પોટકું
~`~`~`~~~~લેખક :- મુકેશ સોજીત્રા
મધરાતનો ગજર ભાંગતો હતો. થોડા થોડા છાંટા ખરતાં હતાં. વાતાવરણમાં ઠંડીની સાથે સુનકાર ઘેરાઈ રહ્યો હતો. આથમણી કોર્ય અને ઉગમણી કોર્ય બને બાજુએ વીજળીના ચમકારા વધી રહ્યા હતા. રસ્તાની બેય બાજુએ પાણીથી ભરેલા ખાડામાં દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા હતા. ખાડાની પેલી પાર આવેલ બાવળિયાની કાટયમાંથી તમરાનો તીણો અને કર્કશ અવાજ આવી રહ્યો હતો.
પોટકું - મુકેશ સોજીત્રા
ચાર રસ્તાઓ પડતા હતા એટલે બધા એને ખારાની ચોકડી કહેતા હતા. ચોકડીની જમણી બાજુમાં એક ટેન્ટ લગાવેલો હતો. ટેન્ટની ઉપર એક સોલર લાઈટ લગાવેલી હતી. ટેન્ટની અંદર એક ચાર્જીંગ લાઈટનો ઝાંખો અંજવાસ હતો. સફેદ રંગનું એક પોલીસ બાઈક ત્યાં પડ્યું હતું.
બે કોન્સ્ટેબલ ટેન્ટની બાજુમાં ખુરશીપર બેઠા હતાં. બંનેની સામેની બાજુએ વળી એક એક ખુરશી હતી તેની પર પગ રાખીને બને કોન્સ્ટેબલ આરામથી બેઠા બેઠા મોબાઈલ ઘુમડી રહ્યા હતા. એકનું નામ હતું દીનાનાથ અને બીજાનું નામ હતું વાલજી!! દીનાનાથ મેક્સ પ્લેયર પર આશ્રમ વેબ સીરીઝ જોઈ રહ્યા હતા જયારે વાલજી કોન્સ્ટેબલ હોસ્ટેજ વેબસીરીજ જોઈ રહ્યા હતાં.
થોડી વાર થઇ એટલે દીનાનાથે પોતાના ખિસ્સામાંથી ૧૩૮ કાચી સોપારી ઘાટો ચૂનો વિથ લવિંગ એલચીમાવાનું પાર્સલ કાઢ્યું. અને તન્મયતાપૂર્વક મસાલો ઘસવા લાગ્યા. આ જોઇને વાલજીએ પણ ચારભાઈ બીડીની જુડીમાંથી એક બીડી કાઢી બેય બાજુ એ બીડીને ફૂંક મારીને પવિત્ર કરીને એક હાથે બીડી પકડીને લાઈટર સળગાવ્યું અને બીડી સળગાવી અને એ સાથે આકાશમાં પણ કોઈએ બીડી સળગાવી હોય એમ વીજળીનો ચમકારો થયો અને વાલજીએ એક ઊંડો કશ માર્યો અને ધુમાડાના ગોટેગોટા કાઢ્યા અને એ વખતે બરાબર આકાશમાં પણ કડાકા ભડાકા થયા.
દીનાનાથે મસાલાને બરાબરનો ચોળી નાંખ્યો હતો. એકરસ થયેલો તમાકુનો આ મસાલો એના પ્લાસ્ટિક કાગળથી એકદમ છૂટો પડી ગયો હતો અને અને આછા ગેરુ રંગ ધારણ કરી ચુક્યો હતો એકી સાથે આખો મસાલો એક જ ઘાએ મોઢામાં પધરાવી દીનાનાથે મોબાઈલ બાજુમાં મુકીને આંખો બંધ કરીને બંધ આંખે મસાલો મોઢામાં મમળાવા લાગ્યા અને આજે સવારે પોલીસ સ્ટેશનમાં જે બન્યું હતું એ એની આંખ સામે ફરીથી તરવરી ઉઠયું. વાલજી પણ એજ વિચારમાં ડૂબી ગયો.
" દીનાનાથ અને વાલજી તમારા નામે આખા વરસમાં એક પણ કામ બોલતું નથી. તમારી જ્યાં પણ ડ્યુટી હોય એ વખતે ત્યાનો સમાજ એકદમ સુધરી જતો હોય એમ લાગે છે. હા તમારી કોઈ ફરિયાદ પણ આવી નથી એમ તમારી ડ્યુટી દરમ્યાન કોઈ ફરિયાદ નોધવામાં પણ નથી આવી. આવું કેમ??
બીજા ચાર કોન્સ્ટેબલ છે એની ફરજ દરમ્યાન એ લોકો ઘણા અસામાજિક તત્વોને પકડે છે. દારૂવાળાને પકડે છે. લાઈસન્સ વગરના વાહનચાલકોને પકડે છે. અઠવાડિયે ત્રણ ચાર ખિસ્સા કાતરુને પકડે છે. રખડતા ભટકતા ચોરી કરવાના ઈરાદાવાળા મુફ્લીસોને પકડે છે. જાહેરમાં ચેનચાળા કરવાવાળા ગેરકાયદેસર ક્પલીયાને પકડે છે. ઓવર સ્પીડે બાઈક અને કાર ચલાવતા વંઠેલ નબીરાને પકડે છે.બાવન પાનાંના ચોર એવા અઠંગ જુગારીને પકડે છે. પણ તમારા બેયના ચોપડા એકદમ ક્લીયર છે. તમે કોઈને પકડતા જ નથી. ગુનેગારોને પોલીસ ન પકડે તો કોણ પકડશે?? ગુનેગારો પ્રત્યે આવી રહેમ દોસ્તી આપણને ન પાલવે.. સિંહ અગર હિરણસે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં!! પી આઈ પટેલે બને ને ચેમ્બરમાં બોલાવીને કહી રહ્યા હતા." જવાબમાં દીનાનાથ બોલ્યા.
"સાહેબ તમે હજુ સાવ નવા છો. તમે આજુબાજુના ચાર ગામમાં પૂછી જુઓ આપણે કોઈની પાસેથી એક રૂપિયો પણ લીધો હોય તો હું મારી જાતેજ ડીસમીસ થવા તૈયાર છું.પગાર સિવાય આ દીનાનાથના પેટમાં કશું ગયું નથી સાહેબ. જયા જ્યાં અમને ડ્યુટી આપવામાં આવે છે ત્યાં ભગવાનની દયાથી સબ સલામત જ હોય છે. હવે ખાલી કેસ બતાવવા માટે ખોટા કેસ તો ઉભા ન જ કરાયને " દીનાનાથે ખુલાસો પૂરો કર્યો કે તરત જ વાલજીએ પોતાનો બચાવ શરુ કર્યો.
" મારું પણ એવું જ છે સાહેબ, હું બકાલાના પૈસા પણ આપી દઉં છું. કાયદા બહાર હું ક્યારેય ગયો જ નથી. ટાઢ હોય તડકો હોય એક મુશળધાર વરસાદ હું જનતાની સેવામાં ખડે પગે ઉભો જ હોવ છું. વરસે દહાડે મળતી કાયદેસરની રજાઓમાં પણ જેટલી જરૂર હોય એટલી જ વાપરું છું બાકીની જવા દઉં છું.ઈશ્વરનો ડર રાખીને કામ કરું છું એટલે જ કદાચ ગુનેગારોને મારો ડર લાગતો હશે અને જ્યાં મારી ડ્યુટી હોય ત્યાં કોઈ ઘટના બનતી જ નથી. અને હું લગભગ આખો દિવસ હનુમાન ચાલીશા બોલતો હોવ છું એટલે ભૂત પિશાચ નિકટ ન આવે એમ ગુનેગારો પણ મારી નિકટ આવવાનું ટાળતાં હોય એવું બને ખરું" પી આઈ પટેલ બને ને તાકી રહ્યા અને પછી એક અઠવાડિયા સુધી બનેને ખારા ચોકડીની નાઈટ ડ્યુટીનો ઓર્ડર કાઢી આપ્યો.
ખારા ચોકડી એકદમ સેન્સેટીવ એરિયા હતો. બે જીલ્લાની બોર્ડર લાગતી હતી. આજુબાજુનો વિસ્તાર એકદમ ખારો ધુધવા જેવો. જમીન એકદમ પોચી અને પોચુ હોય એ ડબલ ચીકણું હોય એમ ચીકણી પણ ખરી. ચારેય બાજુ ત્રણ ત્રણ કિલોમીટર સુધી નકરા ગાંડા અને પરદેશી બાવળના ઝુંડ વચ્ચે કયાંક આવળ પણ જોવા મળે. ચરિયાણ વિસ્તાર ખરો પણ નિર્જન વિસ્તાર હોવાના કારણે ગેરકાયેસરના ધંધા પણ રાતના બહુ જ ધમધમતા. ગેરકાયદેસર બાવળ કાપવામાં આવતા.દેશી દારૂની ભઠ્ઠીઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન હતો કારણકે તેના માટે જરૂરી એવા ગંદા પાણીના ખાડા ઠેર ઠેર ભરેલા રહેતા હતા. વળી બાવળિયાની કાટ્ય એટલી ઘાટી અને ગાઢ થઇ ગઈ હતી કે અજાણ્યા માણસો એમાં ખોવાઈ જવાની પૂરી શકયતા હતી. વળી ખારા ચોકડીએ ચારેય દિશામાં જવા માટે એક એક પાકી સડક હતી એટલે બુટલેગર માટે સોનાની લગડી જેવું લોકેશન કહી શકાય!!
આમ તો પી આઈ પટેલ દીનાનાથ અને વાલજીની નિષ્ઠા અને પ્રામાણીકતાથી સુપેરે પરિચિત હતા પણ વાર્ષિક રીપોર્ટમાં વિશેષ કામગીરીમાં આ બને કોન્ટેબલના ખાના ખાલી ન રહે એ માટે એને કશુક તો કરવું જ રહ્યું અને એટલા માટે ખારા ચોકડી પર એને બંદોબસ્ત માટે રાતની ડ્યુટી આપી હતી. એકાદ બે અપરાધ પકડાય તો પણ ચાલે અને એટલે દીનાનાથ અને વાલજી માટે બંદોબસ્તની પ્રથમ રાત્રી હતી.
રાતભરની તમામ જરૂરિયાતો લઈને એ બને ફરજ શરુ થવાના એક કલાક પહેલા જ પોતાની પખવાડીક કર્મભૂમિ પર પહોંચી ગયા હતા. જરૂરિયાતોમાં તો મસાલાના પાંચ પાર્સલ, પીવાના પાણીનો વીસ લીટરનો જગ. મફલર , રેઈનકોટ , જીપ કંપનીની જુના વખતની પણ બહુ પાવરફુલ એવી ટોર્ચ, બે લાંબી લાકડીઓ બે તીક્ષ્ણ ધારવાળા ચપ્પા. બાકીની વસ્તુઓ તો ટેન્ટમાં જ હતી.દીનાનાથ અને વાલજી ત્યાં પહોંચ્યા એટલે ત્યાના ફરજ પરમાંથી છુટા થનાર બે કોન્ટેબલ પરમાર અને રાઠોડે એમને જરૂરી ટીપ્સ આપી હતી.
"અગિયાર વાગ્યા સુધી કદાચ એકાદ જણને સુવું હોય તો સુઈ જવું.. પણ અગિયારથી રાતના ચાર વાગ્યા સુધી સતત જાગવાનું છે"
"પાવર બેંક ફૂલ ચાર્જીંગ કરીને સાથે લાવવાની અને મોબાઈલમાં લોકેશન શરુ રાખવાનું"
" બાઈક દર અર્ધી કલાકે શરુ કરવાની પાંચ મિનીટ શરુ રાખીને પાછી બંધ કરી દેવાની. એટલે એન્જીન ગરમ જ રહે અને કોઈનો પીછો કરવાનો થાય એટલે તરત શરુ થઇ જાય નહિતર આ વરસાદ અને ટાઢોડું છે ત્રણ કલાક બંધ રહે અને પછી અણીના સમયે બાઈક શરુ ન થાય તો પછી આપણી અણી નીકળી જાય."
"ખાલી ટેન્ટમાં જ ન બેસવું પણ આ ચારેય રસ્તે થોડા થોડા સમયના અંતરે આંટા મારવા એટલે વોકિંગ પણ થશે અને શરીર પણ ઉતરશે"
બાકી બીવાનું કોઈના બાપથી પણ નહીં.. એમ બેફામ બહાદૂરી પણ નહીં બતાવવાની. એમ લાગે કે સામેના માણસો વધુ છે અને ખતરનાકના પેટના છે તો કંટ્રોલ રૂમે જાણ કરવાની બીજા પોલીસકર્મી આવે ત્યાં સુધી રાહ જોવાની પછી મોરચો ખોલવાનો પણ વગર જોતી બહાદૂરી બતાવીને એકલા હાથે લડવાનું સાહસ નહિ કરવાનું નહીતર ક્યારેક એવું પણ બને કે બાળકો ઘરે રાહ જોતા રહી જાય" દીનાનાથ અને વાલજીને જરૂરી ટીપ્સ આપીને પરમાર અને રાઠોડ રવાના થયા.
અને દીનાનાથ ઉભા થયા. એકસો આડત્રીસના મસાલાનું આકંઠ રસપાન પૂરું થયું હતું. વધેલો નકામો કુચો મોઢામાંથી કાઢીને એક બાજુના ખાળિયામાં ફગાવ્યો પાણીના ત્રણ ગ્લાસ પીને પોતાની ફાંદ પર હાથ ફેરવીને ખારા ચોકડીના જમણી તરફના રસ્તા પર એ ટહેલવા લાગ્યા હતા. કાળી રાત્રી વધારે કાળી બની હતી. છાંટા આવતા બંધ થયા હતા પણ પવનની ગતિ થોડીક વધી હતી એમ એના કાને એમને જાણ કરી. વાલજીની બીડી પણ પૂરી થઇ ગઈ હતી એ પણ ખારા ચોકડીના ડાબી બાજુના રસ્તા પર ટહેલવા લાગ્યો. દસ મિનીટ પછી વળી બે ય પોતાની ખુરશી પર આવીને ગોઠવાયા અને અધુરી વેબ સીરીઝ શરુ કરી ત્યાં અચાનક ઓતરાદી બાજુના રસ્તા પર દુરથી એક પ્રકાશનો શેરડો પડ્યો.અને બનેની આંખો ચમકી ઉઠી. ફટાફટ મોબાઈલ ખિસ્સમાં નાંખીને બને સતર્ક થયા. વાલજીએ સફેદ બાઈક શરુ કરી. બાઈક એક જ કિકથી સ્ટાર્ટ થઇ ગઈ પછી વાલજીને ખ્યાલ આવ્યો કે આ તો સેલ્ફ સ્ટાર્ટ છે કિક છે પણ એની જરૂર નથી એટલે વળી બાઈક બંધ કરીને સેલ્ફથી ફરી સ્ટાર્ટ કરી. દીનાનાથ એકીટશે પ્રકાશના શેરડા તરફ જોઈ રહ્યા હતા.ધીમે ધીમે પ્રકાશ વધી રહ્યો હતો.
"બાઈક લાગે છે.. ગતિ પણ તેજ છે.. નક્કી કોઈક ગુનેગાર હોવો જોઈએ " દીનાનાથ બોલ્યા.
"આપણે તૈયાર જ છીએ.. પડશે એવા દેવાશે બાકી આપણે કોઇથી બીતા નથી. " જેટલું હોય એટલી હિંમત કરીને વાલજી બોલ્યો. આવી ઘટના એના નોકરીના કાર્યકાળ દરમ્યાન ખુબ ઓછી બની હતી એટલે એનું કાળજું થર થર કંપી રહ્યું હતું. ઠંડી હોવા છતાં એના ચામડીના રૂંવાડા ઉભા થઇ ગયા હતા. શરીરમાં ઉતેજના વ્યાપી ગઈ હતી. આંખોમાં એક અજબ ભય વ્યાપી રહ્યો હતો.
અને એ બાઈક જ હતી. બાઈક ખારા ચોકડીથી ડાબી બાજુ વળી અને આ બને સિસોટી મારતા રહ્યા. બાઈક વાળાએ જાણે બેયને જોયા જ ન હોય એમ બાઈક મારી મૂકી.. બનેના ધ્યાને એ આવ્યું કે બાઈક ચલાવનારની આગળ એક મોટું પોટકું હતું જે બાઈકની પેટ્રોલની ટાંકી પર હતું અને બાઈક ચલાવનારે પોતાની પાછળ એક મોટી અને ભારે કીટ લટકાવેલી હતી. એક તો કાળી ડીબાંગ રાત એમાં કાળા રંગનું બાઈક અને કાળા માથા પર કાળું હેલ્મેટ ચડાવેલું એટલે બાઈક સવારનું મોઢું તો કોઈ કાળેય ઓળખાય એવું નહોતું. પણ પેલું પોટકું સફેદ રંગનું હતું. યુરીયા ખાતરની થેલીમાં કશુક ભરેલું હોય એવું એને લાગ્યું. પણ સિસોટીના અવાજથી અને હાકલા પડકારાથી પણ બાઈક ઉભું ન રહ્યું એટલે દીનાનાથ અને વાલજીને પાકો વહેમ ગયો.
હવે શું કરવું?? એક જ બાઈક વાળો અને એ હતા બે એટલે કંટ્રોલ રૂમમાં પણ જાણ ન કરાય . ખાલી ખોટી વાતો થાય અને અને હાંસીને પાત્ર બનવા કરતા બાઈકનો પીછો કરવામાં જ સલામતી છે એમ માનીને દીનાનાથે બાઈક સ્ટાર્ટ કર્યું કે તરત જ વાલજી એક મોટી લાકડી હાથમાં લીને સબ દઈને બાઈકની પાછળ ગોઠવાઈ ગયો. અને પોલીસનું સફેદ બાઈક પુરપાટ પેલા કાળા રંગના બાઈકનો પીછો કરવા લાગ્યું.
દોઢ કિલોમીટર પછી પેલું બાઈક દેખાયું. આગળ રસ્તા પર પાણી ભરાયા હતા એટલે પોટકા વાળા બાઈક સવારે બાઈકને ધીમું પાડ્યું હતું. અને એ સાથે જ નાનકડા ગામની નાની શેરી આવી ગઈ હતી. તેની લગોલગ પહોંચીને દીનાનાથે ઘુરક્યું કરતા હોય એમ ત્રાડ પાડી.
"ઉભો રે એય કોડા... બહેરો છો?? સીસોટીનો અવાજ નથી સંભળાતો. નાડા તોડાવ્યે જ જા છો. અમે બેય ખારા ચોકડીએ ઉભા હતા નહોતા ભાળ્યા કે શું?? શું છે આ પોટકામાં ચાલ બાઈક બંધ કર અને પોટકા સાથે તું સરેન્ડર થઇ જા નહિતર ડોહી આ લાકડીયું સગી નહિ થાય " અને પેલા યુવાને બાઈક એક સાઈડમાં લીધું. બાઈકનું સાઈડ સ્ટેન્ડ ચડાવ્યું. પોટકું જમીન પર મુક્યું માથેથી કાળું હેલ્મેટ ઉતાર્યું . બેય કાનમાંથી બલ્યુ ટુથ ઈયર ફોન કાઢ્યા. ખીસ્સ્માંથી મોબાઈલ અને રૂમાલ કાઢ્યા. મોબાઈલમાં વાગતું સંગીત બંધ કર્યું પોતાનો ચહેરો રૂમાલથી લૂછ્યો અને દીનાનાથ અને વાલજીની સામે એક પણ શબ્દ બોલ્યા વિના અદબથી ઉભો રહ્યો.
વાલજીએ પોટકું ખોલ્યું.અંદરથી મોટી મોટી નોટબુકો નીકળી. યુવાને પોતાની કીટ પણ આપી દીધી તો એમાં પણ બે ત્રણ પુસ્તકો અને એક જોડી કપડા નીકળ્યા. યુવાન પાસેથી કશું જ મળ્યું અને દીનાનાથે જોયું કે યુવાનના ચહેરા પરથી તે કોઈ બુટલેગર કે ગુનેગાર જેવો દેખાતો નથી.
"શું છે આ બધું "? વાલજીએ કડકાઈથી પૂછ્યું.
" એકમ કસોટીની બુક છે.. ધોરણ છ થી આઠની બુક છે. નિશાળેથી ઘરે લઇ જાવ છું. ઘરે ચેક કરવા માટે." યુવાને જવાબ આપ્યો.
"શું નામ છે તારું?? આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ છે?" દીનાનાથે પૂછ્યું
"જી મારું નામ નીખીલ મારી પાસે બધુય છે પાસપોર્ટ અને પાન કાર્ડ પણ છે" કહીને એક ડોક્યુમેન્ટ થી ભરેલું આખું વોલેટ નીખીલે દીનાનાથને આપ્યું. ટોર્ચના પ્રકાશમાં દીનાનાથે એ પુરાવા જોયા. આધાર કાર્ડ . ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ , પાસ પોર્ટ, બી એલ ઓ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ. શિક્ષક તરીકેનું આઈ કાર્ડ. આટલા પુરાવા તો દીનાનાથ પાસે પણ નહોતા.
"પણ આટલી મોડી રાત્રે નિશાળેથી આ એકમ કસોટીની બુક કેમ લેવા જવા પડ્યું.દિવસે લઇ અવાયને?? અને અમને ભાળીને બાઈક ઉભી રખાયને?? અવાજ નહોતો સાંભળ્યો??" જવાબમાં નીખીલ બોલ્યો.
"કાનમાં બ્લ્યુ ટુથ હતા. એટલે અવાજ ન સંભળાયો. તમને જોયા પણ નથી અને થોડી ઈમરજન્સી હતી.. રહી વાત રાતની નિશાળ ખોલવાની તો આજે શનિવારે નિશાળ બંધ કરીને મારા વતનમાં ગયો હતો.. ૬૦ કિમી દૂર બાકી આ બાજુના ગામમાં ભાડે રહું છું. નિશાળે હતો ત્યારે મારા બાપાનો ફોન આવ્યો હતો કે બાજુવાળાને ત્યાં શ્રાદ્ધ છે. તને ખાસ તેડાવ્યો છે.. નિશાળેથી સીધો વતનમાં નીકળી ગયો. શ્રાદ્ધમાં ભજીયા અને ખીર ખુબ ખાધી. બપોર પછી જ મારે નીકળવું હતું તો વરસાદ નડી ગયો. વરસાદ બંધ થયો સાંજે અને નીકળી ગયો. રસ્તામાં આચાર્યનો ફોન આવ્યો કે સોમવારે એસ આઈ આવવાના છે એટલે એકમ કસોટી રવિવારે ચેક કરીને ઓનલાઇન એન્ટ્રી કરી નાંખવી. સોમવારે મારે બધું કમ્પ્લેટ કરવાનું છે. " નિખિલની વાત અધવચ્ચેથી અટકાવીને દિનાનાથે કહ્યું
" આ એસ આઈ એટલે શું"? જવાબમાં નિખિલ બોલ્યો.
" તમારે પી એસ આઈ હોય એમ અમારે પણ હમણાં એસ આઈ મુકાણા છે.. જો બધું વ્યવસ્થિત ના હોય તો એસ આઈ ભુક્કા કાઢી નાંખે" દિનાનાથે વાત સાંભળીને કહ્યું..
" વાત આગળ ચલાવો!" નિખિલે વાત આગળ ચલાવી.
"રસ્તામાં હું નોકરી કરું એ ગામ આવી ગયું અને નિશાળની ચાવી હતી મારા ખિસ્સામાં નિશાળ પણ રોડ ટચ એટલે થયુ કે લાવને આ એકમ કસોટી લેતો જાવ કાલ્ય રવિવાર છે એટલે ઘરે જ જોઈ નાંખીશ. નિશાળ ખોલીને એકમ કસોટીનું આ પોટકું બાંધ્યું. બાઈક પર આગળ મુક્યું. અને બાઈક ચલાવી એમાં ઈમરજન્સી આવી ગઈ. પોટકુંય મોટું અને મારું પેટ પણ મોટું.પેટ હારે પોટકાનું ઘર્ષણ થયું હોય કે બપોરે શ્રાદ્ધમાં વધારે પડતી ખીર અને ભજીયા નડી ગયા હોય એ જે થયું હોય ઈ રામ જાણે પણ પેટમાં બળવો શરુ થઇ ગયો. આ બળવાને ડામી દેવા માટે શરણાગતિ સ્વીકારીને તાત્કાલિક વોશ રૂમ જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. એટલે મેં બાઈક ફૂલ સ્પીડે ચલાવી હતી. હવે અહીંથી તો હું ભાડે રહું છું એ ગામ સાવ નજીક જ છે. બસ આજ કારણ હતું ફૂલ સ્પીડે બાઈક ચલાવવાનું. બીજું કોઈ કારણ નહોતું.
"તો તો ભાઈ તમે નીકળો નહિતર તમારે છેટું પડી જાશે.. ભલા માણસ કહેતા પણ નથી. આવી ઈમરજન્સી હોય તો ઉભું રહેવું ન પાલવે.. તમે હવે ઝડપથી નીકળો આટલું કહીને દીનાનાથે પેલું પોટકું બાઈક પર આગળ મૂકી દીધું.
" આમેય મારે હવે ઘરે જઈને નાવું જ પડશે" નિખિલ બોલ્યો અને વાલજીએ નીખીલને પાછળ થી કીટ પહેરાવી દીધી અને માથા પર હેલ્મેટ પહેરીને નીખીલે બાઈક મારી મુક્યું. દીનાનાથ અને વાલજી પોતાના ટેન્ટ પાસે ખારા ચોકડીએ આવ્યાં. દીનાનાથે વળી ૧૩૮નો મસાલો ચોળ્યો અને વાલજીએ બીડી સળગાવી .દીનાનાથ બોલ્યાં.
" લાગે છે કે આપણા ભાગ્યમાં કોઈ ગુનેગાર પકડવાનો ડેટા જ નહિ હોય"
" આપણે બળ કરી જોયું પણ નસીબ જ સાથ ન આપે તો આપણે શું કરી શકીએ??" વાલજીએ ઉતર વાળ્યો અને બીડીનો ધુમાડો નીકળ્યો. વાદળનો ગડગડાટ ધીમો પડી રહ્યો હતો. વીજળી પણ ચમકતી બંધ થઇ ગઈ હતી.બને વળી મોબાઈલ કાઢીને અધુરી વેબસીરીઝ જોઈ રહ્યા હતા.
©લેખક મુકેશ સોજીત્રા.Ⓜ️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
