માનવતાનાં મૂલ્ય…

Related

માનવતાનાં મૂલ્ય…

જાહેર માર્ગ પર આવેલા રામજી મંદિરના પરિસરમાં એક વીસ એકવીસ વર્ષનો ફૂટડો યુવાન બેઠો છે. મંદિરમાં દર્શનાર્થીઓની ખાસ્સી અવર -જવર છે. મંદિરમાંથી સુમધુર સંગીતનો ધ્વનિ રેલાઈ રહ્યો છે પરંતુ યુવાનનું એ તરફ બિલકુલ ધ્યાન જ ના હોય તેવું લાગી રહ્યું છે. યુવાન એકદમ ચિંતાગ્રસ્ત ચહેરે વિચારોમાં મગ્ન છે,ચહેરા પર એકદમ હતાશા છવાયેલ છે. એ ઘડીભર ભગવાનની મૂર્તિ સામે જુએ છે તો વળી ઘડીભર નીચું માથું કરીને રડમસ થઈ જાય છે. મંદિર પરિસરમાં યુવાનથી થોડી જ દૂર બેઠેલ એક યુવતી એનું સતત નિરીક્ષણ કરી રહી છે,ને સાથે સાથે કંઈક યાદ પણ કરી રહી છે.

માનવતાના મૂલ્ય - નવલિકા
માનવતાનાં મૂલ્ય 

અડધો કલાકનો સમય પસાર થઈ ગયો. અચાનક યુવાન ઉભો થયો ને બહાર નિકળીને જાહેર રસ્તા પર આવ્યો. યુવતી એક્ટીવા લઈને આવેલ હતી તે પણ તરત ઉભી થઇ ને એક્ટીવા પર બેસી તરત જ યુવાનની પાછળ ગઈ. યુવાન ભીની આંખે રસ્તાની બાજુમાં ઉભો રહ્યો. યુવતીએ યુવાન પાસે એક્ટીવા પાર્ક કર્યું અને પાસે આવીને સીધો જ પ્રશ્ન કર્યો. "કોણ છો તમે ? ક્યાંથી આવો છો? એકદમ મુંઝાયેલા કેમ છો? હું તમારુ અડધોએક કલાકથી નિરિક્ષણ કરી રહી છું, તમે એકદમ ચિંતામાં હો એવું મને લાગે છે. મહેરબાની કરીને જે હકીકત હોય તે કહી દો મને."

યુવતીનાં વાક્યો સાંભળીને યુવાન રીતસરનો રડી પડ્યો અને યુવતી સામે ઘડીભર જોઈ રહ્યો પરંતુ તરત જ આંસું લુંછીને એણે થોડી સ્વસ્થતા ધારણ કરી લીધી. થોડો સ્વસ્થ થઈને એણે ટુંકમાં જવાબ આપ્યો, "કંઈ નહિ, થોડો લાગણીમય બની ગયો હતો." યુવાન યુવતીના પ્રશ્નો ગળી ગયો. યુવતી થોડી મુંઝાઈ. થોડી વાર વિચાર કરીને પછી યુવાનના ખભે હાથ મુકીને પ્રેમથી એ બોલી,"ચાલો મારા ઘેર. મારા પપ્પા આગળ આપના મનની જે કંઈ વ્યથા હોય તે રજૂ કરજો, કદાચ કોઈ રસ્તો મળે તો! "

યુવાન સંકોચાઈને ફરીથી યુવતી સામે એકીટશે જોઈ રહ્યો. એ યુવતીની લાગણી જોઈને એકદમ વિહવળ થઈ ગયો. એનામાં બોલવાના હોંશકોશ ના રહ્યા. યુવતીએ યુવાનને હલબલાવી નાખ્યો અને આદેશ કર્યો,"ચાલો મારે ઘેર,બીજી વાત પછી!"

"ક્યાં? કેમ? આપ કોણ છો? કયા સબંધે લઈ જાઓ છો તમારે ઘેર?"-યુવાન રડમસ અવાજે બોલ્યો.
ગંભીર ચહેરે યુવતીએ કહ્યું,"તમે અજાણ્યા અતિથિ છો એટલે સંબંધ તો માનવતાનો! બાપુજી પાસેથી શીખેલ સંસ્કાર, સમજણ તમને આમંત્રણ આપે છે મારે ઘેર આવવાનું. કોઈ પણ સંશય કે ચિંતા વગર જલ્દીથી એક્ટીવા પાછળ બેસી જાઓ."

નિ:શબ્દ બની ગયો યુવાન. એ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર યુવતીના ચાલુ કરેલ એક્ટીવા પાછળ બેસી ગયો. છતાંય યુવાન એટલું તો પુછી જ બેઠો,"એક અજાણ્યા યુવાનને ઘેર શા માટે લઇ જાઓ છો"?યુવતીએ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.

એક્ટીવા થોડું અંતર ચાલ્યું ત્યાં યુવતીનું નિવાસસ્થાન આવી ગયું.યુવતીએ મુખ્ય દરવાજે આવીને હોર્ન વગાડ્યું. પંદરેક વરસનો એક તરૂણ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો,"લાવો દીદી હું એક્ટીવા પાર્ક કરી દઉ." યુવતી અને યુવાન નીચે ઉતર્યાં. યુવતીએ એક્ટીવા તરૂણને આપ્યું. તરૂણ યુવતીનો સગો ભાઈ હતો, એણે પુછ્યૂં,"કોણ છે દીદી આ ભાઈ? મહેમાન છે આપણા?"

યુવતી ભાઈને જવાબ આપ્યા વગર જ ઘર તરફ ચાલવા લાગી. એણે પાછળ પણ ના જોયું. યુવાન એની પાછળ ઘસેડાયો. થોડું ચાલ્યા બાદ યુવાનની ઘરના પ્રવેશદ્વાર પર નજર પડી. પ્રવેશદ્વાર પર "મગનભાઈની મહેર" લખાણ જોઈને થોડો અચંબીત થઈ ગયો યુવાન. એ યુવતીની પાછળ પાછળ બેઠક ખંડમાં પ્રવેશ્યો.એણે દિવાલ પર ટીંગાડેલ એક તસવીર જોઈ એ સાથે જ એ મનોમન ચોંકી ઉઠ્યો.'અરે આ શું?' પોતાનાં જ માતાપિતાની તસવીર જોઈને હચમચી ગયો યુવાન. એ તસવીરને એકીટશે જોઈ જ રહ્યો. એની આંખો ઉભરાવા લાગી.

રસોડામાંથી પાણી ભરીને આવેલ યુવતીને તાળો મળી ગયો, 'હા,મગનકાકાનો મયંક જ છે આ યુવાન. ‌‌પિતાજીએ ઘણીવાર બતાવેલ તસવીર તે આ જ મયંકની. ઓળખાણ પાક્કી થઈ જતાં જ યુવતીએ નામ સાથે સંબોધન કરતાં કહ્યું,"પાણી પી લ્યો મયંક!"

કોણ પ્રત્યુત્તર આપે? મયંક નીચે ફસડાઈ પડ્યો. એક્ટીવા પાર્ક કરીને આવેલ યુવતી આશાનો નાનો ભાઈ વેદ મયંકને જોઈ રહ્યો.
આશાએ "મમ્મી!જલ્દી આવ." કહીને બૂમ મારી.આશાનાં મમ્મી સવિતાબેન દોડતાં દોડતાં બેઠક ખંડમાં આવ્યાં. દ્રશ્ય જોયું,આવેલ વ્યક્તિથી અજાણ સવિતાબેન પાસે જઈને આશાએ ધીમેથી કહ્યું, "મમ્મી!આ મગનકાકાના દિકરા મયંક છે.રામજી મંદિરે બેઠા હતા ત્યાંથી લઈને આવી છું."

બીજી હકીકતથી સાવ અજાણ સવિતાબેન જલ્દી જલ્દી મયંક પાસે આવ્યાં. ખભે હાથ મુકીને લાગણીસભર અવાજે બોલ્યાં,"બેટા મયંક શું વાત છે?"

કોઈ સળવળાટ ના થતાં સવિતાબેન નીચે બેસી ગયાં અને ઘડીભર મયંકના માથા પર હાથ ફેરવી ફરીથી બોલ્યાં,"શું થયું છે દીકરા? તું કેમ કંઈ બોલતો નથી?" જાણે પોતાની માતાનો જ હાથ ફરી રહ્યો હોય એવું અનુભવતા મયંકે સહેજ માથું ઉંચું કરી સવિતાબેન તરફ નજર નાખી. ધીરેધીરે એ બેઠો થયો અને પછી ચકળવકળ નજરે નાના બાળકની જેમ આ સાવ અજાણ્યા લાગતા પરિવારને જોતો રહ્યો.

થોડું પાણી પીધું, સોફા પર બેઠો. થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ એ બોલ્યો,"આ કોનું ઘર છે? આપ બધાં મને કઈ રીતે ઓળખો છો? બહાર "મગનભાઈની મહેર." ઘરમાં મારાં માબાપની તસવીર? મને કંઈ જ સમજ પડતી નથી."

સવિતાબેન ભાવાવેશમાં બોલ્યાં,"બેટા મયંક! આ તારુ ઘર છે. તારા પિતાજી અમારા ભગવાન છે. બાકીની વાતો તારા કાકા આવીને કરશે પરંતુ તું આમ નર્વસ કેમ છે? ઘેર મગનભાઈ અને ભીખીબેન ક્ષેમકુશળ છે ને? "

બસ,પુરૂ થયું. મયંક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. સવિતાબેને એને ખોળામાં લઈને ઉચ્ચક જીવે પૂછ્યું," કંઈક હકીકત બતાવ બેટા."

મયંક ભાવવિહિન ને નિસ્તેજ ચહેરે એટલું જ બોલી શક્યો,"મા બાપ હાલ આ દુનિયામાં નથી."

"હેં? શું કહે છે તું?" એટલા જ શબ્દો નિકળ્યા સવિતાબેનના મોંઢેથી.એ પણ ચોધાર આંસુએ રડી પડ્યાં? કોણ કોને સાંત્વના આપે?

આશાએ ઝડપભેર તેના પિતાજી મોહનભાઈને ફોન કર્યો,"પપ્પા! આપણા ઘેર મગનકાકાના દીકરા મયંક આવ્યા છે, જલ્દી ઘેર આવો."
મારા બાળ લંગોટીયા મિત્ર, ભાગ્યાનો ભેરૂ, મારા ભગવાન મગનભાઈનો દીકરો મારા ઘેર? શહેરમાં દવાખાનું ધરાવતા ખ્યાતનામ ડોક્ટર મોહનભાઈ પળનોય વિલંબ કર્યા વગર કાર હંકારીને તાબડતોબ ઘેર આવી પહોંચ્યા. બેઠક ખંડમાં પ્રવેશ કરતાં જ મોહનભાઈએ કરુણ દ્રશ્ય નજરે જોયું.' શું વાત હશે? કોને પુછું?'

પતિ પર નજર પડતાં જ સવિતાબેન તેમની પાસે આવ્યાં. સોફા પર બેસવાનો ઈશારો કર્યો. મોહનભાઈએ થડકતા હૈયે સોફા પર બેઠક લીધી એ સાથે જ પત્નિએ તૂટક તૂટક શબ્દોમાં ભીની આંખે મગનભાઈ અને તેમનાં પત્નીના મોતના સમાચાર આપ્યા.

જીવનની તડકી છાંયડી જોઈ ચુકેલ મોહનભાઈ માથે જાણે આભ તૂટી પડ્યું. એ સૂનમૂન થઈ ગયા. આશાએ પાણી આપ્યું.અજાણપણે ગળામાં પાણી ઉતાર્યું. કશું સમજાતું નહોતું.
મોહનભાઈ ઉઠીને મયંક પાસે ગયા. મયંક વેદના ભૂલી ને ઉભો થઈને મોહનભાઈના પગે પડવા ગયો, એ નીચો નમીને પગે પડે એના પહેલાં મોહનભાઈએ બાથ ભરીને હૈયા સરસો ચાંપી દીધો. અશ્રુધારા વહેતી રહી બન્નેની આંખોમાંથી.થોડી હળવાશ થઈ બન્નેને છતાંય હજી મયંકને કોઈ વાતનો તાળો મળતો નહોતો.
અજીબ મિલન છે મયંક અને મોહનભાઈના પરિવારનું. આજે પ્રથમ વાર રૂબરૂ મયંકને જોયો છે સૌએ.

મગનભાઈ ગામડાના એક ખેડૂતનો દીકરો. બાર ધોરણ પાસ. ખેતીની પાંચ વિઘા જમીન. અભ્યાસ વખતે ભણવામાં હોશિયાર. ધોરણ આઠમાં નજીકના શહેરમાં અભ્યાસાર્થે ગયા ત્યાં મોહનભાઈ તેમના સહાધ્યાયી બન્યા. મોહન નજીકના ગામનો ગરીબ પરિવારનો દીકરો. ગત જન્મના લેખ હોય કે ગમે તે પરંતુ બન્ને વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે એનો જોટો જડવો મુશ્કેલ.
 
સમયને પસાર થતાં વાર ક્યાં લાગે છે? બન્નેનું ધોરણ બારનું પરિણામ આવી ગયું. મગનભાઈ સારા ટકે પાસ થયા,પરંતુ પાંચ ભાઈઓમાં સૌથી મોટા હોવાથી અભ્યાસ પર બ્રેક લાગી ગઈ. બીજી બાજુ મોહન બાર સાયન્સમાં અવ્વલ નંબર રહ્યો. મેડીકલનું ફોર્મ ભરાયું, પ્રવેશ મળ્યો. એમ ડી ડોક્ટર થયો ત્યાં સુધીનો ખર્ચ મગનભાઈએ સગા ભાઈઓના વિરોધ વચ્ચે પૂરો કર્યો.

પોતાના ભાગે આવતી જમીનમાંથી બે વીઘા જમીન મગનભાઈએ ગીરવે મૂકી પરંતુ મિત્રભાવ નિભાવ્યો. મિત્રભાવ નિભાવવામાં તેઓ ભાઈઓમાં અપ્રિય બની ગયા. અત્યંત મહેનતુ અને બુદ્ધિજીવી હોવાથી મગનભાઈને કયાંય કોઈ તકલીફ નહોતી.ખેતી સિવાય પશુપાલન અને અન્ય વેપાર ધંધો કરીને જીવનમાં ઠીક ઠીક પ્રમાણમાં કમાણી કરી લે પરંતુ જીવનનિર્વાહ થાય એટલું બચાવીને બાકીનું સેવા કાર્યોમાં ખરચી કાઢે.ભાઈઓ ગમે તે કહે પરંતુ ભ્રાતૃભાવ આખા પંથકમાં વખણાઈ ગયો. ગામના કોઈ પણ પ્રકારના કાર્યમાં મગનભાઈ હાજર. સૌના માનિતા અને સત્યનિષ્ઠ માનવીનું નામ આપવું હોય તો એ મગનભાઈ. ટુંકમાં માનવતાની મિશાલ એટલે મગનભાઈ!

ડોકટર બન્યા પછી મોહન એનું રૂણ ચૂકવતો રહ્યો. ગીરવે આપેલ જમીનેય પાછી મેળવી પરંતુ ભાઈઓ ના વિરોધને કારણે મોહનભાઈ માટે મગનભાઈના ઘરના દરવાજા બંધ થઈ ગયા. સ્વમાની મગનભાઈને પણ આ બાબતે બરાબર લાગ્યું, કોઈ કદાચ મોહનભાઈની માનહાનિ કરે એના કરતાં એ ના આવે એ ઉતમ.

મોરનાં ઈંડાંને ચિતરવાનાં ના હોય. મયંક શરૂઆતથી જ ભણવામાં હોશિયાર. એ એમબીબીએસના ચોથા વર્ષમાં છે.મગનભાઈ પુરા આર્થિક આયોજનથી મયંકને ભણાવી રહ્યા છે પરંતુ હાય રે વિધિની વક્રતા! ભર્યો ભાદર્યો માળો પળમાં વિખરાઈ ગયો. મગનભાઈ અને ભીખીબેનને માર્ગ અકસ્માત થયો.પાણીની જેમ પૈસા વહાવ્યા દવાખાને, પરંતુ અઠવાડિયે તો આ સારસ બેલડી સમાન દંપતિ સ્વર્ગે સિધાવી ગયાં. મયંક માથે આભ ફાટ્યું.

સમાજમાં આબરૂદાર અને આગેવાન કુટુંબ હોઈ કારજમાં ભાઈઓએ અઢળક ખર્ચ કરાવ્યો. પંદર દિવસે કારજ અને દવાખાનાનો હિસાબ થયો.મગનભાઈનાં ગાય, ભેંસ વેંચાઈ ગયાં,પાંચ વીઘા જમીન પણ ભાઈઓ પાસે જ ગીરવે મુકાઈ ગઈ.હાય રે કુદરત!

ગમગીન બની ગયો મયંક.કાકા કુટુંબના વ્યવહાર વર્તનથી ભાંગી પડ્યો. આગળ અભ્યાસની ઈચ્છા મરી પરવારી.વિશ્વાસ ઉઠી ગયો જગત પરથી મયંકને. બસ, એક માબાપે આપેલ સંસ્કાર,સમજણે આત્મહત્યા તરફ જતાં રોકી લીધો. વહેલી સવારે ઉઠીને માતાપિતાની છબીને પ્રણામ કરી ચાલવા માંડ્યો મયંક. ક્યાં જવું? શું કરવું? વિચારોના વમળમાં ચાલવા જ માંડ્યો, પરંતુ કુદરતની ગતિ ન્યારી છે.

મંદિર પરિસરમાં આશાએ જોયો ને મોહનભાઈના ઘેર મહેમાન બન્યો. વાહ રે! કુદરત.

જમવાની ઈચ્છા તો સૌની મરી પરવારી હતી છતાંય સાંજના વાળુના બે કોળીયા નાખીને બધાં બેઠાં છે એ વખતે મોહનભાઈને લાગ્યું કે મયંક હવે થોડો સ્વસ્થ દેખાય છે એટલે ખભે હાથ મુકીને એમણે મયંકને કહ્યું, "પળવારમાં આ બધું કઈ રીતે બની ગયું? હવે આખી ઘટના કહી સંભળાવ બેટા!"

એક એક શબ્દ કહેતો ગયો મયંક. સૌ ગમગીન બનતાં ગયાં. માનવતાનો અનન્ય લાગણી પ્રવાહ સૌની આંખોમાંથી ટપકતો રહ્યો. મોહનભાઈએ મયંકને છાતી સરસો ચાંપી દીધો.સવિતાબેન માથા પર હાથ પસવારતાં રહ્યાં. લોહીના સબંધો આગળ માનવતાના સબંધો આગળ નિકળી ગયા. પુરુ રડી લેવા દીધો મયંકને. ધીરેધીરે થોડો સ્વસ્થ થયો મયંક.

આશાએ સૌને પાણી આપ્યું. મોહનભાઈએ મગનભાઈ સહાધ્યાયી હતા ત્યાંથી માંડીને ડોક્ટર બન્યા ત્યાં સુધીની મગનભાઈની ભૂમિકા શું હતી તે શબ્દશ: વર્ણન કર્યું. મયંક આ વૃતાંત સાંભળીને થોડો હળવો થયો એ વખતે જ સવિતાબેને વિનવણી જેવા સ્વરે કહ્યું,"અમને એ ઋણ ચૂકવવાનો મોકો આપવાનો છે મયંક. તારે અહીં જ રહીને એમ બી બી એસ /એમ ડી પુરુ કરવાનું છે."

ઘડીભર ખામોશી છવાયેલી રહી. મોહનભાઈની ઈચ્છા તો હજી કંઈક બીજી જ હતી. એમણે દિકરી આશા તરફ નજર કરી અને છેવટે બોલીને જ રહ્યા,"બેટા મયંક! તને ડોકટર બનાવીને વાત પુરી કરવાની નથી. મારી દિકરી આશા પણ અત્યારે એમબીબીએસના ત્રીજા વર્ષમાં છે. તમારા બન્નેનો અભ્યાસ પુરો થાય એના પછી તારે એનો હાથ પકડીને તારા વતનમાં મગનભાઈના વ્યક્તિત્વને સેવારુપી શ્રધ્ધાંજલિ આપવા જવાનું છે."

આશા થોડી જરૂર શરમાઈ છતાંય નીચું તાકીને એ મોહનભાઈના પગ પાસે બેસી ગઈ.

સમયના સોનેરી વહેણમાં સરકતાં સરકતાં ડો. મયંક અને ડો. આશા, બન્ને પતિ પત્ની આજે મગનભાઈના સેવાધર્મને ઉજાળી રહ્યાં છે. મયંકના વતનમાં એમના આલીશાન ઘર પર સ્પષ્ટ અક્ષરોમા લખેલું દેખાય છે "મોહનભાઈની મમતા. "

લેખક- નટવરભાઈ રાવળદેવ

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."