બાવન ચોરનો જમાદાર (Bavan Chorno Jamadar)

Related

બાવન ચોરનો જમાદાર
~~~~~~~~~~~~~~~~~~લેખક :- મુકેશ સોજીત્રા

બાબરાના બસ સ્ટેન્ડમાં જુનાગઢ વાળી બસ આવી કે બઘડાચટી બોલી ગઈ. બસ આમેય ઉપરથી જ ફૂલ હતી અને નીચે ઘણાં બધા મુસાફરોને આજ બસમાં જવું હતું. દરવાજો ખુલ્યોકે ના ખુલ્યો બસની અંદરના અમુક મુસાફરો નીચે ઉતર્યા કે ન ઉતર્યા નીચેથી ચડવાવાળાની ભીંસ એકદમ વધી ગઈ. હતો તો શિયાળાનો સમય પણ વાતાવરણમાં ગરમી હતી અને મુસાફરોની બોલચાલથી વાતાવરણે વધારે ગરમી પકડી. ત્યાં હાથમાં નાનકડું બેટરીથી ચાલતું લાઉડ સ્પીકર લઈને એક ભાઈ બસની આજુબાજુ આંટા મારતો બોલી રહ્યો હતો.

#આવકાર
બાવન ચોરનો જમાદાર

ચા પાણી માટેનો હોલ્ટ છે પંદર મીનીટનો.. બસ પછી આગળ ક્યાય ઉભી નહિ રહે.. ચા પાણીનો હોલ્ટ છે પંદર મીનીટનો!! ચા પાણી નાસ્તો.. ગરમાગરમ ભજીયા પકોડા અને પફ મળશે એસટી બસ સ્ટેન્ડની કેન્ટીનમાં!! ચા પાણીનો હોલ્ટ છે ચા પાણીનો હોલ્ટ!!

અમુક વળી બીજાને ભલામણ કરીને નીચે ઉતર્યા. સાંકડમોકડ સહુ ગોઠવાયા. નાના છોકરાઓ રડ્યા પણ ખરા. અમુકે વળી એને બિસ્કીટ આપીને શાંત કર્યા. અમુકે એના બાપના લાફા ખાઈને શાંત થયાં. વાતાવરણમાં કોલાહલ હતો. પંદર મીનીટનો હોલ્ટ અર્ધી કલાકે પૂરો થયો અને બસ આંચકા સાથે ઉપડી અને નાસ્તાના સ્વરૂપમાં ભરપુર ભોજન લીધેલા કંડકટરે ટિકિટ કાપવાનું શરુ કર્યું. બસની બરાબર મધ્યભાગમાં ઉભેલા એક મોટી વયના અને નામે ભોગીલાલ વારાફરતી ચકળ વકળ આંખે જેટલી બાજુ જોવાઈ એટલી બાજુ જોઈ રહ્યા હતાં. અને અચાનક જ ભોગીલાલે બુમ પાડી.

એય કન્ડકટર બસ ઉભી રાખો તો. આગળ લાલ શર્ટ પહેરેલા ભાઈએ એની આગળ ઉભેલા ભાઈના વાહલા ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું છે. બસ ઉભી રાખો અને આટલું સાંભળીને બસમાં હોહા મચી ગઈ. કન્ડકટર હજુ કશું સમજે એ પહેલાં જ એક યુવાને બસની ટોકરી વગાડી અને બસ ઉભી રહી. પેલા તો લાલ શર્ટ વાળાને એક બે જણાએ ઝાપટ્યો. પછી એના ખિસ્સા ચેક કર્યા. એની આગળના ભાઈનું પાકીટ તો મળ્યું પણ સાથોસાથ બીજું એક પાકીટ મળ્યું. એ પાકીટનો માલિક ભાઈ પણ મળી ગયો. ફરીથી પેલા લાલ શર્ટ વાળા સાથે ધમાલ થઇ. ગાળોની બઘડાટી બોલી. દરવાજા પાસે ટોળું જમા થઇ ગયું. અચાનક જ બારણું ખુલ્યું અને પેલો પાકીટમાર નીચે ઉતરીને પડખે આવેલ ખાળિયામાંથી બાજુના ખેતરમાં દોડવા લાગ્યો. એની પાછળ બીજા બે ત્રણ પણ દોડ્યા પણ એ ભાગી ગયો.

એને ઉતરવા જ નો દેવાય.. બસને ઉભી રાખી એજ ખોટું થયું.. આવાને આવા સાલાઓ માનવતાનું નામ ખરાબ કરે છે. પોલીસને સોંપી દેવાય પણ બારણું કોણે ખોલ્યું?? છેલ્લેથી એક ભાભા બોલતા હતાં ત્યાં વળી કોઈ એક મોટી કાયા ધરાવતી બાઈ આગળથી બોલી.

પોલીસવાળા પણ આને કાઈ કરતા નથી. મારો રોયો બાબરાથી ચડ્યો હતો. મેં એને જોયો તો. મારી વાંહે જ હતો ભીંસ કરતો હતો મેં તો એક કોણી ઠોકી એટલે પછી છાનોમાનો થઇ ગયો. હું તો બધું થેલીમાં જ રાખું પાકીટને એવું એટલે નહીતર મારું પાકીટ પણ એ લઇ જાત સહુએ બાઈની તરફ જોયું. એનું શરીર અને મુખ મુદ્રા જોઇને જ લાગતું હતું કે કે આની એક કોણીએ ભલભલા હેઠીના બેસી જાય ખરા. વળી પાછી બસ ઉપડી અને ભોગીલાલભાઈ પોતાના આ પરાક્રમથી બસમાં હીરો થઇ ગયા. જેના જેના પાકીટ ખિસ્સાકાતરુંએ કાઢી લીધા હતા અને ભોગીલાલ ભાઈની સમયસુચકતા થી વળી પાકીટ મળી ગયા હતા એ ય બેય જણાએ તો બે બે વાર આભાર માન્યો. સહુ અહોભાવથી ભોગીલાલ ભાઈની સામે જોઈ રહ્યા હતા.

ભોગીલાલ ભાઈની પાછળ એક પચીસ વર્ષીય યુવાન ઉભો હતો એ એણે ભોગીલાલભાઈની પીઠ થપથપાવી અને તાળીઓ પણ પાડી અને પ્રશંસાના બે શબ્દો પણ બોલ્યો.

બાકી કાકા તમારી નજર એટલે નજર કેવું પડે. કોઈનું ધ્યાન ન ગયું અને તમારું જ ગયું અને એ પણ દૂર સુધી બાકી કેવું પડે હો કાકા તમારું!! અત્યાર સુધી ખાલી સાંભળ્યું હતું કે માણસને બે આંખો હોય પણ ખિસ્સા કાપવા વાળાને ચાર હોય પણ આજ તમે સાબિત કરી દીધું કે તમારે તો છ આંખો છે કાકા છ!!

હવે હું તમને શું કહું??? શું નામ તમારું?? ઓહ રજની એમ ને!! તો હું તમને શું કહું રજનીભાઈ!! મારી છઠ્ઠી જ બસમાં થઈને એમ માની લો તો પણ ચાલે. મને આ બધી નાનપણની ટેવ છે. નાનપણથી બસમાં અને ટ્રેનમાં રખડ્યા કરું છું. હવે હું તમને બીજું તો શું કહું રજનીભાઈ!! પણ હાલ્યા કરે માતાજીની દયાથી ભોગીલાલભાઈ એ મોટા અવાજે વાત કરી. આજુબાજુ વાળાએ વાતને વધાવી લીધી.

બસ પછી તો ભોગીલાલ ભાઈએ પોતાના બિઝનેશ વિષે કહ્યું. નાનપણથી સેલ્સમેનનો ધંધો કર્યો એ કહ્યું. અગરબતી વેચતો. પેન પણ વેચેલી ખાલી ગુજરાત નહિ પેન વેચવા માટે એ ઇન્દોર રતલામ અને ભોપાલ સુધી ગ્યાતા ત્યાં પણ એણે ખિસ્સા કાતરુ પકડ્યા હતા એની કહાનીઓ પણ કીધી. થોડી વાર પછી એની પાછળ ઉભેલો રજની બોલ્યો.

પણ તમને ખબર કેમ પડી જાય કે આ ખિસ્સા કાતરુ હશે જ!! અમને તો બધા સરખા જ લાગે . ભગવાને નક્કી તમારામાં કોઈ વિશેષ ખૂબી નાંખેલી છે

એ બધું અનુભવે સમજાય... હવે હું તમને શું કહું.. પણ તમે જયારે વાત ઉચ્ચારી જ છે ત્યારે કહી દઉં કે કાળા કામ કરવા વાળા. જાકુબના ધંધા કરવા વાળા મારા રડારમાં તરત જ આવી જાય. હું ઘણી શરત પણ જીત્યો છું માણસની સામે દસ મિનીટ હું ઉભો રહુને ત્યાંજ એનો તાગ મેળવી લઉં કે આ ભાઈ કે બાઈ કેટલા પાણીમાં છે બોલો લ્યો!! હજી મહિના પેલાની વાત મારા ગામમાંથી એક ભાઈ સાથે હું રાજકોટ ગયો હતો. એને ઓઈલ એન્જીન લેવું હતું. અમે ઓઈલ એન્જીન પસંદ કરીને ભાવનગર રોડે ઉભા હતા ને સામે ત્રણ સ્ત્રીઓ ઉભેલી. અંધારું થવા આવ્યું હતું અને મારી સાથે આવેલ ભાઈને કહ્યું કે પેલી ગુલાબી સાડી વાળી છે ને બાઈના લખણ મને સારા નથી લાગતાં. દસ જ મીનીટમાં એ બાઈ કોઈ ફોર વ્હીલમાં જાવાની છે, એ ન માન્યા અને અમે પાંચસો રૂપિયાની શરત મારી. હજુ દસ મિનીટ પણ ન થઇ અને કાળી ફોર્ડ ફિએસ્ટા આવી એમાંથી એક ભાઈ ઉતર્યો બે ત્રણ મિનીટ વાતચીત થઇ અને પેલી બાઈ એમાં બેસી ગઈ બોલો. હું પાંચસો રૂપિયા જીતી પણ ગયેલો.. બોલો રજનીભાઈ હવે આથી વધારે હું તમને શું કહું ભોગીલાલભાઈ એ આખો ઘટના ક્રમ રજુ કર્યો અને રજનીની આંખો પહોળી થઇ ગઈ.

કાકા તમારી પાસે ગજબનું જ્ઞાન છે અને દુનીયાદારીનો અનુભવ છે. કોઈ લાંબી મુસાફરીએ જાવું હોય અને તમારા જેવા હારે હોય તો પછી કોઈ કાળે છેતરાવાનું આવે જ નહીં એ પાકું. તમે એટલે અનુભવનો ખજાનો હો ભોગીલાલ કાકા બાકી આજ મારે તો દિવસ સુધરી ગયો તમારી સાથે વાત કરીને

વળી તરતજ ભોગીલાલ ભાઈએ આગળ વાત ચલાવી.

હવે હું તમને બીજું તો શું કહું પણ તમે કહો છો તેમજ મને લોકો બહાર જવું હોય તો મને સાથે લઇ જાય છે. મારે કોઈ ખર્ચો જ નહિ. હું વરસમાં એક એક વાર દક્ષિણ ભારત અને બે બે વાર ઉતર ભારત આ રીતે જઈ આવું છું. તમે દીપમાલા ટુરીંગ એન્ડ ટ્રાવેલ્સનું નામ સાંભળ્યું છે એની ધાર્મિક ટુર હોય તો એ મને ખાસ સાથે મોકલેજ.. એટલે કોઈ યાત્રાળુ ક્યાય છેતરાય નહિ. નહીતર ગુજરાતી ભાળીને મારા બેટા તમને શીશામાં ઉતારી જ દયે.. હવે હું તમને વધારે તો શું કહું પણ બે મહિના પહેલા જ હું આવી જ રીતે એક જાત્રાળુની બસમાં નાસિક ગયો હતો. ત્યાંથી અમે બધા શિરડી જતા હતા અને એક પોલીસ ચોકી પર બસ રોકી અને દસ હજાર માંગ્યા મેં સીધો જ મોબાઈલ કાઢ્યો અને દેવેન્દ્ર ફડણવિશનો નંબર લગાવ્યો અને એ મરાઠી ઠોલાને મરાઠીમાં જ કીધું કે હું સી એમ ને ફોન લગાડું છું. તારે દીકરા હવે યવતમાલમાં જવાનું છે સસ્પેન્ડ થઈને એ ધ્રુજી ગયો અને ધનુર ઉપડ્યું હોય એમ મારા પગમાં પડી ગયો. અમારી બસમાં જેટલા બેઠાં હોય એ બધાએ આ જોયું. એ મરાઠી ઠોલાએ પછી મને પરાણે બટેટા પૌવા અને ચા પાઈ અને વળી હાથ જોડ્યા. બોલો હવે આનાથી વધારે તમને હું શું કહું રજનીભાઈ

તે ખરેખર તમે દેવેન્દ્ર ફડણવિશને વ્યકિતગત ઓળખો છો?? રજનીએ વિસ્મયથી કહ્યું. જવાબમાં ભોગીલાલ ભાઈ હસ્યા અને બોલ્યાં.

એ બધી સિક્રેટ વાતું છે. જો આ મારો મોબાઈલ છે ને એમાં બધા જ મુખ્યમંત્રીના અસલી નંબર છે. એસ પી અને કલેકટરના પણ અસલી નંબર છે. સામેવાળાને નંબર ચેક કરવા હોય તો પણ એ કરી લે પછી આત્મવિશ્વાસથી ફોન લગાવવાનો. પણ આ ફોનની એક ખાસિયત છે કે આના સિમકાર્ડમાં બે વરસથી બેલેન્સ જ નથી અને નંબર જ ડાયલ થાય બાકી ફોન લાગે જ નહિ. મારા ખ્યાલથી કાર્ડ પણ કદાચ બંધ થઇ ગયું હોય. પણ આ કીમીયો એટલો કારગર નીવડે છે કે અમને રોકવા વાળો સામેનો માણસ ખોટી રીતે જ પૈસા લેવાનો હોય એટલે ખોટાની માને ખોટો પરણે એ ન્યાયે આપણી ભક્તિ હાલી જાય છે!! આ બધા જીગરના નાણા જોઈએ. દુનિયા નજીકથી જોવી પડે. આખા ભારતમાં ચપલ ઘસવા પડે!! બીજું તો તમને શું કહું રજનીભાઈ

ભોગીલાલ ભાઈ એક પછી એક રહસ્યના પડળો ખોલી રહ્યા હતા. રજનીને તેની વાતમાં ખુબ જ રસ પડતો હતો, બસ ચાલતી હતી. એક પછી એક ગામ વટાવતી જતી. બસ હવે રામોદ ગામ વટાવી ચુકી હતી. હવે ઘોઘાવદર પછી ગોંડલ આવવાનું હતું. રજની બોલ્યો.

મારા એક કાકા તમારી જેમ જ હોંશિયાર પણ એક મહિના પહેલા જ એ ભરૂચ થી સુરત વચ્ચે લુંટાઈ ગયા. આમ તો એ ક્યારેય લુંટાઈ નહિ પણ કોણ જાણે એ વખતે એ કેમ થાપ ખાઈ ગયા ખબર જ ન પડી. તરત જ ભોગીલાલ ભાઈ બોલ્યાં.

તો એ હોંશિયાર ન કહેવાય. બાકી હોંશિયારી એક એવું સોનું છે કે જે ક્યારેય કટાય જ નહિ. બાકી ઘણીવાર પીતળ કે તાંબા ઉપર સોનાનો ગિલેટ ચડાવ્યો હોય એવી હોંશિયારી ખરા સમયે કામમાં નથી આવતી. પણ તમે એ આખી વાત કરો તો મને ખબર પડે કે શું થયું હતું તમારા કાકાની સાથે?

અને રજનીએ વાત શરુ કરી.

મારા કાકા સુરત વડોદરા બસમાં બેઠાં અને ભરૂચ જતા હતાં. ભરૂચની પ્રખ્યાત હાજમાં શીંગ આવે ને એ મારા કાકા યુરોપના કન્ટ્રીમાં નિકાસ કરે છે. આમ તો બધો વહીવટ કેશથી જ એ કરતાં પણ તો ય એકાદ લાખ જેવી રકમ એ ખિસ્સામાં નાંખીને જતાં હતા. બસમાં જગ્યા નહોતી અને સાવ અચાનક જવાનું થયું. આમ તો એ કાર લઈને જ જાય અથવા ટ્રેનમાં જતાં. પણ કાર સર્વિસમાં આપેલી અને રેલવે સ્ટેશન આઘું પડે એટલે કામરેજથી એ બસમાં બેઠા અને ઉભા ઉભા જ મુસાફરી કરતાં હતા. એની પાછળ એક મોટી ઉમરનો વ્યક્તિ ઉભો હતો અને એ અંકલેશ્વર ઉતરી ગયો. ભરૂચ મારા કાકા ઉતાર્યા અને એક રિક્ષા બાંધીને ખારી શીંગ વાળાની દુકાને પહોંચ્યા અને ભાડું આપવા માટે પાછળના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે ખબર પડી કે પાછળના બે ખિસ્સા કપાઈ ચૂકયા છે. એક લાખની રકમ ગાયબ થઇ ગઈ છે. આગળના ખિસ્સામાં જોયું તો એક બાવન પતામાં આવે ને પેલું ગુલામનું પાનું એ હતું અને એની એક સાઈડ લખ્યું હતું. બાવન ચોરનો જમાદાર!! મારા કાકા સમજી ગયા કે પેલો અંકલેશ્વર ઉતર્યો એના જ એ કામા હતા. ખિસ્સા કાતરુ તો ઘણાં જોયા પણ આ ખિસ્સા કાપીને પોતાની નિશાની બાવન ચોરનો જમાદાર લખેલું કાર્ડ પણ મૂકી જાય એ પહેલી વાર સાંભળ્યું એમ મારા કાકા કહેતા હતા.

વાત સાંભળીને ભોગીલાલ ભાઈ ઘડીક ચુપ થઇ ગયાં અને પછી બોલ્યાં.

હું જેમ માણસ પારખું છુ ને એમ ખિસ્સા કાતરુ પણ માણસ પારખું જ હોય ને. એ એવા લોકોને જ ટાર્ગેટ કરે કે જે એની વાતોમાં આસાનીથી આવી જાય.. વળી એને માણસ જોઇને જ ખ્યાલ આવી જાય કે આની પાસે મોટો દલ્લો હશે. પણ આ મારે બાવન વરસ થયા તમને મારે હવે શું કહેવું રજનીભાઈ પણ એક રૂપિયામાં આપણે છેતરાણા નથી બોલો હવે ત્યાં કંડકટરનો અવાજ સંભળાયો.

ઘોઘાવદર છે કોઈ ઘોઘાવદર અને રજની તરત જ બોલ્યો.

ચાલો ત્યારે આવજો કાકા.. તમારી સાથે ગાળેલી ક્ષણો મને આજીવન યાદ રહેશે. તમારી જેવા માણસો મારી દરેક મુસાફરીમાં સાથે હોય ને તો આ જીવતર વહમું નો લાગે.. ચાલો ત્યારે આવજો કાકા બાકી તમારી પાસે જ્ઞાન અને અનભવ એમ બેવડો ખજાનો અને જિંદગીનો અસલી નીચોડ છે એની ના નહીં આટલું કહીને ફટાફટ રજની ઉતરી ગયો અને ઉતરીને પણ એ ભોગીલાલભાઈ સામે હાથ હલાવતો રહ્યો. બસ હવે આગળ ચાલી. પાંચ જ મીનીટમાં ગોંડલ આવ્યું. ગોંડલમાં તમે આટકોટ બાજુથી જાવ ને તો ગોંડલ આવતા પહેલા આખા ગોંડલના કચરાની ભયંકર દુર્ગંધ આવે અને પછી ગોંડલ આવે. એ રોડની સાઈડમાં આખા ગોંડલનો કચરો નાંખવામાં આવે છે. કેમ નાંખવામાં આવે છે એ ગોંડલવાળાને પણ ખબર નથી. ગોંડલ આવ્યું બસ પાંજરાપોળ પાસે ઉભી રહી. ભોગીલાલભાઈને કાપડની ખરીદી કરવી હતી એટલે એ પાંજરાપોળના સ્ટોપે ઉતરી ગયા. ઉતરીને એ આગળ ચાલ્યા. જમણી બાજુ કાપડ બજારનો ખાંચો આવતો હતો. ત્યાં એક ખુણામાં પાનની દુકાન હતી. ત્યાં જઈને એણે ઠંડુ પીધું એક પાન ખાધું અને બે પાનના પાર્સલ બંધાવ્યા અને પૈસા આપવા ખિસ્સામાં હાથ નાંખ્યો કે એનો જીવ તાળવે ચોંટી ગયો હતો.!!

પાછળના બેય ખિસ્સા કપાઈ ચુક્યા હતાં. આગળનું જમણી સાઈડનું ખિસ્સું પણ કપાઈ ચુક્યું હતું. ફક્ત આગળનું ડાબી સાઈડનું ખિસ્સું નહોતું કપાયું એમાં ભોગીલાલે હાથ નાંખ્યો. ખિસ્સામાં કશુક કાર્ડ જેવું હતું. એણે એ બહાર કાઢ્યું જોયું તો લાલનો ગુલામ હતો એની પાછળ લખેલું હતું કાળા અક્ષરોમાં

બાવન ચોરનો જમાદાર!!

ભોગીલાલ સમજી ગયા કે રજની નામનો મોરલો બસમાં એની પાછળ જ ઉભો હતો એ આબાદ કળા કરી ગયો છે. એને ઘડીક તો ઘોઘાવદર પાછા જવાની ઈચ્છા થઇ પણ એણે માંડી વાળ્યું. કે હવે એ બાવન ચોરનો જમાદાર એના હાથમાં ન આવે. મન હતાશાથી ભરાઈ ગયું. પોતાની જાત અને હોંશિયારી પર ગુસ્સો આવ્યો. પાન વાળો એની સામે પૈસા માંગતો હોય એવી સૂચક દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો. એના ખિસ્સામાં એક પણ રૂપિયો હતો નહિ, અને ભોગીલાલભાઈ થોથવાતા અવાજે બોલ્યાં.

હવે તમને હું શું કહું પાન વાળા ભાઈ!! વાત જાણે એમ છે કે......................!!!

ભગવાને તમને કોઈ વિશિષ્ટ શક્તિ આપી હોય તો એનું અભિમાન કયારેય ન કરવું એક વાત કાગળમાં મઢીને કાયમ નજર પડે એ રીતે દીવાલમાં લટકાવી દેવી કે ..

જગતમાં મારા કરતાં પણ શ્રેષ્ઠ વર્ઝન ભગવાને બનાવેલા છે. હું જ શ્રેષ્ઠ નથી.. નહોતો અને કયારેય નહિ હોઉં!!

ગમે તેટલા હોંશિયાર હોઈએ પણ આપણી કરતાં પણ વધારે હોંશિયાર જગતમાં પડેલા જ છે!! હોંશિયારી અને આવડત ઘણી વાર સોળના ભાવમાં વેચાઈ જાય છે અને એ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં એ કોઈએ કયારેય ન ભૂલવું!!

©લેખક- મુકેશ સોજીત્રા.Ⓜ️💲all riaghts®️
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post