તમાચો….
~~~~~~~~~~~~~~~~
રાજધાની એક્સપ્રેસ આબુરોડ સ્ટેશને પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા. આ સમયે પણ સ્ટેશન ઉપર પેસેન્જરોની ભારે ભીડ હતી. માઉન્ટ આબુ ઉપર એક થ્રી સ્ટાર હોટેલ મુંબઈથી જ બુક કરાવી દીધી હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી પણ અત્યારે રાત્રે માઉન્ટ આબુ કઈ રીતે પહોંચવુ એ ચિંતામાં અભિજીતે સ્ટેશન ઉપર એક કુલીને પૂછ્યું.
તમાચો - અશ્વિન રાવલ
" મારે અત્યારે માઉન્ટ આબુ પહોંચવું છે. હોટલમાં મારું બુકિંગ છે. અત્યારે કોઈ વાહન મળશે ? " અભિજીત બોલ્યો.
કુલી આ અજાણ્યા પણ શ્રીમંત દેખાતા યુવાનને બે ઘડી જોઈ રહ્યો.
" અરે સાહેબ રાતના બે વાગે પણ માઉન્ટ આબુ જવા માટે તમને અહીંથી જીપો મળી રહે. તમારે સ્પેશિયલ ટેક્સી કરવી હોય તો પણ મળી જશે. સ્ટેશનની બહાર નીકળો એટલે સામેથી તમારું સ્વાગત થશે " કુલીએ કહ્યું.
સ્પેશિયલ ટૅક્સી કરી અભિજીત હોટેલ પર પહોંચી ગયો અને પોતાના રૂમમાં જઈ એણે સૌથી પહેલાં જમવાનો ઓર્ડર આપ્યો. રાતના ૧૧ વાગી ગયા હતા. ભૂખ પણ લાગી હતી.
મુંબઈથી ચાર વાગ્યાના ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો હતો. અને અમદાવાદથી રાજધાની પકડી હતી. અભિજીતને તો છેક મુંબઈથી પોતાની કાર લઇને જ આવવાનું મન હતું. પણ પપ્પાએ સ્પષ્ટ ના પાડી કે આટલું લાંબું ડ્રાઈવ કરવું નથી.
કોણ જાણે કેમ વર્ષોથી માઉન્ટ આબુ જોવાની તીવ્ર ઈચ્છા અભિજીતની હતી. ઘણીવાર સપનામાં પણ એને માઉન્ટ આબુ દેખાતું. યુ-ટ્યુબ ઉપર પણ ઘણીવાર એ માઉન્ટ આબુનાં રમણીય દ્રશ્યો જોતો અને એક રોમાંચક અનુભૂતિ એને થતી. ઘણી વાર સપનામાં એને કોઈ ત્રણ ચાર વર્ષની કિલકિલાટ કરતી એક બાળકી પણ દેખાતી !
અભિજીત સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હતો અને એક વીક પછી અમેરિકા જઈ રહ્યો હતો. એને ત્યાં જોબ મળી ગઈ હતી. હવે ઇન્ડિયા ક્યારે પાછા આવવાનું થાય તે નક્કી નહોતું એટલે જ એણે તત્કાલ માઉન્ટ આબુનો પ્લાન બનાવેલો. જોકે માઉન્ટ આબુ આવવાનું એક ખાસ કારણ પણ હતું !
સવારે આંખ ખુલી ત્યારે લગભગ નવ વાગવા આવ્યા હતા. અભિજીતે ફ્રેશ થઈ ચા નાસ્તો મંગાવ્યો અને હોટલની બહાર લટાર મારવાનું વિચાર્યું.
રૂમ બંધ કરી ચાવી આપવા રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો ત્યારે રિસેપ્શનિસ્ટ બદલાઈ ગઈ હતી અને કોઈ ૨૪ ૨૫ વર્ષની સુંદર યુવતી કાઉન્ટર સંભાળતી હતી. કોણ જાણે કેમ પણ આ ચહેરો અભિજીતને ખૂબ જ પરિચિત લાગ્યો. એ યુવતીના ચહેરાને તાકી રહ્યો.
" યસ...મે આઈ હેલ્પ યુ ?" યુવતીએ એની સામે જોઇને પૂછ્યું.
"ના. બસ...આ ચાવી.." થોડો ક્ષોભ પામીને અભિજીતે ચાવી કાઉન્ટર પર મૂકી અને બહાર નીકળી ગયો.
નવેમ્બર મહિનો હતો. રાત્રે વરસાદનું એક હળવું ઝાપટું પણ પડી ગયેલું એટલે હવામાનમાં સારી એવી ઠંડક હતી અને રસ્તાની ચારેબાજુ ભીનાશવાળી હરિયાળી હતી. આકાશમાં વાદળો હજુ પણ ઘેરાયેલાં જ હતાં.
માઉન્ટ આબુ ઉપર અદભુત સૌંદર્ય નીખર્યું હતું. પ્રકૃતિપ્રેમી અભિજીત આ દ્રશ્યો જોઈને ખુબ જ રોમાંચિત હતો. અચાનક એને પેલી આકર્ષક યુવતીનો ચહેરો યાદ આવ્યો....
આ યુવતીને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે ? શું એ મુંબઈની હશે ? એને ક્યાંક તો મળ્યો છું. મારે તપાસ તો કરવી જ પડશે.
અભિજીત માઉન્ટ આબુ પહેલી વાર આવ્યો હતો એટલે અહીંનાં તમામ જોવાલાયક સ્થળો જોવાની એની તીવ્ર ઈચ્છા હતી. ત્રણ દિવસનું રોકાણ છે તો ત્રણ દિવસ માટે એક ટેક્સી ભાડે કરી લેવી એમ વિચારી એણે પોતાના રૂમમાં જઈ વેઇટરને બોલાવ્યો.
એની સાથે ચર્ચા કરીને સાંજે ચાર વાગે ટેક્સી આવી જાય તેવી સુચના પણ આપી. જો કે મનમાં રહેલું પેલુ કુતૂહલ કેમે કરીને શાંત થતું નહોતું એટલે એણે રૂમ વેઈટરને પૂછી જ નાખ્યું.
" રિસેપ્શન પર જે મેડમ અત્યારે છે એમનું નામ શું ? " અભિજીત બોલ્યો.
" અંકિતા મેડમ સાહેબ" વેઇટરે જવાબ આપ્યો.
" એ કેટલા સમયથી અહીં જોબ કરે છે ? માઉન્ટ આબુમાં જ રહે છે ?" અભિજીતે બીજો સવાલ કર્યો.
પચાસેક વર્ષનો વેઈટર જમાનાનો ખાધેલ હતો. અભિજીતને અંકિતા મેડમમાં આટલો બધો રસ લેતો જોઇને તે મનમાં હસ્યો.
" સાહેબ, અંકિતા મેડમમાં રસ લેવાનું છોડી દો. એ અહીંના ખાનદાન રાજપુત કુટુંબની દીકરી છે. એમના પપ્પા પોલીસ ઇન્સ્પેકટર હતા અને હમણાં જ રિટાયર થયા છે. હોટેલ એમના મિત્રની છે એટલે અંકિતાબેન ને જોબ મળી છે. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો સારામાં સારી છોકરીની વ્યવસ્થા થઈ જશે સાહેબ. હુકમ કરો." વેઇટર બોલ્યો.
" ના ના... ભાઈ તમારી ભૂલ થાય છે. એવું તો હું વિચારી પણ ના શકું. મને એમનો ચહેરો ખૂબ જાણીતો લાગે છે એટલે મેં જસ્ટ પૂછ્યું. " અભિજીત બોલ્યો.
" કંઈ વાંધો નહીં સાહેબ. બાકી શરમાતા નહીં. માઉન્ટ આબુમાં આ તો બધું કોમન છે. અહીં બધા જલસા કરવા જ આવે છે. " કહી એ રવાના થયો.
સાંજે ચાર વાગે ટેક્સી હાજર થઈ ગઈ. ડ્રાઇવર લગભગ ૬૫ વર્ષની આસપાસનો હતો.
"મને ત્રણ દિવસમાં માઉન્ટ આબુનાં તમામ સ્થળો જોવાની ઈચ્છા છે. હું પહેલી વાર આવું છું એટલે ક્યાંથી શરૂઆત કરવી અને છેલ્લે શું જોવું એ તમે જ નક્કી કરજો. જ્યાં જરૂર પડે ત્યાં થોડો ઇતિહાસ સમજાવજો. " ગાડીમાં બેસીને અભિજીત બોલ્યો.
" જી સાહેબ" અને એણે ટેક્સીને સ્ટાર્ટ કરી. આજે પ્રથમ દિવસે બે સ્થળો જોયાં અને છેલ્લે નખી તળાવ ઉપર ટેક્સી થોભાવી.
" આપણી પાસે હજુ ઘણો સમય છે સાહેબ. એટલે હવે જેટલો સમય બેસવું હોય એટલો સમય અહીં જ પસાર કરો. પછી આપણે હોટલ ઉપર જઈએ. આ સ્થળ ખૂબ જ રમણીય છે. તળાવમાં બોટિંગ પણ થઈ શકશે" ટેક્સી ડ્રાઇવર બોલ્યો.
નખી તળાવ એને ખૂબ જ પરિચિત લાગ્યું. જાણે વર્ષોથી આ તળાવના કિનારે એ ફરવા આવતો હોય એવું લાગ્યું. કંઈક ના સમજાય એવું મનોમંથન ચાલુ થયું.
એકાદ કલાક ગાળીને ટેક્સી હોટલ પર લેવડાવી અને બીજા દિવસે સવારે દસ વાગે આવી જવાનું કહ્યું.
રિસેપ્શન ઉપર અત્યારે ગઈકાલની રાતવાળો યુવાન હતો. રૂમની ચાવી માગતાં અભિજીતે પૂછી લીધું. "મેડમની ડ્યુટી પૂરી થઈ ગઈ ?"
" હા સર. અંકિતા મેડમ સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી હોય છે. "
અભિજીત રૂમમાં ગયો અને જમવાનું મંગાવ્યું. માઉન્ટ આબુ ઘણું બધું ચિરપરિચિત લાગતું હતું અને સૌથી વિશેષ તો આ અંકિતાનો ચહેરો પણ ખૂબ જ પરિચિત લાગતો હતો. એની શંકા મજબૂત થતી જતી હતી. બીજા દિવસે સવારે અંકિતા સાથે સીધી જ વાત કરવી પડશે.
" ગુડ મોર્નિંગ મેડમ " અભિજીત રિસેપ્શન કાઉન્ટર પાસે જઈને બોલ્યો.
" વેરી ગુડ મોર્નિંગ સર ! સો હાઉ વોઝ યોર ડે ? " અંકિતા બોલી.
" ઈટ વોઝ વેરી પ્લેઝંટ ઓફ કોર્સ !! બાય ધ વે, મેડમ એક સવાલ પૂછું ? " અભિજીતે પૂછવાની હિંમત કરી.
" માય પ્લેઝર "
" હું તમારા ઘરે ચા પાણી પીવા માટે આવી શકું ? તમારા ફાધર પોલીસ ઇન્સ્પેક્ટર હતા એવું પણ સાંભળ્યું છે એટલે કેટલાંક અંગત કારણોસર એમને મળવાની પણ ઈચ્છા છે" અભિજીત બોલ્યો.
" સોરી સર." અંકિતાને આ સવાલ ન ગમ્યો. આ યુવાન વધુ પડતો અંગત રસ લેતો હોય એવું એને લાગ્યું. પપ્પા પોલીસ ઇન્સ્પેકટર હતા એ પણ એણે જાણી લીધું.
" અભિજીત મારું નામ છે અંકિતા .. નારાજ થવાની કોઈ જરૂર નથી.. બસ મને એમ થયું કે આપણે સાથે બેસીને ચા કોફી પીએ. તમારા ઘરે આવવાનું બહુ મન હતું પણ કંઈ નહી. ક્યાંક બહાર જઈએ. તમે બીજા કોઈ અર્થમાં ના લેશો. હું તો બે દિવસ પછી મુંબઈ જતો રહીશ. બસ રિક્વેસ્ટ છે" અભિજીત બોલ્યો.
તો આ માણસે મારું નામ પણ જાણી લીધું. સમજાતું નથી એ મારામાં આટલો બધો રસ કેમ લઈ રહ્યો છે !
"ઠીક છે. સાંજે સાડા ચાર વાગે શાંતિ વિજય ગાર્ડન પાસે આવી જજો. ત્યાં એક રેસ્ટોરન્ટ છે. " કંઈક વિચારીને અંકિતા બોલી.
માઉન્ટ આબુમાં જોવાનાં સ્થળો કરતાં પણ અભિજીતને અંકિતાને મળવામાં વધારે રસ હતો એટલે અભિજીત લગભગ સવા ચાર વાગે જ શાંતિ વિજય ગાર્ડન પાસે પહોંચી ગયો.
અંકિતા એના સમય પ્રમાણે જ સાડા ચાર વાગ્યે આવી ગઈ. એણે પોતાની ગાડી સાઇડમાં પાર્ક કરી અને નીચે ઉતરી. એના ઉપર નજર પડતાં જ અભિજીત એની સામે ગયો અને બંને જણાં રેસ્ટોરન્ટમાં દાખલ થયાં.
અભિજીતે અંકિતાને પૂછીને એક ચા અને એક કોફીનો ઓર્ડર આપ્યો. થોડીવાર તો કોઈ કંઈ બોલ્યું નહીં. અભિજીતે નોંધ લીધી કે અંકિતા એની સામે નજર પણ મિલાવતી નહોતી.
"બોલો મને કેમ મળવું હતું ? હું વધારે રોકાઈશ નહીં " અંકિતા રુક્ષ સ્વરે બોલી.
"બસ એમ જ. મારે તમારું કોઈ ખાસ કામ નથી. પણ તમને જોઉં છું ત્યારે જાણે એમ લાગે છે કે હું તમને ઓળખું છું. મનમાં થાય છે કે તમને બસ આમ જોયા જ કરું. ક્યારે પણ આપણી વાતો ખૂટે નહીં. લાગણીનાં પૂર ઉમટી આવે છે. મારે તમારા ભૂતકાળ વિશે જાણવું છે અંકિતા જો તમને વાંધો ના હોય તો." અભિજીત હિંમત કરીને બધું બોલી ગયો.
અને સટાક કરતો એક જોરદાર તમાચો અભિજીતના ગાલ ઉપર પડ્યો.
" સાલા રાસકલ. ગઈ કાલનો મારી પાછળ પડયો છે. તું સમજે છે શું તારા મનમાં ? ફરીવાર જો મારી સામે પણ જોયું છે તો અહીં તારી એવી ધોલાઈ થશે કે જિંદગીભર યાદ કરીશ. આ આખો એરિયા મને ઓળખે છે." કહેતી અંકિતા ઉભી થઇ ગઈ અને ચાલવા લાગી.
રેસ્ટોરેન્ટમાં બેઠેલા તમામ ટૂરિસ્ટો આ દ્રશ્ય જોઈ રહ્યા. બહાર ભાગતી અંકિતાને અભિજીતે મોટેથી બૂમ પાડી.
" અરે અંગુરી......!!! " અભિજીતથી અચાનક બોલાઈ ગયું . પણ ગુસ્સામાં સાંભળ્યું ન સાંભળ્યું કરીને અંકિતા દૂર નીકળી ગઈ.
પોતાનું ઘણું અપમાન થયું હતું. હજુ પણ ગાલ ચચરતો હતો. આજ સુધી તેણે ક્યારે પણ માર ખાધો ન હતો. તેને રડવું આવતું હતું. મમ્મી પપ્પાએ એને લાડથી ઉછેર્યો હતો. - બસ હવે બહુ થયું. આટલું અપમાન થયા પછી આ હોટલમાં ના રહેવાય. અરે માઉન્ટ આબુમાં પણ ના રહેવાય !
અભિજીતે ટેક્સી હોટલ ઉપર લેવડાવી. ડ્રાઈવરનો હિસાબ કરી દીધો અને પૂછ્યું કે તમારે અમદાવાદ એરપોર્ટ સુધી આવવું છે ?
ડ્રાઇવર તરત તૈયાર થઈ ગયો. કારણ કે એને તો લાંબુ ભાડું મળતું હતું. એને અડધો કલાક રોકાવાનું કહી એ હોટલમાં ગયો. સામાન પેક કર્યો. હોટલ ના લેટર પેડમાંથી કાગળ લઇ એણે એક ચિઠ્ઠી લખી અને કવરમાં પેક કરી અને નીચે આવી રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો.
"આ કવર કાલે સવારે અંકિતા મેડમને આપી દેજો ને ! " અભિજીત બોલ્યો.
" જી સર " કહી રિસેપ્શનિસ્ટ યુવાને અભિજીતનો હિસાબ કરી બિલ આપી દીધું.
અભિજીત ટેક્સીમાં બેસી અમદાવાદ જવા રવાના થયો. અમદાવાદથી કોઈપણ ફ્લાઈટમાં રાત્રે મુંબઇ પહોંચી જવાશે
આ બાજુ ગુસ્સાથી લાલચોળ થયેલી અંકિતા પોતાની કાર ડ્રાઈવ કરતી માઉન્ટ આબુની તળેટીમાં આવેલા એના ઘર તરફ રવાના થઈ. અંકિતા ના પિતા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને એમણે અંકિતાને હોટેલ જવા આવવા માટે એક કાર ભેટ આપી હતી. અંકિતાએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો.
આજે કંઈક વિચિત્ર અનુભવ એને થયો હતો. આજ સુધી કોઈએ આવી હિંમત કરી નહોતી. હજુ ગઇકાલે જ મુંબઈથી આવેલો આ યુવાન આટલી હદે કઈ રીતે જઈ શકે ? અંકિતાનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો.
ઘર આવી ગયું એટલે અંકિતા ઘરે પોતાના રૂટિન કામમાં પરોવાઈ ગઈ પણ રાત્રે ફરી પાછા એના એ જ વિચારો મગજ ઉપર સવાર થઈ ગયા.
રાત્રે અચાનક અંકિતાને યાદ આવ્યું કે પેલા યુવાને એને છેલ્લે 'અંગુરી' કહીને બૂમ પાડી હતી. અંગુરી તો એનું છેક બાળપણનું લાડકું નામ હતું. ચાર વર્ષની ઉંમર સુધી ઘરમાં બધા એને અંગુરી કહીને બોલાવતા પણ પછી એનું નામ અંકિતા રાખવામાં આવેલું.
કોણ હતો આ યુવાન જેણે એને અંગુરી કહીને બોલાવી ?... અંકિતા ભૂતકાળમાં સરકી ગઈ.
પોતાનાથી દોઢ વર્ષ મોટો એક ભાઇ હતો જે નાનપણમાં જ ચાર વર્ષની ઉંમરે જયપુરમાં ખોવાઈ ગયેલો. એનું બાળપણ માઉન્ટ આબુમાં વીતેલું. એના બાપુ એ વખતે માઉન્ટ આબુમાં સબ ઇન્સ્પેક્ટર હતા.
એક દિવસ વેકેશનમાં ફરવા માટે એ ફેમિલી સાથે જયપુર ગયેલા. ફેમિલી ને હવામહેલ બતાવવા માટે એમણે જયપુરના એક કોન્સ્ટેબલને મોકલ્યો. ભાઈબહેનને સ્પેશિયલ ડ્રેસ પહેરાવી એક ફોટોગ્રાફર પાસે હવાલદારે ફોટો પણ પડાવ્યો. એ પછી કોઈએ હવાલદારને બૂમ પાડી એટલે એ એને મળવા ગયો. બે મિનિટમાં તૈયાર થયેલો એ ફોટો લઈને ભાઈ ટુરિસ્ટો ની ભીડમાં બહેન સાથે સંતાકૂકડી રમવા લાગ્યો.
બે ત્રણ ચક્કર ભીડમાં માર્યા પછી નાનકડી બેન ભાઈને શોધી ન શકી. અને રડતી રડતી એની મા જ્યાં બેઠી હતી ત્યાં આવી. મા તો હાંફળી ફાંફળી થઈ ગઈ અને ઘણી બૂમાબૂમ થઈ. પણ નાનો ભાઈ ના જ મળ્યો.
હવાલદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો. બાપુ પોલીસ ખાતામાં એટલે ભાઈની શોધ કરવામાં કોઈ કમી બાકી નહોતી રાખી પણ ભાઈ ક્યારે પણ ના મળ્યો.
આટલાં વર્ષો પછી મુંબઈથી આવેલા આ યુવાને એને અંગુરી કહી એટલું જ નહીં ઘરે આવીને બાપુને મળવાની પણ વાત કરી. નક્કી એ મારો ખોવાયેલો ભાઈ જ હોવો જોઈએ !
અંકિતા પથારીમાંથી ઊભી થઈ ગઈ અને તરત હોટલ ઉપર ફોન જોડ્યો. અભિજીતના રૂમમાં કોલ જોડવાની ઓપરેટરને વાત કરી.
" મેડમ અભિજિત સર તો આજે સાંજે સાડા પાંચ વાગે ચેક આઉટ કરી ગયા." ઓપરેટર બોલ્યો.
" ઓહ... નો !!! " અંકિતા બેડ પર ફસડાઈ પડી. મારાથી આ શું થઈ ગયું ? એણે મારી સાથે એવી તો કોઈ ગંદી વાત નહોતી કરી. કેટલા વિવેકથી એ વાત કરતો હતો ? મેં એના ઉપર ઉશ્કેરાઇને સણસણતો તમાચો મારી દીધો.
નક્કી એ કોઈ બીજી હોટેલમાં જતો રહ્યો હશે. હવે સવારે એને શોધવો જ પડશે. શું મેં મારા સગા ભાઈને આટલા જોરથી તમાચો માર્યો ? અને અંકિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
સવારે એને શોધી કાઢીશ અને જો એ મારો ભાઈ જ હશે તો બાપુને મોટું સરપ્રાઇઝ આપીશ. એ તો રાજીના રેડ થઈ જશે. અત્યારે બાપુને વાત નથી કરવી.
સવારે ૮ વાગે અંકિતા જેવી હોટેલની ડ્યુટી ઉપર હાજર થઈ કે તરત જ રિસેપ્શનિસ્ટ જયદેવે એના હાથમાં અભિજીતનું કવર આપ્યું.
" અભિજિત સર સાંજે ચેક આઉટ કરીને ટેક્સીમાં જ મુંબઈ જવા નીકળી ગયા. આ કવર તમને આપવાનું મને કહ્યું છે." જયદેવ બોલ્યો.
હવે અંકિતાના ગાલ ઉપર એક પછી એક તમાચા પડતા હતા. હવે તો ભાઈ અમદાવાદથી ફ્લાઇટ પકડીને મુંબઈ પણ પહોંચી ગયો હશે.
" જયદેવ એક અડધો કલાક મને આપને. હું આવું છું. " અંકિતા બોલી.
" ઓકે મેડમ હું સંભાળી લઈશ" જયદેવે કહ્યું.
અંકિતા હોટલની બહાર પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેઠી અને કવર ખોલ્યું. ભાઈ બહેનનો જયપુરમાં પડાવેલો ફોટો એણે જોયો અને તેને સમજાઈ ગયું કે મેં મારા ખોવાઈ ગયેલા સગા ભાઈની વાતો સાંભળીને ખૂબ જ ગેરસમજ કરી હતી અને ઉપરથી જોરદાર તમાચો માર્યો હતો !! અંકિતાએ પત્ર વાંચવાનું ચાલુ કર્યું.
" અંકિતા મેડમ .. હા હવે તો અંકિતા મેડમ જ બરાબર છે. અંગુરી કહીને બોલાવવાનું બહુ મન હતું. ઘણી બધી વાતો કરવી હતી પણ ત્યાં જ ગાલ ઉપર સણસણતો તમાચો પડ્યો. બાળપણના ચાર વર્ષ માઉન્ટ આબુ પર વીત્યાં હતા એટલે એની યાદોને તાજી કરવા અને કદાચ મારા ખોવાયેલા પરિવારની ભાળ મળે એ હેતુથી માઉન્ટ આબુ આવ્યો હતો. મને ખબર નહોતી કે મારી નાની બહેન આટલી જલ્દી મને મળી જશે.
રાત્રે ફોટાને ધારી ધારીને જોયો ત્યારે તને ઓળખી ગયો હતો કે આ જ મારી બેન અંગુરી છે. બાપુ પોલીસ ખાતામાં હતા એ જાણ્યા પછી તો પાકી ખાતરી થઈ ગઈ. અંગુરી નામ પણ કાલે તને જોઈને પહેલી વાર મારા હોઠ ઉપર આવ્યું. તારા હોઠ ઉપર પણ એ જ જગ્યાએ તલ છે જે આ ફોટામાં છે. તને જોઇને દિલ ખૂબ ભરાઈ આવ્યું હતું. મા બાપુને મળવાની ઈચ્છા હતી. પણ કદાચ કુદરતને આ જૂનો સંબંધ મંજુર નહિ હોય !
નાનપણમાં હું રાજસ્થાનથી મળી આવેલો એ વાત મને હજુ હમણાં એક મહિના પહેલા જ ખબર પડી. મને માઉન્ટ આબુનાં આટલાં સપનાં કેમ આવતાં હતાં, આટલું બધું આકર્ષણ કેમ હતું એ બધું મને એક મહિના પહેલાં સમજાઈ ગયું અને અમેરિકા જતા પહેલાં જીદ કરીને હું માઉન્ટ આબુ આવ્યો.
મારો અને તારો નાનપણનો જયપુરનો ફોટો વર્ષોથી હું જોતો આવ્યો છું પણ મમ્મી પપ્પા એ કહેલું કે મારી એ બહેન નાનપણમાં જ ગુજરી ગઈ છે. હું એમનો સગો દીકરો નથી એ વાત મમ્મી પપ્પાએ હંમેશા મારાથી છાની રાખી.
જો કે મને એમણે પોતાના દીકરાની જેમ જ મોટો કર્યો છે અને વૈભવમાં ઉછર્યો છું એટલે હવે ભૂતકાળનાં કારણો અને તપાસમાં મારે જવું નથી. આપણો એ ફોટો મેં કવરમાં જ આ પત્રની સાથે મૂક્યો છે. મારે એની હવે જરૂર નથી.
બસ ચાર પાંચ દિવસમાં જ અમેરિકા કાયમ માટે જઈ રહ્યો છું. હા કાયમ માટે... કારણ કે આ તમામ સંબંધો હવે હું ભૂલી જવા માંગુ છું. મારું પોતાનું હવે કોઈ નથી. બહેનને મળવા આવ્યો તો મને તમાચો મળ્યો. હું અનાથ જ રહેવા માગું છું.
મને તમાચો મારવા બદલ જો સાચા દિલથી પસ્તાવો થતો હોય તો મુંબઈ આવીને મને મળવાની કોશિશ પણ ના કરતી અને હોટલના રજીસ્ટરમાં લખેલા મારા એડ્રેસ ઉપર કોઈ તપાસ પણ ના કરતી.
બહેનનો પ્રેમ કેવો હોય એ અનુભવ કરવા અને મારાં પોતાનાં મા બાપનો પત્તો મળે તો દૂરથી એક વાર એમને જોઈ લેવા છેક માઉન્ટ આબુ સુધી ધક્કો ખાધો. પણ આ સંબંધો વિસરાયેલા જ રહે એવી ઈશ્વરની ઈચ્છા છે. બસ તારાં દર્શન થઇ ગયાં એ જ મારી માઉન્ટ આબુની યાત્રાની સફળતા છે. કમ સે કમ મારો ફેરો ફોગટ તો નથી ગયો !!! અભિજીત."
પત્ર વાંચીને અંકિતા ખૂબ રડી. મન મુકીને રડી. એનું રડવું બંધ જ નહોતું થતું અને એના રુદનનો અવાજ બહાર કોઈ સાંભળી ન જાય એટલે વરસાદ પણ મન મૂકીને તૂટી પડ્યો !!
-અશ્વિન રાવલ અમદાવાદ
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
