મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૭)
કંચને જ્યારે બંને સખીઓ—યશુ અને આશાને જમીને ઘેર જવા આગ્રહ કર્યો ત્યારે યશુને ખૂબ ગમ્યું. એને સુમિત કરતાંય કંચન વધુ ગમી. એણે આશાની તરફ નજર કરીને કંચનને કહ્યું, "સારું દીદી. અમે આજે અહીં જ તમારા હાથની રસોઈ જમીશું. તમે બનાવો, આશા તમને મદદ કરશે અને... હું સોનુને રમાડું?"
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"હાસ્તો! તમે બેય બહેનો હવેથી એની માસી જ છો અને મા હોય કે માસી હોય, શું ફેર પડે?"
યશુએ સોનુને બે હાથમાં વહાલથી લીધો ને એનાં ગાલે બેત્રણ "બચ્ચી" ભરીને બોલી, "દીદી, અસલ પપ્પા ઉપર જ છે, જુઓને એનો ચહેરોમહોરો આબેહૂબ સુમિતસર જેવો જ! પરાણે વહાલો લાગે હોં દીદી!!"
"કંચનદીદી તો સુમિતસરથીયે રૂડાંરૂપાળા છે. મમ્મી ઉપર પડ્યો હોત તો તો અત્યારથી સોનુનાં માગાં આવત, હોં દીદી!" આશાની વાત સાંભળીને સુમિત બોલ્યો, "સોનુને બદલે ભગવાને જો દીકરી આપી હોત તો કેવું સારું રહેત! અસલ કંચન જેવી જ સુંદર હોત ને, નહીં આશા?"
"તો, સોનુને આવો જ પ્રેમ દીદી કરત ખરાં? પણ... સુમિતસર તો ચોક્કસ કરતા, નહીં આશા?" યશુ હસતાંહસતાં બોલી ત્યારે કંચને કહ્યું, "યશુ બહેન! સુમિતસરને જ પૂછી જો કે મારામાં કદીયે એવો ભેદભાવ હોય ખરો?"
સુમિતે ઉમેર્યું, "યશુ, કંચન બહુ જ પ્રેમાળ છે; એ મને જેટલો પ્રેમ કરે છે એટલો જ તમને પણ કરે છે ને બધાંયને કરે છે. એટલે જો સોનુની જગ્યાએ છોકરી જન્મી હોત તોયે એનો માતૃપ્રેમ જરાય ઓછો ન હોત."
આમનેઆમ વાતોનો દોર ચાલતો હતો ત્યાં જ કંચને સુમિતને રસોડામાં જ આસનિયાં પાથરવાનું જણાવીને પોતે ત્રણ થાળી પીરસીને તૈયાર કરી. સુમિતે ચાર આસનો પાથર્યાં, સૌ સાથે જમવા બેઠાં, પણ જમવાની શરૂઆત થાય તે પહેલાં યશુએ પ્રશ્ન કર્યો, "દીદી, તમારે જમવાનું નથી? ત્રણ જ થાળી પીરસી છે તો એક ચોથી પીરસવાની રહી ગઈ કે શું?"
કંચને જવાબ વાળ્યો, "હું ને સુમિત એક થાળીમાં જ જમી લેશું. સુમિત જાણે હજી નાના બાળક હોય ને એ રીતે હું આ ઘરમાં આવી ત્યારથી મોટેભાગે અલગ થાળી લેતાં નથી. હું ઘણીય વાર કહું છું કે બીજાં જોશે ને તો તમારી ઠેકડી કરશે કે આ તો જો, બૈરાનો ગુલામ હોય એમ! પણ ક્યાં માને છે? મેં પછી કહેવાનું જ બંધ કર્યું. કંઈ નહીં, એને એ સારું લાગે છે ને?"
"દીદી, આ જ બતાવે છે કે સુમિતજીને તમારા માટે કેટલો બધો પ્રેમ છે? અને પ્રેમમાં માણસને દુનિયાદારીની પરવા શું કામ હોય?" સુમિતનો પક્ષ લેતાં યશુ આટલું બોલી.
વાસ્તવમાં યશુએ સુમિતનો પક્ષ લઈને પ્રેમની જ મહત્તા વ્યક્ત કરી. યશુ પણ ક્યાં પ્રેમાળ નથી? કંચન અને સુમિતનાં પ્રેમભર્યાં દાંપત્યજીવનની સાક્ષી હોવા છતાં તે સુમિતને પણ એકતરફી પ્રેમ કરે જ છે ને? એમાં યશુનો કોઈ સ્વાર્થ નથી; પ્રેમ હંમેશાં નિસ્વાર્થ હોય છે.
પછી કંચને "જય શ્રીકૃષ્ણ" કહીને બધાંને જમવાનું ચાલુ કરવાનું કહીને એણે પહેલો કોળિયો સુમિતને ખવરાવ્યો ને સુમિતે સામે કંચનને ખવરાવ્યું. આશા અને યશુએ કોઈ કોમેન્ટ કરવાનું મુનાસિબ ન ગણ્યું, બલ્કે, બંનેને અલૌકિક પ્રેમનું આ દ્રશ્ય બહુ જ ગમ્યું હોય એવા હાવભાવ દર્શાવ્યા.
જમવાનું પૂરું થયું, સૌ ઊભા થયાં પછી યશુ અને આશાએ ભેગાં રહીને આસનો ઉપાડીને એનાં સ્થાને મૂક્યાં અને વાસણો ભેગાં કરીને બહાર ચોકડીમાં મૂકીને ઉટકવા સારુ ત્યાં બેસવા જતાં'તાં ત્યારે કંચને ઈશારાથી બંનેને ત્યાં બેસતાં અટકાવીને કીધું, "જરૂર નથી બહેનો, હમણાં અમારા મધુબા આવશે એટલે એ બધુંય કરી નાંખશે. તમે બેય પાછા અહીં આવીને બેસો."
"મધુબા? કોણ મધુબા?" યશુએ પ્રશ્ન કર્યો.
"કામે રાખેલા છે મધુબાને. હું તો ખાલી ચા ને રાંધવાનું કામ કરું છું. સુમિતે તો રાંધવાકરવા માટેય કોઈ બહેનને લાવી આપવાનું કહ્યું'તું, પણ પછી આપણું શરીર કામકાજ વગરનું સાવ નકામું ન થઈ જાય? વળી, રાંધવાનું કામ આપણે જે ભાવથી—લાગણીથી કરતા હોઈએ એવા ભાવ કે લાગણીથી બહારનું કોઈ થોડું જ કરે?"
"આપણે કરેલી રસોઈમાં આપણી ભક્તિ ભળે ને... તો ખાનારને ખાધું કામ આવે, ને વિચારોય સારા અને સાત્વિક આવે. આ તો હમણાંથી હું માંદી રહું છું, એટલે આ મધુબાને તો સુમિતે મારી ના છતાં ઉપરવટ જઈને રાખ્યા છે. પણ એણે જે કર્યું એ બરોબર છે, કેમ કે મધુબા એટલો સમય તો મારી સાથે રહે! નહીં તો હું એકલીએકલી મરવા પડું. અને મધુબા પરાણે આપણને વહાલાં લાગે એવા છે; હું એમને કહું છું કે 'હું તો તમારી દીકરી જેવી છું, મને તમે શેઠાણી ન કહો.' એટલે વળી મને શેઠાણી કહીને નથી બોલાવતા, તોપણ મનેય પાછા 'બા—કંચનબા' તો કહે જ છે."
"સુમિતને પહેલાં તો 'શેઠ' કહીને જ બોલાવતાં, પણ મેં વાર્યા એટલે હવે 'સુમિતભાઈ' કહે છે, 'સુમિત' પણ નહીં. નહીં તો, સુમિત પણ મધુબાના દીકરા જેવો ન ગણાય?"
આમ, કંચને એકસાથે ઘણું બધું કહી નાંખ્યું, ત્યાં જ મધુબા આવી ગયાં ને જે કામે એમને રાખેલાં તે ચૂપચાપ કરવા માંડ્યા. ત્યારપછી, યશુ અને આશા ત્યાંથી કંચનની રજા લઈને ઘેર પરત થતાં હતાં ત્યાં કંચને કહ્યું, "બંને મારી બહેનો, હવેથી ટાઈમ કાઢીને અહીં મારી પાસે—મોટી દીદીની પાસે આવતાં રહેજો. આજે હું બહુ રાજી થઈ છું."
"અમને પણ તમારી જોડે આજે ખૂબ આનંદ આવ્યો છે, એટલે તમે નહીં કહો તોપણ અમે ચોક્કસ આવતા રહીશું" એમ કહીને યશુ અને આશા તરત ત્યાંથી વિદાય થયાં.
દિવસો કંચનની સારવારમાં વીતવા લાગ્યા. કંચનને ભારેખમ દવાઓ લેવાથી શરીરમાં અશક્તિ અને બેચેની વધવા માંડી. સુમિતે આજે કંચનને લઈને ડોક્ટર પાસે જવાનું હતું.
કંચને કહ્યું, "સુમિત, ડોક્ટરને કહીને દવાઓ બદલાવવી પડશે, મને ઠીક થવાને બદલે વધારે તકલીફ થાય છે. સોનુને પેટ ભરાવવા માટે લઉં છું, પણ કોણ જાણે, પહેલાં જેવું ધાવણ વછુટતું નહીં હોય, તે દીકરો ભૂખ્યો રહેતો હશે એમ લાગે છે; પહેલાં તો ધાવીને બે કલાક શાંતિથી સૂઈ રહેતો, પણ હમણાંથી ધરાતો નહીં હોય તેથી ખાસ ઊંઘતો નથી; રડ્યા કરે છે. મારો તો જીવ બળે છે!"
"સારું કંચન, આજે તું પણ ડોક્ટરસાહેબને કહેજે ને! હુંય કહીશ હોં?" સુમિતે કંચનને આશ્વાસન આપ્યું. બંને જણાં બપોરે જમીકરીને દવાખાને જવા નીકળ્યાં એ પહેલાં મધુબાને બોલાવી લીધેલાં ને સોનુ મધુબાને સોંપીને કંચને કહ્યું, "જુઓ બા, અમને વાર લાગે તો સોનુને સંભાળજો; બીજાં કામ ભલે એમનેએમ પડ્યાં રહે, કામની ચિંતા નથી. એનું પેટ પૂરું ભરાતું નથી તે કજિયો કરશે, પણ બા, હું શું કરું? માનો જીવ છે ને! મને ચિંતા તો થાય ને બા!"
"સોનુની જરાય ચિંતા નહીં કરતાં, કંચનબા! રડશે તો ગમેતેમ કરીને હું સંભાળી લઈશ. મારી તો ઉંમર છે, મને હવે થોડું ધાવણ આવે? નહીં તો તો હુંય શું કામ જોઈ રહું? છાતીએ ન વળગાડું?" મધુબા બોલ્યા.
સોનુ મધુબાને સોંપીને કંચન સુમિતની જોડે દવાખાને ગઈ, પણ મનમાં સોનુની ચિંતા તો ખરી જ! મા છે ને!
જોગાનુજોગ આજે યશુની કૉલેજમાં કોઈ કારણસર રજા પડી ગયેલી તેથી તે સીધી જ કંચનદીદીને મળવા સારુ તેના ઘેર ગઈ. મધુબાને એકલાંને જ જોયાં એટલે યશુએ પૂછ્યું, "કેમ બા, આજે દીદી ક્યાં?"
"તબિયત બતાવવા સુમિતભાઈ એને દવાખાને લઈ ગયા છે."
"કેમ? સુમિતસર આજે વહેલાં આવી ગયેલાં?"
"હા, બહેન. બીજું કોણ લઈ જાય? એ તો સારું થજો બહાદુરભાઈનું કે એમની મોટરમાં જ લઈ ગયા છે. આજે કંચનબા આમેય બહુ થાકેલાં હતાં, દવાઓ માફક નથી આવતી, એટલે દવાઓ બદલાવવાની વાત કરતાં હતાં." થોડીવાર રહીને પાછું મધુબા બોલ્યા, "તમે આજે કોલેજથી વહેલાં આવી ગયા કે શું?"
"હા બા." ટૂંકો જવાબ આપીને ત્યાં પલંગમાં સૂઈ રહેલા સોનુને જોઈને યશુ બોલી, "બા, આ સોનુને અહીં મૂકતાં ગયાં છે? એ ઊઠશે તો તમે સંભાળી શકશો?"
"હાસ્તો બહેન! મારા ઉપર કંચનબાને પૂરો વિશ્વાસ. આ તો મારી ઉંમર થઈ ગઈ છે, નહીં તો બેન, કંચન ન હોય તો હું એને ધવરાવી પણ લેત, કેમ કે કંચનબાનું શરીર બહુ પાછું પડી ગયું છે, એટલે બાપડાને પૂરું ધાવણ ક્યાં આવે છે? બાળક ભૂખ્યું રહે એટલે કજિયે તો ચડે જ ને?"
"સાચી વાત છે, બા. કંચનબા જેવી બાઈને ભગવાને આવું દુઃખ શા માટે આપ્યું હશે? આપણાં જેવાનું હૈયું પણ રડતું હોય તો સુમિતસાહેબને તો થાય જ ને? એમનું તો પોતાનું માણસ કહેવાય. કેટલો બધો પ્રેમ છે બંને વચ્ચે, નહીં બા?"
બંને વચ્ચે વાતચીત ચાલતી હતી ને સોનુ જાગતાવેંત રડવા જ માંડ્યો. મધુબા એને લે એ પહેલાં જ યશુએ એને તેડી લીધો અને એને છાનો રાખવા બંને હાથોમાં રાખીને જેમ હિંચકે ઝુલાવતી હોય તેમ ઝુલાવવા માંડી. એને વહાલથી બચ્ચીઓ ભરતી જાય ને હાલરડું ગાતી જાય. આ જોઈને મધુબાએ કહ્યું, "સારું થયું બહેન, તમે આવી ગયા તો જેમતેમ કરીને સોનુને સંભાળી શકાશે."
થોડીકવાર શાંત રહ્યા પછી સોનુએ પાછો કજિયો શરૂ કર્યો ને કંઈકરતાં કંઈવાતે છાનો રહે નહીં. એટલે, મધુબાથી સહજરીતે જ બોલાઈ જવાયું, "યશુબહેન, તમે સોનુની માસી જ છો ને? મા ને માસી, એ બેમાં કોઈ અંતર નથી, હોં? મારું માનો તો..."
એટલું કહીને મધુબા ખચકાયા એ જોઈને યશુએ પૂછ્યું, "બા, કેમ અટકી ગયાં? શું કહેવા જઈ રહ્યા'તાં? મારાથી છૂપાવો નહીં, તમે કીધું છે એમ હું સોનુની માસી જ છું ને માસી બીજી મા જ ગણાય. બોલો, હવે કંઈ?"
"તો બહેન, તમે આને છાતીએ ન વળગાડો?"
"બા, પણ હું હજી કાચીકુંવારી હોઉં તો મને શરમ ન થાય? અને બા, એમ કંઈ થોડું મને દૂધ આવશે? વળી, કોઈ જુએ તો કેવું લાગે?"
"પણ બહેન, આ તો ધરમનું કામ છે ને? એમાં ઈશ્વર રાજી થાય. આ ક્યાં કોઈ ખરાબ કામ છે? તેમછતાં, હજી તમે કુંવારા છો તેથી છાતીમાં હજી દૂધ ન આવે એવું બને અને પરણ્યાં પહેલાં આવું કરવામાં તમને શરમ ને સંકોચ થાય એ પણ સમજાય છે. આ તો મારાથી બળ્યું તમને આવું કરવાનું ચિંધાઈ ગયું, તો એમાં ખોટું તો નહીં લગાડો ને?"
યશુને મધુબાની વાતમાં દમ લાગ્યો. એણે વિચાર્યું, 'મારો રામ કરે ને મારી છાતીમાં જો દૂધ આવે તો હું આ બાળકને ધવરાવું તેથી થોડું જ મેં કોઈ પાપ કર્યું કહેવાય? ઉલ્ટાનું, આ તો એક લાચાર માને મદદ કરી કહેવાય! આશીર્વાદ લેવાનું કામ છે.'
આ વિચારે યશુ વધારે કંઈપણ બોલ્યા વગર ભગવાન શ્રી રામનું સ્મરણ કરતી ઊઠી, ને સોનુને તેડીને સીધી જ રસોડામાં જઈને ભોંય પર પીઠ ફેરવીને બેઠી, ને પોતાની છાતીએથી વસ્ત્ર સહેજ ઊંચું કરીને સોનુનું મોઢું પોતાના આંચળ આગળ લઈ ગઈ.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
