મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-4)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪)

કંચનને તાવ આવ્યો એટલે ચિંતાતુર સુમિતે કામ માટે એક બાઈ રાખવાની વાત કરતાં જ કંચને કહ્યું કે, "એકબે દિવસ તાવ આવ્યાથી હું શું મરી જવાની છું?"

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

ત્યારે સુમિત બોલ્યો, "આવું અમંગળ ના બોલ, કંચન. હમણાં સોનુનું પેટ ભરાવે છે એટલે તારામાં થોડી અશક્તિ વર્તાય. એને ધાવણ છોડાવીશ ત્યારે તને બધું કામ એકલા હાથે કરવાની છૂટ."

"તમારી મારા માટેની આવી લાગણી એ જ મારી શક્તિ માનજો, મારા વહાલા પતિદેવ!"

"કંચન, આજે મેં રજા રાખી છે તો મને યાદ આવ્યું કે હમણાંહમણાં મેં જેટલાં પ્રોગ્રામો આપ્યાં એ બધામાં પેલી કોલેજીયન યુવતી યશોદા અચૂક આવે છે. એ તારા જેવી જ સુંદર છે અને મને કહે છે કે તમે મને બહુ ગમો છો."

"તમારે બીજીવાર પરણવું છે?" કંચન હસતાંહસતાં બોલી.

"ના રે! હું કાંઈ મૂરખ છું કે તારા જેવી રૂપસુંદરી ને ગુણસુંદરી હોય ત્યાં હું શું એવો વિચાર કરતો હોઈશ?"

આવીઆવી વાતોથી કંચનનું મન ખુશ રાખવા અને એની બીમારી દૂર કરવા વાસ્તે સુમિતે રજાનો આખો દિવસ પસાર કર્યો. સદનસીબે કંચનનો તાવ ઊતરી ગયો. 

રાત્રે કંચને સુમિતને, તે જે સુખનો અધિકારી છે તે પ્રેમથી આપ્યું અને બંનેએ એકમેકની બાહોંમાં મીઠી નીંદર માણી. દીવાળીના તહેવારોમાં ક્યાંક ફરવા જવા માટે સુમિતે કંચન આગળ ઇચ્છા દર્શાવી. 

તેની કંચને સ્પષ્ટ ના પાડી અને ઉમેર્યું, "જુઓ સુમિત, અત્યારે આપણો સોનુ હજી ઘણો નાનો કહેવાય. ક્યાંક બહાર ગયા હોઈએ ને એની તબિયત નરમગરમ થાય તો ફરવાની શું મજા આવે?"

"આપણે બેત્રણ વર્ષ પછી આવું વિચારી શકીએ, બરોબર ને?"

"સારું દેવી, તમારી દરેક વાતમાં ડહાપણ હોય તેથી માનવી જ પડે ને?" કહીને સુમિતે તહેવારો ઘરે જ માણવામાં ડહાપણ માન્યું.

નવા વર્ષના દિવસે અડોશપડોશમાંથી ઘરે મળવા આવતાં મહેમાનો આગળ કંચન પોતે બનાવેલી વાનગીઓની ડિશ ધરતી અને દરેકને પ્રેમપૂર્વક ખવરાવવાનો આગ્રહ કરતી. 

એ કહેતી, "બધી વાનગીઓ મેં જાતે ઘેર જ બનાવી છે, એકપણ ચીજ બહારની નથી એટલે નડશે નહીં." ઘરે આવતાં મહેમાનો પણ જતી વખતે કહેતા, "તમે બંને પણ નવા વર્ષે ઘરે આવો; એકબીજાનો નજીકથી પરિચય થાય."

આ દિવસોમાં બહાદુરસિંહ એની પત્ની કુંવરબાના આગ્રહથી એને લઈને સુમિતના ઘેર બંને જણાં "સાલમુબારક" પાઠવવા આવ્યાં. બહાદુર સામાન્ય રીતે મહોલ્લામાં કોઈને ત્યાં જતો નહીં. 

મહોલ્લાનાં લોકો પણ એના ઘેર જવાનું પસંદ કરતાં નહીં. પણ બહાદુરના ઘર પાસેથી કંચનને જતીઆવતી જોઈને કુંવરબાને કંચનના રૂપ અને ઠસ્સાને જોઈને કંચન માટે એકતરફી લગાવ થયેલો. 

જે અંગે કંચનને પણ ખ્યાલ આવેલો નહીં અને આ લગાવના કારણે જ ને વળી, કંચનનો નજીકથી પરિચય પણ થાય એવા આશયથી આજે એ બહાદુરને સાથે રાખીને કંચનનાં ઘરે આવેલાં. 

બંનેને મધુર લહેકાથી આવકારતાં કંચન બોલી, "ઓહો, ભાભીબા! પધારો... શું ભૂલા તો નથી પડ્યાં ને?"

"ના કંચનબેન, આજે નવા વર્ષે સૌ પહેલાં તમને જ મળવા આવ્યાં છીએ. સાચું કહું તો અમારા એમને (બહાદુરને) આ નવા વર્ષે થોડી સમજણ આપો તો મારી જિંદગી સુધરે."

થોડું હસીને બહાદુર તરફ નજર રાખીને કંચન બોલી, "ભાઈસાહેબ નવા વર્ષે હું તમને કંઈ કહું તે મને પણ ગમતી વાત નથી. પણ તમે જોયું ને કે ભાભીજી તમારી કેટલી ચિંતા કરે છે?"

"મને ખબર છે કે તમારા દારૂના ધંધાને લીધે આસપાસના લોકો કંટાળેલાં છે. શા માટે આવાં ઊંધામા કરો છો? મૂકી દો ને બધું! ઇજ્જતની જિંદગી જીવો, પછી જુઓ કે એમાં કેટલો આનંદ છે, ભાઈ!"

બહાદુરે માત્ર મૌન રહીને કંચનની વાત સાથે પોતે સહમત હોય તેમ ડોકું હલાવ્યું. નવા વર્ષનાં આ દિવસે અને જ્યારે બંને પતિપત્ની પહેલીવાર જ ઘરે આવ્યાં હોય ત્યારે, વધુ કહેવાનું કંચને યોગ્ય ન ગણ્યું. 

એ પછી કંચને બંને આગળ દીવાળીની વાનગીઓની ડિશ ધરી ને કહ્યું, "ચા-કોફી કે શરબત, શું લેશો?"

"ના બેનજી, આ મીઠું મોં કરી લીધું છે." બહાદુરની પત્નીએ જવાબ આપ્યો.

પછી ઊઠતી વખતે નાના સોનુના હાથ પાસે સો રૂપિયાની નોટ મૂકીને જતાંજતાં બોલી, "બેન, તમે ને મારા ભાઈ- બંને અમારે ત્યાં પણ આવજો, હોં કે?"

"ના... રે...! હું ક્યાં નવરી છું? મારા બહાદુરભાઈ ક્યાં અમને આવવાનું કહે છે?" એમ બહાદુર તરફ હળવાં સ્મિત સાથે કંચને કહ્યું. 

એનાથી બહાદુર એટલો ગળગળો થઈ ગયો કે એ તરત ઊભો થયો અને બંને હાથ જોડીને એટલું જ બોલ્યો, "બેનબા, તમે મને ભાઈ કહો છો તો, આ ભાઈના ઘેર તમે બંને ચોક્કસ આવજો."

"હું તમારી—એક બહેનની શીખ યાદ રાખીશ અને એ રીતે વર્તવા કોશિશ કરીશ." જોકે આટલું કહ્યા પછી બહાદુરે એનો દારૂનો ધંધો બંધ તો ન જ કર્યો. 

પણ એનું એક સુખ હતું કે તે કદીયે સ્ત્રીઓને ગમેતેમ બોલતો નહીં અને કદાચ કોઈએ દારૂના નશામાં કોઈ સ્ત્રીની છેડતી કરી હોય તો તે એની ખબર પણ લઈ નાંખતો. 

એટલી એની ખાનદાનીથી આજુબાજુનાં લોકો પણ સારી રીતે વાકેફ હતાં. એક દિવસ અચાનક સવારથી જ કંચનને ચક્કર આવવા માંડ્યાં, માથું ભારે થઈ ગયું. 

તોપણ એની એ સ્થિતિનો જરાય અણસાર સુમિતને આવવા ન દીધો. રોજની જેમ જ સુમિતની સાથે ચા-નાસ્તો કરીને ટીફીન તૈયાર કરી આપ્યું. 

સુમિત ઓફિસે ગયો પછી થોડીવાર સોનુને ખોળામાં લઈને પેટ ભરાવીને સુવરાવી દીધો અને કપડાં, વાસણ વગેરે ધોઈ, સાફ કરી એની જગ્યાએ ગોઠવી દીધાં. 

આવતીકાલ માટે સુમિતને ઓફીસમાં પહેરવાનાં જે કપડાં હતાં તે સુકાઈ ગયા પછી ઇસ્ત્રી કરીને કબાટમાં વ્યવસ્થિત મૂકી દઈને બપોરે બે-એક કલાક આડી પડીને આરામ કર્યો. 

પણ ઊભી થાય ત્યાં જ ચક્કર આવતાં હતાં. તેમછતાં, સાંજની રસોઈપાણી તૈયાર કરીને સંધ્યાકાળે તુલસી આગળ તેમજ પૂજાના સ્થાને દીવા-અગરબત્તી પ્રગટાવીને માતાજીની સ્તુતિ ગાતીગાતી સુમિતની રાહ જોતી હતી. 

સુમિત ઓફીસેથી ઘેર આવ્યો, હાથપગ, મોં ધોઈને, હળવાશથી ટુવાલ વડે લૂછીને રસોડામાં આવ્યો. 

કંચને રસોઈ તો તૈયાર કરી રાખેલી, માત્ર રોટલી ગરમાગરમ પીરસાય તે માટે રોટલી બનાવતી હતી. સુમિતે રોમેન્ટિક મૂડમાં હળવા હાથે કંચનના ગાલે સ્પર્શ કર્યો. 

પણ કંચનને સવારથી ઠીક નહોતું એથી એણે કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો. સુમિતે કહ્યું, "કેમ પ્રિયા, આજે મેં કોઈ ભૂલ કરી છે કે શું?"

"ના વાલેશ્રી, આજ ઠીક નથી. આપણે જમી લઈએ અને વાસણ ધોવાનું કામ પતાવીને, ભાઈ (સોનુ) જો સૂવા દે તો સૂઈ જવું છે."

કંચનના હાથને તેમજ માથે સ્પર્શ કરીને સુમિતે કહ્યું, "કંચન, તાવબાવ તો લાગતો નથી. તને થાય છે શું?"

"ઊભું નથી રહી શકાતું, ફેર આવે છે ને માથું ભારેભારે લાગે છે. કદાચ દિલમાં અંદર તાવ હશે, કેમ કે આંખોમાં બહુ ગરમી થતી હોય તેમ જણાય છે." કંચને વળતો જવાબ આપ્યો.

"કંચન, તારી મને બહુ ચિંતા રહે છે. તને આવી તકલીફ હોય તો આરામ કેમ નથી કરતી? કામ બાકી રહે તો શું લૂંટાઈ જવાનું છે?"

"ખાવાનું આપણે બહારથી મંગાવી લેત. હવે તો હું એક કામવાળી બાઈ રાખી જ લઉં છું, તું જો!"

કંચને કોઈ જ ઉત્તર ન આપ્યો; એને બોલવાનું પણ ગમતું નહોતું. એ દિવસે સુમિતે કામવાળી બાઈ રાખવાનો નિર્ધાર કરી જ નાંખ્યો અને બીજા દિવસથી બાઈ રાખી પણ લીધી. 

કંચને રસોઈ સિવાય કોઈ જ કામ નહીં કરવું એવી સુમિતે સૂચના આપી. વળી થોડા દિવસો પછી સુમિત ઓફીસેથી સાંજે ઘેર આવ્યો તો કંચન પલંગમાં સૂતી હતી. 

સોનુ રડતો હતો છતાં તે જાગીને એને હાથમાં લેતી નહોતી. સુમિતે કામવાળી બાઈને બૂમ પાડી, એટલે એ બહાર વળગણીએથી કપડાં લેતીકને દોડી, "કેમ શેઠ, કામ છે કંઈ?"

"આ કંચન ક્યારની સૂતી છે? આ બાળક રડે છે એ તમને સંભળાયું નથી લાગતો. કંચન સૂતી હોય તો બાળકને તો તમારે લઈને રાખવું'તું?"

"માફ કરજો સાહેબ, ભૂલ થઈ ગઈ. પણ શેઠાણીબા તો બપોરના સૂતાં જ છે!" સુમિતે સોનુને હાથમાં લઈ લીધો અને કંચનને હલબલાવીને જગાડી.

"શું થાય છે, કંચન? સોનુ ક્યારનો રડતો'તો તોયે તારાથી ઊઠાયું નહીં, તે તને વધારે તકલીફ જણાય છે."

એમ કહીને કંચનને સુમિતે જેવી પલંગમાં બેઠી કરી કે તરત જ કંચન પાછી પલંગમાં ફસડાઈ પડી, કાંઈ જ બોલ્યા વગર. 

તરત જ સુમિત કામવાળી બાઈને ત્યાં ઊભી રાખીને બહાર રીક્ષા લેવા ગયો. રીક્ષા લઈ આવીને બહાર ઊભી રખાવી. 

કંચનને હળવેકથી ઊભી કરીને, પકડીને રીક્ષા તરફ લઈ જતો'તો ત્યાં જ કંચનથી બોલાયું, "ઓ... મારી માડી..., નથી રહેવાતું. હું પડી જઈશ... મારા સુમિતને બોલાવો!"

સુમિતે જ હાથ પકડ્યો હોવા છતાં એ આવું બોલી એથી સુમિતને ચિંતા વધુ થઈ; નક્કી કંચનને પૂરું ભાન નથી. 

એણે કંચનને ઊંચકીને ધીમેકથી રીક્ષામાં સુવડાવી, સોનુને સાથે લીધો અને સીધો દવાખાને લઈ ગયો. ડોક્ટરે તરત જ કંચનનું બી.પી. માપ્યું ત્યારે ખબર પડી કે બી.પી. ખૂબ હાઈ હતું. 

મગજ ઉપર તાવ ચડી ગયો છે તેમ જણાવીને ડોક્ટરે તરત જ ત્યાં દાખલ કરી દઈને સારવાર શરૂ કરી દીધી. 

"આજની રાત દવાખાને રાખવી પડશે. કાલે ઠીક થઈ જશે, ચિંતા જેવું નથી, પણ આવી વારંવાર તકલીફ થતી હોય તો બીજાં રીપોર્ટ—બ્લડનાં તેમજ મગજનો સી.ટી. સ્કેન કરાવી લેવા જોઈશે."

"શાને કારણે આવું થઈ જાય છે તે જાણ્યા પછી યોગ્ય સારવાર કરી શકાય." એવી ડોક્ટરની સલાહ સાંભળીને સુમિતે કહ્યું, "સાહેબ, આમ તો નખમાંય રોગ નથી."

"પણ, કેમ જાણે, હમણાંહમણાં આવું થાય છે તે ખબર પડતી નથી. આપ કહેશો એ બધાં જ રીપોર્ટ કરાવીને નિદાન થઈ ગયા પછી હું ગમે એટલી ખર્ચાળ સારવાર કરવા તૈયાર છું, સાહેબ."

બીજા દિવસે બપોરે કંચનને ઠીક થયું. એણે સોનુ કોની પાસે છે એ જાણવા સુમિતને પૂછ્યું. 

"આપણી પાસે જ છે, તારી બાજુમાં જો તો ખરી, કેવો શાંતિથી સૂતો છે!" સુમિતે કહ્યું.

કંચને હોંશભેર બેઠી થઈને સોનુને હાથમાં લીધો, એને પરાણે જગાડીને રમાડતાંરમાડતાં બોલી, "જોયું સુમિત, આટલું બાળક પણ માને ઠીક નથી એવું સમજે છે!"

"નહીં તો કાલનું પેટ ખાલી છે તોય રડે છે? મને ચિંતા થાય છે કે આપણો સોનુ ક્યાંક મા વગરનો તો નહીં થઈ જાય ને?"

ખૂબ ઢીલા અને રડમશ અવાજે સુમિતે કહ્યું, "તને ખાલી સોનુની ચિંતા થાય છે? મારી નથી થતી?"

"અરે, ખોટું લાગ્યું, સાહેબ? તમે તો મારા પ્રાણથીયે વિશેષ છો. હું જાણું છું, કાંઈ નુગરી નથી; મારા વગર મારા સુમિતની શી દશા થાય એની કલ્પના કરતાંય મારામાં ધ્રૂજારી આવી જાય છે!"

"સુમિત, મારા સિવાય તમારું કોણ છે અહીં? મને ચિંતા તો હોય જ ને?!"

એ દિવસે દવાખાનેથી રજા લઈને ઘેર ગયાં. ડોક્ટરે લખી આપ્યા પ્રમાણેનાં રીપોર્ટ બીજે દિવસે કરાવીશું એમ નક્કી થયું હતું. 

તેથી બીજે દિવસે સુમિત ઓફિસેથી ઘરે વહેલો આવ્યો અને કંચનને લઈને મેડિકલ રીપોર્ટો કરાવવા ગયાં. રીપોર્ટોનું કામ પતાવીને પાછાં ઘરે આવ્યાં ત્યારે કંચનથી પૂછાઈ ગયું, "હેં સુમિત, મને કોઈ ગંભીર રોગ તો નહીં થયો હોય?"

"ના, અત્યારે હવે નિતનવી શોધોને કારણે ડોક્ટરો કોઈ રોગની સારવાર કરે તે પહેલાં જાતજાતનાં રીપોર્ટો કરાવતાં હોય છે, એટલે કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી."

"પહેલાંનાં સમયમાં ડોક્ટરો કોઈ રોગ વિશે ખાલી ધારણા કરીને દવા કરતા, પણ એમાં ક્યારેક ખોટી દવાઓ પણ થતી જેનાથી ઉલ્ટાનો રોગ વકરતો."

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."