મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૯)
કંચનદીદીની તબિયત વિશે તેમજ સોનુને યશુએ પોતે છાતીએ વળગાડીને ધવરાવ્યો વગેરે હકીકતથી આશાને વાકેફ કરી એટલે આશાએ કંચનદીદીને ત્યાં રોજેરોજ જવાનું યશુને સૂચન કરતાં જણાવેલું કે તેના માટે મેથીના થેપલાં કે પુરી કે પછી સક્કરપારા એવું કંઈક બનાવી રાખે ને, તો તે બંને ટાઈમ ચાની સાથે ખાઈ લે અને એ પછી યશુ ત્યાં બે-ત્રણ રાત રોકાઈ જાય ને ત્યાંથી જ બારોબાર કોલેજ આવ-જા કરે તો કંઈ જ ખોટું નથી.
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
યશુ આશાની આ વાત સાથે સહમત થઈ અને આજે પણ તે કંચનદીદીને ત્યાં ગઈ અને ત્યાંથી રાતે ઘેર આવીને થોડાં સક્કરપારા ને થોડી ફરસી પુરી બનાવી રાખી જેથી હવે ત્રણેક દિવસ એ કંચનદીદીને ત્યાં જ રાત રોકાઈને કોલેજ આવ-જા કરી શકે.
બીજે દિવસે કોલેજ પૂરી કરીને યશુ સીધી જ કંચનદીદીને ત્યાં ગઈ. એને જોઈને કંચને કહ્યું, "સરસ! મારી યશુ આવી ગઈ છે. બહેન, તારા હાથે સરસ મજાની ચા બનાવ, હું તારી જ વાટ જોતી હતી."
ચા મૂકતાં પહેલાં યશુએ સોનુની ભાળ મેળવી. સોનુ જાગવાની તૈયારીમાં હતો.
યશુએ કહ્યું, "દીદી, સોનુને જગાડું? એને સવારે પેટ ભરાવેલું કે નહીં?"
"હા, યશુ. મેં ભરાવેલું. પણ એનું પૂરું પેટ નથી ભરાતું એટલે કજિયે ચડેલો, માંડમાંડ છાનો રહી શક્યો; કદાચ થાકીહારીને છાનો રહ્યો હશે. તું આજેય પેટ ભરાવતી હોય તો જગાડ એને, વાંધો નહીં."
"દીદી, હું બે-ત્રણ દિવસ અહીં રોકાઈ શકું? જેથી અહીંથી જ કોલેજ આવ-જા કરી શકાય ને તમને મદદરૂપ થવાય. સવારની ચા, રસોઈ હું બનાવી લઈશ ને સોનુને પેટ ભરાવીને પછી જ કોલેજ જઈશ અને કોલેજથી છૂટીને સીધી અહીં જ આવી જઈશ. એટલે સોનુની ચિંતા નહીં રહે."
"પણ યશુ, આશાને તકલીફ નહીં પડે?"
"ના, દીદી. હું આશા માટે સવાર-સાંજ, બંને ટાઈમ ખાવાપીવાની બધી વ્યવસ્થા કરીને જ અહીં આવી છું; બે-ત્રણ દિવસ તો ચાલશે જ. અને સાચું કહું દીદી? મારી આશાએ જ મને આવી છૂટ આપી છે. તે પણ તમને ખૂબ ચાહે છે, હોં દીદી!"
"યશુ, બહેન! તમે બેય બહેનો મને વહાલી છો અને તું તો ખાસ મારી કોઈ ગયા ભવની ઋણી હોય તેમ લાગે છે, તે આ ભવે મારા દુઃખમાં સહભાગી બનવા આવી જાય છે."
"દીદી, હું તમારામાં મારી માનું દર્શન કરું છું; કોઈ ઉપકાર નથી કરતી. દીકરી માની પડખે દુઃખમાં ઊભી ન રહે? મા કરતાં કોઈ મોટું છે જગમાં?"
કંચન સાથે આટલી આત્મીયતાપૂર્વક વાતચીત કર્યા પછી યશુએ ઊંઘી રહેલા સોનુને વહાલથી જગાડ્યો ને તેડી લીધો. સોનુ પણ એના હાથનો મખમલી સ્પર્શ જાણે ઓળખતો હોય એમ જરાય રડ્યો નહીં. યશુએ પાંચ-સાત મિનિટ એને છાતીએ વળગાડીને પેટ ભરાવ્યું. નવરી થઈ એટલે સોનુને કંચનદીદીના હાથમાં આપીને રસોડામાં ચા બનાવવા ગઈ.
કંચને ને યશુએ ચા પી લીધી. સુમિતને આવવાને હજી વાર હતી. યશુ અને કંચન બેય એકલાં બેઠાંબેઠાં વાતોએ ચડ્યાં. કંચને એનાં લગ્ન પહેલાંની બધી રસપ્રદ વાતો કરી. યશુને સાંભળવામાં રસ પડ્યો હતો.
આજે કંચન રોજ કરતાં થોડી "મૂડમાં" લાગતી હતી એટલે યશુએ કહ્યું, "દીદી, તમે બીમાર હોવ એવું આજે તો જરાય લાગતું નથી. રોજેરોજ આવી રીતે મૂડમાં રહેતા હોવ તો!? સુમિતસરને પણ હાશ થાય, એ બાપડા તમારી કેટલી બધી ચિંતા કરતા હોય છે?"
"યશુ, આજે અહીં આપણાં બે સિવાય કોઈ નથી. મારા મનમાં એક વિચાર આવ્યા કરે છે, તને કહું કે ના કહું, એવી મથામણ થાય છે."
"બોલોને દીદી, તમને હું કહેવા યોગ્ય લાગતી હોઉં તો જરૂરથી કહો. જરાય સંકોચ રાખ્યા વગર કહો."
"એક શરત છે કે હું જે વાત કરું એ વિશે તારે હમણાં કોઈનેય એ વાત કરવાની નહીં; સુમિતને પણ નહીં."
"દીદી, એવી કઈ વાત છે કે જે તમે સુમિતસરને પણ કહેવાની ના પાડો છો? હવે તો મને પણ ચિંતા થાય છે કે જે વાત હોય તે, પણ તમે સુમિતસરને પણ કહેવા નથી માંગતા, તો નક્કી વાત બહુ ગંભીર હશે! જલ્દી કહો, દીદી."
"હા, ગંભીર તો છે જ. સુમિત મને અનહદ ચાહે છે અને તેથી એ વાત જો એ સાંભળે ને તો હું મરું એ પહેલાં એ સાનભાન ગુમાવી બેસે, એવી મને બીક છે."
"તો તો હું પણ સાંભળી નહીં શકું, દીદી! હું પણ તમને ખૂબ ચાહું છું."
"પણ તને તો મારે કહેવી પડે એમ છે; તું જેમ મને ખૂબ ચાહે છે એમ હું પણ તને અત્યંત ચાહું છું, યશુ. તારા સિવાય મારી વ્યથા હું કોને કહું, બેન?"
"તો જલ્દી કહો; સુમિતસર આવે એ પહેલાં."
"હા, તો હવે સાંભળ. હું ગમે ત્યારે કાયમ માટે ઉપર જતી રહેવાની છું. મારા ગયા પછી સુમિત અને સોનુ ક્યાંક રખડી પડશે એવી મને ચિંતા રહે છે." થોડીવાર અટકીને તેણે આગળ ચલાવ્યું, "મારું તો મન તને એમ પૂછે છે કે... મારા ગયા પછી તું સુમિતને પરણે ખરી?"
યશુ આ સાંભળતાંવેંત મૂંઝાઈ ગઈ. શું જવાબ આપવો? કંઈ જ સૂઝતું નથી. કંચને યશુની મનોસ્થિતિ જોઈને આગળ કહ્યું, "સોરી... સોરી, મારી બેન. મેં તને બળ્યું એવું પૂછી નાંખ્યું કે હવે મને પસ્તાવો થાય છે! મારે આવું પૂછવું જ ન જોઈએ ને!"
"પણ દીદી, તમે વારેવારે 'હું નહીં જીવું' એવું શા માટે કહ્યા કરો છો? ભગવાન, મારા રામજી બહુ દયાળુ છે, તમને સાજા કરી દેશે."
"બહેન, ભગવાનેય શું કરે? હું થોડી કંઈ નાસ્તિક છું? આ તો કરમનાં ફળ આપણે ભોગવવા જ પડે. હશે કોઈ મારા એવા કરમ, ગયા ભવનાં—તે હું સુમિતને પરણીને એને અધવચ્ચે મૂકીને જતી રહીશ, એવું વિધાતાએ માંડ્યું હશે! મને થોડી અકાળે મરવાની ઈચ્છા થતી હોય? પણ, હું જાણું છું કે હું અકાળે જ, થોડા દિવસોમાં જ ચાલી જઈશ. મને કોઈ અસાધ્ય બીમારી વળગી છે; સુમિત મારાથી ભલે છૂપાવે છે, પણ મને અંદેશો આવી ગયો છે."
"સુમિત ને હું એકમેકને એટલાં બધાં ચાહીએ છીએ કે વાત ના કર! સુમિત મારો લાખોમાં એક છે; એવા ભરથારને છોડીને ચાલ્યા જવાનું થોડું જ મને ગમતું હશે? મારા વગર એ કેમના રહી શકશે? પણ જ્યારે સામે જ હું મારું મોત જોઈ રહી હોઉં ત્યારે મને મારી પાછળ આ બેયની ચિંતા તો થાય ને બહેન? માત્ર તારામાં હું એ શક્તિ જોઈ શકું છું કે તું સુમિતની સાથે હોઈશ તો મારી ગેરહાજરી એ સહી શકશે. પણ, તારી ઈચ્છા ન હોય તો મારાથી થોડી બળજબરી કરાય? આ તો તારું મન માનતું હોય તોની જ વાત છે. જો તું 'હા' પાડે તો મને એટલી તો નિરાંત રહે કે સોનુ અને સુમિતને સાચવે એવું છે કોઈ!"
કંચને યશુનો પ્રતિભાવ જાણવા એની સામે જોયા કર્યું. યશુએ શરમાઈને નીચે માથું હલાવીને કેવળ ઈશારાથી જ "હા"નો જવાબ આપ્યો, પણ એની આંખોમાંથી તો દડદડ આંસુ ઊભરી આવ્યા હતા. કેમ કે યશુના દિલમાં કંચન પ્રત્યે અપાર પ્રેમ અને અહોભાવ હતો અને સુમિત એને ગમતો હોવા છતાં એણે મરણોન્મુખ કંચનની લાચારીનો લાભ લઈને સુમિત સાથે પરણવાની લેશમાત્ર અપેક્ષા રાખી નહોતી; યશુ તો મનમાં કંચનની આવરદા વધે ને સુમિતસર સાથેનું દાંપત્યજીવન લાંબું ટકે એવી શુભ ભાવના સેવતી હતી.
છતાં કંચનદીદી પ્રત્યેનાં પ્રેમને કારણે તેની ઈચ્છાને વશ થઈને એણે જેવું કંચનની વાતને સંમતિસૂચક સમર્થન આપ્યું કે તરત જ કંચને એને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. એટલે જેવી યશુ એની પાસે ગઈ કે તરત જ કંચને યશુને ખોળામાં લીધી, એની ભીની થયેલી આંખો લૂછી અને જાણે યશુ પણ એનું બાળક જ હોય એમ એને માથે ને ગાલે હાથ ફેરવીને પંપાળ્યા કર્યું, ને પછી મીઠું ચુંબન પણ કર્યું. યશુ પણ જાણે એની માના ખોળામાં બેઠી હોય અને મા જે વહાલ કરતી હોય તેવો સુખદ અનુભવ કર્યો.
પછી યશુ કંચનના ખોળામાંથી ઊભી થઈ એટલે કંચને કહ્યું, "આ વાત આપણે બે જ જાણીએ. જ્યાં સુધી તું માવતરની સંમતિ ન મેળવે ત્યાં સુધી તો તું આશાનેય આ વાત કરતી નહીં. હોંકે?"
"પણ દીદી, આશા અને હું જુદા નથી; અમે બંને એકબીજાથી કોઈ વાત છૂપાવી શકતાં નથી અને મારા માવતરને પૂછવાની મારી જીગર પણ કેમની ચાલે? આ તો આશાને કીધું હોય, ને એને જોડે લઈને ગામડે મારા ઘરે જઈને આ વાત કરવી હોય તો આશા બેધડક કરી શકે એવી ખરી, હોં દીદી!"
"હા તો, બસ. આશાને આ વાત કરજે જ. અને વાત પાકી થાય તે પછી જ આપણે સુમિતને પણ વાત કરશું જ, ત્યાં લગી નહીં, બરાબર? અને હા, જેમ બને તેમ જલ્દી કરવું પડે. હું જતી રહું એ પહેલાં થાય તો હું નિરાંતે મરી શકું. આમેય તારી 'હા' થઈ છે એટલે મને અરધીપરધી નિરાંત તો થઈ જ ગઈ છે! પણ મારી નાની બહેનના નાતે તને હું દીકરી તરીકે પણ માની શકું ને? મોટી બહેન મા સમાન કહેવાય કે નહીં?"
"હા, દીદી કહેવાય જસ્તો! હું પણ તમારામાં મારી માનું દર્શન કરું છું."
"તો પછી મા ઊઠીને દીકરીનું સારું જ વાંચ્છે ને? સુમિત બધી રીતે તને લાયક હોય તો જ હું તને કહું ને? આ તો અમારાં લગન નાની ઉંમરે થયા એટલે બે વરસમાં એક બાળક પણ થયું. બાકી કંઈ સુમિતની ઉંમર વધુ ન કહેવાય, પચીસ-છવ્વીસ થી વધારે નથી જ. અને તનેય અઢાર-ઓગણીસ તો હશે જ ને?"
"હા, દીદી. વીસમું ચાલે છે."
"તો બેયની ઉંમરમાં પાંચ-છ વરસનો ફેર તો હોય જ ને? એ કંઈ બહુ ફેર ના કહેવાય. પણ, સાચે જ તને સુમિત ગમે તો છે ને બહેન?"
"હા, દીદી. હા, મમ્મી! તમને ગમતી બધીય વસ્તુ મને પણ ગમે જ છે." યશુએ પરાણે સહેજ હસતું મોં રાખીને કંચનદીદીના ખભે માથું ટેકવીને જવાબ આપ્યો.
"આજે સુમિતને આવતાં થોડું મોડું થયું હોય એમ જણાય છે. તું હવે રસોડામાં જઈ રાંધવાનું ચાલુ કર. તને ભાવતી વસ્તુ આજે બનાવજે." કંચને યશુને કહ્યું.
"મને બધું જ ભાવશે ને ચાલશે, દીદી. આજે તમને ભાવતી વસ્તુ જ આપણે બનાવીએ. બોલો દીદી, શું બનાવું?"
"મને તો યશુના હાથે ઝેર મળે ને તોયે હું પ્રેમથી ગટગટાવું! સમજી, યશુ?"
"દીદી, એવું ન કહો. ઝેર તો મારા દુશ્મનને પણ હું ન દઉં."
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
