મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૦)
સુમિતને આવતાં થોડું મોડું થયું એટલે કંચને યશુને રસોડામાં જઈ રાંધવાનું ચાલુ કરવાનું અને યશુને ભાવતી વસ્તુ જ બનાવવાનું કહ્યું.
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
એટલે યશુએ તરત કહ્યું, "મને બધું જ ભાવશે ને ચાલશે, દીદી. આજે તમને ભાવતી વસ્તુ જ આપણે બનાવીએ. બોલો દીદી, શું બનાવું?"
"મને તો યશુના હાથે ઝેર મળે ને તોયે હું પ્રેમથી ગટગટાવું! સમજી, યશુ?"
"દીદી, એવું ન કહો. ઝેર તો મારા દુશ્મનને પણ હું ન દઉં."
"મારો કહેવાનો અર્થ એવો છે કે તું આજે જે રાંધીશ એ હું ધરાઈને આરોગીશ."
"સાચું કહું દીદી? મને ગરમાગરમ દાળઢોકળી બહુ ભાવે. પણ દીદી, સુમિતસર એ ખાશે?"
"હાસ્તો! શું કામ ન ખાય? તું પ્રેમથી આજે દાળઢોકળી જ બનાવ. અને જો, વધારે બનાવજે હોં? મધુબાને પણ ડબો ભરીને ઘર માટે અપાય ને!"
યશુએ રસોડામાં જઈ રાંધવાનું શરૂ કર્યું. મનમાં વિચારે છે, 'દીદી કેટલી બધી ઉદાર પણ છે! મધુબાને ઘર માટે રોજેરોજ જે બનાવ્યું હોય તે આપવાનું કદીયે ભૂલતાં નથી; નહીં તો આ સમયમાં કામવાળી બાઈ માટે કોણ આવી ચિંતા કરે? વળી, મધુબા તો દીદીને ને સુમિતસરને—બેયને મન કામવાળી બાઈ નહીં, પણ ઘરની જ કોઈ વડીલ સભ્ય જ જાણે ન હોય! આવી ઉદારતા, આટલો પ્રેમ ને આવું મનમોહક રૂપ—બધું જ ભગવાને આ દીદીને છૂટાહાથે આપ્યું છે, તો પછી એને આયુષ્ય આપવમાં ઈશ્વરે આટલી કંજૂસાઈ શીદને રાખી હશે? એ સમજાતું નથી.'
ગરમાગરમ દાળઢોકળી તૈયાર કરીને, મોટી તપેલીમાં ઢાંકીને યશુ કંચન પાસે આવીને બેઠી. સુમિતની રાહ જોવાતી હતી. સુમિત આવી ગયો એટલે કંચને કહ્યું કે આજે તમારે રોજ કરતાં થોડું મોડું થયું છે તેથી ઝડપથી હાથ-પગ-મોં ધોઈને ફ્રેશ થઈ જાવ એટલે યશુને ભાવતી વસ્તુ—દાળઢોકળી બનાવી છે, તે બધાંય જમી લઈએ.
કંચને બધાંની સાથે જ રસોડામાં બેસીને જમવાની ઈચ્છા રાખેલી એટલે રસોડામાં આસનિયાં પથરાઈ ગયાં. બધાં જમવા બેઠાં. સુમિતે કંચનને ચમચીથી દાળઢોકળી ખવરાવવાની શરૂઆત કરી; એકવાર કંચનને ખવરાવે ને પછી પોતે ખાય, વળી બીજી ચમચી કંચનના મોંમાં મૂકે ને પછી પોતે ખાય. આ રીતનો શિરસ્તો બંનેનાં લગ્ન બાદ શરૂ થયેલો. યશુને સુમિતની આ ટેવ ખૂબ ગમતી હતી, બંને વચ્ચે રહેલાં અપાર પ્રેમની—સુખી દાંપત્યની એ નિશાનીરૂપ હતું.
જમી લીધાં પછી કંચને યશુ તરફ જોઈને કહ્યું, "આજે તારી આ વાનગી આરોગવાની ખૂબ મજા આવી; આજે ખરેખર મેં ધરાઈધરાઈને ખાધું, હોં?"
"યશુ, થેન્ક્યુ. ખરેખર મજા આવી. કંચન જ્યારે વખાણ કરે ત્યારે સમજી લેવાનું કે એમાં જરીકે અતિશયોક્તિ ન હોય. કંચન બહુ ખેલદિલ છે; એ ક્યારેય કોઈને સારું લગાડવા માટે નહીં, પરંતુ એને પોતાને જ્યારે સારું લાગ્યું હોય ત્યારે જ એ કોઈનાં વખાણ કરે."
સુમિતના મુખેથી પોતાનાં વખાણ સાંભળીને યશુએ કહ્યું, "હું પણ દીદીની દરેક વાત સ્વીકારું જ છું ને? અને સાચું કહું સર, તો દીદીએ મારું દિલ જીતી લીધું છે તેથી જ તો હુંયે દીદી પાસે વગર બોલાવ્યે દોડી આવું છું."
"હા, યશુ. તારે ને મારે ક્યાં કોઈ લોહીનો સંબંધ છે? છતાં મેં કહ્યું તેમ, કોણ જાણે કેમ, પણ આ જન્મે નહીં તોયે ગયા કોઈ જનમની મારી ને તારી લેણદેણ રહી હશે, તેથી તું મને બહુ જ વહાલી છે; જેટલો મારો સોનુ ને સુમિત મને વહાલાં છે એટલી તું પણ છે."
કંચનની વાત સાંભળીને યશુએ કેવળ બે હોઠોથી મંદપણે હસવા સિવાય કોઈ બીજો ઉત્તર ન દીધો. યશુ જ્યારે આ રીતે હસતી ત્યારે એની આંખોમાંથી જાણે કે અમીરસ ઝરી રહ્યો હોય! ને એનાં માખણ જેવાં મુલાયમ અને પૂર્ણરૂપે ખીલી ઉઠેલાં કમળ જેવાં ગુલાબી ગાલો પર પડતાં ખંજનને કારણે એની સુંદરતામાં ઓર વધારો થતો જોવા માટે કંચનની આંખો પણ તરસતી રહેતી. યશુની સુંદરતાને લીધે કે કંચનની સુંદરતાને લીધે એ બંનેમાંથી કોઈનેય સ્ત્રીસહજ ઈર્ષ્યા ક્યારેય થતી નહીં. ક્યારેય એકબીજાનાં પ્રતિસ્પર્ધી હોય તેમ વર્તતાં પણ નહીં. ઉલ્ટાનું, એ બંને એકમેકનાં લાવણ્યસભર રૂપથી અત્યંત પ્રભાવિત થઈને એકમેકમાં ભળી જતાં ને તેથી જાણે કે આજુબાજુનું વાતાવરણ પણ પવિત્ર બની જતું; જેમ ગંગા અને યમુનાનું સંગમ તીર્થક્ષેત્ર બની જતું હોય તેમ.
જોકે, યશુ કોઈ માનપાનની ભૂખી પણ નહોતી. એણે તો કંચનમાં જે જોયું ને અનુભવ્યું તેથી આ જગતમાં કંચન જેવી કોઈ પ્રેમાળ, ઉદાર, કોઈના પ્રત્યે કોઈ જ કુભાવ નહીં એવી આ મહાન સ્ત્રીના વ્યક્તિત્વથી અંજાઈને જ બધું કરતી હતી. એટલે યશુના મનમાં કંચન પ્રતિ ઉપકારનો કે કોઈ બીજો એવો ભાવ જ નહોતો; માત્રને માત્ર સ્નેહ અને વાત્સલ્યનો જ ભાવ! યશુ પણ ક્યાં કંચનથી જરાય ઉતરતી હતી! યશુ અને કંચન, બંનેનાં વ્યક્તિત્વમાંય કોઈ જ ફેર નહોતો અને તે કારણે જ તો પોતાના મૃત્યુ પછી સુમિત સાથે યશુ પરણે એવી લાગણી કંચનનાં અંતરમાંથી જ તો સ્વયંભૂ પ્રગટેલી!
સમયને કદી કોઈ બાંધી શક્યું નથી. બે દિવસ પછી સોનુનો જન્મદિવસ હતો. કંચન સુમિતને સૂચના આપતી હતી, "બે દિવસ પછી આપણાં સોનુના જનમદિવસે તેને સરસ મજાનાં વસ્ત્રો પહેરાવવા સારુ આજે જ ખરીદી કરી આવો, સુમિત. હું તો જોડે નહીં આવું તો ચાલશે, પણ યશુને સાથે રાખીને જાઓ, કેમ કે આપણાં બેય કરતાં પણ એની પસંદગી ચડિયાતી છે. તેનાં સુંદર રૂપ જેવી જ તેની પસંદગી હોય ને!"
સુમિતે કહ્યું, "આજે યશુ આવવાની જ છે. હું ઓફિસેથી વહેલો આવી જઈશ તે પછી યશુને સાથે રાખીને સોનુનાં કપડાં જરૂરથી લેતો આવીશ."
કંચન બોલી, "તો પછી યશુ માટે પણ સરસ મજાનો ડ્રેસ કે સાડી—એને જે ગમે તે લેતા આવશો? મારી ઈચ્છા છે. એ ના કહે તોપણ આપણે એને અપાવીએ ને સોનુના જન્મદિવસે એ પણ નવાં કપડાં પહેરે, બરાબર ને? આપણાં માટે તે કેટલું બધું કરે છે? અને તે પણ કોઈ સ્વાર્થ વગર! સાચું કહું તો આ લોકમાં કોઈ પરમ કર્તવ્ય સારુ જ યશુને ઈશ્વરે મોકલી છે. યશુ તો દેવદૂત છે, સુમિત."
સુમિતે હામી ભરી, "હા. નહીં તો આટલા ટૂંકા પરિચયમાં કોણ આપણું થઈને આવે? કંચન, તારે પણ એ દિવસે નવાં કપડાં જ પહેરવાના છે. તારા માટે પણ યશુને ગમે એવી સાડી લઈ લઈશ."
કંચન કહે, "મારી પાસે તો લગ્નની ઘણી બધી સાડી એમનેએમ પડી છે. હજી લગી બે-ત્રણ સાડી સિવાય ક્યાં બીજી પહેરી જ છે? એટલે મારે માટે તો લેવાની જરૂર નથી, પણ મધુબાને માટે ખાસ લેજો—ભૂલ્યા વગર, હોં સુમિત?"
યશુ આજે વહેલી આવી ગઈ હતી. સુમિત અને કંચન—બંને માટેનું જમવાનું ટીફીન લેતી આવેલી, ને સુમિત ઓફિસે જમ્યા વગર ન નીકળી જાય એની કાળજી રાખેલી. યશુને ટીફીન સાથે આવતી જોઈને કંચન બોલી, "આ છોકરી આપણાં માટે અનહદ ઘસાય છે. કેટલી બધી લાગણી છે એને? આથી સુમિત, એ જે લાવી હોય તેને ઠુકરાવતા નહીં, આપણે બેય એનું રાંધેલું ખાઈ લેશું. એનું રાંધણું પણ સરસ હોય છે. વળી, એમાં એનો ભીનો લાગણીસભર ભાવ પણ હોય ને! એટલે આપણાં વિચારો કદી નબળાં ન પડે! સુમિત, યશુમાં આજની છોકરીઓની જેમ જરાય આછકલાઈ નથી હોં! બહુ સીધીસાદી, સુશીલ ને સુંદર પણ, નહીં?"
"હા, કંચન. તું કહે છે એવી જ એ છે. બિલકુલ તારા જેવી, બરાબર ને?"
યશુ આ બધું સાંભળી રહી હતી એટલે પોતાના વિશે વધુ પ્રશંસા ન થાય એ હેતુથી બોલી, "દીદી, મારા પ્રત્યે તમારો અહોભાવ છે એ જ ઘણું છે. હું મારા રામની મરજીમાં હોય તેનાથી જુદું કંઈ જ કરતી નથી તેથી મારી પ્રશંસા શું કામ કરો છો?"
"અરે યશુ! તું પ્રશંસાની અધિકારી છે એટલે જ કરીએ છીએ. મારા સોનુનો જનમદિવસ આવે છે તેથી તને પણ મારે મનગમતો ડ્રેસ કે સાડી અપાવવી છે. ના પાડીશ નહીં."
"મારા માટે કોઈ ડ્રેસ કે સાડી ખરીદવાની જરૂર નથી, મારી પાસે નવો જ ડ્રેસ છે તે હું સોનુના જનમદિવસે પહેરીશ."
"તારી પાસે સાડી ખરી કે?" કંચને પૂછ્યું.
"ના દીદી, મને તો હજી સાડી પહેરતાંય આવડતું નથી, તો સાડી રાખીને શું કરું?"
"તો તો હું તને સાડી પહેરતાં શીખવીશ, યશુ. મારી પાસે તો ઘણી સાડીઓ છે, એમાંથી તને જે ગમે તે તું રાખી જ લેજે. મોટીબેન તરફથી ભેટ, બરોબર? મારે તને સોનુના જનમદિવસે સાડીમાં જોવી છે. સાડીમાં તારા રૂપને નિહાળવું છે. પહેરીશ ને?"
"દીદી, તમે કહો છો તો જરૂર પહેરીશ. પણ તમારે મને પહેરાવવી પડશે."
"તો પહેરાવીશ જ ને! તને શીખવાડી પણ દઈશ."
કંચને યશુને પ્રેમથી આવું કહેતાં યશુ અત્યંત પ્રસન્ન થઈ અને ઉતાવળે ચાલીને કંચનનાં પડખામાં સૂઈ રહેલાં સોનુની પાસે જઈ એને વહાલથી જગાડીને રમાડવા માંડી. થોડીવારે સોનુને છાતીએ વળગાડીને કંચનને પૂછ્યા વગર જ સ્તનપાન કરાવવા લાગી. કંચનને આ દ્રશ્ય જોવું ખૂબ ગમ્યું. જાણે કે દેવકીનંદનને (કાનુડાને) યશોદાજી સ્તનપાન કરાવતાં હોય, એ દિવ્ય દ્રશ્યને દેવકીમા પોતે સગી આંખે નિહાળી રહી ન હોય!!
કોઈ સાંભળી ન શકે એ રીતે કંચનથી સાવ ધીમા સાદે સહજ રીતે જ બોલાઈ જવાયું, "યશુ, હવે મને સુમિતની કે સોનુની જરીકેય ચિંતા નથી રહી. બસ, ભગવાન કરે... ને મારા ગયા પછી બધું સાંગોપાંગ ઉતરે, ને સુમિત સાથે તારા લગન થઈ જાય એટલે મને સદગતિ થશે!"
જોકે, કંચનની લગોલગ બેઠેલી યશુએ કંચનનું બોલ્યું સાંભળીને તરત અત્યંત ધીમેથી, કોઈ ન સાંભળે એમ કંચનને કહ્યું, "દીદી, ચિંતા ન કરો. તમે પોતે જ કોઈ દેવીથી કમ નથી. તમારી અંતરની ઈચ્છાથી વિપરીત કશું જ ઈશ્વર થવા નહીં દે! એવો ભરોસો મને પણ છે. પણ દીદી, હું આ બધું સંભાળી તો શકીશ ને?"
"મારો આત્મા જ્યાં પણ હશે, ત્યાં તારી સાથે જ, તને સહાય કરતો રહેશે, દીકરી!! જરાય ચિંતા કરીશ નહીં." કંચને યશુને આશ્વસ્ત કરતાં કહ્યું. કંચન અને યશુ વચ્ચેનો સંવાદ જાણે કે, દિવ્યલોકમાં મમતાની બે દેવીઓ વચ્ચેનો સંવાદ ન હોય! એમ આ લોકમાં એ સંવાદ કોઈ થોડું સાંભળી શક્યું હોય?
સોનુના જન્મદિવસે એને પહેરાવવાનાં નવાં કપડાં યશુની પસંદગીનાં આવી ગયેલાં, મધુબાની સરસ મજાની સાડી પણ. આગલા દિવસે યશુ કંચનદીદી પાસે જ રોકાઈ ગયેલી તેથી વહેલી પાંચ વાગે યશુ ઊઠી ગઈ. કંચન તો જાગતી જ પડી રહેલી.
ઊઠીને યશુએ મા સમાન ગણતી કંચનદીદીને ચરણસ્પર્શ કર્યા. કંચને હોંશભેર પટારામાંથી કાઢીને પોતાના ઓશીકા તળે મૂકી રાખેલી નવીનકોર સાડી, યશુ જેવી નાહીપરવારીને બહાર આવી કે તરત પહેરાવવા માટે અધીરી બની. એણે યશુને સાડી પહેરાવતી વખતે પૂરી સમજણ પણ આપી જેથી પ્રસંગ આવ્યે યશુ જાતે પણ સાડી પહેરી શકે.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
