સાત સમુદ્ર પાર
~~~~~~~~~~~~~~~ નયના શાહ....વડોદરા.
"મમ્મી પીઝા બનાવ્યા છે?"બોલતા શ્લોક દોડીને એની મમ્મી યશસ્વી પાસે આવી ગયો. શ્લોકને ખુશ થતો જોઈ નાનો વેદ પણ ખુશ થઈ ગયો. બંને યશસ્વીને વળગી પડ્યા. શ્લોક સાત વર્ષનો અને વેદ પાંચ વર્ષનો હતાે. યશસ્વી બંનેને પ્રિય એવા પીઝા બનાવતી વખતે એવું વિચારતી હતી કે બંને છોકરાઓ સ્કૂલેથી આવી બહુ જ ખુશ થઈ જશે.યશસ્વીની ધારણા બિલકુલ સાચી હતી.
સાત સમુદ્ર પાર
બંને છોકરાઓ જમીને યશસ્વીના ખોળામાં જ માથું મૂકીને સૂઈ ગયા. યશસ્વી બંનેને વારાફરતી એમના રૂમમાં સુવાડી પતિ સૌમ્ય પાસે આવીને બેઠી ત્યારે એની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા. એવું પણ ન હતું કે સૌમ્ય તેની પત્ની યશસ્વીની લાગણી સમજતો ન હતો. દસ વર્ષના દાંપત્ય જીવનમાં બંને જણા એકબીજાની નજર મળતા જ મનની વાત સમજી જતા હતા. બંને વચ્ચે પુષ્કળ પ્રેમ હતો.
સૌમ્ય યશસ્વીના ખભે હાથ મુકતાં બોલ્યો, "યશસ્વી હવે માત્ર દસ દિવસની તો વાત છે હું સમજી શકું છું કે તને કેટલી યાદ આવતી હશે!"
યશસ્વીની આંખોમાંથી આંસુ વહી જતા હતા. પોતાના બંને દીકરાઓને પોતાના ખોળામાં સૂતેલા જોઈને એ વિચારી રહી હતી' હું પણ ખૂબ થાકી ગઈ છું. નવ વર્ષની દોડધામ ભરી જિંદગીથી. બસ હવે મારે પણ ભારત જઈ મમ્મીના ખોળામાં માથું મૂકી થાક ઉતારવો છે'. મમ્મી પપ્પાને જોયે નવ વર્ષ થઈ ગયા. એક સમય એવો હતો કે એ ઘરમાં પગ મૂકે અને મમ્મી ના હોય તો મમ્મીના નામની બૂમાબૂમ કરી મૂકે અને પપ્પાને ઓફિસમાં મોડુ થાય તો ઘરની અંદર બહાર આટા માર્યા જ કરે અને પપ્પા આવે એટલે પપ્પાને વળગી પડે. યશસ્વી સૌથી નાની હતી અને તેથી તો બધાની લાડકી હતી. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ને જ એના લગ્ન અમેરિકાથી આવેલા સૌમ્ય સાથે થઈ ગયા હતા. છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા બાદ એ અમેરિકા ગઈ હતી.
મા-બાપથી છૂટા પડતા એ કેટલું બધું રડેલી! તેનાથી માત્ર એક વર્ષ મોટાભાઈએ કહેલું કે," યશસ્વી, અમેરિકા કંઈ એટલું દૂર નથી કે મળવા ના અવાય. મારા લગ્ન વખતે તું જરૂર આવજે. અમે તને બોલાવીશું."
પરંતુ અમેરિકાના ગયા બાદ યશસ્વીએ અનુભવ્યું કે ભારતની ડીગ્રીની અહીં કંઈ કિંમત નથી. જો ખરેખર આ દેશમાં કાયમી વસવાટ કરવો હોય તો અહીંની ડિગ્રી લેવી જરૂરી છે. તેથી તો યશસ્વીએ અમેરિકા જઈ બે વર્ષ ભણવાનો નિશ્ચય કર્યો હતો. જો કે સૌમ્યએ પણ કહેલું," યશસ્વી અહીંની ડિગ્રી નહીં હોય તો સારી નોકરી નહીં મળે. હજી આપણે ત્યાં બાળકનું આગમન થયું નથી ત્યાં સુધી તું ઈચ્છા હોય તો ભણી લે. જેથી ભણ્યા બાદ તને સારો પગાર પણ મળશે અને આપણા જ્યારે બાળકો થશે ત્યારે આપણી આવક વધુ હોવાથી એમને આપણે વધુ સારી રીતે ઉછેરી શકીશું".
શરૂઆતમાં યશસ્વીને અમેરિકા ગમતું ન હતું. પણ ભણવાનું ચાલુ કર્યા પછી એને એના જ મિત્રો મળતા રહ્યા. જેથી થોડું ઘણું ગમતું હતું. ભણવાનું પૂરું થયા બાદ વેદનો જન્મ થયો. વેદ ના જન્મ વખતે યશસ્વીએ એના મમ્મી પપ્પાને કહેલું કે," તમે આવો." પરંતુ એ સમયે ભાઈના લગ્ન હતા. મા બાપની ઈચ્છા યશસ્વીને ભારત બોલાવવાની હતી પણ સૌમ્ય કહેતો હતો, "યશસ્વી, બાળકને અહીંનું નાગરિકત્વ મળે એ જરૂરી છે કારણ આપણા બાળકે જિંદગી તો અહીં રહીને જ પસાર કરવાની છે." ને અને શ્લોકના જન્મ વખતે સૌમ્યએ એના મમ્મી પપ્પાને અમેરિકા બોલાવી લીધેલા અને સૌમ્યના મમ્મી પપ્પાને પણ શ્ર્લોકના સ્વરૂપમાં એક સરસ મજાનું રમકડું મળી ગયું હતું. યશસ્વીને પણ સાસુ સસરા આવી જતાં કામમાં રાહત થઈ ગઈ હતી. સાસુ સસરાના આવવાથી યશસ્વીને થોડું સારું લાગતું હતું. યશસ્વીએ ઘણીવાર એના મમ્મી પપ્પાને કહ્યું," તમે મને મળવા માટે અમેરિકા આવો." પણ યશસ્વીના મમ્મી પપ્પા કહેતા," બેટા અમે બંને જણાં આવીએ એના કરતા તું જ અમને મળવા માટે આવ. તું અહીં આવે તો કાકા, મામા, માસી બધાને મળાય."
જ્યારે યશસ્વી કહેતી," મમ્મી, તમે લોકો અહીં આવો અહીંની દુનિયા જુઓ, મારું ઘર જુઓ. શું તમને મારું ઘર જોવાની ઈચ્છા નથી થતી? મારા શ્લોકને જોવાની ઈચ્છા નથી થતી?" યશસ્વી જીદ કરતી હતી અને બે વર્ષ બાદ વેદનો જન્મ થયો. યશસ્વીને હતું કે મારી મમ્મી મારી પાસે હોય તો સારું. જોકે યશસ્વીની સાસુએ માની ખોટ ચાલવા દીધી ન હતી. છતાંય યશસ્વીને આવા વખતે માની તીવ્ર પડે યાદ આવતી હતી. વેદ બે વર્ષનો થયો અને સૌમ્યના મમ્મી પપ્પાએ કહ્યું," છોકરાઓ હવે નાના નથી રહ્યા. અમને તો ભારત જ ગમે. ત્યાં દેવ દર્શન થાય પોતાના નજીકના સગા સંબંધીઓને મળાય, સરખેસરખા મિત્ર વચ્ચે રહી અમે આનંદથી દિવસો પસાર કરી શકીએ. તમારી જરૂરિયાતના સમયે અમે આવ્યા હવે અમને રજા આપો."
સૌમ્ય સમજતો હતો કે મમ્મી પપ્પાને અમેરિકા કરતા ભારત વધુ ગમે છે. અહીં ચાર વર્ષ રહ્યા એ માત્ર અમારા બાળકો ખાતર રહ્યા છે. જેમ એના મમ્મી પપ્પાએ એની ખુશી તથા જરૂરિયાત વખતે આવીને ઊભા રહ્યા એમ એણે પણ હવે માબાપોની ખુશી જોવી જરૂરી હતી. સૌમ્યના મમ્મી પપ્પા ભારત ગયા પછી યશસ્વીની ઘરમાં જવાબદારી વધી ગઈ હતી. નોકરી, છોકરાંઓ તથા ઘર બધુ સંભાળવું પડતું હતું. જો કે સૌમ્યનો સ્વભાવ ઘણો સારો હતો અને દરેકે દરેક કામમાં યશસ્વીને મદદ કરતો હતો.
યશસ્વીને ત્યારબાદ તીવ્ર પણે એના મમ્મી પપ્પાની યાદ આવી જતી હતી. તેથી તો એને એના પપ્પાને કહેલું," પપ્પા તમે અહીં આવો. હું તમારી અને મમ્મીની ટિકિટ મોકલી આપું છું" પણ યશસ્વીના પપ્પાનો જવાબ હતો," બેટા, અમે દીકરીના પૈસે અમેરિકા ફરવા કે તને મળવા નહીં આવીએ. અમે હજી પણ એટલા ચુસ્ત છીએ. બીજું આખી જિંદગી કારકુની કરી ખાધી છે. મારે કંઈ સરકારી નોકરી ન હતી કે પેન્શન આવે. જે થોડી ઘણી બચત છે એ અમેરિકા આવવા ઉડાવી નથી દેવી. બાકી રહી વાત તારા ભાઈની. એ વાતનો ઉલ્લેખ ના થાય તો સારું. તારી ભાભી ઘણી સારી છે. એવું નથી કે તારો ભાઈ સારો નથી. પણ જમાના પ્રમાણે અમે એમને કહી દીધું કે પ્રેમ જાળવી રાખવો હોય તો આપણે બધા એકબીજાથી દૂર રહીએ. અવારનવાર મળતા રહીશું. એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા રહીશું. પણ ડુંગર દૂરથી જ રળિયામણા લાગે. એની આવકમાં મને નથી લાગતું કે એને બચત થતી હોય. એવામાં જો મને કે તારી મમ્મીને કોઈ મોટી બીમારી આવી જાય તો શું કરવાનું? તારો ભાઈ ઘણો જ પ્રેમાળ છે પણ એ પૈસા વગર શું કરે? બેટા અમને ક્યારેય ત્યાં આવવાનો આગ્રહ મહેરબાની કરીને ના કરીશ કારણ અમે અમારી માન્યતાને ચુસ્તપણે વળગી જ રહેવાના છીએ એટલે તારા પૈસે ત્યાં નહીં જ આવીએ.
ત્યારબાદ યશસ્વીએ મમ્મી પપ્પાને આગ્રહ કરવાનો છોડી દીધો હતો. પરંતુ સૌમ્યએ કહ્યું, "યશસ્વી, તું નોકરી કરે છે હવે તારા પૈસા આપણે ઘરમાં વાપરવા નથી. થોડી પૈસાની તૂટ ભલે પડે પણ પૈસા ભેગા કરીને તું ભારત તારા માતા પિતાને મળી આવ. બંને છોકરાઓને હું સાચવીશ." યશસ્વી પતિના સમજૂ વલણથી ખુશ થઈ ગઈ હતી. મનમાં વિચારતી હતી કે ગોરમાનું વ્રત ફળ્યુ. બચત થતી જતી હતી. ત્યારબાદ યશસ્વી વિચારતી કે હું બધા માટે ચીજ વસ્તુઓ લઈ જઈશ. યશસ્વીએ વસ્તુઓની ખરીદી પણ કરવા માંડી. બહુ જ ખુશ હતી. બાળકોને પણ કાલી ધેલી ભાષામાં કહેતી," હું પણ મારા મમ્મી પપ્પા પાસે જઈશ".
સૌમ્ય પત્નીને ખુશ જોઈ સંતોષ અનુભવતો હતો. યશસ્વી જવાની તારીખ તથા રજાઓ લેવાની વાત કરતી હતી ત્યાં જ સૌમ્યના મમ્મીનો ફોન આવ્યો," બેટા તું તાત્કાલિક ભારત આવી જા. તારા પપ્પાને એટેક આવ્યો છે અને બાયપાસ સર્જરી કરાવી પડે એમ છે."
સૌમ્યએ યશસ્વી સામે જોયું. એ પતિની ચિંતા સમજી ગઈ હતી. પતિ પાસે બેસી બોલી," એમાં શું મારે બદલે તમે જઈ આવો. પપ્પા મમ્મીએ આપણું ઘણું કર્યું છે અને આજે જ્યારે તેમને આપણી જરૂર છે તો તમારે જવુ જ જોઈએ." સૌમ્ય જાણતો હતો કે પત્નીને દુઃખ થશે. પણ એ આદર્શ પત્ની બની પતિની પડખે ઊભી રહી હતી. એના મોં પર ભલે દુઃખ દેખાતું ન હતું પણ સૌમ્ય એના અંતરનું દુઃખ સમજી શકતો હતો. પરંતુ હવે ભારત ગયા વગર છૂટકો પણ ન હતો. એકના એક પુત્ર તરીકે એની પણ ફરજ બનતી હતી કે મમ્મી પપ્પા પાસે જવું પડે.
યશસ્વી સમજતી હતી કે શરૂઆતના વર્ષોમાં એ ભણતી હતી ત્યારે એના સાસુ સસરા હતા. તે ઉપરાંત બે નાના બાળકો. બચતના નામે કંઈ ન હતું. કારણ કે મમ્મી પપ્પા બંનેની જવા આવવાની ટિકિટોનો ખર્ચ પણ સૌમ્યએ જ કરેલો. એમાંય હવે ઓપરેશનનો ખર્ચ થશે.
ત્યારબાદ બીજા બે વર્ષ ખેંચાઈ ગયા હતા. શ્લોક સાત વર્ષનો થઈ ગયો અને વેદ પાંચ વર્ષનો થઈ ગયો હતો. પૂરા નવ વર્ષ બાદ એ મમ્મી પપ્પાને મળશે કેટલો આનંદ થશે! ભલેને એ પરણીને બે છોકરાની મા બની ગઈ હોય પણ મા-બાપ પાસે એ ફરી બાળક બની જશે. નાની નાની બાબત માટે જક કરશે, રિસાશે ફરી મમ્મી પપ્પા મનાવશે. ભાભીનો સ્વભાવ પણ સારો છે. એ પણ અવારનવાર કહે છે કે તમે ભારત આવો. નવી ભાભી પણ અંગત સખીની ગરજ સારશે.
યશસ્વી સૌમ્યને કહેતી હતી," હું આખો મહિનો ક્યાંય જવાની નથી. બસ મમ્મી પપ્પા પાસે બેસી રહીશ. ખૂબ વાતો કરીશ. હું ક્યાંય નહીં જવું. હા, થોડા કપડાં તથા બીજી ચીજ વસ્તુઓ આપણા બાળકો માટે ખરીદી લાવીશ. તે પણ બે ત્રણ દિવસમાં બધું પતી જશે. હું બહુ જ વાતો કરીશ. પપ્પા મમ્મીની વાતો સાંભળીશ. મારી ખાસ બહેનપણીઓને પણ મારે ઘેર બોલાવીશ. અમે બધા ભેગા થઈ પહેલાંની જેમ ઘર ગજવી મૂકીશું ."
યશસ્વીએ નોકરીમાં એક મહિનાની રજા લઈ લીધી. જોકે બાળકોને છોડતા એનો જીવ ચાલતો ન હતો. મનમાં એક વિચાર આવી ગયો કે સાસરે જતી હતી ત્યારે મારા મા બાપને આટલું જ દુઃખ થયું હશે? એરપોર્ટ પર તો યશસ્વી બંને બાળકોને બાઝીને ખૂબ રડી હતી. બોલતી હતી," દીકરાઓ હું તમને બંનેને છોડીને સાત સમુંદર પાર જતી રહું છું તમે મને ખૂબ યાદ આવશો પણ હું મારા મા બાપને ભૂલી શકી નથી. હું તો માત્ર એક મહિના માટે તમને છોડીને જાઉં છું જ્યારે મારા મા બાપથી હું નવ વર્ષ દૂર રહી છું. ફરી ક્યારે મળશે એ તો ઈશ્વર જાણે. કદાચ ના પણ મળાય. પણ યશસ્વીએ આવા વિચારોને હડસેલી મુક્યા.
સૌમ્ય પત્નીને કહેતો રહ્યો," તું અહીંની સહેજ પણ ચિંતા ના કરીશ. હું બાળકોને સાચવીશ. આપણા બાળકો તો ખૂબ સમજુ છે. ક્યારેય કોઈ વાતની જક કરતા નથી. હું તને લગભગ દરરોજ ફોન કરીશ. તું બાળકો જોડે પણ વિડીયો કોલ કરીને વાત કરજે. મહિનો તો ક્યાંય નીકળી જશે. પ્લેનમાં બેઠી ત્યારે ખુબ ખુશ હતી. જો કે બાળકોને છોડીને જવાનું દુઃખ જરૂર હતું. યશસ્વી મમ્મી પપ્પા સાથે રહેવાના સપના જોયા કરતી હતી. પણ એને ક્યાં ખબર હતી કે સપના એ આખરે સપના જ હોય છે.
સૌમ્ય પત્નીને મૂકીને ઘેર આવ્યો ત્યાં જ સૌમ્યની મમ્મીનો ફોન આવ્યો, "સૌમ્ય તારા પિતાનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. સૌમ્ય માટે ત્યાં પહોંચવાનું શક્ય નહોતું એ માત્ર એટલું જ બોલ્યો," મમ્મી, યશસ્વી કાલ સુધીમાં ત્યાં આવી જશે." કહેતા સૌમ્ય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.
યશસ્વી એરપોર્ટ પર ઉતરી ત્યારે સામે જ મમ્મી પપ્પા ભાઈ ભાભીને જોતા આનંદથી ઉછળી પડી. પણ જ્યારે ટેક્સીમાં બેઠી ત્યારે એના પપ્પાએ ટેક્સી એની સાસરીમાં લેવાનું કહ્યું. એનો બધો આનંદ હવા થઈ ગયો. એ મમ્મી પપ્પા સામે જોઈ રહી. શું એ ભારત એટલા માટે આવી હતી કે એના સાસરે રહે? એ તો મમ્મી પપ્પાને મળવા આવી હતી અને ખુદ એના સાસુ સસરાએ પણ કહેલું," બેટા, અમે સમજી શકીએ છીએ કે તને પણ તારા મા બાપ પાસે રહેવાનું મન થાય. તું આવીને ત્યાં જ રહેજે."
યશસ્વીનું મોં પડી ગયું. એ જોઈ એના પપ્પા બોલ્યા," યશસ્વી તારા ભાઈ ભાભી પણ એ સોસાયટીમાં રહે છે. આપણે એમને ત્યાં જઈએ છીએ" યશસ્વી કંઈ બોલી નહીં. યશસ્વીને કહેવાનું મન થઈ ગયું કે," સાસરીની નજીક ભાઈ ભાભી રહે છે તો શું થઈ ગયું? મારે તો મારા મા-બાપને ઘેર જવું છે. જ્યાં હું નાનેથી મોટી થઈ છું. મારે પોળમાં મારી જૂની બેનપણીઓને, પડોશીઓને બધાને મળવું છે. પણ એ કશું બોલી નહીં. મનમાં થયું કે એ પાછી જતી રહે.
યશસ્વી વિચારતી હતી એ દરમિયાન જ એની સાસરી આવી ગઈ. વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં એ રડી પડી. બધા યશસ્વીની રાહ જોઈ રહ્યા હતા.
ત્યારબાદ તો યશસ્વીની સાસુએ મોં રખ્ખુ કહ્યું, "તારે તારા પિયર જવું હોય તો જા." પણ યશસ્વી એની ફરજ સમજતી હતી. સાસુ પાસે બેસતાં બોલી," મમ્મી, સૌમ્ય અહીં નથી. તમારું પોતાનું કહેવાય એવી હું એકલી છું એવા સમયે હું તમને છોડીને કઈ રીતે જવું? હું તો મહિનો રહેવાની છું તેર દિવસની વિધિ પતતાંં સુધી હું તમારી પાસે જ રહીશ.
જોકે સૌમ્યનો ફોન પણ હતો કે," યશસ્વી ભલે એના મમ્મી પપ્પા પાસે જાય." પણ યશસ્વી સૌમ્યની એ વાત માનવા તૈયાર ન હતી. એને તો સૌમ્યને કહી દીધું," હું મમ્મીને મારી સાથે લઈને આવવાની છું માટે તેર દિવસ બાદ મમ્મીના વિઝા વગેરે માટે એકવાર મુંબઈ જઈ આવીશું.
તેર દિવસ સુધી મમ્મી પપ્પા યશસ્વીને મળવા આવતા રહ્યા. પણ એ વાતાવરણમાં કંઈ વાત થઈ શકે એમ પણ ક્યાં હતું? અને મૃત્યુ થયેલા ઘરમાં મહેમાનો પણ પુષ્કળ હતા.
તેર દિવસ બાદ યશસ્વી સાસુને લઈ મુંબઈ ગઈ. રજાના બીજા ત્રણ ચાર દિવસ પસાર થઈ ગયા. ત્યારબાદ યશસ્વીએ કહ્યું," બાળકોના કપડાં વગેરે સીવવા આપી દઉં તો જતા સુધી સીવાઈ જાય અને હવે ભેગા ભેગી ખરીદી પણ કરી લઉં. પછી છેલ્લા સાત આઠ દિવસ મમ્મી પપ્પા જોડે શાંતિથી વિતાવીશ."
જ્યારે એના મમ્મી-પપ્પાને ત્યાં જવા માટે બેગ ભરી રહી હતી ત્યારે બાજુની રૂમમાં એના સાસુ એમની બેન જોડે વાત કરી રહ્યા હતા કે હવે તો આ દેશમાં ક્યારે પાછા અવાશે એ તો ઈશ્વર જાણે. કદાચ પાછા ના પણ અવાય. મારી ઉંમર થઈ ગઈ છે. મારી ઈચ્છા હતી કે જીવતા મરતા એકવાર પણ શ્રીનાથજી જઈ અવાય તો સારું. પણ હવે મને કોણ લઈ જાય? બિચારી વહુ એના મા-બાપને મળવા આવી છતાંય એને તો મારી સેવા કરી છે. ભગવાન દરેકને આવી જ વહુ આપે.
યશસ્વી કશું બોલી નહીં પણ એ જ રાતની શ્રીનાથજીની ટિકિટ મંગાવી લીધી અને સાસુને કહ્યું," આજે રાત્રે આપણે શ્રીનાથજી જઈશું. સવારે દર્શન કરી બપોરે નીકળી જઈશું રાત્રે પાછા આવી જઈશું. મમ્મી, મારી પણ ઈચ્છા શ્રીનાથજી દર્શન કરવાની હતી."
યશસ્વીની સાસુ એટલી અબુધ ન હતી કે એ સમજી ના શકે કે વહુએ પોતાના માટે શ્રીનાથજી જવાનું ઊભું કર્યું છે. એની સાસુની આંખોમાં આંસુ આવી ગયા.
મનોમન બોલી ઉઠી," શ્રીનાથજી બાવાએ કૃપા કરી મને આવી વહુ આપી" પણ એની સાસુએ યશસ્વીને કહ્યું," મારી પણ એક શરત છે હવે બાકીનું જે એક અઠવાડિયું છે એ તું તારા મા-બાપને ઘેર જ વિતાવ. તો જ હું તારી જોડે આવું નહીં. નહીં તો નહીં આવું. તેં આટલા દિવસોમાં થોડું થોડું કરી મારી બેગ તૈયાર કરી દીધી છે. આપણે સીધા એરપોર્ટ પર જ મળીશું."
યશસ્વી રાત્રે પાછી ફરી ત્યારે ખબર પડી કે શહેરમાં તોફાનને કારણે કર્ફ્યુ થઈ ગયો છે. યશસ્વી પાછી સાસરે આવી ત્યારે એના સાસુએ જ કહ્યું," યશસ્વી હવે તું તારા પિયર ભલે ના જઈ શકે પણ તારા ભાઈ ભાભી આ સોસાયટીમાં જ રહે છે. તું ત્યાં જા થોડા દિવસ ભાઈ ભાભી પાસે રહેજે. કરફ્યુ છૂટો થાય કે તરત તું મમ્મી પપ્પા પાસે જતી રહેજે."
યશસ્વી ભાઈના ઘેર આવી પણ ભાભી સાથે પહેલી જ વાર રહેવાનો પ્રસંગ આવેલો અને તે પણ મમ્મી પપ્પા વગર. ભાઈ ભાભી યશસ્વીની જરૂરિયાત પૂરી કરવા દોડાદોડ કરી મુકતા. પણ કોણ જાણે કેમ યશસ્વીને જીદ કરવાનું મન થતું ન હતું. દીકરી જે હક જક મા બાપ પાસે કરે એ બધું સ્વાભાવિક રીતે ભાઈ પણ ભાભી પાસે ના થાય.
યશસ્વી કરફ્યુ છૂટવાની રાહ જોતી હતી. ત્યાં જ એમના વિસ્તારમાં પણ તોફાનો ચાલુ થઈ ગયા. એમનો વિસ્તાર પણ કરફ્યુવાળો બની ગયો. ત્યારબાદ તો સળંગ ત્રણ દિવસ કરફ્યુ રહ્યો. યશસ્વી મનમાં બરાબર મુંઝાતી હતી. શું કરવું એ ખબર પડતી ન હતી. બપોરે થોડી વાર સાસુ પાસે પણ જઈ આવતી હતી. જ્યારે કરફ્યુ મુક્તિ મળી ત્યારે શહેરનો સમય અને એના વિસ્તારનો સમય જુદા હતા. જેથી મમ્મી પપ્પા આવી ન શક્યા કે તે ત્યાં જઈ ના શકે. પાંચ દિવસ બાદ બંને એક જ વિસ્તારના એક જ સમયે કરફ્યુ મુક્તિ મળી ત્યારે યશસ્વીએ જ કહ્યું," પપ્પા, તમે લોકો અહીં આવી જાઓ. મારા સાસુને ઘર બંધ કરવાનું છે એમાં મારી જરૂર પડશે. હવે બે દિવસ તમે અહીં આવીને રહો. અહીંથી એરપોર્ટ પણ નજીક પડશે.
જ્યારે મમ્મી પપ્પા આવ્યા ત્યારે યશસ્વીએ આખી રાત કોણ જાણે કેટકેટલી વાતો મમ્મી જોડે કરી. પપ્પા જોડે પણ કરી. તેઓ બધા બહુ જ ખુશ હતા. સવારે ચાર વાગવા આવ્યા ત્યારે પથારી એવીને એવી જ હતી. કોઈ પથારીમાં સૂતુ ન હતું. પરંતુ સવારે ચાર વાગે યશસ્વી એની મમ્મીના ખોળામાં માથું મૂકીને એના ખોળાને જ પથારી બનાવી દીધી હતી. બીજા હાથે પપ્પાનો હાથ પકડી રાખ્યો હતો. જાણે વર્ષો પછી શાંતિથી ઉંઘી ના હોય! સવારે દસ વાગે એની આંખ ખુલી ત્યારે પણ એ એની મમ્મીના ખોળામાં જ સૂતી હતી અને પપ્પાનો હાથ હજી પણ એના હાથમાં જ હતો. એની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. એના કારણે મમ્મી પપ્પા જાગતા બેસી રહ્યા. જ્યારે એ જાગી ત્યારે યશસ્વીએ કહ્યું", એક રાતમાં મને ઘણી બધી ખુશી મળી ગઈ છે. હું એ પ્રેમ ખુશી મારી સાથે લઈને જવું છું." ત્યારે યશસ્વીના મમ્મી બોલ્યા, "બેટા, તું અમારી પાસે જેટલું રહીશ એ અમને ઓછું જ પડશે. પરંતુ તે અમારી સાથે રહીને એ સાબિત કરી દીધું કે તું ભલે સાત સમુંદર પાર જતી રહી પણ સંસ્કાર તો તેં અહીંના જાળવી રાખ્યા છે. દીકરીનું સાચું ઘર એનું સાસરુ છે. એ વાત તું ભૂલી નથી એનું અમને ગૌરવ છે."
યશસ્વીનું વિમાન સાત સમંદર પાર જઈ રહ્યું હતું. જો કે ઘણી બધી વસ્તુઓ એ લઈ ગઈ હતી મા બાપનો પ્રેમ સંસ્કાર વગેરે....
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories

👌👌👌
ReplyDelete