બહુરુપી (Bahurupi)

Related

# બહુરુપી .... [ સત્યધટના ...]
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામા એક શ્રીમંત જૈન પરિવાર હતું. પરિવારમાં શેઠ, શેઠાણી અને તેમનો એકનો એક દિકરો હતા. તેઓનો વારસાગત વેપાર બન્ને બાપ-દિકરો સાથે એક આગવી સૂઝબૂઝ સાથે ચલાવતા હતા અને સાથોસાથ સુખ, શાંતિમય, તેમજ ધર્મમય જીંદગી જીવી રહ્યા હતા.


#આવકાર
બહુરૂપી

શેઠના નિત્યક્રમ રૂપે રોજ સવારે હજારો રુપિયાનુ દાન-પુણ્ય કરી, દેરાસર પુજાપાઠ તેમજ મહારાજ સાહેબને ખમાસણા કરીને જ પોતાની પેઢીએ જવાની ટેવ હતી. આમ તો, શેઠજીએ તેમના વેપાર ધંધાનો કારોબાર દિકરા પર જ નાખી દિધેલો હતો અને તેઓ વધુને વધુ યાત્રાઓ, તેમજ ધર્મકાર્યમા જ રચ્યા-પચ્યા રેહતા હતા.

શેઠજીનું સદર કર્મ ઘણા વર્ષો ચાલ્યુ પણ એક દિવસ શેઠજીની તબિયત અચાનક ખરાબ થઈ. તેઓએ પથારી પકડી લીધી. શેઠજીનો દીકરો સુરેન્દ્રનગર શહેરની મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો. લાંબો સમય દવાખાને રહ્યા પછી પણ ડોકટરને તેમની બિમારી વિશે ચોકકસ નિદાન પકડાયું નહીં. દિવસેને દિવસે શેઠની તબિયત વધુ બગડતી ગઈ. તેણે ખોરોક લેવાનું પણ બંધ કરી દીધું.

શરીરમા વધુને વધુ નબળાઈ વધતી ગઈ. ત્યારે એક દિવસ ડોકટર સાહેબે શેઠજીના દીકરાને કેબીનમાં બોલાવી કહ્યું, "અમે શહેર માંથી પણ સ્પેશિયલ ડોકટરો બોલાવીને શરીરનુ ચેકેઅપ કર્યુ, તેમ છતાં શેઠજીની બીમારી વિશે કઈ જાણવા મળ્યું નથી. તેના બધાજ રીપોર્ટ નોર્મલ આવ્યા. તેથી હોસ્પિટલનો ખર્ચ વધારવો તેના કરતાં શેઠજીને તમે ઘરે લઈ જાવ અને સેવાચાકરી ઘરે જ કરો. તેમની કોઈ અંતિમ ઈચ્છાના લીધે જ તેઓ આ અવસ્થામાં આવી પહોચ્યા છે. તેઓ નથી સાજા થઇ રહ્યા કે નથી જીવ છુટતો. અમારી ટીમે સપૂર્ણ પ્રયાસો કરી લીધા હવે તેમનું શેષ જીવન ઈશ્વર ભરોશે જ છે.”

શેઠજીનો દીકરો નિરાશા સાથે શેઠજીને ઘરે લઇ આવ્યો. તેમની સેવા ચાકરી પણ પુરા સમર્પણ ભાવે કરવા લાગ્યો. તેઓના કોઈ સગાંએ કહ્યું એ મુજબ સાધુ-સંત-ઓલીયાનો સંપર્ક કરી જુવો કઈ રસ્તો મળે તો શેઠજી નો જીવ અરીહંત શરણે જાય.

ચોમાસાની સીઝનની એક સવારે શેઠજીની તબિયત વધુ બગડી. નજીક એક સગાવા'લા વડીલે કહ્યું, ”બેટા તારા પપ્પાની તબિયત વધુ ખરાબ થતી જાય છે. તેમના સુકાયેલા નબળા શરીરને જોતા એવુ લાગે છે કે તેઓ બે-ત્રણ દિવસમાં અરિહંત શરણે જતા રેહશે.” વડીલના શબ્દો સાંભળતા જ દીકરાની આંખો લાગણીશીલ બની અને તેમાંથી દડદડ આંસુઓ વહેવા લાગ્યા.

શેઠજીની પાસે આવીને તેમનો દિકરો બોલ્યો, “પપ્પા તમે ઘણા સમયથી ખાધાં-પીધાં વિના આમજ પથારીવશ છો તમારુ આ દુ:ખ અમારાથી જોવાતુ નથી. તમારી જે પણ ઈચ્છા હશે એ હુ પુરી કરીશ.”

શેઠજીની ક્ષિણ આંખોમાંથી આંસુઓ વેહવા લાગ્યા. દિકરાને અને તેમની પત્નીની સામુ જોઈને બોલ્યા, “ હું બીમાર પડ્યો ત્યારથી ઘણો સમય વિત્યો હું મહારાજ સાહેબના દર્શન નથી કરી શક્યો. મારે મહારાજ સાહેબને સાતા પુછી ખમાસણા કરવા છે. તો ઉપાશ્રાયે જઈને મહારાજ સાહેબના ઘરે પગલા કરાવ તેમના દર્શન કરીશ તો મને મુકતિ મળી જશે.”

શેઠજીનો દિકરો અશ્રુભીની આંખે તુરંત જ ઉપાશ્રાય તરફ દોટ મુકી. પરંતુ ત્યારે ઉપાશ્રાયમાં કોઈ પણ મહારાજ હાજર ન હતા. ચોમાસાની સીઝન એટલે વઢવાણમાં કોઈ મહારાજનુ ચાતુર્માસ હતુ નહી. નિરાશ દિકરો ઉપાશ્રાયના બહાર ઓટલા પર બેઠો અને ખુબ રડ્યો. “હું કેવો કમનસીબ દિકરો છું મારા બાપૂજીની અંતિમ ઈચ્છા પણ પુરી કરી શકુ તેમ નથી.” હવે શુ કરવુ એ વિચારમાં બેઠો હતો ત્યાં તેની નજર બજારમાં ફરતા વિવિધ વેશભૂષા ભજવી લોક મનોરંજન પુરૂ પાડતા બહુરુપી પર પડી.

શેઠજીના દિકરાને ઈશ્વર તરફથી કોઈ સંકેત થયો હોય એવી રીતે તેણે મનોમન વિચાર કર્યો. તેણે બહુરુપીને પોતાની પાસે બોલવી બાપુજીની અવદશા અને ઈચ્છા વિશે વાત કરી. મહારાજ સાહેબનો વેશ ભજવી ઘરે પધારવા આજીજી કરી અને કહ્યું, “ આપ મહારાજ સાહેબનો વેશ ધરી અમારે ઘરે પધારો. હું આપનો જીવનભર આભારી રહીશ. તેના માટે તમે માંગશો એટલા રૂપિયા આપીશ.”

શેઠના દીકરાને કરગરતા જોઈ બહુરુપીના મનમાં લાલચ જાગી અને કહ્યું, “હુ વેશ ભજવવા તૈયાર છું પણ વેશ ભજવવા માટે હું પુરા દસ હજાર રૂપિયા લઈશ તેમજ પાંચ હજાર રૂપિયા બાના પેટે અત્યારે જ આપવા પડશે. જેથી વેશ ભજવવા જરૂરી વસ્તુઓની ખરીદી કરવી પડે.” લાલચુ બહુરુપી શેઠજી દીકરાની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યો હતો અને તે જાણતો હતો કે વેશ ભજવવાના માંગ્યા રૂપિયા મળશે. શેઠજીના દિકરાએ તુરંત જ પાકીટ માંથી પાંચ હજાર રૂપિયા ગણી બહુરુપીને આપ્યા.

શેઠના દિકરા માટે તેમના પિતાજીની ઈચ્છા પૂરી કરવી એ જ કેન્દ્ર સ્થાને હતું. તે ખુશ થતાં સહજ બોલી ગયો, “ દસ હજાર નહી તુ માંગીશ એટલા રૂપિયા આપીશ, જો મહારાજ સાહેબનો વેશ ધારણ કરી મારા પિતાજીની સામે આવીશ.”

બીજા દિવસે સવારે આઠ વાગે આવી જવાની સહમતી દર્શાવી બંને છુટા પડ્યા. શેઠજીનો દિકરો હરખાતો ઘરે આવ્યો અને પિતાજી પાસે પહોચી કહ્યું, “મહારાજ સાહેબ સવારે નવકારશીની ગોચરી માટે પગલા કરશે.” જે સાંભળી શેઠજીના મુખ પર એક અલૌકિક પ્રશ્નતા વ્યાપી ગઈ. તેઓ પ્રશ્ન વદન સાથે આંખો મીંચી બીજા દિવસની રાહ જોતા સુઈ ગયા.

સવાર પડતા વઢવાણની બજારમાંથી મહારાજ સાહેબ નિકળ્યાને ઉભી બજારમાંથી તમામ જૈન સમાજના લોકો રસ્તા પર જ નમવા પડાપડી થવા લાગી. બહુરુપી મહારાજ સાહેબના વેશભૂષામાં શેઠના ઘર પાસે આવી ને બોલ્યા, “ધર્મલાભ.... ધર્મલાભ..... “ જે સાંભળી શેઠજીના દિકરાએ દરવાજા તરફ દોટ મુકી. માન-સન્માન સાથે તેમને ગ્રહપ્રવેશ કરાવી શેઠની પથારી પાસે જઈ ગયા.

આબેહૂબ વેશભૂષાના લીધે સાક્ષાત મહારાજ સાહેબ સામે ઉભા જોઈ શેઠજી પ્રશન્ન થઇ ગયા. તે પથારીમાંથી જ મહારાજ સાહેબને પગે લાગ્યા. બહુરૂપી શેઠ સાહેબના કાન પાસે આવી મોટા અવાજે નવકાર મંત્રના જાપ શરુ કર્યા ..

ॐ નમો : અરિહંતાણં
ॐ નમો: સિધ્ધાણં
ॐ નમો :આયરિયાણં
ॐ નમો: ઉવ્વજ્ઝાયણં
ॐ નમો: લોએ સવ્વસાહુણં
એસો પંચનમુક્કરો, સવ્વપાવપ્પણાસણો
મંગલામં ચ સવ્વેસિ, પઢમં હવઈ મંગલં 


નવકારમંત્રનો જાપ પુરો થતાં જ શેઠજીની આંખો અંતરના ઊંડાણમાં સ્થિર થઇ. આત્મા શ્રીમહાવીર ભગવાનના શરણે જતો રહ્યો. રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. શેઠજીના શાંત શરીર અને મુખ પરની આભા જોઈ બહુરૂપી પોતે જ દિગ્મૂઢ થઇ ગયો.

બહુરૂપી શેઠના આલીશાન બંગલાની બહાર નીકળી ગયો. શેઠનો દિકરો તેમની પાછળ જઈ તેના પગમા પડી ગયો. તેઓ વચ્ચે નક્કી થયેલા દસ હજારને બદલે એકલાખ રૂપિયા બહુરુપીની સામે ધર્યા. અવાચક બનેલા બહુરુપી એ કહ્યું, “ ભાઈ..મારે હવે તારા પૈસા નથી જોઈતા. આજે આ શ્વેત વસ્ત્રો દ્વારા જો કોઈનું ભલું થતું હોય તો તેના વડે મારો ઉદ્ધાર પણ ચોક્કસ થશે જ. અત્યારે સુધી હું અવનવી વેશભૂષા ધારણ કરી હું મારૂ પેટ્યું રળતો હતો. પણ આજની આ વેશભૂષા હવે આજીવન ધારણ કરી રાખીશ અને હું મારી આત્માનો ઉદ્ધાર કરીશ.

બહુરુપી હંમેશ માટે જૈન સમાજના સાધ્વી સમુદાયમા વિધિવત ભળી ગયા.

એક બહુરુપી એ તેનુ અને શેઠની આત્માનુ કલ્યાણ થયુ એટલે આ સ્તવન ચોકકસ યાદ આવી ગયુ :

તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, મને લઈ જા પ્રભુ તારા ધામમાં;
તારું શરણું પ્રભુજી, સ્વીકારું છું, મને લઈ જા પ્રભુ તારા ધામમાં
લાવી ઘો નૈયા પ્રભુજી કિનારે, ફસાયો છું હું પ્રભુજી આ ચકરાવે 
મારા તારણહાર મને તારી લ્યો ... મને લઈ જા પ્રભુ .....

અંહી શેઠ ની અંતિમ વિધી પતાવીને શેઠના નામથી બહુજ દાન પુણ્યને નવા જિનાલય ને ઉપાશ્રાય મા તેમનો દિકરો પુણ્યનુ ભાથુ બાધી ને હસી ખુશી થી વિતેલા દિવસો પસાર કરે છે. ...જયજિનેદ્ર...⚘

                      ✍🏻સંજય ભટ્ટ.."ખુશ"
[ આ સત્ય ઘટના. જગદીશ ત્રિવેદીના એક વિડીયો માંથી ]

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post