લાંછન (Lanchhan)

Related

લાંછન .."
************* અંકિતા સોની
ખીચોખીચ ભરેલા હૉલમાં દુપટ્ટાથી મોં ઢાંકીને પરિધીએ પ્રવેશ કર્યો. માંડ માંડ જગ્યા શોધીને એ બેઠી. ધીરેથી દુપટ્ટો હટાવીને એણે આસપાસ નજર કરી પણ સાથે ભણતી બધી છોકરીઓએ એની સામે જોયું ન જોયું કર્યું.


AVAKARNEWS
લાંછન - Lanchhan

આજે કોલેજમાં વાર્ષિકોત્સવ હતો. સ્ટેજ પર કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા નગરના અન્ય મહાનુભાવો ગોઠવાયા હતાં. દીપ પ્રાગટ્ય અને પ્રવચનો પછી સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયાં ત્યારે કોલેજના યુવાનોએ ચિચિયારીઓ પાડીને આખો હોલ ગજવી મૂકેલો.

એક પછી એક કાર્યક્રમ પૂર્ણ થયાં. છેલ્લે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનું શરૂ કર્યું. આ વર્ષે ઇન્ટર કોલેજ ડાન્સ સ્પર્ધામાં પરિધિએ એની કોલેજનું નામ રોશન કર્યું હતું. નિયમ મુજબ પ્રમાણપત્ર અને શિલ્ડની અધિકારી પરિધી પણ હતી. ઈનામ વિતરણ સમારંભ પૂરો થયો પણ કોઈએ પરિધીનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. થોડી નારાજગી સાથે પરિધી ઉઠી. દુપટ્ટો સરખો કરીને સડસડાટ એ હૉલની બહાર નીકળી ગઈ. 

કોલેજ પાસે આવેલા બગીચાના બાંકડે બેસતાં પરિધીથી ઊંડો નિસાસો નંખાઈ ગયો. પર્સમાંથી પાણીની બોટલ કાઢીને એકીશ્વાસે ગટગટાવી. ખાલી બોટલ પર્સમાં મૂકતાં એક કવર એને હાથ લાગ્યું. કવરમાંથી કાગળ કાઢ્યો અને છૂટા મોંએ રડી પડી. દૂર ઉભેલા કેટલાક લોકોની નજર એના પર હોવાનો આભાસ થતાં એ ઝડપભેર ત્યાંથી નીકળી ગઈ.

"આવી ગઈ? કેવો રહ્યો પ્રોગ્રામ? તને તો આજે શિલ્ડ મળ્યું હશે ને.." પરિધિ ઘરમાં પ્રવેશતાં જ મોટી બહેન રીમાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. જવાબ દેવાને બદલે એ પોતાના રૂમમાં પૂરાઈ.

નાનકડા ખુશહાલ પરિવારની તેજસ્વી દીકરી પરિધીનું કોલેજનું આ છેલ્લું વર્ષ હતું. ગ્રેજ્યુએશન પૂરું કરીને માસ્ટર ડિગ્રી મેળવવા આતુર પરિધીના સપનાને કલંકનો કાળો પડછાયો ગળી ગયેલો. નૃત્ય શીખવા ડાન્સ એકેડમી ગયેલી પરિધી પર એના ડાન્સગુરુની નજર બગડી અને એક દિવસ મોડે સુધી પ્રેક્ટિસના બહાને... પરિધી જેમતેમ કરીને જાતને બચાવીને ત્યાંથી ભાગી છૂટી.

રડતી ફફડતી પરિધિએ ઘરે પહોંચીને સમગ્ર ઘટના પરિવાર સમક્ષ રજૂ કરી ત્યારે પિતાનો ક્રોધ ભભૂકી ઉઠયો. મનથી ઘવાયેલી પરિધીને ખરીખોટી સંભળાવીને બે ચાર લાફા ઝીંકી દીધા. ઘરની આબરૂ બચાવવા એને બહાર નીકળવાની મનાઈ કરી દેવાઈ. એ ઘટના પર પડદો પાડવાનું સહુ પરિજનોએ નક્કી કરી દીધું. વગર વાંકે સજા મળવાથી એનો આત્મા કકળી ઉઠયો. અલબત્ત, ઇન્ટર કોલેજ ડાન્સ સ્પર્ધામાં એણે જ્યારે દુર્ગારૂપ ધારણ કરીને નૃત્ય કર્યું ત્યારે પ્રેક્ષકોએ તાળીઓનો વરસાદ વરસાવી દીધેલો. પ્રથમ નંબરે વિજય પ્રાપ્ત થતાં એને ટ્રોફી મળી.

આ વખતે કોલેજના વાર્ષિકોત્સવમાં એને પ્રમાણપત્ર અને શિલ્ડ પેલા ડાન્સ ગુરુના હસ્તે મળવાના સમાચાર મળ્યા ને પરિધી રોમેરોમ સળગી ઉઠી. સીધી જઈ ચડી પ્રિન્સિપાલની ઓફિસમાં અને તમામ વૃતાંત કહી સંભળાવ્યો. કોલેજમાં વાયુવેગે ખબર ફેલાઈ ગઈ અને નિર્દોષ પરિધી પર દોષનો ટોપલો ઢોળી દીધો. કોલેજને કથિત બદનામીથી બચાવવા પ્રિન્સિપાલે એને તાત્કાલિક સસ્પેન્ડ કરી.

પરિધી જ્યાં જાય ત્યાં એને પેલા નફ્ફટ ડાન્સગુરુનો વરવો ચહેરો દેખાતો. ડાન્સગુરુની પ્રતિષ્ઠા પણ એટલી બધી હતી કે કોઈ પરિધીની વાતનો વિશ્વાસ કરતું નહીં. એથી એ વધુ અકળાઈ.

"સર..મને..મને માફ કરી દો.." ડાન્સગુરુની કેબિનમાં પગ મૂકતાં ગળગળા અવાજે પરિધી બોલી.

"હા..હા.. આવ..આમ પણ તારી વાત કોઈ માનશે નહીં.. મેં કહ્યું હતું ને તે દિવસે.. તારી પાસે મને તાબે થવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.. " લોલુપ નજરોથી પરિધીને તાકીને અટ્ટહાસ્ય કરતાં ડાન્સગુરુ બોલી રહ્યો હતો.

ખુરશીમાંથી ઊભા થઈને જેવો એ પરિધીની નજીક આવવા ગયો ત્યાં પરિધીની પાછળ એને બીજા ચાર હથિયારધારી હાથ દેખાયાં. પાછળ ઊભેલી મહિલા પોલીસ અને પરિધીના ક્રોધથી લાલ ચહેરામાં એને સ્વયં મહાકાલીના રૌદ્રરૂપના દર્શન થયાં!

                            - અંકિતા સોની (ધોળકા)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post