મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૬)
ડોક્ટરે દવાઓનું લાંબું લીસ્ટ લખી આપ્યું. કઈ દવા ક્યારે અને કેટલી વખત લેવાની એની સમજણ પણ લખી આપીને તે રીતે સુમિતને સમજ આપી. ફરીથી એક મહિને બતાવવાનું પણ કહ્યું. એ પછી બંને ત્યાંથી નીકળીને રસ્તામાં થોડીવાર એક ઠેકાણે થોભીને કંચનને ખૂબ ભાવતો "મસાલા ઢોંસા" અને આઈસ્ક્રીમ ખાઈને ઘેર આવ્યાં.
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
આજે સુમિતે ઓફિસેથી ઘેર આવીને કંચને સમયસર દવા લીધી છે કે કેમ એ વિશે માહિતી લીધી. આજે એને રાત્રે પ્રોગ્રામ આપવા જવાનું હતું. જલ્દી જમી પરવારાય તે માટે કંચને રોટલી બનાવવાનું બાકી રાખીને બીજી રસોઈ તૈયાર કરી રાખેલી અને સોનુને ખોળામાં રાખી હળવેકથી તેનું માથું પંપાળતી પંપાળતી પેટ ભરાવતી હતી. સુમિત એની પાસે બેસીને બોલ્યો, "તારે આખો દિવસ કેટલી બધી દવાઓ ગળવી પડે છે! દવાઓની બીજી આડઅસરો થશે ત્યારે તારામાં અશક્તિ પણ આવશે."
"એવે વખતેય તું સોનુને ધવરાવવાનું ચાલુ રાખીશ તો... તો સાવ જ નંખાઈ જઈશ. એટલે મારું માન અને વહેલીતકે આને ધવરાવવાનું બંધ કર તો સારું."
"હજી આઠ મહિનાનો છે. એક-સવા વર્ષ સુધી તો બાળકને માનું ધાવણ મળવું જ જોઈએ, મારા સાહેબ! અને તો જ બાળક મોટું થઈને નક્કર બને ને નખમાંયે રોગ ન થાય."
"વાહ કંચુ! તું આ બધું ક્યારે અને કોની પાસેથી જાણે છે? તારો ગુરુ કોઈ જેવોતેવો તો નહીં જ હોય! તારી વાત માનું તો ખરો, પણ એક શરતે—તારે ખોરાકમાં તાજું ગાયનું દૂધ એક મોટો પ્યાલો ભરીને રોજ પીવું પડશે, આચુંડુંચું બધું બંધ અને રોજ તને ભાવતાં તાજાં ફળફળાદિ પણ ખાવા પડશે. સમજી ને...?"
કંચનને થયું, 'સુમિત મને કેટલો બધો પ્રેમ આપે છે? હું શું એનું સાટું વાળી શકીશ? એ પહેલાં તો મારું મોત આવી પહોંચશે! ભગવાન, આટલા ભલા ને પ્રેમાળ માણસને લાંબું જીવે એવી સારી વહુ આપવી'તી ને? નહીં તો મને આવતા જન્મે પણ આ જ વર મળે તો એનાં પ્રેમનું ઋણ હું અદા તો કરી શકું!'
સુમિત અને કંચન બંનેએ જમી લીધું પછી થોડીવાર પ્રેમાલાપ કર્યો. ટાઈમ થતાં, પ્રોગ્રામ આપવા સુમિત ઘેરથી નીકળતો હતો ત્યારે કંચને યાદ દેવડાવ્યું, "અરે સુમિતજી, પેલી યશોદા ત્યાં આવે તો ઘેર આવવાનું મારું આમંત્રણ આપવાનું ભૂલતા નહીં, પાછા!"
આજે પણ સુમિતે દર્દીલા ગીતો ગાઈને હૉલમાં શ્રોતાઓને રડાવ્યાં. યશોદાની આંખોમાંથી તો દડ..દડ..દડ આંસુનાં રેલાં એની મત્સ્ય જેવી આંખોમાંથી વહેતાંવહેતાં એનાં ગુલાબી ગાલ પર ટીપાં બનીને અટકી ગયેલાં, જાણે કે કમળનાં પાન પર ઝાકળનાં બુંદ બાઝ્યાં ન હોય!
કાર્યક્રમ પૂરો થયા પછી એ થોડીવાર ત્યાં જ થોભી અને જેવો ચાન્સ મળ્યો કે તરત તે સુમિતને જઈને મળી ને બોલી, "ખૂબ સરસ ગાવ છો, પ...ણ..."
યશોદા અટકી એટલે સુમિતે તરત પૂછ્યું, "પણ શું?"
"આવાં વિયોગ ને વિરહમાં ઝૂરતા કોઈ પ્રેમીનાં દર્દીલાં ગીતો બહુ ગમતાં નથી. તમે કેમ હમણાંથી આવાં જ ગીતો પસંદ કરો છો?"
યશોદાએ ખુલાસો કર્યો ત્યારે સુમિતે કહ્યું, "સમય આવશે ત્યારે હું તને જણાવીશ. પણ, મારી પત્નીએ તને મારે ઘેર ક્યારેક પધારવાનું આમંત્રણ આપ્યું છે. મેં દરેક પ્રોગ્રામમાં તારી હાજરીની એને વાત કરેલી છે."
"મારી પત્નીને તું ખાલી એકવાર જોઈશ ને, અને તેને સાંભળીશ ને તો તું વારંવાર મારે ત્યાં વગર આમંત્રણે આવ્યા કરીશ, એની ખાતરી આપું છું. મારી પત્ની ખૂબ જ સુશીલ અને પહેલી નજરે જ ગમી જાય એવી સુંદર પણ છે, તારા જેવી જ!"
સુમિતસર પરણેલા છે તે વાત જાણ્યા પછી પણ યશુને એના પ્રત્યે જે સ્વાભાવિક ચાહના છે તેમાં લેશમાત્ર ફેર પડ્યો નહીં, કેમ કે યશુનો પ્રેમ સાચા અર્થમાં પ્રેમ છે; એને સામેની વ્યક્તિ પાસેથી કોઈ અપેક્ષા જ નથી. એટલે એણે મુસ્કરાઈને સુમિતસરને કહ્યું, "લો આ કાગળ, તમારું એડ્રેસ અને ફોન નંબર લખી આપો, હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ આશા, બંને ત્યાં આવીશું."
સુમિતે ફોન, એડ્રેસ લખી આપ્યાં તે પછી બંને ત્યાંથી છૂટા પડ્યાં. યશોદા આજે મનોમન ખુશ થતી ઘેર ગઈ.
એક રવિવારે સાંજે ચારેક વાગ્યે આશાને સાથે લઈને યશોદા સુમિતના ઘેર પહોંચી. સુમિત કંચનની જોડે સોફા પર બેસીને એને ખુશ રાખવા અવનવી વાતો કરી રહ્યો હતો. બંનેને ખુશમિજાજમાં જોઈને યશોદા બોલી, "ઓહ, સોરી સર, ડિસ્ટર્બ તો નથી કર્યાં ને?"
"અરે આવો યશોદા, આવો આશા! આજે મને ધારણા હતી જ, ને તમે બંને આવ્યાં છો તો આનંદ થયો. અમે જરાય ડિસ્ટર્બ નથી થયા હોં, યશોદાજી!"
"અરે સર, તમે મને ખાલી 'યશુ' કહેશો તો ગમશે; આશા પણ મને 'યશુ' જ કહે છે. એણે જ લાડથી મારું નામ 'યશુ' કરેલ છે."
"હું તો એને 'યશુ'ય કહું, 'દીદી'ય કહું અને ક્યારેક તો 'મારી મા'યે કહું છું." આશાએ હસતાં હસતાં કહ્યું.
" 'યશુ' અને 'દીદી' તો સમજ્યા, પણ 'મા' કેમ કહે છે એ ચોખવટ કર, આશા." કંચને વાતની શરૂઆત કરી એટલે આશાએ ચોખવટ પણ કરી, "જુઓ દીદી, આમ તો યશુ મારાથી છએક મહિના મોટી છે એટલે મારી મોટી દીદી છે, 'યશુ' તો હું એને લાડમાં કહું, એ એને ગમે પણ છે."
"હવે 'મા' કેમ કહું છું, ખબર છે? એ મને 'મા'ની જેમ ક્યારેક ખિજડાઈને થપાટ પણ મારી લે છે! પણ દીદી, હું જાણે યશુની દીકરી હોઉં ને, એમ મને સાચવે પણ છે હોં! મને તમે જ કહો દીદી, હું એને 'મા' કહું છું, એ બરાબર ને?"
કંચન સહિત સહુ હસી પડ્યાં. પછી કંચને કહ્યું, "બેય મારી બહેનો, અહીં મારી સામેના સોફા પર બેસો. આજે પહેલીવાર બંને મળી રહ્યાં છો, ને સુમિત તમારી પ્રશંસા કરતા હોય છે, તે માટે મારે બેયને બરાબર નીરખવી છે."
આ સાંભળીને બંને જણી થોડી ક્ષોભીલી પડી, પણ સુમિતે બેયને સોફા પર બેસવા કહ્યું, "સોફા પર બેસો તો કંચનને તમારી સાથે વાતો કરવી ગમશે. એ તમને મળીને ખુશ થઈ છે", એવી સ્પષ્ટતા કરી, એટલે બંનેએ બરાબર કંચનની સામે જ સોફા પર બેઠક લીધી.
"મારા સુમિતસાહેબનાં ગીતોમાં બહુ મજા આવે છે ને? મારેય એમના પ્રોગ્રામમાં આવવું છે, પણ જુઓ ને બહેનો, આ મારો સોનુ હજી બેસતાં માંડ શીખ્યો છે. એને લઈને કેમ આવવું? એ થોડો મોટો થાય ને, પછી હુંય ત્યાં આવીશ."
થોડીવાર અટકીને કંચને આગળ ચલાવ્યું, "આજે તમે મને કહો કે તમને એના કયાં ગીતો પસંદ પડ્યાં છે તો એમાંથી એકાદ આજે આપણે સૌ સાંભળીએ!"
"ઈશ્વરે સર્જેલ આ સૃષ્ટિ—એમાં આકાશ, સૂરજ, ચંદ્ર, સાગર કે પર્વતનાં ગીતો, ભક્તિગીતો, પ્રેમનાં ગીતો એવું બધું સાંભળવું યશુદીદીને બહુ... બહુ... જ ગમે છે." આશાએ જ કહી દીધું એટલે યશુથી નહીં રહેવાતાં તરત જ બોલી, "પણ કંચનદીદી, હમણાંહમણાંથી સુમિતસર કોઈ પ્રિય પાત્રના વિયોગમાં ઝૂરતા પ્રેમીનાં ગીતો ગાયા કરે છે, ને હૉલમાં બધાંને ધ્રૂસકે ને ધ્રૂસકે રડાવે છે. બસ, એવું જોવું કે સાંભળવું નથી ગમતું મને."
આવું સાંભળીને કંચને સુમિત સામે જોઈ લીધું અને પામી ગઈ કે—હમણાંથી મારી માંદગીના કારણે જ સુમિત આવાં ગીતો ગાતો હશે!! નક્કી સુમિત જાણે જ છે કે મને મટે નહીં એવી કોઈ અસાધ્ય બીમારી છે જેને લીધે એના મનમાં અવનવા અશુભ વિચારો આવતાં હશે.
સુમિતે કંચનનાં મનમાં ચાલી રહેલ સાચી આશંકાને પામીને એ દૂર કરવા વાસ્તે કહ્યું, "યશુ, તમને ન ગમતાં હોય એવું બને, પણ ઘણાં એવાં શ્રોતા પણ હોય છે કે જેમને આવા વિરહના ને વિયોગનાં દર્દભર્યાં ગીતો જ પસંદ હોય. એટલે, અમે ગાયકોએ તો એ ખ્યાલમાં રાખીને એવાં દર્દીલાં ગીતો પણ ગાવા પડે. ઘણાંની તો એવી ફરમાઈશ પણ હોય છે."
જોકે, કંચનનું મન સુમિતની આ વાતનો સ્વીકાર કરી શક્યું નહોતું એ વાતનો સહેજ અણસાર સુમિતને પણ આવી જ ગયેલો. એવું જણાતાં, વાતને બીજે પાટે ચડાવવા સારુ જ કંચન બોલી, "જવા દો એ બધી વાત. સુમિત, આજે યશુને ગમે છે એવું ગીત ગાઓ, અમારે સાંભળવું છે."
સુમિતે યશુની સામે જોયું, તો યશુએ બંને આંખો સહેજવાર બંધ રાખીને હળવેકથી મોં પર સ્મિત પ્રસારીને, માથું નીચે તરફ નમાવીને મૌનની ભાષામાં એણે "હકાર" દર્શાવી.
આમ, બધાંની ઇચ્છાને માન આપીને સુમિતે ધીમા સાદે, મધુર કંઠે ગીત ગાયું. કોઈ જ વાજિંત્રો વગર પણ એ ગીત એટલું સરસ રીતે ગાયું કે કંચન સહિત બધાંએ તાળીઓ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરી. પછી બંને બહેનો ઘેર જવા માટે ઊઠવાની તૈયારી કરતી હતી, ત્યાં જ કંચને કહ્યું, "અરે! માફ કરજો બહેનો, હું તો તમને પાણી કે ચા-કોફીનું પૂછવાનુંય ભૂલી ગઈ! સારું હવે થોડીકવાર બેસો તો હું ચા-કોફી જેવું કંઈક બનાવું. આજે પહેલીવાર આવ્યાં છો તો એમ જ થોડાં જવા દેવાય?"
યશુએ કહ્યું, "ના દીદી. પ્લીઝ રહેવા દો. ફરી આવીએ ત્યારે ચોક્કસ પીશું."
"એવી શું ઉતાવળ છે?" સુમિતે જ્યારે એવું કહ્યું ત્યારે યશુએ જણાવ્યું, "છ વાગી ગયા છે, ઘેર જઈને રસોઈ બનાવીશું એટલે સહેજે આઠ વાગશે."
"તો તો આજે તમારે બેયને અહીં જ જમવાનું છે. ઘેર જઈને રસોઈ શું કામ કરવી પડે? આમેય મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ જ ગયો છે ને! તમને મારા સમ છે, કશું બોલવાનું નથી. થોડીવાર મારા આ સોનુને તમે રાખશો ને, ત્યાં લગી હું ફટાફટ રસોઈ કરી નાંખીશ, ને આપણે સાથે જ સૌ જમવા બેસી જઈશું. મારા હાથની રસોઈ તમે એકવાર ચાખશો એટલે વારંવાર આવતા થઈ જશો. બરાબર ને સુમિત?" સુમિત તરફ મોં ફેરવીને કંચને કહ્યું.
કંચનની વાતે સહમત થતાં સુમિત બોલ્યો, "હા, બરાબર છે. મોડું થશે તો ઘેર સુધી મૂકવા આવીશ. ઉપાધિ ન કરશો."
યશુને વાત ગમી. એને સુમિત કરતાંય કંચન વધુ ગમી. એણે આશાની તરફ નજર કરીને કંચનને કહ્યું, "સારું દીદી. અમે આજે અહીં જ તમારા હાથની રસોઈ જમીશું. તમે બનાવો, આશા તમને મદદ કરશે અને.... હું સોનુને રમાડું?"
"હાસ્તો! તમે બેય બહેનો હવેથી એની માસી જ છો અને મા હોય કે માસી હોય, શું ફેર પડે?"
યશુએ સોનુને બે હાથમાં વહાલથી લીધો ને એનાં ગાલે બેત્રણ "બચ્ચી" ભરીને બોલી, "દીદી, અસલ પપ્પા ઉપર જ છે, જુઓને એનો ચહેરોમહોરો આબેહૂબ સુમિતસર જેવો જ! પરાણે વહાલો લાગે હોં દીદી!!"
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
