મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-1)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧)

સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું છેવાડાનું એક ગામ. ગામમાં બ્રાહ્મણ, વાણિયા, દરબાર, કણબી અને કોળી પટેલોની આશરે સાતસો’ક માણસોની વસતિ વચ્ચે સોએક ખોરડાં હશે.

સંપીલું ગામ, એમાં જીવરાજશેઠનું ખૂબ માન! અરધી રાતે પણ કોઇ જરૂરિયાતમંદ જણ શેઠની ડેલીનું બારણું ખખડાવતો આવે, તો ત્યાંથી કદી નિરાશ થઇને પાછો ફરતો નહીં.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

શેઠનાં લેતીદેતીનાં વ્યવહારો છેક મુંબઈ લગી થતાં. જટાશંકર અને તેનાં બે ભાઇઓનું સંસ્કારી કુટુંબ પણ ગામમાં રહે. ત્રણેય ભાઇઓનાં ખોરડાં પાસપાસે જ હતાં.

તેઓ દશેક વીઘાની ખેતીની જમીનમાં સહિયારી ખેતી કરી ખાતાં. આર્થિક રીતે આ નબળાં પરિવારો ઉપર પણ જીવરાજશેઠનાં ચારેય હાથ હતાં!

એથી નબળી પરિસ્થિતિમાં કોઇ વ્યવહારિક મોટો ખર્ચ આવે ત્યારે મૂંઝવણ થતી નહીં; શેઠ અચૂક સહાય કરતા. ત્રણેય ભાઇઓમાં જટાશંકર વચેટ હતા.

સુમિત, જટાશંકરનો એકનોએક દીકરો હતો; બાકીનાં બન્ને ભાઇઓને એકેક દીકરી જ હતી. દીકરો ગામમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો.

"ભણવામાં ખૂબ જ તેજસ્વી હોય તેને અધવચ્ચેથી ઊઠાડીને ખેતીમાં જોતરશો નહીં!" એવું જીવરાજશેઠે કહી રાખેલું. એટલે તેને જેટલું ભણે એટલું ભણાવવાનો જટાશંકરે નિર્ધાર કરી રાખેલો.

કડકડતી ઠંડીની એક સવારે સુમિત શાળાએ ગયો તે પછી જટાશંકર ખેતરે જવા તૈયારી કરતા હતા. તેમના માટે શીરામણની થાળી પીરસાઈ ગઈ હતી.

તેમની પત્ની નહાવા માટે ગરમ પાણી કરવા ચૂલા ઉપર મૂકેલું તપેલું સરખું કરીને, ઓલવાયેલાં લાકડાં પર ફૂંકો મારીને, કેરોસીનના ડબલામાંથી સહેજ કેરોસીન નાંખવા જતી હતી.

ત્યાં તો આખું ડબલું તેના હાથમાંથી સરકી જઇને ચૂલામાં પડ્યું ને તરત જ મોટો ભડકો થયો! ચૂલાની પાસે ગાદલાં-ગોદડાંનો ડામશિયો હોવાથી આગની જવાળાઓને વિકરાળ બની પ્રસરતાં વાર ન લાગી.

આગની એ લપેટોએ સુમિતની મા-ને તેમાં લપેટી લીધી! આ વરવું દ્રશ્ય જોતાં જ જટાશંકર દોડીને પત્નીને બહાર ખેંચવા ગયા ને તે પોતે પણ અગ્નિની જાળમાં ઝડપાયા!

બન્નેની ચીસો સાંભળીને પડખેથી ભાઇઓ તેમજ આજુબાજુની વસતિ પણ દોડી આવી. પણ આગે આખા ઘરને પકડી લીધેલું એટલે સૌ લોકો નિ:સહાય હાલતમાં કલ્પાંત કરતાં રહ્યાં.

કલાકે’ક પછી આગને ઠંડી પાડી, પણ કમભાગ્યે જટાશંકર અને તેની પત્નીને બચાવી શકાયાં નહીં! આખા ગામમાં માતમ છવાયો.

ઘટનાની જાણ થતાં જ શાળામાંથી બાળકોને વહેલાં છોડી દીધાં. નાનો સુમિત ઘરે આવ્યો અને ઘર આગળનું દ્રશ્ય જોતાં જ દિગ્મૂઢ થઇ ગયો!

થોડીવાર તો તે રડી પણ શક્યો નહીં; બસ, લાચારવશ બનીને એ બિહામણા દ્રશ્યને ફક્ત જડવત જોયા જ કર્યું.

કાકા-કાકીએ એને બાથમાં લેતાંકને, "બા.... બાપુ.... બા.... બાપુ...." એવી પોકાર મૂકીને એણે ધ્રૂસકે ને ધ્રૂસકે આક્રંદ શરૂ કર્યું! ભેળાં ઊભેલાં સૌનું આક્રંદ પણ તેમાં ભળ્યું; કોણ કોને છાનું રાખે!

આ કરૂણ ઘટનાને થોડો સમય વીતી ગયો. સુમિત હવે કાકા-કાકીના ઘરે જ રહીને ભણવા માંડ્યો. જોતજોતામાં બે વર્ષ વીતી ગયાં અને સુમિત સાતમા ધોરણમાં શાળામાં પ્રથમ આવ્યો.

જીવરાજશેઠે સુમિતના કાકાને બોલાવીને કહ્યું, "જો ભાઇ, ગામમાં હાઇસ્કૂલ નથી તેથી આ છોકરાને દૂરના શહેરમાં ભણવા મોકલવાનો છે."

"તમે તમતમારે કોઇ ચિંતા રાખશો નહીં; એના રહેવા-કારવવાની બધી જ વ્યવસ્થા મેં કરી દીધી છે. તમે સૌ હવેથી આનો હાથ મને સોંપી દો. હું એને કોલેજ પણ કરાવીશ."

"એ ભણીગણીને તૈયાર થાય પછી તમેતમારે એને ઘર માંડી આપવાથી લઈને જે ફરજો સંભાળવી હોય તે છૂટ છે. બોલો, મંજૂર છે ને?"

"અરે શેઠજી, શું બોલો છો? તમારા જેવો ભગવાનેય નહીં! અમે બધાં આપશેઠનાં આવા ઉદાર ઋણને ક્યારેય નહીં ભૂલીએ. અમારી મંજૂરીની જરૂર જ નથી."

"આપના હાથમાં દીકરો સોંપ્યા પછી અમારે શેની ઉપાધિ હોય?" કહીને સુમિતના કાકાએ શેઠને બે હાથ જોડી નતમસ્તક થઇને ત્યાંથી રજા લીધી.

આમ, સુમિતને શહેરમાં ભણવા મૂક્યો. વારતહેવારે તે ઘરે આવે ત્યારે ખપપૂરતું રોકાઇને પાછો જતો રહે. એમ કરતાંકરતાં ચાર વર્ષ થઇ ગયાં.

સુમિત હવે મેટ્રિકમાં (એ વખતે શાળામાં અગિયાર ધોરણ સુધી અભ્યાસ થતો જેને "ઓલ્ડ એસ.એસ.સી." કહે છે) "ડિસ્ટીંક્શન" સાથે જિલ્લામાં પ્રથમ આવેલો!

શાળાએ તેનું બહુમાન કર્યું તે ઉપરાંત, ગામમાં જીવરાજશેઠે પણ સુમિતનું મોટું બહુમાન કર્યું તેમજ અન્ય ઘણી બધી જગાએ તેનું સન્માન કરાયું.

એને સાયન્સમાં કોઇપણ કોલેજમાં એડમીશન મળી શક્તું હતું ને આગળ દાક્તરીનું ભણવા માટે એનો મારગ મોકળો થાય એમ હતો, પણ સુમિતે સાયન્સના બદલે કોમર્સ લાઇન લીધી.

જીવરાજશેઠે કહ્યું હતું કે જેટલો ખર્ચ આવશે તે પોતે આપશે, છતાં સુમિતે અમદાવાદ આવીને બી.કોમ. સુધી છેકેછેક ઉજ્જવળ કારકિર્દી સાથે અભ્યાસ પૂરો કર્યો.

સુમિતની આટલી ઉજ્જવળ શૈક્ષિણિક કારકિર્દીના આધારે અમદાવાદમાં જ એક પ્રતિષ્ઠિત કંપનીમાં એને સારી નોકરી પણ મળી ગઇ.

સુમિત બી.કોમ.ના પહેલાં વર્ષમાં હતો ત્યારે જીવરાજશેઠની કૃપાવર્ષાથી બન્ને પિત્રાઇ બહેનોનાં ધામધૂમપૂર્વક લગન થયેલાં અને તે વેળા ભાઇ તરીકેની રીતરસમો પૂરી કરીને સુમિત પાછો શહેરમાં આવી ગયેલો.

બન્ને બહેનોને પરણાવીને દૂર સાસરીમાં વળાવેલી; એકને સુરત અને બીજીને મુંબઇ. મુંબઇ રહેતી બહેનના ઘરની પરિસ્થિતિ આછીપાતળી હતી.

પણ જીવરાજશેઠનાં ત્રણમાંથી બે દિકરાં મુંબઇ ખાતે ધમધોકાર વેપાર ચલાવતાં હતાં, જેથી પ્રસંગોપાત એમના તરફથી બહેનને આર્થિક મદદ મળી રહેતી.

શેઠનો એક દીકરો ગામડે જ રહેતો અને શેઠની ઉંમર થઇ જવાથી હવે બધો કારભાર તેણે જ સંભાળી લીધેલો હતો.

સુમિતની સુરત રહેતી બહેનની પરિસ્થિતિ ઠીકઠીક હતી; એમનું સ્વતંત્રતાથી ગાડું સરસ રીતે ગબડે જતું હતું.

છેલ્લાં ત્રણેક વર્ષનાં ગાળામાં સુમિતનાં મોટાબાપા, એમના ઘેરથી-પત્ની (ભાભુ) તથા કાકા ત્રણેય "દેવ" (અવસાન) થઇ ગયાં. હવે ગામડે કુટુંબમાં એક કાકી જ હતા.

એમણે સુમિત માટે નાતની એક ખાનદાન કુળની દીકરી જોઇ રાખેલી. દીકરીને જોતાં જ ગમી જાય એવી, જાણે સ્વર્ગની અપ્સરા જોઇ લો!

જ્યારે બોલે ત્યારે મોંમાંથી મધ ઝરતું હોય એવી એની મધુર વાણી, ને માબાપે સંસ્કાર દેવામાં પણ કોઇ કચાશ રાખી નહોતી! કાયા પણ જાણે કે કંચન! એનાં "કંચન" નામને સાર્થક કરે એવી.

માબાપને પણ એને લાયક છોકરો મળશે કે કેમ એની ચિંતા રહ્યા કરતી. એનાં માગાં તો ઘણે ઠેકાણેથી આવતાં હતાં, પણ ક્યાંય એમનું મન માનતું નહીં.

સુમિતની કાકીએ કોઇક પ્રસંગે કંચનને જોયેલી અને ત્યારથી જ સુમિત માટે એણે કંચનને મનોમન પસંદ કરી રાખેલી.

કંચનને બધી જ રીતે સુમિત લાયક પણ હતો. સુમિત પણ ક્યાં ઓછો રૂપાળો હતો કે ક્યાં ઓછું ભણેલો હતો? વળી, અમદાવાદ જેવા શહેરમાં સારી નોકરી પણ હતી.

એણે કંચનના માબાપ કને સુમિત માટે કંચનની વાત નંખાવી. કંચનનાં ઘરેથી એ વાતને ભારે હર્ષભેર વધાવી લેવામાં આવી.

બન્નેની વાત પાકી કરવા કાકીએ કંચનના ઘરેથી કુટુંબીજનોને બોલાવીને, ગામના સગાંઓને સાથે રાખી જીવરાજશેઠની હાજરીમાં રૂપિયો ને નાળિયેર પકડાવ્યું.

સુમિત-કંચનનાં સગપણને લઈને શેઠ ખૂબ રાજી થયા! કંચનને પહેલીવાર જોવાના રૂપિયા એકસોની નોટ કંચનના હાથમાં આપી ત્યારે કંચન નીચે વળીને શેઠને પગે લાગી.

શેઠે માથે હાથ મૂકીને કંચનને આશીર્વાદ આપ્યા, "સુખી થા દીકરી!" પછી આગળ કહ્યું, "અમારા સુમિતની બાગદોર હવેથી તને સોંપું છું. ખૂબ ઉમદા છોકરો છે, તને ખૂબ પ્રેમ આપશે."

થોડાં સમયમાં કંચન અને સુમિતનાં લગ્ન ગામડે જ લેવાયાં. શેઠે દિલ દઇને લગ્નનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવેલો. બન્ને જણાં પરણીને અમદાવાદ રહેતાં થયાં.

એક દિવસે કંચને સુમિતને કહ્યું, "સુમિત, કાકી બિચારાં ગામમાં એકલાં રહે છે. તમે એમને અહીં તેડાવી લો ને! મને પણ કાકીની ઓથ રહેશે."

સુમિતે કહ્યું, "આપણું આ એક રૂમનું મકાન છે ત્યાં આપણી સાથે કાકીને અને તને પણ, સાથે રહેવાનું કેમનું ફાવશે? કાકીને પણ સંકોચ ન થાય?"

"સુમિત, મને જરાપણ વાંધો નથી. આપણું સાંસારિક સુખ પામવા તો આખી જિંદગી આપણી પાસે પડી છે, ને આપણે ઘરડાં થવાંની હજી તો બહુ વાર છે!"

"કાકીની બાપડાંની ઉંમર છે, જીવીજીવીને કેટલું કાઢશે? અને ભગવાન કરે ને એ લાંબુ જીવે તો આપણે વખત જતાં મોટું મકાન લેશું."

"તમારો પગાર પણ સારો છે, આપણને પરવડશે. હું થોડી કરકસર વધારે કરીશ, પણ કાકીની સાચવણમાં કચાશ નહીં રાખું!" કંચનની વાણીમાં એનાં સંસ્કારની સુગંધ મહેંકતી હતી.

કંચનની આવી વાત સાંભળતાં જ સુમિત ખૂબ રાજી થયો! કંચન કુટુંબપ્રેમી છે અને જરાય સ્વાર્થી નથી તેવું લાગતાં સુમિતે તેનો હાથ પકડી લીધો.

એણે કહ્યું, "મારી કલ્પના સાકાર થાય એવી જ તું છે, કંચન! જરાય અતિશયોક્તિ નથી કરતો, તું અને તારી વાતો બન્ને ચીજ મને ખૂબ જ ગમે છે!"

રોજ સવારે પ્રભાતના પહેલાં પો’રમાં જ કંચન ઊઠી જાય. નાહીધોઇને સેવાપૂજાના સ્થાને જઇને ભગવાનને દીવો પ્રગટાવે અને માતાજીની સ્તુતિ ગાતી જાય.

હાથમાં સાવરણી પકડીને વાસી કચરો કાઢી લે, પછી તરત જ ગેસ ઉપર ચા-ની તપેલી મૂકી ચા બનાવવા માંડે અને સુમિતને ધીમા ને મીઠાં સાદે ઉઠાડે.

એના હાથમાં ટૂથપેસ્ટ અને બ્રશ પકડાવીને જલદી હાથ-મોં સાફ કરવાનું કહીને ગરમ-ગરમ નાસ્તો બનાવવાનું પણ શરૂ કરી દે.

બન્ને જણાં સાથે બેસીને જ ચા-નાસ્તો કરી લે, પછી સુમિતને નહાવા માટેની સૂચના આપીને પોતે સુમિતનો ઓફીસ જવાનો ટાઇમ થાય તે પહેલાં ટીફીન તૈયાર કરવા માંડે.

સુમિત નાહીધોઇને પરવારે એટલે થોડીવાર છાપું હાથમાં લે. હજી છાપું વાંચવામાં સુમિત મશગુલ હોય ત્યાં જ મધુર લહેકાથી કંચન બોલે, "લો હવે, છાપું ઝટ મૂકી દો ને ઘડીયાળ સામું જુઓ, તમારો ઓફીસ જવાનો ટાઇમ થવા આવ્યો છે!"

સુમિતને કંચન પત્નીના રૂપે તો ખૂબ જ પ્રિય હતી, પણ સુમિતનો ટાઇમ સાચવતી વખતે કે સુમિતને જમાડતી વખતે વહાલથી જે ડારો દેતી તે જોતાં સુમિતને કંચનના રૂપમાં મા-નું રૂપ જોવા મળતું!

આમ પત્ની તરીકે, ક્યારેક એક ઉત્તમ મિત્ર તરીકે અને ઘણીવાર તો એક કઠોર પણ વહાલસોયી મા તરીકેની કંચનની ત્રેવડી ભૂમિકાથી સુમિત કોઇક દિવ્ય આનંદની અપૂર્વ અનુભૂતિ કરતો હતો.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."