રખેવાળી (Rakhevali)

Related

રખેવાળી
------------ – લેખક: વાસુદેવ સોઢા

ઘનઘોર અંધારી મેઘલી રાતમાં એકાએક વીજળીનો ચમકારો થાય અને આંખો અંજાઈ જાય એમ સગુણાના મોં પર નજર પડતા જ દિલાવરખાનની આંખો ચમકી ઉઠી."વલ્લાહ્ કયા હુશન હૈ..! ક્યા નૂર હૈ..! જનતસે ઉતરી કોઈ હૂર હૈ..!!"

#આવકાર
રખેવાળી

ઘોડાને પાણી પાતા પાતા દિલાવરખાનની નજર કૂવેથી પાણી સીંચી રહેલી પનિહારીઓ પર પડી .પાણીનો હાંડો માથે મૂકી, કાંખમાં ગાગર ગોઠવી સગુણા કુવાનો કઠોડો ઉતરી ગઈ.

દિલાવરખાનની નજર સગુણાના રૂપનો પીછો કરતી હતી," ઐસા રૂપ હમને અભી તક નહીં દેખા..!" ઘોડાની કેશવાળી પંપાળતા દિલાવરખાન મનોમન બોલ્યો.," એસે ગાવ મે એસા રતન..!? ઔર આજતક ઝવેરી કી આંખ ધોખા દે ગઈ?"

પાણી ભરીને ચાલી જતી સગુણાની નાજુક કટીને દિલાવરખાન લોલુપ નજરે તાકી રહ્યો.

કાંખમાં રહેલી ગાગરમાંથી છલકાતા પાણીની જેમ સગુણાનું સલોણું રૂપ તેની જોવનાઈમાંથી છલકાતું હતું.

સગુણા ઝડપથી શેરીનો વળાંક વળી ગઈ. દિલાવરખાનનું દિલ બે ચાર ધબકારા ચૂકી ગયું. એણે ઘોડાની લગામ ખેંચી.હળવી હેડી મારી. ઘોડાને સગુણાની પાછળ પાછળ હાંક્યો.

ગામમાં એક લીમડાના ઝાડની પડખે એની ખડકીમાં સગુણા અલોપ થઈ ગઈ.

"વલ્લાહ ..વલ્લાહ..." દિલાવરખાને નિસાસો નાખ્યો.અને મનોમન સોગઠા ગોઠવીને તેણે ગામનાં ઉતારા તરફ ઘોડાને વાળ્યો.

દિલાવરખાન જુનાગઢ નવાબના રાજનો એક પરગણાનો રૈયતની રખવાળી કરનારો સિપાહી સોલાર હતો. બાબી નવાબની આણ છેક અમરેલીની પડખેના ગામડાઓ સુધી હતી. તેથી તે અવારનવાર રૈયતની રખવાળીના બહાને ફરવા નીકળી પડતો. નવાબનો માનીતો હતો. બહાદુરને બળમાં બરોબરીઓ હતો. અવારનવાર ઘોડો લઈને ગામડા ખુંદવા નીકળી પડતો. રૈયતમાં દિલાવરખાનની જબરી ધાક હતી. તેની આડે ઉતારવાની કોઈની હિંમત ચાલતી નહીં. એ વાવાઝોડાની જેમ આવતો અને વંટોળની જેમ પાછો વળી જતો.

આથમણી દિશામાં સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. દિલાવરખાનના દિલમાં હલચલ મચી ગઈ. તેના દિલોદિમાગ પર શેતાને સવારી કરી લીધી. દિલાવરખાનનો ઘોડો ગામના ઉતારે આવીને ઉભો રહ્યો.

એકાએક પરગણાના રક્ષક અને પોલીસ ખાતાના ઉપરી એવા દિલાવરખાનને જોતા જ નાનજી પગી ઊભો થઈ ગયો," પધારો..! પધારો...!" નાનજી પગીએ હાથ જોડ્યા.

" પગી.."ઘોડા પરથી ઠેકડો મારી ઘોડાની લગામ પગીને હાથમાં પકડાવતા દિલાવરખાન દાઢીના વાળને પ્રસરાવતા બોલ્યો," આજ હમ યહાં ઠહેરેંગે.!"

નાનજી પગી અવાક થઈ ગયો. હેબત ખાઈ ગયો. આવા સાવ નાનાં ગામડામાં રોકાવાની વાત કરે છે? અહીં શું છે?

" પગી ક્યા સોચતે હો..?કુછ બોલે નહી??"

" ખાનસાહેબ, જી..! અહીં આપની સરભરામાં ઉણપ આવશે. આવા નાનાં ગામડામાં શું હોય ?"

"અચ્છા હૈ. હમકો અચ્છા લગેગા.જાવ તુમ, હો સકે ઇતના કરના..!"

પગીએ ઢોલિયો ઢાળ્યો. ગાદલું લાવ્યો. ખમતીધરના ઘેરેથી નવા ઓછાડ લાવ્યો. બાલોશિયા લાવ્યો. બારીના પડદાને ઝાપટ મારી સાફ કર્યા. પાણીનો કુંજો ભર્યો.

અહીં શાહી ઠાઠ તો ક્યાંથી હોય ?

બંદુકને ઢોલિયે ટેકવીને દિલાવર બેઠો. દાઢી પર હાથ ફેરવીને નાનજી પગી સામે જોયું.

" પગી .."

"બોલો માયબાપ..! હુકમ કરો..!" નાનજી પગી દિલાવરનો પડ્યો બોલ ઝીલવા તત્પર થયો.

" હમ આજ કી રાત યહાં ઠહેરેંગે.!"દિલાવર મરમાળુ હસ્યો .

" બહુ રૂડું ખાનસાહેબ..! પણ ..!"નાનજી પગીની અનુભવી આંખ દિલાવરનો ચહેરો વાંચવા લાગી. અહીં રાત રોકાવાનું કારણ ?

"દેખો પગી ,અભી હમને એક હુસનકી પરી દેખી." બંદૂકની નાળ પર હાથ રાખીને દિલાવર ધીમેથી બોલ્યો.

નાનજી પગીના કાનનાં કમાડ ધડોધડ ઉઘડી ગયા. તેને દિલાવરની દાનત પારખતા વાર ન લાગી .છતાં અજાણો થઈને બોલ્યો," હું સમજ્યો નહીં,!"

દિલાવરે મો મલકાવ્યુ .આંખ ઝીણી કરી ," કીતને બરસ હુવે ઇસ પગી કી નોકરી મેં..?"

" સાહેબ હવે તો ઘરડો થયો છું આ નોકરી કરતા કરતા. હવે તો બોત ગઈ ને થોડી રહી.." નાનજી બોલ્યો.

" હમ .."નાનજી સામે જોઈ દિલાવર ગણગણ્યો.," બુઢાપા અબ સુધારલો.. પગી.." દિલાવરના વેણ સાંભળી પગી હબક ખાઈ ગયો. કંઈ બોલ્યો નહીં.

" નહીં સમજ પાયા ? ફિર બુઢાપા આરામ સે ગુજરેગા.. !"

"વો તો મિલતા હૈ સરકાર..!" પગી અજાણ્યો થઈ ગયો.

દિલાવર હસ્યો," આજ હમ ઉસ હુશન કી પરી કે સાથ રાત ગુજારેંગે..!"

નાનજી પગીના કરોડો રુવાડાં બેઠાં થઈ ગયાં.રૂંવે રૂંવે તેને આગ લાગી. થયું કે આ ડામિસને અહીં જ ડામી દઉં ..!

પણ દિલાવરખાનના હાથમાં સત્તા હતી. શાહી સત્તા હતી. પોતે એક મામૂલી પગી હતો. ચહેરા પર ખળભળી ગયેલી વૃદ્ધ રેખાઓને શાંત કરીને નાનજી પગી દિલાવરને સમજાવવા પ્રયત્ન કર્યો.," ખાનસાબ એ આપ ક્યા કહ રહે હૈ?"

"તું ક્યા સુનતા હૈ? વહી તો હમ કહેતે હૈ!" થોડા સિક્કાની પોટલી કાઢીને ઢોલિયે મૂકી,"યે તેરા ઇનામ..! ઇતના એક સાથ દેખા ભી નહિ હોગા..!"

" નહી ખાનસાહેબ..! મેં તો રૈયત કા રખેવાળ હું..! આપ ભી રૈયતના રખેવાળ છે.રૈયત તો રાજાની સંતાન ગણાય નહીં." નાનજી પગીએ હાથ જોડ્યા.

" પગી.."દિલાવરનો અવાજ ઊંચો થયો."તુજે મેં નોકરી સે નિકાલ શકતા હું."

" પણ આ તો અધરમ છે .પાપ છે. રૈયતની આબરૂની રક્ષા કરવી એ આપણો ધરમ છે."

"ક્યા ધર્મ? ક્યા મજહબ? હમ સબ જાનતે હૈ પગી. તુમ હમકો પાઠ મત પઢાવો.મેરા હુકમ હે વહી કરો. જાઓ ઉસ પરી કો યહાં બુલાવો. જો ભી હો...! આજ કી શામ હમ ઉસે જાદુઈ નગરી મેં ડૂબો દેંગે..!" દિલાવરની આંખમાં હવસના તણખા ખરવા લાગ્યા.

નાનજી પગીએ ક્ષણ બે ક્ષણ આંખો મીંચી દીધી. રૈયતનો રખેવાળ થઈને આબરૂ લેવા બેઠો? નહીં..? કોઈ દિ ન બને.હું આટઆટલા વર્ષથી આ ગામનો પગી છું. ગામનો ચોકિયાત છું. ગામની બેન દીકરી કે વહુઆરુની આબરૂનો રક્ષક..! મારી નજર સામે એક અબળાની આબરૂ લૂંટાય?? ના.. ના..?

" ક્યા સોચ તે હો...!"

વિચારમાં ડૂબેલો નાનજી પગી દિલાવરના ભારેખમ અવાજથી ચોકી ગયો.

" નહીં ખાનસાબ એસા મત કરો. ખુદાનો ખોફ રાખો. કયામતકે દિન કો યાદ કરો. આ અધરમ છે. પાપ છે. આવા કામોથી ખુદા ખફા થશે.મારી વિનંતી સાંભળો.. હું તમને પગમાં પડીને પ્રાર્થના કરું છું. કોઈની આબરૂને અભડાવવી એ મહાપાતક છે. એને નરકમાં જગ્યા નથી મળતી. મારું માનો ..!તમારો રસાલો જૂનેગઢ પાછો લઈ જાઓ.અહીં અમારાથી તમારી ખાતર બરદાસ્ત નહીં થઈ શકે.!" પગી પગમાં પડી ગયો.

" મે તેરા શાસ્ત્ર સુનને નહીં આયા હું..! જાતા હૈ યા નહીં?" દિલાવરે બંદૂક પર હાથ મૂક્યો.

" તમને ઠીક લાગે એ સજા કરો મને.પણ આ નાનજી પગી પાપનો ભાગીદાર નહીં બને." નાનજીએ મક્કમ થઈને કહ્યું.

" દેખ લુંગા તું જે. " દિલાવર ઉભો થયો.ઘોડો છોડ્યો. ઘોડા પર રાંગ વાળી ને એડી મારી. નાનજી પગી દિલાવરના શેતાની રૂપને જોઈ રહ્યો.- આ રાક્ષસને નરકમાંય જગ્યા ન હોજો.

સુરજ આથમી ગયો હતો. સંધ્યા રક્તવરણી ચુંદડી ઓઢીને આભમાં રમવા નીકળી હતી. નાનજી પગીએ આથમણી દિશામાં જોયું. આકાશ લાલચોળ બની ગયું હતું. નાનજીની આંખોમાં પણ એવી લાલાશ ઊતરી આવી.- હું ગામનો પગી. ગામનો રખેવાળ. મારા જીવતા કોઈનું જીવતર ઝેર થાય તો ધૂળ પડી ધોળામાં. ધૂળ પડી પગીપણામાં..!

નહિ..! કોઈ દિ નો બને. - નાનજી પગી અસલ કોળી બચ્ચો છે. એ રાંકડો કે બીકણ નથી. અસલ કોળીનું લોહી મારી નસેનસમાં વહે છે. મારી ચોકી જાગતી ગણાય છે. ગામની રૈયત નરભે નીંદર લે છે. એ મારા ભરોસે. આજ દિલાવર મારી જાતી જિંદગી ધૂળધાણી કરશે. જિંદગીની કમાઈ કોડીની થઈ જશે. નાનજી પગીનું પગીપણું લાજશે.

અને નાનજી પગીની કાયા ક્રોધથી કંપવા લાગી. તેના અંગે અંગમાં ખુમારીનો તણખો પ્રગટ્યો.

અને એ ઉભો થયો. પગરખા પહેર્યા.ઓરડીમાં ટીંગાડેલી બંદૂક હાથમાં લીધી. બંદૂકની નાળમાં દારૂ ભર્યો.સળિયાથી બરાબર ઠપકાર્યો.અને નાળમાં મુઠ્ઠી ઍક છરા નાખ્યા.ઉપરથી કાગળના ડૂચા ભર્યો. બંદૂકની નળીને સળીયાથી બરાબર ધરબી. હાથમાં બંદૂક પકડીને નાનજીએ ઝડપથી પગલા ઉપાડ્યા. આજે એની ઓસરથી અવસ્થામાં જોવનાયનું નવું જોમ પ્રગટ્યું. એક અબળાના શિયળનો સવાલ હતો. પોતાની જાગતી ચોકીનો ભરોસો હતો.

શેરીનો વણાંક લઈને નાનજી પગી જોયું. દિલાવર સગુણાના ઘરની ખડકીને ખખડાવી રહ્યો છે. આજુબાજુ સોપો પડી ગયો હતો."ખોલો, વરના બહુત બુરા હોગા..,!"

શેરીમાં ચકલુંએ ફરકતું ન હતું.ગામમાં ધાડપાડું ઉતરી આવ્યા હોય એમ બધા ફફડતા જીવે પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા.

દિલાવરે પોતાનો પહાડ જેવડો ખભો ખડકીને ભરાવ્યો. અને જોરમાં લગાવ્યું.જુના લાકડાની ખડકી ખખડી ગયી.

'ખાનસાબ...!" નાનજી પગીએ બૂમ પાડી," નહીં.. નહીં... આ જુલમ ન કરો. ..!ખુદા નો ખોફ ધરો." હજી પણ નાનજી પગી દિલાવરને સમજાવવા મથી રહ્યો હતો. પણ કામાંધ બનેલો દેલાવાર અત્યારે કંઈ પણ કાને ધરવા તૈયાર ન હતો.

" પગી કા બચ્ચા..!? તુ ચલા જા.નહી...તો..!!"

" ખાનસાહેબ..." નાનજીએ ત્રાડ પાડી," હું ગામની રૈયતનો રખવાળ છું. મારી હયાતીમાં તમે તો શું પણ ખુદ બાબી સાહેબ પણ આ ગામ ઉપર નઠારી નજર ન કરી શકે..! સમજ્યા??" પગીનું રૂપ દિલાવર પારખી ન શક્યો. દિલાવરનો ક્રોધ આસમાને ગયો.

તેણે ખડકી પર જોરદાર લાત ફટકારી. ખડકી હેઠી પડી ગઈ .

નાનજી પગીએ જોયુંને ફરી ત્રાડ પાડી," ખાન સાહેબ..! આગે મત જાના..." નાનજી પગીએ બંદૂકની નાળ દિલાવર તરફ તાકી.અને ધાંય ...કરતી ગોળી છૂટી.

દિલાવરની ઢાલ સરખી છાતીની આરપાર મુઠ્ઠી એક છરા એક સામટા ઉતરી ગયા.

"તું પગી કા બચ્ચા...!" દિલાવરના મોમાંથી કાળી ચીસ નીકળી ગયી. મરતા મરતા પોતાની બંધુકને પગી તરફ તાકી. ને ધડામ... ધડામ... બે ભડાકા કર્યા.નાનજી પગીની છાતી વીંધાઈ ગઈ. એ ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. પણ મરતા મરતા નાનજી પગીના મોં પર ગામની રખવાળી કરવાનો પરમ સંતોષ હતો#

**********************
વિગત : પરમ મિત્ર સ્વ.દિલીપભાઈ બરછા (શિક્ષક વડીયા)
************************
વાસુદેવ સોઢા
24,આદર્શ નગર, ચક્કરગઢ રોડ, અમરેલી - 365601
‌___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post