મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૮)
સોનુને રડતો છાનો રાખવા મધુબાથી યશુને પૂછાઈ ગયું કે, "બેન! તમે સોનુની માસી જ છો ને માસી પણ મા સમાન કહેવાય, તો તમે સોનુને છાતીએ ન વળગાડો?"
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
યશુને મધુબાની વાતમાં દમ લાગ્યો. એણે વિચાર્યું, 'મારો રામ કરે ને મારી છાતીમાં જો દૂધ આવે તો હું આ બાળકને ધવરાવું તેથી થોડું જ મેં કોઈ પાપ કર્યું કહેવાય? ઉલ્ટાનું, આ તો એક લાચાર માને મદદ કરી કહેવાય! આશીર્વાદ લેવાનું કામ છે.' આ વિચારે યશુ વધારે કંઈપણ બોલ્યા વગર ભગવાન શ્રી રામનું સ્મરણ કરતી ઊઠી, ને સોનુને તેડીને સીધી જ રસોડામાં જઈને ભોંય પર પીઠ ફેરવીને બેઠી. પોતાની છાતીએથી વસ્ત્ર સહેજ ઊંચું કરીને સોનુનું મોઢું પોતાના આંચળ આગળ લઈ ગઈ.
સોનુના મોંમાં આંચળ આવતાં જ તેણે પેટ ભરવાનું ચાલુ કરી દીધું. પાંચ-સાત મિનિટ પછી સોનુને બીજી છાતીએ વળગાડ્યો. સોનુ ઘટકઘટક દૂધ પીવા લાગ્યો અને થોડીવારે કિલકિલાટ કરતો થયો. યશુને તો અચરજ થયું કે એની છાતીમાં દૂધ કેમનું આવ્યું હશે! નક્કી, રામજીની જ કૃપા છે.
યશુ પોતાનું વસ્ત્ર સરખું કરીને પાછી રૂમમાં ફરી. મધુબાએ જોયું કે યશુએ મા તરીકેનું કામ પૂરું કરી દીધું, છતાંય એના ચહેરા પર ઉપકારનો કોઈ ભાવ નહીં! વાહ, બીજી કંચનબા જ જોઈ લો! રૂપમાં ને ગુણમાં, બેય વચ્ચે કોઈ જ ફરક નથી!
હવે તો સોનુ યશુના હાથ જાણે ઓળખતો હોય તેમ કાનુડાની જેમ 'મરક મરક' હસતો જાય ને યશુના ગાલે બંને કુમળા હાથ પ્રસરાવતો જાય. યશુને થયું કે, 'કંચનદીદીને આવતાં વાર લાગશે તો મારે ઘરે જવામાં મોડું થશે ને બિચારી આશા કોલેજથી આવીને ભૂખી થશે. મને નહીં જુએ એટલે રસોડામાં કંઈક નાસ્તો પડ્યો હશે એમ માનીને વિખાવિખ કરશે ને મનમાં ને મનમાં મારા પર ગુસ્સે થશે. બાપડીને મારા સિવાય કોણ રાંધી ખવરાવે? ને મારા સિવાય એ ક્યાં કોઈનું રાંધેલું ખાય પણ છે?'
આવા વિચારથી એણે ઘેર જવા માટે સોનુને મધુબાના હાથમાં આપ્યો ને બોલી, "બા, હું હવે ઘેર જાઉં? આશા કોલેજથી આવીને તરત ખાવા માંગશે ને મારે મોડું થાય તો એ બિચારી ભૂખીભૂખી વાટ જોશે."
"પણ બહેન, આશા રાંધી ન નાંખે?"
"ના, બા. એ ભણવામાં ખૂબ હોંશિયાર છે, દાક્તરનું ભણે છે ને! પણ ચા-કોફી ને લીંબુશરબત બનાવવા સિવાય એ કંઈ શીખી નથી. આ તો અમે બેય સ્કૂલમાંથી જ ખાસ બહેનપણીઓ છીએ. એને મારા વગર જરાય ચાલે નહીં, બા!"
"તો તમે જાઓ બહેન, હું કંચનબાની રાહ જોઉં છું. આમ તો હવે આવવાં જોઈએ, કોણ જાણે, આજ કેમ થોડું મોડું થયું હશે?" મધુબાએ કહ્યું.
યશુ ઘેર જવા ત્યાંથી બહાર નીકળી, અને હજી શેરીમાંથી બહાર નીકળતી'તી ત્યાં જ સામે મોટર આવીને ઊભી રહી.
યશુ પણ ઊભી રહી. જોયું તો અંદરથી સુમિતસર કંચનનો હાથ ઝાલીને ધીરેથી બહાર નીકળતા'તા. બંને જણાં મોટરમાંથી બહાર નીકળતાં જ સુમિતસરનો એક હાથ કંચનના ખભે ને બીજો કંચનના હાથને પકડીને ધીરેધીરે ચાલતા જોઈને યશુ પાછી વળી ને ઝટપટ કંચનદીદીનો પલંગ ઝાપટીને પથારી વ્યવસ્થિત કરી.
તે તરત કંચનની સામે જઈને એનો બીજો હાથ યશુએ ઝાલી લીધો અને ધીમેકથી પલંગમાં બેસાડીને પૂછ્યું, "દીદી, કેમ રહ્યું?"
"ઠીક છે. પણ યશુ તું ક્યારે આવી, બહેન?"
"હું તો ક્યારની આવેલી ને ઘેર પાછી જતી'તી ત્યાં સામે જ મોટર આવતી જોઈ, તમને એમાં જોયાં, દીદી. એટલે હું ઘેર જવાને બદલે પાછી વળી."
"બહુ જ સારું થયું બહેન, તું પાછી વળી એ બહું ગમ્યું. બપોરની ચાની ટેવ ખરી ને, તે આજે ક્યાંથી પીવાય? બાટલો ચડતો'તો. મારે થોડી ચા પીવી છે, સુમિતને પણ બપોરની ચા બાકી છે. તું ચા મૂકીશ?... તો આપણે સંધાય પીએ."
"હા, દીદી." એટલું કહીને યશુ ચા મૂકવા રસોડામાં ગઈ.
આ તરફ મધુબાને જોઈને કંચને કહ્યું, "ભાઈએ આજે કવરાવ્યો નથી કે શું? હજી શાંતિથી ઊંઘે છે!"
"તે શાંતિથી ન સૂવે? આજ તો ભાઈએ ધરાઈને પેટ ભર્યું છે તે એવો ખીલ્યો'તો, શું વાત કરું?"
"બા, તમે પેટ ભરાવ્યું કે શું?"
"ના રે, બા. મારી તો ઉંમર છે, હું કેમની ભરાવું? પણ યશુબહેન ખરાં કે નહીં? એને મેં કીધું કે 'બહેન, તમેય સોનુની માસી જ છો ને! મા ને માસી- બેય સરીખાં!' એટલે પહેલાં તો યશુબહેનને સંકોચ થયો, પણ બા, એનામાં ને તમારામાં મને કોઈ ફેર નથી લાગતો, હોંકે? એ તરત સમજી ગઈ ને તરત ભાઈને તેડીને રસોડામાં લઈ ગઈ ને ત્યાં બેસીને ધવરાવીને આવી! પછી તો ભાઈ એનાં ગાલે બે હાથ ફેરવતો'તો ને એવો મોજમાં આવી ગયેલો કે તમે જોયું હોત ને તો આજ તમારો અડધો રોગ વયો ગયો હોત. સાચું કહું છું, હોં બા?"
મધુબાની વાત સાંભળીને કંચનને અત્યંત રાજીપો થયો. ચા તૈયાર કરીને યશુ ટ્રેમાં ચાના ચાર કપ ભરીને લઈ આવી. બધાંએ ચા પી લીધી તે પછી યશુએ ઘેર જવા કંચનની રજા માંગી, પણ કંચન એના પર એટલી વારી ગયેલી કે એને પરાણે રોકી, ને જમ્યા સિવાય નહીં જવા દઉં એવી ભારપૂર્વક ટકોર કરી.
પછી બોલી પણ ખરી કે, "આશાને માટે અહીંથી જ ટીફીન ભરીને લેતી જજે, તારે ઘરે જઈને રાંધવું ન પડે."
કંચનની કોઈ વાત યશુ ટાળતી નહીં. યશુ એને એટલી ચાહતી હતી કે એ પ્રેમથી કંચનનું માનતી; જરાય ક્ષોભ નહીં કે જરાય નારાજગી નહીં. એણે જ સાંજે રસોઈ બનાવી નાંખી ને સૌની સાથે પોતે પણ જમી. પછી એક ટીફીન આશા સારુ લીધું ને કંચનબાના કહેવાથી વધેલી બધી જ રસોઈ સરખી રીતે વાસણોમાં ભરીને મધુબાને ઘેર લઈ જવા માટે આપી.
કંચન મધુબાને પગાર ઉપરાંત લગભગ રોજેરોજ વધેલી રસોઈ આપી દેતી, ઘરે છોકરાં માટે કોઈને કોઈ ચીજવસ્તુ મોકલી આપતી. એ મધુબાને કામવાળી તરીકે નહીં, પણ ઘરના સભ્યની જેમ જ રાખતી. મધુબા પણ કંચનની રખાવટનાં ભરપેટ વખાણ કરતાં થાકતાં નહીં.
તે દિવસે યશુને ઘેર જવામાં મોડું થયું હોવાથી કંચને યશુની ના છતાં પરાણે સુમિતને પણ તેની સાથે ઘર સુધી મૂકવાનું કહ્યું. યશુ તો એનું સ્કુટર લઈને આવેલી તેમછતાં સુમિત પણ એનું સ્કુટર લઈને સાથે મૂકવા ગયો. બંને યશુનાં ઘેર પહોંચ્યાં ત્યાં જ સુમિતે સ્કુટર પરથી ઉતર્યા વગર પાછા જવા માટે સ્કુટર વાળ્યું.
એટલે યશુએ વિવેક કર્યો, "સુમિતસર, વાંધો ન હોય તો અમારા ઘરે થોડીવાર રોકાઈને પછી નીકળો, અમે તમને ઝાઝીઘડી ખોટી નહીં કરીએ. અમે બેય બહેનો અહીં રહીએ છીએ તે જોવા થાય ને ક્યારેક જરૂર પડે તો અહીં આવી શકાય."
સુમિતે વગર આનાકાનીએ યશુના માન ખાતર સ્કુટર બંધ કર્યું ને એના ઘરમાં પ્રવેશ કર્યો.
"અરે, સુમિતસર પણ આવ્યા છે?" એમ કહીને આશાએ પાણીનો ગ્લાસ ભરીને સુમિતને આપ્યો. સુમિત ત્યાં સોફા પર બેઠો.
પાણી પી લીધું એટલે યશુએ કહ્યું, "સર, આજે તો તમને શેનો વિવેક કરું? આપણે જમીને જ આવ્યાં છીએ એટલે. છતાં પહેલીવાર આવો છો તો આઈસ્ક્રીમ ખાઈને જાવ. આશા હમણાં જ લઈ આવશે." યશુએ આશાને તરત આઈસ્ક્રીમ લેવા પણ મોકલી.
દરમ્યાન, યશુએ પ્રશ્ન કર્યો, "સાચું કહેજો, સાહેબ. દીદીને ખરેખર શું થયું છે? દિવસેદિવસે સાવ કથળતાં જાય છે!"
"કેન્સર છે, યશુ!! ઓપરેશન સલાહભર્યું નથી; દવા અને સેવા કરો, જેટલું જીવે એટલું સારી રીતે જીવે એવું ડોક્ટરે મને સ્પષ્ટ કહ્યું છે. કંચનને આ વાત ક્યારેય કરશો નહીં, પ્લીઝ." એટલું પરાણે બોલતાં સુમિત બંને હાથના ટેકે માથું નમાવીને બાળકની પેઠે રડવા માંડ્યો.
યશુની આંખમાંથી પણ આંસુની ધારાઓ નીકળવા માંડી. છતાં યશુ સ્વસ્થતાપૂર્વક સુમિતને કહેવા લાગી, "કંઈ નહીં, સર. હિંમત રાખો. ચિંતામાં ને ચિંતામાં તમને કંઈ થાય નહીં એ પણ જોવાનું હોય. સોનુનું ધ્યાન પણ રાખવાનું ને? મને થોડો અણસાર તો હતો જ અને એટલે જ તો હું ત્યાં આવું છું; તમને હેલ્પફુલ થવા માટે."
યશુએ પોતાના રૂમાલ વડે સુમિતના આંસુ લૂછ્યાં અને જરાય સંકોચ કે શરમ વગર સુમિતના માથે કોમળ હાથ ફેરવ્યો, ને એને શાંત કર્યો. યશુ જાણે કે સુમિતના ગાઢ પરિચયમાં ન હોય એવો ભાવ એનાં ચહેરો પર સ્પષ્ટ રીતે વર્તાતો હતો.
આશા આઈસ્ક્રીમ લઈને આવી ગયેલી. ત્રણેય જણાંએ આઈસ્ક્રીમ ખાઈ લીધાં પછી સુમિત ત્યાંથી તરત નીકળી ગયો. બંને બહેનોએ ભલામણ કરી કે, "રસ્તામાં કોઈ જ નેગેટિવ વિચાર કર્યા વગર જ ઘેર જજો."
યશુએ ટીફીન ખોલીને આશાને જમવા બેસાડી. આશાને સુમિતની ને કંચનની હાલત સાંભળીને જમવાની અનિચ્છા હોવા છતાં "કંચનદીદીએ ટીફીન મોકલ્યું છે" એમ જાણીને આશાએ મનેકમને જમી લીધું. પછી બંને બહેનો પથારીમાં સૂવા માટે લાંબી થઈ, પણ ઊંઘ શેની આવે?! બસ, એકમાત્ર કંચનનાં જ વિચારોમાં આખી રાત વીતાવી.
આગલા દિવસે કંચનદીદીના ઘેર પોતે ગયેલી ને ત્યાં શું પરિસ્થિતિ હતી તથા એણે કંચનદીદી વતી દીકરા સોનુને પેટ ભરાવેલું વગેરે હકીકતથી બીજે દિવસે યશુએ આશાને વાકેફ કરી.
એ સાંભળીને આશાએ કહ્યું, "દીદી, તું જે કંઈ કંચનદીદી માટે કરી રહી છે તે જરીકે ખોટું નથી. હું તો કહું છું કે તું ત્યાં રોજ જવાનું રાખ. મારી લગીરે ચિંતા નહીં કરતી. સવારે કોલેજ જતાં પહેલાં તું એક ટાઈમ તો રસોઈ બનાવીને જ જાય છે; સવાલ સાંજના ટાઈમનો છે, એ તો હું ચલાવી લઉં. એવું કર કે તું બે-ત્રણ દિવસ સવાર-સાંજ ચાલે અને બગડે નહીં એવું—મેથીના થેપલાં કે પુરી કે પછી સક્કરપારા એવું કંઈક બનાવી રાખે ને, તો હું બંને ટાઈમ ચાની સાથે ખાઈ લઉં. એ પછી તું ત્યાં બે-ત્રણ રાત રોકાઈ જાય ને ત્યાંથી જ બારોબાર કોલેજ આવ-જા કરે તો કેવું?"
યશુ આશાની વાત સાથે સહમત થઈ અને આજે પણ તે કંચનદીદીને ત્યાં ગઈ. ત્યાંથી રાતે ઘેર આવીને થોડાં સક્કરપારા ને થોડી ફરસી પુરી બનાવી રાખી જેથી હવે ત્રણેક દિવસ એ કંચનદીદીને ત્યાં જ રાત રોકાઈને કોલેજ આવ-જા કરી શકે.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
