જીવનસાથી
સોનલનાં લગ્નને એક જ દિવસની વાર હતી. આજે ૨૯ મે હતી. આજે તેની સાંજી હતી. સાથે જ તેનાં ભાઈની પણ સાંજી હતી. તેનાં દસ વર્ષનાં ભાઈ અંશુની જનોઈ પણ મોટીબેન સોનલના લગ્નને દિવસે જ હતી. સોનલનું સાસરાનું ગામ ત્રીસેક કિલોમીટર જેટલું જ દૂર હતું. ૨૯ તારીખે રાત્રે સોનલ અને તેનાં થનાર પતિ અખિલનાં ઘેર પણ દાંડિયારાસનું આયોજન કરવામાં આવેલું.
જીવનસાથી - નવલિકા
બંને પરિવારે મળીને કરેલાં આયોજન મુજબ સોનલને ઘેર દાંડિયારાસ રમાઈ ગયાં પછી અખિલને ઘેર સોનલને તેડી જવાનું નક્કી કરેલું. એ આયોજન પ્રમાણે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સોનલના દેર મહેશ અને નણંદ લીના, સોનલ અને તેનાં કુટુંબી ભાઈ-બહેનોને પણ તેડી ગયાં.
સોનેરી ચણીયાચોલીમાં સોનલ ઝાળાંહળા થઈ રહી હતી. લાંબા વાળની કરેલી હેર સ્ટાઈલમાં મોગરાની વેણી મહેકી રહી હતી. આગલે દિવસે કરાવેલું ફેશ્યલ અને મહેંદી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. તેને કારમાંથી ઉતરતી જોઈને અખિલનો મનમોર મન ભરીને ગહેકવા લાગ્યો.
પોતાની થનાર પત્નીને મળવા તેનું યુવાન મન થનગની રહ્યું હતું પણ મર્યાદા ચૂકે તે અખિલ નહીં! તેણે આંખોથી જ વ્હાલી પત્નીને #આવકાર આપ્યો. સોનલે પણ આંખો વડે જ તેનો જવાબ આપ્યો.
સોનલે સૌને મળી લીધું એટલે તેની નણંદ તેને ઘરમાં લઈ ગઈ. મહેમાનો સૌ મંડપમાં હતાં. ત્યાં જ અખિલ પણ પહોંચી ગયો. તેને ત્યાં આવેલો જોઈને લીના બોલી, "મારો નવો ફોન પાક્કો ને, ભાઈ?"
"તેં અનુકૂળતા કરી આપી તો હું તારી માંગણી જરૂર પૂરી કરી આપીશ." અખિલે કહ્યું.
"પાંચ-સાત મિનિટથી વધુ સમય નહીં મળે હો, ભાઈ. ભાભી પર અમારો પણ હક્ક છે હોં!" લીનાએ અખિલને ચીડવ્યો.
"આજે હક્ક કરી લો બધાં. પછી કાલથી મારો એકલાંનો જ હક્ક. સમજીને? હવે જઈશ અહીંથી?" અખિલ પણ મશ્કરીના મૂડમાં બોલ્યો.
લીના ભાઈને અંગૂઠો બતાવતી બહાર ચાલી ગઈ. સોનલ ભાઈ-બહેનની આ મીઠડી નોંક-ઝોંક માણી રહી.
અખિલે તેનો હાથ પોતાનાં હાથમાં લઈ કહ્યું, "આજે આટલી સુંદર લાગે છે તો કાલે દુલ્હનનાં રૂપમાં તો કહેર જ વર્તાવીશને?" સોનલ શરમથી નીચું જોઈ ગઈ. અખિલ ફરી કહેવા લાગ્યો. "આપણું નવું જીવન શરૂ થવામાં અને તારા મીસીસ અખિલ ત્રિવેદી બનવામાં હવે ગણતરીનાં કલાકો જ બાકી છે. તો પણ આ એક રાત પસાર નથી થતી. એવું લાગે છે કે સમય બહુ ધીમે ચાલી રહ્યો છે. મારું ચાલે તો તને આજે પાછી તારે ઘેર જવા જ ન દઉં."
"બહુ ઉતાવળા ન થશો. ધીરજનાં ફળ હંમેશા મીઠાં." સોનલ ટહુકી.
"પણ ધીરજ કેમ રાખું તે શીખવતી જજે, બસ." અખિલ બોલ્યો.
બંને એકબીજાને નેહભરી નજરે જોઈ રહ્યાં. લગ્નજીવનનાં મધુર સપનાં બંનેની આંખોમાં ડોકાઈ રહ્યાં હતાં. ત્યાં તો દાદાજીની અદાથી ખોંખારો ખાતી લીના પ્રવેશી. અખિલ સોનલથી જરા દૂર હટી ગયો.
"ચાલો, બંને હવે દાંડિયા રાસ રમીએ. પાછું ભાભીને મૂકવા જવાનું મોડું થશે. સવારમાં સાત વાગ્યે જાન લઈને નીકળવાનું છે." લીના ઉવાચ.
પછી તો અખિલ, સોનલ અને સૌ મહેમાનોએ મન ભરીને દાંડિયા રમ્યાં. પછી વારો આવ્યો ફેર ફુદરડી ફરવાનો. સૌને સોનલ સાથે ફૂદરડી ફરવી હતી. સોનલ બહુ થાકી ગઈ પણ તે કોઈનું મન ભાંગવા માંગતી ન હતી એટલે એક પછી એક બધાં જોડે ફૂદરડી ફર્યા કરતી હતી.
વરરાજો હોવા છતાં અખિલનો વારો સૌથી છેલ્લો આવ્યો! તે સમજી ગયેલો કે સોનલ બહુ થાકી ગઈ છે એટલે તેણે સોનલને ના પાડી પણ સોનલ માની નહીં. તેણે ધીમેકથી કહ્યું. "તમારી સાથે જ ફૂદરડી ન ફરું એમ કેમ ચાલે? મને બહુ ઈચ્છા છે. મારી ઈચ્છા પૂરી નહીં કરો?"
અખિલ ના ન પાડી શક્યો. બંને ખૂબ ફૂદરડી ફર્યા. સોનલને ચક્કર આવી ગયાં પણ અખિલે તેને સંભાળી લીધી. ટેકો આપીને સોફા પર બેસાડી દીધી. બધાં દોડી આવ્યાં. લીના તરત લીંબુ શરબત બનાવી લાવી. થોડીવારમાં તો સોનલને સારું થઈ ગયું. પછી સર્વેની રજા લઈને સોનલ પોતાને ઘેર ગઈ.
બીજાં દિવસનું મંગલ પ્રભાત થયું. સવારનાં છ વાગ્યા સુધીમાં સોનલને અખિલના બે કોલ અને ઘણાં બધાં ફોટોઝ તથા મેસેજીસ આવી ગયાં. છેલ્લો મેસેજ અને ફોટો અખિલે જાન-પ્રસ્થાનનો મોકલ્યો. સોનલ દુલ્હન બનીને અખિલની રાહ જોઈ રહી હતી. સાત વાગ્યે નીકળેલી જાન નવ વાગ્યાં સુધી માંડવે પહોંચી નહીં એટલે સોનલનાં ઘરનાં સર્વેને ચિંતા થઈ રહી હતી. બંને શહેરો વચ્ચે માત્ર ત્રીસ કિલોમીટરનું અંતર હતું. એટલે આટલી બધી વાર લાગવી જોઈએ નહીં પણ જાનનો કોઈ પત્તો ન હતો.
સોનલનાં ઘરનાંએ ઘણાં બધાં કોલ કર્યા પણ કોલ રિસીવ ન થયાં. સોનલને પણ અખિલના મેસેજીસ આવતાં બંધ થઈ ગયાં. સાથે જ સોનલે અખિલને કરેલાં મેસેજીસ જતાં ન હતાં અને કોલ લાગતાં ન હતાં. આથી સોનલ રડું રડું થઈ ગઈ હતી. બધાં ચિંતામાં હતાં.
આખરે સોનલના પપ્પાને અખિલના પપ્પાનો કોલ આવ્યો. તેમણે જણાવ્યું કે તેઓ સોનલના શહેરમાં પહોચ્યા અને અખિલની કારને તાજાં ગુલાબનાં ફૂલોથી શણગારવા માટે હાઈવે પર ઊભી રાખેલી. ત્યાં કોઈક ટ્રકે કારને હડફેટે લીધી અને અખિલને પગમાં ખૂબ વાગી જતાં તે ત્યાં જ બેહોશ થઈ ગયો. તેને સોનલનાં જ શહેરની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
તેની સાથે કારમાં રહેલાં તેનાં બે મિત્રોને પણ સારું એવું વાગ્યું હતું પણ સૌથી વધુ ઈજા અખિલને થયેલી. આ સાંભળીને સોનલ મોટે સાદે રડવા લાગી. તેણે પોતાનાં બધાં શણગાર ઉતારી નાંખ્યા અને મારતી કારે માતા-પિતા સાથે હોસ્પિટલ પહોંચી.
તેમનાં પહોંચ્યાં પહેલાં જ અખિલને ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલાં. બે કલાકનાં ઈન્તજાર બાદ ડોક્ટર બહાર આવ્યાં. હાજર રહેલાં સૌ ડોક્ટરને ઘેરી વળ્યાં.
અખિલનો જીવ તો બચી ગયો પણ જમણો પગનો પંજો કાપવો પડ્યો .... ડોક્ટરની આ વાત સાંભળીને સોનલને મૂર્છા આવી ગઈ. ડોકટરી સારવાર બાદ કલાક પછી તેને ભાન આવ્યું ત્યારે તેનું રૂદન સૌનાં કાળજાં કંપાવી રહ્યું. અખિલના સ્વજનોનું કરુણ રૂદન અને સોનલ તથા તેનાં સ્વજનોનો વલોપાત જોવાય તેવો ન હતો!
અખિલને બીજે દિવસે સવારે સરખું ભાન આવ્યું. તેણે આંખો ખોલી તો તેની નજર, પોતાનાં પગ પાસે ઊભેલી સોનલ પર પડી. સોનલની આંખો ઉજાગરા અને રૂદનથી લાલ થઈ ગઈ હતી. અખિલે પોતાનાં માતા-પિતા અને ભાઈ બહેનને મળી લીધાં બાદ સોનલને એકાંતમાં મળવા માંગે છે તેવું કહેતાં, સર્વે ઊઠીને બહાર ચાલ્યાં ગયાં.
સોનલે અખિલનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો. પોતાનાં પતિની હાલતથી દુઃખી સોનલ અને પોતાનાં સપનાં તૂટી જવાનાં દુઃખથી દુઃખી અખિલ, એકબીજાને જોતાં જોતાં ખૂબ રડ્યાં. આખરે અખિલે થોડી માનસિક સ્વસ્થતા કેળવતાં સોનલને કહ્યું, "સોનલ, મારી એક વાત માનશે?"
"બોલો ને. શું કહેવું છે તમારે?" સોનલે પૂછ્યું.
"તું કોઈ બીજાં જોડે લગ્ન કરી લે, સોનલ. હું રાજીખુશી તને રજા આપું છે. મારાં જેવાં લંગડા માણસ જોડે પરણીને તારી જીંદગી શા માટે બરબાદ કરે તું? તારા એકેય સપનાં હવે હું પૂરા નહીં કરી શકું કે નહીં તને કોઈ સુખ આપી શકું. હું તારા પર જીવનભર બોજ બની રહીશ. માટે તું બીજાં યોગ્ય વ્યક્તિ જોડે પરણી જા. મારાં મમ્મી-પપ્પા પણ એમ જ કહે છે."
આ સાંભળી સોનલ સ્તબ્ધ થઈ ગઈ! તેણે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો. "શું આ અકસ્માત મારી જોડે થયો હોત અને મારો હાથ કે પગ કપાઈ ગયો હોત તો શું તમે મને છોડીને બીજી છોકરી જોડે લગ્ન કરત?"
"બિલ્કુલ નહીં." અખિલ બોલી ઉઠયો.
"બસ, તો હવે તમને તમારી વાતનો જવાબ મળી ગયો હશે." સોનલ બોલી.
અખિલના માતા-પિતાએ સોનલને ઘણું સમજાવી પણ સોનલે કહી દીધું કે હું મનથી અખિલને વરી ચૂકી છું. હવે એક ભવમાં બે ભવ હું કરવા નથી માંગતી. જીવનસાથીનો મતલબ એ કે તે જીવનભર સાથ નિભાવે. તે પણ કોઈ શરતો વગર.
આખરે દોઢ મહિના પછી બંને પક્ષનાં અંગત સ્વજનોની હાજરીમાં અખિલ અને સોનલે મંદિરમાં લગ્ન કર્યા. હસ્તમેળાપ પછી જયારે ગોર મહારાજે ફેરા ફરવા માટે ઉભાં થવાનું કહ્યું. એટલે અખિલે બાજુમાં રાખેલી બગલધોડી ઉપાડી પણ સોનલે તે પાછી મૂકાવી દીધી.
સાથે જ કહ્યું, "અખિલ, આજથી આને રજા આપી દઈએ. હવે હું છું ને તમારી જીવનસંગિની."
પછી સોનલે અખિલને ટેકો આપ્યો અને બંનેએ ચાર ફેરા ફર્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલી એક પણ આંખ કોરી ન રહી શકી.
• ભગવતી પંચમતીયા ‘રોશની’
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
