ભળતી ભેણી (BhalTi BheNi)

Related

 ભળતી ભેણી
---------------------- - વાસુદેવ સોઢા

" ખટાક..." એવો ડેલી ખખડવાનો બે વખત અવાજ આવ્યો. લાડુકાકી સડપ કરતા ઉભા થઈ ગયા. જાણે આવા ખટાકાની જ રાહ જોતા હતા.

#આવકાર
ભળતી ભેણી

તેની ઉદાસ આંખોમાં ઉજાસ ફેલાઈ ગયો. હતાશ ભર્યા હૈયામાં હરખ ઉભરાઈ ગયો. થાકેલા લાગતા તનમાં તરવરાટ આવી ગયો. હૈયામાં હોશ આવી. પગમાં જોશ આવ્યું. મોઢામાંથી મલકાટ સાથે શબ્દો પણ સરી પડ્યા," એ આવી.... મારી ભૂરી આવી." અને તેણે ડેલીએ દોટ દીધી.

પણ ડેલી ઉઘાડતા જ લાડુકાકીની જીભનો લવો ફરી ગયો," અરે ! ભૂરા તું?"

ભૂરો કાગળનું ભૂંગળું હાથમાં લઈને ઉભો હતો.," કાં .. કાકી, કેમ છો?"

લાડુકાકીની પ્રૌઢી વીતી ગયેલી કાયામાં ક્રોધની આછેરી કંપારી આવી ગઈ. આંખમાં ઉપસેલા ઉજાસમાં જાણે ધીમે ધીમે અંધકાર પથરાવા લાગ્યો. લાડુકાકીના હોશ અને જોશ બંને ઉડી ગયા.

ભૂરો લાડુકાકીનો સગો ભત્રીજો. તેના હાથમાં રહેલા કાગળનાં ભુંગળાને કતરાતી નજરે જોઈને લાડુકાકી બોલ્યાં," તું આ ત્રીજી વાર આવ્યો."

" પણ જુઓ કાકી, હારોહાર આ માલેય લાવ્યો છું." એમ કહીને ભૂરાએ પોતાનું ખિસ્સું દબાવ્યું. નિસાસો નાખીને લાડુકાકી ઓસરીની પાળ ચડી ગયા. ભૂરો તેની પાછળ પાછળ આવ્યો.ઓસરીમાં ઢાળેલા ખાટલે બેઠો.પછી ખૂબ જ સમજાવટના સુરમાં બોલ્યો," કાકી હું કોક છું? કોકને આ ભળતી ભેણી દઈ દો ,એ કરતા મને દેવામાં શું વાંધો છે ? કોક દેહે એટલો રૂપિયો હું દઉં છું."

"હું ક્યાં કોઈને દેવાની છું ! આટલી વાડોલિયા જેટલી ભેણી વેચીને પછી મારે ભૂરીને નાખવી ક્યાં?"

" બસ, હું એ જ વાત તમને સમજાવવા આવ્યો છું. ભૂરી ક્યાં તમારી સગી છે ! એ તો ગામમાં ભટક્યા કરે છે."

"જો ભૂરા.. તને ખબર છે કે ભૂરી વિના હું પેટમાં ધાનનો કોળિયોય ઉતારતી નથી." ભૂરી આવે છે કે નહીં એ જોવા માટે લાડુકાકીએ ડેલીએ નજર નાખી. બપોર ક્યારના થઈ ગયા હતા. લાડુકાકીએ એનું ભાણું ઢાંકીને મૂકી દીધું હતું. એ ભૂરી આવે પછી જ ખાવ એમ વિચારીને તેની રાહ જોઈ રહ્યા હતા.એમાં વચ્ચે ભૂરો ખાબકયો.

ભૂરી માટે રોટલાને અલગ કાઢીને ઢાંકી દીધા હતા.ભૂરી અચૂક આવી જતી.હા ક્યારેક ભૂરીને વહેલા મોડું થઈ જતું. પણ ટાણું તો સાચવી લેતી. લાડુકાકીને એ ક્યારેય ભૂખ્યા ન રાખતી. ભૂરીને ખવડાવ્યા પછી જ લાડુકાકી ખાતા. એ ભૂરી પણ જાણતી હતી.

" ભૂરી..ભૂરી..કરોમાં. ને તમારા ભત્રીજા ભૂરા સામે જુઓ." ભૂરો જરા સખતાઈથી બોલ્યો.

" એટલે ભૂરા ,તું ભત્રીજો મટીને ભમરાળો થાહે.?" કાકીએ કરડી નજરે ભૂરા સામે જોયું.

ઠંડી ધમકી આપતો હોય એમ ભૂરો ધીમેથી બોલ્યો," હા એમ માનો તો એમ, બીજું શું?"

"સૌ જાણે છે કે તારા કાકાના ગામતરા પછી તું સુરત વયો ગયો.તારા કાકાની હયાતીમાં તારો લાગભાગ દઈ દીધો છે. અમારા ભાગે આ ખોરડું ને આ વાડોલિયા જેટલી જગ્યા રાખી છે. આ જરાક જેટલી ભેણીમાં તારી નજર લાગી છે." કાકીએ તીખી નજરે ભત્રીજા સામે જોયું.

" તે લાગે જ ને..! તમારા પૂરતું તમારે ખોરડું છે. આ વાડોલિયું મારે ભળતી ભેણી છે.એ મને દઈ દો તો સુરતમાં હોય એવો બંગલો આંઈ ઝીંકી દવ." ભૂરો બોલ્યો.

લાડુકાકી ભૂરાને ભારે નજરે તાકી રહ્યા. પણ કંઈ બોલ્યા નહીં." શું વિચાર કરો છો કાકી ?મારે ક્યાં મફતમાં જોઈએ છે? બજાર ભાવે પૈસા ભરી દઉં." ભૂરો રોફથી બોલ્યો.

" ના ભુરિયા ..ના. મારી ભૂરી રહે ત્યાં સુધી તો એનો વિચારે ન કરવો તારે,"લાડુકાકીએ ધખતા શબ્દો કહ્યા.

" હું આ કાગળિયાં તલાટી મંત્રી પાસે કઢાવીને આવ્યો છું. તેનું શું ?"ભૂરો અકળાયો.

" નાખ ચૂલામાં.." લાડુકાકીએ પીતો ગુમાવ્યો.," હવે તું અહીંથી ટળે છે કે પછી..."

" એટલે શું કાકી તમે મને અહીંથી કાઢશો ?મને ધક્કે ચડાવશો?" ભૂરો હજી એટલું બોલતો બોલતો ઉભો થઈને ફળિયામાં ગયો ત્યાં જ ભૂરીએ ડેલીમાં પગ દીધો. ભૂરાને ઢીકે ચડાવ્યો. ભૂરીની એક ઢીકે ભૂરો ભીત ભીતર થઈ ગયો. ભૂરીના નસકોરા ફુંફાડા મારી રહ્યા હતા. ભૂરી બીજો હુમલો કરે એ પહેલા ભૂરો ઉઘાડી ડેલીએથી ભાગ્યો.

" ભૂરી ..ભૂરી.. નહિ, ખીજામાં." લાડુકાકીએ દોડીને ભૂરીના માથે હાથ ફેરવીને શાંત કરી.

ભૂરી કોઈની માલિકીની ન હતી. એ નાની વાછડી હતી ત્યારે જ કોઈકે ઘરેથી છોડીને રખડતી મૂકી દીધી હતી. શિયાળાની એક રાતે લાડુકાકીની ડેલી આગળ બેઠી હતી.ટાઢથી ઠુંઠવાઈ ગયી હતી.લાડુકાકી વાછડીને વાડોલિયામાં લાવ્યા. વાછડી માથે કોથળો ઢાંકી દીધો. મડદાલ જેવી વાછડી ટાઢથી મરતી બચી ગઈ. લાડુકાકીએ હૂંફ આપી. લાડુકાકીની અમી નજરને તે પારખી ગઈ. ત્યારથી લાડુકાકીની એ લાડકી બની ગઈ. હવે તો એ કામધેનુ બની ગયેલી. તાજી માજી. લાડુકાકીના હાથનો રોટલો ખાય.પછી છૂટી ફરતી .ભરવાડના ધણમાં હોય એમ સીમમાં ચરી આવતી. એટલી સાન પણ ખરી કે કોઈના રેઢા ખેતરમાં પડવું નહીં. વાડે વેલા હોય, શેઢે ખડ હોય, એવું ચરીને બપોરે આવી જતી. બપોરે લાડુકાકી તેની રાહ જોતા હોય.એના હાથની રોટલી ખાઈને પછી નીકળી પડતી.

ભૂરીને લાડુકાકીએ બાંધી ન હતી.એની જાણે જ ભૂરી સાંજ પડતા વાડોલિયામાં કરેલા ફરજામાં બેસી જતી. સાંકળ તો લાડુકાકીના સ્નેહની જ હતી.

નાની વાછડી હતી ત્યારે ભૂરીનો વાન ઉજળા દૂધ જેવો હતો. હોળીનો તહેવાર હતો. છોકરાઓ શેરીમાં રંગે રમતા હતા. ત્યારે સામે રહેલા જુસબ સિપાઈનો છોકરો- રજાકે પિચકારીમાં ભૂરો રંગ ભરેલો. એને રંગ છાંટવા માટે કોઈ હાથ ન લાગ્યું. ત્યારે જ બરાબર ધોળા ધોળા વાનવાળી વાછડી લાડુકાકીના લાડોલિયામાંથી બહાર નીકળતી હતી.રજાકે વાછડીને જ રંગી નાખી. મારા વાલીડે ભૂરો રંગ પાકો બનાવેલો. ધોળા રંગની વાછડી ભૂરી બની ગઈ. લાડુકાકી રજાક પર ખીજાયા પણ ખરા. જુસબએ રજાકને લંમધાર્યો. પણ લાડુમાં વચ્ચે પડ્યા ને બોલ્યા." જુસબ હવે રહેવા દે. રજાકને વાછડી પર પ્રેમ ઉભરાણો એટલે જ એણે એને રંગે છાંટ્યો હશે ને ..! આજથી એનું નામ ભૂરી."

વાતનું વતેસર થતા લાડુકાકીએ અટકાવી દીધું. બસ ત્યારથી માંડીને આજ સુધી બધા એને ભૂરી તરીકે જ ઓળખતા હતા. ભૂરી જ્યારે જ્યારે આવતી ત્યારે લાડુકાકીની ડેલીએ શીંગડાથી ટકોરા મારતી.

અત્યારે ભૂરો ગયો એ દિશામાં જોઈને ભૂરી ફુફાડાં મારતી હતી. પણ લાડુકાકીએ શાંત પાડીને રોટલી ખવડાવી. પછી ભૂરી બહાર નીકળી ગઈ.

બે એક દિવસ પછીની વાત છે. અંધારું ઉતરી આવ્યું હતું. ભૂરી આવી ન હતી. લાડુકાકી બેબાકળા થઈને શેરીમાં પૂછી રહ્યા હતા." મારી ભૂરીને જોઈ..? મારી ભૂરીને કોઈએ ભાળી..? ક્યારેય એ આટલું બધું મોડું કરતી નથી...!"

એ જ વખતે જુસબ સિપાઈ તેના એકામાં ભૂરીને નાખીને આવ્યો. પાછળ રજાક ચાલ્યો આવતો હતો. એકો આખો લોહી લોહી ભરાઈ ગયો હતો. એ આછા અંધારામાંય દેખાતું હતું.

લાડુકાકીએ આ દ્રશ્ય જોયું. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ." જુસબ, મારી ભૂરી ને શું થયું?"

" લાડુકાકી.." જુસબ રડમસ અવાજે બોલ્યો," હું નદીએ એકો લઈને વેકરો ભરવા ગયો હતો. ત્યારે ભૂરો ભૂરીને મારતો હતો. લાકડી મારીને ભૂરીનું શિંગડું ભાંગી નાખ્યું છે. હું અને રજાક ભૂરીને એકામાં નાખીને લઈ આવ્યા છીએ." જુસબ અને રજાકની આંખો ભીની બની ગઈ. લાડુકાકી લોહી જોઈને જ અવાચક બની ગયા. જુસબે એને પકડ્યા ન હોત તો ત્યાં જ પડી જાત.

શેરીમાં બે ચાર માણસો ભેગા થઈ ગયા. બધાએ ભેગા મળીને ભૂરીને એકામાંથી ઉતારી. ગામમાંથી ઢોર ડોક્ટરને તરત બોલાવ્યા. ભૂરીને સારવાર આપી. શિંગડે પાટો બાંધ્યો.

" ગમે એટલો ખર્ચો થાય, મારી ભૂરીને કાંઈ ન થવું જોઈએ.."થોડા સ્વસ્થ થયા ત્યારે લાડુકાકીએ કહ્યું.

ચારેક દિવસ પછી ભૂરી બેઠી થઈ ગઈ. ભૂરો ક્યાંક ભાગી ગયો હતો. તે લાગ જોઈને ફરી પાછો આવ્યો," કાકી પછી શું કર્યું?"

મનમાં તો લાડુકાકીને ભૂરાને શ્રાપ દેવાનું સુરાતન ચડ્યું. પણ દબાવી રાખ્યું. એ ટાઢકથી બોલ્યા,"ભણતી ભેણીના કાગળિયા મે કરાવી રાખ્યા છે.બે'ક જણને બોલાવીએ.સાથે જુસબને બોલાવીને સાક્ષીમાં સઈ લઈએ."

ભૂરો મૂછમાં હસ્યો- કાકી..! ક્યો કે મને દયા આવી. ભૂરી રહી ગઈ. આ બધું નડતર ભૂરી હતી, એ હું જાણતો હતો. એટલે મેં મારી દાઝ ભૂરી ઉપર ઉતારી.

જુસબ આવ્યો. સાથે બીજા બે જણ આવ્યા. લાડુકાકી બોલ્યા,"ભૂરી સાજી થાય એટલા દિવસોમાં ખોરડું અને વાડોલિયું ને વાડોલિયાના કાગળિયા તૈયાર કરાવી નાખ્યા હતા."

કાગળિયા ભૂરા સામે રાખ્યા.અતિ ઉત્સાહમાં આવીને ભૂરાએ સહી કરી.નીચે જુસબની સહી લીધી.બે જણ બીજાને સાક્ષી રાખીને એની લીધી.

"હાશ.. !"ભૂરો બોલ્યો."આખરે કાકી તમે સમજ્યા ખરા ..!"

"હા,જો ભૂરા, ભૂરીને જે સાચવે એને જ મેં આ ભળતી ભેણી લખી આપી છે.તે કાગળિયા વાંચ્યા?"

ત્યારે ભૂરાની આંખો ફાટી રહી. એ જ વખતે ભૂરી આવીને જુસબ સિપાઈના હાથને જીભથી ચાટવા લાગી###

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post