કર્મ નું ભાથું .."(Karm Nu Bhathu)

# કર્મ નું ભાથું.." (હૃદયનાં તાર ઝણઝણાવી દે તેવી વાત 👩‍❤️‍👨💗💓) ____________________
પાંચ દિવસની બીમારીના સમયમાં સંપૂર્ણ આરામ કરવાનો, જાત સાથે વાત કરવાનો અને વીતેલી જિંદગીમાં ડોકિયું કરવાનો સુંદર સમય મળ્યો. હજારો ઘટનાઓ એવી છે, જે મને જિંદગી જીવવાનું બળ આપે છે. મારામાં જે કંઈ થોડી - ઘણી સાત્વિકતા છે એનું કારણ આવી ઘટનાઓ છે..""

AVAKARNEWS
કર્મનું ભાથું 

થોડા વર્ષો પહેલા અમદાવાદથી વીસેક કીમી. દૂર આવેલી અપંગ બાળકીઓની એક સંસ્થાની મુલાકાતે ગયો હતો. ત્યાં લગભગ સાડા ચારસો જેટલી દીકરીઓ સંચાલિકા બહેનશ્રીની હૂંફ નીચે જિંદગીનો ધબકાર જીવી રહી છે. અઢીસો ત્રણસો જેટલી પોલિયો ગ્રસ્ત દીકરીઓ છે જેઓ ચાલી શકતી નથી. આ પાંખ વિનાની પારેવડીઓ ઉપરાંત કેટલીક મૂક બધિર દીકરીઓ પણ છે અને પચીસેક જેટલી મંદ બુદ્ધિની દીકરીઓ પણ છે.

આ મંદ બુદ્ધિની દીકરીઓને આપણે માનસિક દિવ્યાંગ કહી શકીએ. હું એમને ગાંડી કે પાગલ હરગીઝ નહીં કહું. તેઓ પોતાની અલગ જ દુનિયામાં મસ્તીમાં રહેતી હોય છે. આવી દીકરીઓને સાચવવાનું કામ ખુબ જ કપરું છે. ગમે ત્યારે એમના આવાસમાંથી નીકળીને સંસ્થાના ઝાંપાની બહાર નીકળી જાય તો એમને પાછા ફરતાં પણ ન આવડે. એમની માનસિક સ્થિતિનો ગેરલાભ લઈને કોઈ દુષ્ટ સ્ત્રી કે પુરૂષ એને ભોળવી જાય અને ભિખારી બનાવી દે તેવું પણ બને. 

હું ગયો. મારી સાથે સંચાલિકા બહેનશ્રી પણ હતાં. જેવા અમે ઝાંપામાં પ્રવેશ કર્યો, એની સાથે જ ૫-૬ વર્ષની એક દીકરી આવી અને મને વળગી પડી. એને નવડાવી હોવા છતાં ય એ ગંદી થઈ ગઈ હતી. નાકમાંથી પાણી નીતરતું હતું, માથાના વાળ વિખરાયેલાં હતાં, ધૂળમાં અને માટીમાં રમવાથી હાથ અને પગ ગંદા થયેલાં હતાં. એ મારા જમણા હાથને એનાં બે હાથમાં પકડીને રડવા લાગી, "પપ્પા આવ્યા, પપ્પા આવ્યા.. પપ્પા તમે કેમ મોડા આવ્યાં? " 

હું આશ્ચર્ય પામ્યો. સંચાલિકા બહેને મને સમજાવ્યું, "સાહેબ, આ બાળકી અઠવાડિયાથી જ આવેલી છે. એનાં પપ્પા એને મૂકીને પાછા જતાં હતાં, ત્યારે એ સાથે જવા માટે રડતી હતી. એનાં પપ્પાએ વચન આપ્યું કે હુ આવતી કાલે આવીને તને લઈ જઈશ. ત્યારથી આ દીકરી રોજ બધાંને પૂછ્યા કરે છે કે મારાં પપ્પા ક્યારે આવશે? મારાં પપ્પા ક્યારે આવશે? સાહેબ, એ બિચારીને ખબર નથી કે એનાં પપ્પા ક્યારેય આવવાના નથી. આજે તમને જોઈને એને એવું લાગ્યું કે તમે એનાં પપ્પા છો. "

હું ખૂબ દુખી થઈ ગયો. આવી માનસિક રીતે વિક્ષિપ્ત કેટલી બધી દીકરીઓ હશે, જે દરેક પુરુષમાં પોતાનાં બાપને શોધી રહી હશે! એનાં આંસુથી અને નાકમાંથી ટપકતી લિંટથી મારા શર્ટની બાંય ખરડાઈ ગઈ હતી. સંચાલિકા બહેન સંકોચ પામ્યાં. મે કહ્યુ, " ચિંતા ન કરો, શર્ટતો ધોવાઈને પાછુ ચોખ્ખું થઈ જશે, પણ આ બાપ વગરની દીકરીના વહાલને ઝીલવા માટે કોઈકનો હાથ તો જોઈશે ને!" 

મેં એના પિતા હોવાનો અભિનય ચાલુ રાખ્યો. જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે એણે મને કહ્યું,"પપ્પા, પાછા ક્યારે આવશો? હવે પછી જ્યારે પણ આવો ત્યારે મારાં માટે બક્કલ, બંગડી અને નેઇલ પોલિશ લેતા આવજો. લાવશો ને?". મે હા પાડી. એણે મારો હાથ છોડતાં પહેલાં છેલ્લી માંગણી કરી."ફરીથી આવો ત્યારે મારી મમ્મીને પણ સાથે લેતા આવજો, નહીતર તમારી કિટ્ટા!"

ઘરે આવીને મે મારી પત્નીને કહ્યુ કે, આવતા રવિવારે આપણે ફરીથી એ સંસ્થાની મુલાકાતે જવાનું છે. આ વખતે તારે પણ સાથે આવવાનું છે. સ્મિતાને આશ્ચર્ય થયું કારણકે અમે બંને એકજ વ્યવસાયમાં હોવાથી ભાગ્યેજ સાથે જઇ શકતાં હોઈએ છીએ. એણે મને પ્રશ્નભરી આંખે પૂછ્યું," કેમ આ વખતે તમે મને પણ સાથે આવવાનું કહો છો?" મે જવાબ આપ્યો, "હું નથી કહેતો. બીજું કોઈ કહે છે." આટલું કહીને મે એ માનસિક દિવ્યાંગ દીકરી વિશેની વાત વર્ણવી દીધી. પત્ની સાથે આવવાં માટે તૈયાર થઇ ગઇ, પણ અમારે ક્યાં ખાલી હાથે જવાનું હતું?

બે દિવસ પછી હું રિલીફ રોડ પર એક હોલસેલના વેપારીની દુકાને ગયો. ત્યાં નાની છોકરીઓના સૌંદર્ય પ્રસાધનોની દરેક ચીજ વસ્તુઓ વેચાતી હતી. મે એને વિનંતી કરી, " માત્ર લિપસ્ટિક, નેઇલ પોલિશ,બંગડી કે બકકલ જ નહીં, ફેસ પાવડર, ક્રીમ, હેર પિન, માથાના વાળ માટે રીબીન, પગમાં પહેરવાના બનાવતી ઝાંઝર, સફેદ મેટલની વીંટી આ બધાનો એક સેટ તુ મને કાઢી આપ અને કેટલી કિંમત થશે એ તુ મને કહે."

એણે પચીસેક વસ્તુઓનો સેટ બનાવી આપ્યો, ભાવ તાલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. એક રૂપિયો પણ ઓછો નહી થાય એવુ કહી દીધુ. મે પણ બહુ રકઝક ન કરી. પચીસ બોક્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો. તેણે આશ્ચર્યથી પૂછ્યુ," તમારે આટલી બધી દીકરીઓ છે?" 

મે એને વાત કરી કે આમ જુઓ તો આ પચીસમાંથી એક પણ મારી દીકરી નથી અને જો બીજી નજરે વિચારીએ તો આ બધીજ દીકરીઓ મારી જ છે અને એ અર્થમાં તારી પણ છે. એ ભલા દુકાનદારે મને પચીસ બોક્સ તૈયાર કરી ને આપ્યા અને કિંમત પેટે એક પણ રૂપિયો ન લીધો. મે આગ્રહ કર્યો, તો મને ઠપકો આપ્યો. "સાહેબ, ગ્રાહકોને છેતરીને પાપ તો બહુ કરીએ છીએ. આટલુ પુણ્ય પણ કમાઈ લેવા દો ને!"

બીજા રવિવારે એ પચીસ બોક્સ લઈને હું અને મારા પત્ની ગયાં. એ છોકરી અમને જોઈને નાચવા લાગી.. પપ્પા આવ્યા..મમ્મીને લઈને આવ્યાં. એનાં ઉત્સાહનો પાર ન રહ્યો. એ સ્મિતાના જમણા હાથે વળગી પડી. સ્મિતાનાં હાથની ચામડી પર એની આંખ અને નાકનાં પાણીના રેલા વહી નીકળ્યાં. મે ક્ષમા યાચતી નજરથી સ્મિતાની સામે જોયું, સ્મિતાએ કહ્યું, " ચિંતા ન કરો. ઘરે જઈને સ્નાન કરી લઈશ. હાથ તો ચોખ્ખો થઈ જશે પણ આ દીકરીનું મન હલકું કરવા માટે એક મા પણ જોઈશે ને! એકલો બાપ થોડો ચાલશે?" #આવકાર™ 

🌹આપ બધા પણ પોતપોતાના વિસ્તારોમાં આ પવિત્ર કાર્ય અવશ્ય કરજો. આપણા નસીબમાં હશે એટલું આયુષ્ય ભોગવીને જ્યારે ઉપર જઈશું ત્યારે ભગવાન પૂછશે ," મે તને પૃથ્વી ઉપર મોકલ્યો હતો ત્યાં કોઈ પવિત્ર કાર્ય કરીને આવ્યો છે કે એમ જ ખાલી આંટો મારીને પાછો ફર્યો છે?" ત્યારે ખોંખારીને ભગવાનને જવાબ આપવા માટે આવા એક - બે પવિત્ર કાર્યો તમારા ખાતામાં જમા બોલતા હોવા જોઈએ..........✍🏼 અજ્ઞાત.🌺 🖊️___આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.""

વાંચ્યા પછી...  આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post