મોતિયો
=============
એક મારુતિ બ્રેઝા ઉબડ ખાબડ રોડ પર લંગડી રમતી રમતી શહેર તરફ આગળ ધપી રહી હતી. થોડા એવા વરસાદે તો જાણે રોડનું આબરૂ માપી લીધી હોય એવો ઘાટ થયો હતો. થોડી વારમાં શહેર કળાવા લાગ્યું હતું. કારની પાછલી સીટમાં લાધા આતા બેઠા હતા અને એનો મોટો દીકરો મધુ આગળ ડ્રાઈવિંગ સીટ પર બેઠો બેઠો કાર ચલાવી રહ્યો હતો.
મોતિયો
" મને એટલે જ ગામડામાં કંટાળો આવે.. સાલી ગામડામાં ધૂળ ઉડે અને આ ગામડિયા શહેરમાં આવા રસ્તાઓથી પરેશાન થઇ ગયો છું. કાર હાલે છે કે ઉડે છે એ ખબર જ નથી પડતી. સાલા બધાને રૂપિયા ખાઈ જવા છે કામ નથી કરવું. બાકી રસ્તા તો અમારે બરોડામાં એક પણ ખાડો ન જોવા મળે ધીરુ બબડતો રહ્યો અને લાધાભાભા સાંભળતા રહ્યા.
રેલવેના પાટા અને ફાટક વટાવીને કાર આગળ ચાલી અને શૈક્ષણિક વિસ્તાર શરુ થયો. ત્રણ કોલેજ એક પોલીટેકનીક અને બે હાઈસ્કુલ વટાવીને કાર આગળ ચાલી આગળ જતા ત્રણ રસ્તા આવ્યા એક રસ્તો ડાબી તરફ જતો હતો ત્યાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ આવેલા હતાં. એક સીધો રસ્તો શહેરમાં મેઈન બજાર તરફ જતો હતો. અને ડાબી સાઈડના રસ્તા પર દવાખાના આવેલા હતા. મધુએ પોતાની કાર ડાબી સાઈડ લીધી અને આગળ જતા દવાખાના આવવા લાગ્યા. કાન નાક અને ગળાના ડોકટર , જનરલ સર્જન, યોગી મેડીકલ, રીધમ લેબોરેટરી, ગાયનેકોલોજિસ્ટ અને છેલ્લે એક આંખનું દવાખાનું હતું. રસ્તાની બને બાજુએ દવાખાનાની હારોહાર ફળવાળા અને શાકભાજી વાળા પણ પોતાની રોજી રોટી કમાવવા માટે ગોઠવાઈ ગયા હતા.
આંખના દવાખાનાની સામે એક મોટા લીમડા હેઠળ પોતાની કાર પાર્ક કરીને મધુ હેઠો ઉતર્યો. કારનું પાછળનું બારણું ખોલીને લાધા આતા પણ ઉતર્યા. કેડિયું અને ચોરણી પહેરેલા લાધા આતાએ માથે પાઘડી ચડાવી અને એક હાથમાં સીસમની લાકડી અને બીજા હાથમાં એક કાળી થેલી લીધી અને આંખના ડોકટરના દવાખાના સામું જોઈ રહ્યા. રેડીયમના ચમકીલા અક્ષરોમાં ડોકટરનું સાઈન બોર્ડ ઝગારા મારી રહ્યું હતું.
નયનસુખ આંખની હોસ્પિટલ!!
"મોતિયાના અને વેલના ઓપરેશનના સ્પેશ્યાલીસ્ટ "
નયન એસ પટેલ એમ એસ ઓપ્થોલોજીસ્ટ!!
દવાખાનું બીજા માળે હતું. મધુ અને લાધાઆતા હળવે હળવે પગથીયા ચડી રહ્યા હતા. દવાખાનાની જમણી બાજુ બે ચબરાક અને પાણીદાર આંખો વાળી રીશેપ્સ્નીસ્ટ બેઠી હતી. એકે રજિસ્ટર ખોલ્યું અને લખવાની શરૂઆત કરી અને બીજીએ પર્સ ઉઘાડ્યું અને મધુ પાસેથી ૧૦૦ રૂપિયા લઈને પર્સમાં નાંખીને પર્સ બંધ કર્યું. મધુ વિગતો લખાવતો હતો.
લાધા તળશી.. ઉમર વર્ષ સીતેર.. મોતિયાનું ઓપરેશન..એપોઇન્ટમેન્ટ શનિવારે લીધી છે.. સુગર રીપોર્ટ નોર્મલ.. બ્લડ પ્રેશર નોર્મલ.. રીશેપ્નીસ્ટ બધું લખતી ગઈ. સુગર અને બીપીના રીપોર્ટસ લઈને એક ફાઈલમાં નાંખ્યા અને મધુ અને લાધા આતાને બેસવાનું કહ્યું. અને પછી એ ફાઈલ લઈને ડોકટરની ચેમ્બરમાં દાખલ થઇ.દસ મિનીટ પછી એ બહાર આવી અને મધુને કહ્યું.
મારી સાથે ચાલો તમને બેડ આપી દઉં. ગેલેરીની બહાર જમણી સાઈડમાં ચાર રૂમ હતા એમાં ત્રીજા નંબરના રૂમમાં લાધા આતાએ પલંગ પર બેઠક લીધી. પડખે એક નાનકડું સ્ટુલ હતું. રૂમમાં ત્રણ બેડ હતા. બે ઓપરેશન વાળા દર્દીઓ બેઠા હતા. લાધા આતા બેડ પર બેઠાં અને નર્સ આવી અને મધુ પાસેથી વળી રૂમ ચાર્જના ૧૦૦૦ રૂપિયા લઇ ગઈ. થોડી વાર થઇ ત્યાં વળી બીજી બે છોકરીઓ એકદમ બગલાની પાંખ જેવા સફેદ ડ્રેસમાં આવી અને બધાના બલ્ડ પ્રેશર માપી ગઈ અને થોડીવારમાં એક કેસરી રંગના ડ્રેસ વાળી છોકરી આવી એની સાથે લેપટોપ હતું. એણે બારી પાસે લેપટોપ ગોઠવીને દર્દી અને તેની સાથે આવેલાને લેપટોપ શરુ કરીને સમજાવવા લાગી. લાધા આતા અને મધુ બધું જોઈ રહ્યા.
સામાન્ય રીતે મોતિયો એટલે આંખની કીકી પર એક જાતની સફેદ છારી વળી જવી જેને કારણે ધીમે ધીમે આંખનું જોવાનું જે તેજ હોય એ ઘટતું જાય.. આ છારી ધીમે ધીમે વધતી જાય અને આંખની કીકીને ઢાંકી દે અને ખુબ જ મોટી થઇ જાય તો એને મોતિયો રેળાઈ ગયો કહેવાય અને એટલે જ એનું સમયસર ઓપરેશન કરાવવું પડે છે.જો સમયસર ઓપરેશન ન થાય તો અંધાપો આવી જાય. યાદ રહે કે મોતિયાનું ઓપરેશન એક જ વાર થાય છે બીજી વાર થતું નથી. ઓપરેશન વખતે એમાં લેન્સ મુકવાનો હોય છે જેને સહુ મણિ કહે છે. અમારી પાસે ત્રણ પ્રકારના મણિ છે એક સાદો મણિ જેની કીમત ૧૨૦૦૦ રૂપિયા છે આ મણિ બેસાર્યા પછી એમાં છારી વળવાની શકયતા ખરી જે ચાર પાંચ વરસે સાફ કરાવવી પડે.. બીજો મણિ છે એની કિમત છે ૧૮૦૦૦ રૂપિયા જેમાં છારી વળતી નથી એટલે સાફ કરાવવાની કડાકૂટ રહેતી નથી. અને ત્રીજો લેન્સ બાઈફોક્લ લેન્સ છે જે મુકવાથી આંખના દુરના તેમજ નજીકના જે પણ નંબર હોય એ જતા રહે છે એની કીમત છે ૨૫૦૦૦ હજાર રૂપિયા.. બાકીના બે મણિ મુકાવશો તો દુરના નંબર જ જતા રહેશે અને નજીકના નંબર માટેના ચશ્માં લેવા પડશે. ફક્ત અને ફક્ત બાઈફોકલ લેન્સ મુકાવો તો જ તમારી આંખના બેય નંબર નજીક અને દુરના જતા રહેશે અને બેય આંખમાં ઝીરો ઝીરો નંબર થઇ જશે. ઓપરેશન લેસરથી કરવામાં આવશે.કોઈ ટાંકા લેવામાં આવતા નથી એટલે પીડા થવાની સંભાવના નથી. ઓપરેશન પછી આંખ પર કોઈ પટી મારવામાં આવતી નથી.ખુલી આંખે આવ્યા છો એમ ઓપરેશન પછી ખુલી આંખે જવાનું છે. હા ઓપરેશન પછી અહીંથી કાળા ચશ્માં આપવામાં આવશે એ તમારે દોઢ મહિનો પહેરવાના હોય છે આંખમાં અઠવાડિયા સુધી ધૂળ કે તેજ પ્રકાશ પડવો જોઈએ નહિ અને ત્રણ બોટલમાંથી દરરોજ પાંચ વાર ટીપા નાંખવાના રહેશે, સવારે સાત વાગ્યે, બપોરે ૧૧ વાગ્યે , બપોરે ત્રણ વાગ્યે , સાંજે સાત વાગ્યે અને રાત્રે સુતી વખતે દસ વાગ્યે. આ ટીપા મહિનાથી દોઢ મહિનો નાંખવાના રહેશે. ઓપરેશન થઇ જાય એટલે એ જ દિવસે સાંજે છ વાગ્યે રજા આપવામાં આવશે. બીજે દિવસે બતાવવા આવવાનું રહેશે.પછી એક અઠવાડિયે અને પછી એક મહીને છેલ્લી વાર બતાવવા આવવાનું રહેશે. તો તમે સહુ લખાવી દો તમારે કયા પ્રકારનો મણિ બેસાડવાનો છેકેસરી રંગના ડ્રેસવાળી છોકરીએ બધું વિગતવાર લેપટોપ દ્વારા સમજાવ્યું. ક્યાં પ્રકારના લેન્સથી કેવું દેખાય એ પણ દેખાડ્યું. લેન્સના બોક્સ પણ બતાવ્યા.
"આપણે બાર હજાર વાળો બેસાડવો છે.. આમેય અમારા બાપાની ઉમર સીતેર તો થઇ જ ગઈ છે એટલે મોંઘા ભાવનો લેન્સ ખોટે ખોટો શું કામ બેસાડવો. બાર કે અઢાર કે વળી પચીસ હજાર ત્રણેય મણિ સરખા જ આવે ઈ બધું એકનું એક હોય.. હું બરોડામાં રહું છું મને બધીય ખબર પડે" મધુ બોલતો હતો અને બધા સાંભળતા હતાં પેલી કેસરી ડ્રેસ વાળી સહેજ હસી પણ કશું બોલી નહિ કારણ કે નયન ડોકટરે જેટલો સ્ટાફ રાખ્યો હતો એ બધાયને એક જ સુચના આપી હતી કે,
"દર્દી અને એની સાથે આવનાર બધા સરખા ન હોય બધા વિવેકી પણ ન હોય ખાસ તો દર્દીની હારે આવવા વાળા હોય એ મોટી વિકેટ હોય છે એની સાથે કયારેય જીભાજોડી ન કરવી. એ કરવાથી આપણું સ્વાસ્થ્ય બગડે, એ કહે એ સાંભળી લેવું. આપણે એક જ ખ્યાલ રાખવાનો છે કે અહી આવતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળવી જોઈએ. એ જે બોલે એ એના જ્ઞાનનું ભલે પ્રદર્શન કરે પણ આપણે તો સદાય હસતું મોઢું રાખવાનું , ડોકટર અને એનો સ્ટાફ હસમુખો હોય તો દર્દીને મજા આવે, અને એને જ કારણે કેસરી ડ્રેસ વાળી ચુપ રહી. એ લેપટોપ સંકેલીને કોને કયો લેન્સ બેસાડવો છે એ નોંધવા માંડી. લાધા આતાની સાથે બીજા બે દર્દી હતા એની સાથે જે આવ્યાં હતા એણે અઢાર હજાર વાળા મણિ બેસાડવાનું નક્કી કર્યું હતું. મધુએ એને પણ સમજાવ્યા પણ એ ન સમજ્યા. મધુએ બાર હજાર વાળો લેન્સ બેસાડવાનું નક્કી કરીને વળી સહુ પોતાની રૂમમાં આવ્યા. દર્દીઓ ખાટલામાં આડા પડ્યા અને એની સાથે આવેલ બધા વાતે વળગ્યા વળી મધુએ કહ્યું.
"તમે અઢાર હજાર રૂપિયા ખોટા બગાડો છો. બાર હજાર વાળો મણિ જ બધાને નાંખે છે. ઓપરેશન વખતે આપણે ક્યાં હાજર રહેવાના છીએ તે ખબર પડે કે ડોકટર કયો મણિ બેસાડે છે. તમે હજુ વિચાર કરી જુઓ"
"એમાં વિચાર થોડો કરવાનો હોય મારા બાપા હું નાનો હતો ત્યારે બીમાર પડું ને ત્યારે દવાખાને લઇ જતા ત્યારે એણે કોઈ દિવસ સોંઘી દવા નથી કરાવી. પછી સસ્તો લેન્સ નાંખીને છારી વળવા માંડે એટલે દર વરસે છારી સાફ કરાવવા જાવ એટલે એ બધું મોંઘુ જ પડી રહે. માવતરને ઓપરેશન પછી બીજી હેરાનગતિ ન થાય એ ખાસ જોવું પડે. પૈસા કરતા માવતર થોડા સસ્તા છે?" બીજા દર્દીની સાથે આવેલ લાલ શર્ટ વાળો મધુની સામે જોઇને બોલ્યો. અને મધુની બોલતી બંધ થઇ ગઈ. બેડ પર આંખો મીંચીને સુતેલા લાધાભાભા આંખો મીંચીને સાંભળી રહ્યા હતા. અને વિચારવા લાગ્યા હતા.
લાધાઆતા એ બે વરસ પહેલા બે ય દીકરાને ફોન કરીને કહ્યું હતું કે મને આંખે ઓછુ દેખાય છે તપાસ કરાવવી છે.. પણ મધુ અને રઘુએ મોરાગ જ નો આપ્યો. મધુ મોટો અને બરોડામાં રહેતો હતો. ઘરનો બંગલો હતો. વાઘોડિયા પાસે નાનકડી પ્લાસ્ટીકની ફેકટરી હતી. રઘુ વલસાડ હતો અને એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો એને પણ સરખાઈ હતી. વારંવાર લાધા આતા આ વાત કહેવા લાગ્યા કે મને આંખમાં તકલીફ છે. પણ દિવાળી ઉપર બે ય છોકરા દેશમાં આવ્યા ત્યારે ઉડાઉ જવાબ આપ્યો કે અત્યારે દિવાળી પર ડોકટરો ફરવા જાય દવાખાના બંધ હોય. લાધા આતા અને ચંપામા મનોમન મૂંઝાયા પણ છેલ્લે લાધા આતા ખીજાણા કે મરતી વખતે તારી બાના અને તમારા બેયના મોઢા જોઈ શકું એટલું તો કરી દયો એટલે પછી ના છૂટકે મધુ આવ્યો અને આંખની તપાસ કરાવી બને આંખોમાં મોતિયો રેળાવવાની તૈયારીમાં જ હતો. જો થોડું મોડું થયું હોત તો નક્કી લાધાભાભા બેય આંખે આંધળા થઇ ગયા હોત. લાધાભાભાને એના પત્ની ચંપામાની તકલીફ નહોતી ઉમર તો એનીય થઇ હતી પણ હજુ એનું શરીર સાબુત હતું. જમીન હતીએ ભાગિયાને આપી દીધી હતી. ખેતીની ઉપજમાં એનું ગુજરાન ચાલી જતું. એ ધારે તો પોતાની મેળે ઓપરેશન કરાવી શકત પણ ગામ વાતું કરે કે લાધાઆતાને બહુ પાવર હતો ને બે ય દીકરા ઉપર પણ જોયું એકેય ભડનો દીકરો બાપના આંખના ઓપરેશન વખતે ન આવ્યો. એટલે પણ હવે તો આજે ઓપરેશન થઇ જ જવાનું હતું.
"કેમ છે બાપા..? કયારે છે ઓપરેશન??એક રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો અને લાધા આતા ફડક દઈને બેઠા થયા.. આ તો એની દીકરી ગૌરીનો અવાજ..!! ગૌરી સાથે એનો પતિ રમેશ પણ હતો અને સાથે ચાર વરસનો ભાણિયો પણ હતો. ગૌરીના પતિએ લાધા આતાને પ્રણામ કર્યા અને સામે ઉભેલા એના સાળા તરફ નમસ્તે કર્યું પણ આખે આખું વળનું બંબુડું એવો મધુની આંખમાં તિરસ્કાર સિવાય કશું નહોતું..!! ગૌરીએ પણ હસીને મધુ સામે જોઇને ખબર પૂછી પણ મધુ અવળું ફરી ગયો અને રૂમની બહાર નીકળી ગયો. લાધા આતાનો હાથ ગૌરીની માથે ફર્યો. અને ગૌરીની આંખમાંથી ઝળઝળીયા આવી ગયા. લાધા આતાની લાકડી સાથે ચાર વરસનો ભાણીયો રમવા લાગ્યો. દીકરી ગમે એટલી સુખી હોય પણ પોતાના પિતાને દવાખાને જુએ એટલે એને આંસુડા આવી જ જાય. રમેશ સાથે થોડી વાતો કરી. ગૌરીના આવવાથી લાધા આતામાં તાકાત આવી ગઈ હતી. આમ તો જીવનમાં કોઈ દિવસ ઓપરેશન નહોતું કરાવ્યું મનમાં થોડી ફડક હતી કે શું થશે..પણ હવે પોતાની એકની એક દીકરી આવી ગઈ હતી અને લાધા આતાનું મન કોટામાં આવી ગયું અને મનોમન બબડી ઉઠયા.. એક નહિ હવે આઠ ઓપરેશન કરાવવા પડેને તો પણ એક બે ને ત્રણ!! ઓપરેશનથી કોઈ નથી બીતું.
"ચાલો હવે ત્રણેય પેશન્ટ ખાટલા પર સુઈ જાવ આ ત્રણેય બોટલમાંથી વારાફરતી દસ દસ મીનીટે ટીપા નાંખવાના છે દોઢ કલાક સુધી.. ભૂલ ન થાય.. એ જોજો પેલા આ લીલી શીશીમાંથી પછી આ ગુલાબી શીશીમાંથી અને છેલ્લે આ સફેદ શીશીમાંથી" એક નર્સ આવીને એટલું કહ્યું. ત્યાં બીજી નર્સ આવીને દર્દીની સાથે હતા એને કહ્યું.
"ચાલો આમાં સહી કરી દો કે ઓપરેશન અમે અમારી મરજીથી કરાવીએ છીએ. ઓપરેશન દરમ્યાન કશુક અજુગતું બને તો ડોકટરની કે હોસ્પીટલના સ્ટાફની કોઈ જવાબદારી નથી." એ આટલું બોલી ત્યાં મધુ આવ્યો અને બોલ્યો.. લાધા આતાની સામું જોઇને બોલ્યો.. હતો એટલો વળ ખાઈને બોલ્યો.
"હવે તમે સુઈ જાવ તો સારું છે!! ટીપા નાંખવાના છે અને આંખો બંધ રાખવાની છે!! ઓપરેશન વખતે બહુ બોલ બોલ ન કરાય.. ઓપરેશન નિષ્ફળ જાશે તો સેવા કરવા તો અમારે જ દુઃખી થાવાનુંને બીજી કોઈ આવીને તમારી સેવા નહીં કરે.. હાલો બાકીના નીકળો..આતા ને કોઈ તકલીફ નથી અને કોઈ તકલીફ પડવા પણ નહિ દઈએ.. બહુ ખબર અંતર પૂછ્યા હવે બહુ થયું ચાલો..આ હોસ્પિટલ છે એટલે હવે હું વધારે બોલતો નથી." અને ગૌરી બધું સમજી ગઈ લાધા આતાના માથે હાથ ફેરવ્યો અને બોલી.
"આતા તમારું અને ભાઈનું ટીફીન લાવી છું. ઓપરેશન થઇ ગયા પછી જમી લેજો.. કશું નહિ થાય આતા તમને.. " કહીને પોતાના દીકરાને તેડીને પોતાના પતિ સાથે બહાર ચાલી ગઈ. બંધ અને ટીપા નંખાયેલી આંખે પણ લાધા આતા પોતાની દીકરી ગૌરીને જતા જોઈ રહ્યા હતા!! રૂમમાં દર્દીની સાથે રહેલા બીજા બે જણ કળી ગયા કે બહેન અને ભાઈ વચ્ચે મોટો વાંધો પડ્યો લાગે છે. સહુ ચુપ થઇ ગયા.
દસ દસ મીનીટે લાધા આતાની આંખમાં ટીપા નંખાતા ગયા એમ લાધા આતા ભૂતકાળમાં ગરકાવ થઇ ગયા.
બે દીકરા ઉપર આવેલી એક દીકરી ગૌરી લાધા આતાને સહુથી વધારે વહાલી હતી. બે ય ભાઈઓ દસ દસ ધોરણ સુધી ભણીને ધંધે વળગી ગયા હતા. પેલા તો બને સુરત હતા. બે ય ભાઈઓને પરણાવ્યા પછી બેય પોતાના સસરાના શહેરમાં પોતાની રૂમ ભરીને ગોઠવાઈ ગયા હતા. ભાઈઓ હતા રૂપાળા એટલે સાસરિયું પૈસાવાળું મળ્યું હતું.. મધુ બરોડા સેટલ થઇ ગયો અને રઘુ વલસાડ. વલસાડમાં પોતાના સસરાની રેસ્ટોરન્ટમાં ભાગીદારી કરી અને પછી પોતાની રેસ્ટોરન્ટ કરી. બને ભાઈઓ ખાધે પીધે સુખી હતાં. ગૌરી બાર ભણી અને પછી કોલેજ કરવી છે એમ જયારે લાધા આતાને કહ્યું ત્યારે લાધા આતા બોલ્યા.
"ભણ્ય દીકરા તું તારે.. ભણતર તો જીવતરની બે પાંખો છે. પાંખ જેટલી મજબુત હશે ને એટલી તકલીફો હળવી રહેશે." બેય ભાઈઓ મધુ અને રઘુએ નારાજગી દર્શાવી.પણ તોય લાધા આતા એને કોલેજના પગથીયા પાસે મૂકી આવ્યાં. ત્રણ વરસ કોલેજના પુરા કરીને ગૌરીએ બીએડ્માં પ્રવેશ લીધો.એક વરસમાં બીએડ પણ પૂરું કર્યું અને એ વખતે પહેલી વાર પ્રાથમિક શાળામાં બી એડ વાળાની ભરતી થઇ અને શહેરની નજીક જ એક ગામડામાં એને શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. ગામની સહુ પ્રથમ સરકારી નોકરી લેનાર છોકરી એટલે ગૌરી!!
અહી સુધી તો બરાબર ચાલતું હતું. બે ય ભાઈઓ પોતપોતાની રીતે ગૌરી માટે મુરતિયો શોધતા હતા એમાં મધુની ફેકટરી જ્યાં વાઘોડિયા હતી એની બાજુમાં જ એક મોટી ફેકટરી હતી. તે ફેકટરીના શેઠના એકના એક દીકરા સાથે જો ગૌરીનું ગોઠવાઈ જાય તો પોતાનો બેડો પાર થઇ જાય એમ મધુએ વિચાર્યું અને ઘરે લાધા આતાને વાત કરી અને ઘરે ભડકો થયો.
ગૌરીનું દિલ તેની સાથે જ નોકરી કરતાં રમેશ સાથે હળી મળી ગયું હતું. તેની જ જ્ઞાતિનો રમેશ નોકરીના ગામથી બાજુના જ ગામમાં રહેતો હતો. ઘરે સો વીઘા જમીન પણ હતી. રમેશ પણ એના ગામનો પહેલો જ સરકારી નોકરિયાત હતો. બને એકબીજાને દિલ દઈ બેઠા હતા. અને આ એક એવી વાત હતી કે એમાંથી કોઈ પણ પાછી પાની કરે એમ નહોતા. ગૌરીએ લાધા આતાને બધી જ વાત કરી લાધા આતા ઘર ખોરડું જોઈ આવ્યાં. આવો સંસ્કારી જમાઈ એને બીજે ક્યાં મળવાનો હતો?? એ સહમત થયા. પણ બેય ભાઈ આડા ફાટ્યા. મધુ પોતાના ભવિષ્ય માટે ગૌરીનો સંબંધ વડોદરામાં એ શેઠના છોકરા સાથે કરાવવા તત્પર હતો આ બાજુ ગૌરી પણ મક્કમ હતી. અને મધુએ ધડાકો કર્યો. જો ગૌરીનું ધાર્યું થશે અને તમે એને એની મરજી મુજબ પરણાવશો તો અમે અમારા બેય ભાઈઓનું નાહી નાંખજો! અજબ કોકડું ગુંછવાયુ હતું. રિહ અને વળનું બંબુડુ મધુ કોઈ કાળે માનતો નહોતો અને અંતે ગૌરીએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધાં!!
લાધા આતાને એટેક જેવું આવી ગયું પણ દવાખાને ગયા નહોતા..એમને એમ સુનમુન બેસી રહેતાં.પણ ગામના લગભગ દરેકને એ વાતનો ખ્યાલ આવી જ ગયો હતો કે ગૌરી ભાગે જ નહિ પણ એના સુખ ખાતર એના બાપાએ જ ભગાડી છે.. બાકી એ છોડી કોઈ દિવસ એવું કરે નહિ.. ભૂલ મધુની જ છે આવો નોકરીયાત જમાઈ ક્યાં મળવાનો હતો? વળી જમીન પણ સારી છે..સહુ પોતપોતાની રીતે વાતો કરવા લાગ્યાં. અઠવાડિયા પછી વળી કુટુંબ ભેગું થયું.. થોડા કડવા વેણ લાધા આતાને પણ કહ્યા અને થોડા વેણ બેય ભાઈઓને અને છેલ્લે મધુએ અને એના ભાઈ રઘુએ સગા બાપા સામે શરતો મૂકી.
"આ ઘરે હવે ગૌરીનો પગ ક્યારેય નહિ!!
"તમારે ગૌરીના ઘરે જવાનું નહિ!!! ક્યારેય નહિ જવાનું"
" જમીનમાં ગૌરીનો ભાગ નહિ કે કોઈ ચીજ વસ્તુ કે ઘરેણા કે પૈસા છુપી રીતે એને ક્યારેય મોકલવાના નહિ!!"
લાધા આતાએ શરતો માન્ય રાખી.. પણ મધુ એમ નહોતો માને એવો પોતાના માથા પર એણે લાધા આતા પાસે બે ય દીકરાના સોગંદ ખવરાવ્યા કે ઉપરના નિયમ એ જીવશે ત્યાં સુધી પાળશે. અને એ નિયમ લાધા આતા પાળતાં આવ્યા હતા. આઠ વરસ થયા હતા આ વાતને ગૌરી ક્યારેય ગામમાં પાછી ન આવી કે લાધા આતા ક્યારેય પોતાની દીકરીના ઘરે નહોતા ગયાં.એમણે વચલો રસ્તો કાઢ્યો હતો.પોતાના જ ગામમાં નોકરી કરતા હરજી ભાઈનો એક ભાઈબંધ ગૌરીની નિશાળમાં નોકરી કરતો એટલે લાધા આતા પંદર દિવસે નિશાળે જાય હરજીભાઈના મોબાઈલમાંથી એ ગૌરી સાથે વાત કરી લેતા. જોકે એની કોઈને ખબર નહોતી. સોમવારે ઓપરેશન છે એવી વાત લાધા આતાએ ગૌરીને શનિવારે જ કરી દીધેલ. વળી એ પણ કહ્યું કે તું હોસ્પીટલે તો આવી જ શકેને!! ઘરે આવવાની મનાઈ છે. હોસ્પીટલની થોડી મનાઈ છે. અને એટલે આઠ વરસ પછી આજ એણે ગૌરીને જોઈ.. બસ લાધા આતાના મનમાં કોઈ જ હરખ શોક ન રહ્યો. પોતાની દીકરી બધી વાતે સુખી છે. બસ આજ એને જોઈ પણ લીધી.
"લાધા તળશી પેશન્ટને ઓપરેશન થીયેટરમાં લાવો " કેસરી ડ્રેસ વાળી નર્સ બોલી અને લાધા આતા તંદ્રામાંથી જાગ્યા.એ વર્તમાનમાં પાછા આવ્યા. દસ દસ મીનીટે અપાતો ટીપાનો ડોઝ પૂરો થઇ ગયો હતો. એ ઉભા થયા અને મક્કમ પગલે ઓપરેશન થીયેટર તરફ ચાલી નીકળ્યા. ડોકટરે એની આંખો તપાસી કીકીનું માપ લીધું વળી થોડા ટીપા નાંખ્યા અને ઓપરેશન થીયેટરમાં લઇ ગયા.
લાંબા બેડ પર એમને સુવડાવ્યા.. ઉપર લીલુ કપડું ઢાંક્યું.. આંખની આજુબાજુ દ્રાવણ ચોપડ્યું અને ઓપરેશન શરુ થયું.લેસરની મદદથી ફક્ત દસ જ મીનીટમાં ઓપરેશન પૂર્ણ થઇ ગયું. લાધા આતાને કીડીના કરડવા જેટલી પણ વેદના ન થઇ. ઓપરેશન દરમ્યાન એની દીકરી ગૌરીનો ચહેરો એની આંખ સામે ઝબકી રહ્યો હતો. લાધા આતા ઓપરેશન થીયેટરમાંથી બહાર આવ્યા. આંખ પર કાળા ચશ્માં લગાવ્યા હતા. વળી પોતાની પથારી પર બેઠાં. ગૌરી લાવી હતી એ ટીફીન ખોલ્યું. ત્યાંજ મધુ જાણે તાડૂક્યો.
" ડોકટરે કીધું છે ખાવાનું?? પૂછ્યું ડોકટરને??"
"વળ સિવાય બધું જ ખવાય !!તારે પૂછવું હોય તો પૂછી આવ્ય ". લાધા આતાએ હસતા હસતાં જવાબ આપ્યો અને ગૌરીએ લાવેલ સુખડી ઘી ગોળ અને બાજરાનો રોટલો અને ભરેલ મરચું ટેસથી ઝાપટવા લાગ્યા. આખું ટીફીન ખાઈને એ એકદમ બિન્દાસ થઈને પલંગ પર આડા પડ્યા.. મેડીકલમાંથી મધુ ત્રણ શીશી ટીપાની લઇ આવ્યો એમાંથી વારાફરતી એક એક વાર ટીપાં નાંખ્યા. સાંજે સાડા પાંચે ડોકટરે બધા દર્દીને બોલાવ્યા જેના ઓપરેશન આજે થયા હતા બધાને સુચના આપી અને પછી બીલની રકમની એક ફાઈલ આપવામાં આવી. મધુએ ફાઈલમાં જોયું તો એમાં ૨૫૦૦૦ હજારનું બિલ હતું અને આ જોઇને એનું મગજ છટક્યું એ જોરથી બોલ્યો.
" મેં તો ભાઈ ચોખ્ખુ ફુલ કીધું હતું પૂછો આ બીજા દર્દીને કે મારે ૧૨૦૦૦ હજાર વાળો જ મણિ નંખાવવાનો છે તો પછી આ બીલમાં ૨૫૦૦૦ નો મણિ કેમ છે.. જો તમારી ભૂલ થઇ હશે તો એ તમારે ભોગવવી પડશે. હું બાર હજાર કરતા એક રૂપિયો વધારે નહિ ચૂકવું આ તમને કહી દીધું." લાધા આતા અને ડોકટર નયન પટેલ બને મધુની સામે જોઈ જ રહ્યા. થોડી ક્ષણો પછી ડો નયન પટેલ બોલ્યા.
" તમારો પ્રોબ્લેમ મને સમજાઈ ગયો છે મધુ ભાઈ. તમે હોવા જોઈએને એના કરતા વધારે ડાહ્યા છો ટૂંકમાં સળંગડાહ્યા છો. અને આ ડહાપણની માત્રા વધી જાય એટલે ગાંડપણ વધી જાય.. સમજયા.. તમે ફાઈલ બરાબર જુઓ... એમાં બિલ ભરપાઈ થઇ ગયું છે.. તમારે એક રૂપિયો પણ નથી આપવાનો.. અને વળી બીજી વાત.. મહિના પછી દાદાની જમણી આંખે પણ મોતિયો ઉતારવાનો થાય છે ને એના પણ એડવાન્સમાં ૨૫૦૦૦ હજાર આવી ગયા છે.. આ પૈસા તમારા બહેન અને બનેવીએ આપી દીધા છે. બાય ધ વે તમારા બનેવી છે ને એના મિત્ર એ મારા ખાસ મિત્ર છે એના મારફતે જ મારે એમની સાથે વાત થઇ. કાલ્ય રાત્રે જ અમે નક્કી કરી નાંખ્યું હતું કે દાદાને મલ્ટીફોકલ લેન્સ બને આંખોમાં નાંખી દેવાનો છે.. તમારા બનેવી અને બેનને ઓળખવામાં તમને અહમનો મોતિયો નડે છે મધુ ભાઈ!! અહમનો મોતિયો!!"
"આંખના મોતિયાનું તો ઓપરેશન પણ થાય!! પણ આ અહમના મોતિયાનું ઓપરેશન લગભગ થતું નથી..લગભગ આજીવન આ મોતિયો રહે છે અને એમાં માણસને સાચું દેખાતું જ નથી..જ્યારથી માણસ પોતાનો સ્વાર્થ જોવાની શરૂઆત કરને ત્યારથી માનવું કે અહમનો મોતિયો આવવાના લક્ષણો દેખાય એમ કહેવાય!! હવે કાલે તમારે દાદાને બતાવવા નથી આવવાનું. હું સવારમાં એ બાજુ નીકળીશ તો વચ્ચે તમારું ગામ આવે જ છે. અને આ તમે બહાર જમા કરાવેલા ૧૦૦ રૂપિયા અને રૂમ પેટેના ૧૦૦૦ રૂપિયા.. બધા જ પૈસા ગૌરીબેને આપી દીધા છે.. એક વાત કહું મધુભાઈ.. આવી બહેન તમને નહિ મળે.. શું ખામી હતી જમાઈમાં? તમે કોઈ દિવસ એને ત્યાં ગયા છો? ગૌરીબેનને કોઈ તકલીફ નથી જાહોજહાલી છે એમ મેં મારા મિત્ર દ્વારા જાણ્યું બસ એના પુત્રના ભાગ્યમાં કોઈ જ મામા નથી.. મામા વગરનો ભાણિયો છે." ડોકટર ગળગળા થઇ ગયા હતા. જીવનમાં ડોકટર નયન પટેલની આંખમાં પહેલીવાર ઝળઝળિયાં આવ્યા હતા. મધુ અને બીજા સહુ સ્તબ્ધ થઇ ગયાં હતાં.
કાળી થેલીમાં ફાઈલ નાંખીને લાધા આતા અને મધુ નીચે ઉતર્યા.. લીમડા નીચે પાર્ક કરેલી ગાડી પાસે આવ્યાં. સામે ફળવાળાની લારી હતી ત્યાંથી ઘણા બધા ફળ મધુએ લીધા. ગાડી આગળ ચાલી. પણ ત્રણ રસ્તા આવ્યાને ત્યાંથી કાર અવળા રસ્તે ચાલી એટલે લાધા આતા બોલ્યાં.
" મધુ રસ્તો ભૂલી ગયો તું.. આ રસ્તો તો બસ સ્ટેન્ડ બાજુએ જાય છે.. તારી ભૂલ થાય છે આપણે એ બાજુ જવાનું નથી ગાડી પાછી વાળ્ય." જવાબમાં મધુ જે બોલ્યો એ શબ્દોથી લાધા આતાનું જીવતર ઉજળું થઇ ગયું. મધુ બોલ્યો.
"આતા સાચા રસ્તે આજ આવ્યો છું.. રસ્તો ભૂલ્યો નથી.. રસ્તે ચડ્યો છું.. અત્યારે આપણે ગૌરીબેનના ઘરે જઈએ છીએ.. રાત રોકાઈશું બેનના ઘરે! અને કાલે દવાખાને બતાવતા જઈશું. ભાણીયા માટે આટલો ભાગ લીધો છે. હું મારી પ્રતિજ્ઞામાંથી તમને મુક્ત કરું છું!!"
બાપ દીકરાની બેયની આંખમાં આંસુઓ હતા પણ અંતરમાં હરખ હતો અને એટલે આ આંસુઓ ખુશીના હતા. અને કાર ગૌરીના ગામ બાજુ જઈ રહી હતી. અને આ બાજુ ડોકટરે લાધા આતાની આંખના મોતિયાની સાથે મધુનો અહમનો મોતિયાનું ઓપરેશન પણ મફતમાં કરી દીધું હતું.. એક ઓપરેશન સાથે એક ઓપરેશન ફ્રી.. અને હા જ્યારથી માણસ પોતાનો સ્વાર્થ જોવાની શરૂઆત કરેને ત્યારથી માનવું કે અહમનો મોતિયો આવવાની પૂરી શક્યતા છે.
***
લેખક મુકેશ સોજીત્રા.〽️💲 ©️કૉપિરાઇટ મુકેશ સોજીત્રા.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories