" સાચો સથવારો " (Sacho Sathvaro)

Related

" સાચો સથવારો " (નવલિકા)

બારસાખને અઢેલીને ઊભેલી સ્વાતિ આકાશ સામે મીટ માંડી દોડાદોડ કરતી વાદળીને નિરખી રહી હતી. એનું મન આજે વેદનાના વંટોળિયામાં ફંગોળાઈ રહયું હતું. દુનિયાના બદલાયેલા રગઢંગથી પરેશાન હતી. જે બની ગયું તે સત્ય છે કે સ્વપ્ન તે જ તેને સમજાતું ન હતું. જે ભાઇના સ્વમાન ખાતર પોતાના સુખનો ત્યાગ કરીને અહીં પિયરમાં આવી હતી, એ જ ભાઇ આજે તેને કડવા વેણ સંભળાવી ગયો એ વાતનુ એને પારાવાર દુખ હતું. એના દિલમાં દર્દનો દાવાનળ ભભૂકતો હતો. ઊંચે આકાશ સામે મુઠ્ઠી ઉગામીને તેણે મનોમન એક મકકમ નિર્ધાર કરી લીધો.

સાચો સથવારો નવલિકા by આવકાર
" સાચો સથવારો "

સ્વાતિના લગ્ન દોઢેક વરસ પહેલાં જ કંદર્પ સાથે થયાં હતાં. કંદર્પ એમ. એ. કરીને એક સરકારી કોલેજમાં માનસશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યો હતો. અધ્યાપક તરીકે નોકરીમાં જોડાયાના ત્રણેક માસમા જ તે સ્વાતિ સાથે લગ્નના પવિત્ર બંધનમાં પણ જોડાઇ ગયો. તેને સ્વાતિ જેવી સર્વ ગુણ સંપન્ન જીવનસંગિનીનો સહચાર સોપડયો તેથી પોતાને ખુશનસીબ સમજતો હતો. સ્વાતિ - કંદર્પની આ યુગલ જોડી કોઇને પણ ઇર્ષ્યા પ્રેરે એટલી સુખી હતી. જોકે સ્વાતિ નાનપણથી જ ખૂબ સ્વમાની હતી તેથી ઘરમાં વાતવાતમાં ગુસ્સો કરી બેસતી તેથી કંદર્પ ક્યારેક મજાક મજાકમાં કહેતો પણ ખરો કે, ' મેડમ તમારું નાક ઘણું લોહી છે તેથી બહુ ગુસ્સો આવે છે તો સર્જરી કરાવીને થોડું ટૂંકુ કરાવીશું? ' સ્વાતિ વેલણ ઉગામીને મારવા દોડતી ત્યારે કંદર્પ બે કાન પકડીને માફી માગી લેતો અને મામલો રફેદફે થઈ જતો. આમ એકંદરે તે બંનેનુ દાંપત્યજીવન મધુરતા પૂર્વક સડસડાટ ચાલી રહ્યું હતું

માનવજીવન સુખ અને દુખનુ સંમિશ્રણ છે. દરેક મનુષ્યના જીવનમાં સુખ - દુખની સંતાકૂકડી ચાલ્યા જ કરે છે. સુખ કોઇનું પણ સદાકાળ ટકયુ નથી. સ્વાતિ નું સુખ પણ સંજોગોની દિવાલ ઓથે કયારે સંતાઇ ગયું તેની જરા સરખી પણ ભમક બંનેમાથી કોઇને આવી નહિ. શાંત અને સ્વચ્છ પાણીમાં નાનકડો પથ્થર પડતાં જ તે પાણી જેમ ડહોળાઇ જાય છે તેમ કંદર્પ અને સ્વાતિના દાંપત્યજીવનમાં પણ એક વિષમ પળે એક નાનકડો પથ્થર પડયો અને એમના જીવનજળને ડહોળુ બનાવી ગયો.

એક બપોરે કંદર્પ કોલેજમાંથી અધ્યાપન કાર્ય પતાવીને ઘેર આવ્યો ત્યારે ઘરના ઉબરમા પ્રવેશતાં જ સ્વાતિએ તેના ચહેરા પર ખિન્નતા જોઈ. દરરોજ ખિલખિલાટ ચહેરે આવતો કંદર્પ આજે કેમ ગુસ્સામાં દેખાય છે એ જાણવા તેણે પોતાના ઉતાવળીયા સ્વભાવ મુજબ ગોફણનો ઘા કર્યો " આજે કેમ આમ ઘુવડ જેવું મોઢું થઈ ગયું છે? "

કંદર્પ સ્વાતિના આવા શબ્દબાણથી સમસમી ગયો પણ કંઇ બોલ્યો નહિ. પહેલો ઘા નિષ્ફળ ગયો છે તેમ લાગતાં સ્વાતિએ બીજો પથ્થર ફેંકયો " કેમ જવાબ આપતા નથી? કે પછી કોલેજમાં કે રસ્તામાં કોઇ અપ્સરાનુ મોઢું જોઇને આવ્યા છો જેથી મારું મોઢું જોવું ગમતું નથી? "

કંદર્પનો પિત્તો ગયો છતાં પણ ગુસ્સાને દબાવીને બોલ્યો "આજે તારો ઘમંડી ભાઇ રસ્તામાં ભટકાઇ ગયો હતો. તેની સાથે ઝઘડો કરીને આવ્યો છું "

" શું? શ્રેયસ જોડે ઝગડો કર્યો? કંઇ કારણ તો હશેને? "

" એણે મને માસ્તર કહ્યો. મેં કહ્યું મારુ નામ પ્રોફેસર કંદર્પ કુમાર છે. અને હા હું માસ્તર નહિ પ્રોફેસર છું. તો સામે કહે છોકરાં ભણાવે એ બધા માસ્તર જ કહેવાય. "

" તે એમાં શું ખોટું કહયું મારા ભાઇએ? કોલેજમાં છોકરાં સામે લેકચર આપવું એ પણ માસ્તરગિરિ જ છે ને? આવી નાની અમથી વાતમાં તમારું શું પદ પડી જવાનું હતું તે ઝગડો વહોરવો પડે? "

" એટલે શું તું એમ કહેવા માગે છે કે એ જે કહે તે સાંભળીને સ્વિકારી લઉ? મેં પણ વળતો જવાબ આપ્યો કે જો છોકરાં ભણાવનાર પ્રોફેસર માસ્તર કહેવાતો હોય તો કાપડનો ધંધો કરનાર બધા કાપડિયા જ કહેવાય કાપડની પેઢી ચલાવતા તમે અને ઘેરઘેર ફરી કાપડની ફેરી કરતો મેલાઘેલા કપડાંમાં આવતો કાન્તિ કાપડિયો બંને એક જ વર્ગમાં આવો. સમજયા શ્રેયસ કાપડી? " આટલું સાંભળતો તે ઉકળી ઊઠયો અને બોલ્યો કે માસ્તર માઢુ સંભાળીને બોલો! મેં કહયું પેલા તમે બોલતો શીખો. મારી સામે ઊભા રહેવાની પણ તમારી હેસિયત નથી. ખબરદાર હવે મને માસ્તર કહયો છે તો હું છું પ્રોફેસર કંદર્પ. " આટલું કહીને હું ચાલી નીકળ્યો. પાછળથી એના શબ્દો કાને અથડાયા , ' સાવ વેદિયો છે'બોલ હવે હું મારું આવું હળહળતુ અપમાન સહન કરું ખરો? "

" તમે આ બરાબર નથી કર્યુ. મારા ભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો છે. તમારે થોડી સહનશીલતા રાખવી જોઈએ. "

" શા માટે? હું કયાં એના રોટલા ખાઉ છું તે સહન કરું? હું કંઈ એનો ગુલામ નથી કે એ જે કહે તે સાંભળી લઉ. હું પણ સમાજનો એક સન્માનનીય અધિકારી છું. તને ખબર છે કે બધા અધિકારીઓને એમનાથી પણ ઉપરી અધિકારીઓ તેમના બોસ ગણાય છે જયારે એક પ્રોફેસરને કોઈ જ બોસ નથી હોતો કોલેજના પ્રિન્સિપાલ વહિવટી વડા જરૂર છે પણ પ્રોફેસરના વડા નથી અમારા પ્રિન્સિપાલ સાહેબે મારા ચાલુ વર્ગમાં આવવું હોય તો મારી રજા લેવી પડે છે.

પણ જવા દે આ બધું તને કે તારા ભાઈને નહિ સમજાય. "

" ઓહો! તમે તો જાણે શહેનશાહ બની ગયા હોય એવું લેકચર આપી દીધું. જરા એ વિચાર કર્યો કે તમારો પગાર અને શ્રેયસની કમાણી વચ્ચે કેટલી મોટી ખાઇ છે? જરા નમતા રહેશો તો અવારનવાર મારો ભાઈ તમને આર્થિક મદદ કરતો રહેશે અને તમારે ટ્યુશન કરવા નહિ પડે. હવે ફરી વાર મળો ત્યારે તેની આગળ દિલગીરી વ્યકત કરી દેશો. "

" હું શું ભિખારી છું તે તેની મદદની આશા રાખું? તારા ભાઇની કમાણી તેને મુબારક. અને હા તું પણ કાન ખોલીને સાંભળી લે કે મારી સ્વતંત્રતા અને સ્વમાનને ભોગે હું કંઇ પણ સહન નહિ જ કરું. તારા ભાઇની શ્રીમંતાઇનો તને પણ ઘમંડ છે એ હું સારી પેઠે જાણું છું. અત્યાર સુધી તે મને અનેકવાર કહયું છે કે આપણે ત્યાં સ્માર્ટ ટી. વી. નથી , સારુ ફિચર નથી અને તારા પિયરમાં ખૂબ સંપતિ છે. તારો આ બળાપો તારી નાદાનિયતની ચાડી ખાય છે. જો સંપતિ જ તને સુખી કરી શકતી હોય તો શું કામ મારી સાથે લગ્ન કર્યા? તારા બાપને ઘેર જીવનભર સંપતિમા જ આળોટવુ હતું ને! "

" પ્રોફેસર કંદર્પ સાહેબ ! તમારી આ કિંમતી સલાહ બદલ આપનો ખૂબ ખૂબ આભાર! તમારી સાથે લગ્ન કરીને મે

કરીને મેં ભયંકર ભૂલ કરી છે. તમે મને સુખ પણ શું આપ્યુ છે?

" હા, શ્રીમતીજી, તમારી વાત સાચી છે. મેં તને જરાય સુખ આપ્યુ નથી. તારી માંદગીમાં ડોક્ટરને ત્યાં આંટા મારવા સિવાય કે તાવમાં માથે બરફના પોતા મૂકતા મૂકતા અનેક રાતોના ઉજાગરા કર્યા સિવાય બીજું કંઈ જ કર્યુ નથી મેં. દર મહિનાની પહેલી તારીખે તને ફાવે તે રીતે ખર્ચ કરવાની સૂચના સાથે તારા હાથમાં પગારના પૂરેપૂરા નાણાં મૂક્યા સિવાય બીજું શું કર્યુ છે મેં? તને કાશ્મીર, ઉદયપુર, જયપુર, પાવાગઢ, આબુ સહેલગાહે લઈ જવા સિવાય બીજું કંઇ જ કર્યુ નથી. તને ગમતી મોધી સાડીઓના ઘરમાં ઢગલા કર્યા સિવાય બીજું કર્યુ પણ શું છે મેં? અને તે મારા માટે તારી જાત નિચોવી નાખી છે. મારા માટે બે ટાઈમ ભોજન બનાવવામાં તારા કુમળા હાથોને કેટલી તકલીફ પડતી હશે તેની તો હું કલ્પના પણ નથી કરી શકતો! મારા માટે બે ટાઇમ કોફી બનાવતા પણ તને કષ્ટ પડે છે એ હું કયા નથી જાણતો? મારા કપડાં સારી રીતે ધોવા માંટે કામવાળા બહેનને ધમકાવવામાં તારી જીભને તે કેટલી ઘસી નાખી છે તેનાથી હું સુપેરે માહિતગાર છું જ. મારા માટે..... "

" બસ કરો તમારું લેકચર! હું તમારી કોલેજના કલાસરૂમમા બેઠેલી તમારી વિદ્યાર્થિની નથી. મારે પણ મારું સ્વમાન છે. મારું કે મારા પિયરિયાનુ અપમાન હું કદાપિ સહન નહિ કરી શકું. ગુડ બાય મિ. કંદર્પ. હું આ ઘર આજને આજ છોડી રહી છું.મને નહોતી ખબર કે જેના માટે હું મારું સર્વસ્વ છોડીને આવી છું એ માણસ આટલી હદે બેવફા બનશે. "

અને એ જ ક્ષણે સ્વાતિએ પતિગૃહને તિલાંજલિ આપવા મન મનાવી લીધું. કપડાંની બેગ તૈયાર કરવા માંડી. કંદર્પ ચૂપચાપ બધું જોતો રહ્યો. એ જયારે ઘરની બહાર નીકળી ત્યારે કંદર્પ ગ્લાનિ ભર્યા સ્વરે એટલું જ બોલ્યો "હું તને ઘરમાંથી ચાલી જવા કહી રહ્યો નથી. તારી મરજીથી જઇ રહી છે. જા ખુશીથી જા. હું તને ક્યારેય લેવા નહિ આવું. પણ જે દિવસે તને તારી ભૂલ સમજાય તે દિવસે ગમે તે ક્ષણે તું આ ઘેર પાછી આવી શકે છે. હું તને સહર્ષ આવકારીએ. આ મારું વચન છે" પણ ધૂધવાયેલી સ્વાતિએ એના આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા કરી ઝડપથી ચાલતી પકડી.

પિતૃગૃહે અચાનક સ્વાતિના આગમને તેની ભાભીને ચોંકાવી દીધી. મોટી બેગ જોઇને એણે મનોમન અનુમાન લગાવી જ દીધુ કે નણંદબા અહીં લાંબો સમય ધામા નાખવા આવ્યા લાગે છે. અલબત્ત સ્વાતિને ભાભી અને ભત્રીજાઓએ મીઠો આવકાર જરૂર આપ્યો. ભાભીએ પૂછવા પર સ્વાતિએ બધી માડીને વાત કરી. સાજે શ્રેયસ પેઢીએથી ઘેર આવ્યો ત્યારે તેણે બધી વાત જાણી સવાતિને ખૂબ બિરદાવી. સ્વાતિના સ્વમાની સ્વભાવની બધાએ ખૂબ પ્રસંશા કરી. કંદર્પ જેવા ગર્વિષ્ઠ માણસને આમ જ સીધોદોર કરી શકાશે એવું ભાઇ- ભાભીએ એકી અવાજે કહયું.

આમને આમ સ્વાતિના પિયરવાસને પંદરેક દિવસ પસાર થઇ ગયા. આ દરમિયાન કંદર્પ તરફથી કોઇ જ સંદેશો સ્વાતિને મળ્યો ન હતો. તેનો રોષ દિનપ્રતિદિન વધતો જતો હતો. કંદર્પને મારી કોઇ જ કિંમત નથી એ વાતે તે પરેશાન થઈ રહી હતી. પછી વળી વિચારતી કે ભલે અક્કડ રહે. એક ને એક દિવસ તો એ ઢીલો પડશે જ. ઠોકરો ખાઇને જયારે થાકી જશે અને કાલાવાલા કરશે ત્યારે જ એના ઘેર પગ મૂકીશ એમ મનમાં ગાઠ વાળી.

આમને આમ બીજા થોડા દિવસ વિત્યા ત્યાં એક દિવસે સ્વાતિના જીવનમાં નાની ચિનગારી પડી જેણે જોતજોતામાં ઉગ્ર રુપ લીધું. કહેવત છે ને કે દરેક ઘરમાં બે વાસણ તો ખેડતા જ રહે છે. એટલે કે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થવો એ સામાન્ય વાત છે શ્રેયસને પણ એક નાની બાબતે પત્ની સાથે ઝધડો થયો. નાના ઝઘડોએ વિકરાળ રૂપ લીધું અને શ્રેયસે ક્રોઘાવેશમા પત્નીને તમાચો મારી દીધો. સ્વાતિ વચ્ચે પડી તો શ્રેયસે તેને ઘકકો મારી દૂર હડસેલી દીધી. સ્વાતિ તમતમી ઉઠી. થોડીવારે ઝગડો શાંત પડ્યો. ત્યારે શ્રેયસ બહાર ઓસરીમાં ક્રોધથી તમતમતો આરામ ખુરશી પર બેઠો હતો. સ્વાતિ ભાઇની પાસે ઠપકો આપવા પહોંચી ગઇ. તેણે ભાઇને કહયું કે બૈરી પર હાથ ઉગામનાર પુરુષ કાયર કહેવાય, નામર્દ કહેવાય. કહેવત છે જ કે નબળો ધણી બૈરી પર શૂરો. " બસ બળતામાં ઘી હોમાઇ ગયું. શ્રેયસ નો ગુસ્સો ઉછળી આવ્યો પરંતુ બહેન- ભાઇનો સંબંધ આડો આવતાં તે ગુસ્સાને કાબુમાં રાખીને બોલ્યો " જો સ્વાતિ બોલવામાં ભાન રાખ. આ મારો અંગત પ્રશ્ર્ન છે. આ ઘર મારું છે. તું આ ઘરની મહેમાન છે, માલિક નહિ. મારા અંગત મામલામાં હસ્તક્ષેપ કરવાનો તને કોઇ જ અધિકાર નથી. અમે તને સંઘરી તેનો અર્થ એ નથી કે તું ઘર પર આધિપત્ય ધરાવતી થઈ જાય. હવેથી આ વાતનુ ધ્યાન રાખજે. "

ભાઈના આવા શબ્દો સ્વાતિના હદય સોંસરવા ઉતરી ગયા. તે અવાક બની ગઇ. પણ બીજી જ ક્ષણે વેદના દબાવીને ભાભી જે ઉપરના માળે હિબકે ચડેલ ભાભી પાસે શાન્તવન આપવા પહોચી ગઈ. ભાભીના બરડે હાથ ફેરવી બોલી, " ભાભી રડશો નહિ. શાંત થાઓ. તમને તો ખબર જ છે કે મારા ભાઇનો સ્વભાવ કડક છે કોઇની પણ સાથે વાતવાતમાં ઝઘડી પડે છે. એક નાની શી વાતમાં વાતનું વતેસર કરીને તમારા પર હાથ ઉપાડયો એ એમણે બહુ જ ખોટું કર્યુ છે. તમે પણ મારી જેમ કરો. રિસાઇને થોડા દિવસ તમારે પિયર જતા રહો તો જ તેમની શાન ઠેકાણે આવશે. પુરુષ જાત સમજે છે શું તેના મનમાં! તેમનો ઘમંડી ઉતારવાનો એક જ રસ્તો છે તેમને છોડીને પિયર વાટ પકડવાનો. કહેતાં હોવ તો મૂકવા આવું? "

ભાભીએ રડવાનું બંધ કર્યુ અને બોલ્યા " સ્વાતિ બેન માફ કરશો. તમારી સલાહ ને હું સ્વીકારી શકું તેમ નથી. તમારા ભાઇ ગમે તેવા પણ મારા તન મનના સ્વામી છે. મારા શરીરના કટકા કરે તોયે તેમને છોડીને જવાનું હું સ્વપ્નેય ના વિચારું. જે પુરુષ ક્ષણિક ગુસ્સાના આવેગમાં આવી જઇ પત્ની પર હાથ ઉપાડે છે તે ગુસ્સો ઉતરતા તેની પીઠને પંપાળવા માડે છે. જે ઘેર સ્ત્રી પરણીને પાલખીમાં સવાર થઈને આવી છે તે જ ઘરથી તેની અર્થી પણ ઉઠે તો જ સ્ત્રી અવતાર સફળ થયો ગણાય. સાચું કહું તો મને તમારા ભાઇ વિના પિયરમાં એક પણ દિવસ ના ફાવે.સ્વાતિ બેન ખોટું ના લગાડતા શાસ્ત્રમાં પણ કહયું જ છે કે સ્ત્રી તો પતિના પગલે પગલે ચાલનારી સહગામિની છે. "

સ્વાતિ અવાક બનીને ભાભીના મુખમાથી વહેતી શબ્દધારા ઝીલતી રહી. તેના મનમાં તોફાન જાગ્યું. ભાભી પાસેથી છટકીને તે બહાર આવી. બારણામાં ઊભા રહીને આકાશમાં દોડતી વાદળીઓને નિહાળતાં નિહાળતાં તેને પણ વાદળીવેગે દોડીને કંદર્પના ચરણોમાં આળોટવાનુ મન થયું. તેણે ત્વરિત નિર્ણય કરી લીધો. ઘરમાં આવી બેગબિસ્તરા તૈયાર કરી ભાઇ પાસે આવીને બોલી, " ભાઇ, હું જાઉં છું, મારા હદયેશ્વર પાસે. તમે સાચું જ કહો છો. હું આ ઘરની મહેમાન છું ખૂબ ખૂબ મહેમાનગતિ માણી હવે હું મારા ઘેર જાઉ છું. " અને ભાઇના પ્રત્યુતરની રાહ જોયા વિના જ એણે પિયરનો ઉબર ઓળંગ્યો. પ્રિયતમ પાસે પહોચવા અધીરા બનેલા એના દિલે પગને ઝડપથી ચાલવા હુકમ કર્યો. આજે એના બુદ્ધિના દ્વાર ખુલી જતાં પતિગૃહ છોડવાની કરેલી ભૂલ બદલ પસ્તાવો થતો હતો.

લેખક:
પ્રા દિનેશ ભારથી બી. ગોસ્વામી. (પાલનપુર)
******************************

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ "માયાવન" આવકાર પર અપલોડ થઈ ગયો છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ અને માણવા લાયક છે.!!