યાં અચાનક કોઈ ફુગ્ગા વાળી ને જુવે છે,બંને તેની પાસે જાય છે, અને તેની પાસે હોય એટલા ફુગ્ગા 500 રૂપિયાની નોટ આપીને ખરીદી લે છે, અને તેને પોતાના મુક્ત પ્રેમ સ્વરૂપે હવામાં ઉડતા મૂકી દે છે. બસ હવે તો લગ્નને એક જ અઠવાડિયાની વાર હોવાથી, હવે નહીં મળાય એવો અફસોસ કરે છે,પણ પછી જન્મોજન્મ ના બંધનમાં બંધાશું એ રંગીન કલ્પના સાથે છુટાં પડે છે.

પરંતુ કુદરતને મંજુર હશે તે આ લોકો ક્યાં જાણતા હતાં અને અઠવાડિયા પછી એ સવારે તો ઘરમાં રોકકળ શરૂ થઈ ગઈ. આંખો ચોળતી જોતી મેઘા બહાર આવી, એને થયું મમ્મી વિદાયને યાદ કરીને રડે છે. પરંતુ અહીં તો મામી, માસી, કાકી, ફઈ, દાદી, નાની બધા જ રડતા હતાં. મેઘા તેમની પાસે જાય છે, ત્યારે મમ્મી તેને વળગીને કહે છે, મારી લાડકી એ કોઈનું શું બગાડ્યું છે, તે ભગવાન તેને આટલી મોટી સજા કરી રહ્યો છે. હવે મેઘાના કાન ચમક્યાં, અને તેણે મમ્મીને સામે આશ્ચર્યથી જોયું!! મેઘાની મમ્મીએ કહ્યું કે જાન લઈને આવતી બસનો એક્સીડન્ટ થયો, અને મલ્હાર હવે આ દુનિયામાં નથી રહ્યો, એવાં અત્યારે જ ખબર આવ્યાં છે, મેઘાએ બે હાથેથી પોતાના કાન દાબી દીધા, અને નહીંહીહીહી એવી ચીસ પાડી પોતાના રૂમમાં દોડી ગઈ. 

પરંતુ આ ઘટના એ પરિસ્થિતિ ને એવા વિચિત્ર મોડ પર લાવીને મૂકી દીધી હતી, કે લગ્નનું મંડપ મુરત પણ થઇ ગયું હતું, અને કન્યાના હાથે મીંઢોળ પણ આગલે દિવસે પીઠી સમયે બંધાઈ ગયું હતું, એટલે હવે શું કરવું!! અથવા હવે શું થશે!! એ વિચારીને બધા ચિંતિત હતાં. થોડીવારે મેઘા સફેદ કૂર્તિ પહેરી બહાર આવીને એક્સિડન્ટના સ્થળે જવા માંગણી કરી, તેના મમ્મી-પપ્પા એ તેને મલ્હારને આ રીતે નહીં જોઈ શકે, માટે જીદ ન કરવા કહ્યું, પણ તે માની નહીં અને ગાડી હાઇવે તરફ ચાલી, થોડીવારમાં એ ઘટનાસ્થળે તેઓ પહોંચી ગયાં, અને સૌના આશ્ચર્ય વચ્ચે મલ્હારનાં હાથમાં આજે પણ લાલ કલરનો હાર્ટ શેઇપનો ફુગ્ગો હતો, તેણે મલ્હારને બેઠો કર્યો, અને એના નિશ્ચેતન હાથથી ગળામાં મંગળસૂત્ર પહેર્યું,અને સેંથીમાં સિંદૂર પણ, પછી બધા વડીલો ને પગે લાગી અને મલ્હારની જ બની રહું એવાં આશીર્વાદ માંગ્યા. 

અને પોતાના મમ્મી-પપ્પાથી વિદાય લઈ તે આ જ રીતે મલ્હાર ના ઘરે આવી. એક સુહાગન નહીં પણ એક વિધવાએ,પોતાના બધા જ અરમાનોને મલ્હાર સાથે અગ્નિદાહ ગઈ આ રીતે મૌલિક ભાઈ અને માધવીબેન નાં ઘરમાં ગ્રહ પ્રવેશ કર્યો. સમયને સરકતા ક્યાં વાર લાગે છે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, અને પાંચ વરસ થઇ ગયાં. છતાં મેઘાના મોઢામાંથી એક પણ ફરિયાદ નીકળી નથી, અને તે પોતાનું પુત્રવધૂ હોવાનું કર્તવ્યકર્મ સુંદર રીતે કરી રહી છે. મલ્હારના માતા પિતા પણ ફક્ત દેખાવના આધુનિક નહીં, પરંતુ વિચારોથી પણ આધુનિક હતાં, અને તેવો એ પણ મેઘાને દીકરી જેમ જ અપનાવી હતી. પરાણે સફેદ વસ્ત્ર પહેરવાનું બંધ કરાવી, અને સારા કપડા પહેરાવતા હતાં, અને દીકરી સાથે સાથે મેઘાનો અભ્યાસ પણ પુરો કરાવ્યો.

આજે મલ્હારના ઘરે સવારથી થોડી ધમાલ હતી, આજે તેમની દીકરી સુહાનીને એક ખાનદાની યુવક તેનાં પરિવાર સાથે જોવા આવવાનો હતો. સુહાની દેખાવમાં સુંદર હતી પરંતુ મેઘા જેટલી નહીં, અને કોઈ ન બોલવા છતાં પણ મેઘા સુહાનીના મમ્મી મનની વાત જાણી ગઈ, એટલે તેણે એ દિવસે સફેદ વસ્ત્ર પરિધાન કર્યા હતાં, જેથી કરીને સૌ કોઈ જાણી જાય કે આ વિધવા છે. સમય થઈ ગયો, અને સુહાનીને જોવા સોહમ નાં પરિવાર વાળા આવી ગયાં. 

સોહમ પણ દેખાવે સુંદર હતો એમાં પણ ડબલ ગ્રેજ્યુએટ ઉપરાંત એમબીએની ડિગ્રી પણ ખરી, તેમજ ઘરનો ધીકતો વેપાર, લક્ષ્મીનાં ચાર હાથ હતા એમ કહી શકાય.કુદરત પણ કેવા કેવા ખેલ ખેલતી હોય છે, સફેદ વસ્ત્ર પરિધાન કર્યા હોવા છતા અને વિધવા છે, એ જાણવા છતાં પણ સોહમે સુહાનીની બદલે મેઘાને જ પસંદ કરી,અને મલ્હારનાં માતા-પિતાને તેમનું કર્તવ્ય યાદ અપાવ્યું કે પુત્રવધૂએ તો પુત્ર સાથે ઘરસંસાર પણ નથી ભોગવ્યો, અને પાંચ વર્ષથી તેની પત્ની ન હોવા છતાં પુત્રવધૂ બની તમારા સૌની સેવા કરે છે, તો તમારું પણ કર્તવ્ય બને છે, કે એનું દીકરીની માફક કન્યાદાન કરી, અને તેને આગલા જીવનમાં સુખ આપવું જોઈએ, અથવા એ માર્ગ ચીંધવો જોઈએ. 

પોતાની વાત એકદમ મક્કમતાથી કહી, તેણે ત્યાંથી વિદાય લીધી સુહાનીએ પણ આ વાતમાં પોતાની સંમતિ છે, એવું જાહેર કર્યું,આખી રાત વિચાર્યા પછી મલ્હારના માતા-પિતા પણ આ વાત સાથે સંમત થયાં, મેઘા ને બોલાવી અને તેનો અભિપ્રાય માંગ્યો મેઘા એ ના પાડી કે, તે મલ્હારની યાદ સાથે સુખી છે. પરંતુ અનુભવી એવા વડીલોએ તેને પરાણે આ નિર્ણય માટે સંમત કરી. ફરી પાછા સોહમ ના ઘરનાં તેમના ઘરે આવ્યાં, આ વખતે મેઘાએ સફેદ વસ્ત્ર પરિધાન કર્યા નહોતાં,અને બહુ સાદાઈથી સોહમ ને મેઘાની સગાઇ થઇ,તેમજ લગ્ન પણ થયાં.

આજે મેઘા દુલ્હનનાં વસ્ત્રોમાં સુહાગ સેજ પર બેઠી બેઠી સોહમની રાહ જોઈ રહી છે, અને મનમાં થોડો ગભરાટ પણ છે. એક કલાક, બે કલાક, અને ત્રણ કલાકનો સમય વિતી ગયો,પણ હજી સોહમ આવ્યો નહીં, અને રાહ જોવામાં મેઘાની આંખ લાગી ગઈ, અને તેને મલ્હાર સાથેની એ રંગીન યાદનું સ્વપ્ન આવ્યું, અને પરણવા આવતા સમયે બસનો થયેલો એકસીડન્ટ નું દ્રશ્ય દેખાયું, મેઘાએ નહીંહીહીહી એવી ચીસ નાખી, અને તેનું માથું બાજુની દિવાલ સાથે ભટકાયું,એવે સમયે સોરી કહેતો સોહમ રુમમાં એન્ટર થયો, અને મેઘા મલ્હારની જગ્યાએ સોહમને જોઈ બેહોશ થઈ ને સોહમની બાહોમાં ઢળી પડી, અને બહુ વારે ભાનમાં આવતા સોહમ ને વિસ્મિત આંખે જોવા લાગી, કોણ છે આ? કોણ છે આ ? બહું વાર સુધી યાદ કરવા કોશિશ કરી પણ અંતે કંઈ યાદ ન આવતાં, એણે પુછી લીધું કે આપ કોણ ?? અને હું અહીં ક્યાંથી? હવે સોહમ પરિસ્થિતિની નજાકત સમજી ગયો, અને તેને બાજી સંભાળતા કહ્યું આપ અહીં મહેમાન છો, અને સુરક્ષિત પણ છો, એટલે શાંતિથી તમે સુઈ જાવ, હું થોડીવાર માં આવું છું, એમ કહી રૂમની બહાર નીકળી, બે આંસુ સારી લીધા, અને તરત જ ડોક્ટરને બોલાવવા ગાડી હંકારી. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે, મલ્હારનાં એકસીડન્ટ પછીનો પાંચ વર્ષનો કટકો મેઘા ભૂલી ગઈ છે, હવે ક્યારે યાદ આવશે, એ કહી શકાય નહીં. 

મેઘાનાં બંને પરિવારોને તેડાવામા આવ્યા, મલ્હારનાં મમ્મી પપ્પા ને ઓળખવાનો ઈન્કાર કર્યો, અને પોતાના મમ્મી-પપ્પા ને જોતા જ દોડી ગઈ.એટલે ડોક્ટરોનું કહેવું સાચું નીકળ્યું. મેઘાનાં મમ્મી પપ્પા તેને લઈને જવા માંગતા હતાં,પણ સોહમ એ કહ્યું કે મેં અગ્નિની સાક્ષી એ લગ્ન કર્યા છે, અને મેઘા માત્ર મારો પ્રેમ નહીં પણ મારી જવાબદારી પણ છે. 
આપ સૌ નિશ્ચિત થઈ ને જાવ, હું તેને સંભાળી લઈશ.પરંતુ સોહમ જાણતો હતો કે આ વાત એટલી સહેલી નથી, કારણકે મેઘાના, હું અહીં શું કામ રહું,તમે કોણ છો,તેમજ મલ્હાર ક્યાં છે, વગેરે જુદા જુદા તર્કનો તેની પાસે કોઈ જવાબ ન હતો. છતાં કંઈક કરીશું એવું વિચારીને તેણે તેને સમજાવતા કહ્યું, કે તમારા પપ્પા ને વિદેશ જવાનું છે, અને આ વખતે મમ્મી પણ સાથે જવાનાં છે, આપના પપ્પા મારા પપ્પા ના ખાસ મિત્ર છે,એ ઉપરાંત આ વખતની એક્ઝામમાં પાસ થવું બહુ જરૂરી છે, માટે તમે ના પાડી હતી, અને સારા માર્ક્સ સાથે પાસ થવાય એટલે આ શહેર વાળી યુનિવર્સિટી માંથી ફોર્મ ભર્યું છે, વગેરે વગેરે કહ્યું, અને એટલે હવે તમારે અહીં રહીને પરીક્ષા આપવાની છે.

હજી મેઘાને સંતોષ નહતો થયો પણ ન જાણે કેમ પણ સોહમથી તેને ડર પણ લાગતો નહતો!! બંને થોડા જ સમયમાં ખાસ મિત્ર બની ગયાં, અને મેઘા સોહમ સાથે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરતી થઈ ગઈ. એકવાર ફરતા ફરતા તેઓ એક કોફી શોપમાં આવી ગયાં, અને અંદર જતા હતા ત્યાં કોઈનો ધક્કો લાગવાથી મેઘા ગબડી પડી,અને તેનું માથું જમીનમાં અથડાતાં થોડું વધુ લોહી નીકળ્યું, પોતાનું લોહી જોઈ વળી તે બેહોશ થઈ ગઈ, અને સોહમ તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ જાય છે. 

ડોકટર તેને ઇન્જેક્શન આપી સુવાડી દે છે,બરાબર એક કલાક પછી તેને હોશ આવે છે, અને તે સોહમ એમ સાદ પાડે છે,સોહમ દોડીને અંદર જાય છે, અને વૃક્ષને લતા વળગે તેમ એને વળગી પડે છે,સોહમ કંઈ સમજતો નથી, પણ પોતાની પ્રિયાના સ્પર્શથી એ રોમાંચિત થઇ જાય છે. મેઘા પોતાના અતીત ને ભૂલાવીને તેની સાથે નવા માર્ગ પર નવી ડગરે ચાલવા મક્કમ બને છે.આમ પાક્કા પાંચ મહિને સોહમને તેની પત્ની પાછી મળી,જ્યારે મેઘાને તો પાંચ વર્ષ ને પાંચ મહિને સોહમના રૂપમાં પ્રીતમ મળ્યો.

ફરી પાછી નવેસરથી સુહાગની સેજ શણગારવામાં આવી,અને આજે તેની પર બે પ્રેમથી ભરેલા હ્રદય વાળું જોડલુ એકમેકના પ્રેમમાં મશરુફ છે,અને બહાર ઓચિંતાનો મલ્હાર ગાજે છે, જાણે મલ્હાર પણ મેઘાનાં નિર્ણયને આવકારતો હોય, એમ ગાજ વીજ સાથે વરસે છે, અને શરમથી કે ડરની મારી મેઘા સોહમના અસ્તિત્વમાં સમાઈ જાય છે.

                  – ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post