લાઈફ લાઈન (Life Line)

Related

"લાઈફ લાઈન .."
*******************સાંઈરામ દવે
પ્લેનમાં પણ જૈન ફૂડની વ્યવસ્થા રાખવી પડે છે એ દેખાડે છે કે જૈનોની ક્ષમતા કેવી છે!

આવું તો જ શક્ય બને જો તમે તમારા ધર્મને અખૂટ પ્રેમ કરતા હો. એટલે તો ચાલીસ જણના ફૂડનો ભેગો ઓર્ડર દેવાતો હોય ત્યારે વચ્ચે એકલો જૈન હાથ ઊંચો કરીને પોતાના માટે જૈન ફૂડ લાવવાનું કહી શકે છે.

AVAKARNEWS
લાઈફ લાઈન - Life Line

આપણે વાત કરીએ છીએ જૈનોની જેનોએ પોતાનો એક અલગ જ ચીલો ચાતર્યો છે. હમણાં હું આફ્રિકા ગયો. અગાઉ પણ ગયો છું, પણ હમણાં આફ્રિકા ગયો ત્યારે સાવ અજાણ્યા એવા નાના શહેરમાં ગયો હતો. ક્યોને તમે, મારા ગોંડલ જેવડું એ ગામ. મેં ત્યાં એક જગ્યાએ એક હ કાળિયાની દુકાને વાંચ્યું, વી આર સર્વિંગ જૈન.

મારી તો આંખું ફાટી ગઈ. મેં જઈને મારી ભાંગીતૂટી અંગ્રેજીમાં પૂછ્યું તો માળો બેટો એ વેંત ચડયો. મને કર્યું, 'યુ આર નોટ જૈન... મને તો એનું અંગ્રેજીને સમજાતું નહોતું એટલે પછી મારા ઑર્ગેનાઈઝરે ત્યાંની લોકલ બોલીમાં તેની સાથે વાત કરી તો ખબર પડી કે તેને મારું અંગ્રેજી સાંભળીને ખબર પડી ગઈ કે હું જૈન નથી!

જૈનોની એક ખાસિયત છે, તે કંઈ પણ કરે, મન લગાવીને કરે. ફરી વાત કરીએ જૈનોના ફૂડ પ્રેમની તો હું હળવી શૈલીમાં કાયમ જૈનો વિશે કહું કે આખા દેશમાં એક ટકાથી પણ ઓછી કમ્યુનિટી હોવા છતાં ગામડાના વીસ રૂપિયાની ભેળવાળાને પણ લખવું પડે કે જૈન ભેળ મળશે. આ તમારા ધર્મની તાકાત છે. ક્યાંય કોઈ દુકાને તમે સિંધી ભેળ કે કડવા પાટીદાર રગડો પેટીસ મળે છે. એવું તમે વાંચ્યું છે? તમે પ્લેનમાં જાઓ તો પ્લેનમાં પણ ત્રણ જાતનું જ ફૂડ મળે. વેજિટેરિયન, નોન-વેજિટેરિયન અને જૈન, આ જૈનોની તાકાત છે. આઇફલ ટાવરની નીચે મેં જૈન હોટ ડોગ વેચતો ફ્રેન્ચ્યો જોયો છે ને આ હું વાત તમને સોગન ખાઈને કહું છું. ટૂર-ઓપરેટરોને પૂછી લેજો, એ લોકોએ જેનો માટેની અરેન્જમેન્ટ કરી જ હોય, જો ન કરે તો અડધી ટૂર ખાલી રહે! ફોરેનમાં ક્યાંય પણ જૈનોને એ ટૂરમાં ચોવિહાર કરાવી દેવામાં આવે અને ચોવિહારના ટાઈમનું ધ્યાન ટૂર સાથે ગયેલા ઑપરેટર રાખે. જૈનોએ પોતાની આ જે મોનોપોલી જાળવી રાખી છે એને ખરેખર સેલ્યુટ કરવી પડે.

ચાલીસ જણ વચ્ચે એક જૈન હોય તો તે જરાય શરમાય નહીં ને હાથ ઊંચો કરીને પોતાના જૈન ફૂડનો ઓર્ડર કરે ને એનો તેને ગર્વ પણ હોય. આ જે ગર્વ છે એ ગર્વ જ જૈન ધર્મને વેંત ઊંચો લઈ જાય છે.

ગઈ દિવાળીએ અમારા ગોંડલમાં એક દુકાને 'જૈન ફટાકડા' વેચાતા હતા. હું તો કોથળો ભરી આવ્યો. પરે ટ્રાય કરી, પણ ફૂટયાં જ નહીં. દુકાનદારને ફરિયાદ કરતાં તેણે મસ્ત જવાબ આપ્યો કે ભાઈ, જૈન
ફટાકડા છે. અહિંસક જ હોય, આમાં ધડાકો પણ ન થાય અને ધુમાડો પણ ન નીકળે. પછી તો મેં મારી ઘરવાળીને કહ્યું કે ફોઈડ! આ તો પલંગ માથે ફોડવામાં પણ નુકસાન નથી.

આ તો હસવા ખાતર વાત થાય છે, બાકી દોસ્તો, એક પણ વાણિયાનો દીકરો પશુપાલન ન કરતો હોવા છતાં મને એ ગૌરવ સાથે કહેવા દો કે દેશની બે લાખ જેટલી પાંજરાપોળો કે ગૌશાળાઓ જીવતી હોય તો એમાં મુખ્ય દાન જૈનોનું હોય છે. પૂ.રત્નસુંદરવિજયજી મહારાજસાહેબ જેવા અનેક સાધુભગવંતો આજની તારીખે એક ક્રાન્તિકારીની જેમ ગુજરાતી ભાષામાં ઢગલાબંધ સુંદર પુસ્તકો
રચીને આપણા સૌના વાંચન અને જીવનના સડી ગયેલા ટેસ્ટને સુધારવા મથી રહ્યા છે તો કચ્છના કલાપૂર્ણસુરીજીએ કારગિલના શહીદો માટે ખુબ મોટું દાન એકઠું કર્યું હતું. પંન્યાસ ચંદ્રરોખરજીએ દીવાદાંડી બનીને લોકોને જીવનરાહ ચિંધાડયો એ કેમ ભુલાય! વળી પૂ. નમ્રમુનિજીએ આ ફેસબુક જનરેશનને જૈનિઝમ તરફ વાળી. એ સૌને સો સલામ. દોસ્તો, તમને યાદ તો છેને ક્રાન્તિકારી વીર લાલા લજપતરાય જૈન હતા. પ્રખર ચિંતક ઓશો રજનીશ અને શિરમોર વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈ પણ જૈન સમાજનાં રત્નો હતાં અને અકબર સાથે જે બીરબલની આપણે બહુ વાર્તાઓ સાંભળી છે એ બિરબલ પણ જૈન હતા. અત્યારે 'મિડ-ડે'માં કોલમ લખતા આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજીને વાંચવાની તક 'મિડ-ડે'ના કારણે પહેલી વાર મળી અને હું આભો રહી ગયો. ક્યાંય જૈન ધર્મની વાત નથી, ક્યાંય જૈન ધર્મના પ્રચારનો ભાવ નથી. વાત છે તો માત્ર સમાજકલ્યાણ અને માનવકલ્યાણની આ જે ભાવ છે એ ભાવ જ જૈન ધર્મને વધારે ખમતીધર બનાવે છે.

જૈનોનો નવકાર મંત્ર મને આખો મોઢે છે અને એનો મને ગર્વ છે. આ જે નવકાર મંત્ર છે એ છે જૈનોનો, પણ એ સમગ્ર વિશ્વનો કલ્યાણકારી મંત્ર છે. જૈનેતર માટે પણ એટલો જ સિદ્ધ અને સાર્થક છે. જૈનોની એકેક ધાર્મિક પ્રથામાં વિજ્ઞાન છે. કોઈ પણ એક વીક ચોવિહાર પાળી બતાવે તેને દવાખાને ન જ જવું પડે એ ગેરન્ટી, હિમાદાદા એટલે જ કાયમ કહેકે આ વાણિયાની નાત ઝટ માંદી નથી પડતી, કારણ કે એની ફૂડ રેસિપી ખૂબ સાયન્ટિફિક છે અને એટલે જ તો વાણિયાઓ હોસ્પિટલમાં દરદી બનીને નહીં, દાતા બનીને આવે છે.

જૈનો દાન દેવામાં ક્યાંય પાછા પગ ન કરે. જો જોવું હોય તો પર્યુષણ દરમ્યાન જઈને એક વાર જોઈ લેવું. જે ધી બોલાય અને બોલાતા ઘીની જે રકમ થાય એ સાંભળીને મિલ-ક્લાસને તો ટાઢ ચડી જાય. મજાની વાત કહું તમને, બોલી બોલનારાને મળો ત્યારે તમને ખબર પડે કે એ ભાઈ પણ મિડલ-ક્લાસ છે, ફરક માત્ર એટલો છે કે ધર્મની અને આપવાની વાત આવે ત્યારે તેમનું ગજવું છપ્પન ઇંચની છાતી જેવું વિશાળ થઈ જાય છે.

થ્રી ક્લેપ્સ કોર ઓલ જૈન, જૈન ફિલસૂફીને દિલથી સન્માનું છું અને એમ છતાં આ લેખમાં કોઈનું દિલ દુભાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.
_____________
"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. જૈન ફુડ જગત ઉપર રાજ કરે છે

    ReplyDelete
Previous Post Next Post