"મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ"
- લેખક: ભૂપેશ પંડ્યા, અમદાવાદ.
લેખકનાં મુખેથી...
મારી માતૃભાષા ગુજરાતીમાં કંઇક લખવાનું મન ઘણાં સમયથી થયા કરતું. પણ, મારી સમજણની ઉંમરથી જ કુટુંબની જવાબદારીઓ, સરકારી સેવાકાળ દરમ્યાન ફરજના ભાગરૂપે કરવાનાં કામને અગ્રતા આપવાની મારી નીતિ તેમજ સરકારી સેવામાંથી વયનિવૃત્ત થયા પછી પણ મારાં કામની કદરરૂપે મને કરાર આધારિત સેવામાં ચાલુ રાખવામાં આવતાં મને એવો ફુરસદનો સમય ભાગ્યેજ મળી શક્તો.
આમ છતાં, આ બધાં કારણો માત્ર બહાનાં જ ગણાય એવું પણ મને લાગ્યા કરતું, કેમ કે સરકારમાં ખંતપૂર્વકની ઉત્તમ સેવા બજાવતાં બજાવતાં પણ ગુજરાતીમાં ઉત્કૃષ્ટ ગજલ તેમજ કાવ્યસંગ્રહોની રચના કરવાનો સમય કાઢી શક્યાં હોય તેવાં કેટલાંક નિવૃત્ત અધિકારીઓને હું ખૂબ નજીકથી ઓળખું છું. તેઓ કચેરીમાં ફરજો બજાવતાં તે સમય સિવાયનાં સમયમાં- જેમ કે, ઘરેથી ઓફીસ આવતી વખતે, તેવીજ રીતે ઘરે પરત જતી વખતે પણ તેઓ રસ્તામાં જ અનેક ઉત્તમ રચનાઓ કરી લેતાં. તેમનાં ઉદાહરણ નજર સમક્ષ રાખીએ તો "ફુરસદ ન મળવી" એ બહાનું ન ગણાય?
મૂળ વાત પર આવું તો "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" એ મારું પ્રથમ પુસ્તક છે અને એમાં વ્યક્ત કરવામાં આવેલ વિચારો એ મારી સંપૂર્ણ મૌલિક અભિવ્યક્તિ છે. પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ પાત્રો એ સંપૂર્ણ કાલ્પનિક હોવા છતાં સમાજમાં સાચેજ એવાં પાત્રો જોવાં મળે છે. આમ જોઇએ તો ઘણી કથા-વસ્તુ મહદંશે તત્સમયના સમાજનું જ પ્રતિબિંબ હોય છે ને? તેવી જ રીતે કોઇ કથામાંથી સમાજને પ્રેરણા પણ મળતી હોય છે ને?
આ કથામાં આવતાં પાત્રો દ્વારા રજૂ થયેલાં સંવાદો વિશે કે પુસ્તકનાં કોઇપણ ભાગ વિશે કોઇ વાચક મારા વિચારો સાથે સહમત ન પણ હોય તે બનવાજોગ છે. અલબત્ત, પુસ્તક લખતી વેળા કોઇ વ્યક્તિ કે જાતિસમુદાયની કોઇ લાગણી દૂભવવાનો લેશમાત્ર આશય રહ્યો નથી અને છતાં કોઇની લાગણી દૂભાતી હોય તો તે મારી અજાણપણે થયેલ ક્ષતિ ગણીને મને માફ કરશો તેવી વિનંતી છે.
આ પુસ્તકમાં જે પાત્રો દર્શાવ્યાં છે તે પૈકી ખાસ કરીને કંચન અને યશુ જે બન્ને સ્ત્રીપાત્રો છે તે પાત્રો દ્વારા જેકંઇ રજૂ થયેલ છે તેમાં મારી પોતાની કેટલીક માન્યતાઓ અને અપેક્ષાઓ સમાજ સમક્ષ મૂકવાનો મારો પ્રયાસ છે. જોકે, કંચનનું પાત્ર કથામાં અલ્પજીવી છે, પરંતુ મુખ્ય નાયિકાના પાત્રમાં રહેલી યશુ મારે મન એક આદર્શ સ્ત્રી છે જેનામાં નિર્વ્યાજ પ્રેમ, ધીરજ, હિંમત, સહનશીલતા, વચનબધ્ધતા અને ત્યાગભાવના ઠાંસોઠાંસ ભરેલી છે.
એ યશુ મૂળે તો કંચનનાં સંપૂર્ણ પ્રભાવ હેઠળ છે, કંચનને આદર્શ માનીને એ જીવે છે. યશુ અને આશા બેય જીગરજાન દોસ્ત છે; બન્નેનો અરસપરસ સ્નેહ આપાર છે અને એકબીજા માટે જ જાણે જીવતી હોય એવું લાગ્યા વિના રહે નહીં. જેમ યશુ કંચનનાં પ્રભાવ હેઠળ જીવતી તેમ આશા યશુનાં પ્રભાવ હેઠળ જીવતી.
આશા તો મેડીકલ સ્ટુડન્ટ હોવાથી ડોક્ટર બને છે, જ્યારે યશુ માત્ર બી.કોમ. સુધીનું જ ભણી છે, પણ યશુ અને આશા બાળસખીઓ હતી અને કોલેજકાળમાં શહેરમાં મકાન રાખીને એક્સાથે રહેતી. બન્નેની મિત્રતા પણ અજોડ.
યશુની કોલેજકાળની લાઇફમાં સુમિતને મળવાનો પ્રસંગ બને છે. તે સુમિતની કવિતાઓ તથા તેની ગાયકીની પ્રશંસક છે; યશુને સુમિત પ્રત્યે એકતરફી પ્રેમ થાય છે. સુમિતે પાંચ વરસની ઉંમરે જ મા-બાપનું સુખ ગુમાવ્યું છે, પરંતુ ગામનાં શ્રેષ્ઠી એવા જીવરાજશેઠની કૃપાવર્ષાથી સુમિત ભણીગણીને પગભર બને છે.
સુમિતની પત્ની કંચન ખૂબ સુંદર અને પ્રેમાળ છે, તેના પરિચયમાં આવ્યાં પછી યશુને કંચન અને તેનાં દીકરા-સોનુમાં જે પ્રેમ પ્રગટે છે ને તે પ્રેમને લીધે તેમજ કંચનને આપેલાં વચનને લીધે કંચનનાં અકાળે મૃત્યુ પછી તે સુમિતને પરણે છે ને પોતાનું જીવન સમર્પિત કરે છે.
પ્રેમ, ત્યાગ, કરૂણા, ઉદારતા, સમર્પણ, વચનબધ્ધતા જેવાં ઉચ્ચ ગુણોને આ પુસ્તક દ્વારા શબ્દ-દેહમાં ઢાળવાનો મારો પ્રયાસ રહ્યો છે. યશુ વિશે કથામાં હું જેમજેમ લખતો ગયો તેમતેમ એ મારા મનમાં જીવંત વ્યક્તિ તરીકે એની અમીટ છાપ ઉપસાવી શકી છે, તેથી માનું છું કે કદાચ વાચકના મનમાં પણ યશુની એક "આદર્શ સ્ત્રી" તરીકેની જીવંત છાપ ઉપસે અને એમ થાય તો મારો આ પુસ્તક માટેનો પ્રયાસ સફળ થયો ગણાશે.
અંતમાં, પુસ્તકમાં કોઇ ભાષાકીય ક્ષતિઓ રહી જવા પામેલ હોય તો વાચક મારા ધ્યાને લાવી શકે છે; હું ધ્યાને આવેલ ક્ષતિઓને સુધારી લેવા માટે ચોક્કસપણે પ્રયત્નશીલ હોઇશ.
સાદર સમર્પિત...
"મમતાની દેવી સ્વરૂપે કથાની મુખ્ય નાયિકા- 'યશુ' ભલે કાલ્પનિક પાત્ર હોય છતાં સમાજની એવી ઘણી માતાઓમાં આજેપણ તે જીવંત જોવા મળે છે અને તેથી મારું આ પુસ્તક સમાજની એ માતાઓને હું સાદર સમર્પિત કરતાં આનંદ અનુભવું છું."
લેખક: ભૂપેશ પંડ્યા, નિવૃત્ત ઉપ સચિવ, ગુજરાત સરકાર.(મો) ૯૭૧૪૪ ૧૦૯૪૭ રહે. અમદાવાદ.
-----------
પ્રકરણ વાઈજ વાંચવા નીચે આપેલ લાલ કલરના NEXT બટન પર ક્લિક કરો.
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
