"પ્રભુ તારી લીલા અપરંપાર" (નવલિકા)
આ વરસના અષાઢે માઝા મૂકી હતી. પંદર પંદર દિવસથી વરસતો વરસાદ રોકાવાનુ નામ નહોતો લેતો. ત્યાં તો ગૌરીવ્રતના દિવસો શરું થયા. આ દિવસો એટલે કુમારિકાઓના અનેરા આનંદ અને ઉલ્લાસના દિવસો. ગામની કુમળી કન્યાઓ આ દિવસોમાં વ્રત કરીને મનગમતો વર પામવા માટે ગોરમાને રિઝવવા લાગી. નાની નાની બાલિકાઓ ગોરમાનુ વામન સ્વરૂપ ધારણ કરી અવનવા વસ્ત્રો સજીને ગામના ગોદરે મોજ મસ્તી કરવા લાગી.
પ્રભુ તારી લીલા અપરંપાર
આ સમયે તેમની જીભને પણ જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ મન ફાવે તેમ બોલ્યા કરતી હોય છે. તેમની અડફેટે જે ચડે તેને બૂમો પાડી પાડીને ખીજવવા લાગે છે. રસ્તે પસાર થતા રાહદારીઓ જ જયા આ અબૂધ બાળાઓના ઢંગધડા વિનાના નિર્દોષ ભાવે બોલાતા વ્યંગાત્મક વાકયોના શિકાર બનતા હોય ત્યાં ગામના સરકારી દવાખાનામાં છેલ્લા બે એક મહિનાથી નિમાયેલા ડોકટર સુહાગ પણ આવી નિર્દોષ પજવણીનો ભોગ બન્યા વિના રહે ખરા?
દવાખાનેથી પોતાની રૂમ પર પાછા ફરતાં તેમને પણ આ બાલિકાઓએ સત્કાર્યા:
" ઓ ચશ્માવાળા ભાઈ
તારી પાવલી પડી ગઇ
તુ દીવો લઈને શોધ
તારી મૂછો બળી ગઈ
તારી બાયડી મરી ગઇ. "
સુહાગ ચમકયો. તેને છોકરીઓ પર ભારે ખીજ ચડી. બાળાઓને આખો દેખાડી ધમકાવવા માંડયો. પણ એમ ધમકીથી ડરી જાય તો તો ગોરમાનો સ્વાગ લેવાય. કન્યાઓ વધારે જોરશોરથી ખીજવવા લાગી. સુહાગ નીચું જોઈને ઝડપથી પસાર થઇ ગયો.
છોકરીઓ દ્વારા થતી સુહાગની ફજેતી થોડે દૂર કૂવાના કોઠે કપડાં ધોતાં ધોતાં શોભના સાંભળી રહી હતી. ' તારી બાયડી મરી ગઇ' એ શબ્દોએ શોભનાની હદય વીણાના તારને ઝણઝણાવી નાખ્યા. તે મનોમન વિચારવા લાગી " સાચે જ ડોકટરની પત્નીનુ મૃત્યુ થાય તો કેવું? મારા જેવી અભાગીયો કદાચ મેળ પડી જાય અને મારી માગમા સિંદૂર ભરાય! " પણ બીજી જ ક્ષણે શોભનાએ આડા ફંટાતા પોતાના મનને બ્રેક મારી, " શા માટે મારે આવો પાપી વિચાર કરવો જોઈએ? કોઈને માટે આવું અમંગળ ઇચ્છવાનો મને શું અધિકાર છે? મારે શા માટે કોઇના સુખની ઇર્ષ્યા કરવી જોઈએ? ધારોકે ડોકટરની પત્ની મરી જાય તો ડોકટર બીજાં લગ્ન કરે, એમાં મારુ શું રંધાવાનુ? હા, એક શક્યતા ખરી કે ડોકટર અમારી જ જ્ઞાતિના હોવાથી જો વિધુર થાય તો કદાચ મારું ઠેકાણું પડી જાય. પણ એમ બનવું બિલકુલ અસંભવિત છે. મારા જેવી શ્યામવર્ણી સામાન્ય છોકરીને આ સોહામણો પુરુષ કોઈ કાળે પસંદ ન કરે. "
માનવીનુ મન મર્કટ સમાન છે એમ અમથું નથી કહયુ. શોભનાનુ મન પણ વાનરની જેમ એક વિચાર વૃક્ષ પરથી બીજા વિચાર વૃક્ષ પર કૂદાકૂદ કરવા લાગ્યું. એના ચિત્તની ચગડોળ ચકરાવે ચડી. એના મન:પ્રદેશ પર નિરાશાના ઘટાટોપ વાદળ ઉમટી પડયાં. પોતાની દયનીય હાલત પર વિચારવા લાગી. તેને થયું કે ભગવાને મને જન્મ કેમ આપ્યો? દુખના દરિયામાં તરફડિયાં મારવા માટે જ ભગવાને મને આ દુનિયા પર પછાડી છે એમ જ લાગે છે. તેનો શ્યામ વર્ણ તેના લગ્ન માટે અવરોધક બન્યો હતો.
શોભનાનુ આખું આયખું પારાવાર દુઃખથી ખરડાયેલુ હતું. તે જન્મી ત્યારથી જ તેના કુટુંબમાં ઉપરા ઉપરી આફતોની વણઝાર આવવી શરુ થઇ હતી. તેના જન્મ પછી ઘણા વરસો પછી તેના ભાઇનો જન્મ થયો ખરો પણ તે ચાર મહિના જ જીવીને ટૂકી માંદગીમાં મૃત્યુ પામ્યો. અહીથી જ શોભના પર છપ્પન પગી નું ગોઝારુ લેબલ લાગી ગયું જોકે તેના માતાપિતાને માટે તો તે લાડકી જ હતી પણ સગાસબંધી માટે તે અપશુકનિયાળ ગણાવા લાગી હતી. ઓછામાં પૂરું એ માડ દશ વરસની થઇ હશે ત્યાં જ શીતળાના રોગમાં સપડાઇ. રોગથી એ માડ માડ સાજી તો થઇ પણ તેની કાયાનો રંગ બદલાઇ ગયો. તેના શરીરની અસ્મિતા ઝાંખી પડી. શરીરનો વર્ણ શ્યામ થઇ ગયો.
જોકે અભ્યાસમાં શોભના ખૂબ તેજસ્વી હતી. સ્કૂલમાં તેણે અનેક વખતે ઇનામો જીત્યા હતા. વર્ગમાં હંમેશા પ્રથમ આવતી. એસ. એસ. સી. ની પરીક્ષામાં પણ બોર્ડમાં પ્રથમ દશમાં સ્થાન મેળવ્યું હતું. પિતા નજીકના ગામમાં પ્રાથમિક શિક્ષક હતા. ટૂકા પગારમાં કુટુંબના દશ માણસોનો જીવનનિર્વાહ ચલાવવાનો હતો આવી વિષમ આર્થિક પરિસ્થિતિમાં પણ પિતાએ શોભનાને કોલેજ શિક્ષણ અપાવ્યું હતું કોલેજમાં પણ શોભના સારા માર્ગથી ઉત્તિર્ણ થવા લાગી.
સમય કોઇની રાહ જોવા રોકાતો નથી. સમયના સરકવા સાથે શોભના ની ઉમરનો આંકડો પણ આગળ વધતો હતો.કોલેજકાળ પણ પૂરો થયો. વધતી ઉમર સાથે હવે શોભનાની લગ્નની વય પણ વિતવા લાગી. તે ગુણિયલ કન્યા હતી પણ તેનું શરીર સૌષ્ઠવ સાધારણ હોવાથી અને દેહનો રંગ શ્યામ હોવાથી લગ્ન પસંદગીની પરીક્ષામાં ઉપરા ઉપરી નાપાસ થવા લાગી દુનિયા રૂપની પુજારી છે, ગુણની નહિ તેથી જ શોભના બાવીસ વરસની થઈ છતાં લગ્નનુ કયાંય ગોઠવાતું ન હતું. ઓછામાં પૂરું તેની જ્ઞાતિમાં દહેજપ્રથાનુ ઝેરી વૃક્ષ પણ ખૂબ ફુલ્યુફાલ્યુ હતું.
ભણેલા યુવાનોની લગ્નના બજારમાં ખૂબ ઊચી કિમત બોલાતી હતી. આવો મોઘોદાટ મુરતિયો ખરીદવાનું શોભનાના માબાપનુ ગજુ નહોતું. ચિતાના અસહ્ય બોજથી પિતા સાવ નિસ્તેજ થઈ ગયા હતા અને માતાને પણ અકાળે વૃદધતત્વ આવ્યુ હતુ. બાવીસ વરસની પુત્રી હજુ કુવારી બેઠી છે એ વિચાર માત્રથી બા બાપુજીની ઊઘ હરામ બની છે અને પોતે કુટુંબમાં એક મોટી સમસ્યા બની છે તે શોભના સારી પેઠે સમજતી હતી. પણ શોભના કરે તો કરે શું? ભગવાને જ તેને શ્યામ વર્ણની બનાવી હતી ત્યાં બીજો ઉપાય પણ શું હતો?
અને આજે કપડાં ધોતાં ધોતાં નીરખે ડોકટર સુહાગનો આકર્ષક- સોહામણો ચહેરો શોભનાના દિલને દઝાડી ગયો. એમાય વળી બળતામાં ઘી હોમવાનું કામ કુમારિકાઓના વ્યંગ બાણોએ કર્યુ. છોકરીઓએ બાણ છોડ્યા'તા સુહાગ પર પણ કાળજુ વિધાયુ શોભનાનુ. તે વિચારવા લાગી " આવા દિવ્ય મુખારવિંદવાળા પુરુષને પામનારી સ્ત્રી કેટલી ભાગ્યશાળી છે. આવા યુવાન વિષે મનમાં ગોઝારો વિચાર કરીને પોતે કેટલું મોટું પાપ વહોર્યુ છે તે વિચાર માત્ર તેને હચમચાવી ગયો. તેનુ મન ડંખવા લાગ્યું " ના, ના, કોઈનું ખરાબ ઇચ્છીને મારે પાપના પોટલા નથી બાંધવા. " આમ ગડમથલને અંતે કપડાં ધોવાઇ ગયા. કપડાંની સાથોસાથ મેલા થયેલા પોતાના મનને પણ તેણે ધોઇ નાખ્યું અને તે ઘર તરફ તેના શરીરને ધકેલવા માડી.
ઘરના ઉબરમા પગ મૂકતાં જ શોભનાની ચકોર નજરે નોંધી લીધું કે આજે તેની માતા ખૂબ જ આનંદિત લાગે છે માતાના મુખ પર છલકતા આનંદનો શોભના તાગ મેળવવાનો પ્રયાસ કરે એ પહેલાં જ માતાનો મીઠો ટહૂકો સંભળાયો " બેટા, શોભા! આમ આવ તો તને એક ખેડૂત જ આનંદદાયક સમાચાર કહેવા છે. "
" એ આવું બા" કપડાંની ડોલ માથા પરથી નીચે મૂકીને શોભના માતા પાસે આવી. બોલી " શું સમાચાર છે બા? ".
" જો સાભળ બેટા! આપણા ગામમાં સરકારી દવાખાનામાં નવા આવેલા ડોકટર સુહાગચંદ્ગને તું ઓળખે છે ને? "
" હા, બા પણ એ ડોકટર સાહેબનુ શું કામ છે? "શોભનાનુ હદય જોરથી ધડકવા લાગ્યું.
" શોભા! એ સુહાગચંદ્ગ હજુ કુવારા છે. હું અને તારા બાપુ આ વાત જાણ્યા પછી તેમના પિતાશ્રીને મળ્યા. તેમની સામે તારા લગ્નનો પ્રસ્તાવ મૂકયો. ડોકટરના પિતાએ કહયું " આ બાબત સુહાગની પસંદગી પર આધારિત છે. સુહાગ તમારી દીકરીને પસંદ કરે તો અમે કંકુના કરવા તૈયાર છીએ. અમોને આશા બંધાઇ. અમે એ પછી સુહાગચંદ્ગને પણ મળ્યા. તેમણે બે દિવસમાં જવાબ આપવાનું કહયું. ભગવાન પર ભરોસો રાખી તે બધું સંભાળી લેશે એમ માની અમે ઘેર આવ્યા. આ ગઇ કાલની જ વાત છે અને આજે તો તેમનો સારા સમાચાર સાથે નો પત્ર પણ આવી ગયો. એ તેઓ લગ્ન કરવા રાજી છે. લે વાચ આ કાગળ. " અને માતાએ કાગળ શોભનાને આપ્યો. પત્રના શબ્દો આ પ્રમાણે હતા:
પૂજય વડીલ શ્રી,
ગઇકાલે આપશ્રીએ મને જે સંબંધ વિશે પૂછયું હતું તેના જવાબમાં આ પત્ર પાઠવું છું. આપના દીકરીને મેં જોયેલ છે. ઉડી વિચારણાને અંતે હું એવા અફર નિર્ણય પર આવ્યો છું કે મને આ સંબંધ મંજૂર છે. હું ગુણનો ઉપાસક છું. અને આપની દીકરીમાં મને એ ગુણોના દર્શન થયા છે. મારા આદર્શોને પરિપૂર્ણ કરવા માટે મારે જેવી સંસ્કાર મૂર્તિની જરૂર હતી તે સંસ્કાર મૂર્તિ મને અનાયાસે મળી ગઇ છે તેથી મારા જીવનનું સુંદર સ્વપ્ન સાકાર થતું દેખાઇ રહ્યું છે.
લિ. આપના આશીર્વાદનો અભિલાષી,
સુહાગના વંદન.
શોભનાના વદનકમક્ળ પર શરમના શેરડા પડ્યા. ઇશ્વરની આ અકળ લીલાને તે મનોમન વંદી રહી. પત્ર પાછો આપતાં તેનું મુખ મલકી ઉઠયું. પોતાની દીકરાના હૈયાનો હરખ ચતુર માતા તરત પામી ગઇ. તેણે શોભનાને કહયું "શોભા, ભગવાને આપણા કુટુંબ પર આખરે અમીદષ્ટિ કરી ખરી. તારું નસીબ આડેનું પાંદડુ ખસી ગયું. અમારા આનંદનો આજે પાર નથી. સુહાગચંદ્ગ જેવા જમાઇ મળવાથી અમે ધન્ય થઇ ગયા. અમારી લાડલીના ભાગ્ય ઉઘડી ગયા. જયારથી સુહાગચંદ્ગ ડોકટર તરીકે આપણા ગામમાં આવ્યા છે અને તે આપણી જ જ્ઞાતિના તેમજ હજુ કુવારા છે તે જાણ્યા પછી અમે તેમની સાથે તારા સંબંધની ગોઠવણમાં પડયા હતા. ઈશ્વર ઇચ્છાએ આજે અમારી એ મનોકામના પૂરી થઈ છે. આ બાબત અમે તારાથી જાણી જોઈને છુપાવી હતી જો તને અગાઉથી યોજના જણાવી હોત અને વાત થોડીક આગળ વધ્યા પછી ડોકટર કે તેમના કુટુંબીજનો ના પાડી દેતા તો તારી વેદનાનો પાલ ના રહેત. તારું હૈયું વલોવાઈ જાત. તેથી જ અમે તને જરાય ગંધ ન આવે તે રીતે આ સિક્રેટ મિશનમાં આગળ વધ્યા છીએ. બસ હવે અમારા દિલનો ભાર હળવો થયો છે. હવે ભગવાન કરે તો આવતા માગશરમા જ તારા હાથ પીળા કરી દઈએ એટલે ગંગા નાહ્યા. "
શોભનાનુ હૈયું આનંદ સાગરમાં હિલ્લોળા લેવા માંડયુ. ભગવાન કેટલો દયાળુ છે! ઘડીવાર પહેલાં તેણે જે અમંગળ કલ્પના કરી હતી તે કેટલી બાલિશતા ભરી હતી તેને યાદ આવતાં પોતાની મૂર્ખતા પર તેને હસવું આવ્યુ. ડોકટર પરણેલા છે કે નહિ તે જાણ્યા વગર જ તેમને પરિણિત માનીને તેમની કલ્પિત પત્નીના સુખની ઇર્ષા કરવા માડી એટલું જ નહિ તેના મોતની પણ કામના કરી તે પાગલપણ નહિ તો બીજુ શું કહેવાય?. પણ બિચારીને કયા ખબર હતી કે સુહાગની સાથે લગ્ન કરનારી જે સ્ત્રીને તે બડભાગી માનતી હતી તે સ્ત્રી તો તે પોતે જ છે. સુવાસનુ ઉદભવસ્થાન શોધવા આમતેમ ભટકતા કસ્તૂરીમૃગ અને શોભનામા શો ફરક છે. ભગવાનની આ અકળ લીલાનો પાર પામવા કોઈ જ શક્તિમાન નથી. શોભનાને અંતર્યામીની એ અકળ લીલાનો પરચો મળી ગયો. તે સહસા બોલી ઊઠી " પ્રભુ, તારી લીલા અપરંપાર! ".
લેખક:
પ્રા દિનેશ ભારથી બી. ગોસ્વામી. (પાલનપુર)
*******************************
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
Stories
