"કોઈ પણ કામ નાનું નથી.." (Koi Kam Nanu Nathi)

Related

"કોઈ પણ કામ નાનું નથી,બસ ઈમાનદારી થી કરો" ..🥹 _________________________
“બે કપ ચા લાવજે અને સાથે એક પ્લેટ ભજીયા. “ ખુરશી પર બેસતા મારા મિત્રએ નાનાં ઢાબા જેવી હોટેલ પર કામ કરતા છોટુ ને ઓર્ડર કર્યો. આજે એક કોલેજ માં પરિક્ષા લેવા જવાનું થયેલું. પરિક્ષા પૂરી થઇ અને કોલેજનાં પ્રોફેસર એવા મારા મિત્ર સાથે, કોલેજની બહાર ચા-નાસ્તો કરવા ગયા. નાનુ ટાઉન હતું, એટલે કોઈ મોટી રેસ્ટોરન્ટ કે હોટેલ તો આસપાસ નહોતી. મિત્ર સાથે ચા પીતા-પીતા નોકરીની, તથા શિક્ષણને લગતી વાતો કરવા લાગ્યા. ત્યાં નાસ્તો આપવા પેલો છોટુ આવ્યો.


#આવકાર
કોઈ પણ કામ નાનું નથી, બસ ઈમાનદારીથી કરો.

મારા મિત્રએ છોટુ ને પુછ્યું, “ રાજુ નથી દેખાતો?"

છોટુ બોલ્યો, “સાહેબ, રાજુભાઈ ગામ માં થોડો સામાન લેવા ગયા છે.”

મેં પ્રશ્નભરી નજરે મારા મિત્ર સામે જોયું. મિત્ર બોલ્યો, રાજુ એટલે રાજેશ તિવારી, આ લારીનો માલિક.. સરસ છોકરો છે... મળવા જેવો.. આવે એટલે મળાવું તમને. ...

અમે ચા અને ભજીયા ને ન્યાય આપી રહેલા, ત્યાં, મોટરસાયકલ પર, ૩૧-૩૨ વર્ષનો યુવાન આવ્યો. મોટરસાયકલ પાર્ક કરી સાથે લાવેલો સામાન છોટુને આપી મારા મિત્ર ની સામે જોઈ હસ્યો અને બોલ્યો, આવો સાહેબ, આજે બહુ દિવસે દેખાયા..!

મારા મિત્રએ માથું હલાવીને એનું અભિવાદન સ્વીકારી કહ્યું, રાજુ, આવ તને આ સાહેબ સાથે મળાવું...

રાજુ અમારી પાસે આવ્યો.. બોલ્યો, કેમ છો સાહેબ...? પરિક્ષા લેવા આવ્યા લાગો છો. કેમ લાગી અમારાં ચા અને નાસ્તો? રાજુનો પહેરવેશ શાલીન અને વાત કરવાની છટા પરથી એ કોઈ સારા અને સંસ્કારી ઘરનો લાગ્યો.

મેં મારા મિત્ર ને અંગ્રેજી માં કહ્યું, “ He seems decent person. ( આ વ્યકતી શાલીન લાગે છે.) “ રાજુ મારી સામે જોઈને હસ્યો અને બોલ્યો, "Thanks for your compliments. ( આપની પ્રસંશા બદલ આભાર.)”. હું તો એકદમ અવાક અને આશ્ચર્યનાં ભાવ સાથે મારા મિત્ર સામે જોઈ રહ્યો. મારો મિત્ર હસ્યો અને મને કહ્યું, સાહેબ, આ રાજુએ પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. 

મારાથી એકદમ પૂછાય ગયું,તો પછી કેમ આમ આ નાના ટાઉન માં આવી નાની હોટલ ચલાવે છે? કોઈ સારી નોકરી ના કરી? વલસાડ,સુરત અથવા વાપી માં તને નોકરી આરામથી મળી જાત.

મારો મિત્ર, હસીને રાજુ સામે જોઈને બોલ્યો, સાહેબ ને વાત કરો રાજુભાઈ.. જણાવો એમને કેમ તમે નોકરી નાં કરી...?

રાજુ ખુરશી ખેંચી ને અમારી સામે બેઠો. એની રીતભાત માં એક શાલીનતા હતી. મારી સામે જોઇને બોલ્યો, સાહેબ, વાત તો તમારી એકદમ સાચી. મારી પણ ઈચ્છા નોકરી કરવાનીજ હતી. પોસ્ટ-ગ્રેજ્યુએશન ફર્સ્ટ-ક્લાસ સાથે કરી નોકરીની ઘણી એપ્લીકલેશન કરી. મારા સપના પણ ઊંચા હતા. સ્વપ્ન હતું, ક્યાંક ઊંચા પગારે મને નોકરી આપવા બધા મારી રાહ જોઈનેજ બેઠા છે. જયારે નોકરી માટે એક પછી એક ઈન્ટરવ્યુ આપ્યા, ત્યારે મારા સપના ધીમે ધીમે તુટવા લાગ્યા. એમપણ નહોતું કે મને નોકરી નહોતી મળતી... ક્યાંક મને છ મહિના મફતમાં કામ કરવા જણાવ્યું, ક્યાંક મને પગાર ઓફર કરે, પણ એટલો ઓછો કે, આવવા-જવાનો ખર્ચ પણ ના પરવડે. 

રાજુનાં મોઢા પર હું થોડી નિરાશા જોઈ શક્યો. એણે આગળ વાત વધારતા કહ્યું, “ સાહેબ, નિરાશ થઇને આખરે એક નોકરી સ્વીકારી. સવારે ઘરેથી નીકળી રેલ્વે-સ્ટેશન પહોચવાનું, ત્યાંથી દોડીને ટ્રેન પકડું. ટ્રેનમાં ઉભો-ઉભો સુરત પહોચું. ત્યાં પાછો, દોડી ને બહાર, ભરચક રિક્ષામાં ભરાઈ ને, બે જગ્યાએ રિક્ષા બદલી, કામની જગ્યાએ પહોચું. સાંજ પડે પાછો, આમ જ ઘરે આવું. સવાર ના ૬ વાગ્યા થી સાંજે ઘરે ૮ વાગે પહોંચું ત્યાં સુધી જિંદગી એક રૂટીન થઇ ગયેલી. ચાર-પાંચ મહિના પછી એકવાર નોકરીએ જતા વિચાર આવ્યો, શું... આજ મારી જિંદગી છે...? મારે આમજ કોઈકને ત્યાં નોકરી કરવાની, આજ મારું સપનું હતું? કોઈની ગુલામી કરીને, મારે એક રોબોટ ની જેમ જિંદગી વિતાવવાની છે?

બસ, એ દિવસે હું નોકરીએ જવાને બદલે ઘરે પાછો જતો રહ્યો. મારા પિતાજીએ મને પાછો આવેલો જોયો. મારા મોઢા પરનાં ભાવ જોઈ, તેઓ સમજી ગયા. મારી પાસે આવ્યા. મારા ખભે હાથ મુક્યો અને કહે, “ચાલ મારી સાથે....” ખભે હાથ મૂકી મને અમારા ગામનાં તળાવ કિનારે લઇ ગયા.

ત્યાં કિનારે બેસી, મારી સામે જોઈ બોલ્યા, જો ત્યાં થોડા ફૂલ ખીલ્યા છે. ત્યાં પતંગિયા પણ છે અને ભમરા પણ. એ કોઈની નોકરી કરે છે? ના, એ પોતાની મૌજથી પોતાનું કામ કરે છે. ફૂલો પાસે જઈને મધ એકઠું કરે છે. જે કરે છે તે પોતાના માટે કરે છે. એતો ભણેલા નથી, પણ તું તો ભણેલો છે. પોતાનું કૈંક કર, તને જે ગમે, તે કામ કર. 

દીકરા, હું તો બહુ ભણેલો નથી, પણ એક વાત સમજુ છું કે, તારી ડીગ્રી અને તારું ભણવાનું તને જો આત્મવિશ્વાસ ના આપી શકે, તો આટલા વર્ષ નો અભ્યાસ શું કામનો? દીકરા, *કોઈપણ કામ નાનુ નથી... તુ કોઇપણ કામ કર, બસ ઈમાનદારીથી કર", બાકી હું બેઠો છું. ઘર તો ચાલશે. તું તારા પગ પર ઉભો થા. એમણે મારા ખભે હાથ મુક્યો. બસ સાહેબ, એ દિવસે મારી જિંદગી, મારો વિશ્વાસ, મારા વિચાર બદલાઈ ગયા.

એક નાની જૂની લારી ખરીદી, અને ચા બનાવવાની શરૂઆત કરી. આ કોલેજ પાસે છોકરાઓ આવે, એમને સરસ મજાની ચા, સાથે ભજીયાનો નાસ્તો હું પૂરો પાડતો. હમેંશા મેં સારી ક્વોલીટી પર ધ્યાન આપ્યું. સાંજ પડે, લારી હાઇવે પર લગાવતો, ત્યાં આવતા જતા ટ્રકવાળા ને સારી ચા પીવડાવતો. ધીમે-ધીમે મારા ગ્રાહકો બંધાવા લાગ્યા. મારી આવક પણ થતી ગઈ. કોલેજ પાસે, આ જમીનનો નાનો ટુકડો ખરીદ્યો, આ નાનુ ઢાબુ બનાવ્યું. હવે અહિયાં, ચા, નાસ્તો અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને માટે જમવાનું શરુ કર્યું. ત્યાં, હાઇવે પર પણ એક નાની જગ્યા ભાડે રાખી અને એક નાની હોટેલ બનાવી છે. આજે આ જગ્યાએ, ત્રણ માણસો અને ત્યાં હાઇવે પરની હોટેલમાં છ માણસો કામ કરે છે. સાહેબ, અમારા ગામમાં મેં લગ્નો અને અન્ય પ્રસંગોમાં કેટરિંગની સેવા આપવાની પણ ચાલુ કરીછે. નજીકનાં ત્રણ ગામમાં થી હું દૂધ લાવું છું. દૂધમાં થી દહીં, ઘી અને મઠ્ઠો બનાવી નજીક શહેરમાં સપ્લાય કરું છું. બે વર્ષ પહેલા જ એક ટેમ્પો વસાવ્યો છે.

સાહેબ, ત્યાં જોવો, પેલો ફોટો મારા પિતાજીનો છે,એ ગયા વર્ષે દુનિયા છોડી ગયા, પણ એમનું વાક્ય મેં એમના ફોટા નીચે લખાવેલું છે. "કોઈ પણ કામ નાનુ નથી, બસ ઈમાનદારી થી કરો.” #આવકાર™

“અને હા સાહેબ, તમને થતું હશે કે આ કેટલું કમાતો હશે? આજે મને ગર્વ છે, કે હું મહીને છ આંકડા માં કમાઉ છું અને ઇન્કમટેક્ષ પણ ભરું છું. મારા આ નિર્ણયને લીધે મારે ત્યાં કામ કરતાં ૯ વ્યક્તિઓના કુટુંબ પણ ચાલે છે. જો હું ત્યાંજ નોકરી કરતો હોત , તો આજે પણ હું ટ્રેનમાં સવારે ૭ થી રાતે ૮ ની દૌડ લગાવતો હોત.

હું અને મારો મિત્ર એક-બીજા સામે જોઈ રહ્યા. મેં શિક્ષણને લગતા કેટલાય સેમીનાર અને ભાષાણો સાંભળેલા. કેટલાય મેનેજમેન્ટ નાં વિદ્વાનોનાં વિવિધ કોન્ફરસ અને સેમીનારમાં ભાષણો સાંભળેલા. પણ આજે મેં એક એવા વ્યક્તિ ની વાત સાંભળી જેનાં શબ્દો માં આચરણ નું બળ હતું.

મેં કેટલાય અસહાયતા અનુભવતા ભણેલા-ગણેલા વ્યક્તિઓને જોયા છે, જો નોકરી નહી હોય તો શું થશે નો ડર જોયો છે. આજે આ રાજુની વાત, તેના શબ્દો, જાણે કુરુક્ષેત્રમાં ઉભેલા અર્જુન ને મળેલો ગીતાસાર હતો. “કોઈપણ કામ નાનું નથી, બસ ઈમાનદારીથી કરો".

જો ડીગ્રી અને અભ્યાસ આત્મવિશ્વાસ અને આત્મસન્માન ના આપી શકે તો , એ ભણતર શું કામનું"..?– રાજુ નાં પિતાજીનો આ પ્રશ્ન મારા કાનમાં ગુંજી રહ્યો હતો.

"કોઈ પણ કામ નાનું નથી,બસ ઈમાનદારી થી કરો" ..🥹

(ઉપરોક્ત વાત સાચી બનેલી એક ઘટના છે. માત્ર સ્થાન અને સંદર્ભફેર કરેલો છે.) - ડો. સ્નેહલ કે. જોશી 🍃🍂

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. આજનું ભણતર (મોટે ભાગે)માત્ર નોકરો જ પેદા કરે છે !

    ReplyDelete
Previous Post Next Post