અજ્ઞાતવાસ (Agnatvaas)

Related

અજ્ઞાતવાસ .." 
****************** અંકિતા સોની
"તું ખરો ચિત્રકાર હોય તો હું જેવી છું એવું જ મારું ચિત્ર બનાવ. " વાળ ઝાટકતી કોલેજ કન્યા કેવનાએ કેવિનને કહ્યું.

"એક મિનિટ, આમ ઊભી રહે જરા.." કેવિને કેવનાની હડપચી સહેજ ત્રાંસી કરતાં કહ્યું. પછી ધારી ધારીને એને નીરખી લીધી. મનોમન પીંછીના રંગો પણ નક્કી કરી લીધા. બીજા દિવસે કેવિને કેન્ટીનમાં બેઠેલી કેવનાના હાથમાં ચિત્ર મૂકી દીધું. કેવના ખૂબ ઝીણવટથી ચિત્ર જોવા લાગી અને કેવિન એના ચહેરામાં સંતોષ ખોળવા લાગ્યો.

AVAKARNEWS
અજ્ઞાતવાસ - Agnatvaas

"આ જો, મારી ભ્રમર પર તલ છે અને ગાલ પર ખંજન છે એ ક્યાં છે? " કેવના જરા નારાજગીથી બોલી.

" અરે એ તો તું હસે છે ત્યારે તારા ગાલમાં ખંજન પડે છે. " કેવિન બોલ્યો.

"એ બધું મને નથી ખબર. પણ આ ચિત્ર મારા જેવું તો નથી જ." કેવનાના શબ્દોથી કેવિન ભારે નિરાશા અનુભવી રહ્યો. એણે ચિત્ર ફાડી નાખ્યું. પછી ત્યાંથી ઉઠીને ગયો તે ગયો. બે દિવસ સુધી એ કોલેજમાં દેખાયો નહીં. બરાબર ત્રીજા દિવસે કેન્ટીનમાં બેઠેલી કેવનાના ખોળામાં કેવિને ચિત્ર મૂક્યું અને આંખોમાં ભારોભાર આશા લઈને કેવનાના સુંદર મુખ પર મીટ માંડી રહ્યો. કેવનાએ બીડું વાળેલું ચિત્ર ખોલ્યું. ઘડીકભર સ્થિર થઈને એ ચિત્રને તાકી રહી. એની એવી મુદ્રાથી કેવિનની ધડકનો વધી ગઈ. શાંત પાણીમાં વલયો ઊઠે એમ કેવના બે હાથ ફેલાવીને જરાક સળવળી. વાળને હળવો ઝાટકો મારીને એણે કેવિન તરફ જોયું. દર્શનપીપાસું કોઈ ભક્ત ભગવાનને જુએ એ રીતે કેવિન કેવનાને નિહાળી રહ્યો હતો.

"જો કેવિન, તું હવે મારું ચિત્ર બિત્ર બનાવવાનું રહેવા દે. તારો પ્રયાસ સારો છે પણ..આ ચિત્રમાં જે છે તે હું નથી. આમાં મારી ગરદન જો કેટલી ટૂંકી છે! મારા વાળ ભૂરા છે, કાળા નહીં અને આંખો..આંખો તો તેં એવી રીતે ચીતરી છે કે જાણે હમણાં ઊંઘી જઈશ." કેવના ચિત્રને નકારતાં બોલી. કેવિન વધુ સાંભળવાના મૂડમાં નહોતો. તરત જ ખુરશી ખસેડીને એ કેવનાના હાથમાંનું ચિત્ર ખૂંચવીને ઝડપભેર નીકળી ગયો. આખો દિવસ કોલેજના બગીચાના ઝાડ નીચે ચિત્ર લઈને બેસી રહ્યો અને કેવના કંઈ બન્યું જ ન હોય એમ કોલેજમાં ફરવા લાગી.

કેવિને કોલેજ આવવાનું બંધ કરી દીધું. ઘણા દિવસો વીત્યા છતાં કેવિનને ન જોતાં કેવના હવે બેબાકળી બની ગઈ. કોલેજના રજીસ્ટરમાંથી કેવિનનું સરનામું લઈને કેવના એના ઘરે પહોંચી તો ખબર પડી કે કેવિન ગર્ભશ્રીમંત પરિવારનો એકનો એક દીકરો હતો. એનું ઘર કોઈ રાજાના રાજમહેલથી કમ નહોતું. ઘરમાં સભ્યો તો બધા જ હતા પરંતુ કેવિન ઘણા દિવસથી ઘરે નથી આવ્યો એની કોઈને જાણ સુધ્ધાં નહોતી. સૌ પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. કેવનાને કેવિન વિશે ચોક્કસ માહિતી મળી નહીં. નિરાશ થઈને એણે કોલેજ છોડી દીધી.

સમયનો પ્રવાહ દિવસોમાંથી વર્ષોમાં વીત્યો. પરણીને વિદેશમાં સ્થાઈ થઈ ગયેલી કેવના કેવિનને સાવ ભૂલી ગયેલી. કેવિન પણ ક્યાં હતો એ કોઈ જાણતું નહોતું. અમુક વર્ષો બાદ કેવના વૈધવ્યનો સૂનકાર ઓઢીને ભારત પાછી ફરી.

એક વખત મોલમાંથી બહાર નીકળતી વખતે કોઈ બુઢ્ઢો ધારી ધારીને કેવનાને જોઈ રહેલો. સામાન લઈને કેવના ચાલવા માંડી તો એ એનો પીછો કરવા લાગ્યો. થોડે દૂર સુધી ગયા બાદ કેવનાને એનો અહેસાસ થયો. આગળ જઈને એણે રિક્ષા પકડી એટલે એ બુઢ્ઢો ત્યાં જ થંભી ગયો. આવું અવારનવાર થવા લાગ્યું. પહેલા તો કેવના એ બુઢ્ઢાને પાગલ સમજતી હતી. પણ આ રીતે પોતાનો પીછો કરવું એને ઠીક ન લાગ્યું.

"એય કાકા, કેમ રોજ મારો પીછો કરો છો ? " એક વખત કેવનાએ બુઢ્ઢાની બરાબર ઝડતી લીધી.

"તમે કેવિનભાઈને ઓળખો છો?" બુઢ્ઢાના પ્રશ્નથી કેવના ચોંકી ઉઠી. કેવિનના નામનો ઉલ્લેખ એણે વર્ષો બાદ સાંભળ્યો હતો.

"કેવિન..! કેવિનને તમે કેવી રીતે જાણો છો? " કેવનાએ ઉત્સાહિત બનીને પૂછ્યું. બુઢ્ઢાએ જવાબ આપવાને બદલે કેવનાને અવગણીને ચાલતી પકડી. એથી કેવના ભારે નવાઈ પામી. ભૂતકાળના કેવિન વિશેના અનેક પ્રશ્નો કેવનાના મનમાં જીવંત થઈ ગયા. એણે ચૂપચાપ બુઢ્ઢાની પાછળ પાછળ ચાલવા માંડ્યું.

આગળ જતા સોસાયટીનું ઝુંડ પાર કરીને છેવાડાના ફ્લેટ સુધી બુઢ્ઢો પહોંચ્યો. પાછા ફરીને કેવનાને પોતાની પાછળ જોતા એણે આંખો કાઢી. કેવના સહેજ ધ્રુજી ઊઠી. લિફ્ટનો દરવાજો ખૂલતાં એણે કેવનાને અંદર આવવાનો ઈશારો કર્યો. કેવિન વિશેની પોતાની ઉત્સુકતા શમાવવાનો એકમાત્ર પ્રયાસ એ ગુમાવવા નહોતી માંગતી. એથી કેવના ડરથી સંકોચાઈને બુઢ્ઢાની સાથે થઈ ગઈ.

લિફ્ટમાંથી નીકળતાં જ કેવિનના નામનું પાટિયું કેવનાની આંખમાં રમવા લાગ્યું. પોતાની પાસે રહેલી ચાવી વડે બુઢ્ઢાએ દરવાજો ખોલ્યો. બંધિયાર ઘરની વાસથી કેવનાએ નાક પર સાડીનો છેડો દબાવ્યો. આખા ઘરમાં ચારે તરફ કાગળ વિખરાયેલા પડ્યા હતા. એક કાગળ હાથમાં લઈને જોતાં જ કેવના સ્તબ્ધ થઈ ગઈ. આ તો પોતાનું જ ચિત્ર! એણે એક પછી એક બધા કાગળો ઉઠાવ્યા તો એના જ ચિત્રો નીકળ્યા. રૂમમાં ગોઠવેલા કેનવાસમાં દોરેલા પોતાના અધૂરા ચિત્રના રંગો હજુ તાજા હતાં. કેવિન ક્યાંય દેખાતો નહોતો. કેવનાએ બુઢ્ઢા તરફ પ્રશ્નાર્થભરી નજરોએ જોયું.

"બહેન, આ મારા કેવિનભાઈ વર્ષોથી તમારી સાધના કરી રહ્યા છે. તમારા માટે એમણે પોતાનું ઘર છોડીને આ ફ્લેટ લીધેલો. તમને ખુશ કરવા સારું તમારું અદ્દલ ચિત્ર બનાવવા મથતા કેવિનભાઈને તમારા લગ્નની જાણ થઈ ત્યારે તેઓ ભાંગી પડ્યા. આ નાનકડા ફ્લેટમાં પોતાની જાતને કેદ કરીને તમારા ચિત્રોમાં ખોવાઈ ગયા." બુઢ્ઢાના સ્વરમાં ભીનાશ વ્યાપી ગયેલી.

"પણ એણે મને એક વાર કહેવું તો હતું. " કેવના બોલી.

"સાચો પ્રેમ હોય ને તો વાત કહેવા કરતા પારખવાની હોય." બુઢ્ઢાની વાતો સાંભળીને કેવનાને આઘાત લાગ્યો હોય એમ એ દિગ્મૂઢ થઈ ગઈ. એની નજરો કેવિનને શોધવા લાગી.

અધખુલેલા બેડરૂમના દરવાજાને બુઢ્ઢાએ ખોલી નાખ્યો ત્યારે દાઢી મૂછો અને ગરદન સુધી વધેલા વાળ ધરાવતી એકવાડિયા બાંધાની વ્યક્તિ હાથમાં પીંછી લઈને ઇઝી ચેરમાં ગોઠવાયેલી હતી. કેવના દોડતી જઈને એના પગમાં પડી ગઈ.

"કેવિન, પ્લીઝ મને માફ કરી દે. મારી જ ભૂલ હતી. મારે તારી રાહ જોવી જોઈતી હતી." કેવિન કેવનાને એકીટસે તાકી રહ્યો. પછી એને ઓળખતો જ ન હોય એમ ઉઠ્યો અને કેનવાસ પર અધૂરું ચિત્ર પૂરું કરવા માંડ્યો.

" કેવિન..કેવિન.." કેવનાએ બૂમ પાડી પણ કેવિન પર એની કોઈ અસર ન થઈ.

"બહેન, એ નહીં સાંભળે. વર્ષોથી હું એમનો રખેવાળ બનીને એમની ચાકરી કરી રહ્યો છું. મારા કેવિનભાઈ તો ક્યારનાય ખોવાઈ ગયા છે એમના અજ્ઞાતવાસમાં.." બુઢ્ઢો બોલી રહ્યો હતો અને કેવનાને પોતાની સફેદ સાડી મેલી થઈ ગઈ હોવાનું ભાન થયું.
                  - અંકિતા સોની (ધોળકા)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. આ વાસ્તવિક પ્રેમ કહાની થી પણ અનેક ગણી હૃદય સ્પર્શી વાર્તા છે. પ્રેમ શું છે એ અનુભવી શકાય...પ્રેમ માં વસ્તુ કરતા ભાવ નું મૂલ્ય અને ગણું હોય છે ..જે કેવીને દોરેલ પ્રથમ અને બીજા ચિત્ર માં હતું જે કેવના સમજી ન શકી....ખૂબ ખૂબ અદ્ભુત વાર્તા છે.

    ReplyDelete
Previous Post Next Post