માં નું ઓશીકું (Maa Nu Oshiku)

Related

માં નું ઓશીકું...." 

******************સાંઈરામ દવે
(ગુજરાતની તમામ માતાઓને એક પ્રેમાળ પત્ર)
પ્રિય મમ્મી, મોબાઈલમાં લાગણીઓ વ્યક્ત નથી થતી માટે પત્ર લખી રહિ છું. આજે તને પત્ર લખવાના આમ તો ઘણા બધાં કારણ છે અને આમજુઓ તો કોઈ કારણ નથી. સમય બદલાયો છે પણ સમય સાથે મા થોડી બદલે? હા, તારી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થા જરૂર બદલી છે. ટીપીકલ સાડીમાંથી તું ડ્રેસ પહેરવા લાગી છો તેનો આનંદ છે.

#આવકાર
માં નું ઓશીકું

ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીઓને સ્કુટી પર બંબાટ જાતા જોઉં ત્યારે થાય કે નક્કી આ મમ્મી તેના સંતાનને લેવા કે મૂકવા જતી હશે. કોઈ ગેસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, કોઈ તેના વૃદ્ધ સ્વજનની વ્યવસ્થા સાચવવા ભાગમ ભાગ કરતી હશે. મા હંમેશા બીજાને માટે દોડે છે. પરિવારને જોડે છે. સ્વસુખને છોડે છે, . ડ્રેસકોડ ચેંજ થયા છે પરંતુ માની ચિંતા તો એવી ને એવી જ રહી.

આ પત્ર દ્વારા ગુજરાતની તમામ માતાઓને મારે ખાસ એક બે વાત કરવી છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ન જતા પ્લીઝ!

તમે તમારી તંદુરસ્તી માટે સભાન રહેજો. તમારા સંતાનોની બધી લક્ષ્મી તમને સાજા કરવામાં વપરાશે. મહેરબાની કરીને જેટલા વરસ તમને થયા હોય, એટલી મિનિટ તમે તમારા સ્વાસ્થ્ય માટે કાઢજો.

પરિવારજનોને ગરમાગરમ જમાડી ગરવામાં રાખેલી બપોરની રોટલી ન ખાતા. જવાબદારીઓની બાણશૈયા વચ્ચે જીવવાનું ભૂલી ન જાતી મમ્મી! તારી હાથે બનાવેલી દાળ લાજવાબ જ હોય છે. પણ ઘરના પાત્રો ઘણી બધી વાર જમતી વખતે વાતું કરવામાં દાળના વખાણ જ ભૂલી ગયા છીએ. પણ અમે એ દાળનો સ્વાદ બિરદાવવાનું પણ ભૂલ્યા છીએ, ક્ષમા! સ્વાદિષ્ટ દાળ તારા માટે જ વધતી નહોતી અને તું કદી અમને જાણ પણ થવા દેતી નહોતી. જાજાભાગે તું સૌને જમાડીને છેલ્લે જમતી. તને આગ્રહ કરીને જમાડે એવું ઘરમાં કોઈ નહોતું. કદાચ તારી કુંડળીમાં આ-ગ્રહ નહી હોય. તે સહેલા રસોડાના તાપ સામે અમે સહેલો તડકો ક્ષુલ્લક છે. અમારા બાળોતીયાથી બ્લેઝર સુધીની યાત્રાની તુ સાક્ષી છો.

પરિવારના દરેક સવાલનો તારી પાસે જવાબ હોવા છતાં તે મૌન રહી સહન કર્યું તેથી જ પરિવાર તૂટતા બચી ગયો. જો કે તેના માટે તારો કોઈએ વિશેષ સન્માન ના કર્યું. અને તું પણ ક્યાં કોઈ શિલ્ડ કે શાલની મોહતાજ! સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ આ જગતમાં હજી સુધી બન્યું જ નથી. સૌની રાહ જોઈ જોઈ તું સ્વયં પ્રતીક્ષાસ્વરૂપ થઈ ગઈ. બસ એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તારો પ્રેમાળ સ્વભાવ આગળ જતા તને પાર્કિન્સન પ્લસના ઘાતકી સ્ટેજ પર ન લઈ જાય એ જોજે! સંતાનો માટે કરેલા ઉજાગરા તને માઈગ્રેન ન લાવી દે માટે ચેતજે! તારી લાગણી હાઈ બી.પી.ની નાગણી થઈને તને જ ડંશ ન આપે એ માટે સભાન રહેજે! તમામને સારું જીવન આપવામાં તે તારું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના જાળામાં ગૂંથાયેલી હે જનેતા! તું થોડું થોડું તારા માટે જીવતી જાજે! ગાતી રહેજે અને અરીસાની સામે છાની મુની તૈયાર થઈને ક્યારેક શરમાતી રહેજે.

મા પરિવાર ઉપર મુશ્કેલીનું આભ તૂટતું, ત્યારે તારામાં સુપરવુમન જેવો પાવર ક્યાંથી આવી જતો? તકલીફો વચ્ચે ફૂલ જેવી કોમળ માતા, વિધાતાની સામે જંગ છેડી દે! અહો આશ્ચર્યમ!

મા, તારા જીવનના પહેલા વીસ વરસ તું તારા પપ્પાથી ડરીને જીવી, પછીના પચ્ચીસ વરસ મારા પપ્પાથી ડર તારી અંદર નથી પેઠો. તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ એ ડરના કૂવામાંથી તારી જાતને બહાર કાઢ. મા તું અદ્દભુત છો! ભલે અમારા અસ્તિત્વનું કારણ તું છો. પણ મા તારું પણ અસ્તિત્વ છે હો! તું તને પણ પ્રાયોરિટીમાં ક્યારેક મુકજે!

મમ્મી! આ હું તને લખું છું પરંતુ હું એ પણ જાણું છું કે તું કાંઈ સોફ્ટવેર નથી કે અપડેટ થઇને ફરી રિસ્ટાર્ટ થઈ શકે. કારણ તું સ્વયં સોફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે પણ તારી ખુશી? તું વિચાર જે! મા જેના માટે તે તારી આખી જાત બદલાવી તેને તારા માટે સ્વભાવ શુધ્ધા નથી બદલાવ્યો. ખેર! તને પાછો એ વાતનો અફસોસ પણ નથી.

સંતાનો જેવો મોંઘોદાટ ફોન ભલે ન ખરીદે પણ એના ફોનમાંથી એકાદ બે તારી જૂની બહેનપણીઓને વીડિયો કોલ તો કરજે. તું 3310 ફોનમાં પણ ખુશ છો. કારણ કે તારે સંતાનોને ફોન કરવાના હોય છે. તારી અંદર ચિંતાની એવી ફિલ્લમ નોનસ્ટોપ ચાલતી હોવાથી તને બોલિવૂડ આકર્ષતું નથી. હજુ નાનો દીકરો જમવાનો બાકી છે; અને મોટો કેમ આજે ઓછું જમ્યો? અથવા તો કાલે દીકરીની બેનપણીઓ માટે શું બનાવવું? બસ સતત આવી જ ચર્ચા અને ચિંતન તારી પ્રકૃતિ બની ગઈ છે. પરિણામે ટી.વી.ની એકપણ સીરીયલ તને સોફા પર સ્થિર નથી કરી શકતી.

દીકરાનો ભાવ પણ તે જોયો અને વહુ આવતા બદલાતો સ્વભાવ પણ...! મા તને આ ઘરમાં કોઈ ન ઓળખી શકે. સિવાય એક તારું ઓશીકું. તારા બેડરૂમનું એ ઓશીકું જ જાણે છે કે તું કોના માટે, ક્યા મુદ્દા પર કેટલીવાર રડી છો? સાચું કહું તો આ પત્ર લખવાની પ્રેરણા પણ તારા ઓશિકાને સ્પર્શ્યા પછી જ મને મળી છે.

હું આજના સંતાનોને પણ કહું છું કે તમારા ઘરમાં હાલતી-ચાલતી અને બોલતી મા હોય તો તેની સાથે થોડો સમય વિતાવજો. મા પાસે હવે જાજો સમય નહી હોય! માનુ ઓશીકું મારે મન તીર્થસ્થાન છે. મા ફોટો બની જાય એ પહેલાં તેને ફાંટુ ભરીને વહાલ આપજો. એકાદી મુવી મમ્મી સાથે જોજો. મમ્મી-પપ્પાને સમ દઈને નવા કપડાં પહેરાવી, નવા ફોન સાથે તેમના બર્થ ડે ઉજવજો. તેની સાથે જુના ગીતોની અંતાક્ષરી રમજો અને તેમાં મમ્મીને જીતવા દેજો. માના બાળપણના પ્રસંગો એની મોઢે સાંભળજો.

‘ક્યાં પહોંચ્યો બેટા? તેં જમી લીધું?’ આવા એકના એક સવાલ મા જ્યારે પણ પૂછે ત્યારે સ્હેજ પણ પિત્તો ગુમાવ્યા વગર તેને સંતોષકારક જવાબ આપજો. કારણકે મા તિથિ અને ચોઘડિયા જોઈને મૌન નથી થાતી. માતૃત્વના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કને અનુભવી શકશો. મા કદી કોઈ દીવસની મહોતાજ નથી કારણકે માને યાદ કરો એ પ્રત્યેક દિન ‘મધર્સ ડે’ છે.
             લી. એક મૌન થયેલી માના દીકરા વતી જગતની તમામ માતાઓને વંદન.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post