ઓધાન
~~~~~~~~ લેખક: વાસુદેવ સોઢા
હાથ અડાડતા જ ઉઘાડી જાય એવી ઠાલી વાસેલી ખડકીને ચંદુએ જોરથી પાટુ ઠોક્યુ. જૂની ખખડી ગયેલી ખડકી બારશાખ સોતી હલબલી ગઈ.
ઓધાન
રસોડામાં ચૂલો ફૂંકતી ચંદુની બા સંતોક ખડકીના ખળભળાટથી ચોંટી ગઈ. હાથમાં રાખેલા લોટના પીંડા સાથે ઉભી થઈ. રસોડાના બારણે આવીને જોરથી બોલી," કોણ છે રોયો..?આછી પાતળી ખડકીને તોડી નાખવી છે કે શું?"
ત્યાં જ ખડકીમાં પોતાના દીકરા ચંદુને જોતા થોડી નરમ પડી.," એલા ચંદલા ? આટલું બધું લોહી ભરાઈ ગયું છે? લોહી તને ચટકા ભરે છે?"
ચંદુના નસકોરા સાંઢની જેમ ફુલી રહ્યા હતા. એ ક્રોધ ભરી આંખે સંતોકને તાકી રહ્યો.
" અલ્યા, તું તું ચંદુ છો ને? મારો દીકરો જ છો ને?" સંતોકે લોટનો પિંડો બીજા હાથમાં ફેરવ્યો. પછી ઉમેર્યું," તારા દરહણ આવા કેમ થઈ ગયા?"
છતાંય ચંદુનો ક્રોધ જરાય મોડો ન પડ્યો. તે તેની બા સંતોકને કાળની નજરે તાકી રહ્યો.
સમજાવટના સુરમાં સંતોક બોલી," ચંદુ,કોઈની સાથે બાધીને આવો છો? કોઈએ તને કંઈ કહ્યું છે? બોલ દીકરા, તને કોઈએ દુભવ્યો છે? કંઈ બન્યું છે?"
ચંદુને શાંત પાડવા કેટલાય પ્રશ્નો સંતોકે કર્યા.
" બનવામાં હવે શું બાકી રહ્યું છે.!" ચંદુ ધમધમ કરતો ઓસરીની પાળ ચડી ગયો. પાળે પડેલા તગારાને ઠેબું મારીને નીચે પછાડયું. સાવરણીને હાથમાં લઈને પીંખી નાખી. પાણિયારે પાણીના ગોળા પર બેસીને ચકલી ચીં ચીં કરતી હતી. ચંદુએ તેની સામે જોયું. હાથ લાંબા કરીને ચકલીને ઉડાડી. ત્યાં ચંદુની નજર ઘરની આડીમાં બાંધેલા ચકલીના માળા પર પડી. દાંત ભીંસીને ચકલીનો માળો ખેંચ્યો.l માળાનો ફળિયામાં ઘા કર્યો. માળામાંથી ચકલીનું એક ઈંડુ દડીને બહાર આવી ગયું. પણ ફૂટ્યું ન હતું. આ જોઈને ચકલી ચીં ચીં ચીં કરીને આમ તેમ ઉડવા લાગી.
" પાપિયા..! "સંતોકની રાડ ફાટી ગઈ," બિચારી ચકલીના માળાને શું કામ પીખી નાખ્યો? તને થયું છે શું એ કહે ને?" સઁતોક ખીજાણી.
" હજી પૂછો છો?" ચંદુ સંતોક સામે ઘૂરક્યો," ગામમાં ઊંચું મો રાખીને નીકળવા જેવું જ ક્યાં રહ્યું છે !?"ચંદુ ધબ કરતો કાથીના ખાટલામાં પડ્યો. એનું આખું શરીર કંપતું હતું.
ચંદુનું રૂપ જોઈને, તેના આંકરાં વેણ સાંભળીને સંતોક ઘડીભર હેબતાઈ ગઈ. ચંદુ આ શું બોલી રહ્યો છે? સંતોકને કંઈ સમજણ ન પડી.
એ રસોડામાં ચાલી ગઈ.
નહિતર ચંદુ જેવો છોકરો ગામ ખાતે આ એક જ. બધા જ ચંદુના બે મોઢે વખાણ કરતા. એ હતો માત્ર ચૌદ વર્ષનો જ. પણ નથી કહેતા કે -બારે બુદ્ધિ, સોળે સાન. આને બાર વર્ષે બુદ્ધિ આવી ગયેલી, અને સોળ વર્ષ થતા પહેલા સાન પણ આવી ગયેલી. એવું બધા માનતા. એટલો ડાયો કે કોઈએ તેને કોઈ સાથે ઊંચા અવાજે વાત કરતો પણ સાંભળ્યો નહીં હોય.
એ તો ઠીક છે, પણ છ સાત માસ પહેલા ચંદુનો બાપ લખમણ ગુજરી ગયો, પછી ચંદુ ખૂબ ગંભીર બની ગયો. તેની ઠાવકાય આધેડને આંટી જાય એવી થઈ ગઈ. બાપ મૃત્યુ પામ્યો ત્યારે ઠરેલ વ્યક્તિની જેમ તેણે સંતોકને સંભાળી લીધી- બા તું રો નહીં. હું છું ને.! તારો જુવાન જોધ દીકરો બેઠો છું. મા, તને જરાય સંકટ પડવા નહીં દઉં." એ મને સમજાવતો.
"થવા કાળ થઈ ગયું. બનવાનું હતું તે બની ગયું. હવે હું બધું સંભાળી લઈશ. તારે શેનીએ વ્યાધિ કરવી નહીં. આ તારો દીકરો તને જરાય ઓછું નહીં આવવા દે."
ચંદુએ સંતોકના ગાલે દડી રહેલા આંસુના રેલાને લૂંછ્યાં હતા. માને છાતીએ વળગાડી હતી. મને સાંત્વના આપી હતી. માએ વહાલ ભર્યો હાથ ચંદુ પર ફેરવો'તો. તેને થયું, મારો ચંદુ કેટલો સમજણો થઈ ગયો છે. એ જોઈને ગામના લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી. બધાને થતું કે દીકરા હો તો ચંદુ જેવા હોજો. કેટલો સમજણો છોકરો છે. બાપના મરણના દુઃખને પચાવી જાણ્યો છે. માનું વૈભવ્ય આવા દીકરાના ઓછાયે કપાઈ જશે.
ગામની સ્ત્રીઓએ સંતોકને છાની રાખતા સલાહ આપેલી - બાય, ચંદુ જેવો સમજણો દીકરો ભગવાને દીધો છે. તારો જન્મારો સુધરી ગયો. તારી માથે ઉની લૂ પણ નહીં લાગવા દે.
બધાની વાત સાચી જ પડી. દિવસો વિતવા લાગ્યા. બાપના મૃત્યુનું દુઃખ અસરવા લાગ્યું. અને ઘરનું કામકાજ ચંદુએ ઉપાડી લીધું. સંતોકના હૈયે ટાઢક થઈ. સંતોકને થયું- હાશ, ચંદુ હવે એના બાપ જેવડો થઈને ઉભો રહ્યો. મારે હવે શેની વિપત? હવે શેનો વલોપાત?
છ મહિનામાં ચંદુ ઘરનો કરતા હરતા બની ગયો. ઘરનો મોભી થઈ ગયો.
સગા સંબંધીઓના મોઢે ચંદુનો દાખલો અપાવવા લાગ્યો.- ચંદુને જુઓ, એનું નામ દીકરા કહેવાય. બાપનુ છત્ર ગુમાવ્યું છતાં હિંમત હાર્યો નથી. એની માને જરાય ઓછું આવવા દેતો નથી.
એ ચંદુ આજે કાળઝાળ કેમ બની ગયો? રોટલો ટીપતા ટીપતા સંતોક વિચારવા લાગી. ચૂલામાં બળતા અગ્નિ સામે તાકી રહી. આ અગ્નિ જેવો ક્રોધ ચંદુને શેણે આવ્યો?
સંતોકને એનો પતિ લખમણ સાંભળી આવ્યો. એ શાંત સ્વભાવનો હતો. પણ ક્યારેક ખીજાતો ત્યારે સારા નરસાનું ભાન ભૂલી જતો. ચંદુ પણ એના બાપ પર ગયો છે.
સંતોકે રસોડામાંથી નજર કરી.ઓસરીમાં ઢાળેલા ખાટલામાં ચંદુ પડ્યો હતો. એના બાપની જેમ જ. એની જેટલો ઊંચો થઈ ગયો છે. એવો જ વાન. એટલો જ નમણો.
પણ કુદરતની નજર લાગી ગઈ હોય એમ કાંડા બળિયા અને જોરાવર લખમણને જાણે શું થઈ ગયેલું.!ચંદુના જન્મના બે જ વર્ષમાં એ રોગથી ઘેરાઈ ગયેલો. ધીરે ધીરે એનું શરીર ગળવા લાગ્યું હતું. લોહી સુકાઈ ગયું હતું.ચહેરો ફિક્કો પડવા લાગ્યો હતો. મોઢા પરથી નુર ઉડી ગયું હતું.
સંતોકે મળ્યા એટલે દાકતર, વૈદ ,ભુવા, હકીમ, ફકીર, કોઈની પાસે જવામાં મણા નહોતી રાખી. બધા સામે ખોળો પાથરીને પોતાના પતિને સાજો કરવાની આજીજી કરતી. પણ દાડે દિ' લખમણ સોરાતો ગયો. અંતે ખાટલામાંથી બેઠા થવાની પણ સો ન રહી. સંતોકને એ બધું નજર સામે તરવરી રહ્યું.
દાકતરે ચોખ્ખું સંભળાવી દીધું હતું- હવે આ શરીર માટીમાં મળે તો પીડામાંથી છૂટે. કશો સુધારો નહીં થાય. આટલું કહીને દાકતરે સંતોક સામે જોયું. પછી વડીલ માફક સલાહ આપી," બેન, મારે તમને અંધારામાં નથી રાખવા. જો થોડા દિવસો કે થોડા મહિના ટકી રહેવું હોય તો બંને એક પથારીમાં ક્યારેય સુતા નહીં. જુદી પથારી રાખજો. આટલી પરેજી પાળશો તો મોત મોડું આવશે. પાંડુને માદ્રીની વાત સાંભળી છે ને.! આટલો ઈશારો કરું છું.."
દાકતરનો ઈશારો સંતોક સમજી ગઈ. એના બોલ સંતોકે ગાંઠે બાંધી લીધા. લખમણની સેવા કરવા લાગી. ખવડાવવું, પીવડાવવું ,દવા આપવી, લખમણને નવડાવવો. અને એની પથારી બદલવી. સંતોકે રાત દિવસ જોયા વિના સેવા કરી. રાત્રે લખમણના ખાટલા પાસે નીચે બેસીને ખાટલાની ઇસે માથું રાખીને સવાર પાડી દેતી. પણ લખમણની પથારીમાં એ કદી ન ગઈ.
વર્ષે કે બે વર્ષ હોય તો ઠીક. પણ છેલ્લા દસબાર વર્ષથી લખમણ ખાટલાની કોઈમાં લોટતો રહ્યો.
ત્યારે ચંદુ તો સાવ નાનો હતો. થોડી ખેતીવાડી હતી. સંતોક પર બધું જ કામ આવી પડ્યું હતું. એક ભાયડાને શરમાવે તેવું કામ થયું. લક્ષ્મણની સેવા કરતી, ચંદુને ઉછેરતી.
આખો દિવસ કામ ને રાત આખી અર્ધજાગ્રત અવસ્થામાં લખમણના ખાટલે. સંતોકે સહ્યુ . બધું જ સહ્યુ. બાર બાર વર્ષથી સહ્યુ. લખમણ જીવતો હોવા છતાં, રંડાપો ભોગવ્યો. લખમણ તો હતો ન હતો જેવો. જીવતા મડદા જેવો થઈ ગયો.
દાકતર,વૈદોની વાતને સઁતોકે પાળી બતાવી. લખમણને જિવાડયો. પૂરી પરેજીથી તેની કાળજી સંતોક લેતી હતી. એને આશા હતી કે એક દિ' જરૂર લખમણ બેઠો થઈ જશે. અને પછી બધું હેમખેમ થઈ જશે.
ચંદુને ઉછેરવામાં સંતોકે જાત ઘસી નાખી. એ યુવાન જેવો થવા માંડ્યો. ચંદુ લક્ષ્મણની પાસે બેસતો. ચંદુને જોઈને બાપનું હૈયું હરખાતું. હવે તો મોત આવે તો ચિંતા નહીં. મારો ચંદલો મોભને ટેકા દે એવો થઈ ગયો છે.
એક દિ' સંતોક સામે જોઈ આંખમાં આંસુ લાવી લખમણ બોલેલો- ચંદુની બા, બાર બાર વર્ષથી મેં તને સંતાપી જ છે. મેં તને ખાટલે ઉભા પગે રાખી છે. પછી ડૂસકું નાખીને ઉમેર્યું -ચંદુ ચૌદ વર્ષનો થવા આવ્યો છે. છતાં ક્યારેય હું એને આંગળીએ વળગાડીને શેરીમાં લઈ શક્યો નથી. ચંદુની બા, મેં તો ઓલા જન્મારે પાપ કર્યા હશે, એમાં આ દશા થઈ. પણ તે કયા પાપ કર્યા કે તું મારે પનારે પડી,?
" બોલોમાં..! એવું કવેણ ન બોલો," સંતોકે લખમણના મોઢા આગળ હાથ દઈ દીધો હતો." મારે મન તમે જ મારું બધું છો. તમે હયાત છો એ મારે મન પૂરતું છે. તમે આ ઘરનું ઢાંકણ છો." સંતોકે આંખો લૂંછી," હવે ઉપાધિ શું છે? કાલ સવારે ચંદલો આભને ટેકો દેશે."
"હા તને જરૂર સુખ દેશે. હું તો તને કંઈ નથી દઈ શક્યો." લખમણની કોરી ધાકોર આંખોમાંથી આંસુ નીકળવા મુશ્કેલ થઈ પડ્યા હતાં.
રોટલો ઘડતા ઘડતા સંતોકને આ બધું યાદ આવી ગયું. આંખે સાડીનો છેડો ફેરવીને ઝળઝળિયાંને લુછી નાખ્યાં. તાવડીમાં રોટલો બળવા લાગ્યો- અરર...!રોટલો બળી ગયો. રોટલાને ઉઠલાવી બહાર નજર નાખતા સંતોકે પૂછ્યું ,"ચંદલા, રોટલો બળવાની વાસ ન આવી?"
" હરે બળવામાં શું બાકી રાખ્યું છે બા? રોટલો બળવાની તને વાત આવે છે ,પણ..!" ચંદુ આગળનું વાક્ય ગળી ગયો.
સંતોક ચૂલામાં તાપ સંકોરી બહાર આવી.ચંદુની પાસે ખાટલા ઉપર બેઠી.ક્યારેક આમ લખમણની પાસે બેસતી.
લોટવાળા હાથ ચંદુના માથા પર ફેરવવા લાગી. અને વ્હાલ ઘૂંટીને બોલી," દીકરા મારા, વાલા તું આટલો બધો ખિજાશ કેમ ? તને શું થઈ ગયું છે?'
"શું. ઉ.ઉ..!?"ચંદુ ઊંચા સાદે બોલ્યો. ને ઉભો થઈ ગયો." બા, મને તમે મને હજી પૂછો?"
હવે સંતોક અકળાય ઉઠી," એલા, ક્યારની પૂછ પૂછ કરું છું. એનો ઉત્તર દેતો નથી. અને મારી સામે ધુંઆ ફુંઆ થયે રાખે છે ? કઈ કહીશ કે પછી ધૂંધવાયે રાખીશ?'
' બા "ચંદુ આડુ જોઈને બોલ્યો," ગામમાં થતી વાતો મારાથી ખમાતી નથી." અને એકાએક સંતોક સામે ફરીને બોલ્યો," તું.. તું.. આવી છિન્નાળ નીકળશે એનો મને સપને વિચાર નહોતો આવ્યો."
એ સાથે સંતોકનો મજબૂત હાથ ચંદુના ગાલે પાંચેય આંગળા ઉપસી આવે એટલા જોરથી પડ્યો," નાલાયક... તારી સગી જનેતાને આવું કહેતા તારી જીભ કેમ ન કપાય ગયી..!!?"
"હા..હા..એક નહી,સાડી સતર વાર છિન્નાળ..!"ચંદુએ ગાલ પમ્પાળતા સામે ત્રાડ પાડી.
" અરે ભગવાન..! ઓ મારા ધણી..! "સઁતોક આક્રંદ કરવા લાગી.થામ્ભલીયે માથા પછાડવા લાગી.- આવું સાંભળતા પહેલા મારો જીવ કેમ ન નીકળી ગયો..! પેટનો જણ્યો જ મને કલન્ક લગાડવા ઉભો થયો."
" બા," ચંદુએ સંતોકનું બાવડું પકડ્યું,"હવે માથા પછાડવાથી પાપ ઢંકાવવાનું નથી."
બાવડું છોડાવી થોડેક છેટે ઊભી રહીને સંતોક વાઘણની જેમ ત્રાડે ઉઠી," તારી જીભમાં કીડા પડે ...!!"
"બા, ગામ આખું કહે છે એ ખોટું?"
" એટલે?"
" એટલે શું ? તારા પેટમાં પાપ છે..!" ચંદુ ફાટી આંખે સંતોકના ખુલ્લા પેટ સામે તાકી રહ્યો. અને ચંદુના ગાલ પર બીજી વખત ઉપડતો સંતોકનો હાથ આપો આપ તૂટેલી ડાળની જેમ નીચે પડી ગયો. બીજો હાથ એના ઉપસી આવેલા પેટ પર ગયો. ખુલ્લા પેટને સંતોકે સાડીના છેડાથી ઢાંકી દીધું. અને સ્તબ્ધ બનીને ચંદુ સામે તાકી રહી.
ચંદુ માની આંખમાં જોવા લાગ્યો. થોડી ક્ષણમાં સંતોકની આંખમાંથી આંસુની ધાર રહેવા લાગી. સંતોકના પગ ડગમગાવા લાગ્યા. એને બે હાથે થાંભલીનો ટેકો લીધો. છતાં એક ગથડિયું ખાઈને તે ઓસરીમાં ઢળી પડી.
ચંદુની શંકા દ્રઢ બની. મનમાં ઠસી ગયું. ગામ લોકો વાતો કરતા હતા તે ખોટી નથી.
પાણી શેરડે થતી વાતો પણ ખોટી નથી. સ્ત્રીઓ ત્યાં સુધી વાતો કરતી હતી કે સંતોકે છ મહિના પણ તેના ધણીનો શોક ન રાખ્યો.
- એનું પેટ તો જુઓ જાણે છ મહિનાના ઓધન હોય એટલું ઊંચું આવ્યું છે.
- બધી જીવતાની માયા છે. ધણી ગયા પછી વછેરી જેવી સંતોક કેટલા દિવસ હાથ રહે. માંદલો લખમણ તો ગયો. પછી એને બલા ટળી.
--ક્યાંક જઈને એણે જોવનાઈ પાથરી હશે. રંગે રૂડે સોગઠાબાજી માંડી હશે. પછી કોઈ બાઇ ઉમેરતી- ચાંદલો તો હજી ગતાગમ વિનાનો કહેવાય. એને આ વિશે ખબર ન પડે .હા, પણ પાપ છાનું રહે ? એ તો પીપળા ચડીને પોકારે.
- સંતોકડીનું પેટ જ ચાડી ખાવા માંડ્યું છે.
- બિચારો ચંદલો...!
પછી કોઈ સ્ત્રીએ કટાક્ષ કર્યો.- માના છાનગપતિયાં શરૂ થઈ ગયા. નહિતર એના ધણીને મર્યે હજી માંડ છ સાત મહિના થયા છે.
- સંતોકનું છ મહિનાના ઓધાનો હોય એટલું પેટ ચડ્યું છે.
આ એકે એક શબ્દ ચંદુ ન સમજે એટલો નાસમજ ન હતો. એક એક શબ્દ તેને ધગધગતો અંગારો લાગ્યો. દરેક શબ્દે વીંછીના ડંખ લાગ્યા. ચંદુના કાળજે કાપા કરી ગયા. એના હૈયાને હચમચાવી નાખ્યું. મારી મા છિન્નાળ.!?? પાપી ??કુલટા??
એકાએક સંતોકના વાળ પકડયા," બોલ બા? બોલ?' વાળ ખેંચીને સંતોકને ઉભી કરી." કોનું પાપ સંઘરીને બેઠી છો?"
નાદાન અને ભલો લાગતા ચંદુએ વિકરાળ રૂપ ધારણ કર્યું. સંતોકને થયું કે કાલ સુધી મારા ખોળામાં રમતો આ ચૌદ વર્ષનો ચંદલો નથી. સંતોક આઘાત અને લાચારીથી બોલી ઉઠી," નહીં ચંદુ નહીં," સંતોકની આંખમાં આંસુના દરિયા છૂટ્યા,
" નહીં..! તું મારી બા નથી. તને બા કહેવી એ પણ પાપ છે"ચંદુએ સઁતોકના વાળ પકડીને ખેંચી.,"કહે ,આજ મને તારી અસલી ઓળખ આપ. "
સંતોક રડતી રહી.ચંદુ તેને હડબડાવ તો રહ્યો.," આજ હું તને નહીં મુકું. તારા મોહે જ તું મને કહે, પછી કાયમનો તારો છુટકારો કરી દઈશ."
" નહીં ચંદુ ,નહી મારા પેટ, તને કોકે ભરમાવ્યો છે. આપણા હેમખેમ માળાને વીંખવા તને ચડાવ્યો છે." સંતોકે કહ્યું.
પણ ચંદુ રાક્ષસ બનીને સંતોષ માથે જળુંબતો રહ્યો.
સઁતોક રડતા રડતા બોલી," અરે ચંદલાના બાપ..! તમે મને આમ નોંધારી મૂકીને કેમ ગયા? હારોહાર મને લેતા ગયા હોત તો પેટના જણ્યાના મોઢે મારે આવા વેણ સાંભળવાનો વારો ન આવત."
" બા હવે મરેલાને સંભારીને તેના આત્માને દુઃખી કરીને ખોટી હૈયા ધારણ લેમાં. કાળુ કરતાં પહેલાં તને મારો બાપ કેમ ન સાંભર્યો? "ચંદુના મુખેથી ઝેર વરસી રહ્યું.
"ચંદુ, મારા ચંદલા..! મારા પેટ..!" સાડીના છેડેથી આંસુ લુછતા સંતોકે ચંદુ સામે નજર માંડી," સાંભળ તારે સાંભળવું છે ને ?" આંખનાં આંસુઓ જાણે સુકાઈ ગયા. મોં પર ગુનાની જ્ઞાનીને બદલે લાલી ચમકી ઉઠી. આંખોમાં ચમક આવી.
ચંદુ પણ માના આવા પરિવર્તનથી ડઘાઈ ગયો.
"સાંભળ ."કહી,સઁતોકે ચંદુનું બાવડું પકડીને બેસાડ્યો. ચંદુ કંઈ પ્રતિકાર ન કરી શક્યો.
" બસ .." તેને ખાટલે બેસાયડયો. અને થોડીક ક્ષણો તેને તાકી રહી. બંને વચ્ચે ભયંકર મૌન છવાઈ ગયું. ચંદુને મૌન રહેવું મુશ્કેલ થઈ ગયું.
"આજે મા દીકરાની મરજાદ ભલે તૂટી જાય. પણ મારે તારા મનનો ભ્રમ ભાંગવો છે."સઁતોક ચંદુમાના ચહેરા સામે તાકી રહી. સંતોકની આંખમાં ઉમટતા ઉદાસને ચંદુ જોઈ રહ્યો.
" તારા બાપ મર્યા એ રાતની વાત છે." સંતોક અટકી. ચંદુ સામે જોયું.ચંદુ માને તાકી રહ્યો હતો.," એ રાતે તારા બાપની હું ચાકરી કરતી હતી. તે દિ' એ એની મેળે બેઠા થયા હતા. દેહમાં થોડી ત્રેવડ આવી હતી.અડધી રાત થઈ ગઈ હતી. હું ખાટલાની ઈંસે માથું મૂકીને નીચે બેઠી હતી. એણે મને માથા પર હાથ ફેરવીને બોલાવી.- પાણી પીવું છે. હું ઊભી થઈ. પાણી ભરીને તારા બાપને દીધું. તારા બાપ મારી સામે અપલક જોઈ રહ્યા.'સંતોકે ચંદુ સામે જોયું. ચંદુ હોઠ બીડીને સાંભળી રહ્યો હતો.
" અને એકાએક તારા બાપે મારો હાથ પકડ્યો. મને ખેંચીને તેના ખાટલામાં નાખી. હું હેબતાઈ ગઈ. આટલી બધી ત્રેવડ ક્યાંથી આવી ?- ને તારા બાપે મને બાથ ભીડી.અને લાંબો હાથ કરીને દીવો ઓલવી નાખ્યો." સંતોકે અટકા વિના ઝડપથી પૂરું કર્યું," એ રાતે તારા બાપે બાર બાર વરસની ભૂખ એક રાતમાં ભાંગી.."
" બા..!" કહીને ચંદુ ઉભો થવા ગયો. પણ સંતોકે તેને પકડી લીધો," સાંભળ, ઊભો રહે, તારા બાપ પરેજી ન પાળી શક્યા. ને એ ધમણની જેમ એટલા હાંફી ગયા કે તરત જ મારા માથે ઢળી પડ્યા.મારી માથે સાવ સુકું લાકડું પડે એમ થઈને પડી ગયા!'
". નહીં.. નહીં..!' ચંદુએ કાનમાં આંગળી ભરાવી દીધી. 'બસ કર મા. બસ કર મારી માવડી. હવે રાખ..!" ને ચંદુ ઉભો થઈને ભીંત સરસો ઉભો રહી ગયો. બાથી મો છુપાવવા એ ભીંતમાં માથું ઘસવા લાગ્યો.
" આ.. આ..!" સંતોક પેટે હાથ ફેરવી આગળ કઈ કહે એ પહેલા ચંદુ મોકળા મને રડી પડ્યો.
ચંદુની કાયા ધ્રુજતી હતી. થોડી ક્ષણો પસાર થઈ.સઁતોક ચંદુની પીઠને તાકી રહી.
થોડી ક્ષણો પસાર થઈ. ચંદુના હીબકાં શમ્યા ન હતા. સંતોક ખાટલેથી ઊભી થઈ. ચંદુ પાસે આવી. પણ ચંદુ તેનાથી આઘો ખસી ગયો. એ એની મા સામે નજર ન મેળવી શક્યો.
ચંદુએ ફળિયામાં પગ મૂક્યો. ચકલી ચીં ચીં ચીં કરી રહી હતી. ચંદુની નજર ફળિયામાં પડેલા માળા પર પડી. માળા બહાર દડીને પડેલું ઈંડુ જોયું. ચકલીના ઈંડાને ચંદુએ માળામાં જાળવીને મૂક્યું. માળાને ફરી આડીમાં હતો ત્યાં જ ગોઠવી દીધો.
ચકલી ખુશ થઈ ચીં ચીં કરતી ઊડીને માળામાં ગઈ. ચંદુ ત્યાં ટાકી રહ્યો.
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ, અમરેલી-365601
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
