મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-2)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨)

એકવાર બંનેને સાથે ગામડે જવાનું બન્યું. મોકો જોઈને કંચને કાકીને પોતાની સાથે અમદાવાદ રહેવા માટે રાજી કરી લીધાં. ત્રણેય જણાં અમદાવાદ આવીને રહેવા લાગ્યાં. 

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

રાત્રિના ઊંઘવાના સમયે કાકીને થતું કે મારે લીધે આ બંને વરવહુને જોડે સૂવાના બદલે અલગ સૂવું પડે છે તે બરોબર નથી. એણે કંચનને કહ્યું પણ ખરું, "જો બેટા, હું અહીં રહું કે ગામડે રહું, એ બંને સ્થિતિમાં ખુશ છું."

"તમારે અહીં મારે લીધે ખોટી શરમ ને સંકડાશ સહન શા સારુ કરવી જોઈએ? હું ગામડેથી પણ અવારનવાર ટપાલથી ખબરઅંતર પૂછ્યા કરીશ."

"મને ત્યાં રહેવાથી તારા માટે કે સુમિતને માટે ક્યારેય કોઈ અણગમો થોડો જ થવાનો છે? માટે કરીને, મારી ડાહી દીકરી, તું મને ઘેર પાછી જવા દે તો સારું."

"ના કાકી, અત્યારે તમારા સિવાય ક્યાં કોઈ અમારું અહીંકને છે? તમે જ તો હવે અમારું બધું છો, ચિંતા શું કામ કરો છો? આપણે થોડા જ દિવસોમાં આનાથી મોટું મકાન લેવાનાં જ છીએ."

"સુમિત ઓફિસેથી ઘરે આવે ત્યારે કહેવું છે કે હવે જલદી કોઈ સારા પડોશમાં મોટું મકાન સોધી રાખે. ત્યાં લગી અમારા બેયમાંથી કોઈને તમે જરાય નડતા નથી, કાકીબા."

"તમે હોવ તો અમારે કેટલી હૂંફ રહે? ખાસ તો કાકી, મને! કેમ કે સુમિત આખો દિવસ ઓફિસ હોય, ઘણીવાર કામસર મોડા પણ આવે, તો હું ગામડાગામની બાઈ એકલી એકલી આવડા મોટા શહેરમાં મૂંઝાઈ ન મરું?"

કંચનના આવા સ્નેહસભર આગ્રહને આખરે કાકી વશ થયાં અને તેમણે ગામડે પાછું જવાનું માંડી વાળ્યું. કંચનની વારેવારે મોટું મકાન લેવાની વાત વાજબી પણ હતી. 

એ કાકીને છોડવા રાજી નહોતી અને સુમિતને પત્ની તરીકે શરીરસુખ આપવામાંથી વંચિત રાખવા માંગતી નહોતી. આ બંનેને રાજી રાખવાની વાત મોટું મકાન હોય તો જ શક્ય હતી. 

એટલે સુમિતે હવે મોટું મકાન સારા પડોશની વચ્ચે શહેરની મધ્યમાં રાખી પણ લીધું. તેમાં ત્રણ રૂમ હતા. કાકીને અને કંચનને માટે અલાયદી સેવાપૂજાની અલગ જગ્યા પણ હતી. 

બહારની તરફ સરસ મોટું આંગણું હતું અને પાછલી બાજુએથી બહાર નીકળતાં અલગ સંડાસ-બાથરૂમ હતાં. ભાડું ડબલ હતું, પણ સુમિતને પરવડે એમ હતું. 

કદાચ ક્યારેક કોઈની ઓચિંતી માંદગી અંગેનો ખર્ચ આવી પડે તોપણ ક્યાં અને કેવી રીતની કરકસર કરવી, તે બાબતે કંચનની આવડત વિશે સુમિતને પૂરી ખાતરી હતી. 

કાકીએ ઉત્સાહભેર સારા દિવસે શુભ ચોઘડિયામાં ભાડાના નવા મકાનમાં કુંભ મુકાવીને, લાપસીનું જમણ બનાવરાવીને રહેવાની શરૂઆત કરાવી. 

ત્યાં રહેવા ગયા પછી જાણવા મળ્યું કે નજીકમાં કોઈ બહાદુરસિંહ નામનો માણસ છડેચોક દારૂનો ધંધો કરે છે. સુમિતને થયું કે ત્યાં દારૂ માટે ગમે તેવા મુફલિસ માણસોની અવરજવર રહ્યા કરે.

કંચન એકલી ક્યાંક કોઈ કામે બહાર જવા નીકળે તો એને જોઈને જ એના રૂપથી, એની ચાલવાની છટાથી પ્રેરાઈને એની મશ્કરી કે છેડછાડ થાય તો આબરૂ સાચવવાનું મુશ્કેલ બની જાય. 

આવું વારંવાર થયા કરે તો પોતે એકલો ગુંડાઓ સામે કાં તો લાચાર બનીને ઊભો રહી જાય અને કાં તો જિંદગીની પરવા કર્યા સિવાય એવા લોકો સામે બાથ ભીડવી પડે. 

એણે કંચનને પોતાની આવી આશંકા કહી બતાવી ત્યારે કંચને તરત જ પરખાવ્યું, "એવા સમયે હું રણચંડી પણ બની શકું એમ છું! તમે નાહકનો ડર રાખો છો, હું તમને તો નાનીસરખી આંચ પણ ન આવવા દઉં."

જોકે કંચન સુમિતની આશંકા દૂર કરવા માટે વારેવારે કોઈને કોઈ બહાને બહાર એકલી નીકળી જતી અને આત્મવિશ્વાસથી ચાલી જતી. એની મશ્કરી કરવાની કોઈની હિંમત થતી નહીં! 

આમ ને આમ બંનેના લગ્નને દોઢેક વર્ષ ક્યાં નીકળી ગયું એ ખબર પણ ન પડી. સુમિતને ભરપૂર પ્રેમથી પલાળતી કંચનને સારા દિવસો શરૂ થયા અને કાકી એનું રોજ કરતાં હવે વિશેષ ધ્યાન રાખવા માંડ્યાં. 

ખાવાપીવાથી માંડીને કંચનની એકેક પ્રવૃત્તિમાં કાકી પોતાનું આધિપત્ય દાખવીને કંચનની તબિયતની ખૂબ જ કાળજી રાખવા માંડ્યાં. બરોબર નવ મહિના ને અગિયારમે દિવસે કંચને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો! 

મા બનતાંની સાથે જ કંચનના મોં પર સંતોષનો ભાવ અંકિત થતો હતો, તેના કરતાં પોતે સુમિતને બાપનું બિરુદ અપાવ્યું તેનો ગર્વ અને આનંદ અધિક રૂપે દેખાતો હતો. 

બંનેના સંસાર-સુખમાં એક નવા આગંતુકે વધારો કર્યો. જે કોઈ બાળકને રમાડવા આવે તે એમ જ કહેતા કે, "અસલ એના બાપ ઉપર જ ગયો છે!" આવું સાંભળીને તો કંચનનો હરખ ક્યાંય સમાતો નહીં. 

પોતે મનમાં વિચારે કે, સુમિત તો આખો દિવસ ઓફિસ હોય, ઘણીવાર ઓફિસ કામે બહારગામ પણ જાય ત્યારે સુમિત વગર ઘરમાં એને ગમતું નહીં, પણ હવે તો પુત્રના ચહેરે સુમિતનો ચહેરો જોઈને સમય સરસ જશે! 

પુત્રના નામકરણ માટે કાકીએ ધાર્મિક ઉત્સવ યોજ્યો. "શું નામ રાખવું?" તેવું જ્યારે કાકીએ અને સુમિતે કંચનને પૂછ્યું ત્યારે કંચને એટલું જ કહ્યું, "સુમિત, તમને જે નામ સારું લાગે તે નામ જ રાખો."

"તમારી અને મારી પસંદ જુદી થોડી જ હોય? અને આમેય સુમિત, આપણાં દેહ જુદાં છે, આત્મા તો એક છે!" કંચનના આગ્રહથી છેવટે સુમિતે જ નામ રાખ્યું, જે બોલતાં જ એનો અર્થ પણ કંચન એટલે કે સોનું થાય! 

બાળકનું નામ "સોનમ" રાખ્યું—કંચનનો સોનમ! બધા વહાલથી તેને સોનુ કહેવા લાગ્યા. સોનુના જન્મ પછી સુમિતે કંચન સમક્ષ પોતાની એક જૂની ઇચ્છા દર્શાવી. 

એણે કહ્યું કે, પોતે કોલેજકાળમાં કેટલાંક ગીતોની રચના કરી છે જે પોતે પોતાના કંઠે ગાઈ શકે છે, તેથી જો કંચન રજા આપે તો પોતે કોઈક સંગીતપાર્ટી સાથે જોડાઈને કાર્યક્રમોમાં ગીતો ગાવા જાય. 

કંચને કહ્યું, "પહેલાં મને તો સંભળાવો! મને જો એમ લાગશે કે તમે સરસ ગાઓ છો તો હું ના નહીં પાડું. થોડી આવક પણ થાય અને સોનુનો ખૂબ સારી રીતે ઉછેર પણ થાય."

તે દિવસે કંચન સમક્ષ સુમિતે સ્વરચિત એક પ્રેમગીત ગાયું. તે સાંભળીને કંચન અત્યંત ખુશ થઈ અને બોલી, "આટલી સરસ કલ્પના તમે કરી શકો છો, તો તમારી કલ્પના જેવી હું લાગું છું ખરી? સાચું કહેજો હોં!"

"કંચન, તારા સમ ખાઈને કહું છું કે તું સાચે જ આ ગીતમાં મારી કલ્પના મુજબની જ છે, એટલે આ ગીત મને અત્યંત પસંદ પણ છે." સુમિતે જ્યારે આવું કહ્યું ત્યારે કંચન મનોમન ખૂબ જ પ્રસન્ન થઈ. 

સુમિત જે મ્યુઝિકપાર્ટી સાથે જોડાયો તે પાર્ટીએ તેને અજમાવવા માટે સૌપ્રથમ શહેરની એક કોલેજના "એન્યુઅલ ફેસ્ટિવલ"માં એકમાત્ર સુમિતના જ ગીતોનો કાર્યક્રમ આપવા ઓફર કરી. 

એના એ પ્રથમ જ કાર્યક્રમમાં સુમિતે પોતાના મધુર અને રોમેન્ટિક અવાજમાં ગાયેલાં પ્રેમગીતોને કારણે તેમજ તેના મનોહર ચહેરાને કારણે એ કોલેજિયનોના યુવાન દિલોમાં છવાઈ ગયો! 

યુવકો અને યુવતીઓ એના ઓટોગ્રાફ લેવા પડાપડી કરવા માંડ્યાં. કાર્યક્રમમાં હાજર એક સ્વરૂપવાન યુવતી તેની એવી જ સુંદર એક બહેનપણી સાથે ભીડથી થોડે દૂર હોલમાં ઊભી હતી. 

તે પણ ઓટોગ્રાફ લેવા જ ઊભી હતી. જેવી ભીડ ખતમ થઈ ને સુમિત સ્ટેજ પરથી ઉતરીને ચાલ્યો જાય તે પહેલાં તેની આગળ આવીને, "ઓટોગ્રાફ પ્લીઝ!" એવા શબ્દો સાથે કાગળ ધર્યો. 

સુમિતે જોયું કે તે યુવતી કંઈક કહેવા પણ માંગે છે, એટલે એણે પૂછ્યું, "મેડમ, આપ શરમાતા હોવ તેવું મને લાગે છે અને પેલી થોડે દૂર રહેલી મેડમ શું આપની સાથે જ છે? એને કાર્યક્રમમાં મજા નથી આવી કે શું?"

એ સ્વરૂપવાન યુવતીએ જવાબ આપ્યો, "ના, એવું નથી. એ મારી ખાસ ફ્રેન્ડ છે, તે આ કોલેજની નથી; મેડિકલ કોલેજની છે, પણ અમે બંને ભેગાં એકસાથે શેર કરીને ભાડે રહીએ છીએ."

તે યુવતી જરાક અટકીને આગળ બોલી, "આપ સર, બહુ જ સરસ ગાઓ છો. ગીતના શબ્દો પણ અત્યંત ગમ્યા છે. ગીતોની રચના આપે જ કરી છે? આપનું નામ સુમિત છે ને સર?"

"જી મેડમ, થેંક્યુ! ગીતો મેં જ લખેલાં છે. આપનું નામ?" 
"મારું નામ યશોદા અને આ મારી ફ્રેન્ડ આશા છે."
"બંને નામો સરસ છે. આ મારો પહેલો જ પ્રોગ્રામ હતો."

"શું વાત છે સર? તો તો હવેથી પ્રોગ્રામો ચાલુ જ રાખજો!"
"હા ચોક્કસ મેડમ, આપનું સૂચન મને ગમ્યું. આમેય કવિતાઓ લખવી અને એને ગાવી એ મારો નિજી શોખ પણ છે."

"જોકે આ મારો ફર્સ્ટ પ્રોગ્રામ છે, પણ જે મ્યુઝિકલ પાર્ટીમાં હું જોડાયો છું એ પાર્ટીમાં હવેથી મારી કવિતાઓ ગાઈ સંભળાવીશ."
"સર, આપના પ્રોગ્રામની મને જાણ થશે તો હું ચોક્કસ સાંભળવા આવતી રહીશ."

"પ્રોગ્રામોની જાહેરાત દૈનિક છાપાઓમાં, ખાસ કરીને શનિવારના છાપાઓમાં આવતી રહેશે. કેમ કે પ્રોગ્રામો મોટેભાગે રવિવારે રજાના દિવસોમાં યોજાતા હોય છે."
"તો તો સર, હું શનિવારના છાપાં અચૂક જોતી રહીશ."

"પણ મેડમ, તમારી કોલેજમાં યોજાયેલ પ્રોગ્રામ માટે તમારે કોઈ પૈસા આપવા નહીં પડ્યા હોય, જ્યારે આવા બધા પ્રોગ્રામો માટે પૈસા ખર્ચીને ટિકીટ લેવી પડે."
"તો શું થઈ ગયું? પૈસા ખર્ચીને આનંદ મળતો હોય તો એથી રૂડું શું?"

"સરસ, તમારા વિચારો ઊંચા છે, મેડમ." એવું સુમિતના મુખેથી સાંભળ્યા પછી સહેજ સંકોચાતી, "વી લવ યુ સર" કહેતીકને ત્યાંથી ચાલતી પકડી. 

સુમિત તે યુવતી યશોદાને ભાવુક નજરે જોઈ જ રહ્યો અને ત્યાંથી તરત ઘેર જવા નીકળી ગયો. ઘેર જઈને એણે બધી જ વાત કંચનને કરી. 

તે ખૂબ ખુશ થઈને બોલી પણ ખરી, "સુમિત, એ યુવતી દેખાવે કેવી હતી?"
"ખૂબ જ સ્વરૂપવાન, અદ્દલ તારા જેવી જ!" સુમિતે સહજતાથી જવાબ આપ્યો.

"તો પછી..., મને મૂકીને એ યુવતીને દિલ તો આપી નથી દીધું ને?"
"કંચન, એવું ક્યારેય નહીં બને. તારું રૂપ અને તારો પ્રેમ—એ બંને વાતથી હું એટલો સંતુષ્ટ છું કે મને એવો વિચાર પણ ન આવે."

"અને હા, તું મને છૂટ આપે તોય તને છોડીને ક્યાંય ન જાઉં, એટલો વિશ્વાસ રાખજે."
"વારુ, હું તો મજાકમાં બોલી છું. મને તમારામાં અને મારા ભગવાનમાં એકસરખો વિશ્વાસ છે." 

એમ બોલીને કંચને રાતનું ભોજન પીરસીને જમવાનું પતાવ્યું. આ બાજુ અત્યંત પ્રસન્ન થયેલી યશુ અને આશા બંને ઘેર ગયાં પછી આશાથી રહેવાયું નહીં. 

એ બોલી, "દીદી, સુમિતસર બહુ ગમી ગયા?"
"તને નથી ગમ્યા?" યશુએ સામે હસીને જવાબ આપ્યો.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."