કદરદાન (Kadardaan)

"કદરદાન .."
**************** અશ્વિન રાવલ 
પોતપોતાનાં પોતૈયાં અને બીજા બધા નાં ઢેબરાં !! આ કહેવત દુનિયાની તમામ સ્ત્રીઓને લાગુ પડે છે.

પરંતુ ભાવના તો સાચે જ અદભુત રસોઈ બનાવતી ! તમામ ગુજરાતી સ્ત્રીઓની જેમ ભાવના અવારનવાર એના પતિને કહેતી કે...... " મારા જેવી દાળ કોઈ બનાવી ના શકે..... આપણા ઘર જેવી દાળઢોકળી કોઈના ઘરે થતી નહીં હોય...... મારા જેવા મેથીનાં થેપલાં કોઈ ના બનાવી શકે...... મારા હાથના બટાકાપૌંઆ ચાખો અને લોકોના ઘરે જઈને બટાકાપૌંઆ ખાઓ...... ભરેલા રવૈયા અને ભરેલા કારેલાનું શાક હું જે રીતે બનાવું છું એવું તમને કોઈના ઘરે ખાવા નહીં મળે.... હું જેવી પૂરણપોળી બનાવું છું એવી તમને કોઈ હોટલમાં પણ જોવા નહીં મળે !!"

AVAKARNEWS
કદરદાન - Kadardaan

શશીકાંત પણ અનેકવાર ભાવનાના મુખેથી આવાં વાક્યો સાંભળી ચૂક્યો હતો. પરંતુ શશીકાંતને ભાવનાની રસોઈની કોઈ જ કદર નહોતી . એને મન તો રસોઈ એટલે રસોઈ . એની જીભ રસોઈ પારખું નહોતી. એણે ક્યારેય પણ આટલી અદભુત અને સ્વાદિષ્ટ રસોઈની પ્રશંસા કરી નહોતી એટલે જ ભાવનાને આવું બધું કહેવું પડતું. પણ ઘરકી મૂર્ઘી દાલ બરાબર !!

સુરતમાં રહેતી ભાવના રસોઈકળામાં ખૂબ જ નિષ્ણાત હતી અને એને આવું કહેવાનો પૂરો હક પણ હતો . કમાલનો હાથ હતો એનો રસોઈમાં ! શશીકાંતના ઘરમાં દાળનો વઘાર થાય ત્યારે આજુબાજુના પાડોશીઓને ખબર પડી જાય કે ભાવનાએ દાળનો વઘાર કર્યો !

પ્રમાણસર તેલમાં રાઈ મેથી લવિંગ હિંગ તમાલપત્ર અને કસુરી મેથી નાખીને એ જ્યારે દાળમાં છમકારો કરે ત્યારે આજુબાજુના પાડોશીઓને પણ થાય કે આજે ભાવના જમવાનું આમંત્રણ આપે તો સારું !

કઈ વસ્તુમાં રાઈનો વઘાર થાય, કઈ વસ્તુમાં જીરાનો વઘાર થાય, કઈ વસ્તુ માં એકલી મેથીનો વઘાર થાય.... ભાવનાની માસ્ટરી ! ક્યારેક ચણાના લોટથી ભરેલા રવૈયા કરે તો ક્યારેક માત્ર ધાણાજીરું ભરીને રવૈયા કરે ! ભરેલા કારેલા અને ભરેલા ભીંડાનું શાક એના જેવું કોઈ ના બનાવી શકે !! અને આ ભરેલા શાકનો મસાલો બનાવે ત્યારે ચણાના લોટમાં પણ કેટલી બધી વસ્તુઓ મિક્ષ કરે !

દાળઢોકળીમાં પણ વેરાઈટીઝ. ક્યારેક દાળ ઢોકળીમાં ઝીણો સમારેલો ગવાર હોય તો ક્યારેક વાલોળ ના ટુકડા નાખી વાલોળ ઢોકળી બનાવે ! ક્યારેક કેળા હોય તો ક્યારેક હાફુસ કેરીના ટુકડા !!

બારેય મહિના ભાવનાના ફ્રીજમાં કોથમીર એટલે કે લીલા ધાણા અને આદુ હાજર જ હોય ! એના વગર ચાલે જ નહીં. દાળશાક હોય, ખમણ હોય કે ખાંડવી - કોથમીર નું ટોપિંગ તો હોય જ ! દરેક રસોઈ એ દિલથી બનાવે, ક્યારે પણ એને કંટાળો નહીં !! એ બધું તો ઠીક પણ જલેબી અને ગુલાબ જાંબુ જેવી મીઠાઈ પણ જાતે જ બનાવે !

રોજેરોજના નાસ્તા માટે નાની-નાની જીરા પુરી, અજમા પુરી, ચકરી, ફૂલવડી અને સેવ એ નવરાશના સમયે બનાવી રાખે. પાણીપુરી અને પીઝા પણ ઘરે જ બનાવવાના.

શશીકાંતભાઈ ઘીવાળાની સુરતમાં પોતાની પાવરલુમ્સ હતી. દસ વર્ષમાં ધંધો એવો જામી ગયેલો કે નાનપુરા વિસ્તારનું જૂનું મકાન વેચી વરાછા રોડ ઉપર એણે ફ્લેટ લીધેલો. ભાવના પૈસે ટકે સુખી હતી પણ એને પતિ તરફથી કોઈ જ પ્રેમ મળતો નહોતો. લોકો આટલી બધી પ્રશંસા કરતા હતા પણ શશીકાંતે ક્યારે પણ એને યશ આપ્યો ન હતો !!

શશીકાંત માટે તો એ માત્ર રસોડું સંભાળનાર એક સામાન્ય સ્ત્રી હતી. શશીકાંત નું મન તો બહાર જ ભટક્યા કરતું હતું. અને એને એક વાર કોઈની સાથે પ્રેમ થઈ ગયો. હવે એ ઘરમાં ધ્યાન ઓછું આપતો. રાત્રે પણ ઘરે મોડો આવતો.

ભાવનાના કાને પણ આ વાત આવી હતી. શરૂઆતમાં એણે બહુ ધ્યાન નહોતું આપ્યું પણ હવે એને લાગ્યું કે એનું લગ્નજીવન ભયમાં આવી ગયું હતું. શશીકાંત વધુ પડતો કોઈ સ્ત્રીના ચક્કરમાં આવી ગયો હતો. અને એક દિવસે શશીકાંતે પોતે જ પત્નીને વાત કરી.

" જો સાંભળ ભાવના. મારા લાઇફમાં કોઈ પાત્ર આવેલું છે. તારાથી હું કઈ પણ છાનું રાખવા માગતો નથી. દર્શના સાથે હું હવે લગ્ન કરવા માગું છું. વાત ઘણી આગળ વધી ગઈ છે. હું એના વગર રહી શકું એમ નથી. એના માટે મારે તારી લેખિત સંમતિ જોઈએ છે. " શશીકાંત બોલ્યો.

" અરે પણ તમે આ કેવી વાત કરો છો ? લગ્નને આઠ વર્ષ થઈ ગયા. આપણને ચાર વર્ષની નાનકડી સરસ દીકરી પણ છે અને મારી હયાતીમાં બીજા લગ્ન ? " ભાવના સહેજ ગુસ્સાથી બોલી.

" કેમ એમાં શું વાંધો છે ? મારામાં બંને પત્નીને પાળવાની તાકાત હોય તો લગ્ન કેમ ન કરી શકું ? કાયદો વચ્ચે આવે છે એટલે તારી સંમતિ જોઈએ છે.. બસ !!" શશીકાંતે જવાબ આપ્યો.

" હું તમને કોઈ સંમતિ નહિ આપું. તમારે બહાર જે કરવું હોય તે કરો. મેં ક્યારેય પણ ના નથી પાડી. પણ મહેરબાની કરીને બીજા લગ્નની વાત ના કરો " ભાવના બોલી.

" જો તારે સંમતિ ન આપવી હોય તો તું તારા પપ્પાના ઘરે જઈ શકે છે. આ જ ઘરમાં હું એની સાથે લિવ ઇન રિલેશનશીપ થી રહીશ. દર્શનાને હું છોડી શકું એમ નથી " શશીકાંતે પોતાનો નિર્ણય જાહેર કર્યો.

ભાવનાને શશીકાંતની વાતથી મોટો આઘાત લાગ્યો. એ આખી રાત તેને ઊંઘ આવી નહીં. દસ-દસ વર્ષ આ માણસને મેં સમર્પિત કર્યાં. સાસુ પથારીવશ હતાં ત્યારે પાંચ વર્ષ સુધી એમની સેવા કરી. આખો દિવસ વૈતરું કર્યા કર્યું પણ એને આજે મારી કોઈ જ કિંમત નથી. મારી હયાતીમાં મારા જ ઘરમાં એ બીજી પત્નીને લાવવા માગે છે !

એણે નિર્ણય લઈ લીધો. તેણે સવારમાં જ જેવો શશીકાંત ફેક્ટરી ગયો કે તરત દીકરીને લઈને ઘર છોડી દીધું અને રાંદેર રોડ ઉપરના પપ્પાના ઘરે ચાલી ગઇ.

તેણે ઘરે આવીને મમ્મી પપ્પાને બધી વાત કરી. એના પપ્પા સાવ સીધાસાદા માણસ હતા. રાંદેર રોડ ઉપર પપ્પાની સ્ટેશનરીની દુકાન હતી. જગ્યા મોટી હતી પણ ધંધો સીઝન પ્રમાણે ચાલતો. જો કે એકની એક દીકરી હતી અને એ જાણતા હતા કે બંને વચ્ચે કોઇ ગંભીર કારણ હોય તો જ ભાવના ઘરે આવે !

"જો દીકરા આ તારું ઘર છે. આઠ વર્ષે તું જમાઈનું ઘર છોડીને આવી છે તો ચોક્કસ કોઈક મોટું કારણ હશે અને તું સમજદાર છે એટલે મારે તને કંઇ પણ પૂછવું નથી. તું તારે આરામથી આપણા ઘરે રહી શકે છે. " પપ્પા બોલ્યા.

ભાવનાને શશીકાંત ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો. એનાથી ડિવોર્સ લઈ લેવાનું પણ એણે થોડી ક્ષણો માટે વિચારી લીધું પણ દીકરીના ભવિષ્ય માટે હમણાં એ વિચાર માંડી વાળ્યો. પંદરેક દિવસ નીકળી ગયા. હવે ઘરે બેઠા કંઈક તો કરવું જ પડશે.

એણે એના મામાની સલાહ લેવાનું નક્કી કર્યું. ભાવનાના મામા ધીરુભાઈ સુરતની એક કો-ઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર હતા. એણે મામાને ફોન કર્યો એટલે રવિવારે મામા મળવા આવ્યા.

મામા ઘરે આવ્યા એટલે ભાવનાએ બધી જ વાત કરી અને એ પણ કહ્યું કે- "હું હવે શશીકાંતના ઘરે પાછી ફરવાની નથી. મારે મારુ પોતાનુ કંઈક કરવું છે અને પગભર થવું છે. તમે મને સલાહ આપો મામા " ભાવના બોલી.

" જો બેટા તું કંઈ પણ કરવા માગતી હો તો મારો તને ફૂલ સપોર્ટ છે. સૌથી મોટી વસ્તુ એ છે કે તને કઈ બાબતમાં રસ છે. તારા મનગમતા ક્ષેત્રમાં તું કોઈ રોકાણ કરે તો તને પોતાને પણ સંતોષ થાય. બાકી લાઈનો તો ઘણી છે." મામા બોલ્યા.

" મામા આખી જિંદગી જાત જાતની રસોઈ મેં કરી છે. રસોઈ સિવાય મને કોઈ વસ્તુમાં રસ નથી. બહુ બહુ તો હું કોઈ ગૃહ ઉદ્યોગ જેવું કરી શકું અથવા કોઈ ફૂડ સ્ટોલ ખોલું. " ભાવનાએ કહ્યું.

ચા આવી ત્યાં સુધી ધીરુભાઈ થોડા વિચારમાં પડી ગયા. ધીરુભાઈની છાપ સમાજમાં સારી હતી અને એમની કોઠાસૂઝ પણ ઘણી હતી. ઘણા લોકો એમની સલાહ લેતા.

" ભાવના તું ડાઇનિંગ હોલ ચાલુ કર. આપણા એરિયામાં એક પણ ડાઇનિંગ હોલ નથી. સુરતના લોકો જમવાના ભારે શોખીન હોય છે. આપણી આજુબાજુ એક-બે હોસ્ટેલો પણ છે. ગૃહ ઉદ્યોગમાં એટલી મજા નહીં આવે. તું રસોઈ સારી બનાવે છે એટલે તારી દેખરેખ હેઠળ એક બે માણસ હું તને આપીશ. એ લોકો મારવાડી છે અને ખૂબ જ મહેનતુ છે. " મામા બોલ્યા.

"અને પપ્પાની સ્ટેશનરીની દુકાન છે જગ્યા પણ ઘણી મોટી છે. દુકાન પ્રમાણે તેમનો ધંધો માત્ર સિઝનમાં જ ચાલે છે. આપણે એ દુકાનને રિનોવેટ કરાવી લઈએ અને સુંદર ડાઇનિંગ હોલ ત્યાં બનાવીએ તો લોકોની લાઈન લાગશે. હું તને ધંધા માટે લોન પણ કરી આપું છું. " મામાએ હિંમત આપી.

ત્રણ મહિનામાં ડાઇનિંગ હોલ તૈયાર થઈ ગયો. મામાના સજેશન પ્રમાણે જૂની પરંપરા ચાલુ રાખીને એક નવો લુક આપ્યો. પીરસનારા માટે પીતાંબર, કેડિયું અને પાઘડીનો ડ્રેસ નક્કી કર્યો. સવાર સાંજ ફિક્સ મેનુ તૈયાર કર્યું. સવારે લાડુ, દાળ, ભાત, શાક, વાલ/ચણા, રાયતું અને ગોટા. સાંજે ડીનરમાં ખીચડી કઢી ભાખરી અને શાક. ડાઇનિંગ હોલનું નામ રાખ્યું - 'પરંપરા '

મામાએ સારી મહેનત કરીને માર્કેટિંગ પણ કર્યું. વર્તમાનપત્રોમાં સતત જાહેરાતો આપી. ચોપાનિયાં છપાવીને હોસ્ટેલમાં વહેંચ્યાં. જોતજોતામાં તો ડાઇનિંગ હોલ ધમધમતો થઈ ગયો. સંપૂર્ણ રસોઈ ભાવનાના માર્ગદર્શન પ્રમાણે જ થતી અને એટલે જ રસોઈ ખૂબ જ વખણાવા લાગી. એક વર્ષમાં તો ' પરંપરા ' ડાઇનિંગ હોલ સુરતમાં ચર્ચાનો વિષય બની ગયો. ભાવનાની લોન પણ ચૂકવાઈ ગઈ.

ભાવનાના ડાઇનિંગ હોલની જે રીતે સુરતમાં ચર્ચાઓ થતી એ બધી શશીકાંતના કાને પણ આવતી હતી. આખા સુરતે ભાવનાની રસોઈ વખાણી હતી જ્યારે એણે પોતે એની કોઇ જ કદર ના કરી. ક્યારે પણ બે શબ્દો સારા કહ્યા નહીં.

ભાવનાની કિંમત તો એને ક્યારની ય સમજાઈ ગઈ હતી. દર્શનાની રસોઈમાં કોઈ જ ભલીવાર નહોતો. ફૂલકા રોટલી તો ભૂતકાળ બની ગઇ હતી !! રોજ જાડી જાડી રોટલી અને કઠોળ. છાશવારે દૂધીનું શાક !! અને સાંજે રોજ વઘારેલી ખીચડી !! એકનું એક ભોજન ખાઈ ખાઈને એ બરાબરનો કંટાળ્યો હતો.

સમયનું ચક્ર ફરતું જ હોય છે. શશીકાંત ના દિવસો પણ ફર્યા. સુરતના પાવરલૂમ્સ ઉદ્યોગમાં ભયંકર મંદી આવી. સારી સારી પાવરલૂમ્સ પણ બંધ થઈ ગઈ. શશીકાંતની પાવરલૂમ્સ ને પણ તાળાં વાગી ગયાં. લાખોનો માલ ઉધાર આપેલો એનાં તમામ પેમેન્ટ અટકી ગયાં. જે કાચો માલ ખરીદેલો એની કડક ઉઘરાણી થવા લાગી.

એક સમય એવો આવ્યો કે વરાછા રોડ નો ફ્લેટ વેચી નાખવાનો વારો આવ્યો અને ભાડાના ઘરમાં જવું પડ્યું. પૈસાના મોહમાં શશીકાંતને ફસાવનારી દર્શનાએ પણ પોતાનું પોત પ્રકાશવા માંડ્યું. એની લાઈફ સ્ટાઈલ ખૂબ જ ખર્ચાળ હતી એટલે હવે ઘરમાં ઝઘડા થવા લાગ્યા. દર્શનાએ શશીકાંત ઉપર હેરેસમેન્ટનો પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી. શશીકાંત બરાબરનો ભરાઈ ગયો.

શશીકાંતની આંખ હવે ઉઘડી ગઈ હતી પણ બહુ જ મોડું થઈ ગયું હતું. એને બરાબર સમજાઈ ગયું હતું કે ભાવના સાથે એણે જબરદસ્ત વિશ્વાસઘાત કર્યો હતો. એટલું જ નહીં પણ એને કાઢી મુકી ને ઘોર પાપ પણ કર્યું હતું. વાસનાના મોહમાં એ પોતાની સગી દીકરીને પણ ભૂલી ગયો હતો !!

ભાવના સિવાય હવે એને કોઈ આશ્રય નહી આપે એ એને સમજાઈ ગયું હતું પણ ભાવના પાસે જવા માટે પગ ઉપડતા નહોતા. કયા મોઢે જવું ? માફી માંગવાને પણ એ લાયક નહોતો. કદાચ ભાવના એના સ્વભાવ પ્રમાણે માફ કરી પણ દે તો પણ એના મામા એને ધક્કો મારીને બહાર ફેંકી દે એવા હતા !!

ક્યાંક તો શરૂઆત કરવી જ પડશે ! અપમાન થશે તો સહન કરી લઈશ એમ વિચારી એક દિવસ એ ' પરંપરા' ડાઇનિંગ હોલમાં જમવા ગયો. પીરસનારા તો એને ઓળખતા નહોતા. પણ કેશ કાઉન્ટર ઉપર બેઠેલી ભાવના એને દૂરથી જોઈ ગઈ. એણે નિર્ણય લઈ લીધો.

જમીને બિલ ચૂકવવા શશીકાંત આવ્યો કે તરત એણે બિલના પૈસા લઈ લીધા અને એના હાથમાં એક ચબરખી પકડાવી દીધી.

' પરમ દિવસે રવિવારે સાંજે છ વાગે મારા ઘરે આવી જજો. હું રાહ જોઇશ ' ચિઠ્ઠીમાં લખ્યું હતું.

ચિઠ્ઠી વાંચીને શશીકાંત નીકળી ગયો અને રવિવારે સાંજે છ વાગે ભાવનાના ઘરે પહોંચી ગયો.

ભાવનાના ઘરે ડાઇનિંગ હોલમાં ભાવનાના માતા-પિતા, એના મામા, એક વકીલ અને એના આશ્ચર્ય વચ્ચે દર્શના પણ બેઠી હતી. ભાવના હાજર નહોતી.

"પધારો જમાઈરાજ. મારી ભાણીને તમે જે આઘાત અને માનસિક ત્રાસ આપ્યો છે એની પૂરતી તો થઈ શકે એમ નથી પણ આ ડિવોર્સ પેપર ઉપર તમે સહી કરી દો એટલે તમારા તમામ ગુના માફ. તમે જો સહી નહીં કરો તો આ બીજા પેપર ઉપર દર્શના સહી કરી દેશે અને હું પોલીસને ફોન કરી દઈશ." મામાએ બરાબરનો સાણસો રચ્યો હતો.

" બોલો શું નિર્ણય લેવો છે ? દર્શનાએ શું શું લખ્યું છે એ જાણવું હોય તો તમે ફરિયાદ વાંચી શકો છો " મામા બોલ્યા.

શશીકાંત એક પણ અક્ષર બોલ્યો નહીં. એણે વકીલે જ્યાં જ્યાં કહ્યું ત્યાં સહી કરી દીધી. એ જેવો આવ્યો હતો એવો જ પાંચ મિનીટ માં બહાર નીકળી ગયો.

એના ગયા પછી મામાએ દર્શનાને રોકડા પચાસ હજાર ગણી આપ્યા અને કહ્યું , " આ ડિવોર્સ પતી જાય એટલે તારી જવાબદારી પુરી. ત્યાં સુધી તું સંભાળી લેજે. પછી તારે એની સાથે કાયદેસર લગ્ન કરવા હોય તો કરી શકે છે. હવે અમારે એની સાથે કોઇ નિસબત નથી. " મામા બોલ્યા.

દર્શના ગયા પછી ભાવના બેડરૂમમાંથી બહાર આવી.

" આજે એક સરસ કામ પતી ગયું. હવે તારા કાયદેસરના ડિવોર્સ થઈ જાય એટલે નિકુંજ સાથે તારાં લગ્ન પણ પતાવી દઉં. એની પત્ની ગુજરી ગયા પછી એ મા દીકરો ખૂબ જ હેરાન થઈ રહ્યાં છે. છોકરો બહુ જ સારો છે. " મામાએ કહ્યું.

"જમવા માટે તારા ડાઇનિંગ હોલનું બે ટાઈમ ટિફિન જાય છે એટલે નિકુંજને જમવાનો તો કોઈ વાંધો નથી પણ આખી જિંદગી કુંવારા થોડા રહેવાય ? અને એ તને પસંદ કરે છે. દીકરી સાથે એ તને સ્વીકારવા તૈયાર છે પછી બીજું શું જોઈએ ? તારી ઉંમર પણ ૩૧ની થઈ" મામાએ કહ્યું.

નિકુંજ ભાવનાના મામાના સગામાં હતો અને પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. આવક પણ સારી હતી. એક વર્ષ પહેલાં જ એની પત્નીનું અકસ્માતમાં અવસાન થયું હતું. ભાવના એને પસંદ આવી હતી. દીકરીનો એને કોઈ વાંધો નહોતો.

ભાવના માટે મામા કહે તે બ્રહ્મવાક્ય !! મામા ના હોત તો આજે જે આર્થિક સદ્ધરતા મળી તે ક્યારે પણ મળી ના હોત . એ તો સાવ રખડી જ પડી હતી ને ?

અને એ દિવસ પણ આવી ગયો. ભાવનાના લીગલ ડિવોર્સ થઈ ગયા. નિકુંજ સાથે એનાં લગ્ન પણ થઇ ગયાં. ધાર્યા કરતાં પતિ ખૂબ જ સારો મળ્યો. પૈસાની હવે કોઈ ખોટ નહોતી એટલે ડાઇનિંગ હોલ મારવાડીને ચલાવવા માટે આપી દીધો.

ભાવના માટે હવે એનો પતિ જ સર્વસ્વ હતો. એના માટે ફરી પાછી એ જ રસોઈની પરંપરા ઘરમાં એણે સંભાળી. એ જ ભરેલા રવૈયાનુ શાક, એ જ રસીલી દાળઢોકળી, એ જ મેથીનાં થેપલાં !! અને એ જ ગરમા ગરમ નાસ્તા !!

પણ ફરક એટલો જ હતો કે જ્યારે પણ જમવા બેસે ત્યારે નિકુંજ બે મોઢે ભાવનાની રસોઈનાં વખાણ કરતો.

" ભાવના આજે તો તેં કમાલ કરી હોં !!.... કારેલાનું શાક મને બહુ ઓછું ભાવે છે પણ તું જે ભરેલા કારેલાનો સંભાર બનાવે છે ....માન ગયે જનાબ !!!

અને ત્યારે ભાવનાને દિલમાં સંતોષ થતો કે આટલાં વર્ષો પછી આવો કદરદાન પતિ મળ્યો કે જેણે મારી રસોઈની કદર તો કરી !!!
                  – અશ્વિન રાવલ (અમદાવાદ)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post