ગૃહલક્ષ્મી (Gruhlaxmi)

Related

ગૃહલક્ષ્મી (નવલિકા)

ઢીબાગ ઢીબાગ ઢોલ ઢબૂકયા. શરણાઇના સૂરથી વાતાવરણ ગૂજી ઉઠયું. લગ્ન મંડપમાં માણસોની ભીડ જામતી ગઇ. ખોબા જેવડા આ ડાભી ગામમાં આ વરસનો પહેલો ગણો કે છેલ્લો એક જ અવસર હતો. ગામ આખાની છોકરીઓ પોતાની પ્રિય સખી રાધાને પ્રભુતામાં પગલાં માડતી જોવા અનેરા ઉલ્લાસથી ઉમટી પડી હતી. 

ગૃહલક્ષ્મી નવલિકા by આવકાર
ગૃહલક્ષ્મી 

જે રાધાએ અત્યાર સુધી ખોળો વાળીને સરખી સહિયરો સંગ સંતાકૂકડી રમી રમીને આખા ગામને ખૂદી નાખ્યું હતું એ રાધા આજે તો પરણી જશે અને પરાઇ બનીને અજાણી ભોમમાં ચાલી જશે એ વાતથી તો ગામનાં ઝાડવા પણ જાણે કે ઉદાસિનતાનો અંચળો ઓઢીને ઉભા હોય તેમ સૂનમૂન લાગતાં હતાં..
 
કન્યાને માયરામાં લાવવાનો સમય થયો. "કન્યા પુરાવો સાવધાન ' એવો ગોર મહારાજનો આદેશ થતાં રાધાને માયરામાં લાવવામાં. મંડપમાં કન્યા પક્ષની સ્ત્રીઓએ લગન ગીતોની રમઝટ વચ્ચે ગીત ઉપાડયુ,
 
" મંડપ ઉપર દીવો, વરકન્યા ઘણું જીવો 
મારી બેની સાસરિયું કડવું ઝેર છે.
સાસરિયામાં સાસુ, નિત પડાવે આસુ.
મારી બેની સાસરિયું કડવું ઝેર છે.
સાસરિયામાં સસરા નિત કઢાવે કચરા
મારી બેની સાસરિયું કડવું ઝેર છે. "

લગ્નમંડપમાં પાનેતર ઓઢીને બેસેલી રાધાનુ હૈયું ગીતના સૂર સાભળી હિલ્લોળે ચડયું. " ખરેખર સાસરિયું કડવું ઝેર જેવું હશે? હા, હા વળી. સાસરિયાના એ કડવા ઝેરનો ભોગ બનેલી કેટકેટલી છોકરીઓના જીવન બરબાદ થતાં મેં જોયાં જ છે ને!
અરે, બહાર કયાં શોધવા જવું? અત્યારે લગ્નમંડપમાં ઘાંટા પાડી પાડીને ગીતો ગવડાવનાર પોતાની સખી દીપ્તિનુ જીવન પણ એના કપાતર સાસરિયાં એ કેવુ ધૂળધાણી કરી નાખ્યું છે, એ કયાં કોઈથી અજાણ્યું છે! " અને રાધા દીપ્તિના દુઃખી જીવન વિષે વિચારવા લાગી.
 
દીપ્તિના લગ્ન આજથી બરાબર ચાર વરસ પહેલાં દેવાંગ સાથે થયા હતા. દેવાગ એન્જીનિયર હતો અને ખૂબ સારુ કમાતો હતો. લક્ષ્મીની રેલમછેલ હતી એના ઘરમાં. દીપ્તિને આવા શ્રીમંત ઘરની ગૃહલક્ષ્મી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતુ તેથી તેના માતાપિતાનો આનંદ માતો પણ ન હતો. 

પરંતુ દુનિયા કયાં આપણી ઇચ્છા મુજબ ચાલે છે. જે ભપકો જોઇને દીપ્તિએ દેવાગને જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો એ ભપકો ભ્રામક નીવડ્યો. કોણ જાણે કેમ દીપ્તિ અને દેવાગના મન મળ્યા નહિ. વાતવાતમાં દેવાગ દીપ્તિનને ધમકાવી નાખતો રોજ રોજ ઘરમાં ઝગડા થતા. 

ઘરના બધાં દીપ્તિને ધૂતકારવા લાગ્યા. દીપ્તિને પાકો વહેમ થયો કે દેવાગ તેમની ઓફિસમાં કામ કરતી નખરાળી સુમન પર ઓળઘોળ છે તેથી જ મારી અવહેલના કરે છે. અને આખરે દીપ્તિએ પિયુગૃહ છોડી પિયરની વાટ પકડી. આજે ચાર ચાર વરસ થયાં, દીપ્તિ હૈયામાં સંઘરેલા સોનેરી સ્વપ્નોની રાખના ઢગલા ખડકીને પિતૃગૃહે બેઠી બેઠી છાના આસુ સારી રહી છે.

રાધાએ એમ. બી. બી. એસ. થયેલા અનિલને પસંદ કર્યો તે વખતે જ દીપ્તિએ રાધાને ચેતવણીના સૂરમાં કહેલું પણ ખરૂ કે "રાધા , મારુ માન તો વધુ ભણેલા યુવાનને પતિ તરીકે પસંદ ના કરતી. વધુ ભણેલાઓનુ મગજ ભમેલુ હોય છે. ન કરે નારાયણને મારી જેમ તને પણ જાકારો મળશે તો ઉપાધિ જ થશે ને મારી બેન! ".

દીપ્તિની આ ચેતવણીએ રાધાને ઘડીભર તો વિચારતી કરી. પણ બીજી જ ક્ષણે તેનો અંતરાત્મા પોકારી ઉઠયો, " ના. રાધા ના. અનિલ તો સો ટચનું સોનું છે. તેને પરણીને તું સુખી થઈશ. તે નર રત્ન છે " અને રાધાએ ફટ દઇને પ્રત્યુતર આપ્યો,
" ભલે ગમે તે થાય દીપ્તિ પણ અનિલને મેં એક વખત મનોમન પતિ તરીકે સ્વીકારી જ લીધા છે ત્યારે હવે ભલે સૂરજ પશ્ચિમમાં ઊગે પણ મારા આ નિર્ણયમાં ફેરફાર થશે નહિ "

દીપ્તિએ એ વખતે મોઢું મચકોડીને કહેલું "ભલે ત્યારે બેન બા તારુ જેવુ નસીબ. હાથે કરીને કૂવે પાડનારને કોણ રોકી શકે, ભલીબાઇ? ".
 
અને આમ રાધા અને અનિલનો સંબંધ જોડાયો અને આખરે આજે લગ્નનો શુભ અવસર પણ આવી પહોંચ્યો.
આજે હસ્તમેળાપ વખતે દીપ્તિ અને બીજી સ્ત્રીઓ દ્વારા ગવાતું સાસરિયાની વિપત્તિઓ રજૂ કરતું ગીત રાધાને ક્ષણિક બેચેન બનાવી ગયું. 

પણ તેણે મન મકકમ કર્યું. મનોમન વિચારવા લાગી, "ભલેને સાસરિયું કડવું ઝેર હોય હું તેને અમૃતમા પલટાવી નાખીશ. હુ ભારતની આર્યનારી છું. મારા સુસંસ્કારોની મઘમઘતી સુવાસથી બધાને આકષિર્ત કરી મારા બનાવી લઇશ.. પછી તો જેવું મારુ નસીબ. "


હસ્તમેળાપ વિધિ પૂરી થઈ. સપ્તપદીના ફેરા ફરીને અનિલ અને રાધા પરણી ઉઠયા વડીલોને પ્રણામ કરીને આશિર્વાદ લીધા.
જાન વિદાયની વસમી વેળા આવી પહોંચી. લાઉડસ્પીકરમાથી કનયાવિદાયના દર્દ ભર્યા ગીત રેલાઇ રહ્યાં હતાં. 

રાધાના માતાપિતાની આંખો આસુનો દરિયો બની ગઇ. પોતાની વહાલસોયી દીકરી જેને અત્યાર સુધી અદકેરા લાડકોડથી ઉછેરી હતી તેને પતિગૃહે વળાવતી આ વસમી વેળાએ તેમના અશ્રુના બંધ ધરાશાયી થઈ ગયા. બધી બહેનપણીઓએ પણ સજળ નયને રાધાને વસમી વિદાય આપી.

પતિગૃહે પગ મૂકતાં જ રાધાએ પોતાના સુસંસ્કારોની ફોરમ ફેલાવવા માડી. સાસુ સસરાનો પડયો બોલ ઝીલી લેતી. મહોલ્લામાં બધાં જ અડોશીપડોશી પર હેતભર્યો વ્યહવાર કરવા માંડી. બધાએ આ નવી નવેલી વહુના વખાણ કરી અનિલને ભાગ્યશાળી ગણાવ્યો. રાધાની બે નણદો અને એક દિયર પણ આ મમતાની મૂરત સમી ભાભીને મેળવી આનંદવિભોર બની ગયા.
 
અનિલની માતા સંતોકબાની તબિયત મોટેભાગે નરમ ગરમ રહેતી હોવાથી ઘરનું બધું કામ તેની બે બહેનો કરતી. રાધા આવતા વેત જ ઘરનું કામકાજ કરવા માંડી ત્યારે સંતોકબેને તેને અટકાવતાં કહયુ , " વહુ બેટા રહેવા દો. તમારાથી અત્યારે કંઇ કામ કરાય નહિ "

રાધાએ ફટ દઇને કહયું, " કેમ ના કરાય બા? મને તો કામ કર્યા વિના ચેન જ પડતું નથી ને! "

સંતોકબેને વળતો જવાબ આપ્યો " એ ખરું પણ રાધા બેટા આ ઘરમાં હજુ તો તારા પગલાં પણ ભૂસાયા નથીને આમ કામ કરતી આજુબાજુના લોકો જુએ તો અમારી લાજ ના જાય ? "
" એમાં શાની લાજ જાય, બા! ઘરકામ કરવું એ તો સ્ત્રીનો ધર્મ છે. બિચારા લતાબેન એકલા કામ કરે તો થાકી ના જાય? હવે જયારે હું આવી છુ તો મારે તેમને મદદ તો કરવી જોઈએ ને!. સંતોકબેન તો વહુનું આવું શાણપણ જોઇને રાજીના રેડ થઈ ગયા. ભગવાને સાક્ષાત લક્ષ્મીના અવતાર સમી પુત્રવધૂ મેળવી આપી એ માટે તેમણે ભગવાનનો ખરા દિલથી પાડ માન્યો.

આમ રાધાએ સાસરિયાં પર ગજબની ભૂરકી નાખી. પોતાના માયાળુ સ્વભાવથી તેણે બધાનાં દિલ જીતી લીધાં. રાધાના દિલની વિશાળતાથી અનિલ પણ હરખાઇ ઉઠયો. એણે રાધાને પૂછી પણ નાખ્યું ,
" રાધા, અમારુ કુટુંબ મોટું છે. અમે બહુ ધનવાન પણ નથી. વળી કુટુંબમાં હું જ સૌથી મોટો હોવાથી આખા પરિવારની જવાબદારી આપણા પર જ આવશે આ બધું જાણવા છતાં તે આ ઘરમાં વહુ બનીને આવવાનું કેમ પસંદ કર્યુ? "
" એટલા માટે અનુ કે મને મોટા ઘરની વહુ બનવાના કોડ હતા જે મેં પૂરા કર્યા. જવાબદારી ઉઠાવવાનું તો મને કોઠે પડી ગયું છે. જવાબદારીથી છટકવાનો પ્રયત્ન કરે એ તો કાયર કહેવાય. હું એવી કાયર તો નથી જ. શ્રીમંતાઇના પોકળ ચળકાટને હું ધિક્કારું છું. અને હા! અનુ તમને ખબર છે,ગરીબીના ગોખમાં જ માનવતાનો દીપ જલતો રહી શકે છે, અમીરાઇની આધી તો માનવતાને દૂર ખેચી જાય છે. મને પૈસાની નહિ, પ્રીતની ઝંખના છે, સાચી પ્રીતની અનુ. અને મને ગળા સુધી ભરોસો છે કે આ ઘરમાં હું મારી એ ઝંખનાને સુપેરે પૂરી કરી શકીશ. "

રાધાના મોઢામાંથી તો જાણે ફૂલ ઝરતાં હતાં. અનિલ ગદગદ થઈ ગયો. બોલ્યો, " ખરેખર રાધા તું દેવી છો. મહોલ્લા વાળા બધા એમ જ કહે છે કે અનિલ ખૂખ જ ભાગ્યશાળી છે કે આવી સ્વર્ગલોકની અપ્સરા જેવી પત્ની મળી. ' કાગડો દહીથરુ લઇ ગયો' એવું કહેતા ફરે છે.".

રાધાએ અનિલના મોઢા પર હાથ મૂકી બોલતો અટકાવ્યો અને મારકણી નજરે બોલી " જાઓ જાઓ હવે એવું ના બોલો. તમે કાગડો નહિ પણ હંસ છો. મારા દિલ દરિયાના હંસ. અને હું છું તમારી હંસ લઈ. દો હંસોકી જોડી કેટલી સુંદર લાગે છે! ".
અનિલને માટે તો આ સુદર સ્વપ્ન છે કે સત્ય તે જ સમજાતું ન હતું. અનિલે ભવોભવ આવી જીવનસંગિની મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી. અનિલે રાધાને પોતાના કુટુંબની સર્વ હકીકતથી વાકેફ કરી. કહયું" રાધ, હું એમ. બી. બીએસ. થઈ ગયો છું. થોડાક સમયમાં ગામમાં દવાખાનું શરૂ કરવાના છીએ. વળી ચાર છ મહિનામાં તો વૈભવવિલા સોસાયટી સામે આપણો નવો બંગલો પણ તૈયાર થઈ જશે પછી આપણે ત્યાં શિફ્ટ થઈશું. અને હા રાધા, એ નવા બંગલાનું નામ હું ' રાધાનિવાસ' રાખવાનો છું તને ગમશે ને? "

" ના, હો! અનુ મને એ જરાય નહિ ગમે
એ બંગલા સાથે મારી એકલીનુ નામ જોડો એ મને કેમનું પસંદ આવે ભલા! પરણ્યા પછી પણ તમે મને આમ એકલી જ રાખશો! હવે તો આપણે બેમાંથી એક થયા. બંગલાના નામ સાથે આપણું બંનેનુ નામ જોડાશે "

" તો પછી તું જ સારું નામ ગોતી કાઢ. "
" એ બંગલાનુ નામ રહેશે ' અનુરાધા નિવાસ'. સમજ્યા મિસ્ટર ડો. અનિલજી? "

અનિલ ઉછળી ઉઠયો, " અરે, વાહ મેડમ! સરસ નામ શોધી કાઢયુ ને કંઈ મારી રાધા રાણીએ! આતો આપણા બેનું નામ આવે છે છતાં એક જ નામ લાગે છે "

" તે લાગે જ ને! આપણે બે પણ કયાં જુદા છીએ! આપણે પણ એક જ છીએ ને! "અનિલ રાધાના આ બુદ્ધિ ચાતુર્ય પર આફરિન થઈ ગયો.
 
અને આમ દૂધમાં સાકરની જેમ રાધા સાસરિયામાં ભળી ગઇ. તેણે વડીલોને પોતાના વિનયી વર્તનથી વશ કરી દીધા. પતિને પ્રીતનુ અમૃત પાઇ દીધું. નણદોને હેતથી જીતી લીધી. દિયરોને વહાલથી નવડાવી દીધા. અને અડોશીપડોશીઓને માયાળુ વર્તનથી છક કરી દીધા. તેણે બધાયનો ખૂબ પ્રેમ મેળવ્યો. આણુ વાળવા એ જયારે પિયર આવવા તૈયાર થવા લાગી ત્યારે સાસરિયાં ખૂબજ ઉદાસ બની ગયા. અનિલના ભાઇ બહેનોની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડયો. બધાયે રાધાને જેમ બને તેમ જલ્દી પાછા ફરવા માટે ખૂબ કાલાવાલા કર્યા. આમ રાધાએ જયારે પિયર વાટે પ્રયાણ કર્યું ત્યારે અનિલનુ આખુય કુટુંબ ભયંકર ખાલીપો અનુભવી રહયું.
 
પિયરે આવ્યા પછી દીપ્તિ દોડતી રાધાને મળવા આવી. ગળે લગાવી ભેટી પડી. પૂછયું "રાધા, સાસરિયું કેવું લાગ્યું! "
રાધાએ મલકાતા મુખે કહયું "સાકર જેવુ! "

દીપ્તિ છણકા જેવા ટોનમાં બોલી "જા! જા! જૂઠ્ઠી નહિ તો! સાસરિયું તો કડવું ઝેર જેવું જ હોય. એ સુગર કોટેડ પોઇઝન જેવું છે. શરુશરુમા મીઠું મધ લાગે પણ પછી એનુ સ્લો પોઇઝન અસર દેખાડે જ મારી બેન. માટે હર પળે સતર્ક રહેવું કોઈ વાતે નમતું જોખવુ નહિ. "

રાધાએ સાડીનો પાલવ સરખો કરતાં કહયું " બહેન દીપ્તિ તારા આ ખોટા ખ્યાલ છે. તને ખોટું ન લાગે તો બે શબ્દો કહું? આપણે સારા તો જગ આખુ સારુ. ફરક હોય છે આપણી દષ્ટિનો. કહે છે ને કે' દષ્ટિ તેવી સૃષ્ટિ'. કોઈનું દિલ જીતવું એ આપણા હાથની વાત છે. આપણામાં આપણાપણુ હોય તો દુશ્મનને પણ વહાલાં લાગીએ. સ્ત્રીનો અવતાર જ સ્વાર્પણ માટે હોય છે. સ્ત્રી તરીકે જન્મ લીધો એટલે સહનશીલતા આત્મસાધ કરવી જ રહી. પરણીને જે ઘેર આપણે જઇએ છીએ તે ઘરની લક્ષ્મી- ગૃહલક્ષ્મી બનીને રહેવું જોઈએ. પતિને પરમેશ્વર માનીને તેમનો અસીમ પ્રેમ સંપાદિત કરવો જોઈએ. ભગવાનની કૃપાથી હું આ સત્ય સમજી શકીએ છું એટલે જ મને સાસરિયું સાકર જેવું લાગ્યું "

દીપ્તિના મન પર રાધાના આ શબ્દોએ ખૂબ જ ઊંડી અસર કરી. મારા દુઃખી જીવન માટે હું સ્વયં જવાબદાર છું એમ તેને લાગવા માંડયું. દેવાગ સાથે મનમેળ સાધી શકી નહિ, વાત વાતમાં તેની સાથે જીભાજોડી કરી ઘર્ષણમાં આવી એ મારી ભૂલ હતી તે સમજાઇ ગયું. તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો. તે લાગણીશીલ બનીને રાધાને બાઝી પડીને બોલી,
" બેન રાધા, તે આજે ખરેખર મારી આંખો ઉઘાડી છે. અત્યાર સુધી હું ઘમંડમા અટવાઈને સ્વયં દુઃખી થતી હતી. મને મારી ભૂલ હવે સમજાઇ છે. તું આજે મારી ગુરુ બની. ખરેખર સ્ત્રીએ ગૃહલક્ષ્મી બનવું જોઈએ. સહનશીલતાની મૂર્તિ બનવું જોઈએ. એમાં જ સ્ત્રી જીવનનુ શ્રેય છે. બસ રાધા. કાલ સવારની પહેલી ગાડી પકડીને સાસરે પતિગૃહે જવા પ્રયાણ કરુ છુ. દેવાગ મારો તિરસ્કાર કરશે તો તેમના પગ પકડીને મારો સ્વિકાર કરવા વિનવીશ. બે હાથ જોડીને માફી માગીશ. "

" ના ના બેન દીપ્તિ. દેવાગ કુમાર સાવ એવા નિષ્ઠુર તો નહિ જ બને. તેઓ જરૂર તને પ્રેમપૂર્વક સ્વીકારશે જ. પુરુષો પ્રેમના ભૂખ્યા હોય છે. બહારથી ભલે કઠોર લાગતા હોય પણ ભીતરથી કોમળ હૃદયના હોય છે. તારા હૃદયની વિશુદધિથી તું એમને જરૂર તારા બનાવી શકીશ. તેમનુ દિલ જીતી લઇશ એમ હું ખાત્રીપૂર્વક કહ્યું છું "

અને આમ બંને સખીઓએ મોકળા મને ખૂબ ખૂબ વાતો કરી રાધાએ દીપ્તિને ખૂબ ખૂબ શિખામણ આપી. બંને સખીઓ જયારે છૂટી પડી ત્યારે રાધાનો ચહેરો પોતાની પ્રિય સખીનુ જીવન પાટા પર લાવવામાં પોતે નિમિત્ત બની એના આનંદમાં મલકી ઉઠયો.

લેખક:
પ્રા દિનેશ ભારથી બી. ગોસ્વામી. (પાલનપુર)
***********************

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ "માયાવન" આવકાર પર અપલોડ થઈ ગયો છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ અને માણવા લાયક છે.!!