# લાગણીના આંસુ ..."
"તારા પાલવમાં જરીના વેલબુટ્ટા થઈ જશે, તું જરા જો લૂછ મારી લાગણીનાં અશ્રુઓ" – ડૉ.શરદ ઠાકર
સિત્તેર વર્ષના કનુદાદા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, પાછળથી ધસી આવેલી બાઈકે એમને અડફેટમાં લઈ લીધા. દાદા ફૂટપાથ પર ચાલી રહ્યા હતા, બાઈકે ત્યાં જઈને ઝડપી લીધા કનુદાદાને. આવતાં-જતાં લોકોએ એમના ઘરે પહોંચાડ્યા. દીકરાએ એમને દવાખાનામાં પહોંચાડ્યા.
"તારા પાલવમાં જરીના વેલબુટ્ટા થઈ જશે, તું જરા જો લૂછ મારી લાગણીનાં અશ્રુઓ" – ડૉ.શરદ ઠાકર
સિત્તેર વર્ષના કનુદાદા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, પાછળથી ધસી આવેલી બાઈકે એમને અડફેટમાં લઈ લીધા. દાદા ફૂટપાથ પર ચાલી રહ્યા હતા, બાઈકે ત્યાં જઈને ઝડપી લીધા કનુદાદાને. આવતાં-જતાં લોકોએ એમના ઘરે પહોંચાડ્યા. દીકરાએ એમને દવાખાનામાં પહોંચાડ્યા.
લાગણીના આંસુ ..."
હાડકાના ડોક્ટરે એક્સ-રે પાડ્યા. જમણા પગના લાંબા હાડકાનું માથું ભાગ્યું હતું. ઓપરેશન કરવું પડ્યું. પૂરા પંચોતેર હજારનું બિલ ચૂકવ્યાં પછી દીકરાએ પૂછ્યું, 'ડોક્ટર સાહેબ, બાપુજી પહેલાંની જેમ હરતાં-ફરતાં થઈ જશે ને?' 'હા, પણ સાવ પહેલાંની જેમ નહીં...' ડોક્ટરે જવાબ આપ્યો, 'બાપુજીએ લાંબો સમય કસરત કરવી પડશે.'
કસરત અર્થાત્ ફિઝિયોથેરાપી. દીકરાની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. એમણે તપાસ આદરી, 'સસ્તા ભાવે જાતરા થઈ શકે એવું સિદ્ધપુર ક્યાં આવ્યું?'
બાવન વર્ષનાં બકુલાબહેનને બેલ્સ પાલ્સી એટલે કે મોંઢાના લકવાનો હુમલો આવ્યો. જિંદગી તો સલામત રહી પણ મોંઢું વંકાઈ ગયું. ચહેરાનો અડધો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો. એક બાજુની મોંફાડ ખુલ્લી રહે. ખાવાનો કોળિયો કે પીવા માટે પાણી મોંઢામાં મૂકે એ સાથે જ લકવાગ્રસ્ત ખૂણેથી બહાર નીકળી જાય.
ફિઝિશિયને કહ્યું, 'હતાશ થઈ જવાથી પ્રોબ્લેમનો અંત નહીં આવે. કોઈ બીજા માણસે ચમચી વડે ધ્યાનપૂર્વક અન્નનો કોળિયો પેશન્ટના મોંમાં મૂકવો પડશે. પ્રવાહી દદડીને બહાર નીકળી જાય એને નેપકિનથી લૂછીને સાફ કરવું પડશે. ધીમે ધીમે ચહેરાના સ્નાયુની કસરત કરાવવી પડશે.'
દીકરો-બહુ બંને જોબ કરે. પૌત્ર-પૌત્રી શાળામાં જાય. બકુલાબહેનની ચાકરી કરે કોણ? સેવાનું સરનામું ક્યાં શોધવું? જરૂર પડે તો પેશન્ટનાં મોંઢામાં નળી મૂકીને ભોજન રેડવાનું કુશળતાભર્યું કાર્ય નજીવા ખર્ચમાં કોણ કરી આપે? નેવું વર્ષનાં કમળાબા બાથરૂમમાં લપસી પડ્યાં. હેડ ઈન્જરી થઈ. બેભાન હાલતમાં ન્યૂરોસર્જરીના આઈ.સી.યુ.માં લઈ જવા પડ્યાં. નવમા દિવસે સાજા થઈને ઘરે આવ્યાં.
ડોક્ટરની સલાહ હતી, 'કસરત કરાવજો. સાવ પથારીમાં પડી રહેવા ન દેશો. વારંવાર યુરિન કરવા માટે ટોઈલેટમાં ન લઈ જવા પડે એ માટે દાદીમાને ડાયપર પહેરાવજો. દિવસમાં-રાતમાં ત્રણથી ચાર વાર ડાયપર બદલાવવાનું ભૂલશો નહીં.' કોણ કરે આ બધું? કેવી રીતે કરાય આ બધું?
જો ઘરે ફુલટાઈમ બાઈને રાખે તો મહિને ત્રીસેક હજારનો પગાર માગે. ક્યાંય એવી સંસ્થા ખરી જ્યાં બાને મહિનો-બે મહિનો સાચવી પણ શકાય અને બહુ ખર્ચ પણ ન થાય?
એક ઉદાહરણ તો વળી સાવ અજીબોગરીબ. મનિષભાઈ અને અંતરાબહેન (પતિ-પત્ની) ત્રણ મહિના માટે ઓસ્ટ્રેલિયા જવાનાં હતાં. દીકરાની વહુની ડિલિવરી સાચવવા માટે. ઘરમાં પંચોતેર વર્ષનાં બા એકલાં. ખાસ બીમાર નહીં પણ વૃદ્ધાવસ્થાને કારણે કોના ભરોસે મૂકીને જવું? પગારદાર માણસોનો કેટલો ભરોસો કરી શકાય? કોઈ એવી સંસ્થા ખરી જ્યાં નજીવા ખર્ચમાં બાને મૂકી શકાય?
આજના વિભક્ત પરિવારોમાં ઘરડાં કે બીમાર મા-બાપને સાચવવાની કે સારવાર કરવાની ચિંતા વધતી જાય છે. જેટલી ચિંતાઓ છે એટલાં એનાં નિવારણો પણ હોવા જોઈએ. દુઃખની વાત છે કે અમદાવાદ જેવા મહાનગરમાં આવાં નિવારણોનાં ઠામ-ઠેકાણાં બહુ ઓછાં છે. મેવા-મહેલો તો ઘણા બધા છે પણ સેવાસદનો જૂજ છે. આ સેવાસદનોમાં રોજ-રોજ આપણી આંખ ભીંજવી દે તેવી ઘટનાઓ આકાર પામતી રહે છે.
અઠ્યોતેર વર્ષનાં ડાહીબા આવા જ એક સેવાસદનમાં એક અઠવાડિયાથી એડમિટ થયાં હતાં. બાને કમરનો સખ્ખત દુઃખાવો થયો હતો. એમનો દીકરો પૈસેટકે સુખી હતો, વેપારી હતો, માને ખૂબ પ્રેમ કરતો હતો, પણ આવી હાલતમાં પીડાથી કરાંજતી વૃદ્ધ માને કેવી રીતે સાચવવી એની એને ખબર ન હતી. વહુએ પણ કહી દીધું, 'થોડાક દિવસ માટે બાને કોઈ સંસ્થામાં મૂકી આવો, પછી તો મારે જ બાને સાચવવાનાં છે ને?'
જોકે, વહુની વાત પૂરેપૂરી સાચી ન હતી. ડાહીબાને સાચવવા માટે દીકરાએ ચોવીસ કલાકનાં એક બહેન રાખ્યાં હતાં. સેવાસદનમાં ડોક્ટરો ડાહીબાને સારવાર આપતા હતા અને ફિઝિયોથેરાપિસ્ટ હળવી, આવશ્યક કસરતો કરાવતા હતા. ડાહીબાની એક ખાસિયત હતી.
એ આખો દિવસ જે મળે એને બોખા મોંનાં સ્મિત સાથે 'જેશ્રીકૃષ્ણ' કહીને આવકારે. એકની એક વ્યક્તિ દિવસમાં દસ વાર ભટકાય તો દસેય વાર ડાહીબા 'જેશ્રીકૃષ્ણ બોલે.' એમની આ ખાસિયત સેવાસદનમાં પ્રખ્યાત થઈ ગઈ. સ્ટાફના સ્ત્રી-પુરુષો એમના રૂમ સામેથી જ્યારે પણ પસાર થાય ત્યારે બાની સામે જોઈને, હસીને, સામે ચાલીને 'જયશ્રીકૃષ્ણ' બોલતાં થઈ ગયાં.
જીવનની ઢળતી સાંજે ઊભેલાં વયોવૃદ્ધ, ભોળાં, ધાર્મિક ડાહીબાનો બોખો, પ્રસન્ન ચહેરો આખી સંસ્થામાં એવો જાણીતો બની ગયો કે ત્યાં રહેતાં સિનિયર સિટિઝન્સ પણ દિવસમાં એક વાર અચૂક ડાહીબાને મળવા આવી જવા લાગ્યાં.
આમ કરતાં કરતાં ડાહીબાએ સેવાસદનમાં ચૌદ દિવસ કાઢી નાખ્યાં. હવે એમનો કમરનો દુઃખાવો મટી ગયો હતો. ડાહીબા લાકડીના ટેકે ફરવા માંડ્યાં હતાં. પંદરમા દિવસે ડો. પ્રફુલ્લભાઈ એમના કમરામાં રાઉન્ડ લેવા માટે ગયા. ડાહીબાએ 'જેશ્રીકૃષ્ણ' કહીને પછી સ્મિત કર્યા વિના પૂછ્યું, 'સાહેબ, હવે મને તમે રજા આપી દેશો?' ડોક્ટરે માથું હલાવ્યું, 'હા, બા, સાજા થયાં પછી તમને અહીં થોડા રાખી શકાય? ઘરે મોકલી જ આપવા પડે.' ડાહીબાનો ચહેરો મુરઝાઈ ગયો, 'સાહેબ, તમારી વાત સાચી પણ... પણ મને ઝટ રજા ન આપી દેતા. મને હજી થોડાક દિવસ માટે અહીં રહેવા દેજો.'
આટલું બોલતાંમાં ડાહીબાનો અવાજ કંપી ઊઠ્યો, ગળામાં ડૂબો ભરાયો, આંખો છલકાઈ ઊઠી. ડોક્ટરે બાજુમાં પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને ડાહીબાને આપ્યો, પછી પૂછ્યું, 'કેમ આવું કહો છો, બા? કંઈ તકલીફ છે તમને?' ડાહીબા રડી પડ્યાં, 'સાહેબ, કોઈને કહેતા નહીં. મારી વહુ મને રોજ મારે છે. હું એનો માર તો સહન કરી લેતી હતી પણ હવે કામવાળી બાઈ પણ મારી ઉપર હાથ ઉપાડવા લાગી છે. મારો દીકરો સારો છે. એને દુઃખ ન થાય એ કારણથી મેં આ વાત એને કહી નથી... પણ... મને ઘરે જતાં ડર લાગે છે. આ શરીર હવે માર વેઠી શકે તેવું રહ્યું નથી.'
ડોક્ટરનું દિમાગ સુન્ન થઈ ગયું. એ કંઈ બોલે તે પહેલાં રૂમના પ્રવેશદ્વાર પાસેથી અવાજ આવ્યો, 'બા, મેં બધું સાંભળી લીધું છે. તેં મને અંધારામાં રાખ્યો?'
'શું કરું બેટા? તને કહું તો તું તારી બાયડીને લાત મારીને કાઢી મૂકે મારે તારું ઘર ભાંગવું નહોતું એટલે ન કહ્યું. મને અહીં જ રહેવા દે. આ છોકરીઓ મારું સારું ધ્યાન રાખે છે. ડાયપર સારી રીતે બદલાવે છે. ઘરે તો હું ચોવીસ કલાક સુધી ઝાડા-પેશાબથી ઊભરાતાં એક જ ડાયપરમાં...' વાતાવરણ ડૂસકાંથી ભરાઈ ગયું.
ડાહીબા પૂરા દોઢ મહિનો સેવાસદનમાં રહ્યાં. ઘરે જઈને દીકરાએ શું કર્યું હશે તે ભગવાન જાણે પણ એક દિવસ વહુ અને કામવાળી બાને લઈ જવા માટે આવ્યાં. ડાહીબા કરગરવા લાગ્યાં, 'મારે ઘરે નથી આવવું, અહીં જ મરવું છે.' વહુએ ડોળા કાઢ્યા. બા ચૂપચાપ કારમાં બેસી ગયાં.
જતાં જતાં બારીનો કાચ ખોલીને ડાહીબાએ ફિક્કું હસીને બધાંને 'જેશ્રીકૃષ્ણ' કહ્યું. ગાડી રવાના થઈ, પણ સંસ્થાના દરવાજા સુધી જઈને પાછી વળી. વહુ બોલતી હતી, 'બાને કંઈ થયું! ડોક્ટર, જુઓ તો...' ડોક્ટરે બાને તપાસ્યાં. ડાહીબાએ દેહ છોડી દીધો હતો. એમનાં ખુલ્લાં, બોખા મોં સામે જોઈને ડોક્ટર સહિત સંસ્થાના બધા કર્મચારીઓનાં મુખેથી સરી પડ્યું, 'બા, જયશ્રીકૃષ્ણ!' - (શીર્ષકપંક્તિઃ બરકત વીરાણી 'બેફામ')
🖊️લેખક: ડૉ. શરદ ઠાકર
વાંચ્યા પછી... આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™
I am follower of Dr. Sharad Thaker we communicate several Time. Congratulations Dr. Sir for your written True incident. See you personally
ReplyDeleteઆવી સંસ્થાઓની તત્કાલીન જરૂરત ઊભી થઈ છે.જે સંસ્કાર વિહિન થઈ રહેલા સમાજનો પણ ખ્યાલ આપે છે.જો કે બીજા કારણો પણ છે જ.
ReplyDelete