મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩)
કોલેજના "એન્યુઅલ ફેસ્ટિવલ" કાર્યક્રમ પૂરો થયા પછી યશુએ સુમિતનો "ઑટોગ્રાફ" લઈને તેની સાથે ટૂંકો સંવાદ કર્યો અને તે પછી સુમિતને "વી લવ યુ સર" એવું કહીને યશુ આશાની સાથે ત્યાંથી ચાલી નીકળી.
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
સુમિતનાં ગીતો અને તેની સાથેનાં મીઠાં વાર્તાલાપ પછી અત્યંત પ્રસન્ન થયેલી યશુ અને આશા બંને ઘેર ગયાં પછી આશાથી રહેવાયું નહીં. એ બોલી, "દીદી, સુમિતસર બહુ ગમી ગયાં?"
"તને નથી ગમ્યા?" યશુએ જવાબ આપ્યો.
"પણ તેં તો કેટલી લપ કરી'તી? હું તો બાજુમાં માત્ર ઊભી જ હતી ને?"
"જો આશા, એ વ્યક્તિ કોઈને પણ ગમે એવી તો છે જ, ને એની કવિતાઓ, એનો કંઠ બધું જ ગમે એવું છે."
"મને એ બધું સાંભળવાથી આનંદ આવે છે, તો એમનાં દરેકેદરેક નહીં તો જે પ્રોગ્રામોમાં જઈ શકવાની અનુકૂળતા હોય તો એમાં જવામાં ખોટું શું છે?"
"બહુ ભાષણ ન આપ દીદી! સીધેસીધું કહી દે ને કે તેં સુમિતસરને એકતરફી દિલ દઈ દીધું છે!"
"આશા! એક લાફો મારી દઈશ, હોં!"
"મારી દે ને? તારા માટે એ ક્યાં નવી વાત છે? તને પ્રેમ થયો હોય તો કંઈ ખોટું નથી."
"પણ તારી બેસ્ટ ફ્રેન્ડ છું ને, તેથી તું કહેતી હોય તો હું સુમિતસરને તારા દિલની વાત કરું?"
"આશા, મને તો તારા પ્રત્યેય પ્રેમ ક્યાં નથી? પ્રેમ એ કોઈ ખરાબ વસ્તુ થોડી છે? એ તો પવિત્ર છે. હું પ્રેમ કરવામાં માનું છું, કોઈ જ અપેક્ષા વગર."
"એટલે તારો કહેવાનો અર્થ એ છે કે તું સુમિતસરને ચાહે છે ખરી, પણ એની જોડે પરણવાની અપેક્ષા વગર, બરાબર ને?"
"હા."
"તો હું તારા વતી સરને લગ્નનું પ્રપોઝ કરું?"
"ના, બિલકુલ નહીં."
"સુમિતસર તને સામેથી પ્રપોઝ કરે તો?"
"આશા! છોડ હવે, બહુ થઈ ગયું. બીજી વાત કર."
બીજી બાજુ સુમિતનાં કંચન સાથેનાં દિવસો ખૂબ સુખમય વીતવા માંડ્યા. એક દિવસે કાકીએ કહ્યું, "જો કંચન બેટા, બૈરાની સુવાવડ આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે એમાં ક્યારેક બાઈ મરી પણ જાય."
"સારી પેઠે બાળકનો જનમ થાય ને બાઈને કોઈ ઉપાધિ ન આવે ત્યારે બાઈનો નવો અવતાર જ ગણાય."
"એટલે, મેં તારી સુવાવડ સુખરૂપ થાય તે માટે આપણાં ગામમાં માતાજીની બાધા રાખી'તી."
"તને માતાજીએ સરસ મજાનો દીકરો આપ્યો ને તને પણ હેમક્ષેમ રાખી, એટલે ગામડે જઈને માતાજીને સવાશેરની લાપસી ધરાવીને પાંચ બાળકોને જમાડી દઉં એટલે મારી બાધા પૂરી થાય."
"તે એમાં શું, કાકી! થોડા દિવસો ખમો ને તો આપણે બધાં જ ગામડે તમારી બાધા પૂરી કરી આવશું." એવું કહીને કંચને હાલ કાકીને એકલાં નહીં જવા માટે વાત ટાળવાનો પ્રયાસ કર્યો.
"ના દીકરી, આ તો દૈવરૂણ કહેવાય! પછી ભૂલી જવાય અને કંઈક અજુગતું બનતો વહેમ પડે. એટલે અત્યારે તો હું એકલી જઈને બાધા પૂરી કરી આવું." કાકીએ કહ્યું.
"સારું, કાલે સુમિત તમને બસમાં બેસાડી દેશે. પણ બાધા પૂરી કરીને કોઈકને કહેજો કે બસમાં બેસાડી દે. રોકાતા નહીં, કાકી. તમારા વગર મને નહીં ગમે."
કંચનનાં પ્રેમભર્યા આગ્રહથી ખુશ થઈને કાકીએ ખાતરી આપી એટલે બીજે દિવસે સુમિત એમને ગામડે જવાની બસમાં બેસાડી, ડ્રાયવર-કંડક્ટરને ભલામણ કરીને ઘેર પરત આવ્યો.
ગામડે કાકીએ બાધા પૂરી કરી, પણ કાકીને ખૂબ તાવ ચડ્યો, એટલે ગામલોકોએ એમને પરત નીકળવા ન દીધાં. એક જ રાતનાં તાવમાં કાકી કાયમ માટે પોઢી ગયાં!
જીવરાજશેઠે ગાડી કરીને તાબડતોબ સુમિતને ને કંચનને ગામડે બોલાવી લીધાં. ત્યાં રહીને કાકીની અંત્યેષ્ઠીની વિધિ પૂરી કરી.
કંચને કહ્યું, "સુમિત, કાકીની પાછળ બારમાની વિધિ પૂરી થાય તે પછી તેરમાના દિવસે આખું ગામ જમાડવાની મારી ઇચ્છા છે."
"તમારી પાસે અત્યારે એટલી રકમ ન હોય તો શેઠ પાસેથી હાથઉછીના લઈ લેશો. પછી આપણે ચૂકતે કરી દેશું." સુમિત થોડીવાર મૌન રહ્યો એટલે કંચન બોલી, "કેમ, મારી વાત ન ગમી?"
"એવું હોય, કંચન! પણ તું કહેતી નો'તી કે 'આપણે હવે શેઠનાં ઓશિયાળા થઈને રહીએ એ સારું ન કહેવાય'?"
"એટલે તો કહું છું કે આપણે તરત પાછા પણ આપી દેશું. તમને સંકોચ થતો હોય તો હું શેઠને વાત કરું."
"ના, ના. હું માંગી લઈશ." સુમિતે વાત ટૂંકાવી. તે પછી કંચને કાકીના તેરમાના દિવસે આખા ગામને હોંશભેર જમાડ્યું.
ગામલોકો એનાં બબ્બે મોંઢે વખાણ કરવા માંડ્યાં, "વહુ કેવી જાજરમાન મળી છે, જટાશંકરની પુણ્યાઈ છે, આ તો."
બંને જણાં અમદાવાદ પાછા ફર્યાં. સોનુ દીકરો હવે ત્રણેક મહિનાનો થયો હશે. સુમિત તે દિવસે ઓફીસ ટાઇમ પૂરો થયા પછી બારોબાર એક પૂર્વઆયોજિત મ્યુઝિકપાર્ટીમાં ભાગ લેવા ગયેલો.
દીવાળીનાં તહેવારો નજીકમાં હતાં એટલે આખો દિવસ કંચને ઘરે રહીને સાફસફાઈ કરી, વાસણો બધાં જ ઉડકીને ચક્ચકતા કરીને અભરાઈએ ગોઠવી દીધાં.
ભગવાનનાં ફોટાં નવાનકોર કરીને દિવાલે પાછાં ગોઠવી દીધાં. રાત્રે આવીને સુમિત જોઈને જ ખુશ થઈ જાય એવી આશા માંડીને એની રાહ જોતી હતી.
દીવાળી માટે સુમિતની પસંદગી પ્રમાણેની વાનગી બનાવવાનું કાલ ઉપર રાખીને બેઠી હતી. સુમિત રાત્રે એક વાગે ઘેર આવ્યો.
"સુમિત આટલું બધું મોડું થવાનું હોય ત્યારે ઘરે જમીને પછી પ્રોગ્રામમાં ન જવાય?" એવું કહેતી કંચનને સુમિતે લાડથી પોતાની બાહોંમાં લઈને ઊંચકી લીધી.
તેણે કહ્યું, "જો પ્રિયા, હું આટલો મોડેથી આવતો હોઉં ત્યારે જમવાનું પતાવીને જ આવતો હોઉં, પણ મારી ભૂલ છે કે મેં તને કહ્યું નહોતો. એ માટે મને આજનો દિવસ માફ કરી લઈશ?"
એટલું કહીને આગળ બોલ્યો, "તું તો મારી રાહે જમી જ નહીં હોય ને?"
"હા, એ તો ઠીક છે. પણ આજે દીવાળીનું બધુંય કામ એક દિવસમાં કરી નાંખ્યું છે; ખાલી વાનગીઓ બનાવવાનું કાલ ઉપર રાખ્યું છે. મારીયે ભૂખ મરી ગઈ છે."
"એટલે તમે ચિંતા છોડો. કાલે સવારે સાથે કંઈક ખાઈશું." એમ કહીને રાત્રિએ ડબલ બેડમાં બંનેની પથારી સરખી કરીને સૂવાની તૈયારી કરતાં હતાં ત્યાં સુમિત બોલ્યો, "આજે તો તું બહુ થાકી ગઈ હોઈશ, નહીં?"
"આજે હું કોઈ ચેનચાળા નહીં કરું; તને સૂવા દઈશ."
"હા, સુમિત. કાલે તમેતમારે મસ્તી કરજો, જેટલી કરવી હોય તેટલી!" એમ કહેતાં'કને કંચન તો પથારીમાં પડી એવી જ સૂઈ ગઈ. સુમિતને હજી ઊંઘ નહોતી આવતી.
એને યશોદાનાં વિચાર આવતાં હતાં. એ યુવતી તેના દરેક પ્રોગ્રામમાં આવે છે. વળી, કંચન જેટલી જ સુંદર છે. આજના પ્રોગ્રામને અંતે તો એવું બોલેલી કે, "સુમિત સર, તમે મને ખૂબ ગમો છો."
એને હું શું જવાબ આપું? ઇચ્છા તો થયેલી કે એને કહી દઉં કે મારે તારા જેવી જ સુંદર અને પ્રેમાળ પત્ની છે. પણ, એ તો જવાબ સાંભળવાયે ક્યાં ઊભી રહેલી! તરત જતી રહેલી.
કાલે સવારે કંચનને એના વિશે જણાવી દઊં. આમ વિચારમાં ને વિચારમાં સુમિત મોડેમોડે સૂતો.
સવારે કંચને નિત્યક્રમ મુજબ ઊઠીને નાહી-પરવારીને એક દીવો તુલસીના ક્યારે અને બીજો પૂજાના સ્થાને મૂકી, ભગવાનને પગે લાગી ને સુમિત પાસે આવી.
તેના ચરણસ્પર્શ માથે ચડાવીને મીઠાં લહેકાથી જગાડ્યો, "ઊઠો મારા પ્રિયતમ, ઝટપટ તૈયાર થાવ પછી બંને સાથે ચા-નાસ્તો કરી લઈએ અને સોનુ ઊઠે તો એનું પેટ ભરાવીને ટીફીન તૈયાર કરી દઊં. પછી મને બીજાં કામ સૂઝે."
સુમિત સફાળો જાગ્યો. કંચનને પોતાની બાહોપાશમાં ખેંચવા જતો હતો ત્યાં જ કંચન બોલી, "રાત પડવાની છે, સ્વામી! ને હું ક્યાંય નાસી જવાની નથી. માટે, આટલાં અધીરાં ન થાવ."
પોતાને મોડું થતું હોવાની આશંકાએ સુમિત પેલી યશોદાવાળી વાત પછીથી કહેવાનું નક્કી કરીને કંચન સાથે ચા-નાસ્તો પતાવીને ઓફીસ ચાલ્યો ગયો.
રાત્રે ઘરે આવ્યો, તો કંચન થાકેલી જણાતી હતી. સોનુને ગોદમાં લઈને ધવરાવતી હતી. સુમિતને જોતાં જ હરખભેર બોલી, "આજે તો દિવાળીની વાનગીઓ- મગસ, સુંવાળી, મઠીયા, ઘૂઘરા, મકાઈનો ચેવડો- બધું જ બનાવી નાંખ્યું, સુમિત!"
"વાહ મારી લાડલી, તારી કામ કરવાની કુશળતાનાં હું વખાણ કરું એટલાં ઓછાં પડે. તું છે તો ઘર જ સ્વર્ગ છે."
"જે રાત્રે તું થાકને કારણે મજા કરાવ્યા વગર સૂઈ જાય છે ત્યારે ઓફીસમાં મારો ટાઇમ જતો નથી. કામમાં ચિત્ત ચોંટતું નથી."
કહેતાંકહેતાં સુમિત કંચનની નજીક ગયો, એની પાસે બેઠો, એને સ્પર્શ કર્યો તો ચમકીને બોલ્યો, "અરેરે, કંચન! તારું શરીર તો ધગારાં મારે છે, બહુ તાવ આવ્યો લાગે છે. ચાલ, જલ્દી દાક્તર પાસે જઈને દવા લઈ આવીએ."
"કંઈ જરૂર નથી, સુમિત. થાકોડાનો તાવ છે. આરામ મળશે એટલે ઉતરી જશે. એવામાં વળી દવાની ક્યાં જરૂર છે? ચિંતા ના કરો."
"રસોડામાં જઈને આસન પાથરો એટલામાં હું સોનુને ધવરાવીને ત્યાં થાળી પીરસવા આવું છું." કંચને સહજતાથી કહ્યું.
"તારેય આજે તો મારી સાથે જમી લેવાનું છે; કાલે રાત્રે તો કાંઈ ખાધું નથી!"
"ના, આજેય મને આગ્રહ ન કરશો. ભૂખી રહીશ તો મરી નહીં જઉં, સમજ્યા?"
"તું-ય ખરી છે! દિવાળીનું કામ બધું બે દિવસમાં એકલા હાથે કરી લેવાની ક્યાં જરૂર હતી? રજાના દિવસે હું તને મદદ કરાવત ને? આટલો બધો થાક ન લાગત."
કંચન હસતાંહસતાં બોલી, "આવતી સાલ વાત. હું જોઉં છું કે મારા પતિદેવને કેવુંક આવડે છે?"
સોનુએ ધાવી લીધું એટલે તે સૂઈ ગયો'તો. કંચને થાળી પીરસી. દીવાળીની વાનગીઓ પણ ચાખવા પૂરતું થાળીમાં પીરસી. રાત્રે પથારીમાં આડાં પડ્યા.
સુમિત વારેવારે કંચનના શરીરને અડીને તાવ છે કે કેમ, એ તપાસતો હતો. કંચનને આખી રાત તાવ રહ્યો.
સવારે નબળાઈને લીધે જલ્દી ઊઠી શકે તેમ નહીં હોવા છતાં પરાણે એ ઊભી થઈ અને ઊભી થતાંની સાથે જ પલંગમાં ફસડાઈ પડી. સુમિત સફાળો ઊઠીને તેની પાસે બેઠો.
કંચનનાં ચહેરે પર વેદના દેખાતી હતી. પરાણે દાક્તર પાસે લઈ ગયો. ત્યાં થર્મોમીટરથી તાવ માપ્યો, તો બે ડીગ્રી તાવ હતો!
બે દિવસની દવા લઈને ઘરે આવ્યો. આજે ઓફીસમાં રજા રાખી. કંચનને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપીને એની પાસે જ બેઠો, ને બોલ્યો, "કંચન, આજ પછી તને એકલીને બધું કામ કરવા નહી દઊં."
"એક બાઈ રાખી લઈએ. સોનુ એકાદ વર્ષનો થાય ત્યાં લગી તો રાખીએ જ. પછી તુંતારે તું કહીશ તો છૂટી પણ કરી દઈશું."
"અરે, ખોટી ચિંતા કરો છો. ક્યારેક આવું થાય એમાં આટલાં બધાં ડરી ગયાં! એકબે દિવસ તાવ આવ્યેથી હું શું મરી જવાની છું?"
"આવું અમંગળ ના બોલ, કંચન. હમણાં સોનુનું પેટ ભરાવે છે એટલે તારામાં થોડી અશક્તિ વર્તાય."
"એને ધાવણ છોડાવીશ ત્યારે તને બધું કામ એકલા હાથે કરવાની છૂટ."
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
