મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૫)
દવાખાનેથી રજા લઈને સુમિત કંચનને ઘેર લઈ ગયો. ડોક્ટરે લખી આપ્યા પ્રમાણેનાં રીપોર્ટ બીજે દિવસે કરાવીશું એમ નક્કી થયું હતું. તેથી બીજે દિવસે સુમિત ઓફિસેથી ઘરે વહેલો આવ્યો અને કંચનને લઈને મેડિકલ રીપોર્ટો કરાવવા ગયાં. રીપોર્ટોનું કામ પતાવીને પાછાં ઘરે આવ્યાં ત્યારે કંચનથી પૂછાઈ ગયું, "હેં સુમિત, મને કોઈ ગંભીર રોગ તો નહીં થયો હોય?"
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"ના, અત્યારે હવે નિતનવી શોધોને કારણે ડોક્ટરો કોઈ રોગની સારવાર કરે તે પહેલાં જાતજાતનાં રીપોર્ટો કરાવતાં હોય છે, એટલે કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી."
"પહેલાંનાં સમયમાં ડોક્ટરો કોઈ રોગ વિશે ખાલી ધારણા કરીને દવા કરતા, પણ એમાં ક્યારેક ખોટી દવાઓ પણ થતી જેનાથી ઉલ્ટાનો રોગ વકરતો."
પછીનાં દિવસે રીપોર્ટો લેવા જવાનું હોઈ, તે દિવસે પણ સુમિત ઓફિસેથી વહેલો નીકળી સીધો રીપોર્ટો મેળવીને પોતાના ડોક્ટર પાસે ગયો અને એમને રીપોર્ટો વંચાવ્યાં.
"અરે, ભગવાન...!" બોલીને ડોક્ટર અટકી ગયાં અને સુમિતની સામે જોઈ રહ્યાં.
"સાહેબ, મને ડર લાગે છે તોપણ જે હોય તે મને સાચું કહેજો." સુમિતે કહ્યું. એટલે ડોક્ટરે જણાવ્યું, "જુઓ દોસ્ત, તમારી પત્નીને બ્રેઈન ટ્યુમર છે ને નવ્વાણું ટકા કેન્સર હોવાનું જણાય છે."
સાંભળતાં જ સુમિત ટેબલ પર માથું ટેકવીને રડવા માંડ્યો એટલે ડોક્ટરે કહ્યું, "અત્યારથી આમ હિંમત હારી ન જવાય; હવે તો કેન્સરની ઘણી અસરકારક દવાઓ આવી છે, ઓપરેશનો પણ સફળતાપૂર્વક થાય છે."
"પણ હજી એક વધારે એક્સપર્ટ ઓપિનિયન લેવા માંગું છું અને તે પણ હું મારા ખર્ચે, તમે એની ઉપાધિ કરશો નહીં. બીજો ઓપિનિયન આવી જાય ને કેન્સર હોવાનું કન્ફર્મ થાય તે પછી હું તમને આ માટેનાં ખૂબ હોંશિયાર અને અનુભવી ડોક્ટરની સારવાર માટે મોકલીશ."
"તમારા ખર્ચે ઓપિનિયન શા સારુ, સાહેબ! મારી પત્ની માટે હું ખર્ચાથી ક્યાંય અચકાતો નથી."
"સાચું કહું તો તમે મારે ત્યાં ત્રણેક વખત આવ્યા છો ને તમારી પત્ની—શું નામ?" એટલું બોલીને ડોક્ટરે સુમિત સામે જોયું.
"જી સર, કંચન." સુમિતે જવાબ આપ્યો.
"હા, કંચન પહેલી વખતમાં જ જાણે મારી કોઈ પૂર્વજન્મની પરિચિત હોય તેવું લાગ્યું છે અને એનામાં કાંઈક એવું દિવ્ય તેજ છે, કે એ કોઈને પણ પોતીકી લાગે. એટલે, એ મારી બેન સમજજો. એની દવાદારૂ કરવામાં તમે એકલાં છો એવું નહીં માનશો. હું પણ તમારી સાથે જ છું."
ડોક્ટરનાં આવાં આશ્વાસનભર્યાં શબ્દો સાંભળીને સુમિતના હૈયે કંચનની છબી કોઈ દેવીની છબી હોય તેમ અંકિત થઈ ગઈ. ડોક્ટરે સુમિતને બે દિવસ પછી મળવાનું કહ્યું.
તે પછી માંડમાંડ હિંમત રાખીને સુમિત મોં પર બનાવટી સ્મિત ધારણ કરીને ઘેર પરત ફર્યો તે સાથે જ કંચને કહ્યું, "હાશ, ઘેર આવી ગ્યાં એમને? રીપોર્ટમાં શું આવ્યું? તમને કાંઈ ચિંતા થાય એવું નથી ને?"
"ના, એવું બિલકુલ નથી. રીપોર્ટો સારા છે. દવા લાંબો સમય કરવી પડશે એટલે તારે ને મારે ધીરજ રાખવાની છે."
"કેટલો સમય?"
"છ માસ કે કદાચ એક વરસ પણ થાય."
"તો તો ખર્ચો ઘણો આવશે, કેમ સુમિત?"
"તે શું થઈ ગયું? હું કોના માટે કમાઉં છું, કંચન?! ખર્ચો કરવાથી તારો રોગ કાયમને માટે મટી જાય એવું તું નથી ઇચ્છતી?"
"ઇચ્છા તો હોય જ ને! વારેવારે તમને હેરાન થવું પડે એના કરતાં એક વખતમાં—ભલે ને લાંબો સમય દવા કરવી પડે, પણ સારું થઈ જતું હોય તો મને શું વાંધો હોય? વળી, ત્યાં સુધીમાં આપણો સોનુય દોડતો-તો થઈ જાય!"
"હા, હવે બીજી વાત કરીએ. આજે ખાવા શું બનાવ્યું છે?"
"તમને ખૂબ જ ભાવતી વસ્તુ છે, કહી દો, કઈ વસ્તુ?"
સુમિતનું ચિત્ત ક્યાં ઠેકાણે હતું તે એને ભાવતી વસ્તુ એકદમ યાદ આવે! એ તો વિચારવા માંડ્યો, પણ કંઈ યાદ આવતું નથી. એટલે કંચને જ કહ્યું, "તમે મારી ચિંતામાં છો એટલે યાદ નથી આવતું. હું જ કહી દઉં—મેં આજે પૂરણપોળી બનાવવાનું પૂરણ તૈયાર રાખ્યું છે."
"તમે ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું ગરમાગરમ ને ઘીમાં લચપચતી ખાવા આપું. તમને હવે મારે આવું જ ખવડાવવું છે જેથી મારી ચિંતામાં ને ચિંતામાં તમારી અડધી શક્તિ ખર્ચાઈ જતી હોય તો એનું સાટું વાળવા માટે તમને પૂરક શક્તિ મળે એવું મારે ખવરાવવું પડે ને!"
સુમિત તૈયાર થઈને પાથરેલા આસન પર બેઠો, કંચને ગરમાગરમ પૂરણપોળી એની થાળીમાં મૂકી ને તરત બીજી પોળી બનાવવા માંડી.
એક પૂરણપોળી ખાઈ લીધા પછી, "હવે ઝટપટ બીજી બેચાર બનાવી દે ત્યાં સુધી હું તારી રાહે બીજી પૂરણપોળી જમીશ નહીં, સાંભળ્યું કંચન?" એવું જરીક કડક સ્વરમાં સુમિતે કહ્યું.
એટલે કંચન સમજી ગઈ કે હવે મારા વગર એ બીજી પોળી અડશે જ નહીં. એણે કહ્યા પ્રમાણે બીજી પૂરણપોળી બનાવીને સુમિતની જ થાળીમાં મૂકી અને એની લગોલગ ગોઠવાઈને બોલી, "આજે તો તમે મને તમારા હાથે જ ખવરાવો, હવેથી મારે રોજેરોજ તમારી થાળીમાં જ સાથે જમવાનું રાખવું છે, જેટલાં દિવસો જીવાય ત્યાં લગી."
"કંચન, તું આવું નેગેટિવ બોલે છે ને એ મને તીરની જેમ વાગે છે! પ્લીઝ, આવાં ન ગમતાં વેણ નહીં કાઢતી કંચન. તારા મનમોહક મોંમાંથી તો જરાય શોભતાં નથી."
ખાતાંખાતાં કંચને કહ્યું, "સુમિત, તમે એકવાર પેલી યશોદાને ઘેર લાવોને, તો તમારાં ગીતોનાં વખાણ હુંય સાંભળું તો ખરી! આમેય આપણો સોનુ હજી ચાલતો નથી થયો ત્યાં લગી હું થોડી જ તમારા ગીતો સાંભળવા ક્યાંય આવી શકું?"
સુમિત મૌન રહ્યો એટલે કંચને આગળ કહ્યું, "જુઓ, આમેય મારી દવા લાંબો સમય ચાલવાની હોઈને હું કંટાળી જઉં, તમે આખો દિવસ ઓફિસ હોવ તો ક્યારેક મને યશોદાની કંપની તો મળે! ખરું ને?"
"વારુ, આ ચોથી તારીખે પ્રોગ્રામ છે ને એમાં જો એ આવશે તો હું તારી ઇચ્છા એને કહીશ, જો એ આવે તો. બરોબર?" સુમિત બોલ્યો.
સુમિત ઓફિસમાં હતો અને ડોક્ટરનો ફોન આવ્યો કે બીજો ઓપિનિયન આવી ગયો છે, કેન્સરનું નિદાન કન્ફર્મ છે.
એટલું કહીને સુમિતને શહેરનાં જાણીતા, અનુભવી ડોક્ટરની સારવાર માટે એ ડોક્ટરે લખીને તૈયાર રાખેલી ભલામણ-ચિઠ્ઠી લેવા સાંજે દવાખાને આવી જવાનું કહ્યું.
કેન્સરનું નિદાન કન્ફર્મ હોવાનું સાંભળતાંવેંત સુમિત તો અર્ધબેભાન જેવી હાલતમાં સીધો દવાખાને ગયો. ત્યાં મન મૂકીને રડ્યો. રડીરડીને આંખો પણ સુજી ગઈ ને મોઢું તો રાતુંચોળ થઈ ગયું.
ડોક્ટરને લાગ્યું કે આ માણસ એકલો ઘેર કેવી રીતે પહોંચશે? એણે સુમિતનું સ્કુટર ત્યાં જ રહેવા દઈને પોતાની ગાડીમાં જ એને બેસાડીને દવાખાનામાં કામ કરતા એક માણસને ગાડી ચલાવવાની સૂચના કરી.
એ સાંભળીને સુમિતે કહ્યું, "એમ કરશો તો કંચનને વધુ ચિંતા થશે. એ વિચારશે 'મને નક્કી કોઈ ભારે બીમારી છે જેથી સુમિતને એકલા મોકલવાને બદલે આ રીતે ગાડીમાં મોકલ્યા' તો સાહેબ, હું એને શું જવાબ આપું?"
"તેને કહેવાનું કે, મારું સ્કુટર બગડ્યું છે, તે ચાલુ ન થયું એટલે સાહેબે મને ગાડીમાં મોકલ્યો છે, કાલે વહેલો પહોંચીને સ્કુટર ચાલુ કરાવીને પાછું લેતો આવીશ."
ડોક્ટરની આ સલાહ સુમિતે ગળે ઉતરી એટલે એ ડોક્ટરની ગાડીમાં જ બેસીને ઘરે આવ્યો. એની ધારણા પ્રમાણે જ કંચને આશંકા કરી એટલે ડોક્ટરે કહ્યા મુજબ કંચનને જવાબ આપીને એ ફ્રેશ થઈ આવ્યો.
"જો કંચન, સાહેબે એમનાં જાણીતા ને અનુભવી ડોક્ટરની સારવાર માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપી છે તો આપણે વહેલીતકે એમને મળીને તારી સારવાર શરૂ કરી દઈએ, બરોબર ને?"
"હા, જો ઓફિસેથી વહેલાં આવી શકાય તો કાલથી જ. જલ્દી દવા શરૂ કરીએ જેથી જલદી પાર તો આવે! મને કબૂલ છે, સુમિત."
ઓફિસમાં બધી ગોઠવણ પૂરી કરીને સુમિતે બીજા દિવસે જ નિષ્ણાંત ડોક્ટરની સારવાર શરૂ કરી. એ પહેલાં એણે પોતાનાં ડોક્ટર મારફતે એવી ભલામણ આ નિષ્ણાંત ડોક્ટરને કરેલી કે જેથી કંચન કેન્સરગ્રસ્ત છે એવો એને અણસાર સુધ્ધાં આવે નહીં.
જો કે, આ નિષ્ણાંત ડોક્ટરે કંચન સાથે ખૂબ આત્મીયતાથી વાતચીત કરેલી. એના દર્દ વિશેની હિસ્ટ્રી જાણવા જ્યારે કંચનને પૂછ્યું ત્યારે કંચને જણાવ્યું કે, "સાહેબ, હું સ્કુલમાં ભણતી'તી ત્યારે ગણિતની વાર્ષિક પરીક્ષાનું પેપર જોતાં જ મને ચક્કર આવી ગયેલાં, ને પાટલી પર બેઠાંબેઠાં જ માથું નીચું ઢાળી દીધેલું."
"ગણિત આમેય મને બહુ આવડતું નહીં એટલે આવું થઈ જ જાય ને, સાહેબ! ગણિતની પરીક્ષા આપ્યા વગર મને મારા બાપા તેડીને સીધા જ દાક્તર કને લઇ ગયેલાં. પછી (સહેજ હસીને) હું ગણિતમાં તો નાપાસ જ હોઉં! એટલે એ વર્ષે મને ચડાવો પાસ કરીને ઉપલા ધોરણમાં લીધી'તી."
"એ પછી સાહેબ વરસો થઈ ગયાં હશે, મને ક્યારેય એવું થયેલું નહીં. પણ, એક દિવસ હું ઘરકામ કરતી હતી ત્યારે મારી મા અને બાપુજીને મારી સગાઈ વિશે વાતો કરતાં મેં સાંભળ્યાં તો મને ફેર ચક્કર આવવા માંડેલા. મને થયું—મને ઝટ પરણાવી દેશે?"
"હું મારા બાપુને, સાહેબ, બહુ જ વહાલી અને મનેય મારી મા-થીયે મારા બાપુ બહુ વહાલા, સાહેબ હોં! પરણીએ તો બાપાનું ઘર છોડવું જ પડે, સાહેબ! એવી ચિંતામાં જ મને એ દિવસે ફેર ચક્કર આવી ગયેલાં, ને રાતે તાવ પણ ચડ્યો. બે દિવસ દાક્તરની દવા લીધી'તી, બસ. સારું થઈ ગયું'તું. ત્યારપછી કોઈ દિવસ નહીં, પણ હમણાં બે મહિનાની અંદર ત્રણેક વાર આવું થયેલું."
ડોક્ટર કંચનની વાત એકચિત્તે સાંભળી રહ્યા હતા ને મનોમન વિચારી રહ્યા હતા કે ગણિતનો વિષય આ બાઈને ભલે આવડતો ન હોય, પણ સંસારની આંટીઘૂંટીનું ગણિત એને બરાબર આવડે છે! ડોક્ટર બોલ્યા, "જો દીકરી, તારે કંટાળ્યા વગર મારી દવા કરવી પડશે. એકાદ વરસ તો ખરી જ. તને એવી નક્કર કરી દઉં કે તને ફરી આવું થાય જ નહીં." કંચનની હિંમત તૂટે નહીં એ માટે ડોક્ટરે આવું કહ્યું.
"તો તો સાહેબ, તમે મારા ભગવાન. મને કંઈ થઈ જાય ને સાહેબ, તો (સુમિત તરફ દિશાનિર્દેશ કરીને) આવાય સાવ ઢીલા છે. એમનું મારા સિવાય અહીં કોણ, સાહેબ? હું એમના ખાતર જરાય કંટાળીશ નહીં. તમે તમારે જેટલી દવા કહેશો ને એટલી હું જરાય મોં બગાડ્યા વગર કરીશ. પણ, મને સાવ સાજી કરી દેશો ને સાહેબ?"
"હા, હા. તું મારા ઉપર ભરોસો રાખ, બેટા." ડોક્ટરે આમ કીધા પછી દવાઓનું લાંબું લીસ્ટ લખી આપ્યું.
કઈ દવા ક્યારે અને કેટલી વખત લેવાની એની સમજણ પણ લખી આપીને તે રીતે સુમિતને સમજ આપી. ફરીથી એક મહિને બતાવવાનું પણ કહ્યું.
એ પછી બંને ત્યાંથી નીકળીને રસ્તામાં થોડીવાર એક ઠેકાણે થોભીને કંચનને ખૂબ ભાવતો "મસાલા ઢોંસા" અને આઈસ્ક્રીમ ખાઈને ઘેર આવ્યાં.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
